Home Blog Page 3022

GVFL રોકાણકાર સંમેલનમાં સ્ટાર્ટઅપ્સ સહિતના વિષયો પર મનોમંથન

અમદાવાદઃ પડકારજનક આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતાં સ્ટાર્ટઅપ્સ તથા કારોબારોએ તેમના કારોબારના મોડેલની સમીક્ષા કરવા ઉપરાંત રોકાણકારોનાં હિતોને આકર્ષવા માટે કારોબારની વધુ કરકસરયુક્ત પદ્ધતિઓ અપનાવવી જોઈએ તેમ અહીં યોજાયેલી GVFL વાર્ષિક રોકાણકાર મીટ 2023માં નિષ્ણાતોએ જણાવ્યું હતું.

GVFLની વાર્ષિક રોકાણકારોની ત્રણ વર્ષના ગાળા બાદની ફિઝિકલ મોડમાં યોજાયેલી મીટમાં 250થી વધુ સ્ટાર્ટઅપ સ્થાપકો, રોકાણકારો, ઇન્ક્યુબેટર્સ, સંસ્થાકીય રોકાણકારો, ફંડો અને અન્ય હિતધારકોને રોકાણના વલણો અને અન્ય સંબંધિત વિષયો પર ચર્ચા કરવા એકત્ર કરવામાં આવ્યા હતા.

GVFLના MD કમલ બંસલે તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ્સે તેમના આવકનાં મોડેલો પર પુનર્વિચાર કરવો પડશે. તેમણે ભાવિ યોજનાઓ અંગે પણ માહિતી આપતાં જણાવ્યું હતું કે તે ખૂબ જ ટૂંક સમયમાં તેનું દસમું  ભંડોળ લોન્ચ કરશે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં ગુજરાત યંગ એન્ટરપ્રિન્યોર્સ વેન્ચર ફંડની જાહેરાત કરવામાં આવી છે ત્યારે GVFLને આશા છે કે ત્રણથી પાંચ વર્ષમાં ગુજરાતમાં સ્ટાર્ટઅપમાં રૂ. 3000 કરોડથી વધુના રોકાણને ઉત્પ્રેરિત કરશે.

GVFLના પ્રમુખ મિહિર જોશીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રોકડની અછત છે, તે સાચું છે. રોકાણકારો સાવધ થઈ રહ્યા છે. પરંતુ શું આને ફંડિગ વિન્ટર એટલે કે મૂડી પ્રવાહમાં આવેલા કરેક્શનને કારણે સ્ટાર્ટઅપ્સ માટે ટૂંકા કે મધ્યમ ગાળા માટે ઊંચુ વેલ્યુએશન હાંસલ કરવાની શક્યતામાં ઘટાડો કહી શકાય? તો તેનો જવાબ ‘ના’ છે.

આ બેઠકમાં નિષ્ણાતોએ એવા વ્યાવસાયિક મોડેલો શોધવા પર ભાર મૂક્યો હતો, જે માત્ર પિરામિડની ટોચ જ નહીં પરંતુ પિરામિડના મધ્યમાં અને તળિયા સુધી પણ પહોંચી શકે. તેમણે નવીનતાની જરૂરિયાત, વાસ્તવિક વિશ્વની સમસ્યાઓ હલ કરવામાં મદદ કરે તેવા વિચારો અને યોગ્ય અમલીકરણ પર પણ ભાર મૂક્યો હતો.

રસના ગ્રુપના CMD પિરુઝ ખંભાતાએ મુખ્ય સંબોધન કરતાં જણાવ્યું હતું કે દુનિયાની નજર ભારત તરફ છે અને મારા મતે  ભારત માટે સૌથી મોટી તક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં છે. સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે મોટા પાયે કામ કરતા સુનીલ પારેખે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતમાં 91,000 રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ, 108 યુનિકોર્ન અને દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આવેલી છે.

 

 

 

 

 

 

માહેશ્વરી સમાજ દ્વારા ‘ગણગૌર’ પર્વની ધામધૂમથી ઉજવણી

અમદાવાદઃ ચૈત્ર માસના શુક્લ પક્ષની તીજ તિથિના રોજ ‘ગણગૌર’ પર્વ ઊજવવવામાં આવે છે. આને ‘ઇસર ગૌર’ પણ કહેવાય છે. ઇસર એટલે ભગવાન શિવ અને ગૌર એટલે દેવી પાર્વતીની પૂજા વિશેષ રૂપથી કરવામાં આવે છે. આમ તો આ રાજસ્થાનનો લોક તહેવાર છે પરંતુ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ હવે આ ઊજવવામાં આવે છે. ગણગૌર વ્રત કુંવારી છોકરીઓ મનવાંછિત પતિ અને વિવાહિત મહિલાઓ પતિની સુખ-સમૃદ્ધિ માટે રાખે છે.

માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ‘ગણગૌર’ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય દર્શના વાઘેલાની મુખ્ય હાજરી હતી. તેમણે સમાજની મહિલાઓ સાથે સમય વિતાવ્યો હતો. માહેશ્વરી સંગિની સંગઠનનાં પ્રમુખ જ્યોતિ લાહોટીએ સૌને ‘ગણગૌર’ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સમાજની મહિલાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો, જેમાં ભગવાન શિવની સગાઈથી લઈને લગ્નના સરઘસ સુધીની યાત્રાને નૃત્ય સ્વરૂપે દર્શાવી હતી, જેમાં 600થી વધુ મહિલાઓ અને બાળકોએ હાજરી આપી હતી.

 

 

 

મારું નામ સાવરકર નહીં, ગાંધી ક્યારેય માફી નથી માગતાઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભાથી અયોગ્ય ઘોષિત કર્યા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પહેલી પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે એ પત્રકાર પરિષદમાં મોદી સરકાર અને વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે  વડા પ્રધાનને લાગે છે કે મને ડરાવીને, જેલમાં નાખીને મારપીટ કરીને, ગેરલાયક ઠેરવીને ચૂપ કરાવી દેશે તો એ તેમની ગેરસમજણ છે. વડા પ્રધાન ગભરાટમાં છે. તેમણે વિપક્ષને સૌથી મોટું હથિયાર આપી દીધું છે. મને આનાથી કોઈ ફરક નથી પડતો. ભાજપથી માફી માગવા પર તેમણે કહ્યું હતું કે મારુ નામ સાવરકર નથી, હું ગાંધી છું. ગાંધી ક્યારેય માફી નથી માગતા.

તેમણે પત્રકારોને સંબોધિત કરતાં કહ્યું હતું કે હું પહેલાં પણ કહી ચૂક્યો છું કે દેશમાં લોકતંત્ર પર હુમલો થઈ રહ્યો છે. એનું ઉદાહરણ આપણે જોઈ રહ્યા છે. મેં સંસદમાં વડા પ્રધાન મોદી અને અદાણી વિશે સવાલ પૂછ્યો હતો. અદાણીને નિયમોમાં ફેરફાર કરીને એરપોર્ટ આપવામાં આવ્યાં- મેં સંસદમાં એ વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે સંસદમાંથી મારું ભાષણ દૂર કરવામાં આવ્યું હતું અને પછી મેં લોકસભા અધ્યક્ષને એક ઉત્તર લખ્યો હતો. કેટલાક મંત્રીઓએ મારા વિશે ભ્રમ ફેલાવ્યો હતો કે મેં વિદેશી તાકતોથી મદદ માગી હતી, પણ મેં એવું કંઈ નહોતું કર્યું. હું સવાલ પૂછવાનું બંધ નહીં કરું. હું વડા પ્રધાન મોદી અને અદાણીના સંબંધો વિશે સવાલો પૂછતો રહીશ અને ભારતમાં લોકતંત્રની લડાઈ લડતો રહીશ.

 

 

 

 

 

રાજ્યની તમામ જેલોમાં એકસાથે દરોડાઃ પ્રતિબંધિત ચીજવસ્તુ જપ્ત

અમદાવાદઃ રાજ્યમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની સાબરમતી જેલમાં સરપ્રાઇઝ વિઝિટ પછી શુક્રવારે રાત્રે ઓપરેશન ચાલ્યું હતું. અમદાવાદની સાબરમતી જેલ સહિત રાજ્યની તમામ જેલોમાં બોડી વોર્ન કેમેરા (વર્દી પર લાગેલા કેમેરા)થી લેસ ટીમોએ તપાસ કરી હતી. આ દરમ્યાન કેદીઓ અને અપરાધીઓની પણ તપાસ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ, વડોદરાની સેન્ટ્રલ જેલ, સુરતની લાજપોર જેલ અને રાજકોટની જેલ સહિત રાજ્યની કુલ 17 જેલોમાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે.

 

તમામ જેલ તેમ જ શહેર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કુલ 1700 પોલીસ સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરેક જેલમાંથી જેલ પ્રતિબંધિત વસ્તુઓની બદી નેસ્તનાબૂદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેલ વિભાગને સાથે રાખીને રાજ્યમાં સૌપ્રથમ વખત જેલો ઉપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેલમાં સર્ચ ઓપરેશન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક થયા પછી શરૂ થયું હતું.

આ ઓપરેશનમાં રાજ્યની જેલોમાંથી બે ડઝનથી વધુ મોબાઇલ મળ્યા છે. આ સિવાય અનેક પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળ્યા છે. સાબરમતી જેલમાં UPના માફિયા અતીક અહમદની બેરેકમાં તપાસ કરવામાં આવી હતી. માફિયા અતીક અહમદને સાબરમતી જેલમાં હાઇ સિક્યોરિટી બેરેકમાં રાખવામા આવ્યો છે. જૂન, 2019માં સુપ્રીમ કોર્ટના આદેશ પર ઉત્તર પ્રદેશથી અમદાવાદની હાઇ સિક્યોરિટી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.

ગૃહ રાજ્ય મંત્રી સાથે ડીજીપી વિકાસ સહાય, જેલ વિભાગના વડા કે. એલ. એન રાવ અને આઇબીના વડા અનુપમસિંહ ગેહલોત સર્ચ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે. રાજ્યની જેલમાં અનધિકૃત પ્રવૃત્તિ ચાલતી હોવાનું ધ્યાને આવતાં તપાસ ચાલી રહી છે.  રાજ્યમાં સૌપ્રથમ વાર ઓપરેશન જેલને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ડેશબોર્ડ પર જોયું હતું. રાજ્યમાં ગૃહ વિભાગ મુખ્ય પ્રધાનની પાસે છે.

 

 

 

રાહુલ ગાંધી સાંસદ નહીં રહેવાની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની સદસ્યતાને થયેલો હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે અને જનપ્રતિનિધિ અધિનિયમ 1951 (1951 કાયદો)ની કલમ આઠ (3)ને પડકારવામાં આવી છે. આ કલમ હેઠળ દોષી ઠેરવાતાં મહત્તમ બે વર્ષની સજા થાય છે. એને બંધારણના વિપરીત ઘોષિત કરવાની માગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઓટોમેટિક અયોગ્યતા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં તર્ક આપવામાં આવ્યો હતો કે પ્રકૃતિ અને અપરાધોની ગંભીરતા છતાં એક વ્યાપક અયોગ્યતા પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતોની સામે છે. કલમ આઠ (3) સ્વતઃ વિરોધાભાષી, અસ્પષ્ટતા પેદા કરે છે. અરજીમાં તર્ક આપવામાં આવ્યો હતો કે 1951ના અધિનિયમની કલમ આઠ (3) ભારતના બંધારણના અધિકારની છે, કેમ કે એ કલમ આઠ (1), કલમ 8a, 9 9A, 10, 10A અને 11, 1951ના અધિનિયમના વિપરીત છે.

સુપ્રીમ કોર્ટમાં એ અરજી સામાજિક કાર્યકર્તા આભા મુરલીધરન તરફથી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિને સજા થતાં તેમની સદસ્યતા જવી એ ગેરબંધારણીય છે. રાહુલ ગાંધીને દોષસિદ્ધિની તારીખથી અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યા છે, જોકે અપીલનો તબક્કો, અપરાધોની પ્રકૃતિ, અપરાધોની ગંભીરતા અને એની અસર પર સમાજ વગેરે કારણો પર વિચાર નથી કરવામાં આવ્યો અને ઓટોમેટિક અયોગ્યતાનો આદેશ આપવામાં આવ્યો છે.

 

 

 

 

કોરાનાના 1590 નવા કેસો, છનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1590 નવા કેસ નોંધાયા છે, જે 146 દિવસમાં સૌથી વધુ છે.  છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે છ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.65 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,02,257 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,824 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,62,832 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 910 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 8601એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.79 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,19,560 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.05 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.08 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.9 ટકા છે.

દેશમાં 220.65 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,65,44,324 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 9497 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

૨૫ માર્ચ, ૨૦૨૩

૨૫ માર્ચ, ૨૦૨૩

દિપ્તીની ‘ઝુનૂન’થી અભિનયની શરૂઆત

દિપ્તી નવલે અભિનેત્રી બનવાની તમન્ના રાખી હતી પરંતુ ક્યારેય એની તાલીમ લીધી ન હતી કે કોઇ નાટકમાં પણ કામ કર્યું ન હતું. દિપ્તી સાત વર્ષની હતી ત્યારથી અભિનેત્રી બનવાની તમન્ના હતી. પરંતુ યુવાન થઇ ત્યાં સુધી કોઇને કહ્યું ન હતું. બાળપણમાં માતા ચિત્રકાર હોવાથી એમાં રસ પડતાં તે સારા ચિત્રો બનાવવા લાગી હતી. એટલે એક અભિનેત્રી સાથે ચિત્રકાર રહી છે. વર્ષોથી ન્યૂયોર્કમાં વસતો પરિવાર એની અભિનયમાં જવાની વાતને સ્વીકારે એમ ન હતો. એ અભિનેત્રી બનવાની વાત કરે તો વિરોધ થાય એમ હતો. કેમકે માતા ને પિતા શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. દિપ્તી એમને જાણ થવા દેવા ઇચ્છતી ન હતી. જ્યારે કોલેજનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે એમને જણાવ્યું કે ભારત જઇને ફિલ્મોમાં અભિનય કરવા માગે છે.

દિપ્તીના વિચારથી એમને આંચકો લાગ્યો હતો. પણ પિતાને લાગ્યું કે દિપ્તીની તીવ્ર ઇચ્છા છે અને દિલથી ચાહે છે એટલે અભિનયમાં જાય તો વાંધો નથી. અસલમાં તે ન્યૂયોર્કની કોલેજમાં ભણતી હતી ત્યારથી ફિલ્મ કલાકારોના પરિચયમાં આવી હતી. તે એક રેડિયો કાર્યક્રમ માટે ભારતથી આવતા ફિલ્મ કલાકારોની મુલાકાત લેતી હતી. રાજ કપૂર, દિલીપકુમાર, સાધના વગેરે અનેક કલાકારોના ઇન્ટરવ્યુ લીધા હતા. દિપ્તી અભિનેત્રી બનવાનું સપનું લઇને જ્યારે ૧૯૭૮ માં મુંબઇ આવી ત્યારે ન્યૂયોર્કમાં ફિલ્મ કલાકારોની મુલાકાત લીધી હતી એ બાબત કામમાં આવી. ન્યૂયોર્કમાં દિપ્તીએ ગાયક હેમંતકુમારની મુલાકાત પણ લીધી હતી. એમની પુત્રી રાનૂ મુખર્જી સાથે દિપ્તીને ઓળખાણ થઇ હતી અને પછી મિત્રતા થઇ ગઇ હતી. રાનૂએ ‘નાની તેરી મોરની કો ચોર લે ગયે’ ગીત ગાયું હતું. મુંબઇ આવ્યા પછી દિપ્તી રાનૂના ઘરે આવતી- જતી હતી ત્યારે એણે ઋષિકેશ મુખર્જી સાથે મુલાકાત કરાવી હતી.

ઋષિદાએ દિપ્તીની બાસુ ભટ્ટાચાર્ય સાથે મુલાકાત કરાવી હતી. બાસુદા ઉપરાંત નિર્દેશક શ્યામ બેનેગલને પણ મળવાનું થયું ત્યારે તે એક ટૂથપેસ્ટની જાહેરાત બનાવી રહ્યા હતા. એમણે દિપ્તીને કહ્યું કે તારી સ્માઇલ સારી છે. આ જાહેરાતમાં કામ કરી જો. એક રીતે તારો કેમેરા સામે સ્ક્રીન ટેસ્ટ પણ થઇ જશે. દિપ્તીને મોડેલ બનવું ન હતું. છતાં બેનેગલના કહેવાથી જાહેરાતમાં કામ કર્યું. એ પછી તે શશી કપૂર સાથે ફિલ્મ ‘ઝુનૂન’ (૧૯૭૮) બનાવતા ત્યારે એક નાનકડી ભૂમિકા સોંપી. બેનેગલે સ્પષ્ટ કહ્યું હતું કે આ ભૂમિકા ખાસ નથી પણ એને કરવાથી ફિલ્મમાં કામ કેવી રીતે થાય છે અને એનો માહોલ કેવો હોય છે એનો અનુભવ મળશે. દિપ્તીએ એ ફિલ્મ કરી લીધી.

મુંબઇ આવી ત્યારે દિપ્તી એ બાબતમાં સ્પષ્ટ હતી કે ઘાઘરો પહેરીને નાચવાવાળા ગીતો કરવા નથી. દિપ્તીએ આ કારણે ઘણી ફિલ્મો ઠુકરાવી હતી. તે અર્થપૂર્ણ ફિલ્મો કરવાના પોતાના વિચાર પર અડગ રહી. નિર્દેશક વિનોદ પાંડેની ફિલ્મ ‘એક બાર ફિર’ (૧૯૮૦) ની સ્ક્રીપ્ટ પસંદ આવી હતી અને હીરોઇન તરીકે આ પહેલી જ એક ગંભીર વિષય પરની ફિલ્મ કરી હતી. એ પછી ‘ચશ્મેબદ્દુર’ થી લોકપ્રિયતા મળી અને ફારૂક શેખ સાથે જોડી બની ગઇ. દિપ્તીએ કથા, સાથ સાથ, અંગૂર, અનકહી, મિર્ચ મસાલા, એક ઘર વગેરે અનેક ફિલ્મો કરી એમાં અભિનય સહજ રહ્યો છે.

રાશિ ભવિષ્ય 25/03/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

ધન કમાઈ લીધા પછીનો પુરુષાર્થ સુખમય અને પ્રસન્નતાપૂર્ણ જીવન જીવવા માટેનો હોવો જોઈએ

યજુર્વેદના 23માં સ્કંધની 18મી સંહિતા કહે છેઃ “જે રીતે માતા, દાદી અને પરદાદીએ પોતાનાં સંતાનોને ઉત્તમ શિક્ષણ અપાવ્યું છે એ જ રીતે તમારે પણ સંતાનોને શિક્ષિત કરવાં. ધનનો સ્વભાવ છે કે જ્યાં તે સંચય પામે છે-એકઠું થાય છે ત્યાં તે લોકોને નિદ્રાળુ, આળસુ અને નકામા-કર્મહીન બનાવી દે છે તેથી ધન પ્રાપ્ત કરીને પણ પુરુષાર્થ કરતાં રહેવું જોઈએ.”

યજુર્વેદની આ સંહિતાનો અર્થ ઘણો જ ગહન છે. તેમાં ઉંડા ઊતરતાં પહેલાં પ્રથમ દૃષ્ટિએ દેખાતો અર્થ જોઈ લઈએ. એક જગ્યાએ જમા પડી રહેલું પાણી ઝેરી થઈ જાય છે એ જ રીતે નિષ્ક્રિય પડી રહેલું ધન પણ ઝેરી બની જાય છે. વહેતું પાણી નિર્મળ રહે છે અને તેના આધારે કહી શકાય કે ધન પણ વહેતું અર્થાત્ સતત વપરાતું રહે તો નિર્મળ રહી શકે છે.

સમાજમાં રહેતા મનુષ્યોની જવાબદારી બેવડી હોય છે. એક, તેમણે સંચિત ધનમાંથી પોતાના વડીલો સહિતના અંગત પરિવાર પ્રત્યેનાં કર્તવ્યોનું વહન કરવું જોઈએ. તેમને ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્યસેવા, વગેરે પૂરાં પાડવાં જોઈએ. ત્યાર બાદ તેમણે ગરીબો અને જરૂરિયાતમંદોનો વિચાર કરીને તેમના માટે ધન ખર્ચવું જોઈએ. અગાઉ એક લેખમાં કહેલી વાત દોહરાવું છું. આપણે સાધુ-સંતો પ્રત્યેની ફરજ પણ બજાવવી જોઈએ અને પર્યાવરણ તથા પ્રાણીઓની રક્ષા કરવી જોઈએ. સાધુ-સંતોના જ્ઞાનનો લાભ આપણને મળતો હોવાથી તેમનું ધ્યાન રાખવાની આપણી નૈતિક જવાબદારી કહેવાય. મનુષ્ય સામાજિક પ્રાણી હોવાથી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાનું હોય છે.

જો માણસ ધનનો સંઘરો કરવા લાગે તો તેના માટે અને તેના પરિવારજનો માટે પણ એ વિષ બની જાય છે. તેને લીધે અમુક હદ પછી જીવનશૈલી બદલાઈ જાય છે, ધનનો વ્યય થવા લાગે છે, નિરર્થક ખર્ચ વધી જાય છે તથા ભાવિ પેઢી પોતાનું જીવનધોરણ વધુ ઉંચે લઈ જવા માટે તેનો વેડફાટ શરૂ કરી દે છે.

 

ઉક્ત બાબતનો વિચાર કરતી વખતે મને મારા નાનાજીના વતનમાં રહેતા પાડોશીનું કુટુંબ યાદ આવે છે. નાનાજીનો અને તેમનો પરિવાર દાયકાઓથી પાડોશી હતા. હું બાળપણમાં જ્યારે પણ મોસાળ જતો ત્યારે બાજુના એ ઘરમાં રમવા જતો.

એ કુટુંબના ચારમાંથી બે ભાઈઓ અમેરિકામાં સ્થાયી થઈ ગયા. ત્યાં તેમણે ખૂબ ધન રળ્યું અને તેનો સંઘરો પણ કર્યો. સમય જતાં દેશમાં તેમનું નવું ઘર બાંધવામાં આવ્યું. તેમાં પહેલાંના ઘરની તુલનાએ ઘણાં સુખ-સુવિધાઓ હતાં. તેમાં બધા માટે અલગ અલગ ઓરડા રાખવામાં આવ્યા.

ઓરડા જુદા થયા એટલે મન પણ જુદાં થયાં. તેમના ઘરમાં ચાર કાર અને બે ડ્રાઇવરો રાખવામાં આવ્યા. અગાઉ તેઓ ફરવા જતી વખતે એકબીજાની સગવડનું ધ્યાન રાખતા, જેથી આખા પરિવાર માટે એક કારનો ઉપયોગ થઈ શકે. બીજી કાર વડીલો માટે રાખી મુકાતી. તેઓ વધુ કાર ખરીદી શકતા હોવા છતાં એ સમયે તેમણે ફક્ત બે કાર વસાવી હતી.

કારની સંખ્યા વધી ગઈ, પરંતુ ડ્રાઇવર બે જ હોવાથી શોફર-ડ્રિવન કારમાં જવા માટે રીતસરના ઝઘડા થવા લાગ્યા. પહેલાં, ઘરમાં બધા માટે એક જ નાસ્તો બનતો. હવે અલગ અલગ સમયે અલગ અલગ નાસ્તો બનાવવાનું શરૂ થયું. પહેલાં, બધા નિશ્ચિત સમયે ડાઇનિંગ ટૅબલ પર આવી જતા, પછી બધા મોબાઇલના મેસેજથી જ વાત કરવા લાગ્યા. તેઓ ટૂંકું અંતર ચાલીને જતા, પરંતુ પછી તેમણે ત્રણ માળના બંગલામાં પણ લિફ્ટ બેસાડવાનો વિચાર કર્યો હોવાનું મને સાંભળવા મળ્યું.

સંઘરો કરેલું ધન વિષ બને છે એનું આ ઉદાહરણ કહી શકાય.

હવે થોડા ઊંડા ઊતરીએ. આ સંહિતા કહે છે કે સંપત્તિ એકઠી કરી લીધા પછી પણ પુરુષાર્થ કરતાં રહેવું જોઈએ. આ વાત વિરોધાભાસ જેવી લાગી શકે છે. તેનું કારણ એ કે ઘણા લોકો વહેલી નિવૃત્તિ લઈ શકાય એ માટે ફટાફટ ધન ભેગું કરવાનો પ્રયાસ કરતા હોય છે. નિવૃત્ત થઈ જવાય એટલે રોજિંદી ભાગદોડમાંથી મુક્તિ મળી જાય એવો તેમનો વિચાર હોય છે. હાલનું વલણ આ સંહિતાની અડધી વાત સાચી ઠેરવે છે. સંહિતા કહે છે કે ધન કમાઈ લીધા પછી રોજિંદી ઘટમાળમાંથી બહાર નીકળી જવું, પરંતુ પુરુષાર્થ કરતાં રહેવું. અહીં પુરુષાર્થ શબ્દનો અર્થ જુદો કરવાનો છે. સંપત્તિ પ્રાપ્ત કરી લીધા પછીનો પુરુષાર્થ સમાજની સેવા કરવાનો હોવો જોઈએ, પોતે વીતેલાં વર્ષોમાં કરેલા અનુભવનો લાભ અન્યોને આપવાનું કાર્ય કરવું જોઈએ, નવી પેઢીને જ્ઞાનનો લાભ આપવો જોઈએ. આ બધી પ્રવૃત્તિઓ ધન કમાવાની અપેક્ષા વગર અને કોઈ પણ આસક્તિ વગર થવી જોઈએ. આ રીતે સમાજ પ્રત્યેનું ઋણ અદા થાય છે. તેનાથી શરીર અને મન સ્વસ્થ રહે છે. છેલ્લે એટલું કહેવાનું કે, ધન કમાઈ લીધા પછીનો પુરુષાર્થ સુખમય અને પ્રસન્નતાપૂર્ણ જીવન જીવવા માટેનો હોવો જોઈએ.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)