Home Blog Page 3830

પ્રોફેસર સુધીર જૈન US-NAEના સભ્ય તરીકે ચૂંટાયા

ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગર (IITGN)ના ડિરેક્ટર પ્રોફેસર સુધીર કે. જૈન એન્જિનિયરો, વિશ્વના શિક્ષણવિદો અને ઉદ્યોગપતિઓની મશહૂર અગ્રણી સંસ્થા યુએસ નેશનલ એકેડમી ઓફ એન્જિનિયરિંગ (US NAE)ના આંતરરાષ્ટ્રીય સભ્ય તરીકે ચૂંટાયા છે. હાલમાં US NAEમાં ભારતમાંથી ફક્ત 16 આંતરરાષ્ટ્રીય સભ્યો છે, જેમાં રતન ટાટા, મુકેશ અંબાણી, એન. આર. નારાયણ મૂર્તિ, ડો. કિરણ મજૂમદાર શો અને ડો. રઘુનાથ એ માશેલકરનો સમાવેશ થાય છે.

પ્રોફેસર જેન એ વર્ષ 2021માં 23 આંતરરાષ્ટ્રીય સભ્યોમાં સામેલ છે અને આ પ્રતિષ્ઠિત સંસ્થામાં હાલમાં ચૂંટાયેલા આઇઆઇટીના એકમાત્ર ડિરેક્ટર છે. ત્રીજી ઓક્ટોબર, 2021ની NAEની વાર્ષિક બેઠકમાં તેમને ઔપચારિક રીતે સામેલ કરવામાં આવશે. US NAE દ્વારા નવ ફેબ્રુઆરી, 2021એ આ જાહેરાત કરવામાં આવી હતી અને આ સંસ્થામાં 2355 અમેરિકાના સભ્યો અને 298 આંતરરાષ્ટ્રીય સભ્યો છે.

એન્જિનિયર રિસર્ચ, પ્રેક્ટિસ અથવા શિક્ષણ ક્ષેત્રે એક એન્જિનિયરના મહત્ત્વના યોગદાન માટે, એન્જિનિયરિંગ સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન સહિત અને ટેક્નોલોજીના નવા અને વિકસતા ક્ષેત્રોમાં પહેલ કરવા માટે નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગમાં એન્જિનિયરને ચૂંટણીમાં ચૂંટી કાઢવામાં આવે છે. વળી, NAEમાં વ્યક્તિગત રીતે સભ્યપદ માટે અરજી કરી ના શકાય. સભ્યો એક વર્ષની લાંબી પ્રક્રિયા પછી –હાલના NAEના સભ્યો દ્વારા સભ્યને ચૂંટી કાઢવામાં આવે છે. પ્રોફેસર જૈનને વિકાસશીલ દેશોમાં ભૂકંપ એન્જિનિયરિંગના નેતૃત્વ માટે સંસ્થા ચૂંટી કાઢવામાં આવ્યા હતા.

મારા માટે આ ગર્વની બાબત છે. એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, વેપાર ક્ષેત્રના ટોચના નેતાઓ સાથે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર મને આઇઆઇટી અને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક આપવા બદલ હું US NAEના સાથી સભ્યોનો હું આભારી છું, એમ પ્રોફેસર સુધીર જૈને કહ્યું હતું.

 

 

 

 

બંગાળમાં 6-8, આસામમાં 2-3 ચરણમાં ચૂંટણીની શક્યતા

નવી દિલ્હીઃ આ વર્ષના મે મહિના સુધીમાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની મુદત પૂરી થાય છે. ચૂંટણી પંચે આ રાજ્યોમાં નવી વિધાનસભાની ચૂંટણી યોજવાની તૈયારી શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ચારમાંથી ત્રણ રાજ્યોમાં  એક ચરણમાં જ્યારે અન્યમાં 6-8 અને 2-3 ચરણમાં ચૂંટણી યોજવામાં આવે એવી શક્યતા છે.

પશ્ચિમ બંગાળમાં 6-8 ચરણમાં, આસામમાં 2-3 ચરણમાં જ્યારે તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં એક-એક ચરણમાં ચૂંટણી યોજવાનું ચૂંટણી પંચ વિચારે છે. તામિલનાડુમાં વર્તમાન વિધાનસભાની મુદત 24 મેએ, બંગાળમાં 30 મે, આસામમાં 31 મે, પુડુચેરીમાં 8 જૂન અને કેરળમાં 1 જૂને પૂરી થાય છે. ચૂંટણી પંચ આ રાજ્યોમાં મતદાનની જાહેરાત 15 ફેબ્રુઆરીએ કરે એવી ધારણા છે.

નેપાળમાં રાજકીય વિખવાદઃ ‘પ્રચંડે’ ભારત-ચીનની મદદ માગી

કાઠમંડુઃ નેપાળમાં સત્તા પક્ષ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (એનસીપી)થી અલગ થયેલા જૂથના અધ્યક્ષ પુષ્પકુમાર દહલ પ્રચંડે વડા પ્રધાન કેપી શર્મા ઓલીની સામે ભારત અને ચીન પાસે મદદ માગી છે. તેમણે કહ્યું હતું કે તેમનું જૂથ ભારત અને ચીન સહિત આંતરરાષ્ટ્રીય જૂથને અપીલ કરું છું કે તેઓ વડા પ્રધાન ઓલીને સંસદ ભંગ કરીને ગેરબંધારણીય અને ગેરલોકતાંત્રિક પગલાની સામે અમારા સંઘર્ષને ટેકો આપે.

ઓલીએ 20 ડિસેમ્બરે આશ્ચર્યજનક રીતે સંસદના 275 સભ્યોના નીચલા ગૃહને ભંગ કરી દીધું હતું. વડા પ્રધાનના આ પગલાને પાર્ટી પર અંકુશ મેળવવા માટે પ્રચંડની સાથે ચાલી રહેલા મતભેદોની વચ્ચે ઉઠાવ્યું હતું. એ પછી નેપાળ રાજકીય સંકટથી ઝઝૂમી રહ્યું છે. ઓલીના આ પગલાની સામે એનસીપીની અંદર મોટા પાયે અસંતોષ ફેલાયેલો હતો અને પ્રચંડના નેતૃત્વમાં વિરોધ-પ્રદર્શનો શરૂ થયા છે. પ્રચંડ સત્તા પક્ષના કાર્યકારી અધ્યક્ષ છે.

અમે સંઘવાદ અને લોકતંત્રને મજબૂત કરવા ઇચ્છીએ છીએ તો પ્રતિનિધિ સભાને ફરીથી પુનર્જીવિત કરવી પડશે.  એ સાથે શાંતિ પ્રક્રિયા શરૂ કરવી પડશે. મને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ વડા પ્રધાન ઓલીના ગર બંધારણીય અને ગેરલોકતાંત્રિક પગલાને ટેકો નહીં આપે, એમ તેમણે વિદેશી મિડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું.

જો પ્રતિનિધિ સભાને ફરીથી સ્થાપિત કરવામાં નહીં આવે તો દેશ ગંભીર રાજકીય સંકટમાં ફસાઈ જશે, જેથી હું પડોશી દેશો ભારત અને ચીન સહિત આંતરરાષ્ટ્રીય જૂથોથી ઓલીના આ ગેરલોકતાંત્રિક પગલાની સામે ચાલી રહેલા સંઘર્ષને ટેકો આપવાની અપીલ કરું છે, એમ ચેતવણી આપતાં પ્રચંડે કહ્યું હતું.

 

 

 

 

 

 

 

 

 

 

કંગનાએ બીએમસી સામેનો કોર્ટ કેસ પાછો ખેંચ્યો

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણોતે શહેરના ખાર (વેસ્ટ) ઉપનગરમાં તેનાં રહેણાંક ફ્લેટ્સમાં ગેરકાયદેસર બાંધકામ કરાવ્યું હોવાનો તેની પર આરોપ મૂકતી મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની નોટિસને પડકારતો કોર્ટ કેસ પાછો ખેંચી લેવા તે આજે સંમત થઈ છે.

મુંબઈ હાઈકોર્ટે કંગનાને જણાવ્યું છે કે તેનાં નિવાસસ્થાનમાં કરાવેલા ગેરકાયદેસર ભાગને કાયદેસર કરાવવા માટે તેણે ચાર અઠવાડિયામાં બીએમસીમાં અરજી કરવી. કંગના વતી એનાં વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તેની ક્લાયન્ટ બીએમસી સામે ગયા વર્ષના ડિસેમ્બરમાં કરેલા કેસને પાછો ખેંચી લેવા માગે છે. કંગના પર આરોપ છે કે એણે રહેણાંક મકાનમાં તેનાં ત્રણ ફ્લેટને ગેરકાયદેસર રીતે ભેગા કરી દીધા છે. આજે હાઈકોર્ટના જજ પૃથ્વીરાજ ચવાણે કંગનાને તેનો કેસ પાછો ખેંચી લેવાની પરવાનગી આપી હતી અને બીએમસીને આદેશ આપ્યો છે કે કંગના તેનાં આવાસમાંના ગેરકાયદેસર ભાગોને કાયદેસર કરાવવા માટેની અરજી કરે, પછી તેની પર સુનાવણી કરાય અને જે નિર્ણય લેવાય ત્યાં સુધી એની સામે કોઈ દ્વેષપૂર્ણ પગલું લેવું નહીં.

ગ્લેશિયર તૂટવું એક કુદરતી ઘટનાઃ વાડિયાના વૈજ્ઞાનિકો

દહેરાદૂનઃ ઉત્તરાખંડના ચમોલીમાં કુદરતે વેરેલા વિનાશનું કારણ ગ્લેશિયર તૂટવું નથી. ગંગા નદીથી કેટલાક કિલોમીટર ઉપર એક વિશાળ ખડક પડ્યા પછી એક લટકતા ગ્લેશિયરના પડવાથી કામચલાઉ જળસંગ્રહ માટેનુ તળાવ તૂટતાં ચમોલી જિલ્લામાં પૂર આવ્યું હતું, એમ વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજીએ કહ્યું હતું. આ સંસ્થાના વૈજ્ઞાનિકોની ટીમે મંગળવારે સંસ્થાના ડિરેક્ટર કલાચંદ સૈનને વચગાળાનો અહેવાલ સોંપતાં પહેલાં ચમોલીમાં ફ્લેશ-ફ્લડ સાઇટની મુલાકાત લીધી હતી.

ચમોલીમાં દુર્ઘટના સ્થળે વૈજ્ઞાનિકોની આ પહેલી ટીમ છે. મનીષ મહેતા અને અમિતકુમારના નેતૃત્વમાં પાંચ વૈજ્ઞાનિકોની એક ટીમે આ વિસ્તારનું નિરીધણ કર્યું હતું અનમે સાંજે તેમણે નિષ્કર્ષ કાઢ્યા હતા, જેમાં તેમણે સેટેલાઇટ ઇમેજરીની સાથે વાસ્તવિક સ્થળે અવલોકનોને પણ સામેલ કર્યાં હતાં, એમ સૈને જણાવ્યું હતું. ટીમને જણાયું હતું કે આ બધું એકસાથે થયું, જેને સ્થાનિક લોકો મૃઘુ ધાની કહે છે, જે ચમોલી જિલ્લાના ઉપરના ભાગે છેલ્લા માનવ વસવાટના રૂપે રૈની ગામથી થોડા કિલોમીટરના અંતરે છે. એ ઊંચાઈ પર એક લટકતું ગ્લેશિયર હતું અને એ ગ્લેશિયરની ઉપર એક મોટો ખડક હતો, જે ઠંડી અને હવામાનમાં વિવિધતાને કારણે તૂટતાં ગ્લેશિયર નીચે ઝરણું પણ તૂટ્યું હતું.

તાજા પડેલા સ્નોને કારણે લટકતા ગ્લેશિયર પર દબાણ થયું હતું. જેથી વધુ પ્રમાણમાં બરફ, માટી સાથે પાણીનો પ્રવાહ વહ્યો હતો, એમ તેમણે કહ્યું હતું. જેવો આ પાણી સાથેનો રગડો અટક્યો પાણીનો પ્રવાહમાં ભારે વધારો થયો અને ડેમ સ્થળ તરફ પાણીની સાથે ક્ષતિગ્રસ્ત થયો હતો, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

રેલવે લોકલ-ટ્રેનમાં સ્ટંટબાજો સામે સખત કાર્યવાહી કરશે

મુંબઈઃ  મુંબઈમાં રેલવેએ એક ફેબ્રુઆરીથી બધા માટે ટ્રેનો શરૂ કરી દીધી છે. જોકે લોકલ ટ્રેન શરૂ થતાં કેટલાક પ્રવાસીઓ સ્ટંટબાજોથી પરેશાન છે. લોકલ ટ્રેનોમાં પ્રારંભ પછી ફરી એક વાર લોકો દિલધડક સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. હવે રેલવેએ આવા લોકોની સામે સખતાઈ અને કાર્યવાહી કરવા માટે વિશેષ ટીમ બનાવી છે.

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થયો હતો, જેમાં એક યુવક બહુ ખતરનાક સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. આ વિડિયો સાત ફેબ્રુઆરીએ સવારના 9.30 કલાકથી 10 કલાકની વચ્ચે છે, એમ સૂત્રોએ કહ્યું હતું. જોકે રેલવેની વિશેષ ટીમ દરેક સ્ટેશને નજર રાખશે અને તમામ સ્ટન્ટબાજોની સામે કડક કાર્યવાહી કરશે.

જે લોકલ ટ્રેનમાં યુવક સ્ટન્ટ કરી રહ્યો હતો, એ ટ્રેન અંબરનાથથી સીએસટી જતી હતી. એ સમયે એક જાગ્રત પ્રવાસીએ તેને સ્ટન્ટ કરતા જોયો અને મોબાઇલથી પૂરી ઘટના રેકોર્ડ કરી લીધી. એ સમયે ટ્રેન સાયનથી દાદરની વચ્ચે હતી. જો તમે એ યુવકના સ્ટન્ટ જોશો તો તમારાં રૂવાંડાં ઊભાં થઈ જશે. તે એક પગે ઊભો હતો અને એક હાથથી ટ્રેનના ગેટને પકડીને લટકી રહ્યો હતો., જેવી ટ્રેને સ્પીડ પકડી –તે ક્યારેક થાંભલાને ટચ કરવાના પ્રયાસ કરતો તો ક્યારેક સામેથી આવતી ટ્રેનના મોટરમેનને હાથ બતાવતો હતો. એ સ્ટન્ટ એટલો ખતરનાક હતો કે જો જરા ભૂલ થાય તો સીધું મોત વહાલું થાય.

જોકે આંકડા દર્શાવે છે કે મુંબઈની લાઇફલાઇનથી દૈનિક ધોરણે 10 લોકોનાં મોત થાય છે તો એટલા જ લોકો ઇજાગ્રસ્ત થાય છે. આ આંકડો વર્ષના અંત સુધીમાં આશરે ત્રણ હજાર સુધી પહોંચી જાય છે.

 

 

 

 

એન. કે. પટેલના ફોટોગ્રાફી પ્રદર્શનનો પ્રારંભ

અમદાવાદ: એવોર્ડવિજેતા ટાઉન પ્લાનર એન. કે. પટેલે કેલિફોર્નિયામાં રોકાણ દરમ્યાન ઝડપેલી તસવીરોના પ્રદર્શનનું સેપ્ટના પ્રેસિડેન્ટ અને પદ્મશ્રી એવોર્ડવિજેતા ડો. બિમલ પટેલે મંગળવારે ઉદઘાટન કર્યું હતું. પ્રસિદ્ધ રિયલ એસ્ટેટ ડેવલપર એન. કે. પટેલ જણાવે છે કે એક ડેવલપર અને ટાઉન પ્લાનર તરીકે મને ત્યાંના સ્થાપત્યના વૈવિધ્યમાંથી પ્રેરણા પ્રાપ્ત થઈ છે.

ત્યાં એક તરફ ગગનચુંબી ઇમારતો છે તો બીજી તરફ, સ્પેનિશ, વિકટોરિયન, અને નિયો-ક્લાસિકલ સ્થાપત્ય શૈલીથી પ્રભાવિત કેટલાંક સદીઓ જૂનાં સ્ટ્રક્ચર અને સ્મારકો પણ છે. કેટલાંક સ્થાપત્યો તો કલાસિક છે અને આધુનિક તથા પરંપરાગત શૈલીનો સમન્વય ધરાવે છે.

પટેલે તેમની દીકરીને ત્યાં મુલાકાત દરમ્યાન ફુરસદના સમયમાં ઝડપેલી તસવીરોમાં  કેલિફોર્નિયાના સમૃદ્ધ અને વૈવિધ્ય ધરાવતા સ્થાપત્ય ઉપરાંત દુનિયાભરના સ્થાપત્યની અસર ધરાવતા સ્થાપત્યની તસવીરોનો સમાવેશ થાય છે, કારણ કે ત્યાં સ્થાયી થયેલા દુનિયાના ઘણા લોકોએ કેલિફોર્નિયાને પોતાનુ વતન બનાવ્યું છે. આ લોકો તેમની પરંપરાગત સ્થાપત્ય શૈલી લઈને આવ્યા છે અને તેમણે જે સ્થળને પોતાના વતન તરીકે અપનાવ્યું ત્યાં તેનું નવસર્જન કર્યું છે.

આ તસવીરો આધુનિક સ્થાપત્યનો પરંપરાગત સ્થાપત્ય સાથે કેવી રીતે સમન્વય કરી શકાય તેનો તથા બંનેનું સહઅસ્તિત્વ કેવી રીતે શક્ય બન્યું છે તેની પ્રેક્ટિકલ શીખ આપે છે. સૌને રસ પડે તેવું આ પ્રદર્શન સ્થાપત્ય અને ડિઝાઇન ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઇચ્છનાર સમુદાયે જોવાનું ચૂકવા જેવું નથી.

આ પ્રદર્શન 14 ફેબ્રુઆરી સુધી સાંજના 4થી 8 કલાક સુધી અમદાવાદની ગુફાની આર્ટ ગેલેરીમાં જોઈ શકાશે અને એ તમામ લોકો માટે ખુલ્લું છે.

 

 

 

 

 

કોરોનાના 11,067ના નવા કેસ, 94નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.08 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 11,067 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 94 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,08,58,371 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,55,252 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,05,61,608  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 11,016 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,41,511 પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.13 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.43 ટકા થયો છે.

 દેશમાં 66 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 66,11,561 લાખની આસપાસ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 3,52,553 કોરોના રસી આપવામાં આવી હતી. સાત રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના સંક્રમણથી એક પણ મોત થયું નથી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

ઈન્ડો-પેસિફિકમાં ભારત અમારું સૌથી મહત્ત્વનું ભાગીદારઃ અમેરિકા

વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે પત્રકાર પરિષદમાં ભારતને ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં અમેરિકાના સૌથી મહત્ત્વના ભાગીદારોમાંના એક તરીકે ઓળખાવ્યું હતું. એક અગ્રગણ્ય વૈશ્વિક સત્તા તરીકે ભારતના ઉદયને અમે આવકાર આપીએ છીએ.

નેડ પ્રાઈસે એમ પણ કહ્યું હતું કે ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં ભારત નેટ સિક્યુરિટી તરીકેની જે ભૂમિકા ભજવે છે એને પણ અમે આવકારીએ છીએ. અમે બંને દેશ રાજદ્વારી બાબતોથી લઈને સુરક્ષાને લગતા પ્રશ્નો, સંરક્ષણ ક્ષેત્ર, અણુ-બિનપ્રસારણ, ત્રાસવાદ-વિરોધી જંગ, પર્યાવરણ રક્ષણ, શિક્ષણ, ટેક્નોલોજી, કૃષિ, અવકાશ-સામુદ્રિક સંશોધન જેવા વિસ્તારોમાં સહકાર કરીએ છીએ.

‘પતિનો પગાર વધે તો પત્ની ભરણપોષણભથ્થા-વધારાની હકદાર’

ચંડીગઢઃ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં સ્પષ્ટ કરી દીધું છે કે લગ્નજીવનમાં વિવાદ ઊભો થયા બાદની સ્થિતિમાં જો પતિનો પગાર વધે તો અલગ રહેતી પત્ની પણ એનાં ભરણપોષણ માટે વચગાળાના ભથ્થામાં વધારો માગવાને હકદાર છે.

હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એચ.એસ. મદાને આ આદેશ આપીને વચગાળાનું ભરણપોષણ-ભથ્થું વધારવા પત્નીએ કરેલી માગણીની વિરુદ્ધમાં એનાં પતિ વરુણ જગોટાએ કરેલી અરજીને ફગાવી દીધી છે. આ કેસમાં, વરુણનો પગાર રૂ. 95,000થી વધીને રૂ. 1,14,000 થતાં એની પત્નીએ પતિ તરફથી પોતાને અપાતું વચગાળાનું ભથ્થું રૂ. 20,000થી વધારીને રૂ. 28,000 કરવાની માગણી કરી હતી. ફેમિલી કોર્ટે તેની માગણીને વાજબી ઠેરવી હતી. એ ચુકાદાને પતિએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પણ હાઈકોર્ટે ફેમિલી કોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો અને પતિની અરજીને ફગાવી દીધી અને કહ્યું કે પતિનો પગાર વધે તો પત્ની પણ વચગાળાના ભરણપોષણ ભથ્થામાં વધારો મેળવવાને હકદાર છે. ફેમિલી કોર્ટનો ચુકાદો ન તો ન્યાયતંત્ર વિરુદ્ધનો છે કે ન તો એમાં કોઈ પક્ષપાત છે. તેથી આમાં હસ્તક્ષેપ કરવા જેવું કંઈ નથી.