Home Blog Page 2744

મળો, યુવા અબજપતિ એલેકઝેન્ડર વાંગને, જે છે ભવિષ્યનો એલન મસ્ક?

અમદાવાદઃ શ્રીમંત બનવું દરેક જણનું સપનું હોય છે. લગભગ દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તેની પાસે અખૂટ ધન-દૌલત હોય. લોકો એમાં જિંદગીનો એક સારોએવો હિસ્સો ખર્ચી નાખે છે.વિશ્વના મોટા ભાગના અબજોપતિઓની ઉંમર 50 વર્ષથી વધુ છે. જોકે અનેક લોકોએ જિંદગીમાં અજબપતિ બનવાના સપનાને પૂરું કરી બતાવ્યું છે. આવી જ એક વ્યક્તિ છે એલેકઝેન્ડર વાંગ.

વાંગ માત્ર 25 વર્ષની વયે વિશ્વના યુવા અબજપતિ બન્યો છે. કેટલાય લોકો એની તુલના એલન મસ્ક સાથે પણ કરે છે. વાંગ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)નો ડ્રોપઆઉટ પણ છે. તે ત્યાં મેથ્સ અને કોમ્પ્યુટર સાયન્સ BSનો અભ્યાસ કરતો હતો. ન્યુ ઇંગ્લેન્ડની એક યુનિવર્સિટીમાં પહેલું વર્ષ પૂરું કર્યા પછી વાંગે લુસી ગુઓની સાથે ‘સ્કેલ’નો પાયો નાખ્યો. અમેરિકી સ્ટાર્ટઅપ કોમ્બિનેટરની ફન્ડિંગથી બિઝનેસ પાર્ટનર્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો.

વાંગ સ્કૂલમાં મેથ અને કોડિંગની સ્પર્ધામાં ભાગ લેતો હતો. તેણે 19 વર્ષની વયે કંપની શરૂ કરી હતી અને 325 મિલિયન ડોલરના ફન્ડિંગ રાઉન્ડ પછી સ્કેલ AIનું મૂલ્ય 7.3 અબજ ડોલર આંકવામાં આવ્યું હતું. વાંગનો અંદાજે હિસ્સો 15 ટકા હતો, જે એક અબજ ડોલર થયો હતો, જે તેને વિશ્વનો સૌથી નાની વયનો અબજપતિ બનાવતો હતો. આશરે 300થી વધુ કંપનીઓ તેની કંપની સ્કેલની સર્વિસ લઈ ચૂકી છે, જેમાં જનરલ મોટર્સ, પેપાલ, ટોયોટા અને ફ્લેક્સપોર્ટ સહિત અન્ય કંપનીઓ સામેલ છે. વાંગની કંપનીએ પહેલા જ વર્ષમાં 100 મિલિયન અમેરિકી ડોલરની આવક હાંસલ કરી હતી.

 

 

AOIT પ્લેટફોર્મથી મેન્યુફેકચરીંગ ઉદ્યોગમાં આવશે ક્રાંતિ

ડો.આશિષ જાની તથા નવરચના યુનિવર્સિટીના કોમ્પયુટર સાયન્સ એન્જીન્યરીંગના  બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પ્રણવ વૈદ્ય અને નિલય સોનીએ મેન્યુફેકચરિંગ ઉદ્યોગ  માટે ઈનોવેટિવ AOIT (આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ ઓફ થીંગ્સ) પ્લેટફોર્મ વિકસાવવામાં  ખૂબજ પાયાની ભૂમિકા બજાવી છે. અગ્રણી મેન્યુફેકચરીંગ કંપની ઈનોટેક ઓટોમેશનના  સહયોગથી સીઈઓ ચિરાયુ જસાણી અને મેનેજર દિપક પરમાર સાથે મળીને આ પ્રોજેકટ હાથ ધર્યો હતો.

આ સિધ્ધિ અંગે ગૌરવ વ્યક્ત કરતાં ડો.આશિષ જાની કહે છે કે “ આ નવતર પ્રકારનુ AOIT પ્લેટફોર્મ તૈયાર કરવામાં ઈનોટેક ઓટોમેશન સાથેનો સહયોગ અમારા માટે ગૌરવની બાબત છે.  પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પ્રણવ વૈદ્ય અને નિલય સોનીએ દર્શાવે  સમર્પણ  ભાવના તથા  કૌશલ્ય પ્રોજેકટની સફળતામાં ખૂબ જ મહત્વની બની રહી છે. અમે માનીએ છીએ કે  આ પ્લેટફોર્મથી મેન્યુફેકચરીંગ ઉદ્યોગમાં ક્રાંતિ આવશે અને તે બહેતર કાર્યક્ષમતા અને સ્પર્ધાત્મકતા તરફ આગળ ધપશે.“

ઈનોટેક ઓટોમેશનના સીઈઓ ચિરાયુ જસાણીએ આ સહયોગની પ્રશંસા કરતાં કહ્યું કે “ નવરચના યુનિવર્સિટીના ડો.આશિષ જાની, પ્રણવ વૈદ્ય અને નિલય સોની સહિતની બનેલી   પ્રતિભાશાળી ટીમ સાથે ઘનિષ્ઠતાથી કામ કરતાં અમને ખૂબ જ સારો અનુભવ થયો છે. તેમની ટેકનિકલ નિપુણતા અને જ્ઞાનના કારણે આ અદ્યતન AOIT પ્લેટફોર્મ વિકસાવવામાં મોટુ યોગદાન થઈ શકયુ છે. “તેનાથી નવી સંભાવનાઓ શકય બની છે તેને કારણે અમારા ગ્રાહકોની મેન્યુફેકચરિંગની કામગીરીમાં રોમાંચક સંભાવનાઓ ઉભી થઈ છે.

આ સહયોગ વડે વિકસાવવામાં આવેલા  AOIT પ્લેટફોર્મથી મેન્યુફેકચરીંગ ઉદ્ઓગમાં પરિવર્તનલક્ષી ફેરફારો થશે, સંચાલનની કામગીરી સુધરશે અને મેન્યુફેકચરીંગ બિઝનેસમાં નવી સંભાવનાઓ ઉભી થશે.

એમસીએક્સે સોફ્ટવેર સપોર્ટ સર્વિસ માટે ’63 મૂન્સ’ સાથેનો કોન્ટ્રેક્ટ ફરીવાર લંબાવ્યો

મુંબઈઃ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પોતાનું ટ્રેડિંગનું કામકાજ નિર્ધારિત સમયમર્યાદામાં નવા ટ્રેડિંગ પ્લેટફોર્મ પર લઈ જવામાં અસમર્થ રહ્યા બાદ તેણે સોફ્ટવેર સપોર્ટ માટેનો 63 મૂન્સ ટેક્નોલોજીસ સાથેનો કોન્ટ્રેક્ટ ફરી એક વખત લંબાવ્યો છે.

સ્ટોક એક્સચેન્જોને બુધવારે મોડી રાત્રે મોકલવામાં આવેલા ફાઇલિંગમાં એમસીએક્સ અને 63 મૂન્સે જણાવ્યું હતું કે કોન્ટ્રેક્ટ 1 જુલાઈ, 2023થી છ મહિનાના સમયગાળા માટે લંબાવવામાં આવ્યો છે.

એમસીએક્સના ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું હતું કે દર ત્રણ મહિના માટે 125 કરોડ રૂપિયાના હિસાબે છ મહિનાના 250 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાનું નક્કી થયું છે.

એમસીએક્સની એક સમયની સ્થાપક કંપની 63 મૂન્સ ટેક્નોલોજીસ (જૂનું નામ ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ ઇન્ડિયા લિમિટેડ) તરફથી ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું હતું કે એમસીએક્સે છેલ્લી ઘડીએ કરેલી વિનંતીને પગલે કોન્ટ્રેક્ટ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમસીએક્સે ફરી એક વખત ‘આ છેલ્લી વાર છે’ એમ કહીને કોન્ટ્રેક્ટ લંબાવવાની વિનંતી કરી હતી.

અહીં નોંધવું ઘટે કે એમસીએક્સનો 63 મૂન્સ ટેક્નોલોજીસ સાથેનો કોન્ટ્રેક્ટ પૂરો થયા બાદ એમસીએક્સે સોફ્ટવેર સપોર્ટ સર્વિસ માટે આ ત્રીજી વાર વિનંતી કહી હતી. એમસીએક્સે નવી ટેક્નોલોજી સર્વિસ પ્રોવાઇડર તરીકે તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)ની નિમણૂક ફેબ્રુઆરી 2021માં કરી લીધી હતી, પરંતુ નવા ટ્રેડિંગ પ્લેટફોર્મમાં સ્થાનાંતર કરવાનું હજી શક્ય બન્યું નથી. 63 મૂન્સનું કહેવું છે કે દેશ-વિદેશમાં પ્રચલિત સિસ્ટમ પ્રમાણે એમસીએક્સને પોતાના ઉપયોગ માટે સોફ્ટવેર સોર્સ કોડ ખરીદી લેવાનો વિકલ્પ ઓગસ્ટ 2020થી આપવામાં આવ્યો છે.

આ સાથે એ પણ નોંધવું રહ્યું કે એમસીએક્સે છેલ્લાં કેટલાંક સપ્તાહથી નવા ટ્રેડિંગ પ્લેટફોર્મનું મોક ટ્રેડિંગ સત્ર સતત રદ કરવું પડ્યું છે. આ કેન્સલેશન બજારમાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યું છે.

63 મૂન્સના ફાઇલિંગમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કંપનીએ આપેલું એક્સચેન્જ એન્જિન છેલ્લાં વીસ વર્ષથી (2003થી) એમસીએક્સના કામકાજના કેન્દ્રમાં રહેલું છે અને રોજના 16 કલાકના હિસાબે અવિરત ચાલી રહ્યું છે. એમસીએક્સના સ્થાપક અને શુભેચ્છક તરીકે અમે એમને નવા પ્રયોગ માટે શુભેચ્છા આપીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેઓ એક દિવસ યોગ્ય મુકામે પહોંચે.

ફ્લેટ બુક કરાવનાર ગ્રાહકને રૂ.11.65 કરોડનું રીફંડ આપવાનો ગ્રાહક અદાલતનો આદેશ

મુંબઈઃ અહીંના લોઅર પરેલ ઉપનગરમાં ‘વર્લ્ડ વન’ ટાવર હવે દુનિયાનું સૌથી ઊંચું રહેણાંક બિલ્ડિંગ રહ્યું ન હોવાથી તેમાં ફ્લેટ બુક કરાવનાર ગ્રાહકને વ્યાજની રકમ સાથે રૂ. 11 કરોડ 65 લાખનું રીફંડ આપવાનો નેશનલ કન્ઝ્યૂમર કમિશન (રાષ્ટ્રીય ગ્રાહક પંચ)એ આદેશ આપ્યો છે.

અગાઉ ‘વર્લ્ડ વન’ને દુનિયાનું સૌથી ઊંચું રહેણાંક મકાન ગણાવતાં માત્ર તે એક જ કારણસર ગ્રાહકે 117 માળવાળા મકાનના 38મા માળ પર મોંઘો ફ્લેટ બુક કરાવ્યો હતો. પરંતુ જ્યારે ગ્રાહકને ખબર પડી કે આ મકાન હવે દુનિયાનું સૌથી ઊંચું નથી રહ્યું ત્યારે એણે તે ફ્લેટના વધુ હપ્તા ચૂકવવાનું અટકાવી દીધું હતું. એણે બિલ્ડરને કહ્યું કે મને 18 ટકાના વ્યાજ સાથે રીફંડ આપો.

ફરિયાદી દામોદરદાસ જ્વેલર્સે ગ્રાહક પંચને કહ્યું હતું કે 2014ના નવેમ્બરમાં શ્રીનિવાસ કોટન મિલ્સ લિમિટેડ (જે હવે મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડમાં મર્જ થઈ ગઈ છે) તેના એક એજન્ટે પોતાનો સંપર્ક સાધ્યો હતો અને ‘વર્લ્ડ વન’ બિલ્ડિંગમાં ફ્લેટ બુક કરાવવાની ઓફર કરી હતી. તેણે બિલ્ડિંગનું લોભામણું અને કલરફૂલ બ્રોશર બતાવ્યું હતું અને એવો દાવો કર્યો હતો કે પાર્કિંગ માટેના અનેક માળ તેમજ તેની ઉપર રહેણાક માટેના 117 માળ બંધાઈ ગયા બાદ આ બિલ્ડિંગ દુનિયામાં સૌથી ઊંચું રહેણાંક બિલ્ડિંગ બનશે. એમાં સ્વિમિંગ પૂલ હશે, સ્ટીમ અને સૌના રૂમ હશે, તેમજ બીજી ઘણી લેટેસ્ટ સુવિધાઓ આપવામાં આવશે. આ પ્રોજેક્ટની જાહેરખબરમાં જ ‘વર્લ્ડ વન’ બિલ્ડિંગને ‘દુનિયાના સૌથી ઊંચા રેસિડેન્શિયલ ટાવર’ તરીકે ઓળખાવવામાં આવ્યું હતું. એમાં જણાવાયું હતું કે પેરિસે દુનિયાને એફિલ ટાવર આપ્યો, દુબઈએ બુર્જ ખલિફા આપ્યો, હવે મુંબઈ આપે છે દુનિયાનું સૌથી ઊંચું રહેણાંક બિલ્ડિંગ – ‘વર્લ્ડ વન’.

જાહેરખબરમાંના દાવાઓને માની લઈને દામોદરદાસે 2014ના ડિસેમ્બરમાં ‘વર્લ્ડ વન’માં ફ્લેટ ખરીદવાનું નક્કી કર્યું હતું. 38મા માળ પર 2,044 સ્ક્વેર ફૂટ એરિયાવાળો ફ્લેટ ખરીદવા માટે એમણે ડિપોઝીટની રકમ ચૂકવી હતી. ફ્લેટ કુલ રૂ. 14.57 કરોડનો હતો. ગ્રાહક અદાલતમાં કેસ કર્યો ત્યાં સુધીમાં દામોદરદાસે રૂ. 11 કરોડ 66 લાખ ચૂકવી દીધા હતા. પૂરી રકમ એમણે 19 હપ્તામાં ચૂકવવાની હતી. પરંતુ, મકાનના 89 માળ બંધાઈ ગયા બાદ તેનું બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હતું, પરંતુ દામોદરદાસ પાસેથી હપ્તાની માગણી ચાલુ રખાઈ હતી. બિલ્ડરે એમને કહ્યું કે સત્તાવાળાઓ તરફથી 117 માળ બાંધવાની એને પરવાનગી મળી જશે. પરંતુ તે પરવાનગી એને મળી નહીં. તેથી દામોદરદાસે રજિસ્ટર્ડ સ્વૈચ્છિક સંસ્થા જાગરૂક નાગરિકનો સંપર્ક કર્યો હતો. સંસ્થાએ 2019ના એપ્રિલમાં એમને સલાહ આપી હતી કે તેઓ શ્રીનિવાસ કોટન મિલ્સ લિમિટેડ સામે ફરિયાદ નોંધાવે. ત્યારબાદ દામોદરદાસે રાષ્ટ્રીય ગ્રાહક પંચમાં કેસ કર્યો હતો.

શ્રીનિવાસ કંપનીએ દલીલ કરી હતી, પણ પંચે તેના ચુકાદામાં કહ્યું કે સત્તાવાળાઓ તરફથી 117 માળ બાંધવાની પરવાનગી ન મળ્યા બાદ તેણે ફરિયાદી દામોદરદાસે માગણી કર્યા મુજબ સોદો રદ કેમ નહોતો કર્યો? તેથી હવે બે મહિનામાં જ ગ્રાહકને તેણે ચૂકવેલી રકમનું વ્યાજ સાથે રીફંડ આપી દેવાનું રહેશે.

દક્ષિણ કેલિફોર્નિયામાં ટ્રેન-ટ્રક અથડાવાથી અકસ્માતઃ 16ને ઇજા

કેલિફોર્નિયાઃ દક્ષિણ કેલિફોર્નિયામાં એમટ્રેક ટ્રેન પાટા પરથી ખડી પડતાં 16 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, એમ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું. આ ટ્રેનનો અકસ્માત એક ટ્રક અથડાવાથી થયો હતો. આ અકસ્માત થવાને કારણે ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હતી. આ ટ્રકચાલકને ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો હતો અને અન્ય એક વ્યક્તિને સામાન્ય ઇજા થવાથી આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી, એમ વેન્ચુરા કાઉન્ટી ફાયર વિભાગે જણાવ્યું હતું.

વિભાગે જણાવ્યું હતું કે અન્ય 14 લોકોને પણ સામાન્ય ઇજાને પગલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. વિભાગે જણાવ્યું હતું કે કોસ્ટ સ્ટારલાઇટ ટ્રેનના અન્ય પેસેન્જરો સુરક્ષિત હતા, જેમને કોઈ ઇજા નહોતી થઈ.

આ 14 ક્રમાંકની ટ્રેન લોસ એન્જલસથી સિયેટલ સવારે 11 કલાકની આસપાસ  જતી હતી, ત્યારે આ ટ્રેન કેલિફોર્નિયાના મુરપાર્કમાં ટ્રેક પર ટ્રક અથડાવાને કારણે પાટા પરથી ખડી પડી હતી. આ દુર્ઘટનામાં સારી વાત એ હતી કે ટ્રેન ખડી પડ્યા પછી સીધી ઊભી રહી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ટ્રેનમાં આશરે 200 પેસેન્જરો હતા. વેન્ચુરા કાઉન્ટી અગ્નિશમન વિભાગના કેપ્ટન બ્રાયન કહ્યું હતું કે મૂરપાર્ક ટક્કર પછી પછી ટ્રેનની સાત કારોમાંથી ત્રણ પાટા પરથી ઊતરી ગઈ હતી. ટ્રકચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

એમટ્રેક કહ્યું હતું કે આ ટ્રેનમાં આશરે 198 યાત્રી અને ચાલક દળના 13 સભ્યો હતા, જેમને ટ્રેનમાંથી બહાર કઢાયા હતા. ફાયરબ્રિગ્રેડ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ફાયરબ્રિગ્રેડ ઇમર્જન્સી ડોક્ટરોની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. કંપનીએ કહ્યું હતું કે સ્થાનિક અધિકારીઓની સાથે સમન્વય ઘટનાની તપાસ કરવામાં આવશે.

 

 

‘સત્યપ્રેમ કી કથા’ના વિશેષ શોમાં બોલીવુડ સિતારાઓની ઉપસ્થિતિ

આજે 29 જૂન, ગુરુવારથી દેશભરના થિયેટરોમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ના નિર્માતાઓએ 28 જૂન, બુધવારે સાંજે મુંબઈમાં બોલીવુડ સિતારાઓ તથા મિડિયાકર્મીઓ માટે વિશેષ શોનું આયોજન કર્યું હતું. તેમાં આ ફિલ્મનો અભિનેતા કાર્તિક આર્યન, ચંકી પાંડે, ટાઈગર શ્રોફ, અનિલ કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને તેની પત્ની અને આ ફિલ્મની અભિનેત્રી કિયારા અડવાની, માનુષી છિલ્લર, પૂજા હેગડે, મૃણાલ ઠાકુર જેવા કલાકારોએ હાજરી આપી હતી.

કાર્તિક આર્યન

પૂજા હેગડે

ટાઈગર શ્રોફ

કિયારા અડવાની અને સિદ્ધાર્થ મલ્હોત્રા

મૃણાલ ઠાકુર

અનિલ કપૂર

ચંકી પાંડે

માનુષી છિલ્લર

(તસવીર અને વિડિયોઃ માનસ સોમપુરા)

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સાર્વત્રિક મેઘમહેર

અમદાવાદઃ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 186 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. વલસાડના પારડીમાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે નવસારમાં સતત ચોથા દિવસે ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે નવસારીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તામાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં.

સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના કામરેજ અને ખેરગામમાં 6-6 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે પલસાણા અને ધરમપુરમાં સાડાપાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. 27 તાલુકા એવા છે જ્યાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો હતો. ગુજરાતના 38 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લામાં ભારે વરસાદથી રોડ પર પાણી ભરાતાં કુલ 16 રોડ બંધ કરવામાં આવ્યા છે.  સુરતના બારડોલીમાં પણ સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.સુરતમાં પહેલા જ વરસાદે પૂરની સ્થિતિ ઊભી કરી દીધી છે. સુરત શહેર ઉપરાંત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાને કારણે શહેરમાંથી પસાર થઈ રહેલી ખાડી ઓવરફ્લો થઈ છે અને પાણી ગામમાં ઘૂસી રહ્યાં છે. સુરતના છેવાડે આવેલ કુંભારિયા ગામના ખાડી નજીક આવેલા નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે. કુંભરિયા ગામના પાદર ફળિયામાં આવેલા 50 જેટલા ઘરમાંથી 25થી 30 ઘરમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયાં છે. જેને લઈ 200થી 250 લોકોની હાલત ખૂબ જ દયનીય બની છે.

અમદાવાદમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.  શહેરના નિકોલ, ઓઢવ, ચાંદખેડા, ગોતા, આંબાવાડી, જીવરાજપાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં. ભારે વરસાદને પગલે લોકોને પારાવાર મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના કોતરપુરમાં સાડા ત્રણ ઇંચ કરતાં વધું વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં ભારે વરસાદ અને પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. માંડવી (કચ્છ), મુંદ્રા, કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. અહીં પવનની ગતિ 40-45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 

 

 

 

 

ચંદ્રશેખર પર હુમલો કરનારા ચાર સંદિગ્ધો પોલીસ હિરાસતમાં

નવી દિલ્હીઃ ભીમ આર્મીના વડા ચંદ્રશેખર પર હુમલા પછી UP પોલીસ એક્શનમાં છે. ગઈ કાલે થયેલા હુમલા પછી પોલીસે ચાર સંદિગ્ધ લોકોની અટકાયત કરી છે, જે ગાડીમાં હુમલાખોરો આવ્યા હતા, એને પણ પોલીસે જપ્ત કરી લીધી છે. ચંદ્રશેખર પર હુમલો એ સમયે થયો, જ્યારે તેઓ દિલ્હીથી ઘર તરફ પરત ફરી રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે ચંદ્રશેખર આઝાદ દેવબંદ ગયા હતા. એ સમયે અજાણ્યા લોકો તેમના કાફલા પર હુમલો કર્યો હતો. તેમની કાર પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક ગોળી ચંદ્રશેખરની પીઠને અડીને નીકળી ગઈ હતી. તેમને ઘાયલ અવસ્થામાં દેવબંધની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યુ હતું કે જે સમયે હુમલો થયો હતો, ગાડીમાં પાંચ લોકો સવાર હતા. આ હુમલો અચાનક કરવામાં આવ્યો હતો.

તેમના જણાવ્યા મુજબ હુમલાખોરોની ગાડી સહારનપુર તરફ વળી ગઈ હતી અને તેમના કેટલાક કાર્યકર્તાઓએ આરોપીઓના ચહેરાઓ જોઈ લીધા હતા. ગાડીની ઓળખ સ્વિફટ તરીકે થઈ છે અને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરીને ઓળખ કરવાનો પ્રયાસ જારી છે, કેમ ભીમ આર્મીના વડા પર હુમલો કરવામાં આવ્યો. જોકે આ હુમલા પછી રાજકારણમાં ગરમાટો આવ્યો છે. સપાપ્રમુખે કહ્યું હતું કે જે રાજ્યમાં જન પ્રતિનિધિ સુરક્ષિત નથી, ત્યાં આમ જનતાનું શું થશે. આ હુમલા પર ભીમ આર્મીએ ટ્વીટ કરીને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું.

 

 

 

 

 ગર્વથી કહો, હું ભારતીય છું

ન્યૂ યૉર્કની શાળાઓમાં અંધારાં પર અજવાળાંના વિજયના ઉત્સવ દિવાળીના દિવસે હવેથી રજા આપવામાં આવશે એવા સમાચાર આવે છે. અલબત્ત, ન્યૂ યૉર્ક જ નહીં, દુનિયાના ખૂણે ખૂણે દિવાળી ધામધૂમથી ઊજવાય છે, પણ અમેરિકાનું એક શહેર આ મહાપર્વના દિવસે પોતાની શાળાઓમાં રજા જાહેર કરે એનાથી આપણને ગૌરવ તો થાય.

થવું જ જોઈએ. સુસંસ્કૃત પ્રજાથી શોભતો દેશ એટલે આપણો ભારત. ભારત દેશને કલ્ચરલ મિલિયૉનેરની ઉપમા આપતાં દુનિયાભરના વિદ્વાનોનાં મોં સુકાતાં નથી. દેવો પણ જ્યાં જન્મ મેળવવા પ્રાર્થના કરતાં કહે છેઃ ‘દુર્લભં ભારતે જન્મ.’

ભારતની સંસ્કૃતિની વિશેષતા વર્ણવતાં યજુર્વેદ પણ ગાય છેઃ ‘સા પ્રથમા સંસ્કૃતિઃ વિશ્વવારા!’ સમસ્ત વિશ્વને અપનાવતી સૌપ્રથમ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ હતી. એ સંસ્કૃતિના આપણે સપુત છીએ. આથી જ, જરૂર છે ભારતના ભવ્ય અને ગૌરવાન્વિત વારસાને જાણવાની. વિશ્વને મળેલી કંઈકેટલીય શોધો અને જ્ઞાનની જન્મભૂમિ ભારત છે. ભારતે વિશ્વને જે આપ્યું છે તેવું બીજા કોઈએ નથી આપ્યું તે નિર્વિવાદ છે. દશાંશ પદ્ધતિથી માંડીને ખગોળ વિજ્ઞાન અને શસ્ત્રક્રિયા જેવી અનેક શોધો સૌપ્રથમ ભારતમાં થઈ હતી. મૂલ્યોની દૃષ્ટિએ-પારિવારિક એકતા, આધ્યાત્મિક્તા, મંદિરો, ભક્તિ વગેરે અનેક મૂલ્યો ભારતીય મૂળમાં જડાયેલાં હતાં. આ મૂલ્યનિષ્ઠાને લીધે જ આજે પણ ભારતીય સંસ્કૃતિ જીવંત છે. મોહમ્મદ ઈકબાલની સુપ્રસિદ્ધ પંક્તિ આપણને સૌને યાદ છેઃ

યુનાન-ઓ-મિસ્ર-ઓ-રૂમા, સબ મિટ ગયે જહાં સે/અબ તક, મગર બાકી, હૈ નામોં નિશાં હમારા, કુછ બાત હૈ કી હસ્તી મિટતી નહીં હમારી, સદિયોં રહા હૈ દૌરે જહાં હમારા… સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા.

ભારતીય સંસ્કૃતિમાં એવું કંઈક અનેકાનેક આક્રમણોની વચ્ચે પણ એ અડીખમ ઊભી છે. એમાં પણ ભારતીય શાસ્ત્રોની તો શી વાત કરવી. આ શાસ્ત્રોમાં એવા જ્ઞાનનો ખજાનો છે, જેમાં વિશ્વના મૂળભૂત પ્રશ્નોના સમાધાન સમાયેલાં છે. ભારતીય તત્ત્વજ્ઞાનમાં કેવળ જીવન પસાર કરવાની નહીં, પરંતુ જીવન સાફલ્યની પદ્ધતિ સમાયેલી છે, જેમાં કેવળ માહિતી નથી, પરંતુ આચરણ અને આધ્યાત્મિક્તાથી ભરપૂર જ્ઞાન સમાયેલું છે. એક સમય હતો, જ્યારે વિદેશી વિદ્યાર્થીઓ જ્ઞાન પામવા તક્ષશિલા અને નાલંદા જેવી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે પડાપડી કરતા.

ભારતનાં શાસ્ત્રોએ અનેક એવા રોલ મૉડેલ આપણી સમક્ષ મૂક્યા છે, જે આજેય આપણને પ્રેરિત કરતા રહે છે. આજે તૂટતાં ગૃહસ્થ જીવનનું સમાધાન આપે છે સતી સાવિત્રી, જેણે પતિવ્રતા નારીનો આદર્શ પ્રસ્થાપિત કરી દીધો. મિલકત માટેના પ્રશ્નોનું સમાધાન આપે છે, ઉપનિષદ-કાળની મૈત્રેયી, જેણે લૌકિક સંપત્તિનો ત્યાગ કરીને આંતરિક સંપત્તિ પામવા પ્રસ્થાન કર્યું. અંધ માતા-પિતાની સેવા કરનાર શ્રવણ આજેય લાખો ભારતીયોને મા-બાપની સેવાનો આદર્શ પૂરો પાડે છે. આકર્ષક પ્રલોભનોમાં લોભાતાં બાળકોને ધ્યેયની સ્પષ્ટતા કરાવે છે, તેજસ્વી બાળક નચિકેતા, જેણે જ્ઞાન પામવા માટે યમરાજનાં મોહ પમાડનારાં પ્રલોભનોને પળવારમાં તરછોડી દીધાં. આ સૂચિ પર પૂર્ણવિરામ મૂકવું અઘરું છે. આ બધા આદર્શો આજે પણ સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધારે છે.

ગૌરવ અનુભવવું એ સારી લાગણી છે, પરંતુ શેના માટે અનુભવવું એ પણ સમજવાની જરૂર છે. આજે આપણે ગૌરવ અનુભવીએ છીએ પ્રથમ ક્રમાંક આવવાથી, સારી નોકરી કે જીવનસાથી પ્રાપ્ત થવાથી, પરંતુ બીજા વર્ષે નાપાસ થવાય, નોકરી છૂટી જાય, લગ્ન તૂટી જાય તો, પૂર્વે અનુભવેલું ગૌરવ ગારમાટીમાં મળી જાય છે. તેનું કારણ છે આજનો સમાજ પાશ્ચાત્ય સંસ્કૃતિના વંટોળમાં ફંગોળાય છે. આપણે ટૂંકા ગાળાના ગૌરવને પામવા વલખાં મારીએ છીએ અને શાશ્વત ગૌરવને પામવા માટે સહેજ પણ સાવચેતી દાખવતા નથી. માટે જરૂર છે, ભારતના ભવ્ય વારસાને જાણવાની અને માણવાની.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

કોરાનાના 47 નવા કેસો, એક પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 47 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,94,144 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,905 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,60,690 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 77 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1549એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 58,087 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.24 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,38,165 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 436 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.