ઇસ્લામાબાદઃ આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં જનતા માટે દૈનિક જરૂરિયાત પૂરી કરવી મુશ્કેલ બની રહી છે. એક બાજુ જ્યાં મોંઘવારીએ 58 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે, ત્યારૈ બીજી બાજુ વિદેશી કરન્સી નામમાત્ર બચવાને કારણે પાકિસ્તાનનો વેપાર પણ ઠપ થઈ રહ્યો છે. પાકિસ્તાનની પાસે પેટ્રોલિયમ ઓઇલ- ગેસ ખરીદવાનું બજેટ નથી. આવામાં દેશ ફ્યુઅલ (ગેસ) સંકટથી ઝઝૂમી રહ્યો છે.
ફ્યુઅલની ખેંત વચ્ચે પાકિસ્તાનના પેટ્રોલિયમ રાજ્ય પ્રધાન મુસાદિક મલિકે જનતા માટે 24 કલાક ગેસ પુરવઠો પૂરો પાડવા માટે ના પાડી દીધી છે. તેમણે કહ્યું હતું કે જનતાને હવે 24/7 ગેસ નહીં મળી શકે. તેમણે કહ્યું હતું કે અમે 24 કલાક ગેસ ઉપલબ્ધ નથી કરાવી શકતા, કેમ કે અમારું રિઝર્વ ઓછું થઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે સેહરી અને ઇફ્તાર દરમ્યાન ગેસ લોડ શેડિંગ પૂરું થઈ જશે.
મલિકે કહ્યું હતું કે ગેસ પુરવઠા મુદ્દાને હલ કરવા માટે તેઓ કરાચીની મુલાકાત લેશે. તેમણે કહ્યું હતું કે શ્રીમંતો અને ગરીબોનાં ગેસ બિલ અલગ કરી દેવામાં આવશે. શ્રીમંતોએ હવે ગેસના બિલની વધુ ચુકવણી કરવી પડશે.
કરાચી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (KCCI)એ કરાચી ઉદ્યોગોને ગેર પુરવઠાની અછત પર તત્કાળ સરકારી કાર્યવાહી કરવાની માગ કરતાં કહ્યું હતું કે ઉદ્યોગ વગર ગેસે કામ નહીં કરી શકે. એણે મજબૂરીમાં ત્પાદન અટકાવવું પડશે. KCCIના અધ્યક્ષ મોહમ્મદ તારિક યુસુફે કહ્યું હતું કે કરાચીના વેપારી સમુદાય પ્રત્યે આ પ્રકારનું વલણ યોગ્ય નથી, જે આટલી અડચણોનો સામનો કરવા છતાં નિકાસમાં આશરે 54 ટકા અને આવકમાં 68 ટકાથી વધુનું યોગદાન આપે છે.
આજે (7 એપ્રિલે) થિએટરમાં રિલીઝ થયેલી ‘ગુમરાહ’ જેના પરથી ઊતરી છે એ 2019ની તમિળ ફિલ્મ ‘થડમ’માં એક કેરેક્ટર છે દીપિકા. આ કન્યા દર અઠવાડિયે ફિલ્મોના રિવ્યુ કરે છે. એક દિવસ એ એના બૉયફ્રેન્ડને કહે છે કે મેં આ જૉબ છોડી દીધી. બૉયફ્રેન્ડ જાણવા માગે છે કે આટલી સરસ જૉબ કેમ છોડી દીધી? તો એ કહે છેઃ “દર અઠવાડિયે છ ફિલ્મ જોઈને બતાવ, એટલું જ નહીં, જોઈને છના રિવ્યુ લખવાની ટ્રાય કર, પછી સમજાઈ જશે.” હિંદી રિમેકમાં આ કેરેક્ટર તો છે, પણ ડાયલૉગ ગાયબ છે. બલકે આ અને આવા અનેક ચબરાકિયા સંવાદની બાદબાકી છે. હશે. હિંદી આવૃત્તિના ડિરેક્ટર વર્ધન કેતકરને ગમ્યું તે ખરું. બાય ધ વે, ગુમરાહનો રિવ્યુ એ કેરેક્ટરે
લેખક-દિગ્દર્શક મગિલ તિરુમણિ (જેમણે ‘થડમ્’ બનાવેલી)ની વાર્તા પરથી સુમીત અરોરાએ પટકથા લખી છે. ફિલ્મનો આરંભ થાય છે એક સરસ મજાના ખૂનથી. દિલ્હીના એક પૉશ બંગલામાં મેઘલી રાતે ખૂન થાય છે, સવારે તેહકીકાતમાં ઈન્વેસ્ટિગેટિવ ઑફિસર શિવાની માથુર (મૃણાલ ઠાકૂર)ને એક મજબૂત કડી મળે છેઃ બાજુના બંગલાની ટૅરેસ પર એક પ્રેમી યુગલ સેલ્ફી લઈ રહ્યું હોય છે, એમાં ખૂની અર્જુન સહગલ (આદિત્ય રૉય કપૂર)નો ફોટો આવી ગયો છે. તત્કાળ એની અરેસ્ટ થાય છે. આટલી ઝડપે ક્રાઈમ સૉલ્વ થવાથી પોલીસ ખુખુશાલ છે, પણ ત્યાં નવો ફણગો ફૂટે છે. પોલીસને અર્જુનનો હમશકલ સૂરજ રાણા (આદિત્ય રૉય કપૂર) હાથ લાગે છે. જે બાહોશ ઠગ અને જુગારી છે… આ નવા વળાંકથી શિવાની માથુર, એના બૉસ એસીપી યાદવ (રોનિત રૉય) અને એમની પોલીસટીમ પાછાં હતાં ત્યાં ને ત્યાં. એકસરખા ચહેરા ધરાવતા આ બેમાંથી ખૂની કોણ? અને બન્ને માટે મરનાર અજાણ્યો હતો તો હત્યા કરી શું કામ? કોણે?
જોડિયા ભાઈઓના વિષય પર બનેલી ફિલ્મ થોડા સમય પહેલાં આવીઃ સરકસ, જે લેખન-મુખ્ય પાત્રના અભિનય એમ બધી રીતે રેઢિયાળ હતી. ગુમરાહે જોડિયા ભાઈવાળી વાર્તાને જરા નવો વળાંક આપ્યો છે. સર્જકોનો દાવો છે કે ફિલ્મની વાર્તા કેટલીક સત્ય ઘટનાઓ પરથી લેવામાં આવી છે. એન્ડ ટાઈટલ્સમાં પણ પરદેશમાં બનેલી આવી ઘટનાઓની માહિતી આપવામાં આવી છે, જેના લીધે માનવા ન આવે એવી વાર્તાને એક પ્રકારની અધિકૃતતા મળે છે.
મને હંમેશાં રિમેક વિશે એક વાતનું આશ્ચર્ય થાય છે કે હિંદીમાં કંઈ અલગ કરવાના બહાને એ લોકો આખા ને આખા પાત્ર, સંવાદ શું કામ ઉડાડી મૂકતા હશે? જેમ કે થડમમાં એક મહિલા ઠગનું સબળ અને મજેદાર પાત્ર હતું એ હિંદીમાં ગાયબ છે. કંઈ ઓરિજિનલ કરવાના ચક્કરમાં આ લોકો મૂળને નુકસાન પહોંચાડી રહ્યા છે એનો એમને ખ્યાલ નહીં આવતો હોય?
-અને મને ફિલ્મ વિશેની સૌથી ફની વાત લાગી પરદા પર એક પછી એક આવતાં વાક્ય. ઉદાહરણ તરીકે ફિલ્મના આરંભમાં આવેઃ ધ ક્રાઈમ. એ પછી ખૂન થાય. ત્યાર બાદ આવે ધ ઈન્વેસ્ટિગેશનનું લખાણ અને, પોલીસટીમ આવીને શોધખોળ કરે છે. ભલાદમી, આદિત્ય રૉય કપૂર તીક્ષ્ણ સ્ક્રૂડ્રાઈવરથી કોકની હત્યા કરે એને ક્રાઈમ કહેવાય એ અમને લખીને સમજાવવાની શું જરૂર? અને પોલીસ ત્યાં આવીને જે કરે એને ઈન્વેસ્ટિગેશન કહેવાય. એમ? અમને તો ખબર જ નહીં.
અંતે, જો તમે થડમ્ નથી જોઈ તો તમને ગુમરાહ ગમશે, એ તમને જકડી રાખશે, જેનું કારણ છે કથાવસ્તુ. એકસરખું વિચારતી બે વ્યક્તિ, દરેક માનવીમાં ધરબાયેલી જટિલતા, અને સંજોગવશાત્ સારો માણસ પણ ખરાબ થઈ શકે છે, વગેરે જેવા મસાલાથી બનેલો પ્લોટ. જો મારે માર્ક્સ આપવાના હોય તો ગુમરાહને પાંચમાંથી અઢી આપીશ.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ઓનલાઇન ગેમિંગ અને સરકારનાં કામકાજને લઈને ખોટી અને ગેરસમજ કરનારી સૂચનાઓના પ્રસારથી સંબંધિત IT (મધ્યવર્તી દિશાનિર્દેશ અને ડિજિટલ મિડિયા આચારસંહિતા) નિયમ 2021માં સંશોધનોનું નોટિફિકેશન જારી કર્યું છે. IT રાજ્ય મંત્રીમ રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે ઓનલાઇન ગેમિંગમાં સટ્ટાબાજી અને જુગાર રમાવાની મંજૂરી નહીં આપવામાં આવે. આ ઉપરાંત સરકારે ઓનલાઇન ગેમિંગ ઇકો સિસ્ટમ માટે એક વ્યાપક રૂપરેખા તૈયાર કરી છે અને સંશોધન સરકારથી સંબંધિત ઓનલાઇન સામગ્રીથી સંબંધિત તથ્યોની તપાસ પણ સંબંધિત છે.
તેમણે કહ્યું હતું કે આ સંશોધનોનો હેતુ ઇન્ટરનેટને ખુલ્લું, સુરક્ષિત, વિશ્વસનીય અને રિસ્પોન્સિબલ બનાવવાનું છે. તેમણે સંવાદદાતાઓને કહ્યું હતું કે આ સંશોધનોનો ઉદ્દેશ ઓનલાઇન ગેમિંગ ઇન્ટરમિડિયરીઝ અને સરકારના કામકાજ સંબંધિત ખોટી અને ભ્રામક સૂચનાને લઈને સોશિયલ મિડિયા ઇન્ટરમિડિયરીઝ પર વધુ નિયમો લાગુ કરવાનો છે. તેમણે કહ્યું હતું કે એ વડા પ્રધાન મોદીનું વિઝન અને લક્ષ્ય છે કે ભારતના યુવાઓને સ્ટાર્ટઅપ બનાવવા અને વિશ્વ માટે કંઈક નવું કરવા માટે દરેક સંભવિત તક મળે.
ઓનલાઇન ગેમિંગ નિશ્ચિત રૂપે ભારત અને યુવા ભારતીયો માટે એક મોટી તક છે. અમે ભારતના ઓનલાઇન ગેમિંગ ઇકોસિસ્ટમને કઈ અબજ ડોલરના ઉદ્યોગમાં વિસ્તારિત અને વિકસિત થતા જોઈ રહ્યા છીએ અને 2025-26 સુધી ભારતના એક ટ્રિલિયન ડોલરથી ડિજિટલ અર્થતંત્રના લક્ષ્ય માટે એક મહત્ત્વનું પગલું બની શકે છે. એમાં ઓનલાઇન સટ્ટાબાજી અને જુગાર પર પ્રતિબંધ ઘણો સ્પષ્ટ છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 6050 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 14 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,39,054 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,30,943 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,85,858 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3320 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 28,303એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.06 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.75 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,78,533 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.21 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 3.39 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.02 ટકા છે.
દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,20,700 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 2334 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
ગાઝિયાબાદઃ ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબે વારાણસીની એક હોટેલની રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃત મળી આવ્યાને અમુક દિવસો વીતી ગયા બાદ આજે સવારે પોલીસે આકાંક્ષાનાં બોયફ્રેન્ડ અને ગાયક સમર સિંહની ગાઝિયાબાદમાં ધરપકડ કરી છે. તે ઉપરાંત સમરના ભાઈને પકડવા માટે પોલીસે લૂકઆઉટ નોટિસ બહાર પાડી છે.
સમર સિંહ પર આરોપ છે કે એણે આકાંક્ષાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી હતી. ગઈ 26 માર્ચે આકાંક્ષા મૃત્યુ પામી એ દિવસથી સમર સિંહ ફરાર હતો. આકાંક્ષાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને તેની દીકરીનાં મૃત્યુ માટે સમર સિંહ અને એનો ભાઈ સંજય સિંહ જવાબદાર હોવાનો આરોપ મૂક્યો છે.
માતાનો આરોપ છે કે સમર અને સંજય આકાંક્ષાને હેરાન કરતાં હતાં. સમર એની મારપીટ કરતો હતો અને સંજયે એને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 25 વર્ષીય આકાંક્ષાનાં પોસ્ટ-મોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે એનાં પેટમાં કોઈક અજ્ઞાત પ્રવાહી હતું અને એનાં હાથનાં કાંડા ઉપર અમુક ઈજાનાં નિશાન પણ મળી આવ્યા હતા.
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાનમંડળે કુદરતી ગેસની કિંમતની ફોર્મ્યુલામાં ફેરફાર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે અને કિંમત માટે એક ટોચમર્યાદા નિશ્ચિત કરી છે. આને કારણે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) અને પાઈપ્ડ વાટે સપ્લાઈ કરાતા રાંધણ ગેસ (પીએનજી)ના દરમાં 10 ટકા જેટલો ઘટાડો થશે.
ઊર્જાના આંતરરાષ્ટ્રીય ભાવ વધી જવાને કારણે દેશના શહેરોમાં પીએનજી અને સીએનજીના દરમાં 2022ના ઓગસ્ટ સુધીના એક વર્ષમાં 80 ટકાનો વધારો થયો હતો. પરંતુ હવે દેશના ગેસ ક્ષેત્રોમાંથી ઉત્પાદિત ગેસનો ભાવ આયાતી ક્રુડ તેલના ભાવ સાથે સુસંગત રખાશે. તેથી સીએનજી અને પીએનજીના ભાવમાં 10 ટકા જેટલો ઘટાડો થશે.
જાગૃતિ સાથે કાર્ય કરીશું અને વર્તમાન સમય ઉપર ધ્યાન આપીશું તો વર્તમાન સારું બનશે પરિણામે ભવિષ્ય પણ ઉજ્જવળજ હશે. આપણને અમુક સંસ્કાર આપણા પરિવાર દ્વારા પ્રાપ્ત થાય છે, અમુક સંસ્કાર સામાજિક વાતાવરણના કારણે બને છે, તથા અમુક સંસ્કાર આપણે પોતાની નિર્ણયશક્તિ દ્વારા બનાવીએ છીએ. જેમકે આપણે નિર્ણય કર્યો કે આજથી મારે ઇમાનદારીથી ચાલવું છે. આપણે આપણા જૂઠના સંસ્કારને દુર કરી ઈમાનદારીના સંસ્કાર બનાવીએ છીએ. આજે દરેકને ખુશી, પ્રેમ, શાંતિ જોઈએ છે. આપણને આ બધી બાબતો શા માટે સારી લાગે છે? કારણકે તે મારા વાસ્તવિક સંસ્કાર છે, મારી પ્રકૃતિ છે. આજે દરેક વ્યક્તિ તેનો અનુભવ કરવા માંગે છે અને તે મેળવવા વ્યક્તિઓ તથા વૈભવ નો આધાર લે છે. ધારોકે આપણે ગાડી લીધી પરંતુ તેનાથી સુખ મળ્યું અને ખુશી ન મળી. આનું કારણ એ છે કે શરીર અને સુખ જોઈએ પરંતુ ખુશી નહીં. ખુશી તો આત્માને જોઈએ. ખુશી મેળવવા માટે આપણે અનેક જગ્યાએ ભટક્યા પરંતુ સફળ ન થયા.
રાજયોગ આપણને એ શીખવાડે છે કે ખુશી શોધવા માટે બહાર જવાની જરૂર નથી. ખુશી તો આપણી અંદર જ છે. એ આત્માનો મૂળ સ્વભાવ છે. તેવી જ રીતે હું શાંત સ્વરૂપ આત્મા છું. તો પછી શાંતિ શોધવા માટે બહાર જવાની જરૂર નથી. શાંતિ આપણી અંદર જ છે. ફક્ત આપણે આત્મ અભિમાની સ્થિતિમાં સ્થિત થવાનું છે. બ્રહ્માકુમારી સંસ્થાનો મંત્ર છે – “ઓમ શાંતિ”. તેનો અર્થ છે હું શાંત સ્વરૂપ આત્મા છું, શાંતિધામ નિવાસી છું અને શાંતિના સાગર પરમ પિતા પરમાત્માની સંતાન છું. હવે જ્યારે આપણે આ ચેતના સાથે કામ કરીશું, લોકોને મળીશું તો તેનો અનુભવ આપણને પોતાને થશે. શાંતિની શોધ માટે આપણે અનેક જગ્યાએ ભટક્યા.
વાસ્તવમાં આપણે શાંતિને શોધવાની જરૂર નથી એ તો આપણી અંદર જ છે. આપણે ફક્ત પોતાને યાદ અપાવવાનું છે કે હું કોણ છું? હું શાંત સ્વરૂપ આત્મા છું. જ્યાં સુધી પોતાની સાચી ઓળખ નહીં થાય ત્યાં સુધી આપણો આત્મવિશ્વાસ જાગૃત નહીં થાય. મેડીટેશન આપણને પોતાની સાથે સંબંધ જોડવામાં મદદ કરે છે. આ માટે આપણે કેટલાક સકારાત્મક વિચારો કરવાની જરૂરિયાત છે. જેવા કે હું પવિત્ર આત્મા છું, હું શાંત સ્વરૂપ આત્મા છું વિગેરે વિગેરે. આ અનુભવ આપણને એક દિવસ બે દિવસ કે 10 દિવસમાં નહીં થાય પરંતુ તે માટે આપણે સતત અભ્યાસ કરવો પડશે. આપણે નિયમિત રીતે સેવા કેન્દ્ર પર જવું જોઈએ જેથી આપણી આત્મિક સ્થિતિ સ્વાભાવિક બનતી જાય.
બ્રહ્માકુમારીઝ સંસ્થાના સેવા કેન્દ્રમાં દરરોજ આધ્યાત્મિક અભ્યાસ કરવામાં આવે છે. જેમાં હું કોણ એ રોજ તાજુ કરવાનું રહે છે, તથા મારી વિશેષતાઓ શું છે તેના ઉપર ચિંતન કરવામાં આવે છે. ધારો કે આજે મને અનુભવ થાય છે કે મારી શક્તિ ઓછી થઈ ગઈ છે તો હું પાવર હાઉસ સાથે મારું કનેક્શન જોડી ને શક્તિ પ્રાપ્ત કરીશ.
આપણે અગાઉ મેડીટેશનની વિવિધ પદ્ધતિની વાત કરી હતી. જેમાં શ્વાસ લેવાની પ્રક્રિયા, મંત્ર જાપ કે ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. આમાં મહેનત વધુ અને પ્રાપ્તિ ઓછી થતી હતી. રાજયોગ મેડિટેશનમાં જો આત્માનું કનેક્શન પરમાત્મા (પાવર હાઉસ) સાથે જોડાઈ જાય તો આત્મામાં શક્તિનો સંચાર થાય છે. પરંતુ આમાં કનેક્શન મજબૂત હોવું જોઈએ.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૩ના બજેટમાં આરોગ્ય માટેના ફંડમાં ૨૪%નો વધારો; રૂ.૧૫,૧૮૨ કરોડની ફાળવણી
રાજકોટ: યુનાઈટેડ નેશન્સ દ્વારા દર વર્ષે ૭ એપ્રિલને ‘વર્લ્ડ હેલ્થ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ યુનાઈટેડ નેશન્સની વૈશ્વિક આરોગ્ય માટે કામ કરતી એજન્સી ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ (WHO)નો સ્થાપના દિન છે. ૧૯૪૮માં સ્થપાયેલી આ સંસ્થાને આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. ત્યારે WHO જેવી વૈશ્વિક સંસ્થાએ ભારતમાં સૌરાષ્ટ્રને એક નવલું નજરાણું આપ્યું છે.
ભારતમાં વૈશ્વિક કક્ષાની આરોગ્ય સુવિધા મળે એ માટે વડાપ્રધાન મોદીના સઘન પ્રયાસોથી WHOએ સૌરાષ્ટ્રને વર્લ્ડ કલાસ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન (GCTM)ની ભેટ આપી છે. જામનગરથી સાત કિ.મી.ના અંતરે આવેલા ગોરધનપર ગામે WHO જેવી વૈશ્વિક સંસ્થા દ્વારા આ સેન્ટર નિર્માણ પામી રહ્યું છે. WHOના વડા ડૉ. ટેડ્રોસ એધનોમ, મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથ, વડાપ્રધાન મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રના ‘આયુષ’ ખાતાના પ્રધાન સર્બાનંદ સોનોવાલ વગેરેની ઉપસ્થિતિમાં જામનગર ખાતે ગત ૧૯ એપ્રિલ-૨૦૨૨ના રોજ આ સેન્ટરનું ભૂમિપૂજન કરાયું હતું.
વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે જામનગરનું GCTM વસુદેવ કુટુમ્બકમ, સર્વે સન્તુ નિરામયાની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારું કેન્દ્ર બનશે. ભારતનું જ્ઞાન GCTM ખાતે પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓના વિકાસમાં મોટો ફાળો આપશે. પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ-દવાઓના ક્ષેત્રે શોધ-સંશોધન માટે પૂરતું મૂડીરોકાણ લાવવામાં આવશે. જામનગર શહેરમાં પ્રતિષ્ઠિત આયુર્વેદ યુનિવર્સિટી કાર્યરત છે જ્યાં આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ પ્રમાણેના ઉપચાર, સારવાર અને સંશોધનો થાય છે. ‘હેલ્થ ફોર ઓલ’ના ઉદ્દેશ્ય સાથે જરૂરિયાતમંદો સુધી સ્વાસ્થ્ય સુવિધા વિનામૂલ્યે પહોંચે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કાર્યરત છે. રાજ્ય સરકાર પણ શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓ દ્વારા પ્રજાની સુખાકારી માટે સતત કાર્યરત છે.
વડાપ્રધાનના દૂરંદેશીભર્યા નેતૃત્ત્વમાં કોરોનાની તમામ લહેરોમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખૂબ કુશળતાપૂર્વક આરોગ્યની સુવિધા સામાન્ય નાગરિકોને પૂરી પડાઈ હતી. ને આ આપદાથી બચવા સઘન રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. કોરાનાની રસીથી દેશના લોકોને સુરક્ષિત કર્યા બાદ વિદેશોમાં પણ આપણી રસી મોકલાવાઈ. આમ કોરાના કાળમાંથી બહાર નીકળવા માટેના વડાપ્રધાનના સુવ્યવસ્થિત આયોજનને વિશ્વભરમાં ખૂબ સરાહના મળી છે.
ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૩ના બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય માટેની જોગવાઇમાં ગત વર્ષ કરતાં ૨૪%નો માતબર વધારો કરીને રૂ.૧૫,૧૮૨ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં પાંચ લાખની સહાયની જોગવાઇને વધારીને ૧૦ લાખ કરવાનો મહત્વનો નિર્ણય કરીને સ્વાસ્થ્ય ઉપર વિશેષ ભાર અપાયો છે.
WHO ની એક મહત્વની સફળતા શીતળાને નાબૂદ કરવાની ચળવળ હતી, જે ૧૯૫૮માં શરૂ થઇ અને માત્ર ૨૦ વર્ષોમાં, ૧૯૭૯માં WHO એ જાહેર કર્યું કે વિશ્વમાંથી શીતળાને નાબૂદ કરવામાં સફળતા મળી છે. સમગ્ર વિશ્વમાંથી સૌએ સાથે મળીને સમર્પિત પ્રયત્નો દ્વારા નાબૂદ કાર્યો હોય તેવો એ પ્રથમ રોગ હતો. હાલમાં સંચારી રોગો, ટી.બી. અને એચ.આઇ.વી.-એઇડ્સ, કોવિડ-19 વગેરે પર વ્યાપક કાર્ય કરવામાં આવી રહ્યું છે.
૧૯૫૦થી દર વર્ષે ‘વર્લ્ડ હેલ્થ ડે’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે “હેલ્થ ફોર ઓલ” વિષય અંતર્ગત આ દિવસની ઉજવણી થનાર છે. પહેલું સુખ તે જાતે નર્યા. ભારતમાં પારંપરિક રીતે સ્વસ્થ્યને ખુબ મહત્વ આપવામા આવતું રહ્યું છે. પરંતુ, સાંપ્રત સમયમાં આપણી આદતો અને જીવનશૈલી બદલાઇ છે. ત્યારે, સ્વસ્થ્યની સંભાળ રાખવી વધારે જરૂરી બની છે. દિવસમાં ૧૦,૦૦૦ પગલાં ચાલવુ, યોગ અને કસરતને રોજિંદા જીવનમાં સ્થાન આપવું, લિફ્ટની જગ્યાએ પગથિયાનો ઉપયોગ કરવો, સવારે નાસ્તો ન ટાળવો, રાત્રે ભારે ખોરાક લેવાનું ટાળવું તેમજ બને તેટલા વહેલા રાત્રીનો ખોરાક લેવો, દિવસ દરમ્યાન વારંવાર પાણી પીતા રહેવું, ખોરાકમા મેંદો, ખાંડ અને તળેલી વસ્તુઓને અત્યંત ઓછી કરવી, રોજિંદા ખોરાકમાં મિલેટ્સ એટલે કે જુવાર, બાજરી, રાગી, મોરૈયોનો ખાસ સમાવેશ કરવો, પૂરતી ઉંઘ લેવી, પાન વગેરેની આદત હોય તો સમયાંતરે મોં, દાંત અને ગળું સાફ થાય તે રીતે કોગળા કરતા રહેવું, રાત્રે સુતા પહેલા અચૂક બ્રશ કરવું, બાહરથી આવીને તેમજ કોઇપણ આહાર લેતા પહેલા સાબુથી હાથ ધોવા, વગેરે આદતો સરળ અને સ્વાસ્થ્યપ્રદ છે. ઘર ઉપરાંત ઓફિસો કે ઔદ્યોગિક એકમમાં, જાહેર જગ્યાઓમાં પણ સ્વછતા જળવાય તે આપણી ફરજ છે. સારાં સ્વસ્થ્ય માટે વ્યસન લાલબત્તી સમાન છે. તેનાથી દૂર જ રહેવું હિતાવહ છે.