Home Blog Page 2688

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવશે. આ વખતે તેઓ રાજકોટની મુલાકાત લેશે તેવી વિગતો સામે આવી છે. મળતી માહીતી મુજબ વડાપ્રધાન મોદી આગામી 27 જુલાઈએ રાજકોટની મુલાકાતલેશે. અહીં તેઓ હિરાસર એરપોર્ટનું 27 જુલાઈના રોજ લોકાર્પણ કરશે. PM મોદીની આ મુલાકાતને લઈને વહિવટીતંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

PM મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે

પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27 અને 28 જુલાઈએ ગુજરાતની મુલાકાત લેશે. પીએમ મોદી તેમના બે દિવસના પ્રવાસમાં રાજકોટના એરપોર્ટનું લોકાર્પણ કરશે અને સેમિકોન ઇન્ડિયાની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. તેઓ 27 જુલાઈએ રાજકોટની મુલાકાત લેશે.અહીં તેઓ હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરશે. આ અંગે કલેકટર તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

CM સહિત ગુજરાતના મંત્રીમંડળ સાથે PM મોદી કરશે બેઠક

હીરાસર એરપોર્ટના લોકાર્પણ બાદ PM મોદી જંગી સભાને સંબોધન પણ કરશે. અને ત્યાર બાદ ગાંધીનગર જવા રવાના થશે. ગાંધીનગરમાં તેઓ સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ સાથે ડિનર ડિપ્લોમસી કરશે. જેમાં પ્રદેશ પ્રમુખ સહિત પાર્ટીના હોદ્દેદારો હાજર રહેશે. મહત્વનું છે કે નવી સરકાર રચાયા બાદ CM સહિત ગુજરાતના મંત્રીમંડળ સાથે PM મોદી પ્રથમ બેઠક કરશે.

ગુજરાતને સેમિકન્ડક્ટરનું હબ બનાવવાનો વડાપ્રધાનનું સ્વપ્ન

PM મોદી 28 જુલાઈએ મહાત્મા મંદિર ખાતે યોજાનાર 3 દિવસીય સેમિક્રોન સમિટનું ઉદ્ઘાટન કરશે.આ ઉપરાંત પીએમ મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યને વિકાસની અનેક ભેટો આપશે તેમને જણાવી દઈએ કે ગુજરાતને સેમિકન્ડક્ટરનું હબ બનાવવાનો વડાપ્રધાનનું સ્વપ્ન છે.

વડાપ્રધાન મોદીની સાથે આ મહાનુભાવો પર રહેશે હાજર

આ એરપોર્ટ તૈયાર થતાં જ જામનગર, જૂનાગઢ, ભાવનગર, કચ્છ, મોરબી અને રાજકોટ સહિતના લોકોને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે.મહત્વનું છે કે આ સમગ્ર કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવ, વિદેશ મંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ ઉપસ્થિત રહેશે.

સાચવજો ! રોગચાળો વકરતા આ શહેરમાં પાણીપુરી પર મુક્યો પ્રતિબંધ

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે હાલ વડોદરા શહેરમાં પાણીજન્ય રોગોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને વડોદરા કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરામાં 10 દિવસ પાણીપુરી વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.VMCના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી વિક્રેતાઓને સૂચના આપી છે કે જો શહેરમાં પાણીપુરીનું વેચાણ કરવામાં આવશે તો તેમની ટીમ દ્વારા બંધ કરાવવામાં આવે છે.

વડોદરા માં 10 દિવસ પાણીપુરી વેચવા પર પ્રતિબંધ

વડોદરા શહેરમાં મનપાએ 10 દિવસ માટે લારીઓ કે રેસ્ટોરેન્ટમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકયો છે, એક બાજુ વરસાદની સિઝન ચાલી રહી છે. ત્યારે આ સિઝનમાં રોગચાળાએ પણ માજા મૂકી છે. ત્યારે ગઈ કાલે આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં વિવિધ સ્થળો પર દરોડા પાળવામાં આવ્યા હતા. આ દરોડામાં ઘણી બધી અખાદ્ય સામગ્રી મળી આવી હતી.જેમા માંજલપુર વિસ્તારમાં પાણીપુરી બનાવનારને ત્યાં ગંદકી જોવા મળી છે.

રોગચાળો કાબુમાં નહીં આવે ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે

આ દરોડામાં 25 કિલોથી વધુ સડેલા બટાકાનો નાશ કરવામાં આવ્યો છે જ્યારે 3 કિલોથી વધુ અખાદ્ય ચણાનો નાશ કરાયો છે.આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે શહેરમાં જ્યાં સુધી રોગચાળો કાબુમાં નહીં આવે ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ફરી જોવા મળશે દયાબેન?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી પરનો સૌથી લોકપ્રિય શો છે. આ શો 15 વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. આ સિરિયલ 2008માં પ્રસારિત થઈ હતી. ત્યારથી જ ચાહકો આ શોને ખૂબ પસંદ કરે છે. સ્ટોરીલાઈનથી લઈને સ્ટારકાસ્ટ સુધી બધું જ પરફેક્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે. જોકે, આ શો ઘણી વખત વિવાદોમાં પણ ઘેરાયેલો રહ્યો હતો. ઘણા કલાકારોએ શો છોડી દીધો અને કેટલાકે તો સિરિયલના મેકર્સ પર ગંભીર આરોપો પણ લગાવ્યા. આ શોમાં ઘણા કલાકારોના રિપ્લેસમેન્ટ પણ આવ્યા છે. જો કે, દયાબેનના પાત્ર માટે હજુ સુધી કોઈ નવા અભિનેતાની પસંદગી કરવામાં આવી નથી. જણાવી દઈએ કે દિશા વાકાણી આ શોમાં દયાબેનના રોલમાં જોવા મળી હતી.

દિશા વાકાણીએ થોડા વર્ષો પહેલા મેટરનિટી લીવ લીધી હતી. ત્યારથી તે શોમાં પાછી ફરી નથી. તે માત્ર એક જ વાર એપિસોડમાં જોવા મળ્યો હતો. ચાહકો તેને ખૂબ જ મિસ કરી રહ્યા છે. વચ્ચે એવા અહેવાલો આવ્યા હતા કે દિશા વાકાણીએ શો છોડી દીધો છે અને નિર્માતાઓ તેના સ્થાને નવો ચહેરો શોધી રહ્યા છે. જો કે, હવે નવા અહેવાલો છે કે દિશા વાકાણી શોમાં પરત ફરી શકે છે. દિશા વાકાણી આ વર્ષે દિવાળી સુધીમાં શોમાં પરત ફરી શકે છે. ફેન્સ માટે ખુબ જ ખુશીના સમાચાર છે. જો કે, આ અહેવાલોને લઈને અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ ટ્રેક શોમાં ચાલી રહ્યો છે

શોના લેટેસ્ટ પ્લોટની વાત કરીએ તો જેઠાલાલ દયાબેનને ખૂબ મિસ કરી રહ્યા છે. તે દયાને ગોકુલધામમાં પાછી જોવા માંગે છે. જેઠાલાલ દયાના પાછા ફરવા માટે મક્કમ છે. આના પર સુંદરે જાહેરાત કરી છે કે દયા ટૂંક સમયમાં ગોકુલધામમાં જોવા મળશે.

IC15 ઇન્ડેક્સમાં 300 પોઇન્ટનો ઘટાડો

નવી દિલ્હીઃ સ્પોટ બિટકોઇન ઈટીએફ વિશે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન નિર્ણય લે એની પહેલાં વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સાવધાનીનું વાતાવરણ હતું. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – IC15ના ઘટકોમાંથી સોલાના, કાર્ડાનો, પોલિગોન અને અવાલાંશ સાત ટકા સુધી ઘટ્યા હતા, જ્યારે ચેઇનલિંક, યુનિસ્વોપ, એક્સઆરપી અને લાઇટકોઇનમાં આઠેક ટકા જેટલો વધારો થયો હતો.

દરમિયાન, અમેરિકામાં ડિજિટલ એસેટ્સના નિયમન સંબંધે ચર્ચા કરવા માટે કોઇનબેઝના CEO બ્રાયન આર્મસ્ટ્રોંગ અને સંસદના ડેમોક્રેટ્સ વચ્ચે ખાનગી ધોરણે મુલાકાત થવાની છે. બીજી બાજુ, બીજિંગની મહાનગરપાલિકાએ ડિજિટલ ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી બનવાની દ્રષ્ટિએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેઇન તથા અન્ય ડિજિટલ ટેક્નોલોજીસમાં 10,000 લોકોને તાલીમ આપવા માટેની યોજના ઘડી છે.

ત્રણ વર્ષે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.75 ટકા (300 પોઇન્ટ) ઘટીને 39,581 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,881 ખૂલીને 40,051ની ઉપલી અને 39,480 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

 

 

 

 

 

કોણ હશે વિપક્ષનો ચહેરો? કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ જવાબ આપ્યો

લોકસભા ચૂંટણી-2024 પહેલા બેંગલુરુમાં ભાજપ વિરુદ્ધ વિરોધ પક્ષોની બે દિવસીય મોટી બેઠક સમાપ્ત થઈ ગઈ છે. બેઠક બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે વિરોધ પક્ષોની આગામી બેઠક મુંબઈમાં યોજાશે. તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ વચ્ચે પરસ્પર સંકલન માટે 11 સભ્યોની કમિટી બનાવવામાં આવશે. ભાજપ પર નિશાન સાધતા ખડગેએ કહ્યું કે ભાજપ સરકાર લોકતંત્ર અને બંધારણને નષ્ટ કરવા માંગે છે. તે વિરોધ પક્ષો સામે સ્વાયત્ત સંસ્થાઓ અને તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વિપક્ષી એકતાનું નેતૃત્વ કોણ કરશે, તો ખડગેએ જવાબ આપ્યો કે મુંબઈમાં આગામી બેઠકમાં બધું નક્કી કરવામાં આવશે. આ માટે 11 સભ્યોની કમિટી બનાવવામાં આવશે.


એનડીએની બેઠક પર નિશાન 

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “એનડીએ 30 પાર્ટીઓ સાથે બેઠક કરી રહી છે. મેં ભારતમાં આટલા બધા પક્ષો વિશે સાંભળ્યું નથી. પહેલા તેઓએ કોઈ બેઠક યોજી ન હતી પરંતુ હવે તેઓ એક પછી એક બેઠક કરી રહ્યા છે. પીએમ મોદી હવે વિપક્ષમાં હોવાથી પાર્ટીઓ ડરી ગઈ છે. અમે લોકશાહી અને બંધારણને બચાવવા માટે અહીં એકઠા થયા છીએ.”


પીએમ મોદી પર વિપક્ષનો અવાજ દબાવવાનો આરોપ

ખડગેએ કહ્યું કે, આજે સમગ્ર મીડિયા પીએમ મોદી દ્વારા કેદ થઈ ગયું છે. તેમના નિર્દેશ વિના કંઈ પણ કામ કરતું નથી. મારી 52 વર્ષની સક્રિય રાજકીય કારકિર્દીમાં, મેં ક્યારેય એવી પ્રતિકૂળ પરિસ્થિતિ જોઈ નથી કે વિપક્ષી નેતાઓનો અવાજ દબાવવામાં આવે.

રાજ્યમાં વરસાદનું ઓરેન્જ એલર્ટઃ સુરત જળબંબોળ  

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદ અનરાધાર વસરી રહ્યો છે, જેને પગલે સુરતમાં જળબંબોળની સ્થિતિ છે. સુરતમાં બે કલાકમાં ચાર ઇંચ ખાબક્યો હતો. ગીર સોમનાથના સુત્રાપાડામાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે જનજીવનને અસ્તવ્યસ્ત થયું છે. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયાં છે. જેથી લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આવતી કાલે વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામા આવ્યું છે. આ સાથે વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.

સુરતના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા છે. સુરતના ગીતાનગર વિસ્તારમાં પાણી ભરાયાં છે. કડોદરા-સુરત રોડ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી સુરતના અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાયો છે. મુખ્ય માર્ગ પર નદીઓ વહેતી હોય તેવાં દ્રશ્યો સર્જાયાં છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે  હાલમાં ઈસ્ટર્ન ટ્રફને કારણે રાજ્યમાં વરસાદી વાતાવરણ છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસશે. રાજ્યની ઉપર સાઇક્લોનિકલ સિસ્ટમ કાર્યરત થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંટ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સોમનાથમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સૂત્રાપાડામાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે. કોડીનારમાં સવાપાંચ ઇંચ વરસાદ ખાબકતાં ખેતરો બેટમાં ફેરવાયાં છે અને રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. તો તાલાલા પંથકમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.

અમરેલી શહેર, લાઠી શહેર, બાબરા, રાજુલા, ખાંભા અને ધારી સહિત મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ છે. સુરતના સહારા દરવાજા પાસે સરકારી બસ પાણી ભરાવાને કારણે બંધ થઈ ગઈ હતી. સુરત શહેરના લિંબાયતમાં માત્ર બે કલાકમાં ચાર 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી ઘૂંટણ સમા પાણી વહેવા લાગ્યાં હતાં.

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં નદી-નાળાં છલકાયાં હતાં. જાંબુઘોડામાં વહેલી સવારે ખાબકેલા ભારે વરસાદને કારણે નદી-નાળાં છલકાયાં હતાં. સુખી નદી બે કાંઠે વહેતી થઈ હતી તેમ જ ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં.

 

 

 

 

‘મારો કોઈ મિત્ર નથી…’, ભારતીય ટીમમાંથી બહાર થતાં પૃથ્વી શૉનું દિલ તૂટી ગયું

એક સમયે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય કહેવાતા પૃથ્વી શૉ હવે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. વીરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકરની બેટિંગનું મિશ્રણ કહેવાતા પૃથ્વી શૉ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટીમ ઈન્ડિયામાં પસંદ ન થવાથી ઘણો નિરાશ છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ પહેલા શોએ મોટું નિવેદન આપ્યું છે.

પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર પૃથ્વી શૉને જ્યારે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર કોઈપણ શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો ન હતો ત્યારે તેણે દુલીપ ટ્રોફી રમવાનું નક્કી કર્યું હતું. હવે તે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમશે. આ પહેલા પૃથ્વી શૉએ ક્રિકેટ વેબસાઈટ ક્રિકબઝને ઈન્ટરવ્યુ આપ્યો હતો.

ટીમ ઈન્ડિયામાંથી બહાર થવા પર પૃથ્વી શૉએ કહ્યું, જ્યારે મને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો ત્યારે મને તેનું કારણ જણાવવામાં આવ્યું ન હતું. કેટલાક લોકો કહી રહ્યા હતા કે ફિટનેસ કારણ હોઈ શકે છે, પરંતુ હું નેશનલ ક્રિકેટ એકેડમી ગયો અને તમામ પાસ કર્યા.  પછી મેં ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલમાં રન બનાવ્યા, પછી મને ફરીથી T20 ટીમમાં સ્થાન મળ્યું. પરંતુ હવે મને વેસ્ટ ઈન્ડિઝ સામે તક મળી નથી, જેના કારણે હું ખૂબ નિરાશ છું.

પૃથ્વી શૉએ વધુમાં જણાવ્યું હતું કે, “મને એકલા રહેવાનું ગમવા લાગ્યું છે. મારા કોઈ મિત્રો નથી. લોકો મારા વિશે ઘણી વાતો કરે છે, પરંતુ જેઓ મને ઓળખે છે તેઓ જાણે છે કે હું કેવો છું. આ પેઢી સાથે આવું જ થઈ રહ્યું છે. .. તમે તમારા મંતવ્યો શેર કરી શકતા નથી. તમે કંઈક બોલો કે તરત જ તે બીજા દિવસે સોશિયલ મીડિયા પર આવશે. મારા બહુ ઓછા મિત્રો છે.

પૃથ્વી શોની કારકિર્દી આવી રહી છે

23 વર્ષીય પૃથ્વી શૉ ભારત માટે અત્યાર સુધીમાં પાંચ ટેસ્ટ, 6 ODI અને એક T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. શૉના ટેસ્ટમાં 339 રન, વનડેમાં 189 રન અને ટી20 મેચમાં શૂન્ય રન છે. શૉ તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો.

કુસ્તીબાજોની જાતિય સતામણીના કેસમાં બ્રિજભૂષણ સિંહ કોર્ટમાં હાજર, બે દિવસના વચગાળાના જામીન મળ્યા

મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીના કેસમાં મંગળવારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટે બંને આરોપી બ્રિજ ભૂષણ અને વિનોદ તોમરને બે દિવસના વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટનું કહેવું છે કે ગુરુવારે (20 જુલાઈ) બપોરે 12:30 વાગ્યે નિયમિત બેલ પર સુનાવણી થશે. બંનેને 25 હજારના અંગત બોન્ડ પર જામીન મળ્યા છે. બ્રિજ ભૂષણ વતી કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.

1599 પાનાની ચાર્જશીટ

દિલ્હી પોલીસે ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ 1599 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. બ્રિજ ભૂષણ પર મહિલા રેસલર્સે જાતીય સતામણી જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. આ ચાર્ટશીટમાં આરોપી બ્રિજ ભૂષણ અને WFI સેક્રેટરી વિનોદ તોમર વિરુદ્ધ કેસનો ઉલ્લેખ છે. ચાર્જશીટમાં કુલ 44 સાક્ષીઓ છે અને કુલ 108 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. જેમાં 15 લોકોએ પીડિત કુસ્તીબાજોના સમર્થનમાં નિવેદનો આપ્યા છે.

આ વિભાગોમાં આક્ષેપો કરવામાં આવે છે

ચાર્જશીટમાં પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણ સંબંધિત IPCની કલમ 354, 354-A અને 354 D હેઠળ અને સહ આરોપી વિનોદ તોમર વિરુદ્ધ IPCની કલમ 109, 354, 354 (A), 506 હેઠળ આરોપ મૂક્યો છે. IPCની કલમ 354ની વાત કરીએ તો તેમાં 5 વર્ષની સજાની જોગવાઈ છે અને તે બિનજામીનપાત્ર કલમ ​​છે. 354Aમાં મહત્તમ એક વર્ષની સજાની જોગવાઈ છે પરંતુ જામીનપાત્ર કલમ ​​છે. 354Dમાં 5 વર્ષની સજા છે જ્યારે આ કલમ જામીનપાત્ર કલમ ​​છે.

બ્રિજ ભૂષણની હજુ સુધી ધરપકડ કેમ નથી થઈ?

બ્રિજ ભૂષણની ધરપકડ ન કરવા બદલ વિપક્ષના ઘણા નેતાઓ દિલ્હી પોલીસ અને ભાજપ પર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. તેમની ધરપકડ ન કરવા પાછળનું કારણ જણાવતા દિલ્હી પોલીસે કહ્યું, બ્રિજ ભૂષણે સૂચનાઓનું પાલન કર્યું અને તપાસમાં જોડાયા. દિલ્હી પોલીસ હાલમાં ફોરેન્સિક લેબમાં જમા ડિજિટલ અને ઈલેક્ટ્રોનિક સાધનોના રિપોર્ટની રાહ જોઈ રહી છે. જો કે બ્રિજ ભૂષણ સતત આ આરોપોને નકારી રહ્યા છે. તેમનું કહેવું છે કે ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

ટામેટાંની કિંમતોમાં ઉછાળો આવતાં મહારાષ્ટ્રનો ખેડૂત કરોડપતિ

 નવી દિલ્હીઃ ટામેટાંની કિંમતોમાં આશરે આઠ ગણો વધારાએ દેશના કેટલાય ખેડૂતોને શ્રીમંત બનાવી દીધા છે. જોકે બજારોમાં ટામેટાંનો જેમ સપ્લાય વધશે, તેમ કિંમતો નીચે આવશે. રવિવારે એક કિલો ટામેટાંની કિંમતો રૂ. 178 હતી, જે પહેલી જાન્યુઆરીની તુલનાએ 700 ટકા વધુ હતી. રાષ્ટ્રીય સ્તરે સરેરાશ ટામેટાંની કિંમત પ્રતિ કિલો રૂ. 120 છે.

દેશમાં પડેલા ભારે વરસાદ અને હવામાનના ફેરફારોને કારણે કિંમતોમાં ઉછાળો આવ્યો છે અને સપ્લાયમાં મુશ્કેલીઓ આવી, જેથી ગ્રાહકોની તો હાલત કફોડી થઈ ગઈ હતી, પરંતુ ખેડૂતોને ખુશ કરી દીધા છે. જોકે કેટલાંય ઘરોમાં ટામેટાંનો વપરાશ બંધ કરી દીધો છે તો કેટલાંય ઘરોએ એનો વપરાશ સાવ ઘટાડી દીધો છે. ઇશ્વર ગાયકર અને એની પત્નીએ આ સીઝનમાં રૂ. 2.4 કરોડનો નફો કર્યો હતો, કેમ કે મહારાષ્ટ્રના ઝુન્નરની પાસે 12 એકરમાં તેમણે ટામેટાં વાવ્યાં હતાં. એ આંકડો ગયા વર્ષે રૂ. 15 લાખની કમાણીથી અનેક ગણો વધુ છે, એમ બ્લુમબર્ગનો રિપોર્ટ કહે છે.

આ દંપતી આ વિસ્તારમાં સૌથી મોટા ટામેટાંના સપ્લાયર છે, જેમની પાસે દેખરેખથી માંડીને કામકાજ માટે 60થી 70 મજૂર પણ છે. ટામેટાંની વધતી કિંમતોએ ઇશ્વરે ના માત્ર કરોડપતિ બનાવી દીધો પણ રાતોરાત તે વિસ્તારનો એક સેલિબ્રિટી બની ગયો છે અને મિડિયાવાળા એના ઇન્ટરવ્યુ માટે લાઇનમાં લાગેલા છે. છેલ્લાં કેટલાંક સપ્તાહમાં તેણે આશરે 350 ટન ટામેટાં સપ્લાય કર્યા છે અને બધું સમુંસૂતરું રહ્યું તો તેને હજી 150 ટન ટામેટાં વેચાવાની આશા છે.

 

 

 

મહારાષ્ટ્રના પ્રધાનને ધમકી આપવા બદલ RTI કાર્યકર્તાની ધરપકડ

મુંબઈઃ મહારાષ્ટ્રના પ્રધાન દીપક કેસરકરને કથિતપણે ધમકી આપવા બદલ અને એમની પાસેથી ખંડણીના પૈસા લેવાનો પ્રયાસ કરવા બદલ મુંબઈ પોલીસે રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) એક્ટના એક કાર્યકર્તાની ધરપકડ કરી છે. કેસરકરના એક સમર્થકે દક્ષિણ મુંબઈના મલબાર હિલ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને પગલે પોલીસે કાર્યકર્તાની ધરપકડ કરી છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ, આરોપી કેસરકરને છેલ્લા બે-ત્રણ વર્ષથી ઓળખતો હતો અને તે એમની પાસેથી ખંડણીની માગણી કરતો રહેતો હતો. આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ પોલીસે એની સામે ઈન્ડિયન પીનલ કોડની કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. ધરપકડ કર્યા બાદ પોલીસોએ આરોપીને એક સ્થાનિક કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટે આરોપીને બુધવાર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. કેસરકર સાવંતવાડી (સિંધુદુર્ગ જિલ્લો)ના વિધાનસભ્ય છે અને એકનાથ શિંદેની સરકારમાં મરાઠી ભાષાના જતન માટેના ખાતાના પ્રધાન છે.