Home Blog Page 2945

કર્ણાટક ચૂંટણીમાં છેલ્લા દિવસે 1900 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

બેંગલુરુઃ કર્ણાટકમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી માટે નામાંકન પત્ર દાખલ કરવા માટેની પ્રક્રિયા ગુરુવારે (20 એપ્રિલે) પૂરી થઈ ગઈ છે. ચૂંટણી પંચે ચૂંટણીને ધ્યાનમાં રાખતાં બધા ઉમેદવારોએ પોતપોતાનું નામાંકન પત્ર સોંપવા માટે 13થી 20 એપ્રિલ સુધીનો સમય નિર્ધારિત કર્યો હતો. ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યાનુસાર નામાંકન પત્ર દાખલ કરવાનું કામ શરૂ થયા પછી 3600થી વધુ ઉમેદવારોએ કુલ 5102 નામાંકન દાખલ કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા દિવસે 1900થી વધુ નામાંકન દાખલ કરવામાં આવ્યાં હતાં. આ નામાંકન પત્રોની તપાસ શુક્રવારે (21 એપ્રિલ) થશે.ચૂંટણી મેદાનમાંથી નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ છે.

કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 4710 નામાંકનમાંથી 3327 પુરુષ ઉમેદવારોએ અને 391 નામાંકનમાંથી 304 મહિલા ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યાં છે. જ્યારે એક અન્ય જાતિના ઉમેદવારે નામાંકન પત્ર ભર્યું છે, એમ મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ભાજપના 707 ઉમેદવારોએ, જ્યારે કોંગ્રેસના 651 અને જનતા દળ (એસ)ના 455 ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યાં છે. છેલ્લા દિવસે અનેક અગ્રણી નેતાઓએ નામાંકન પત્ર ભર્યાં હતાં.  કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે પારંપરિક સીટ પર તેમના ભાઈએ નામાંકન દાખલ કરીને સૌને ચોંકાવ્યા હતા. ડીકે સુરેશે કનકપુરા વિધાનસભા સીટ પરથી નામાંકન પત્ર કર્યું હતું. કેટલાક કોંગ્રેસ નેતાઓનું કહેવું હતું કે સુરેશે શિવકુમારનું નામાંકન રદ થવાની સ્થિતિમાં બેકઅપ પ્લાન તરીકે અહીંથી નામાંકન દાખલ કર્યું છે.

 

 

બ્રિટનના નાયબ વડા પ્રધાન ડોમિનિક રાબે રાજીનામું આપ્યું

લંડનઃ બ્રિટનમાં સરકાર ચલાવવાના વડા પ્રધાન રિશી સુનકના પ્રયાસોને આજે મોટો ફટકો પડ્યો છે, કારણ કે એમના ડેપ્યુટી તરીકે કામ કરતા ડોમિનિક રાબે એમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. સુનકને એમણે પત્ર લખીને પોતે રાજીનામું આપે છે એવી જાહેરાત કરી હતી. કેબિનેટ પ્રધાન તરીકે સેવા બજાવતી વખતે જુદા જુદા સરકારી વિભાગોના  સ્ટાફના સભ્યોને ધમકાવવાના આરોપને પગલે રાબે રાજીનામું આપ્યું છે. એમના રાજીનામાથી સુનકને ફટકો પડ્યો છે, કારણ કે રાબ એમના નિકટના સહયોગી હતા.

અનેક સરકારી કર્મચારીઓએ 49 વર્ષના રાબ વિશે કરેલી ફરિયાદોમાં નિષ્પક્ષ રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસનીશોને બે જણના આરોપમાં સાચા જણાયા હતા. ત્યારબાદ તપાસ અહેવાલ ગઈ કાલે સુનકને સુપરત કરવામાં આવ્યો હતો. પરિણામે રાબ રાજીનામું આપશે એવી ધારણા હતી જ. તેઓ બ્રિટનના કાયદા પ્રધાન પણ છે. એમણે પોતાના રાજીનામાનો પત્ર આજે ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો.

ટ્વિટરે બ્લુ ટિક દૂર કર્યાઃ અનેક હસ્તીઓના એકાઉન્ટ નથી વેરિફાઇડ

નવી દિલ્હીઃ માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરે બધા વેરિફાઇડ એકાઉન્ટમાંથી બ્લુ ટિક દૂર કર્યું છે. એકમાત્ર વ્યક્તિગત ટ્વિટર ઉપયોગકર્તા કે જેમની પાસે ટ્વિટર બ્લુ ટિક છે, તેઓ એના માટે ચુકવણી કરી રહ્યા છે. જે લોકોએ બ્લુ ટિક પ્લાનનું પેમેન્ટ નથી કર્યું, તેમના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક દૂર કરવામાં આવ્યા છે.

લિગસી વેરિફાઇડ અકાઉન્ટમાંથી બ્લુ ટિક દૂર કરવાનું એલાન મસ્કે પહેલાં તેમણે કહ્યું હતું કે એપ્રિલથી લેગસી બ્લુ ટિક માર્ક વેરિફાઇ એકાઉન્ટમાંથી દૂર થઈ જશે. મસ્કે કહ્યું હતું કે જો બ્લુ ટિક જોઈએ તો એના માટે પ્રતિ મહિને ચુકવણી કરવી પડશે, જેનો ખર્ચ વેબના માધ્યમથી રૂ. 650 અને IOS-એન્ડ્રોઇડ દ્વારા રૂ. 900 છે.

એવા અકાઉન્ટ કે જેમના ટ્વિટરની પેઇડ સર્વિસ વિના બ્લુ અકાઉન્ટ મળ્યું હતું, એ એકાઉન્ટમાંથી હવે બ્લુ ટિક દૂર કરવામાં આવી ચૂક્યું છે. આ ક્રમમાં બોલીવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષયકુમારથી માંડીને ક્રિકેટ જગતના દિગ્ગજ વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને ભારતીય રાજકારણીઓ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, UP CM યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ CM માયાવતીના ટ્વિટર એકાઉન્ટમાંથી પણ બ્લુ ટિક દૂર કરવામાં આવ્યું છે.

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ, દિલ્હીના ભૂતપૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયા, ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન, મંત્રી સૌરભ ભારદ્વાજ વગેરે સહિત અનેક હસ્તીઓનાં નામ પણ ટ્વિટર પર બ્લુ ટિક દૂર કરવામાં આવ્યા છે.

 

 

ભારતમાં સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતાનો સુનીલ મિત્તલ, ટીમ કૂક દ્વારા પુનરોચ્ચાર

નવી દિલ્હીઃ હાલ ભારતના પ્રવાસે આવેલા અમેરિકાની એપલ કંપનીના સીઈઓ ટીમ કૂક આજે અહીં ભારતી ગ્રુપના સ્થાપક અને ચેરમેન સુનીલ મિત્તલને મળ્યા હતા અને બંનેએ ભારતમાં તેમજ આફ્રિકાની માર્કેટમાં બંને કંપનીએ ગાઢ રહીને કામ કરવાનું એકબીજાને ફરી વચન આપ્યું હતું.

એપલ કંપનીએ મુંબઈ અને નવી દિલ્હીમાં તેના બે બ્રાન્ડેડ રીટેલ સ્ટોર શરૂ કર્યા છે. ભારતી ગ્રુપે એક નિવેદનમાં કહ્યું છે કે એપલ કંપનીએ ભારતમાં બિઝનેસ કામગીરીના 25 વર્ષ પૂરા કર્યા છે. ટીમ કૂક અને સુનીલ ભારતી મિત્તલે આજે સવારે લગભગ એક કલાક સુધી વાતચીત કરી હતી. એપલ અને એરટેલે અત્યાર સુધીમાં જે સંબંધ જાળવી રાખ્યો છે તે અંગે બંને અગ્રણીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને ભારત તેમજ આફ્રિકાની બજારમાં સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

રાજસ્થાની ઘઉંની ખીચ અને ગોળની રાબ

અક્ષય તૃતિયા સ્પેશ્યલ રેસિપી

Reena Mohnot

અક્ષય તૃતિયાને રાજસ્થાનમાં આખા વર્ષ દરમ્યાનનો બહુ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે અને તેથી તે વ્યાપક રીતે ઉજવવામાં આવે છે. આ દિવસ સૌભાગ્ય, સફળતા અને ભાગ્યોદયનો દિવસ મનાય છે.

અક્ષય તૃતિયા શુક્લ પક્ષમાં વૈશાખ મહિનાના ત્રીજા દિવસે હોય છે. જે એપ્રિલ અથવા મે મહિના દરમ્યાન આવે છે. કહેવાય છે કે, આ દિવસે સૂર્ય તેમજ ચંદ્રમાની સ્થિતિ શ્રેષ્ઠ હોય છે.

આ દિવસે ભગવાન વિષ્ણુ તેમજ અન્નપૂર્ણા માતાને રાજસ્થાનમાં ઘઉંની ખીચ તેમજ ગોળની રાબ પ્રસાદમાં ધરાવવામાં આવે છે.

ઘઉંની ખીચનો પ્રસાદ શા માટે ધરાવાય છેઃ  ખીચનો પ્રસાદ અખંડ (આખા) ધાન્યથી બનાવવામાં આવે છે. ભગવાનને આખું ધાન્ય ધરાવવું બહુ જ શુભ ગણાય છે અને આ મોસમમાં ઘઉંનો પાક પણ થાય છે. એથી આખા ઘઉંનો પ્રસાદ બનાવીને ધરાવવું બહુ જ શુકનવંતુ ગણાય છે. જે ધરાવીને પ્રભુ પાસે સમૃદ્ધિ માટેની પ્રાર્થના કરવામાં આવે છે.

ઘઉંની ખીચ બનાવવા માટેની સામગ્રીઃ આખા ઘઉં 2 કપ, આખા મગ ¼ કપ, મીઠું ¼ ટી.સ્પૂન, હળદર ¼ ટી.સ્પૂન, પાણી 6 કપ

રીતઃ ઘઉંને 1-2 પાણીએથી ધોઈને 3-4 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેમાંથી પાણી નિતારી લઈને ઘઉંને ખાંડણિયામાં થોડા પીસી લો અથવા મિકસીમાંનું પલ્સ બટન ફેરવીને અધકચરા દળી લો. હવે ઘઉંને સૂકાવા દો. ઘઉં સૂકાય જાય એટલે તેને ચાળણીથી ચાળીને છોતરા કાઢી લો.

કૂકરમાં 6 કપ પાણી ઉકાળવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં દળેલા ઘઉં તેમજ મગને ઉમેરીને તેમાં મીઠું તેમજ હળદર મેળવીને 5-6 સીટી થવા દો. કૂકર ઠંડું થાય એટલે ભગવાનને ધરાવવા માટેનો પ્રસાદ તૈયાર છે.

ગોળની રાબ

સામગ્રીઃ ઘઉંનો લોટ 4 ટે.સ્પૂન, ગોળ ½ કપ, ઘી 1 ટે.સ્પૂન, પાણી 2 કપ

રીતઃ એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ઘઉંનો લોટ ગોલ્ડન રંગનો થાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકી લો. એક બાઉલમાં 2 કપ પાણી ગરમ કરી તેમાં ગોળ ઓગાળી લો. લોટ શેકાય જાય એટલે ગોળવાળું પાણી તેમાં ધીમે ધીમે ઉમેરીને તવેથાથી હલાવતાં રહો, જેથી ગઠ્ઠા ના થાય. 5-6 મિનિટ સુધી ગરમ થવા દો. ત્યારબાદ નીચે ઉતારી લો. ઘઉંની રાબ તૈયાર છે.

(રીના મોહનોત)

(સાયન્સ ગ્રેજ્યુએટ રીના મોહનોતને એમની પેશન રાજસ્થાની રસોઈકળા તરફ દોરી ગઈ અને નિર્માણ થયું ક્લાઉડ કિચન, ધોરા!  જે અમદાવાદના સ્વાદ રસિયાઓને પીરસે છે અસલ પરંપરાગત રાજસ્થાની સ્વાદિષ્ટ વાનગીઓ! અનેક કઠિનાઈ, પેન્ડેમિકનો ફટકો સહીને પણ ક્લાઉડ કિચન ચાલુ રાખવાના મક્કમ નિર્ધારને કારણે રીનાબહેન, ટાઈમ્સ ફુડ એવોર્ડ, રાષ્ટ્રવ્યાવી મેરીટ એવોર્ડ અને મહિલાપ્રેન્યોર જેવા અનેક એવોર્ડના સતત વિજેતા રહ્યાં છે!)

સ્થાનિક લોકોએ સરહદી વિસ્તારમાં મોદી સરકારના કામની પ્રશંસા કરી

તવાંગઃ પૂર્વોત્તરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે ચીની આક્રમણનો મુકાબલો કરવા માટે મોદી સરકાર દ્વારા અરુણાચલ પ્રદેશમાં માળખાકીય વિકાસ ઝડપથી કરવામાં આવી રહ્યો છે, જેની સ્થાનિક લોકોએ ભારે પ્રશંસા કરી હતી. પૂર્વોત્તર સીમાંત રાજ્યોમાં પાછલાં કેટલાંક વર્ષોમાં પાયાના માળખાકીય કામોના વિકાસનાં કાર્યોમાં ઝડપથી વધારો થયો છે. રસ્તાની કનેક્ટિવિટીથી માંડીને મોબાઇલની કનેક્ટિવિટી –અરુણાચલ પ્રદેશના સરહદી ક્ષેત્રોમાં નાટકીય રીતે ઝડપથી વધારો થઈ રહ્યો છે. આને લઈને સ્થાનિક લોકો કેન્દ્ર અને રાજ્ય સરકાર- બંને સરકાર દ્વારા કરવામાં આવી રહેલાં કાર્યોથી બહુ ખુશ છે.

અરુણાચલ પ્રદેશનું તવાંગ ક્ષેત્ર ભારતની સુરક્ષાની દ્રષ્ટિએ એક વ્યહાત્મક સ્થળ છે. તવાંગ ક્ષેત્રના સ્થાનિક લોકોએ કહ્યું હતું કે વડા પ્રધાન મોદીની સરકાર સત્તામાં આવ્યા પછી આ ક્ષેત્રના રસ્તાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે અને સરહદી ક્ષેત્રોમાં અનેક પાયાના માળખાકીય કાર્યો કરવામાં આવ્યા છે.

સ્થાનિક રહેવાસી અને તવાંગ સિટીના જૂના માર્કેટના સચિવ દાવા તાશીએ જણાવ્યું હતું કે પહેલાંની તુલનામાં અહીં ઘણો વિકાસ થયો છે. મોદી સરકાર અને પેમા ખાંડુના નેતૃત્વવાળી રાજ્ય સરકારે ગામ અને અંતરિયાળ વિસ્તારોમાં અનેક વિકાસ કાર્યો કરવામાં આવ્યાં છે. તવાંગના રહેવાસી તિલક શર્માએ કહ્યું હતું કે તેમના વિસ્તારમાં અનેક વિકાસ કાર્યો થયાં છે. સરહદી વિસ્તારોમાં રસ્તાની ક્નેક્ટિવિટી હવે બહુ સારી છે. વળી, અરુણાચલ પ્રદેશમાં LAC પાસે મોબાઇલ કનેક્ટિવિટી માટે સરહદી વિસ્તારોમાં નવા મોબાઇલ ટાવર લગાવવામાં આવી રહ્યો છે.

 

 

 

 

 

 

વાસ્તુ: શું પીપળાના વૃક્ષમાં વિષ્ણુનો અવતાર હોય છે?

ભારતીય સંસ્કૃતિ દુનિયાની સહુથી જૂની સંસ્કૃતિ છે. અને એક સંશોધન પ્રમાણે સંસ્કૃત કાલીન ભારતીય સંસ્કૃતિ વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિ ગણી શકાય. એક સમય હતો જયારે વિદેશથી યાત્રીઓ ભારતને સમજવા આવતા. ભારતીય શિક્ષણની ખ્યાતી એટલે દુર સુધી પહોંચી કે વિદેશી વિદ્યાર્થીઓ આપણી વિદ્યાપીઠો માં અભ્યાસ અર્થે આવતા. આકર્ષણ એટલું વધ્યું કે કેટલાક લોકોને ભારતને પોતાનું કરી લેવાની ઈચ્છા થઇ અને આક્રમણો પણ થયા. ક્યારેક ભૂમિ તો ક્યારે અન્ય કશુક પામવા માટે અલગ અલગ પ્રજાએ ભારત ને પામવા પ્રયત્ન કર્યા અને એમથી કેટલાક સફળ પણ રહ્યા. જયારે જયારે કોઈ રાજવી અન્ય રાજ્ય પર રાજ્ય કરે ત્યારે પ્રજા એના પ્રભાવમાં આવે તે સ્વાભાવિક છે. પણ કોઈ સત્તા છોડી દે પછી પણ એનો પ્રભાવ વધ્યા કરે એ અચંબો પમાડી શકે. આપણે પશ્ચિમના રંગે એવા રંગાયા કે ભૌતિક્તાવાદ આપણા આધ્યાત્મવાદ પર સવાર થઇ ગયો. હવે આપણે આપણી જ સંસ્કૃતિ પર સંશોધન કરવું પડે એવી સ્થિતિ આવી ગઈ છે. આવા સમયે આપણા શાસ્ત્રોની સમજણ આપણને સાચો માર્ગ સુજાડી શકે છે. એમાંથી સુખી થવાના નિયમો આપતું શાસ્ત્ર એટલે વાસ્તુ શાસ્ત્ર.

મિત્રો, આપને પણ કોઈ સંશય કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પુછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: મને ખબર છે કે આપ વરસો થી સંશોધન કરો છો. અને એટલે જ તમને વાસ્તુ વિજ્ઞાનીનું બિરુદ મળ્યું છે. વળી તમે વાસ્તુમાં ઉર્જા વધારવા માટે વિવિધ વનસ્પતિ વાવવાની વાત પણ કરો છો. જો એનું કોઈ પુસ્તક તમે લખો તો સમાજને એ ખુબ ઉપયોગી થઇ શકે. આપણા ઘણા વિદ્વાનો પોતાનું જ્ઞાન અન્યને ન આપીને ગયા. જેના કારણે આપણા દેશની ઘણી સારી બાબતો નવી પેઢીને ખબર જ નથી. વળી મારો એક સવાલ પણ છે. પીપળાના વૃક્ષ માટે બે વિરોધાભાસી માન્યતાઓ છે. એક કે પીપળામાં વિષ્ણુનો અવતાર છે. અને બીજી કે એમાં ભૂતનો વાસ છે. તો સાચું શું ગણાય?

જવાબ: આપણે ત્યાં સંશોધનો તો ઘણા થયા. કેટલાક આક્રમણો બાદ આપણા દેશના લોકો કદાચ હતાશ હતા કે પછી એમણે પરિસ્થિતિ સ્વીકારી લીધી. જેના કારણે ગુલામીનું માનસ આવ્યું હોય એવું બની શકે. વળી મોટાભાગના લોકો કોઈ ની રાહ જુએ છે કે આપણે એનું અનુશરણ કરીશું. અથવાતો આધીન થઇ અને પોતાના લાભ લેવા પ્રયત્ન કરે છે. બની શકે કે આપણા વિદ્વાનોએ ક્યાંક બધું લખ્યું હોય પણ આપણે એ સાંચવી ન શક્યા. કેટલાક સંજોગોમાં એ જ્ઞાન ખોટી વ્યક્તિઓના હાથમાં ન આવે એની કાળજી રાખવા માટે પણ એનો વિનાશ થયો હોય. સાચો ઈતિહાસ શોધવો પડે. વળી જો કોઈને રસ હોય તો એ સંશોધન કરીને પણ આ કામ કરી શકે. આજના યુવાનો માં એ સમજણ છે ખરી? પાશ્ચાત્ય વિષયોથી અંજાયેલા વિદ્યાર્થીઓ અથવાતો વિદેશ ભણી દોટ મુકતા યુવાનો આ કાર્ય કરી શકશે ખરા? શાસ્ત્રીય સંગીતના વર્ગોમાં વિદ્યાર્થીઓ શોધવા પડે અને ગીટાર, રોક, પોપ માં ભીડ જામતી હોય, કે શાસ્ત્રીય નૃત્ય ની  જગ્યાએ ઝુમ્બા વધારે પ્રચલિત બને ત્યારે ક્યાંક કશુક ખૂટી રહ્યાની લાગણી થાય.

આપની જેમ ઘણા ચાહકોનું સુચન છે એટલે હું વિવિધ વિષયો પર પુસ્તકો લખી જ રહ્યો છું. હવે વાત પીપળાની. પીપળો સતત ઓક્સીજન આપે છે. પ્રાણ વાયુ એટલે જીવન માટેની મૂળ જરૂરીયાત. જીવન એટલે વિષ્ણુ. પીપળો યોગ્ય જગ્યાએ વાવવામાં આવે તો એ લાભપ્રદ છે. પીપળાના મૂળ આડા પ્રસરે છે. વળી એમાં તાકાત પણ ખુબ હોય છે. જો એ ઘરથી ખુબ નજીક હોય તો મકાનના પાયામાં જઈ અને ઘરને ખંડેર બનાવી શકે. એટલે એમાં ભૂતનો વાસ છે એવી માન્યતા ઉભી થઇ હોય.

સુચન: જો ઘરની આસપાસ પુરતી જગ્યા ન હોય તો પીપળો ન જ વવાય.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

NSEની ટ્રેડિંગ મેમ્બરના ફોરેન્સિક ઓડિટર્સ નીમવા કાર્યવાહી

મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા અનુપાલન કે અન્ય ગંભીર નિયમભંગમાં સંડોવાયેલા જણાય તેવા ટ્રેડિંગ મેમ્બર્સના ફોરેન્સિક ઓડિટ માટે ઓડિટર્સની નિમણૂક કરવામાં આવે છે. આ નિમણૂક કરવા સંબંધિત ફ્રેમવર્કની નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

સેબીએ હાલમાં ફોરેન્સિક ઓડિટ માટેની સીએ ફર્મ્સ અને કંપનીઓની પેનલ બનાવી છે. આ પેનલના બધા સભ્યોને એકસમાન તક ઉપલબ્ધ થાય તે હેતુથી એક્સચેન્જ દ્વારા એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જે નીચે મુજબ છેઃ

  1. એક્સચેન્જ ઓડિટના વિસ્તાર અને ઓડિટ પૂરું કરવાની સમયમર્યાદા નક્કી કરશે અને સેબીની પેનલ પરના ઓડિટર્સ પાસેથી ક્વોટેશન્સ મગાવશે.
  2. ઓડિટર્સે તેમના ક્વોટેશન્સને એક્સચેન્જ જાહેરાત કરે એ તારીખથી કામકાજના પાંચ દિવસમાં સુપરત કરવાની રહેશે.
  3. ઓડિટર્સ પાસેથી ક્વોટેશન્સ મળ્યા બાદ એક્સચેન્જ નીચામાં નીચી બીડ સુપરત કરનારા ત્રણ ઓડિટર્સની પસંદગી કરવામાં આવશે. ત્યાર બાદ એ ત્રણમાંથી જેની સૌથી નીચી બીડ હશે એ બીડ અન્ય બે ઓડિટર્સને જણાવવામાં આવશે અને તેમને તેમની બીડમાં સુધારો કરવાની તક આપવામાં આવશે.
  4. છેલ્લે સૌથી ઓછી બીડ જેની હશે એ ઓડિટરની નિમણૂક કરવામાં આવશે.

 

 

 

કોરાનાના 11,683 નવા કેસો, 28નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 11,683 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 28 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,48,69,684 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,258 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,42,72,256 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 10,780 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 66,170એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.15 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.67 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 2,29,739 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.48 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.39 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 5.1 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,31,979 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 3647 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

ભારતીય-અમેરિકનોની સભાએ ભારતીય દૂતાવાસો, સંસ્થાઓ પરના હુમલાઓને વખોડી કાઢ્યા

વોશિંગ્ટનઃ અમેરિકામાં વસતા ભારતીયોની 44 સંસ્થાઓની ગઈ કાલે અહીં એક સભા મળી હતી અને એમાં તેમણે અનેક ભારતીય સંસ્થાઓ, મંદિરો તેમજ ભારતીય દૂતાવાસો પર તાજેતરમાં કરવામાં આવેલા હુમલા, ગુંડાગીરી, તોડફોડની ઘટનાઓને વખોડી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો, બ્રિટનના લંડન અને ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં આવેલી ભારતીય દૂતાવાસ પર તાજેતરમાં હુમલા કરવામાં આવ્યા હતા. ઉક્ત સભામાં હાજર ભારતીય સમુદાયનાં લોકોએ કહ્યું હતું કે આ હુમલાઓને કારણે સમુદાયમાં આઘાત અને ભયની લાગણી ફરી વળી છે.

આ ભારતીય-અમેરિકન લોકો ‘ઈન્ડિયન ડાયાસ્પરા અગેન્સ્ટ હેટ’ (દ્વેષ વિરોધી ભારતીય વસાહતી સમુદાય) બેનર હેઠળ એકત્ર થયાં હતાં. અનેક અગ્રગણ્ય ભારતીય-અમેરિકન નાગરિકો તથા અનેક ધાર્મિક, સાંસ્કૃતિક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ આ સભામાં હાજર રહ્યાં હતાં. તેમણે હિંસક હુમલાઓને વખોડી કાઢતા એક પત્ર પર સહી કરી હતી. આ પત્ર દ્વારા એમણે કેન્દ્રીય, રાજ્યોના તેમજ સ્થાનિક પોલીસ સત્તાધિશોને વિનંતી કરી છે કે ભારતીય-અમેરિકન સમુદાયનાં લોકોની સુરક્ષા જળવાય એ માટે તેઓ પગલાં લે અને હુમલાઓ માટે જવાબદાર ઉપદ્રવી લોકો સામે ત્વરિત પગલાં લે.