Home Blog Page 2592

તારાઓના દેશમાં ચશ્માંવાળી બેબી ડૅડીને ગુડ નાઇટ કરીને સૂઈ ગઈ હતી

(ભાગ્યે જ કોઈ સર્જક એવા મળે જેમને વાચકોએ દિલ ફાડીને પ્રેમ કર્યો હોય! ચંદ્રકાંત બક્ષી ગુજરાતી સાહિત્યમાં એક એવું નામ છે, જેમણે ગુજરાતી વાચકોની એક આખેઆખી પેઢીને પોતાની કલમથી વશ કરી છે.‌ ગુજરાતી વાચકોના લાડીલા એવા બક્ષીબાબુનો આજે 92 મો જન્મદિવસ છે ત્યારે એમની એક બહુ લોકપ્રિય નીવડેલી વાર્તા અહીં પ્રકાશિત કરીએ છીએ. આ સૌજન્ય માટે બક્ષીસાહેબના દીકરી રીવાબહેનનો આ ક્ષણે ખાસ આભાર…- તંત્રી) 

ગુડ નાઇટ, ડેડી !

(ચંદ્રકાંત બક્ષી)

એણે જોયું, બેબી વાર્તા સાંભળતાં-સાંભળતાં જ સૂઈ ગઈ હતી.

ધીરેથી એણે બેબીના વાળની બંને રેશમી રિબનો ખોલી. પછી એક પછી એક હેરપિનો કાઢી લીધી, વાળ છૂટા કર્યાં અને માથા પર હાથ ફેરવ્યો. ગાલ પર એક બચ્ચી ભરી. કહેવાનું મન થયું, ‘ગુડ નાઇટ, ડાર્લિંગ.’

સવારની ફ્લાઇટથી જવાનું હતું, બેબીને.

ટેબલ પર પડેલી જૂની ડબલ લાઇનવાળી નોટનું પાનું ફફડ્યું. એ ઊભો થયો. હોમવર્કવાળી નોટ ઠીક કરીને બૅગમાં મૂકતાં એનાથી વંચાઈ ગયું. આડાઅવળા અક્ષરે અંગ્રેજીમાં પેન્સિલથી લખ્યું હતું. ‘ફેરી પિંક કુડ નૉટ ફ્લાય, ફૉર હર વિંગ્સ વેર વેટ.’ પાંખો ભીંજાઈ ગઈ હતી એટલે ફેરી પિંક ઊડી શકતી ન હતી. ફેરી પિંક પરી હતી. નદીને કિનારે રહેતી હતી. લાઇલેકનાં ફૂલો વચ્ચે ઊડતી હતી. એ ઊડતી હતી એટલે ફૂલો હાલતાં હતાં અને પંખુડીઓ પરથી શબનમ ઝરતું હતું. અને જ્યાંજ્યાં શબનમનું એકએક ટીપું ઝરતું હતું ત્યાં ત્યાંથી એકએક પતંગિયું પાંખ ફડફડાવીને ઊડી જતું હતું.

એણે નોટ બંધ કરી અને બૅગમાં મૂકી.

એણે કહેલું, ‘બેટા, વહેલી સૂઈ જા. કાલે વહેલાં ઊઠીને તૈયાર થવાનું છે.’

‘કેમ?’

‘કાલે વહેલાં ઊઠવાનું છે. પછી તું ઊઠીશ નહીં.’

‘ઊઠીશ. મને વાર્તા કહો.’

એણે વાર્તા બનાવવા માંડી, ‘એક બેબી હતી….’

‘મારા જેવી?’

‘હા, તારા જેવી, પણ એના વાળ તારા કરતાં લાંબા હતા.’

‘કેટલા લાંબા, ડેડી?’

‘બહુ લાંબા.’

‘એ ચશ્માં પહેરતી હતી?’

એ હસ્યો. પછી યાદ આવ્યું, મમ્મી ચશ્માં પહેરતી હતી એટલે અને એ ગમગીન થઈ ગયો. સંયત થયો. ફરી હસ્યો. ‘તને કેવી રીતે ખબર પડી ગઈ?’

‘મને ખબર નથી.’

‘અચ્છા, એ ચશ્માં પહેરતી હતી.’

‘આપણી મમ્મી પણ ચશ્માં પહેરે છે ને ?’ ‘હા, મમ્મી પણ ચશ્માં પહેરતી હતી. એ બેબીનાં ચશ્માં મમ્મી કરતાં નાનાં હતાં.’

‘એ જોઈ શકતી ન હતી?’

‘જોઈ શકતી હતી. બહુ નહીં.’

‘ચશ્માં પહેરે એટલે ન રડાય?’

‘રડાય.’

‘પછી?’

‘પછી એ બેબી એક વાદળ પર બેસી ગઈ. એ વાદળમાં બહુ પાણી હતું.’

‘બેબી ભીંજાઈ ગઈ?’

‘ના, બેટા. એ બેબી વાદળ પર બેસી ગઈ અને વાદળ આકાશમાં વહેતું હતું. અને એક નાનું લીલું પક્ષી બહુ થાકી ગયું હતું, ઊડી-ઊડીને. પાંખો ફફડાવતું-ફફડાવતું એ વાદળ પર બેસીને શ્વાસ ખાવા લાગ્યું, અને…’

‘એ રસ્તો ભૂલી ગયું હતું?’

‘હા, એ રસ્તો ભૂલી ગયું હતું.’

‘રાત પડી ગઈ?’

‘ના, રાત ન હતી, પણ અંધારું થઈ ગયું હતું, એટલે પક્ષી ગભરાતું હતું. બેબીની પાસે બેસી ગયું.’

‘એને ડર લાગતો હતો?’

‘ડર લાગે ને? આટલા મોટા આકાશમાં એકલું ઊડ્યા કરે તો ડર લાગે ને?’

‘લાગે.’

‘એટલે બેબીએ પક્ષીને પૂછ્યું, પક્ષી, તું ક્યાં રહે છે?’

‘પક્ષી, ક્યાં રહેતું હતું ?’

‘પક્ષીએ કહ્યું કે હું તો એક તારામાં રહું છું. એ તારો અહીંથી બહુ દૂરદૂર છે.’

‘કેટલો દૂર?’

‘ખૂબ દૂર. મામાનું ઘર છે ને, એટલો બધો દૂર.’

પક્ષી રડવા લાગ્યું.

‘ના. એ કહે, બેબી, હું રસ્તો ભૂલી ગયું છું. મને વાદળ પર બેસવા દઈશ ? બેબી કહે, હા જરૂર બેસવા દઈશ’. પછી પક્ષી બેઠું. અને વાદળ આગળ વહેવા લાગ્યું.

‘એ ઊંડી ઊડીને થાકી ગયું હતું?’

‘હા, બેટા. એ ખૂબ ઊડી ઊડીને થાકી ગયું હતું, એટલે વાદળ પર બેબીની સાથે બેસી ગયું.’

‘પછી?’

પછી ચશ્માંવાળી બેબીએ લીલા પક્ષીને પૂછ્યું, ‘પક્ષી, તને ગાતાં આવડે છે?’

પક્ષીએ કહ્યું, ‘મને તો ગાતાં આવડે જ ને!’

બેબીએ પૂછ્યું, ‘મને એક ગીત સંભળાવીશ?’

‘પક્ષીને ગીત ગાતાં આવડે, ડૅડી?’

‘આ પક્ષીને આવડતું હતું, બેટા. એણે ગાયું.’

‘બેબીને મજા પડી?’

‘ખૂબ મજા પડી. બેબી ખુશ થઈ ગઈ. ઊભી થઈ. ખૂબ નાચી. એ નાચી. એટલે વાદળું હાલ્યું. અને વાદળમાંથી વરસાદ પડવા લાગ્યો.’

‘તમે તો કેવી ફાઇન વાર્તા કરો છો, ડૅડી!’

‘તને ગમે છે?’

‘હા, મને બહુ ગમે છે. પછી શું થયું?’

‘ખૂબ વ૨સાદ પડ્યો, વાદળું ખાલી થઈ ગયું. વરસાદ નદી ઉપર પડ્યો અને પર્વતો ઉપર પડ્યો. જમીન ઉપર પડ્યો. ઝાડો પર પડ્યો. પાંદડાંઓ પર પડ્યો.’

‘ઝાડ ભીંજાઈ ગયાં?’

‘હા. એક ઝાડ હતું. એનાં પાંદડાં પીળાં પડી ગયાં હતાં. એમાં એક કેસરી કીડી રહેતી હતી.’

‘એ પણ ભીંજાઈ ગઈ?’

‘હા. કેસરી કીડી પીળા પાંદડા પર સૂતી હતી. હવા આવી એટલે પાંદડું તૂટવા લાગ્યું. કીડીની પાંખો ભીંજાઈ ગઈ. એ ઊડી શકી નહીં. પછી એ રડવા લાગી.’

‘કીડી કેમ રડવા લાગી?’

‘એની પાંખો ભીંજાઈ ગઈ ને, બેટા, એટલે. એ ઊડી શકે નહીં એટલે રડે.’

‘ડૅડી, ફેરી પિંકની પાંખો પણ ભીંજાઈ ગઈ હતી. એ પણ રડતી હતી.’

‘આ કીડી પણ ફેરી પીંકની જેમ રડવા લાગી. કહેવા લાગી, મારી પાંખો ભીંજાઈ ગઈ. હવે હું નહીં ઊડી શકું.’

‘બેબીએ એની પાંખો લૂછી નાંખી?’

‘ના. ત્યાં એક જાડો દેડકો બેઠો હતો. એનું ગળું હાલતું હતું અને આંખો બહાર નીકળી ગઈ હતી. કીડીની પાંખો ભીંજાઈ ગઈ ને એટલે એ હસવા લાગ્યો.’

‘પછી?’

‘પછી સૂરજ ચમક્યો. આકાશ ગરમ થયું. નદી ગરમ થઈ. પર્વતો ગરમ થયા. જમીન ગરમ થઈ એટલે કીડીની પાંખો પણ સુકાઈ ગઈ.’

‘કીડી ઊડી ગઈ?’

‘તડકો ખૂલ્યો એટલે કીડીની પાંખો સુકાઈ ગઈ અને દેડકાની આંખો ધૂપમાં બંધ થઈ ગઈ. કીડીની પાંખો તડકામાં ચકચક થવા લાગી. પછી કેસરી કીડી ઊડવા લાગી, લીલું પક્ષી ગાવા લાગ્યું, ચશ્માંવાળી બેબી નાચવા લાગી.’

‘કેવું ફાઈન, ડૅડી!’

‘પછી સામે એક મેઘધનુષ્ય ખૂલી ગયું.’

‘મેઘધનુષ્ય એટલે?’

‘વરસાદ પડે અને સૂરજ ચમકે એટલે આકાશમાં સાત હલકા-હલકા રંગોનો એક પુલ બની જાય. ઝૂમાં છે ને એવો. જાપાનીસ પુલ જેવો.’

‘પછી?’

કેસરી કીડી એને મેઘધનુષ્યના રંગીન પુલ ૫૨ જઈને રમવા લાગી. લીલું પક્ષી એ પુલ પર થઈને ઊડી ગયું. એ રહેતું હતું એ તારા તરફ ઊડી ગયું.’

‘અને બેબી, ડૅડી?’

‘બેબી પણ સૂઈ ગઈ. બેટા, ચાલ, હવે તું પણ સૂઈ જા.’

‘બેબી ક્યાં સૂઈ ગઈ?’

‘એના ડૅડી પાસે. વાર્તા પૂરી થઈ ગઈ.’

‘ચાલો, હવે સૂઈ જવાનું. ગુડ નાઇટ.’

‘ગુડ નાઇટ, ડૅડી!’

રેશમી રિબનો અને હેરપિનો એણે બેબીની બૅગમાં મૂકી. પેન્સિલથી હોમવર્ક કરેલી નોટ મુકાઈ ગઈ. કેસરી કીડી મેઘધનુષ્ય પર રમતી હતી. લીલું પક્ષી ઊડી ગયું હતું. તારાઓના દેશમાં ચશ્માંવાળી બેબી ચશ્માં અને રિબનો અને હેરપિનો કાઢીને ડૅડીને ગુડ નાઇટ કરીને સૂઈ ગઈ હતી. વાર્તા પૂરી થઈ ગઈ હતી.

બેબીને સવારની ફ્લાઇટથી મોકલી દેવાની હતી. એ એકલી જ જવાની હતી. અહીંથી બેસી જવાની હતી નવ વાગ્યે. સાડાબારે મદ્રાસ ઊતરી જવાની હતી. મદ્રાસ પર એની મમ્મી એને લેવા આવવાની હતી.

એનું વૅકેશન પણ પૂરું થવા આવ્યું હતું.

– અને એના ડૅડી સાથે રહી આવવાની કૉર્ટે આપેલી મુદત પણ.

(ચંદ્રકાંત બક્ષી)

રાશિ ભવિષ્ય 20/08/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામકરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.યોગ્ય છે.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન  કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, પ્રિયજન તરફથી સારી વાત જાણવા મળે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું.


આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર,  ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.

પંચાંગ 20/08/2023

છત્તીસગઢમાં રેવડી રાજકારણઃ કોંગ્રેસ સાથે વધુ એક રાજ્યમાં ખેલ?

રાયપુરઃ છત્તીસગઢ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ઊતરશે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે પાંચ મહિનામાં ત્રીજી વાત રાજ્યની મુલાકાત લીધી છે. દિલ્હી, પંજાબ પછી અરવિંદ કેજરીવાલે છત્તીસગઢની જનતાને કેટલીય ગેરન્ટીઓનું એલાન કર્યું છે. તેમણે ભાર દઈને કહ્યું છે કે જો તેમને એક વાર સેવા કરવાની તક મળશે તો જનતા બધી પાર્ટીઓને ભૂલી જશે.

કેજરીવાલે રાયપુરમાં એક જનસભા સંબોધિત કરી હતી, જેમાં તેમણે કુલ 10 ગેરન્ટીઓનું એલાન કર્યું હતું.કેજરીવાલે 10 ગેરન્ટીઓમાં 300 યુનિટ સુધી મફત વીજ, સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર, દરેક જગ્યાએ મોહલ્લા ક્લિનિક, બેરોજગારોને રૂ. 3000નું ભથ્થું, વડીલોને મફત તીર્થ યાત્રા, 18 વર્ષથી વધુ વયની મહિલાઓને પ્રતિ મહિને રૂ. 1000 આપવાની વાત કરી હતી. હવે આ બધાં ચૂંટણી વચનો તેમણે પંજાબ અને ગુજરાતમાં પણ કરી હતી.

આમ આદમી પાર્ટીએ જે રાજ્યોમાં ઝડપથી વિસ્તાર કર્યો છે, ત્યાં કોંગ્રેસ વિરુદ્ધ ભાજપ વચ્ચે સીધી ટક્કર છે. વળી, આપ પાર્ટીએ ભાજપ કરતાં કોંગ્રેસનું વધુ નુકસાન કર્યું છે. આ રાજકીય નુકસાન એટલું મોટું છે કે કોંગ્રેસે દિલ્હી, પંજાબમાં સત્તા ગુમાવી છે. આપ પાર્ટીની અને કોંગ્રેસની મતબેન્કમાં સમાનતા છે. બેને પાર્ટીઓ મુસલમાનો અને ગરીબો અને બ્રાહ્મણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.હવે જેકોઈ રાજ્યોમાં આપ પાર્ટી ચૂંટણી મેદાનમાં ઊતરે છે, એનાથી ભાજપ કરતાં વધુ નુકસાન કોંગ્રેસને થાય છે. જોકે છત્તીસગઢમાં પાછલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઐતિહાસિક દેખાવ કર્યો હતો.

 

 

 

 

 

રાજકોટના 35 વકીલો બન્યા સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા

રાજકોટઃ રાજ્યમાં સાયબર છેતરપિંડીની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે, જેમાં દરરોજ કોઈ ને કોઈ રીતે નિર્દેોષ લોકો ભોગ બને છે ત્યારે આવી જ એક સાયબર છેતરપિંડીની ઘટના રાજકોટમાં બની છે જેમા 35 જેટલા વકીલો આ સાયબર છેતરપિંડીનો ભોગ બનતા રેવન્યુ બાર એસોસિએસન દ્વારા પોલીસને ફરિયાદ કરી હતી.

રાજકોટમાં દસ્તાવેજ નોંધણી કરનાર એક-બે નહીં, પણ 35 જેટલા વકીલોના બેંક ખાતામાંથી રૂપિયા ઊપડી જતાં રેવન્યુ બાર એસોસિએશન દ્વારા સાયબર ક્રાઇમ પોલસને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. છેલ્લા બે દિવસમાં કેટલાક વકીલોના ખાતામાંથી રૂ. 9990 જેટલી રકમ કપાઈ ગઈ હોવાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદ થતા સાયબર ક્રાઇમની પોલીસની ટીમે આ રુપિયા કેવી રીતે કપા તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

આ મામલે રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના સેક્રેટરી વિજય તોગડિયાએ જણાવ્યું હતું કે 35 જેટલા વકીલોના બેંક ખાતામાંથી રુપિયા કપાઈ ગયાની જાણ અમને કરવામાં આવી હતી જેના પગલે અમે સાયબર ક્રાઇમમાં અરજી આપી ફરિયાદ નોંધાવી હતી આ માટે ગુજરાત સરકાર અને રિઝર્વ બેંકમાં પણ જાણ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. આ મામલો ખૂબ જ ગંભીર હોવાથી ઝીણવટભરી તપાસ શરુ કરી દેવામાં આવી છે તેમ સાયબર ક્રાઈમના ACP વિશાલ રબારીએ કહ્યું હતું. સાયબર ક્રાઇમની ટીમ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે તપાસ કરી રહી છે.

રાજકોટમાં દરરોજ 80 જેટલી અરજીઓ સાયબર છેતરપિંડીની આવે છે. ગત વર્ષે 3500 જેટલી ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઇ હતી. જેમાં રૂ. 14.50 કરોડની છેતરપિંડી થઇ હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 2900 ફરિયાદ નોંધાઊ છે જેનો આંકડો 16.50 કરોડ સુધી પહોંચ્યો છે.

 

 

 

IPO 2023: આ શેરોએ આપ્યું નોંધપાત્ર વળતર

નવી દિલ્હીઃ વર્ષ 2023માં IPO માર્કેટમાં જોરદાર હલચલ રહી છે. જુલાઈંમાં પ્રાઇમરી માર્કેટમાં તેજી રહી હતી. રોકાણકારોના જબરદસ્ત ઉત્સાહ અને ધમાકેદાર લિસ્ટિંગથી પ્રાઇમરી માર્કેટ હાલના દિવસોમાં નોંધપાત્ર દેકાવ કરી રહ્યું છે. સેકન્ડરી માર્કેટની તેજીનો લાભ પ્રાઇમરી માર્કેટને ફળ્યો છે.

આ વર્ષે કુલ 18 કંપનીઓના શેરો અત્યાર સુધી મેનબોર્ડ પર લિસ્ટ થઈ ચૂક્યા છે, જેમાંથી પાંચમાં લિસ્ટિંગના દિવસે બ્લોકબસ્ટર વળતર આપ્યું છે. એમાંથી રોકાણકારોને 50 ટકાથી 93 ટકા સુધીનું રિટર્ન મળ્યું છે. જ્યારે લિસ્ટિંગ ના દિવસે ઇન્ટ્રા-ડેમાં એક શેરે 100 ટકા વળતર આપ્યું છે. જ્યારે બે કંપનીઓએ IPOમાં નકારાત્મક વળતર આપ્યું છે. કુલ 18 શેરોમાંથી 16 શેરોએ લિસ્ટિંગના દિવસે પ્રોત્સાહક વળતર આપ્યું છે.

આઇડિયા-ફોર્જ ટેક્નોલોજીએ લિસ્ટિંગ ડેએ ઇશ્યુ પ્રાઇઝ રૂ. 672ની તુલનાએ રૂ. 1295.5 ટકા બંધ થયો હતો એટલે કે 93 ટકા વળતર આપ્યું છે. આ સાથે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કે ઇશ્યુ પ્રાઇઝ રૂ. 25ની સામે 92 ટકા વધીને રૂ. 47.94એ બંધ આવ્યો હતો. આ સાથે નેટવેબ ટેક્નોએ 82 ટકા, SBFC ફાઇનાન્સે 62 ટકા, સાયન્ટ DLMએ 59 ટકા, આઇકિઓએ 42 ટકા, મેનકાઇન્ડ ફાર્માએ 32 ટકા, સાહ પોલિમર્સે 37 ટકા, સેન્કોએ 28 ટકા વળતર લિસ્ટિંગ ડેએ આપ્યું હતું. આમ આ વર્ષે રોકાણકારોને પ્રાઇમરી માર્કેટમાં કંપનીઓના IPOએ સારુંએવું વળતર આપ્યું છે.

 

 

 

 

 

કેજરીવાલે કોંગ્રેસ સહિત I-N-D-I-Aને આપ્યું નવું ટેન્શન

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણી આડે હવે થોડા મહિનાઓ રહ્યા છે ત્યારે આ ચૂંટણી માટે વિપક્ષ ગઠબંધન I-N-D-I-A એક થઈ ગયું છે, જેમાં આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસની સાથે હાથ મિલાવ્યા છે. જો કે આ વચ્ચે ગઠબંધનમાં તકરાર સામે આવી રહી છે. દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લેનાર AAP દ્વારા રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં તમામ 200 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. વળી, પાર્ટી ટૂંક સમયમાં ઉમેદવારોનું એલાન પણ કરે એવી શક્યતા છે. આ નવા રાજકીય દાવથી કોંગ્રેસ સહિત I-N-D-I-Aના ગઠબંધન પર વિપરીત અસર પડશે.  

દેશમાં આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ગઠબંધન માટે લિટમસ ટેસ્ટ સાબિત થશે. આ માટે તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે વિરોધ પક્ષોએ ગઠબંધન INDIA લોકસભા ચૂંટણી માટે એકમેક સાથે હાથ મિલાવ્યા છે. જોકે આ ગઠબંધનમાં હવે ભંગાણ પડવાની શક્યતા છે. આ સાથે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પક્ષો વચ્ચે ટક્કર પણ થશે.

AAP રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ નવીન પાલીવાલે ગઈ કાલે કહ્યું હતું કે તેમની પાર્ટી 200 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડવાની છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે 22 ઓગસ્ટે રાષ્ટ્રીય સંગઠન મંત્રી સંદીપ પાઠકે દિલ્હીમાં બેઠક બોલાવી છે. ઉમેદવારોની પસંદગી કર્યા બાદ આ યાદી રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને સોંપવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે 25 ઓગસ્ટ સુધીમાં ‘આપ’ની પ્રથમ યાદી બહાર પાડવામાં આવશે.

કોંગ્રેસ અને AAP 26 પક્ષોના ગઠબંધન ‘I-N-D-I-A’માં સામેલ છે. પટના અને બેંગલુરુમાં યોજાયેલી બેઠકોમાં બંને પક્ષો એક મંચ પર આવી ચૂક્યા છે. જોકે મુંબઈમાં યોજાનારી ત્રીજી બેઠક પહેલાં બંને પક્ષો વચ્ચે ટક્કરનાં એંધાણ છે.

 

 

 

 

 

વિશ્વ ફોટોગ્રાફી દિવસ – ભારતના પ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ ‘હોમાય વ્યારાવાલા’

ફોટોગ્રાફીનો ઈતિહાસ ખૂબ જ જૂનો છે. વર્ષ 1837માં ફ્રાંસમાં ફોટોગ્રાફી દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી. ત્યારથી 19 ઓગસ્ટના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ ઊજવવામાં આવે છે. ગ્રીક શબ્દમાંથી આવેલ ફોટો અને ગ્રાફોસ પરથી બનેલ ફોટોગ્રાફી શબ્દ એક કલાને રજુ કરતું સબળ તેમજ આજનું ખુબ લોકપ્રિય માધ્યમ છે. વિશ્વનો પ્રથમ કેમેરો કેમેરા ઓબ્સ્ક્યુરા હતો. વૈજ્ઞાનિક લુઈસ ડાઉગર દ્વારા ફોટોને કેપ્ચર કરવાની પ્રથમ પ્રક્રિયાની શોધની યાદમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીની શરૂઆત થઈ હતી. સમય સાથે ફોટોગ્રાફીમાં પરિવર્તન આવ્યું અને ફિલ્મ સાથે ફોટોગ્રાફી સંકળાયા બાદ બ્લેક અને વ્હાઇટથી કલરમાં ફોટોગ્રાફીનું પરિવર્તન થયું. કેમેરામાં રંગોની મર્યાદાઓ, ખર્ચાળ અને સમય માગી લેતી પધ્ધતિ સામે ઝીંક ઝીલવા કોડોક, લીએકા, કાઈન એક્સકાંટા, નિકોન, ઓલમ્પસ, મીનોલ્ટા વગેરે જેવી અનેક કંપનીઓએ નાના અને હેન્ડી કેમેરા બનાવી લોકોને ફોટોગ્રાફી પ્રત્યે આકર્ષિત કર્યા. ત્યાર બાદ આવેલા ડિજિટલ કેમેરાએ “ડિજિટલ ફોટોગ્રાફીનો” નવો યુગ શરૂ કર્યો, જે મોબાઈલ ફોનમાં પણ જોડાવા લાગ્યા અને ત્યારથી કેમેરો જાણે દરેક વ્યક્તિ પાસે હાથવગો અને જીવનનો મહત્વનો હિસ્સો બન્યો.

સોશિયલ મીડિયાને લીધે ફોટાગ્રાફી જીવનનું અભિન્ન અંગ બની ગયું

રોજિંદા જીવનમાં બનતી ઘટનાને કેમેરામાં કંડારી ફોટોગ્રાફરના એંગલ, કેમેરાના લેન્સ, ઘટનાનું મહત્વ, શટર, સ્પીડ, ફ્રેમ રેટ, જેવી અનેક નાની પણ કેમેરાની ખૂબ મહત્વની બાબતોને ટેક્નોલોજી સાથે ક્લિક કરી માહિતીને જોડે છે. ફોટોગ્રાફર તેમજ મેન્ટર તરીકે કાર્યરત કેયુર પ્રદીપભાઈ ભટ્ટ જણાવે છે કે ‘‘વિશ્વ ફોટોગ્રાફી દિવસ’’ નિમિત્તે ફોટોગ્રાફીના અનેક એક્ઝિબિશનને લીધે સામાન્ય માણસો ફોટા અને ફોટોગ્રાફરનું સમજતા થયા છે. સોશિયલ મીડિયાને લીધે ફોટાગ્રાફી જીવનનું અભિન્ન અંગ બની ગયું છે, ત્યારે ફોટોગ્રાફી લોકોની સંવેદનાઓને સીધી રીતે સ્પર્શે છે, અને એક ફોટો ૧૦૦૦ શબ્દોની ગરજ સારે છે.

ભારતના પહેલા મહિલા તસવીરકાર હોમાય વ્યારાવાલા

ભારતના પહેલા મહિલા તસવીરકાર હોમાય વ્યારાવાલાનો જન્મ નવસારીમાં એક મધ્યમવર્ગીય પારસી પરિવારમાં થયો હતો. પિતા નાટક મંડળી સાથે જોડાયેલા હતા. જેના પગલે તેમની સાથે અનેક સ્થાનોએ હરવા ફરવાનું થતું હતુ. પરિણામે તેમણે અભ્યાસ પણ અનેક જગ્યાએ કરવો પડ્યો. આખરે પિતા મુંબઈમાં સ્થાયી થતા ત્યાંની જે.જે. સ્કૂલ ઓફ આર્ટમાં ડિપ્લોમા થયા. પતિ અને મિત્રો પાસેથી તસવીરકળા શીખ્યા. 1938થી સામયિકમાં તસવીરકાર તરીકે કારકિર્દી શરૂ કરી. 1942માં તેઓ બ્રિટીશ માહિતી ખાતામાં જોડાયા તે પછી તેમની કળાની કદર રાષ્ટ્રીય કક્ષાએ થવા માંડી હતી. હોમાય વ્યારાવાલાને 2010માં માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી લાઈફ એચિવમેન્ટ અને 2011માં ભારતનું બીજા નંબરનું નાગરિક સન્માન પદ્મવિભુષણ એનાયત થયો હતો. ભારતમાં ફોટોગ્રાફીના ક્ષેત્રે સીમાસ્તંભરૂપે મહિલા ફોટો જર્નાલિસ્ટ હોમાય વ્યારાવાલાનું 15મી જાન્યુઆરી 2012એ 98 વર્ષની વયે વડોદરામાં અવસાન થયું હતું.

મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બર સુધી CM બદલાઈ જશે?

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં બધું સમુંસૂતરું નથી ચાલી રહ્યું. રાજ્યમાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે રાજ્યના રાજકારણમાં જે કંઈ ચાલી રહ્યું છે, એ યોગ્ય નથી. તેમણે દાવો કર્યો હતો કે આ સરકાર વધુ સમય સુધી નહીં ચાલે.

નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતાં કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે રાજ્યમાં મુખ્ય પ્રધાનની ખુરશી જોખમમાં છે. હું કહી શકું છું કે સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના CM બદલાઈ જશે. ભાજપ, મુખ્ય મંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળા NCP જૂથ રાજ્ય સરકારમાં સત્તારૂઢ ભાગીદાર છે. અજિત પવાર પાછલા મહિને શરદ પવાર દ્વારા સ્થાપિત NCPથી અલગ થયા હતા અને સરકારમાં સામેલ થઈ ગયા છે.

પાછલા મહિને સત્તારૂઢ પક્ષની સાથે હાથ મિલાવ્યા પછી અજિત પવાર બીજા ડેપ્યુટી CM બન્યા હતા, જ્યારે તેમની પાર્ટીના આઠ સહયોગીઓએ મંત્રીપદના શપથ લીધા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ પણ ડેપ્યુટી CM છે.

જૂન, 2022માં શિંદે દ્વારા વિદ્રોહ કરીને શિવસેનાને વિભાજિત કરીને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ આઘાડી સરકાર પડી ગઈ હતી. ત્યાર બાદ શિંદેએ ટોચના પદ પર કબજો જમાવવા માટે ભાજપની સાથે ગઠબંધન કરી લીધું હતું.

 

 

 

 

 

‘ગદર 2’એ આઠ દિવસમાં રૂ. 300 કરોડથી વધુની કમાણી કરી

નવી દિલ્હીઃ અનિલ શર્મા ડિરેક્ટેડ ફિલ્મ ‘ગદર 2’ દેશમાં રૂ. 300 કરોડની ક્લબમાં સામેલ થઈ ચૂકી છે. આ ફિલ્મે રિલીઝના બીજા શુક્રવારે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર આશરે રૂ. 20 કરોડની કમાણી કરી છે. સની દેઓલની ‘ગદર 2’ અક્ષયકુમારની ‘OMG 2’ની સાથે 11 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થઈ હતી, પણ બીજી ફિલ્મને પછાડતાં ‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર કબજો જમાવ્યો છે.

એક અહેવાલ મુજબ આ ફિલ્મ આઠમા દિને દેશમાં કુલ રૂ. 19.50 કરોડનો બિઝનેસ કર્યો હતો. પહેલા સપ્તાહે ‘ગદર 2’એ રૂ. 284.63 કરોડનો બિઝનેસ કર્યો હતો અને હવે અત્યાર સુધી આ ફિલ્મે રૂ. 304.13 કરોડની કમાણી કરી છે.

‘ગદર 2’ હિન્દી નેટ ફિલ્મમાં 300 કરોડની કમાણી કરનાર 12મી ફિલ્મ છે. વર્લ્ડવાઇડ કમાણી વિશે વાત કરવામાં આવે તો ‘ગદર-2’ એ વિશ્વભરમાં રૂ. 369 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ ઓસ્ટ્રેલિયા, જર્મની, યુએસએ અને યુકે જેવા દેશોમાં સારી કમાણી કરી રહી છે. જ્યારે ફિલ્મનું બજેટ માત્ર 80 કરોડ છે.

 બ્લોકબસ્ટર સાબિત થયેલી આ ફિલ્મમાં સની દેઓલ અને અમિષા પટેલ મુખ્ય ભૂમિકામાં છે. ‘ગદર ર’ની ટીમે ફિલ્મને મળેલી સફળતા વિશે ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો.‘ગદર-2’ આ વર્ષની બીજી સૌથી મોટી હિન્દી ફિલ્મ બની ગઈ છે. હવે માત્ર શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાન’ (543.05 કરોડ) તેનાથી આગળ છે. આ વર્ષે ‘ધ કેરલ સ્ટોરી’ જેવી નાના બજેટની ફિલ્મે સારો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે રૂ. 238 કરોડના કલેક્શન સાથે બીજા નંબર પર રહી હતી.