સમાન નાગરિક કાયદા (UCC) અંગે કાયદા પંચને મળ્યા 46 લાખ મંતવ્યો

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દેશભરમાં સમાન નાગરિક ધારો (યૂનિફોર્મ સિવિલ કોડ) લાગુ કરવા માગે છે. તે અંગે કેન્દ્રીય કાયદા પંચે નાગરિકો પાસેથી મંતવ્યો મગાવ્યા છે અને એ માટેની મહેતલ બે દિવસમાં પૂરી થવાની છે. તે પૂર્વે આજે સોમવારે સાંજ સુધીમાં કાયદા પંચને નાગરિકો તરફથી 46 લાખ જેટલી પ્રતિક્રિયાઓ મળી છે. કાયદા પંચ આગામી દિવસોમાં અમુક ચોક્કસ સંસ્થાઓ અને નાગરિકોને બોલાવશે અને આ વિષય પર પ્રત્યક્ષ રીતે એમની રજૂઆત સાંભળશે. કેટલાક જણને આ માટેના આમંત્રણ પત્રો મોકલી પણ આપવામાં આવ્યા છે.

22મા કાયદા પંચે સમાન નાગરિક ધારા અંગે નાગરિકો સાથે મસલત કરવાની પ્રક્રિયા ગઈ 14 જૂને શરૂ કરી હતી. આ રાજકીય રીતે સંવેદનશીલ વિષય છે. કાયદા પંચે આ અંગે જાહેર જનતા, માન્યતાપ્રાપ્ત ધાર્મિક સંસ્થાઓ સહિત લાગતાવળગતા લોકો પાસેથી એમના મંતવ્યો મગાવ્યા છે.

અગાઉના, 21મા કાયદા પંચે 2018માં તેની મુદત પૂરી થાય ત્યારે યૂસીસી વિશે પોતાની ભલામણો સરકારને સુપરત કરી હતી. હવે 22મા કાયદા પંચે તે પ્રક્રિયાને નવેસરથી અનુસરવાનું નક્કી કર્યું છે. ન્યાયમૂર્તિ બી.એસ. ચૌહાણ (નિવૃત્ત)ની આગેવાની હેઠળના 21મા પંચે સમાન નાગરી કાયદા અંગે એક દસ્તાવેજ સરકારને સુપરત કર્યો હતો. એમાં તેણે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની વિવિધતાની ઉજવણી જ થવી જોઈએ, પરંતુ સાથોસાથ, આ પ્રક્રિયામાં સમાજના નબળા વર્ગો અથવા ચોક્કસ જૂથો એમનાં અધિકારોથી વંચિત રહી જવા ન જોઈએ. કાયદા પંચ સમાન નાગરિક કાયદો લાવવા કરતાં ભેદભાવ ધરાવતા કાયદાઓને નિકાલ કરવા માગે છે. હાલને તબક્કે સમાન નાગરિક કાયદો બિનજરૂરી છે અને અનિચ્છનીય છે.