Home Blog Page 2892

વિદ્યાર્થીઓ માટે ઉપયોગી : ધોરણ.12 પછીના ફાર્મસી અભ્યાસમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર

ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે આજથી રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જેમાં ધોરણ.12 પછીના ફાર્મસી અભ્યાસમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે. તેમાં 5મી જુન સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. તથા 4 જુલાઈથી નવું સત્ર શરૂ થશે.

વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા ધોરણ.12 સાયન્સ પછીના ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ડિગ્રી ફાર્મસીની 7,310 અને ડીપ્લોમા ફાર્મસીની 1,640 બેઠકમાં પ્રવેશ લેવા માટેની કાર્યવાહી તા.9મી મેથી શરૂ કરવામાં આવશે. પ્રવેશ લેવા માગતાં વિદ્યાર્થીઓ 9મી મેથી 5મી જુન સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. જેમાં ગુજકેટના આધારે પ્રોવિઝનલ મેરિટ લીસ્ટ 12મી જૂનના રોજ અને ફાઈનલ મેરિટ લિસ્ટ 20મી જૂનના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. પ્રવેશ સમિતીના આયોજન મુજબ ફાર્મસીનું નવુ શૈક્ષણિક સત્ર તા.4 જુલાઈથી શરૂ કરવામાં આવશે.

રાજ્યમાં ડિગ્રી ફાર્મસીની કુલ 7,310 બેઠક ઉપલબ્ધ

પ્રવેશ સમિતીએ જાહેર કરેલી વિગતો મુજબ, રાજ્યમાં ડિગ્રી ફાર્મસીની 3 સરકારી કોલેજ, 3 અનુદાનિત અને 88 ખાનગી કોલેજની મળીને કુલ 7,310 બેઠક ઉપલબ્ધ છે. ડીપ્લોમા ફાર્મસીમા સરકારી કોલેજ 1, 7 અનુદાનિત અને 18 ખાનગી કોલેજમાં કુલ 1,640 બેઠક ઉપલબ્ધ છે. ગત વર્ષે ડીગ્રી ફાર્મસીમાં 6,353 અને ડીપ્લોમા ફાર્મસીમાં 975 બેઠક પર વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો. ગુજરાત બોર્ડની સ્કૂલોનું પરિણામ આવી ગયં છે પરંતુ CBSE, ISCE, NIOS સહિતના અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ હોલ ટિકિટના આધારે રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ પ્રવેશ કાર્યવાહીમાં ગુજકેટ અથવા જેઈઈ આપી હોય અથવા બંને પરીક્ષા આપી હોય તેવા જ ઉમેદવાર ભાગ લઈ શકશે. રજિસ્ટ્રેશન માટે ઉમેદવારોની રૂ.350 ફી નક્કી કરવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટે ઘરેલુ હિંસાના કેસમાં મહિલાઓને આપી રાહત

ઘરેલુ હિંસાના કેસમાં પત્નીએ રૂબરૂ કોર્ટમાં હાજર થવાની જરૂર નથી તેમ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. જેમાં સોગંદનામા પર સરતપાસ કે જુબાનીના નીચલી કોર્ટના હુકમને બહાલી કરાઇ છે. પત્નીની જુબાની રદ કરવા પતિએ કરેલી અરજી હાઇકોર્ટેએ ફગાવી છે. તેમજ સરતપાસને રદ કરવાની માગ સાથે પતિએ કરેલી અરજીને પણ કોર્ટે ફ્ગાવી છે.

પત્ની દ્વારા સોગંદનામું રજૂ કરીને પણ પોતાની સરતપાસ કે પુરાવો રજૂ કરી શકાય

પતિ દ્વારા પત્નીને અદાલત સમક્ષ જુબાની આપવા માટે હાજર રાખવા અને તેણી દ્વારા સોગંદનામા પર કરાયેલી સરતપાસને રદ કરવાની માગ સાથે થયેલી અરજીને ફ્ગાવતા ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે, પ્રોટેકશન ઓફ્ ડોમેસ્ટિક વાયોલન્સ એકટ-2005ની સંબંધિત જોગવાઇ હેઠળ પત્નીને જુબાની કે સરતપાસ માટે અદાલત સમક્ષ રૂબરૂ હાજર થવાની જરૂર નથી. પત્ની દ્વારા સોગંદનામું રજૂ કરીને પણ પોતાની સરતપાસ કે પુરાવો રજૂ કરી શકાય છે.

સ્ત્રીઓના રક્ષણના વિશેષ અને અસરકારક અધિકાર આપવામાં આવ્યા

હાઈકોર્ટનુ અવલોકન છે કે, આ પ્રશ્નના સમાપન માટે સૌથી પહેલા તો અદાલત કાયદાકીય જોગવાઇઓ ધ્યાનમાં લેવા ઇચ્છે છે કે જેના મારફ્તે ડોમેસ્ટિક વાયોલન્સ એકટમાં પરિવારમાંથી સ્ત્રીને કોઇપણ રીતે હિંસાનો ભોગ બનાવાઇ હોય તે માટે સ્ત્રીઓના રક્ષણના વિશેષ અને અસરકારક અધિકાર આપવામાં આવ્યા છે, જે બહુ મહત્વના છે. આ કાયદામાં સુનાવણીની તારીખ, નોટિસ બજવણી, અરજીનો નિકાલ સહિતની બાબતોની સમયમર્યાદા પણ આદેશાત્મક બનાવાઇ છે.

સરતપાસને રદ કરવાની માગ સાથે પતિએ કરેલી અરજીને પણ કોર્ટે ફ્ગાવી

આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ધ્યાને લેતા, ઘરેલુ હિંસાના કાયદામાં પુરાવો કે સરતપાસ સોગંદનામા પર આપી શકાય અને તે માટેની મંજૂરી કોર્ટ આપી શકે છે. નીચલી બંને કોર્ટો દ્વારા હુકમમાં કોઇ ભૂલ કે ક્ષતિ કરાઇ નથી. અરજદારની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે, નીચલી અદાલતનો હુકમ ભૂલભરેલો છે, તેને રદ કરો. પત્નીને અદાલત સમક્ષ જુબાની આપવા માટે હાજર રાખવા અને તેણી દ્વારા સોગંદનામા પર કરાયેલી સરતપાસને રદ કરવાની માગ સાથે પતિએ કરેલી અરજીને પણ કોર્ટે ફ્ગાવી હતી.

ભાવનગર ડમી પરીક્ષાર્થી કૌભાંડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી

ભાવનગર ડમી પરીક્ષાર્થી કૌભાંડમાં વધુ એક તરસરા ગામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ડમીકાંડમાં સીટની તપાસ દરમિયાન 36 કૌભાંડી ઝપટે ચડયા છે. કૌભાંડમાં ઝડપાયેલા પંડયા બ્રધર્સના રિમાન્ડ પૂર્ણ થયા બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે. તથા અન્ય 21ના તપાસ દરમિયાન નામ ખૂલવા પામ્યા હતા.

ડમી પરીક્ષાર્થી કૌભાંડમાં આરોપીનો આંક 36ને આંબ્યો

ભાવનગરના બહુચર્ચિત ડમી પરીક્ષાર્થી કૌભાંડના મામલે બગદાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ અને તેના ભાઈને ઝડપી પાડી રિમાન્ડ મેળવાયા હતા. જે રિમાન્ડ પુર્ણ થતા બન્નેને કોર્ટમાં રજુ કરાયા બાદ જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા. જ્યારે ઉક્ત મામલે વધુ એક તળાજા તાલુકાના પિપરલા ગામના શખ્સને ઝડપી પડતા કુલ આંક 36ને આંબ્યો હતો.

21 આરોપીઓના તપાસ દરમિયાન નામ ખૂલવા પામ્યા હતા

ડમી પરીક્ષાર્થી કૌભાંડમાં બે દિવસ પૂર્વે ઉક્ત ગુનામાં બગદાણા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ દિનેશ બટુકભાઈ પંડયા અને તેના ભાઈ ભદ્રેશ પંડયા (રે. બન્ને પીપરલા તા. તળાજા)ના નામ ખુલ્યા હતા. તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિનેશ પંડયાએ તેના સગાભાઈ ભદ્રેશ પંડયાના બદલે ડમી પરીક્ષાર્થી બની સાલ 2022-23માં સેનેટરી ઈન્સ્પેકટની પરીક્ષા આપી હોવાનું ખુલ્યું હતું. જેને પગલે બન્નેને સકંજામાં લઈ લેવામાં આવ્યા હતા. અને બન્ને પંડયા બ્રધર્સને રિમાન્ડની માંગણી સાથે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોર્ટમાં રજુ કરતા કોર્ટે બન્નેના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા. જે રિમાન્ડ પુર્ણ થતા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના પીઆઈ. ભરવાડ સહીતના સ્ટાફે તેને કોર્ટમાં રજુ કર્યા હતા. જેને લઈ કોર્ટે બન્નેને જેલહવાલે કરવાનો હુકમ ફરમાવ્યો હતો.

15 કૌભાંડીના નામ ભરતનગરમાં નોંધાયેલ એફઆઈઆરમાં

ડમીકાંડની તપાસ દરમિયાન વધુ એક શખ્સ શંકાના પરિધમાં આવ્યા બાદ તળાજા તાલુકાના તરસરા ગામના મનોજ પ્રાગજીભાઈ બારૈયાને ઝડપી પાડયો હતો. છેલ્લા એક માસથી ચાલતી તપાસ દરમિયાન અત્યાર સુધી કુલ 36 આરોપીને ડમીકાંડમાં ઝડપી લેવાયા છે. જે પૈકી 15 કૌભાંડીના નામ ભરતનગરમાં નોંધાયેલ એફઆઈઆરમાં નામ જોવા મળી રહ્યા છે. જ્યારે અન્ય 21ના તપાસ દરમિયાન નામ ખૂલવા પામ્યા હતા.

પાકિસ્તાનનો ઇન્ટરનેટ પહોંચ મામલે વિશ્વમાં સૌથી ખરાબ દેખાવ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન વર્ષ 2022માં ઇન્ટરનેટ સુધી પહોંચ અ ડિજિટલ પ્રણાલી મામલેમાં વિશ્વમાં સૌથી ખરાબ દેખાવ કરવાવાળા દેશોમાંનો એક છે. સોમવારે જારી થયેલા એક રિપોર્ટમાં આ માહિતી સામે આવે છે. પાકિસ્તાન ઇન્ટરનેટ લેન્ડસ્કેપ 2022 શીર્ષકવાળા એ રિપોર્ટ માનવાધિકાર સંગઠન બાઇટ્સ ફોર ઓલ દ્વારા જારી કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં ગયા વર્ષે પાકિસ્તાનમાં માનવાધિકારો અને સૂચના તથા કોમ્યુનિકેશન ટેક્નોલોજી વિશે જણાવવામાં આવ્યું હતું.

ઇન્ટરનેટ પહોંચ અને શાસમ મામલે પાકિસ્તાનમાં થડોક સુધારો થયો છે, પરંતુ વિશ્વના સંદર્ભે દેશ સૌથી ખરાબ દેખાવ કરવાવાળા દેશોમાંનો એક છે. પાકિસ્તાન એશિયામાં પણ ખરાબ દેખાવ કરનાર દેશ છે. આ સિવાય પાકિસ્તાનમાં સાયબર ગુનામાં સતત વૃદ્ધિ જોવા મળી હતી. ડિસેમ્બર, 2022 સુધી એક લાખથી વધુ ફરિયો નોંધવામાં આવી છે, જે છેલ્લાં પાંચ વર્ષોમાં સૌથી વધુ છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાન ઇન્ટરનેટ પહોંચ મામલે એશિયાના 22 દેશોમાં સૌથી નીચલા ક્રમાંકે છે.

પાકિસ્તાનમાં ઇન્ટરનેટ પહોંચ મામલે વધારો થયો છે, છતાં 15 ટકા વસતિ હજી પણ ઇન્ટરનેટ અને મોબાઇલ અને દૂરસંચાર સેવાઓ સુધી પહોંચથી ઘણી દૂર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે મહિલાઓ માટે ઇન્ટરનેટ એક્સેસ અને મોબાઇલ ફોન એક્સેસ- બંનેમાં મોટા પાયે લૈંગિક અંતરને ધેસમાં એક મુખ્ય મુદ્દા તરીકે નોટ કર્યો હતો.

 

 

 

મોંઘવારી વચ્ચે ગૃહિણીઓ માટે માઠા સમાચાર, સિંગતેલના ભાવમાં ભડકો

રાજ્યમાં વધતી જતી મોંઘવારી વચ્ચે ગૃહિણીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સતત વધી રહેલી મોંધવારી વચ્ચે સીંગતેલના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. સીંગતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે. જેથી હવે સામાન્ય માણસનો સિંગતેલ ખાવુ મોંઘુ પડી જશે.

સિંગતેલના ભાવમા વધારો

રાજ્યમા આજે ફરી ઐએક વાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે. સીંગતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે. ત્રણ દિવસમાં સીંગતેલના ભાવમાં રૂ.100નો વધારો થતાં ગૃહીણીઓનું બજેટ ખોરવાયું છે. આજે સતત ત્રીજા દિવસે સીંગતેલના ડબ્બાનો ભાવ 2860થી વધીને રૂ.2960 થયા છે. જેના કારણે સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક ડામ પડવા જઈ રહ્યો છે. જો કે સીંગતેલ સિવાય અન્ય તેલના ભાવમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી.

ભાવ વધવાનું કારણ

સિંગતેલના ભાવ વધારો થવાનુ કારણ જણાવતા વેપારીઓ જણાવે છે કે હાલ મગફળી અને કપાસની આવક યાર્ડમાં ખુબ જ ઓછી છે.તેમજ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થયું છે. જેના કારણે સીંગતેલમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

NCBએ આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં અધિકારીને બરતરફ કર્યા

મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ પોલીસ સુપરિટેન્ડેન્ટ વિશ્વ વિજય સિંહને સર્વિસમાંથી હટાવી લીધા છે. તે બોલીવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન અને અન્યોની સંડોવણીમાં મુંબઈમાં 2021 ક્રૂઝ ડ્રગ્સ દરોડા કરનારી ટીમનો ભાગ હતા. અધિકારીને એક અસંબંધિત મામલામાં એજન્સીમાં દૂર કરી દેવામાં આવ્યા છે, ના કે આર્યન ખાનથી સંકળાયેલી તપાસના ભાગરૂપે.

સત્તાવાર સૂત્રો તરફથી માહિતી આપવામાં આવી હતી કે વિશ્વ વિજય સિંહને ગયા વર્ષે એપ્રિલથી પહેલાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે NCB દ્વારા તેમના આચરણ સંબંધમાં તપાસ કરવામાં આવી રહી છે. એમાં કહેવામાં આવ્યું હતું કે તેમના આચરણ સંબંધિત તપાસ હાલમાં પૂરી કરવામાં આવી હતી, જે પછી તેમને સર્વિસમાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. NCBના ડિરેક્ટર જનરલ સત્ય નારાયણ પ્રધાને રિપોર્ટની પુષ્ટિ કરી હતી, પરંતુ સિંહે ટિપ્પણી કરવાથી ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ મામલો ગૃહ મંત્રાલયની પાસે છે.

NCBની મુંબઈ ટીમની સામે આરોપો પછી ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પણ સામેલ હતા. કોર્ડેલિયા દરોડામાં એક અલગ સતર્કતા તપાસ શરૂ કરવામાં આવી હતી, જે નવેમ્બર, 2021માં પૂરી થઈ હતી. જેને પરિણામે સાત અધિકારીઓની સામે વિભાગીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે તપાસમાં શું સામે આવ્યું છે, એ જાહેર કરવામાં નથી આવ્યું.બીજી ઓક્ટોબર, 2021એ આર્યન ખાન અને કેટલાક અન્ય લોકોએ NCB દ્વારા ડ્રગ રાખવા, એનિં સેવન કરવા ને દાણચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, જે મુંબઈના આંતરરાષ્ટ્રીય ક્ઝ ટર્મિનલ કોર્ડેલિયા ક્રૂઝ શિપમાં મારવામાં આવેલા દરોડાથી જોડાયેલો હતો.

 

 

એશિયા કપ-2023 પાકિસ્તાનને બદલે કદાચ શ્રીલંકામાં રમાશે

મુંબઈઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) સંસ્થા એશિયા કપ-2023 સ્પર્ધાનું આયોજન પાકિસ્તાનને બદલે કોઈ અન્ય દેશમાં યોજે એવી ધારણા છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સેક્રેટરી અને એસીસીના ચેરમેન જય શાહે ગયા વર્ષે સ્પષ્ટતા કરી હતી કે ભારતીય ટીમ એશિયા કપમાં રમવા માટે પાકિસ્તાન નહીં જાય. આ સ્પર્ધા કોઈ તટસ્થ સ્થળે યોજવી જોઈએ એવી માગણી પણ તેમણે કરી હતી. એશિયા કપ પાકિસ્તાનમાં ન યોજવા માટે બીસીસીઆઈના નિર્ણયને શ્રીલંકા અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ટેકો આપ્યો છે.

એશિયા કપ-2023 સ્પર્ધા નિર્ધારિત સમયપત્રક મુજબ આ વર્ષના સપ્ટેમ્બરમાં રમાવાની છે.

પાકિસ્તાને ધમકી આપી છે કે જો ભારત એશિયા કપ રમવા પાકિસ્તાનમાં નહીં આવે તો પોતાની ટીમ ત્યારબાદ આ વર્ષના ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપનો બહિષ્કાર કરશે.

પાકિસ્તાનને બદલે એશિયા કપ-2023નું આયોજન કરવા માટેની રેસમાં શ્રીલંકા બધા કરતાં આગળ છે. જોકે આ જ દેશ ગયા વર્ષે આર્થિક કટોકટીને કારણે પોતાને ત્યાં એશિયા કપ સ્પર્ધા યોજી શક્યો નહોતો, પરિણામે તેને યૂએઈમાં રમાડવી પડી હતી.

ભારતીય સેનાનો યુનિફોર્મ બદલાશે

ભારતીય સેના પોતાનો યુનિફોર્મ બદલવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ફ્લેગ રેન્કના વરિષ્ઠ અધિકારીઓ એટલે કે બ્રિગેડિયર અને તેનાથી ઉપરના અધિકારીઓ માટે પેરેન્ટ કેડર અને પોસ્ટિંગને ધ્યાનમાં લીધા વિના એક સમાન યુનિફોર્મ કરવામાં આવશે. તે જ સમયે, કર્નલ અને તેનાથી નીચેના રેન્કના અધિકારીઓ દ્વારા પહેરવામાં આવતા યુનિફોર્મમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

સૂત્રોનું કહેવું છે કે ભારતીય સેનાએ પિતૃ કેડર અને પોસ્ટિંગને ધ્યાનમાં લીધા વિના વરિષ્ઠ ફ્લેગ રેન્કના અધિકારીઓ માટે સમાન ગણવેશ અપનાવવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પૂર્ણ થયેલી આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સ દરમિયાન વિગતવાર ચર્ચા વિચારણા બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

જો અહેવાલોનું માનીએ તો, બ્રિગેડિયર અને તેનાથી ઉપરના રેન્કના વરિષ્ઠ અધિકારીઓના હેડગિયર, શોલ્ડર રેન્ક બેજ, ગોર્જેટ પેચ, બેલ્ટ અને ફૂટવેર હવે પ્રમાણભૂત અને સામાન્ય હશે. તે જ સમયે, ફ્લેગ રેન્કના અધિકારીઓ કોઈ પણ ડોરી પહેરશે નહીં. તમને જણાવી દઈએ કે, આ તમામ ફેરફારો આ વર્ષે 1 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે. જોકે, ભારતીય સેનામાં કર્નલ અને તેનાથી નીચેના રેન્કના અધિકારીઓ દ્વારા પહેરવામાં આવતા યુનિફોર્મમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

નોંધપાત્ર વાત એ છે કે ભારતીય સેનામાં 16 રેન્ક છે. આ રેન્કને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. સૈન્યમાં બ્રિગેડિયર્સ અને તેનાથી ઉપરના અધિકારીઓ એવા છે જેઓ પહેલેથી જ એકમો, બટાલિયનને કમાન્ડ કરી ચૂક્યા છે અને મોટાભાગે હેડક્વાર્ટર અથવા સંસ્થાઓમાં પોસ્ટેડ છે.

 

સૂત્રોનું કહેવું છે કે પ્રમાણભૂત ગણવેશ તમામ વરિષ્ઠ રેન્કના અધિકારીઓ માટે એક સામાન્ય ઓળખ સુનિશ્ચિત કરશે, જે ભારતીય સૈન્યની સાચી નૈતિકતાને પ્રતિબિંબિત કરશે. વિવિધ પ્રકારના ગણવેશ અને સજાવટ ભારતીય સેનામાં સંબંધિત શસ્ત્રો, રેજિમેન્ટ્સ અને સેવાઓ સાથે ચોક્કસ જોડાણ ધરાવે છે. .

ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને લઈને ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચ્યો

સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત અને અદા શર્મા અભિનીત ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ હાલમાં ટોક ઓફ ધ ટાઉન છે. ફિલ્મને કારણે દેશ ફરી એકવાર બે ભાગમાં વહેંચાઈ ગયો છે. કેટલાક લોકો તેનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક તેનો સખત વિરોધ કરી રહ્યા છે. દરમિયાન, ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને લઈને ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચી ગયો છે. વાસ્તવમાં, કેરળ હાઈકોર્ટે ફિલ્મની રિલીઝને રોકવા માટે વચગાળાનો આદેશ જારી કર્યો હતો, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી 15મી મેના રોજ કરવાની છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે

સુપ્રીમ કોર્ટ મંગળવારે વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કરતા કેરળ હાઈકોર્ટના વચગાળાના આદેશ સામેની અપીલ પર સુનાવણી કરવા સંમત થઈ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે 15 મેના રોજ સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. ગયા અઠવાડિયે, કેરળ હાઇકોર્ટે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે ટ્રેલરમાં કોઈ ચોક્કસ સમુદાય માટે વાંધાજનક કંઈ નથી.


કોર્ટમાં શું થયું

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે મંગળવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચ સમક્ષ આ મામલાની તાકીદે સુનાવણીની અપીલ કરી હતી. જ્યારે ન્યાયાધીશોની બેન્ચે પૂછ્યું કે શું હાઈકોર્ટે આ મામલે કોઈ આદેશ આપ્યો છે, ત્યારે સિબ્બલે કહ્યું કે તેઓએ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે. આ પછી તરત જ આદેશ આપવામાં આવ્યો કે તેની સુનાવણી 15મી મેના રોજ થશે.

The kerala story

ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફ્રી ફિલ્મ

દેશને બે ભાગમાં વહેંચનારી આ ફિલ્મના પક્ષમાં ઘણા લોકો આવ્યા છે. એવું કહેવું ખોટું નહીં હોય કે ગયા વર્ષે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ જે માર્ગ અપનાવ્યો હતો તે જ માર્ગ પર આ ફિલ્મ ચાલી રહી છે. અહેવાલ છે કે મધ્યપ્રદેશ સરકાર બાદ હવે ઉત્તર પ્રદેશ સરકારે પણ પોતાના રાજ્યોમાં ‘ધ કેરળ સ્ટોરી’ને ટેક્સ ફ્રી કરી દીધી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આની જાહેરાત કરી છે. યોગી આદિત્યનાથે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ‘ધ કેરળ સ્ટોરી’ને ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવશે.

Supreme Court, The Kerala Story

આ દિવસે રિલીઝ કરવામાં આવી હતી

અદા શર્મા અભિનીત ‘ધ કેરલા સ્ટોરી’ શુક્રવારે સિનેમાઘરોમાં આવી. આ ફિલ્મમાં શરૂઆતમાં કેરળમાંથી કથિત રીતે ગુમ થયેલી લગભગ 32,000 મહિલાઓની શોધનું નિરૂપણ કરવામાં આવતું હતું, પરંતુ ફિલ્મના ટ્રેલર રિલીઝની આસપાસના વિવાદને પગલે ચાર છોકરીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વાર્તા બદલવામાં આવી હતી. ‘ધ કેરાલા સ્ટોરી’નું નિર્દેશન સુદીપ્તો સેન કરી રહ્યા છે.

પુતિને વિજય દિવસ પર કહ્યું – યુદ્ધના પરિણામ રશિયાનું ભાવિ નક્કી કરશે

રશિયાની રાજધાની મોસ્કોમાં આજે વિજય દિવસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પુતિને દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન પુતિને કહ્યું કે સભ્યતા પરિવર્તનની આરે છે. રશિયા સામે યુદ્ધ છેડવામાં આવ્યું છે અને અમે અમારી સુરક્ષા સુનિશ્ચિત કરીશું. પુતિને કહ્યું કે અમારા માટે દેશથી વધુ મહત્વનું કંઈ નથી.

યુક્રેન પર લક્ષ્ય

પુતિને વિજય દિવસની પરેડ દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું કે યુક્રેન પશ્ચિમી દેશોનું ગુલામ બની ગયું છે પરંતુ અમને ખબર છે કે અમારે શું કરવાનું છે. અમે સર્વોપરિતાની કોઈપણ વિચારધારાને સ્વીકારતા નથી. પુતિને યુક્રેનની તુલના નાઝીઓ સાથે કરી હતી અને કહ્યું હતું કે રશિયન માતૃભૂમિ સામે યુદ્ધ છેડવામાં આવ્યું છે. પુતિન પહેલા પણ યુક્રેન અને નાઝીઓની સરખામણી કરી ચૂક્યા છે. પુતિને કહ્યું કે આ યુદ્ધનું પરિણામ આપણી માતૃભૂમિનું ભાવિ નક્કી કરશે.

જાણો શું છે વિજય દિવસ પરેડનો ઈતિહાસ

તમને જણાવી દઈએ કે રશિયામાં દર વર્ષે 9 મેના રોજ વિજય દિવસ પરેડનું આયોજન કરવામાં આવે છે. આ પરેડ દ્વારા રશિયા વિશ્વને તેની શક્તિનો અહેસાસ કરાવે છે અને પરેડમાં આધુનિક શસ્ત્રો પ્રદર્શિત થાય છે. તમને જણાવી દઈએ કે 9 મે, 1945ના રોજ સોવિયત સેનાએ બીજા વિશ્વ યુદ્ધમાં નાઝી જર્મનીને હરાવ્યું હતું. જર્મનીએ શરણાગતિ સ્વીકારી, યુરોપમાં યુદ્ધનો અંત લાવ્યો. આ ઐતિહાસિક વિજયની યાદમાં રશિયાએ વિક્ટરી ડે પરેડનું આયોજન કર્યું હતું.

યુક્રેન યુદ્ધમાં ભાગ લેનારા સૈનિકોને હીરો કહેવામાં આવ્યા હતા

રશિયાએ વિજય દિવસની પરેડમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ લોન્ચર પણ પ્રદર્શિત કર્યું હતું. પુતિને પોતાના ભાષણમાં કહ્યું કે તેમને યુક્રેન યુદ્ધમાં ભાગ લઈ રહેલા સૈનિકો પર ગર્વ છે. પુતિને યુક્રેન યુદ્ધને સ્પેશિયલ મિલિટરી ઓપરેશન ગણાવ્યું હતું. પુતિને કહ્યું કે રશિયાનું ભવિષ્ય આ સૈનિકો પર નિર્ભર છે. પુતિને તમામ લોકોને એકજુટ થવા અને આ નાયકોને સમર્થન આપવાની અપીલ કરી હતી.