Home Blog Page 2709

અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને પરેશ રાવલ સ્ટારર ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’નું ટીઝર રિલીઝ

અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને પરેશ રાવલ સ્ટારર ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’નું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર એકદમ સ્ફોટક છે. તે આસ્તિકો અને નાસ્તિકો, ભગવાન અને વિશ્વાસની ચર્ચા કરે છે. તમામ સ્ટાર્સ અદભૂત દેખાય છે અને સમગ્ર ટીઝરમાં ‘હર હર મહાદેવ’ અને ‘જય મહાકાલ’ જેવા નારા સંભળાય છે.

ટીઝરની શરૂઆતમાં એક અવાજ સંભળાય છે કે, ‘માણસ આસ્તિક કે નાસ્તિક બનીને ભગવાન છે કે નહીં તેની સાબિતી આપી શકે છે. પરંતુ ભગવાન પોતે બનાવેલા ગુલામો વચ્ચે ક્યારેય ભેદ પાડતા નથી. નાસ્તિક કાંજીલાલ મહેતા હોય કે આસ્તિક કાન્તિશ્રન હોય. એક દુ:ખનો કોલ હંમેશા તેને તેના બંદીવાનો તરફ ખેંચે છે.

 

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

અક્ષય કુમાર મંત્રોચ્ચાર વચ્ચે પ્રવેશ કરે છે. પરેશ રાવલ ત્યાં મંદિરમાં દેખાય છે. બીજી તરફ પંકજ ત્રિપાઠી મહાકાલની પૂજામાં તલ્લીન જોવા મળે છે. આ દરમિયાન, ટીઝરમાં રેલ્વે સ્ટેશનનું દ્રશ્ય પણ બતાવવામાં આવ્યું છે, જેમાં એક ટીનેજ છોકરો રેલ્વેના પાટા પર ઉભો જોવા મળે છે અને તેની સામે એક સ્પીડમાં આવતી ટ્રેન આવે છે.

આ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવના રોલમાં જોવા મળશે. ટીઝરમાં તે ભગવાન શિવની પૂજામાં મગ્ન પંકજ ત્રિપાઠીને દર્શન આપતા જોવા મળે છે. ‘OMG 2’ના ટીઝરે ફિલ્મને લઈને ઉત્સુકતા વધારી દીધી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આવશે.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૧ જૂલાઈ, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૧ જૂલાઈ, ૨૦૨૩

AMA દ્રારા “પબ્લિક સેક્ટર ઓડિટ અને કોર્પોરેટ ગવર્નન્સ” વિષય પર વાર્તાલાપનું આયોજન

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા “પબ્લિક સેક્ટર ઓડિટ અને કોર્પોરેટ ગવર્નન્સ” વિષય પર ગિરીશ ચંદ્ર મુર્મુ, ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ દ્રારા એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું

જાહેર ક્ષેત્ર અને કોર્પોરેટ ગવર્નન્સની પારદર્શિતા અને અસરકારકતાને પ્રોત્સાહન આપવા માટે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) એ આ આયોજન કર્યુ હતું. નોંધનીય છે કે  ગિરીશ ચંદ્ર મુર્મુ, ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ દ્રારા “પબ્લિક સેક્ટર ઓડિટ અને કોર્પોરેટ ગવર્નન્સ” પર એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગિરીશ ચંદ્ર મુર્મુએ ગુજરાત રાજ્ય સરકારમાં મહત્વનાં ક્ષત્રોમાં  સેવા આપી છે અને વહીવટી, આર્થિક અને માળખાકીય ક્ષેત્રોમાં બહોળો અનુભવ ધરાવે છે.

સમાન નાગરિક કાયદા (UCC) અંગે કાયદા પંચને મળ્યા 46 લાખ મંતવ્યો

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દેશભરમાં સમાન નાગરિક ધારો (યૂનિફોર્મ સિવિલ કોડ) લાગુ કરવા માગે છે. તે અંગે કેન્દ્રીય કાયદા પંચે નાગરિકો પાસેથી મંતવ્યો મગાવ્યા છે અને એ માટેની મહેતલ બે દિવસમાં પૂરી થવાની છે. તે પૂર્વે આજે સોમવારે સાંજ સુધીમાં કાયદા પંચને નાગરિકો તરફથી 46 લાખ જેટલી પ્રતિક્રિયાઓ મળી છે. કાયદા પંચ આગામી દિવસોમાં અમુક ચોક્કસ સંસ્થાઓ અને નાગરિકોને બોલાવશે અને આ વિષય પર પ્રત્યક્ષ રીતે એમની રજૂઆત સાંભળશે. કેટલાક જણને આ માટેના આમંત્રણ પત્રો મોકલી પણ આપવામાં આવ્યા છે.

22મા કાયદા પંચે સમાન નાગરિક ધારા અંગે નાગરિકો સાથે મસલત કરવાની પ્રક્રિયા ગઈ 14 જૂને શરૂ કરી હતી. આ રાજકીય રીતે સંવેદનશીલ વિષય છે. કાયદા પંચે આ અંગે જાહેર જનતા, માન્યતાપ્રાપ્ત ધાર્મિક સંસ્થાઓ સહિત લાગતાવળગતા લોકો પાસેથી એમના મંતવ્યો મગાવ્યા છે.

અગાઉના, 21મા કાયદા પંચે 2018માં તેની મુદત પૂરી થાય ત્યારે યૂસીસી વિશે પોતાની ભલામણો સરકારને સુપરત કરી હતી. હવે 22મા કાયદા પંચે તે પ્રક્રિયાને નવેસરથી અનુસરવાનું નક્કી કર્યું છે. ન્યાયમૂર્તિ બી.એસ. ચૌહાણ (નિવૃત્ત)ની આગેવાની હેઠળના 21મા પંચે સમાન નાગરી કાયદા અંગે એક દસ્તાવેજ સરકારને સુપરત કર્યો હતો. એમાં તેણે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની વિવિધતાની ઉજવણી જ થવી જોઈએ, પરંતુ સાથોસાથ, આ પ્રક્રિયામાં સમાજના નબળા વર્ગો અથવા ચોક્કસ જૂથો એમનાં અધિકારોથી વંચિત રહી જવા ન જોઈએ. કાયદા પંચ સમાન નાગરિક કાયદો લાવવા કરતાં ભેદભાવ ધરાવતા કાયદાઓને નિકાલ કરવા માગે છે. હાલને તબક્કે સમાન નાગરિક કાયદો બિનજરૂરી છે અને અનિચ્છનીય છે.

યુરોપમાં ગરમીથી આશરે 61,000 લોકોનાં મોતઃ અહેવાલ

માડ્રિડઃ યુરોપમાં ગયા વર્ષે સૌથી વધુ ગરમી પડવાને કારણે આશરે 62,000 લોકોનાં મોત થયાં હતાં. ગયા વર્ષે 30 મેથી ચોથી સપ્ટેમ્બર દરમ્યાન યુરોપમાં ભીષણ ગરમી સંબંધિત બીમારીને કારણે 61,672 લોકોએ જીવ ગુમાવ્યા હતા, એમ નેચર મેડિસિન જર્નલના અભ્યાસમાં માલૂમ પડ્યું હતું.

પશ્ચિમ દેશોમાં ગરમીથી બચવાના ઉપાયો કારગત નથી રહ્યા. વર્ષ 2022 યુરોપ રેકોર્ડ ગરમીવાળું વર્ષ રહ્યું હતું. ભૂમધ્યસાગરના દેશો ગ્રીસ, ઇટાલી, પોર્ટુગલ અને સ્પેનમાં સૌથી વધુ મોત થયાં છે. ઇટાલીમાં સૌથી વધુ 18,010 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે સ્પેનમાં 11,324 અને જર્મનીમાં 8173 લોકોનાં મોત થયાં હતાં. સંશોધનકર્તાએ જણાવ્યું હતું કે ભીષણ ગરમીએ સિનિયર સિટિજનો અને મહિલાઓને વધુ નુકસાન પહોંચાડ્યું હતું. વિશ્લેષણ કરવામાં આવેલા આશરે 62000 મોત પૈકી પુરુષોની તુલનાએ મહિલાઓમાં ગરમીથી સંબંધિત મૃત્યદર 63 ટકા વધુ હતો.વર્ષ 2022માં યુરોપના કેટલાય દેશોમાં દુકાળ પડ્યો હતો. આ વર્ષે પણ સ્થિતિ સારી નથી લાગતી. યુરોપમાં સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનામાં વસંતનો મહિનો હોય છે. અત્યારથી અનેક જગ્યાએ દુકાળની સ્થિતિ છે, જે ચિંતાજનક છે.

જોકે આ પહેલી વાર નથી કે યુરોપે આટલી ભીષણ ગરમીનો સામનો કર્યો હોય. આશરે 20 વર્ષ પહેલાં વર્ષ 2003માં ગરમીની સીઝનમાં 70,000થી વધુ લોકોનાં મોત થયાં હતાં. એ દરમીની લહેર એક અસાધારણ દુર્લભ ઘટના હતી. સંશોદનકર્તાઓએ કહ્યું હતું કે 2003ની ગરમીની લહેર એક ખતરાની ઘંટી હતી.

 

 

 

જાણો, સોશિયલ મિડીયામાં છવાયેલા રહેતા અંબાલાલ પટેલને…

આમ તો સોશિયલ મીડિયા પર મોટાભાગે નેતા, અભિનેતા, સ્પોર્ટસ સ્ટાર કે એવી જાણીતી સેલીબ્રિટીઝ કોઇને કોઇ રીતે ચર્ચામાં રહેતી હોય છે અને એમને લઇને અવનવા જોક્સ, મીમ્સ વાઇરલ થતા રહેતા હોય છે, પણ આ બધાની વચ્ચે એક વ્યક્તિ એવી પણ છે કે જે નથી નેતા, નથી અભિનેતા અને તો પણ એ આજકાલ સોશિયલ મિડીયામાં છવાયેલા રહે છે.

એમનું નામ છે અંબાલાલ પટેલ. હા, એ પેલા જાણીતા જ્યોતિષી અંબાલાલ પટેલ. આઇપીએલની ફાઇનલ હોય કે બીજો કોઇ મહત્વનો બનાવ હોય, એમાં વરસાદનું કે બીજુ કોઇ વિઘ્ન આવે એટલે સોશિયલ મિડીયામાં જોક ફરતા થઇ જાયઃ અંબાલાલ પટેલને પૂછો!

આ અંબાલાલ પટેલ એમની આગાહીઓ, ખાસ કરીને વરસાદને લગતી આગાહીઓને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. અગાઉ ધરતીકંપ અને પૂર જેવી એમની ઘણી આગાહીઓ સાચી પડી હોવાનું માનવામાં આવે છે એટલે આજકાલ આગાહી શબ્દ સાંભળતા જ લોકોને તરત અંબાલાલ પટેલ યાદ આવે છે. ગાંઘીનગરમાં રહેતા અંબાલાલ દામોદરદાસ પટેલને લોકો અંબાલાલકાકા કહીને સંબોધે છે.

છેવટે સોશિયલ મિડીયામાં છવાયેલા આ અંબાલાલ પટેલ છે કોણ?

1 સપ્ટેમ્બર, 1947 ના રોજ અમદાવાદ જિલ્લાના રુદાતલ ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલા અંબાલાલકાકાએ આણંદસ્થિત બી.એસ.કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાંથી એગ્રીકલ્ચર બીએસસી કર્યુ. ત્યાર પછી 1872માં ગુજરાત સરકાર બીજ પ્રમાણન એજન્સી અમદાવાદમાં બીજ એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયા. એ પછી મદદનીશ ખેતી નિયામક તરીકે પણ ફરજ નિભાવી. બીજ સુપરવાઇઝર ઉપરાંત સેકટર 15 માં ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી અને જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરીમાં ફરજ બજાવી 2005 માં એ નિવૃત થયા.

તો પછી ખેતીના આ નિષ્ણાત હવામાનની આગાહી કરતા ક્યારથી થઇ ગયા 

જ્યોતિષી અને ખાસ કરીને હવામાન નિષ્ણાત બનવા પાછળની સફર વિશે વાત કરતા અંબાલાલ પટેલ ચિત્રલેખા.કોમ ને કહે છે, ‘મારા પિતાજીને પંચાગો અને ધાર્મિક પુસ્તકોમાં રસ હતો. શરૂઆતમાં તો મને આ બાબતમાં બહુ રસ પડતો નહોતો, પણ હું જયારે બીજ એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયો ત્યારે કૃષિ પાકને લઇને બધા ચર્ચા કરતા. સારા પાક માટે વરસાદની જરૂરીયાત હોય છે. કૃષિ પાક અને વરસાદની ચર્ચા સાંભળતો ત્યારે મને વિચાર આવ્યો કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે તેની માહિતી જો ખેડૂતોને પહેલેથી મળે તો તેમને ઘણી મદદ થઇ શકે. એ પછી મેં જયોતિષશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો. વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહીસંહિતા જેવા જુદા-જુદા ગ્રંથોમાંથી જ્યોતિષની દ્ધષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કેમ ભાખવું તેનું જ્ઞાન મેળવ્યું.’

અંબાલાલ પટેલે પ્રથમ આગાહી 1980માં કરી હતી. ત્યારથી લઇને આજસુધીમાં એ તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે. ગરમી,  વરસાદ,  ઠંડી,  વાતાવરણમાં આવનાર બદલાવ, અતિવૃષ્ટિ, દુકાળ અને ભૂકંપ જેવી અનેક આગાહી એ કરતા આવ્યા છે. સાથે સાથે જયોતિષને લગતા સામયિકો અને દૈનિકોમાં પંચાગ અને અન્ય વિષયો પર લેખો પણ લખે છે.

પરંતુ જે આગાહીના કારણે એમનું નામ સૌથી વધુ ચર્ચાતુ બન્યું એ હતી ગુજરાતના ભૂકંપને લઇને એમણે કરેલી આગાહી. એમણે જ્યારે ભૂકંપની આગાહી કરી ત્યારે સરકારી તંત્ર દોડતુ થઇ ગયું હતુ. એમની ધરપકડ પણ કરવામાં આવેલી.

જો કે એવું પણ નથી કે એમણે કરેલી તમામ આગાહી સાચી જ પડી હોય. પોતે કરેલી હોય અને ખોટી પડી હોય એવી આગાહીઓ વિશે વાત કરતા અંબાલાલકાકા કહે છે, 1985થી લઇને 1987માં દુકાળ પડ્યો તે સમયે મેં જે આગાહી કરી હતી તે અસફળ રહી હતી.

હવામાન નિષ્ણાંત તરીકે નામના મેળવી ચૂકેલા અંબાલાલ પટેલને ઇન્ટરનેશનલ જ્યોતિષ સંસ્થા, અને સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા જેવી સંસ્થાઓ તરફથી ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી જેવા અનેક એવોર્ડઝ અને સમ્માન મળ્યાં છે.

હાલ 76 વર્ષની ઉંમરે પણ અડીખમ રહીને એ લોકોની મદદ માટે તત્પર રહે છે. પત્નીનું કોરાનાકાળમાં મુત્યુ થયા પછી હાલ ગાંધીનગરમાં એકલા જ રહે છે. સંતાનોમાં બે પુત્ર અને એક પુત્રી છે. મોટા પુત્ર ડો. રાજેન્દ્ર પટેલ અમેરિકામાં કેન્સર વિભાગમાં સેવા આપ્યા પછી હાલમાં ધ્રાંગઘ્રાંમાં બાળકોની હોસ્પિટલ ચલાવે છે. બીજા પુત્ર સતીષ પટેલ ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરે છે. દીકરી અલ્કા પટેલ પણ ડોકટર છે.

સોશિયલ મીડિયામાં આવતી આગાહી વિશે પોતાનો રોષ વ્યક્ત કરતા અંબાલાલ પટેલ કહે છે, ખતરનાક શબ્દ એ મીડિયાનું સર્જન છે, મીડિયા પોતાની ટીઆરપી વધારવા માટે આ રીતની વાત કરે તે બિલકુલ યોગ્ય નથી. ડરામણું, બિહામણું, ખતરનાક જેવા શબ્દોની જનસમુદાય પર માઠી અસર થાય છે. મીડિયા આ રીતના શિર્ષક બાંધે છે તે બિલકુલ યોગ્ય તો નથી.

(હેતલ રાવ)

અંબાલાલ પટેલના વિડીયો ઇન્ટરવ્યૂ માટે કરો ક્લિક:

પોલીસ અધિકારીની મારપીટના ગુનામાં ભારતીયને 10 વર્ષની જેલ

સિંગાપોરઃ સિંગાપોરમાં દરોડા દરમ્યાન એક પોલીસ અધિકારી સાથે મારપીટ કરવાના ગુનામાં ભારતીય મૂળના એક શખસને નવ વર્ષ 18 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે અને એના પર 4000 સિંગાપોરના ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

ધ સ્ટ્રેટ્સ ટાઇમ્સના અહેવાલ મુજબ નિખિલ એમ દુરુગુડે (25)એ એક સરકારી અધિકારીને ડ્યુટી કરવાથી અટકાવ્યો હતો અને તેને જાણીબૂજીને નુકસાન પહોંચાડ્યું હતું. તેની પાસે માદક પદાર્થ રાખવા તથા માદક પદાર્થ સેવન કરવા સહિત આઠ આરોપ લાગ્યા હતા, જેનો તેણે સ્વીકાર કર્યો હતો.

જિલ્લા ન્યાયાધીશ જસવિન્દર કૌરે કહ્યું હતું કે નિખિલ્ હુમલા દરમ્યાન પોલીસ અધિકારીને ગાળો પણ ભાંડી હતી, જે  એ અધિકારીઓ પ્રતિ તેની ઘોર ઉપેક્ષા દેખાતી હતી. ન્યાયાધીશે કહ્યું હતું કે અધિકારીઓમાં એ વિશ્વાસ હોવો જરૂરી છે કે કાયદા હેઠળ તેમને પર્યાપ્ત સુરક્ષા આપવામાં આવે.

અહેવાલ મુજબ પાંચ નવેમ્બર, 2020એ વરિષ્છ સ્ટાફ સર્જેટ ચુઆ મિંગ ચેંગ અને ઇન્સ્પેક્ટર ઝેંગ યિયાંગ સહિત ત્રણ અધિકારીઓ છેતરપિંડીને મામલે પોલીસની એક ઝુંબેશ દરમ્યાન બેલેસ્ટિયર ગયા હતા. આ દરમ્યાન નિખિલે પોલીસ અધિકારીને ઝેંગને મારપીટ કરી હતી.

 

 

 

 

 

અન્ય પક્ષો કરતાં ભાજપને ત્રણ-ચાર ગણું વધારે કોર્પોરેટ દાન મળ્યું

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) સંસ્થા દ્વારા નાણાકીય વર્ષ 2016થી 2022ના છેલ્લા છ વર્ષો દરમિયાન દેશમાં 31 રાજકીય પક્ષોને મળેલા દાનની વિગત જાહેર કરવામાં આવી છે. આમાં સાત રાષ્ટ્રીય સ્તરના અને 24 પ્રાદેશિક સ્તરના પક્ષોનો સમાવેશ થાય છે. આ આંકડો રૂ. 16,437.635 કરોડનો થવા જાય છે. આ છે, એડીઆર અહેવાલનું સંક્ષિપ્તમાં વિશ્લેષણ. પાર્ટીઓને મળેલા રૂ. 20,000થી વધુના દાનને આ અહેવાલમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ છ વર્ષનો સમયગાળો નિર્ણાયક અને મહત્ત્વનો છે, કારણ કે આ સમય દરમિયાન ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ 2018 રજૂ કરવામાં આવી હતી તેમજ ફાઈનાન્સ એક્ટ 2017 એ કંપનીના સરેરાશ ત્રણ વર્ષના ચોખ્ખા નફાના 7.5% સુધીજ રાજકીય દાન આપી શકાય આ અગાઉની શરતને દૂર કરવામાં આવી હતી.

ઇલેક્ટોરલ બોન્ડ થકી દાન

‘ચૂંટણી બોન્ડ યોજના’ હેઠળ દાતાનું નામ ગુપ્ત રાખવાની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. એટલે ઇલેક્ટોરલ બોન્ડ થકી દાન આપવા માંગતી કંપની કોઈ પણ પક્ષને ગમે તેટલું દાન આપી શકે, અને તે અંગે તેમણે એ નામ તેમના હિસાબોમાં જાહેર કરવાની જરૂર નથી.

ભારતમાં નોંધાયેલ વિદેશી કંપનીઓને રાજકીય પક્ષોમાં યોગદાન કરી શકે તે માટે સરકારે આવકવેરા અધિનિયમ, કંપની અધિનિયમ, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ અને ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ 2010 (પશ્ચાતવર્તી અસરથી) માં સુધારો કર્યો.

આ પણ વાત મહત્ત્વની બને કે આ સમયગાળા દરમિયાન, 2019 ની સામાન્ય ચૂંટણી, તેમજ કુલ 45 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી.

રાજકીય પક્ષોને મળેલા કુલ દાનને ત્રણ રીતે જોઈ શકાય

(1) અનામી ચૂંટણી બોન્ડ્સ (EBs)માંથી દાન,

(2) કોર્પોરેટ ગૃહો (ચૂંટણી ટ્રસ્ટ સહિત) તરફથી સીધા દાન અને

3) અન્ય દાન (દાન સહિત) (રૂ. 20,000થી નીચેનું દાન, સાંસદો/ધારાસભ્યો તરફથી દાન, સભાઓમાંથી યોગદાન, મોરચાઓમાંથી યોગદાન, પાર્ટી એકમો દ્વારા સંગ્રહ, આજીવન સહયોગ નિધિ, સભ્યોના દાન, સભ્યપદ ફી અને પાર્ટી ફંડ/ચૂંટણી ફંડ વગેરે)

છ વર્ષના સમયગાળા દરમિયાન 31 રાજકીય પક્ષો દ્વારા પ્રાપ્ત કુલ દાન રૂ. 16,437.635 કરોડ હતું. ઈલેક્ટોરલ બોન્ડ્સ (55.90%) માંથી રૂ. 9188.35991 કરોડનું દાન પ્રાપ્ત થયું હતું, રૂ. 4614.53 કરોડ કોર્પોરેટ સેક્ટરમાંથી (28.07%) અને રૂ. 2634.74509 કરોડ અન્ય સ્ત્રોતોમાંથી (16.03%) પ્રાપ્ત થયા હતા. ઇલેક્ટોરલ બોન્ડ થકી પ્રાપ્ત થયેલ દાનનો સ્ત્રોત ગુપ્ત હોય છે. વધુમાં ઇલેક્ટોરલ ટ્રસ્ટ થકી આવેલ દાન પણ કોણે આપ્યું તેનો ખ્યાલ આવતો નથી. રાજકીય પક્ષોને મળતું મોટાભાગના દાનનો સ્ત્રોતવિશે નાગરિકોને ખ્યાલ આવતો નથી.

રાષ્ટ્રીય પક્ષો માટે, નાણાકીય વર્ષ 2017-18 અને નાણાકીય વર્ષ 2021-22 વચ્ચે ચૂંટણી બોન્ડમાંથી દાનમાં 743% વધારો થયો છે. ચૂંટણી બોન્ડમાં દાતાનું નામ ગુપ્ત રાખવાની જોગવાઈ હોવાના કારણે દાન આપવા માટે સૌથી પસંદગીની પધ્ધતિ બની રહી છે.

ભાજપ સૌથી મોખરે

ભાજપ દ્વારા જાહેર કરાયેલ કુલ દાન અન્ય તમામ રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર કરાયેલ કુલ દાન કરતાં ત્રણ ગણા વધુ છે.

છ વર્ષના સમયગાળા દરમિયાન, ભાજપના કુલ દાનમાંથી 52% થી વધુ દાન રૂ. 5271.9751 કરોડના ચૂંટણી બોન્ડમાંથી આવ્યા હતા, જ્યારે અન્ય તમામ રાષ્ટ્રીય પક્ષોએ રૂ. 1783.9331 કરોડની કમાણી કરી હતી. INC એ રૂ. 952.2955 કરોડ (તેના કુલ દાનના 61.54%) ના બોન્ડમાંથી બીજા ક્રમનું સૌથી વધુ દાન જાહેર કર્યું અને ત્યારબાદ AITCએ રૂ. 767.8876 કરોડ (93.27%) જાહેર કર્યું

BJDના કુલ દાનમાંથી 89.81% થી વધુ 622 કરોડના ઈલેક્ટોરલ બોન્ડમાંથી આવ્યા હતા. DMK એ રૂ. 431.50 કરોડ (તેના કુલ દાનના 90.703%) ના બોન્ડમાંથી બીજા નંબરનું સૌથી વધુ દાન જાહેર કર્યું, ત્યારબાદ TRS જેણે રૂ. 383.6529 કરોડ (80.45%) અને YSR-Cએ રૂ. 330.44 કરોડ (72.43%) જાહેર કર્યા.

નાણાકીય વર્ષ 2016-17 અને 2021-22 ની વચ્ચે, રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર કરાયેલ કુલ પ્રત્યક્ષ કોર્પોરેટ દાન રૂ. 3,894.838 કરોડ હતું જ્યારે પ્રાદેશિક પક્ષોએ રૂ. 719.692 કરોડ જાહેર કર્યા હતા.

ભાજપ દ્વારા જાહેર કરાયેલા કોર્પોરેટ દાન અન્ય તમામ રાષ્ટ્રીય પક્ષોના કુલ કોર્પોરેટ દાન કરતાં ઓછામાં ઓછા ત્રણ-ચાર ગણા વધુ છે.

છ વર્ષના સમયગાળા માટે, BSPએ સતત કોઈ કોર્પોરેટ દાન જાહેર કર્યું નથી જ્યારે CPIએ નાણાકીય વર્ષ 2018-19 થી નાણાકીય વર્ષ 2021-22 સુધી શૂન્ય કોર્પોરેટ દાન પ્રાપ્ત કરવાનું જાહેર કર્યું છે.

છ વર્ષના સમયગાળામાં, પ્રાદેશિક પક્ષો દ્વારા જાહેર કરાયેલા સીધા કોર્પોરેટ દાનમાં 152.029%નો વધારો થયો છે.

નાણાકીય વર્ષ 2016-17 અને 2021-22 ની વચ્ચે, પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે સૌથી વધુ રૂ. 1604.43 કરોડનું યોગદાન આપ્યું હતું, ત્યારબાદ પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટ (રૂ. 549.9750 કરોડ) અને બી.જી. શિર્કે કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડ (રૂ. 102.155 કરોડ).

31 માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષો દ્વારા જાહેર કરાયેલા સૌથી વધુ કોર્પોરેટ દાન દિલ્હીમાંથી રૂ. 1843.697 કરોડ આવ્યા હતા, ત્યારબાદ મહારાષ્ટ્ર (રૂ. 1418.130 કરોડ) અને ગુજરાત (રૂ. 213.540 કરોડ) હતા.

એડીઆર દ્વારા સરકારને કરાયેલી કેટલીક ભલામણો:

  • સુપ્રીમ કોર્ટે 13-09-2013 ના રોજ એક ચુકાદો આપ્યો, જાહેર કર્યું કે ઉમેદવારના સોગંદનામાનો કોઈપણ ભાગ ખાલી છોડવો જોઈએ નહીં. તેવી જ રીતે, 20,000 રૂપિયાથી વધુના દાનની વિગતો આપતા રાજકીય પક્ષો દ્વારા સબમિટ કરવામાં આવેલ ફોર્મ 24A નો કોઈપણ ભાગ ખાલી ન હોવો જોઈએ.
  • બધા દાતાઓ કે જેમણે ઓછામાં ઓછા રૂ. 20,000 નું એક અથવા વધુ વખત દાન તરીકે દાન કર્યું છે તેઓએ તેમની PAN વિગતો પ્રસિદ્ધ કરવી જોઈએ.
  • 20,000 રૂપિયાથી નીચેના દાનની પણ જાણ કરવી જોઈએ. જે તારીખે દાન આપવામાં આવ્યું હતું તે પક્ષ દ્વારા નોંધાયેલ હોવું જોઈએ અને ફોર્મ 24A માં સબમિટ કરવું જોઈએ.
  • કોર્પોરેટોએ રાજકીય ધિરાણમાં પારદર્શિતા વધારવા માટે તેમના રાજકીય યોગદાનની વિગતો તેમની વેબસાઇટ્સ (વાર્ષિક અહેવાલોમાં અથવા સમર્પિત પૃષ્ઠ પર) પર ઉપલબ્ધ કરાવવી જોઈએ.
  • રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક પક્ષોના દાનના અહેવાલોની વાર્ષિક ચકાસણી CBDT ના સમર્પિત વિભાગ દ્વારા શરૂ કરવી જોઈએ, જેથી શેલ કંપનીઓ અથવા ગેરકાયદેસર સંસ્થાઓ થકી પક્ષોને દાન મેળવવાની પધ્ધતિને પ્રોત્સાહન ન મળે.
  • ADR તરીકે અમે એવું સૂચન કરીએ છીએ, કે જે રાજકીય પક્ષો નિયમ અનુસાર મેળવેલ દાનની તમામ વિગતો (નામ, સરનામું, PAN નંબર, ચુકવણીની પધ્ધતિ) આપતા નથી, તો તેમની સામે ECI કડક કાર્યવાહી કરે. આવી વિગતો વારંવાર ન આપનાર રાજકીય પક્ષોની નોંધણી રદ કરવી જોઈએ.
  • રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોને માહિતી અધિકાર અધિનિયમ હેઠળ આવરી લેવાવા જોઈએ. તે અંગે CIC દ્વારા આપેલ હુકમનું તેઓએ પાલન કરવું જોઈએ.
  • તમામ દાતાઓની સંપૂર્ણ વિગતો આરટીઆઈ હેઠળ જાહેર ચકાસણી માટે ઉપલબ્ધ કરાવવી જોઈએ. કેટલાક દેશો જેવા કે, ભૂતાન, નેપાળ, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, બ્રાઝિલ, બલ્ગેરિયા, યુએસ અને જાપાનમાં આ પ્રકારની જોગવાઈ છે. આમાંથી કોઈ પણ દેશમાં ભંડોળના લગભગ 50% સ્ત્રોત અજાણ્યા હોય તે શક્ય નથી, પરંતુ હાલમાં ભારતમાં આવું થઈ રહ્યું છે.
  • ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ, 2018 સંપૂર્ણપણે રદ થવી જોઈએ. યોજના ચાલુ રાખવાના કિસ્સામાં, ચૂંટણી બોન્ડ યોજના, 2018 માં સમાવિષ્ટ બોન્ડ દાતાનું નામ ગુપ્ત રાખવા બાબતની જોગવાઈ ન હોવી જોઈએ. ચૂંટણી બોન્ડ દ્વારા દાન મેળવતા તમામ રાજકીય પક્ષોએ તેમના યોગદાનના અહેવાલમાં આપેલા નાણાકીય વર્ષમાં આવા દાનની કુલ રકમની સાથે દરેક બોન્ડ સામે દાતાઓની વિગતવાર વિગતો જાહેર કરવી જોઈએ, તેમાં  બોન્ડની રકમ અને દરેક બોન્ડ સામે પ્રાપ્ત ક્રેડિટની સંપૂર્ણ વિગતો હોવી જોઈએ. રાજકીય પક્ષોની નાણાકીય સ્થિતિનું સાચું ચિત્ર સામાન્ય લોકો સમક્ષ જાહેર થાય તે સુનિશ્ચિત કરવા ઉપરોક્ત પ્રક્રિયાઓ અને રિપોર્ટિંગ માળખું પ્રમાણભૂત હોવું જોઈએ.
  • 255માં લૉ કમિશનના રિપોર્ટની ભલામણ મુજબ, “નિયમોનું પાલન ન કરવા બદલ રાજકીય પક્ષો પર કર લાભો ગુમાવવા ઉપરાંત એક્સપ્રેસ પેનલ્ટી લાદવી જોઈએ…. અને નિયમમુજબ દંડ આમાં દૈનિક રૂ.ના દંડનો સમાવેશ થવો જોઈએ. જો ડિફોલ્ટ 90 દિવસથી વધુ ચાલુ રહે તો બિન-અનુપાલનનાં પ્રત્યેક દિવસ માટે 25,000, રદ કરવાની સંભાવના સાથે. વધુમાં, જો પક્ષ ખોટા નિવેદનો કરે તો ECI રૂ. 50 લાખ સુધી દંડ વસૂલી કરવો જોઈએ.
  • જે રાજકીય પક્ષો લાંબા સમય સુધી નિષ્ક્રિય રહે છે, કોઈપણ ચૂંટણીમાં ભાગ લેતા નથી અને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન મેળવતા રહે છે તેમને ECI દ્વારા સમયાંતરે ડી-લિસ્ટ કરવા જોઈએ જેથી કરીને આવા પક્ષો ઈલેક્ટોરલ બોન્ડનો ફાયદો ન ઉઠાવી શકે.
  • રાજકીય પક્ષોની આવક, ખર્ચ અને યોગદાનના નિવેદનોનું CAG  (કેગ) દ્વારા ઓડિટ થવું જોઈએ.
  • IT એક્ટની કલમ 276CC જે વ્યક્તિઓ તેમના IT રિટર્ન સબમિટ કરવામાં નિષ્ફળ જાય તેમને દંડ કરે છે, તેવી જ રીતે રાજકીય પક્ષોને પણ સમાન કાનૂની જોગવાઈઓ લાગુ થવી જોઈએ.

મફતમાં ટામેટાં, દુકાનદારે કાઢી ધમાકેદાર ઓફર, જાણો…

ભોપાલઃ હાલના દિવસોમાં ટામેટાં ન્યૂઝમાં છે. ક્યાંક ટામેટાંની ચોરી થઈ રહી છે તો ક્યાંક વેપારી ટામેટાંની સુરક્ષા માટે બાઉન્સરો રાખવામાં આવ્યા છે. સોશિયલ મિડિયા પર ટામેટાંની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે, કેમ કે ટામેટાંની કિંમતો દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, પણ ક્યાંક ટામેટાં મફતમાં મળે તો? ત્યારે મધ્ય પ્રદેશના અશોકનગરમાં એક મોબાઇલ દુકાનદારે કમાલની ઓફર રાખી છે. શોપકીપરે એક સ્માર્ટફોનની ખરીદી પર બે કિલો ટામેટાં મફત આપવાની ઓફર શરૂ કરી છે. દુકાન પર આ ઓફરનું બોર્ડ પણ લગાવી દીધું છે. ત્યાર બાદ દુકાનદારને ત્યાં મોબાઇલ ખરીદવા લાઇન લાગી ગઈ છે.

વાસ્તવમાં મુસીબતોમાં તક શોધવી એ પણ એક કલા છે. મોબાઇલ દુકાનદારે મોબાઇલ શોરૂમમાંથી મફતમાં ટામેટાંનું સેલ લગાવી દીધું છે. દુકાનદારના જણાવ્યાનુસાર તેઓ આશરે એક ક્વિન્ટલ મફતમાં ટામેટાં વહેચી ચૂક્યો છે.

ટામેટાં મફતની સ્કીમ લોકોને પસંદ

દુકાનદાર અભિષેક અગ્રવાલનું કહેવું છે કે મફત ટામેટાંની ઓફર લોકોને પસંદ આવી છે. હાલ ટામેટાંની કિંમતો કૂદકે ને ભૂસકે વધી રહી છે, જેથી મેં દરેક સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને બે કિલો ટામેટાં મફત આપવાની જાહેરાત કરી છે. એ સ્કીમથી અમને ઘણો લાભ થયો છે. આ ફ્રીમાં ટામેટાંની ઓફરનો વિડિયો સોશિયલ મિડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. કેટલાય લોકો ટામેટાંની કિંમતો પર મીમ્સ પણ બનાવી રહ્યા છે, એમ તેણે કહ્યું હતું.

દેશનાં બજારોમાં હાલના દિવસોમાં ટામેટાંની કિંમતો પ્રતિ કિલોએ રૂ. 160થી રૂ. 180 પહોંચ્યા છે, જ્યારે કેટલીક જગ્યાએ પ્રતિ કિલો રૂ. 200 સુધી પહોંચ્યા છે.

 

 

 

 

 

પ.બંગાળની હિંસા પર વિપક્ષની બોલતી કેમ બંધ?: ભાજપ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આઠ જુલાઈએ 74,000 પંચાયતો માટે મતદાન થવાનું હતું. એ દરમ્યાન ખૂબ હિંસા થઈ અને પોલિંગ બૂથો પર મારપીટ, બૂથ લૂંટવાની ઘટનાઓ અને આગ ચાંપવાની ઘટનાઓ સામે આવી હતી. રાજ્યમાં ત્રણ તબક્કામાં પંચાયત ચૂંટણી માટે મત ગણતરી કડક સુરક્ષા વચ્ચે જારી છે. ભાજપે ચૂંટણી દરમ્યાન હિંસાને લઈને પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકાર પર નિશાન સાધ્યું હતું. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે બંગાળમાં પંચાયત ચૂંટણીમાં મત ગણતરી થઈ રહી છે અને હવે પંચાયત ચૂંટણીમાં 45 લોકોનાં મોત થયાં છે. વિધાનસભાની ચૂંટણી દરમ્યાન 52 લોકોનાં મોત થયાં હતાં. બંગાળમાં લોકતંત્ર દમ તોડી રહ્યું છે. આ દરમ્યાન માત્ર ભાજપના કાર્યકર્તાઓની હત્યા જ નથી થઈ, પણ અન્ય પાર્ટીઓના કાર્યકર્તાઓ પણ એમાં સામેલ છે.

ભાજપ પ્રવકતાએ જણાવ્યું હતું કે જો આ દ્રશ્ય ભાજપ શાસિત રાજ્યમાં જોવા મળ્યું હોત તો હાહાકાર મચી ગયો હોત. હવે રાહુલ ગાંધી ક્યાં છે? તેઓ મોહબ્બતની દુકાન ખોલવાના હતા. રાજ્ય સરકારે સંવેદનશીલ બૂથની યોગ્ય સંખ્યા નહોતી આપી. જેટલા પણ લોકો માર્યા ગયા છે, એમાં રાજ્યના જવાબદાર લોકો સામેલ છે. ફાયરિંગ, બોમ્બમારાથી મતપેટીઓ સળગાવવામાં આવી રહી છે. કેટલીક જગ્યાએ પોલીસને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

પંચાયત ચૂંટણી ગ્રામ પંચાયતની કુલ 63,229 સીટોમાંથી તૃણમૂલ કોંગ્રેસ 10,243 પર આગળ છે, જ્યારે ભાજપ 796 સીટો પર આગળ છે. લેફ્ટ 658 સીટો પર આગળ છે, જ્યારે કોંગ્રેસના 219 સીટો પર આગળ ચાલી રહ્યા છે.