ધન કમાઈ લીધા પછીનો પુરુષાર્થ સુખમય અને પ્રસન્નતાપૂર્ણ જીવન જીવવા માટેનો હોવો જોઈએ

યજુર્વેદના 23માં સ્કંધની 18મી સંહિતા કહે છેઃ “જે રીતે માતા, દાદી અને પરદાદીએ પોતાનાં સંતાનોને ઉત્તમ શિક્ષણ અપાવ્યું છે એ જ રીતે તમારે પણ સંતાનોને શિક્ષિત કરવાં. ધનનો સ્વભાવ છે કે જ્યાં તે સંચય પામે છે-એકઠું થાય છે ત્યાં તે લોકોને નિદ્રાળુ, આળસુ અને નકામા-કર્મહીન બનાવી દે છે તેથી ધન પ્રાપ્ત કરીને પણ પુરુષાર્થ કરતાં રહેવું જોઈએ.”

યજુર્વેદની આ સંહિતાનો અર્થ ઘણો જ ગહન છે. તેમાં ઉંડા ઊતરતાં પહેલાં પ્રથમ દૃષ્ટિએ દેખાતો અર્થ જોઈ લઈએ. એક જગ્યાએ જમા પડી રહેલું પાણી ઝેરી થઈ જાય છે એ જ રીતે નિષ્ક્રિય પડી રહેલું ધન પણ ઝેરી બની જાય છે. વહેતું પાણી નિર્મળ રહે છે અને તેના આધારે કહી શકાય કે ધન પણ વહેતું અર્થાત્ સતત વપરાતું રહે તો નિર્મળ રહી શકે છે.

સમાજમાં રહેતા મનુષ્યોની જવાબદારી બેવડી હોય છે. એક, તેમણે સંચિત ધનમાંથી પોતાના વડીલો સહિતના અંગત પરિવાર પ્રત્યેનાં કર્તવ્યોનું વહન કરવું જોઈએ. તેમને ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્યસેવા, વગેરે પૂરાં પાડવાં જોઈએ. ત્યાર બાદ તેમણે ગરીબો અને જરૂરિયાતમંદોનો વિચાર કરીને તેમના માટે ધન ખર્ચવું જોઈએ. અગાઉ એક લેખમાં કહેલી વાત દોહરાવું છું. આપણે સાધુ-સંતો પ્રત્યેની ફરજ પણ બજાવવી જોઈએ અને પર્યાવરણ તથા પ્રાણીઓની રક્ષા કરવી જોઈએ. સાધુ-સંતોના જ્ઞાનનો લાભ આપણને મળતો હોવાથી તેમનું ધ્યાન રાખવાની આપણી નૈતિક જવાબદારી કહેવાય. મનુષ્ય સામાજિક પ્રાણી હોવાથી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાનું હોય છે.

જો માણસ ધનનો સંઘરો કરવા લાગે તો તેના માટે અને તેના પરિવારજનો માટે પણ એ વિષ બની જાય છે. તેને લીધે અમુક હદ પછી જીવનશૈલી બદલાઈ જાય છે, ધનનો વ્યય થવા લાગે છે, નિરર્થક ખર્ચ વધી જાય છે તથા ભાવિ પેઢી પોતાનું જીવનધોરણ વધુ ઉંચે લઈ જવા માટે તેનો વેડફાટ શરૂ કરી દે છે.

 

ઉક્ત બાબતનો વિચાર કરતી વખતે મને મારા નાનાજીના વતનમાં રહેતા પાડોશીનું કુટુંબ યાદ આવે છે. નાનાજીનો અને તેમનો પરિવાર દાયકાઓથી પાડોશી હતા. હું બાળપણમાં જ્યારે પણ મોસાળ જતો ત્યારે બાજુના એ ઘરમાં રમવા જતો.

એ કુટુંબના ચારમાંથી બે ભાઈઓ અમેરિકામાં સ્થાયી થઈ ગયા. ત્યાં તેમણે ખૂબ ધન રળ્યું અને તેનો સંઘરો પણ કર્યો. સમય જતાં દેશમાં તેમનું નવું ઘર બાંધવામાં આવ્યું. તેમાં પહેલાંના ઘરની તુલનાએ ઘણાં સુખ-સુવિધાઓ હતાં. તેમાં બધા માટે અલગ અલગ ઓરડા રાખવામાં આવ્યા.

ઓરડા જુદા થયા એટલે મન પણ જુદાં થયાં. તેમના ઘરમાં ચાર કાર અને બે ડ્રાઇવરો રાખવામાં આવ્યા. અગાઉ તેઓ ફરવા જતી વખતે એકબીજાની સગવડનું ધ્યાન રાખતા, જેથી આખા પરિવાર માટે એક કારનો ઉપયોગ થઈ શકે. બીજી કાર વડીલો માટે રાખી મુકાતી. તેઓ વધુ કાર ખરીદી શકતા હોવા છતાં એ સમયે તેમણે ફક્ત બે કાર વસાવી હતી.

કારની સંખ્યા વધી ગઈ, પરંતુ ડ્રાઇવર બે જ હોવાથી શોફર-ડ્રિવન કારમાં જવા માટે રીતસરના ઝઘડા થવા લાગ્યા. પહેલાં, ઘરમાં બધા માટે એક જ નાસ્તો બનતો. હવે અલગ અલગ સમયે અલગ અલગ નાસ્તો બનાવવાનું શરૂ થયું. પહેલાં, બધા નિશ્ચિત સમયે ડાઇનિંગ ટૅબલ પર આવી જતા, પછી બધા મોબાઇલના મેસેજથી જ વાત કરવા લાગ્યા. તેઓ ટૂંકું અંતર ચાલીને જતા, પરંતુ પછી તેમણે ત્રણ માળના બંગલામાં પણ લિફ્ટ બેસાડવાનો વિચાર કર્યો હોવાનું મને સાંભળવા મળ્યું.

સંઘરો કરેલું ધન વિષ બને છે એનું આ ઉદાહરણ કહી શકાય.

હવે થોડા ઊંડા ઊતરીએ. આ સંહિતા કહે છે કે સંપત્તિ એકઠી કરી લીધા પછી પણ પુરુષાર્થ કરતાં રહેવું જોઈએ. આ વાત વિરોધાભાસ જેવી લાગી શકે છે. તેનું કારણ એ કે ઘણા લોકો વહેલી નિવૃત્તિ લઈ શકાય એ માટે ફટાફટ ધન ભેગું કરવાનો પ્રયાસ કરતા હોય છે. નિવૃત્ત થઈ જવાય એટલે રોજિંદી ભાગદોડમાંથી મુક્તિ મળી જાય એવો તેમનો વિચાર હોય છે. હાલનું વલણ આ સંહિતાની અડધી વાત સાચી ઠેરવે છે. સંહિતા કહે છે કે ધન કમાઈ લીધા પછી રોજિંદી ઘટમાળમાંથી બહાર નીકળી જવું, પરંતુ પુરુષાર્થ કરતાં રહેવું. અહીં પુરુષાર્થ શબ્દનો અર્થ જુદો કરવાનો છે. સંપત્તિ પ્રાપ્ત કરી લીધા પછીનો પુરુષાર્થ સમાજની સેવા કરવાનો હોવો જોઈએ, પોતે વીતેલાં વર્ષોમાં કરેલા અનુભવનો લાભ અન્યોને આપવાનું કાર્ય કરવું જોઈએ, નવી પેઢીને જ્ઞાનનો લાભ આપવો જોઈએ. આ બધી પ્રવૃત્તિઓ ધન કમાવાની અપેક્ષા વગર અને કોઈ પણ આસક્તિ વગર થવી જોઈએ. આ રીતે સમાજ પ્રત્યેનું ઋણ અદા થાય છે. તેનાથી શરીર અને મન સ્વસ્થ રહે છે. છેલ્લે એટલું કહેવાનું કે, ધન કમાઈ લીધા પછીનો પુરુષાર્થ સુખમય અને પ્રસન્નતાપૂર્ણ જીવન જીવવા માટેનો હોવો જોઈએ.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)