Home Blog Page 2775

બિપરજોયનો ખતરો ટળતા ગુજરાતના મંદિરોના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ફરી ખૂલ્યા

બિપરજોય વાવાઝોડાના ખતરાને લઈને રાજ્યના જાણીતા મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ કરી દેવામા આવ્યા હતા. દર્શનાર્થે આવતા ભક્તોની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામા આવ્યો હતો.ત્યારે આજે વાવાઝોડાનો ખતરો ટળતા મંદિરોના દ્વાર આજે ફરી એક વાર ભક્તો માટે ખોલવામા આવ્યા છે.

આજે ફરી એક વાર ભક્તો માટે મંદિરોના દ્વાર ખુલ્યા

બિપરજોય વાવાઝોડાની તીવ્રતાને જોતા અગમચેનીના ભાગરૂપે પ્રશાસન દ્રારા કેટલાક પગલા લેવામાં આવ્યા હતા, જેના ભાગરુપે રાજ્યના ધર્મસ્થાનો પણ ભકતો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. જો કે હવે વાવાઝોડુ રાજ્યમાંથી પસાર થઇ જતાં આ ઘર્મસ્થાનોને ફરી એકવાર ભક્તો માટે ખુલ્લા મૂકાયા છે.જાણકારી મુજબ પાવાગઢ મંદિર, દ્વારકાધીશ મંદિર, ખોડલધામ, સોમનાથ મહાદેવ મંદિર સહિતના મંદિર પરિસર દર્શનાર્થીઓ માટે ફરી ખુલ્લા મુકાયા છે. આ ઉપરાંત માતાના મઢમાં પણ આજથી ભક્તો દર્શન કરી શકશે.


હર્ષ સંઘવી પહોંચ્યા દ્વારકાધીશના શરણે 

વાવાઝોડાની અસરો શાંત થયા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ દ્વારકાધીશના શરણે પહોંચ્યા હતા અને આજે ત્રીજા દિવસે ગૃહ રાજ્યમંત્રીએ જગતમંદિરમાં ધ્વજારોહણ કર્યું અને જગતમંદિરે ધ્વજાની પૂજા કરી હતી.  દ્વારકાધીશ મંદિર પર આજે ફરી 52 ગજની ધ્વજા ચડાવવામા આવી છે.  વાવાઝોડાને કારણે દ્વારકાધીશ મંદિરે ધજા ચડાવી શકાઈ ન હતી ત્યારે આજે ફરી દ્વારકાધીશના મંદિરે ધજા ફરકતી જોઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભક્તો માટે દર્શન બંધ પરંતુ પૂજા-અર્ચનાનો નિત્યક્રમ અવિરત

ઉલ્લેખનિય છે કે, વાવાઝોડાને કારણે મંદિરો 24 કલાક માટે દર્શનાર્થીઓ માટે બંધ રાખવામા આવ્યા હતા. પરંતુ મંદિરમાં સનાતન ધર્મની પરંપરા અનુસાર દરેક પૂજા-અર્ચનાનો નિત્યક્રમ અવિરત રહ્યો હતો. જેથી ભક્તોએ ઓનલાઈન ઘરે બેઠા સોશિયલ મીડિયાના માધ્યમથી મંદિરોના દર્શનનો લ્હાવો લીધો હતો.

હાલ મંદિરોમાં ભક્તોની સંખ્યા નહિવત

મહત્વનું છે કે મંદિરો બે દિવસ બંધ રહ્યા પછી આજે ફરી ખુલ્લા મુકાયા છે. ત્યારે હાલ મંદિરોમાં ભક્તોની હાજરી નહિવત જોવા મળી રહી છે. પરંતુ વીકએન્ડમાં વાતાવરણ સારું રહેતા ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે.

અમિત શાહે કચ્છમાં હવાઈ નિરીક્ષણ કર્યું, અસરગ્રસ્તોની લીધી મુલાકાત

શુક્રવારે મોડી રાત્રે કચ્છમાં ત્રાટકેલા વાવાઝોડાના કારણે જિલ્લામાં બારે તારાજી સર્જાઈ હતી. ત્યારે . ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અસરગ્રસ્ત વિસ્તાર કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા હતા.કચ્છમાં અમિત શાહ જખૌ અને માંડવીની મુલાકાત લીધી હતી. અને અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું.


અમિત શાહે કચ્છમાં હવાઈ નિરીક્ષણ કર્યું

મહત્વનું છે કે બિપરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર- કચ્છમાં સૌથી વધારે અસર થઈ છે. ત્યારે કચ્છના વિસ્તારમાં થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ કચ્છની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.  તેઓએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું. અને અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.


માંડવી હૉસ્પિટલમાં દાખલ દર્દીઓની લીધી મુલાકાત

કચ્છમાં હવાઈનિરિક્ષણ કર્યા બાદ અમિત શાહ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લેવા માંડવી હૉસ્પિટલ પહોંચ્યા હતા. અને એડમીટ થયેલા અસરગ્રસ્ત લોકોને મળીને તેમના ખબર અંતર પુછ્યા હતા.


NDRF જવાનો અને અધિકારીઓને મળ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી જ્યાં તેઓ NDRF જવાનો અને અધિકારીઓને મળ્યા હતા.


અમિતશાહ ભુજમાં એક પ્રેસ ક્રોન્ફ્રેસને સંબોધન કરશે

જાણકારી મુજબ અમિત શાહ ભુજથી જખૌ કોસ્ટ ગાર્ડના હેલિપેડ ખાતે પહોંચ્યા હતા. જાણકારી મુજબ નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંજે 5 કલાકે ભુજમાં એક પ્રેસ ક્રોન્ફ્રેસને સંબોધન કરશે . જાણકારી મુજબ કચ્છની મુલાકાત લીધા બાદ અમિતશાહ અમદાવાદ પણ આવી શકે છે.

146મી રથયાત્રા: આ રસ્તાઓ રહેશે બંધ

શહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગામી 20મી જૂને યોજાશે. રથયાત્રાને લઈને જમાલપુર મંદિરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજા જોડાશે. 2 લાખ ઉપરણાં પ્રસાદમાં અપાશે. 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ બનાવાશે. 3 દિવસ મંદિરમાં ઉત્સવો અને પૂજાવિધિ થશે. 19 જૂને ગજરાજોની પૂજનની વિધિ થશે. આ સમગ્ર રથયાત્રાનો રૂટ ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈ તમામ તૈયારી થઈ ચૂકી છે. આ દરમિયાન હવે સુરક્ષાના ભાગરૂપે અમદાવાદના અમુક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ અંગે ગુજરાત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 19/6/2023 થી 20/06/2023 સુધી અમલમાં રહેશે.

આ રુટ રહેશે બંધ

ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું રિહર્સલ:

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નિકળવાની છે ત્યારે તેની સુરક્ષાને લઈને પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં અમદાવાદ પોલીસના 15 હજાર જવાન જોડાયા હતા. આ દરમિયાન ડ્રોન અને CCTV કેમેરાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ પોલીસ દ્વારા 146મી રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાને લઈ આજે રથયાત્રાના રુટ ઉપર રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં ગુજરાત પોલીસના 15 હજાર જવાનો જોડાયા હતા.

પંચાયત ચૂંટણીઃ મમતા સરકાર હાઇકોર્ટના આદેશને સુપ્રીમ પડકારશે

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ સરકાર અને રાજ્યનું ચૂંટણી પંચ રાજ્યમાં પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તહેનાતીને લઈને હાઇકોર્ટના આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ધા નાખશે. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ અને સરકાર દ્વારા રાજ્યના કાનૂની સલાહકારોની સાથે બેઠક કર્યા પછી હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વાસ્તવમાં પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીના નામાંકન દરમ્યાન થયેલી અથડામણને જોતાં કોલકાતા હાઇકોર્ટે ચૂંટણી પંચને 48 કલાકની અંદર કેન્દ્રીય દળોની તહેનાતી માટે કેન્દ્રને એક વિનંતી મોકલવાના નિર્દેશ આપ્યા હતા.

મુખ્ત જસ્ટિસ ટીએસ શિવજ્ઞાનમના નેતૃત્વવાળી હાઇકોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે કોર્ટ ચૂંટણીપ્રક્રિયા માટે સંવેદનશીલ વિસ્તારોમાં કેન્દ્રીય દળોને તહેનાત કરવા માટે 13 જૂને આદેશ જારી કર્યો હતો. હાઇકોર્ટે રાજ્યના બધા જિલ્લાઓમાં કેન્દ્રીય દળોની તહેનાત કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે પંચને 48 કલાકમાં નિર્દેશ પાલન કરવા માટે આદેશમાં કહ્યું હતું.

અરજીકર્તાઓએ શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે કેન્દ્રીય દળોની તહેનાતી કરવાની વિનંતી કરી હતી અને દાવો કર્યો હતો કે રાજ્યમાં 2022માં નગર નિગમની ચૂંટણી અને 2021માં કોલકાતા નગર નિગમ ચૂંટણીના સમયે મોટા પાયે હિંસા થઈ હતી. વિરોધ પક્ષોએ સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ તેમના ઉમેદવારોને નામાંકન પત્ર લાખલ કરવાથી અટકાવવા માટે હિંસા કરી હતી.

રાજ્યના ગવર્નર સીવી આનંદ બોસ દક્ષિણ 24 પરગણા જિલ્લાના ભાંગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે બે રાજકીય પક્ષોના ટેકેદારોની વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. બોસે કહ્યું હતું કે રાજકીય હિંસા સહન કરવામાં નહીં આવે.

 

 

 

 

 

 EDએ ક્રિકેટ સટોડિયા અનિલ જયસિંધાનીની સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) ગુજરાતના ટોચના સટોડિયા અનિલ સિંધાનીની રૂ. 3.40 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. PMLA એક્ટ હેઠળ મની લોન્ડરિંગ કેસમાં આરોપીની સંપત્તિને જપ્ત કરવામાં આવી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. અનિલની સામે એક ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. આ કેસ વર્ષ 2015માં ગુજરાતના વડોદરામાં નોંધાયેલી FIRથી જોડાયેલો છે.

એજન્સીને માલૂમ પડ્યું હતું કે અનિલ જયસિંધાની ક્રિકેટ બેટિંગની સાથે-સાથે પ્રોપર્ટી ફ્રોડ કરીને પણ કમાણી કરતો હતો, જે પછી વર્ષ 2015માં અનિલને સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ PMLA એક્ટથી જોડાયેલા આ કેસમાં સહયોગ ના કરવામાં આવતાં તેની સામે બિનજામીન વોરંટ જારી કરવામાં આવ્યું હતું. એ સાથે 2015માં EDના ગુજરાત યુનિટે જયસિંધાનીનાં ઘરે દરોડા પણ કર્યા હતા અને તેની સામે કેસ નોંધ્યો હતો, પણ તે ત્યારે નહોતો પકડાયો. આરોપી અનિલ વર્ષ 2015થી ભાગેડુ હતો. જે પછી EDએ એની આ વર્ષે એપ્રિલમાં ધરપકડ કરી હતી.

સટોડિયા અનિલની આ પહેલાં EDએ ધરપકડ કરી હતી અને તેની જામીનની અરજી અમદાવાદની PMLA કોર્ટે ફગાવી દીધી હતી. ત્યાર બાદ નવ જૂને EDએ અનિલના ઘરે દરોડાની કાર્યવાહી કરી હતી અને આજે તેની સંપત્તિ જપ્ત કરી હતી. અનિલ એ ક્રિકેટનો બુકી છે અને ઉલ્હાસનગરનો રહેવાસી છે. અનિલની સામે વિવિધ રાજ્યોમાં કુલ 17 કેસ નોંધાયા છે અને આઠ વર્ષથી એ ભાગેડુ હતો.

 

 

 

રવાની ખાંડવી

રવાની ખાંડવી? તે પણ ઈન્સ્ટન્ટ? વળી બનાવવામાંય કોઈ કડાકૂટ નહીં? તો જાણી લો સ્વાદિષ્ટ નાસ્તાની આ વાનગી કઈ રીતે બને છે!

સામગ્રીઃ

  • ઝીણો રવો ½ કપ
  • ઘઉંનો લોટ 1 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • લીલા મરચાં 2
  • દહીં ½ કપ
  • પાણી ½ કપ
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • લીલો કાંદો 2 ટે.સ્પૂન (optional)
  • ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • જીરૂ ½ ટી.સ્પૂન

વઘાર માટેઃ

  • તેલ 1 ટે.સ્પૂન
  • રાઈ ½ ટી.સ્પૂન
  • કળીપત્તાના પાન 7-8
  • લીલા મરચાં 2

રીતઃ એક બાઉલમાં ઝીણો રવો, ઘઉંનો લોટ, મીઠું સ્વાદ મુજબ, દહીં ½ કપ તેમજ પાણી ½ કપ મેળવી લો અને સૂપ ગાળવાની સ્ટીલની ગળણી અથવા એવી જ અન્ય ચાળણીમાં આ મિશ્રણ ગાળી લો. આ મિશ્રણને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દો.

10 મિનિટ બાદ તેમાં આદુ ખમણીને નાખો. લીલા મરચાં, કોથમીર તેમજ લીલા કાંદાના પાનને સમારીને મેળવો (લીલા કાંદાને (skip) કરી શકો છો). હવે તેમાં જીરૂ તેમજ ચિલી ફ્લેક્સ પણ મેળવી દો. આ મિશ્રણ પાતળું બનશે.

એક થાળીમાં તેલ ચોપડી દો. હવે આ મિશ્રણમાંથી બે કળછી ખીરું થાળીમાં રેડી દો અને થાળી હલાવીને આ પાતળું ખીરું ફેલાવી દો.

ઢોકળા બાફીએ તેમ એક કઢાઈમાં સ્ટેન્ડ મૂકી એક ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળે એટલે થાળી સ્ટેન્ડ પર મૂકીને કઢાઈ ઢાંકી દો અને 4 મિનિટ માટે ગરમ થવા દો. ત્યારબાદ થાળી નીચે ઉતારી લો. બાકીનું ખીરું પણ આ જ રીતે તૈયાર કરી લો.

થાળીમાં બફાયેલી ખાંડવીને ચપ્પૂ વડે ઉભા કાપા પાડીને ખાંડવીના લાંબા રોલ તૈયાર કરી લો. આ રોલને 1 ઈંચના ટુકડામાં કટ કરીને એક થાળીમાં ગોઠવી દો.

એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ તતડાવો. ત્યારબાદ કળી પત્તાના પાન તેમજ લીલા મરચાંના 2-3 ટુકડા ઉભા ચીરીમાં કટ કરીને સાંતળી દો. રવાની ખાંડવી તેમાં ગોઠવીને 2-3 મિનિટ ગરમ થવા દો. ત્યારબાદ લીલી ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસો.

‘આદિપુરુષ’ મામલે હિન્દુ સેનાએ હાઇકોર્ટમાં અરજી કરી

નવી દિલ્હીઃ પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ 16 જૂને થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ રિલીઝની સાથે એ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. આ મામલો દિલ્હી હાઇકોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટમાં ફિલ્મની વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે અને એને દાખલ કરવાવાળી હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા છે. એ અરજીમાં ફિલ્મના કેટલાય સીન, ડાયલોગ્સ અને પાત્રોને દૂર કરવાની માગ કરવામાં આવી છે.

આ અરજી દાખલ કરવાવાળા વિષ્ણુ ગુપ્તા દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મુવીમાં અમારા દેવતાઓને ખોટી રીતે ચીતરવામાં આવ્યા છે. એનાથી હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચી છે. એ ઘણી વાંધાજનક છે. એને લીધે ફિલ્મની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ લાગવો જોઈએ.

એ સાથે ફિલ્મમાં એવા કેટલાય ડાયલોગ્સ છે, જે રામાયણનાં પાત્રોનું અપમાન કરે છે. એને કારણે લોકો ડિરેક્ટર અને રાઇટરને ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મિડિયા પર બોયકોટ અને બેન ટ્રેન્ડ કરવા લાગ્યા છે. એમાં રામાયણને ઘણી અલગ તરીકે દેખાડવામાં આવી છે, જે આ ઐતિહાસિક પૌરાણિક કથાની મર્યાદાની હાંસી ઉડાડે છે. આ ફિલ્મના ડાયલોગ્સમાં છપરી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આ વિવાદનું કારણ છે. આ ફિલ્મના ડાયલોગ્સ રાઇટર મનોજ મુંતશિરે લખ્યા છે. આ ફિલ્મના ડાયલોગ્સને લીધે લોકો એને ઘણો ટ્રોલ કરી રહ્યા છે.  આ વિવાદનું કારણ નીચેના ડાયલોગ્સ છે…

 અરજીમાં શું કહેવાયું છે?

આ ફિલ્મ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે જે પ્રકારે ફિલ્મમાં ભગવાન રામ, સીતા માતા, હનુમાન અને રાવણને બતાવવામાં આવ્યા છે, એનું વર્ણન વાલ્મીકિની રામાયણ અને તુલસીદાસના રામચરતિમાનસમાં નથી બતાવવામાં આવ્યું. આ ફિલ્મ રામાયણથી એકદમ વિપરીત છે. આ ફિલ્મમાં વાસ્તવિકતા સામે છેડછાડ કરવામાં આવી છે.

 

 

 

જૂનાગઢમાં દરગાહ દૂર કરવા મુદ્દે ઘર્ષણઃ એકનું મોત

અમદાવાદઃ રાજ્યના જૂનાગઢ જિલ્લામાં શુક્રવાર રાત્રે ભડકેલી હિંસામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે DSP સહિત ચાર પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. વાસ્તવમાં લોકોના એક મોટા જૂથે પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો છે. પોલીસનું કહેવું છે કે જૂનાગઢ નગર નિગમે દરગાહને નોટિસ જારી કરીને પાંચ દિવસોની અંદર દસ્તાવેજ રજૂ કરવા માટે કહેતા આ ઘટના બની હતી.  

શહેરના મજેવડી ગેટ પાસે આવેલી દરગાહને લઈને વિવાદ સર્જાયો છે. આ દરગાહ ગેરકાયદે હોવાથી પાલિકાના અધિકારીઓ નોટિસ આપવા ગયા હતા. ત્યારે પોલીસ અને સ્થાનિક 500-600 લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ભીડે સંપત્તિમાં તોડફોડ કરી હતી અને પોલીસ વાહનોને આગ લગાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મજેવડી ગેટ પાસે આવેલી દરગાહને ખસેડવા મામલે નોટિસ આપવા માટે ગયેલા અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેથી ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અસામાજિક તત્વોએ મજેવડી પોલીસ ચોકી પર પણ હુમલો કર્યો હતો.

આ વિસ્તારમાં તંગદિલી સર્જાતાં પોલીસ ટિયર ગેસના સેલ છોડ્યા હતા. આ ઉપરાંત પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. અસામાજિક તત્વોએ પોલીસના વાહનોમાં તોડફોડ કરી હતી અને આગચંપી કરી હતી. તેટલું જ નહીં, અસામાજિક તત્ત્વોએ એસટી બસને પણ નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો.પોલીસ અને ટોળા વચ્ચે થયેલા આ ઘર્ષણમાં પાંચ પોલીસકર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

અહીં ટોળામાં સામેલ અસામાજિક તત્ત્વોએ એસટી બસને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બસ ડ્રાઇવર અને કંટક્ટરને ઈજા થઈ હતી. પોલીસ પરિસ્થિતિ થાળે પાડવા અને ‘અસામાજિક તત્ત્વોને શોધવા માટે ‘આખી રાત કોમ્બિંગ હાથ ધરી 174 શકમંદોની અટકાયત કરી છે.

 

 

 

બિપરજોયને પગલે ઉત્તર ગુજરાત સહિત 200 તાલુકાઓમાં વરસાદ

અમદાવાદઃ હવામાન વિભાગે જણાવ્યાનુસાર વાવાઝોડું બિપરજોય હવે નબળું પડી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. હાલમાં વાવાઝોડું દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન તરફ જઈ રહ્યું છે અને રાજસ્થાનના બાડમેરથી દક્ષિણ દિશાએ 70થી 80 કિમી દૂર છે. આ વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ હજુ પણ તેની અસર રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. ગત રાત્રે અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. રાજ્યમાં અમદાવાદ સહિત 200 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં કચ્છના માંડવીમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.

ઉત્તર ગુજરાતના પાલનપુર, પાટણ, રાધનપુર, સાબરકાંઠા અને મહેસાણા જેવા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે અનેક વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થતાં ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ ડો. મૃત્યુંજય મહાપાત્રના જણાવ્યા અનુસાર વાવાઝોડું હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે.

રાજ્યમાં અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.  રાજ્યમાં માંડવીમાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત છેલ્લા 30 કલાકમાં દ્વારકામાં અનરાધાર નવ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને કારણે અનેક નદી-નાળા છલકાયા છે. ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટનો આજી-2 ડેમ છલકાયા બાદ ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે અને હજુ પણ 14 દરવાજા ખોલવામાં આવશે.

અમદાવાદના ધોળકામાં ગઈ કાલથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. સુરેન્દ્રનગરમાં રાત્રે ચુડા તાલુકામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.  ચુડા, મોજીદડ, કારોલ, છત્રીયાળા અને ભગુપુર સહિતનાં અનેક ગામોમાં ભારે વરસાદ પડ્યો હતો.

 

 

 

 

 

ધનનું સુખ માણવું હોય તો મનને કાબૂમાં લો

દરેક ગૃહસ્થે એ જાણી લેવું કે તેમણે આવકની અંદર જ રહેવું. જો આવક કરતાં ખર્ચ વધી જશે તો તેમણે તકલીફ ભોગવવી પડશે. શિક્ષાપત્રીના શ્લોક 145માં આ બોધ આપવામાં આવ્યો છે. આપણે લોકબોલીમાં કહીએ તો ચાદર પ્રમાણે સોડ તાણવી.

અહીં આપણે એક રસપ્રદ ટીવી ઇન્ટરવ્યૂને યાદ કરી લઈએ. તેમાં એન્કરે એક રાક્ષસનો ઇન્ટરવ્યૂ લીધો હતો.

એન્કરઃ આ દુનિયામાં તમે જીવનમાં સૌથી વધારે ક્રૂર કાર્ય કયું કર્યું છે?

રાક્ષસઃ મેં ઘણાં ક્રૂર કાર્યો કર્યાં છે. મેં બાળકોને અનાથ કર્યાં છે, ગર્ભવતીઓને વિધવા કરી છે, લોકોનો સંહાર કરાવ્યો છે…. હું આવાં જ બધાં ક્રૂર કૃત્યો કર્યે રાખું છું.

એન્કરઃ એ તો અમે પણ સમજીએ છીએ, પરંતુ અમારા દર્શકોને એવો દાખલો આપો, જેનાથી તેઓ પણ ડરી જાય.

રાક્ષસઃ યુદ્ધ, ભૂખમરો, દુકાળ, અતિવૃષ્ટિ, આતંકવાદી હુમલા, પ્રલય, વગેરે પણ હું જ સર્જું છું અને તેમાં હજારો લોકો મરી જાય છે.

એન્કરઃ એ પણ ખબર છે. એનાથી વિશેષ કંઈ કરો છો?

રાક્ષસઃ (ઘણી વાર સુધી વિચાર કરે છે અને પછી અચાનક તેના મુખ પર સ્મિત સાથે એ બોલે છે) હા, હું ક્રેડિટ કાર્ડ અને લૉન પણ બનાવું છું.

પૅમેન્ટ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. સમયસર આખેઆખું બિલ ભરી દો ત્યાં સુધી કંઈ વાંધો નથી, પણ જો આંશિક પૅમેન્ટ કરો અને બાકીનું પૅમેન્ટ હપ્તામાં કરવા જાઓ તો મોટી સમસ્યા ઊભી થાય. તેનો અર્થ એવો થયો કે ક્રેડિટ કાર્ડના ધારક પાસે આવક હોય એના કરતાં એ વધારે ખર્ચ કરે છે. આ સ્થિતિ ખરેખર ગંભીર કહેવાય. સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીના ઉક્ત શ્લોકમાં વધુપડતો ખર્ચ નહીં કરવાની વાત કરાઈ છે.

એમ તો ભારતમાં બાળપણથી જ બધાને કહેવામાં આવે છે કે ચાદર પ્રમાણે સોડ તાણજો. આમ છતાં લોકો એનું પાલન નથી કરતા અને કરજના બોજ હેઠળ દબાઈ જાય છે. ફક્ત ગરીબ પરિવારો કરજના ભાર તળે કચડાઈ જાય છે એવું નથી. શ્રીમંત પરિવારો અને બિઝનેસમેનો પણ આ સમસ્યાથી પિડાય છે. દારૂ અને ઍરલાઇન્સના ધંધામાં ડિફોલ્ટર બની ગયેલા એક જાણીતા બિઝનેસમેનનું ઉદાહરણ આપણી નજર સામે છે.

રોટી, કપડાં અને મકાન જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે નહીં, પણ દેખાડો કરવા માટે ઘણી વાર કરજ લેવામાં આવે છે. કોઈની દેખાદેખીમાં કે દેખાડો કરવા માટેની આ વૃત્તિ આત્મવિશ્વાસની કમી દર્શાવે છે.

‘આપણે જે છીએ’ તેના કરતાં ‘આપણી પાસે જે છે’નું મહત્ત્વ વધી જાય ત્યારે સમસ્યા સર્જાવાની જ છે. આદર્શ રસ્તો એ છે કે આપણે એવી સ્થિતિનું નિર્માણ કરીએ જેમાં આપણી વસ્તુઓને બદલે આપણા ચારિત્ર્યને કારણે લોકો આપણો આદર કરે.

આપણે કોઈને મોટો માણસ કહીને બોલાવીએ ત્યારે આપણા મનમાં શું વિચાર ચાલતો હોય છે? શું તેમનું શરીર મોટું છે, શું તેમનું શિક્ષણ વધારે છે, શું તેમણે સમાજમાં મોટાં મોટાં દાનધર્મ કર્યાં છે, શું તેઓ સંપત્તિને કારણે મોટા છે કે પછી મોટો ખર્ચ કરતા હોવાને કારણે મોટા છે? આપણા મનમાં જે અભિપ્રેત હોય એમાં જ આપણી માનસિકતા છતી થાય છે.

કોઈ વ્યક્તિ અત્યંત શ્રીમંત હોય, પણ જો સાદું જીવન જીવતી હોય તો તેના સિવાય કોઈને ખબર નહીં પડે કે તેની પાસે કેટલું ધન છે. તેનું ઘર, કાર, જીવનશૈલી એ બધામાંથી તેની ખરી સંપત્તિનો અંદાજ નહીં આવે. સાદું જીવન જીવવાને લીધે તેમનું ઘર નાનું હશે, કાર પણ નાની કે મધ્યમ હશે અને તેમના ઘરમાં પણ સાદગી દેખાશે. વળી, તેઓ સમાજને મોટું દાન પણ કરી લેશે તોય કોઈને ખબર પડવા નહીં દે. આવો માણસ મોટો માણસ કહેવાશે કે પછી જેની પાસે મોટી કાર છે, આલીશાન ઘર છે, જે લક્ઝુરિયસ વેકેશન માણે છે એ મોટો માણસ કહેવાશે?

તમે કોઈને મોટો માણસ કહેતી વખતે શું વિચાર્યું એ સવાલનો સાચો જવાબ બીજા કોઈને નહીં, પણ પોતાની જાતને આપો. તમારી માનસિકતા તમારા સિવાય બીજા કોઈને નહીં દેખાય. લોકોને કે પરિવારોને તેમની જીવનશૈલીના આધારે માપવાનું બંધ કરી દેવું જોઈએ. આપણે એમ કરશું ત્યારે આપણે વધુપડતો ખર્ચ કરતાં અટકી જઈશું, આપણને આંતરિક સંતોષ અનુભવાશે. જો એમ નહીં કરીએ તો સતત પિડાતા રહીશું. શ્લોક ક્રમાંક 145માં જે તકલીફોની વાત કરવામાં આવી છે એ પહેલાં તો માનસિક સ્વરૂપની હશે અને પછી નાણાકીય સ્વરૂપની બની જશે. ધનનું સુખ માણવું હોય તો મનને કાબૂમાં લો. મન જાતે જ ખર્ચને કાબૂમાં લઈ આવશે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)