૭ એપ્રિલ ‘વર્લ્ડ હેલ્થ ડે’: WHOની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સઘન પ્રયાસોથી, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા જામનગર પાસે નિર્માણ પામી રહ્યું છે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન

*****

GCTM કાર્યરત થવાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના યુગનો થશે પ્રારંભ

*****

ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૩ના બજેટમાં આરોગ્ય માટેના ફંડમાં ૨૪%નો વધારો; રૂ.૧૫,૧૮૨ કરોડની ફાળવણી


રાજકોટ: યુનાઈટેડ નેશન્સ દ્વારા દર વર્ષે ૭ એપ્રિલને ‘વર્લ્ડ હેલ્થ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ યુનાઈટેડ નેશન્સની વૈશ્વિક આરોગ્ય માટે કામ કરતી એજન્સી ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ (WHO)નો સ્થાપના દિન છે. ૧૯૪૮માં સ્થપાયેલી આ સંસ્થાને આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. ત્યારે WHO જેવી વૈશ્વિક સંસ્થાએ ભારતમાં સૌરાષ્ટ્રને એક નવલું નજરાણું આપ્યું છે.

ભારતમાં વૈશ્વિક કક્ષાની આરોગ્ય સુવિધા મળે એ માટે વડાપ્રધાન મોદીના સઘન પ્રયાસોથી WHOએ સૌરાષ્ટ્રને વર્લ્ડ કલાસ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન (GCTM)ની ભેટ આપી છે. જામનગરથી સાત કિ.મી.ના અંતરે આવેલા ગોરધનપર  ગામે WHO જેવી વૈશ્વિક સંસ્થા દ્વારા આ સેન્ટર નિર્માણ પામી રહ્યું છે. WHOના વડા ડૉ. ટેડ્રોસ એધનોમ, મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથ, વડાપ્રધાન મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રના ‘આયુષ’ ખાતાના પ્રધાન સર્બાનંદ સોનોવાલ વગેરેની ઉપસ્થિતિમાં જામનગર ખાતે ગત ૧૯ એપ્રિલ-૨૦૨૨ના રોજ આ સેન્ટરનું ભૂમિપૂજન કરાયું હતું.

વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે જામનગરનું GCTM વસુદેવ કુટુમ્બકમ, સર્વે સન્તુ નિરામયાની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારું કેન્દ્ર બનશે. ભારતનું જ્ઞાન GCTM ખાતે પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓના વિકાસમાં મોટો ફાળો આપશે. પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ-દવાઓના ક્ષેત્રે શોધ-સંશોધન માટે પૂરતું મૂડીરોકાણ લાવવામાં આવશે. જામનગર શહેરમાં પ્રતિષ્ઠિત આયુર્વેદ યુનિવર્સિટી કાર્યરત છે જ્યાં આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ પ્રમાણેના ઉપચાર, સારવાર અને સંશોધનો થાય છે. ‘હેલ્થ ફોર ઓલ’ના ઉદ્દેશ્ય સાથે જરૂરિયાતમંદો સુધી સ્વાસ્થ્ય સુવિધા વિનામૂલ્યે પહોંચે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કાર્યરત છે.  રાજ્ય સરકાર પણ શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓ દ્વારા પ્રજાની સુખાકારી માટે સતત કાર્યરત છે.

વડાપ્રધાનના દૂરંદેશીભર્યા નેતૃત્ત્વમાં કોરોનાની તમામ લહેરોમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખૂબ કુશળતાપૂર્વક આરોગ્યની સુવિધા સામાન્ય નાગરિકોને પૂરી પડાઈ હતી. ને આ આપદાથી બચવા સઘન રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. કોરાનાની રસીથી દેશના લોકોને સુરક્ષિત કર્યા બાદ વિદેશોમાં પણ આપણી રસી મોકલાવાઈ.  આમ કોરાના કાળમાંથી બહાર નીકળવા માટેના વડાપ્રધાનના સુવ્યવસ્થિત આયોજનને વિશ્વભરમાં ખૂબ સરાહના મળી છે.

ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૩ના બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય માટેની જોગવાઇમાં ગત વર્ષ કરતાં ૨૪%નો માતબર વધારો કરીને રૂ.૧૫,૧૮૨ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં પાંચ લાખની સહાયની જોગવાઇને વધારીને ૧૦ લાખ કરવાનો મહત્વનો નિર્ણય કરીને સ્વાસ્થ્ય ઉપર વિશેષ ભાર અપાયો છે.

WHO ની એક મહત્વની સફળતા શીતળાને નાબૂદ કરવાની ચળવળ હતી, જે ૧૯૫૮માં શરૂ થઇ અને  માત્ર ૨૦ વર્ષોમાં, ૧૯૭૯માં WHO એ જાહેર કર્યું કે વિશ્વમાંથી શીતળાને નાબૂદ કરવામાં સફળતા મળી છે. સમગ્ર વિશ્વમાંથી સૌએ સાથે મળીને સમર્પિત પ્રયત્નો દ્વારા નાબૂદ કાર્યો હોય તેવો એ પ્રથમ રોગ હતો. હાલમાં સંચારી રોગો, ટી.બી. અને એચ.આઇ.વી.-એઇડ્સ, કોવિડ-19 વગેરે પર વ્યાપક કાર્ય કરવામાં આવી રહ્યું છે.

૧૯૫૦થી દર વર્ષે ‘વર્લ્ડ હેલ્થ ડે’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે “હેલ્થ ફોર ઓલ” વિષય અંતર્ગત આ દિવસની ઉજવણી થનાર છે. પહેલું સુખ તે જાતે નર્યા. ભારતમાં પારંપરિક રીતે સ્વસ્થ્યને ખુબ મહત્વ આપવામા આવતું રહ્યું છે. પરંતુ,  સાંપ્રત સમયમાં આપણી આદતો અને જીવનશૈલી બદલાઇ છે. ત્યારે,  સ્વસ્થ્યની સંભાળ રાખવી વધારે જરૂરી બની છે. દિવસમાં ૧૦,૦૦૦ પગલાં ચાલવુ, યોગ અને કસરતને રોજિંદા જીવનમાં સ્થાન આપવું, લિફ્ટની જગ્યાએ પગથિયાનો ઉપયોગ કરવો, સવારે નાસ્તો ન ટાળવો, રાત્રે ભારે ખોરાક લેવાનું ટાળવું તેમજ બને તેટલા વહેલા રાત્રીનો ખોરાક લેવો, દિવસ દરમ્યાન વારંવાર પાણી પીતા રહેવું, ખોરાકમા મેંદો, ખાંડ અને તળેલી વસ્તુઓને અત્યંત ઓછી કરવી, રોજિંદા ખોરાકમાં મિલેટ્સ એટલે કે જુવાર, બાજરી, રાગી, મોરૈયોનો ખાસ સમાવેશ કરવો, પૂરતી ઉંઘ લેવી, પાન વગેરેની આદત હોય તો સમયાંતરે મોં, દાંત અને ગળું સાફ થાય તે રીતે કોગળા કરતા રહેવું, રાત્રે સુતા પહેલા અચૂક બ્રશ કરવું, બાહરથી આવીને તેમજ કોઇપણ આહાર લેતા પહેલા સાબુથી હાથ ધોવા, વગેરે આદતો સરળ અને સ્વાસ્થ્યપ્રદ છે. ઘર ઉપરાંત ઓફિસો કે ઔદ્યોગિક એકમમાં, જાહેર જગ્યાઓમાં પણ સ્વછતા જળવાય તે આપણી ફરજ છે. સારાં સ્વસ્થ્ય માટે વ્યસન લાલબત્તી સમાન છે. તેનાથી દૂર જ રહેવું હિતાવહ છે.

(આલેખન- પારૂલ આડેસરા, ભાર્ગવ ભંડેરી)