નવી દિલ્હીઃ મશહૂર ટેનિસ પ્લેયર સેરેના વિલિયમ્સ બીજી વાર માતા બની છે. તેણે 22 ઓગસ્ટે પુત્રીને જન્મ આપ્યો છે, જેના ફોટો સેરેનાએ સોશિયલ મિડિયા પર શેર કર્યા છે, જેમાં સેરેના પતિ એલેક્સિસ ઓહાનિયન અને બંને પુત્રીની સાથે નજરે ચઢે છે. તેની પુત્રીઓના ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ પંસદ કરવામાં આવી રહ્યા છે.
સેરેનાએ સોશિયલ મિડિયા પર પુત્રીનો ફોટો શેર કરતાં જણાવ્યું હતું કે તેમણે ઘરમાં આવેલા નવા મહેમાનનું નામ અદિરા રિવર રાખ્યું છે. સેરેનાના પતિએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતાં જણાવ્યું હતું કે હું તમને માહિતી આપું છું કે હાલના સમયે ઘરમાં બહુબધો પ્રેમ છે. એક સ્વસ્થ પુત્રીનું આગમન થયું છે, જે મારા જીવનનો અતુલ્ય ઉપહાર છે. તેમણે એ માટે આરોગ્ય કર્મચારીઓને પણ શુભેચ્છા પાઠવી હતી. આ યુગલને પહેલાં પણ એક પુત્રી છે, જેનું નામ ઓલમ્પિયા ઓહાનિયન છે.સેરેના વિલિયમ્સ 41 વર્ષની થઈ ચૂકી છે.. તે ટેનિસજગતની સૌથી મોટી હસ્તી છે. સેરેનાએ અત્યાર સુધી ચાર ઓલિમ્પિક ગોલ્ડ અને 23 સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ એવોર્ડ જીત્યા છે.
Serena Williams and Alexis Ohanian welcome their second child, a girl named Adira River. ❤️
સેરેનાએ અને એલેક્સિસે નવેમ્બર, 2017માં લગ્ન કર્યાં હતાં. એલેક્સિસ ઓહાનિયન રેડિટના સહસંસ્થાપક છે, જેમણે 2016માં સેરેનાને પ્રપોઝ કર્યું હતું.. ત્યાર બાદ બંને જણે મેરેજ કર્યાં હતાં. સેરેનાએ છેલ્લી ટુર્નામેન્ટ વર્ષ 2022માં રમી હતી, જે અમેરિકી ઓપન હતી અને તેમાં તે ત્રીજા તબક્કામાં પહોંચી હતી.
નવી દિલ્હીઃ શું તહેવારોમાં ચા, મીઠાઈઓ કડવી બનશે? ટામેટાં, ડુંગળી પછી શું હવે સુગર મોંઘી થવાની છે? સરકાર ઓક્ટોબરથી શરૂ થતી આગામી સીઝનમાં મિલો પર સુગરની નિકાસનો પ્રતિબંધ મૂકે એવી શક્યતા છે, કેમ કે દેશમાં પડેલા અનિયમિત વરસાદને કારણે અને ઓછા વરસાદને કારણે શેરડીની ઊપજમાં ઘટાડો થયો છે. જો સરકાર નિકાસ પર પ્રતિબંધ મૂકે તો સુગરની કિંમતોને વધતી અટકાવી શકાય. જોકે નિકાસ પર પ્રતિબંધથી ન્યુ યોર્ક અને લંડનમાં બેન્ચમાર્કેની કિંમતો વધે એવી શક્યતા છે. જે પહેલેથી જ મહત્તમ સ્તરે ટ્રેડ કરી રહી છે. જેથી વૈશ્વિક ફૂડ માર્કેટમાં મોંઘવારી વધવાની આશંકા છે.
સરકાર સાત વર્ષમાં સૌપ્રથમ વાર સુગરની નિકાસ પર પ્રતિબંધ મૂકવા ધારે છે, જેથી બજારમાં પર્યાપ્ત પુરવઠો અને કિંમતો સ્થિર રાખવાની સરકારની યોજના છે.
આગામી સીઝન માટે નિકાસ ક્વોટાની ફાળવણી માટે પર્યાપ્ત સુગર નહીં હોય, આવામાં નિકાસ પર પ્રતિબંધ કરવાની સરકારની યોજના છે. જો આવું થશે તો સાત વર્ષમાં આ પહેલી વાર થશે. સરકારે મિલોને ચાલુ સીઝનમાં 30 સપ્ટેમ્બર સુધી માત્ર 6.1 મિલિયન ટન સુગર નિકાસ કરવાની મંજૂરી આપી છે, જ્યારે પાછલી સીઝનમાં આ મિલોને 11.1 મિલિયન ટન સુગર નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પહેલાં ભારતે સુગરના વિદેશમાં વેચાણ પર નિયંત્રણો લગાવવા માટે નિકાસ પર 20 ટકા ટેક્સ લગાવ્યો હતો.
અહેવાલ અનુસાર દેશનું કુલ સુગર ઉત્પાદન અડધાથી વધુ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકનાં જિલ્લોમાં થાય છે. હવામાન વિભાગ અનુસાર બંને રાજ્યોમાં શેરડી ઉત્પાદક જિલ્લાઓમાં વરસાદ અત્યાર સુધી સરેરાશથી 50 ટકા ઓછો રહ્યો છે. ઓછા વરસાદને કારણે વર્ષ 2023.24ની સીઝનમાં સુગર ઉત્પાદનમાં કાપ થશે અને વર્ષ 2024-25ની સીઝનમાં પણ વાવણી ઘટવાનો અંદાજ છે. જેથી વર્ષ 2023-24 સીઝનમાં દેશમાં સુગરનું ઉત્પાદન 3.3 ટકા ઘટીને 31.7 મિલિયન ટન થવાની શક્યતા છે.
નવી દિલ્હીઃ સ્વદેશમાં નિર્મિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) LSP-7 તેજસે બુધવારે ગોવાના કિનારે હવાથી હવામાં મારક અસ્ત્ર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આશરે 20,000 ફૂટની ઊંચાઈએ વિમાનથી મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું., એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ પરીક્ષણ સંબંધિત બધા ઉદ્દેશોને પૂરા કરવામાં આવ્યા હતા. આ એક સટિક લોન્ચ હતું.
આ વિમાનની નિગરાની તેજસ ટ્વીન સીટર વિમાનથી કરવામાં આવી હતી. અસ્ત્ર- એક અત્યાધુનિક BVR હવાથી હવામાં માર કરતી મિસાઇલ છે, જે અત્યાધુનિક સુપરસોનિક હવામાંના લક્ષ્યોને ભેદવાના અને નષ્ટ કરવામાં સક્ષમ છે. આ પરીક્ષણની નિગરાની એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA), ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (DRDO), હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL)ના અધિકારીઓ અને સેન્ટર ફોર મિલિટરી એરવર્થીનેસ અને સર્ટિફિકેશન (CEMILAC) અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ એરોનોટિકલ ક્વોલિટી એસ્યોરન્સ (DG-AQA)ના ડિરેક્ટર જનરલે કરી હતી.
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે તેજસ LCAથી મિસાઇલના સફળ પરીક્ષણ માટે ADA, DRDO, CEMILAC, DG AQAને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે આ મિસાઇલથી તેજસની યુદ્ધક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે ને આયાતીત હથિયારો પરની નિર્ભરતામાં ઘટાડો થશે. તેજસ એક એન્જિનવાળું બહુઉદ્દેશીય લડાકુ વિમાન છે, જે ઊંચા જોખમવાળા વાયુ ક્ષેત્રમાં કામ કરવામાં સક્ષમ છે. એને વાય, સંરક્ષણ અને સમુદ્રમાં થયા હુમલાની ભૂમિકા નિભાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
એરફોર્સે કહ્યું હતું કે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) એમકે 1Aની આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય અભ્યાસોમાં ભાગીદારી સિવાય મહત્ત્વના મોરચે તહેનાતમાં વધારો કરવામાં આવશે.
બેંગલુરુઃ એશિયા કપ-2023 ક્રિકેટ સ્પર્ધા શરૂ થવાને થોડાક જ દિવસ બાકી રહ્યા છે. તે પૂર્વે ભારતના ખેલાડીઓની ફિટનેસ અને સુસજ્જતાની ટેસ્ટ લેવામાં આવી રહી છે. સ્પર્ધા માટે પસંદ કરાયેલા ખેલાડીઓ માટે હાલમાં જ યો-યો ટેસ્ટ કરવામાં આવી હતી. તેમાં સ્ટાર બેટર અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને સૌથી ઉત્તમ માર્ક્સ મળ્યા છે.
કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકીને આ વિશે જાણકારી આપી છે. યો-યો ટેસ્ટમાં પોતે 17.2 માર્ક્સ સાથે પાસ થયો છે. આ ટેસ્ટ પાસ થવા માટે ખેલાડીઓએ ઓછામાં ઓછા 17.1 પોઈન્ટ્સ સ્કોર કરવા જરૂરી હોય છે. કોહલીએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, યો-યો ટેસ્ટ 17.2 પોઈન્ટ્સ સાથે પાસ કરવામાં એને ખૂબ આનંદ થયો છે.
બીસીસીઆઈના ઉપક્રમે આ યો-યો સ્પર્ધા બેંગલુરુમાં ચાલી રહી છે.
નવી દિલ્હીઃ ભારતીય કુશ્તી ખેલાડીઓ માટે એક માઠા સમાચાર છે. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે રેસલિંગ (UWW) ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)નું સભ્યપદ રદ કરી દીધું છે. UWWએ 30 મેએ WFIને પત્ર લખીને આગામી 45 દિવસ એટલે કે 15 જુલાઈ સુધી રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ચૂંટણી માટે જણાવ્યું હતું. એ સાથે ચેતવણી પણ આપી હતી કે જો 15 જુલાઈ સુધી ચૂંટણી નહીં થયા તો UWWનું સભ્યપદ રદ થઈ જશે.
WFIની ચૂંટણી 11 જુલાઈએ થવાની હતી., પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાના અધિકાર આપવાની વિનંતી કરતા આસામ કુશ્તી સંઘની અરજી પછી ગૌહાટી હાઇકોર્ટે એના પર સ્ટે ઓર્ડ આપ્યો હતો. ત્યાર બાદ ગયા મહિને સુપ્રીમ કોર્ટે WFIની ચૂંટણી પર ગૌહાટી હાઇકોર્ટના સ્ટે ઓર્ડરને દૂર કતાં સંબંધિત ચૂંટણીનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો.
UWWએ આ નિર્ણય ભારતીય ફેડરેશનની ચૂંટણી ન થવાને કારણે લીધો છે. ભારતીય રેસલિંગ ફેડરેશનની ચૂંટણી જૂનમાં આયોજિત થવાની હતી, પણ અત્યાર સુધી એ થઈ નથી શકી. રેસલિંગ ફેડરેશનનું સભ્યપદ રદ થવાનો અર્થ એ છે કે ભારતીય ખેલાડીઓ ભારતના ઝંડા હેઠળ નહીં ભાગ લઈ શકે. ભારતીય પહેલવાનો હવે બ્રેલગ્રેડમાં થનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તિરંગા હેઠળ નહી પણ UWWના ઝંડા હેઠળ ભાગ લેશે. એ સાથે રેસલર અહીં પેરિસ ઓલિમ્પિકનો ક્વોટા હાંસલ કરશે અને એને NOC ક્વોટી માનવામાં આવશે.
UWW દ્વારા આ કાર્યવાહી WFI તરફથી અત્યાર સુધી જરૂરી ચૂંટણીમાં નિષ્ફળતાને કારણે થઈ છે.
મુંબઈ: ‘આનંદ’ અને ‘કોરા કાગઝ’ સહિત અનેક ફિલ્મોમાં ભજવેલી ભૂમિકા માટે જાણીતાં પીઢ અભિનેત્રી સીમા દેવનું ઘડપણ સંબંધિત બીમારીઓને કારણે આજે સવારે અહીં બાન્દ્રા ઉપનગરમાં એમનાં નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ 81 વર્ષનાં હતાં. એમનાં ફિલ્મ નિર્માતા પુત્ર અભિનય દેવ તરફથી આ સમાચાર રિલીઝ કરવામાં આવ્યા છે. સીમા દેવે 80થી વધારે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
સીમા દેવનાં અંતિમ સંસ્કાર આજે સાંજે પાંચ વાગ્યે દાદરના શિવાજી પાર્ક સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે.
સીમા દેવનાં અભિનેતા પતિ રમેશ દેવનું ગયા વર્ષે નિધન થયું હતું. તેઓ 93 વર્ષના હતા. એમણે પણ અનેક હિન્દી તથા મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. દંપતીના પરિવારમાં બે પુત્ર – અજિંક્ય અને અભિનય દેવ છે.
સાચું હાસ્ય એ સાચી પ્રાર્થના છે. જ્યારે તમે હસો છો ત્યારે સમગ્ર કુદરત તમારી સાથે હસે છે તેના પડઘા પડે છે અને ફરીથી સંભાળાયા કરે એમાં તો જીવનની ખરી યથાર્થતા છે. જ્યારે બધું બરોબર હોય ત્યારે દરેક વ્યક્તિ હસી શકે છે પરંતુ જ્યારે મુસીબતો આવી પડી હોય એવા સમયે જો તમે હસી શકો છો તો તે સાચી ઉત્ક્રાંતિ અને વિકાસ છે. જીવનમાં તમારા હાસ્ય કરતાં વધારે કિંમતી કંઈ નથી. ગમે તે થાય તો પણ એને કશા માટે છોડવો નહીં.
ઘટનાઓ આવે અને જાય છે, કેટલીક થોડી સારી હોય, કેટલીક દુખદ હોય પરંતુ તેઓ તમને સ્પર્શતી નથી. તમારામાં ઊંડાણે કંઈક એવું છે જેને આ કંઈ સ્પર્શતું નથી, એ જે છે તેને પકડો. તો તમે હંમેશા હસતા રહી શકશો. હાસ્યમાં પણ ફેર હોય છે. ક્યારેક તમે વિચારોની પ્રક્રિયાને ટાળવા કે પોતાની જાતને નિહાળવાનું ટાળવા હસો છો. જ્યારે તમે પોતાની અંદર જુઓ છો અને અનુભવ કરો છો કે દરેક ક્ષણે જીવન છે, દરેક ક્ષણે એટલું તો પ્રગાઢ છે અને અજેય પણ, તો કોઈ બાબત તમને પરેશાન નહીં કરી શકે. તમને કશું સ્પર્શી નહીં શકે ત્યારે હાસ્ય એકદમ સાચું હોય છે તે ખરેખરું હાસ્ય હોય છે. તમે છ મહિના કે એક વર્ષના બાળકોનું અવલોકન કર્યું? તેઓ જ્યારે હસે છે ત્યારે તેમનું આખું શરીર ઉછળે અને કુદે છે. હાસ્ય માત્ર તેમના મોંમાંથી નથી નીકળતું. શરીરનો દરેક કોશ હસી રહ્યો હોય છે તે હાસ્ય નિર્દોષ, શુધ્ધ,કોઈ પ્રતિબંધ વગરનું અને કોઈ તનાવ વગરનું હોય છે.
હાસ્ય આપણને ખીલવે છે, હ્રદયને ખીલવે છે. ક્યારેક આપણને એ નિર્દોષપણું અનુભવાતું નથી ત્યારે આપણે શું કરીએ છીએ?તમે પ્રશ્ન પૂછો છો કે -“મને પેલું નિર્દોષપણું કે મુક્તિ નથી લાગતી. મારે શું કરવું જોઈએ?” ત્યારે તમારે તમારા પોતાના અસ્તિત્વના ઘણા સ્તરોને સંભાળવા જોઈએ.
પહેલું, શરીર-જુઓ કે તમને બરોબર આરામ, વ્યવસ્થિત આહાર અને થોડી કસરત મળી રહે. પછી શ્વાસ પર ધ્યાન આપો. શ્વાસની પોતાની લય હોય છે. મનની દરેક અવસ્થા પ્રમાણે શ્વાસની એક ચોક્કસ લય હોય છે. શ્વાસની લય ઉપર ધ્યાન આપીને મન અને શરીરને બહેતર બનાવી શકાય છે. મનમાં ભમતા વિચારો અને અભિપ્રાયો જોવા. સારું, ખરાબ, સાચું, ખોટું, કરવું જોઈએ, ના કરવું જોઈએ, આ બધા તમને બંધનમાં નાંખી શકે છે. દરેક વિચાર કોઈ ને કોઈ સંવેદના સાથે, લાગણી સાથે જોડાયેલો હોય છે. શરીરમાં થતી સંવેદના અને લાગણીનું અવલોકન કરો. લાગણીઓની લયનું અવલોકન કરો-તમે જોશો તો જણાશે કે આપણે ક્યારેય નવી ભૂલો કરતા નથી.
તમારી લાગણીઓની ઢબ એ જ હોય છે પરંતુ તમે જુદા જુદા કારણો, બાબતો, લોકો, સંજોગો અને પરિસ્થિતિઓને લીધે તે ઢબને પકડતા હોવ છો. લાગણીઓની એ લય પર ધ્યાન આપો. વિચારોને વિચારો તરીકે, લાગણીઓને લાગણીઓ તરીકે જોવાથી આપણને આપણું સાચું સ્વરૂપ, આપણામાંની ઈશ્વરતા દેખાય છે. માત્ર અવલોકન કરવાથી દ્રષ્ટિકોણ બદલાય છે. જ્યારે તમે અવલોકન કરો છો ત્યારે જે બધું નકારાત્મક છે તે નીકળી જાય છે. સકારાત્મક લાગણીઓનો સ્વભાવ છે-તે વિકસતી રહે છે. જ્યારે તમે ગુસ્સામાં હોવ ત્યારે જો અવલોકન કરશો તો ગુસ્સો જતો રહેશે. તમે જો એવું અવલોકન કરશો કે પ્રેમ છે કે નહીં તો પ્રેમ વિકસે છે.
એ જ શ્રેષ્ઠ અને એક માત્ર રસ્તો છે.અવલોકન કરો કે વિચારો આવે છે અને જતા રહે છે.નકારાત્મક વિચાર તનાવને લીધે આવે છે. જો તમને પુષ્કળ તનાવમાં મુકવામાં આવે તો એ દિવસે કે બીજે દિવસે તમને નકારાત્મક વિચારો આવશે અને તમે હતાશ થશો. જે વિચારો ઉત્પન્ન થઈ જ ગયા છે અને કોઈ કામના નથી, તેમને લઈને કંઈ કરવાનો પ્રયત્ન કરવા કરતાં જે સ્રોતમાંથી તે ઉદભવે છે તેના પર ધ્યાન આપો. જો સ્રોત શુધ્ધ હોય તો માત્ર સકારાત્મક વિચારો આવે છે. અને જો નકારાત્મક વિચારો આવે તો તમે તેમનું અવલોકન કરો.એમાં શું થઈ ગયું! તે આવે છે અને થોડી જ વારમાં અદ્રશ્ય થઈ જાય છે. આપણે બાબતોને જેવી છે તેવી જોતા થવું જોઈએ, તટસ્થ રીતે અથવા અહેતુલક્ષી બનીને. જીવનમાં એ આવશ્યક છે,જીવન અંદરથી ખીલે છે અને સાચું હાસ્ય ખીલવા દે છે.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
રાવલકોટઃ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના રાવલકોટમાં હજ્જારો લોકો એકઠા થયા હતા અને તેમણે વીજ બિલ સળગાવીને દેખાવો કર્યા હતા. આ દેખાવકારોએ PoK સરકારના નોટિફિકેશનને નજરઅંદાજ કર્યું હતું. આ દેખાવકારોએ મોંઘવારી સામે –ખાસ કરીને ઘઉંના લોટની અછત અને વધતી કિંમતો અને વધુપડતાં વીજ બિલો તેમ જ અન્ય મુદ્દાઓ મુદ્દે દેખાવો કર્યા હતા. જોકે આ દેખાવકારો છેલ્લા 150 દિવસોથી દેખાવો કરી રહ્યા છે. જોકે પોલીસે આ દેખાવકારો પર ફાયરિંગ કર્યું હતું, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.
સરકારે વીજ બિલો પરનો વધારો સોમવારે હાલપૂરતો ટાળી દીધો હતો અને જે વપરાશકર્તાઓએ આ વધારો ચૂકવ્યો હતો એને આગામી બિલ સામે એડજસ્ટ કરવાના નિર્દેશ આપ્યા હતા. સરકારે ચાર કેબિનેટ સભ્યો સહિત સાત સમિતિની રચના કરી હતી, જે જનતા મુદ્દા પરત્વે સમાધાન કરશે અને એ માટે નિવેડો લાવવા માટે ભલામણો કરશે.
જોકે ગુસ્સે ભરાયેલા દેખાવકારોએ સરકાર દ્વારા અપાતી ‘લોલીપોપ’ને ફગાવી દીધી હતી અને જ્યાં સુધી ટેક્સને પરત નહીં ખેંચવામાં આવે, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. ગિલગિટ-બાલિસ્તાન સહિત રાવલકોટના જનઆંદોલનમાં ભાગ લેનારા દેખાવકારોએ આશરે 7000 વીજ બિલોને આગ ચાંપી હતી અને તેમણે મોંઘવારી સામે સવિનય આંદોલન શરૂ કર્યું હતું.
પાકિસ્તાનના સત્તાવાર ડેટા અનુસાર 17 ઓગસ્ટે પૂરા થયેલા સપ્તાહમાં વાર્ષિક ધોરણે ફુગાવાના દરમાં 27.57 ટકાનો વધારો થયો હતો, જ્યારે સાપ્તાહિક ધોરણે મોંઘવારીના દરમાં 0.78 ટકા વધ્યો હતો અને એમાં ઘટાડાના કોઈ સંકેતો નહોતા, જેથી અર્થશાસ્ત્રીઓ અને ગ્રાહકોની ચિંતામાં વધારો થયો હતો, એમ ડોનનો અહેવાલ કહે છે.
ચંદ્ર અને આપણા ઈસરોના ચંદ્રયાન 3 વચ્ચે હવે બસ, નજીવું જ અંતર છે. વિક્રમ લૅન્ડરે ચંદ્રની શાનદાર તસવીરો આપણી સાથે શૅર કરી. ઈસરો હવે લૅન્ડરની સ્પીડ નિયંત્રણમાં રાખવાની સંપૂર્ણ કોશિશ કરી રહ્યું છે, જેથી સફળતાપૂર્વક ધીમે ધીમે લૅન્ડિંગ થઈ શકે.
હજારો વર્ષો પહેલાં પથ્થરની ગુફામાં પશુ સમાન જીવન જીવતો માનવી આજે ચંદ્ર અને મંગળ ઉપર નિવાસસ્થાન માટેનાં આયોજનોા કરી રહ્યો છે. ફાઈવ ડેઝ, ફૉર નાઈટની સ્પેસ ટૂરના આયોજન થઈ રહ્યાં છે. આજના માનવીની ગર્ભના ગાઢ અંધકારથી આરંભાયેલી જીવનયાત્રા અંત્યેષ્ટિના અજવાળા સુધી પહોંચે ત્યાં સુધી તેણે ટાયરથી માંડી માઈક્રો પ્રોસેસર સુધી બધું જ જોઈ લીધું હોય છે. આજે માનવની વિકાસકૂચ સુવિધાઓનાં સાધનોની હારમાળા સર્જી રહી છે, પરંતુ આ વિકાસ, આ પ્રગતિ શેને આભારી છે?
કોઈ એમ કહે કે વિજ્ઞાનની હરણફાળ તો એ આમ તો સાચો ઉત્તર છે, પણ સચોટ જવાબ છેઃ એક વિચાર. મગજમાં આવેલો એક આઈડિયા. પ્રાચીનકાળથી આજ સુધી માનવપ્રગતિનો ઈતિહાસ એ મનુષ્ય મસ્તિષ્કના વિચારોની ગાથા તેમ જ વિચારોનું સર્જનાત્મક અનુસરણ અને પરિણામોની પ્રાપ્તિનો ઈતિહાસ છે.
ડૉ. અબ્દુલ કલામ સાહેબ પોતાની આત્મકથામાં જણાવે છે કે, બાળપણથી જ મને આકાશનાં રહસ્યો અને પક્ષીનાં ઉડ્ડયનો પ્રત્યે ખૂબ આકર્ષણ હતું. ભલે હું સીધોસાદો ગામડાનો છોકરો હતો, પણ મને શ્રદ્ધા હતી કે એક દિવસ હું પણ આકાશમાં ઊડીશ, અને ખરેખર, રામેશ્વરમાંથી આકાશમાં વિચરનાર હું પ્રથમ છોકરો બન્યો.’
એક સામાન્ય સાગરખેડૂના બાળકને આકાશની ઊંચાઈએ અડાડવા માટે મુખ્ય પરિબળ હતું વિચાર! એટલે જ કહેવાયું છે કે જ્યારે વિચારનું વાવેતર થાય ત્યારે તે ક્રિયામાં પરિણમે છે.
દક્ષિણ આફ્રિકામાં પ્રૅક્ટિસ કરતા મોહનદાસ કરમચંદ ગાંધી નામના એક યુવાન વકીલ એક વાર ડર્બનથી પ્રિટોરિયા જવા માટે રેલવેની ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને પોતાની સીટમાં ગોઠવાય છે. રાતે ૯ વાગ્યે મારિત્સબર્ગ સ્ટેશને એક ગોરો ટીસી એમના કમ્પાર્ટમેન્ટમાં આવે છે, એમની ટિકિટ તપાસે છે અને, ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં એ મોહનદાસને થર્ડ ક્લાસમાં જવા કહે છે, રકઝક થતાં ટીસી પોલીસની મદદથી યુવા વકીલને કમ્પાર્ટમેન્ટની બહાર ફંગોળી દે છે. તે સમયે પેલા વકીલના મનમાં વિચાર આવ્યો: ‘મારે મારા હક માટે લડવું જોઈએ.’ ૨૪ વર્ષના એક યુવાન બિનઅનુભવી બૅરિસ્ટરના આ વિચારોમાં સ્વરાજની હિલચાલના ભણકારા હતા. તેમના આ વિચારોએ માત્ર આફ્રિકનોમાં જ નહીં, પણ ભારતની (તે વખતની) ૩૦ કરોડની જનતામાં આઝાદીની ભૂખ જગાડી દીધી. ગાંધીજીના હક માટે લડવાના માત્ર એક વિચારે એવો પ્રચંડ પવન ફૂંક્યો કે ૧૫૦ વર્ષની અંગ્રેજોની ગુલામીની ગંઠાઈ ગયેલી જંજીરોને ઓગાળી દીધી. ટ્રેનના ડબ્બામાંથી બહાર ફેંકાયેલી વ્યક્તિના પ્રબળ વિચારે આખા સામ્રાજ્યને બહાર ફેંકી દીધું. આ વિચારની કરામાત નહીં તો શું છે?
વિચારની આટલી શક્તિ અને સામર્થ્ય હોવા છતાં વિચારવું તે કઠિન કાર્ય છે. વિચારને અઘરું કાર્ય કહેવાનું કારણ એટલું છે કે વિચાર અને વિકાસ જેમ સાથે ચાલે છે તેમ વિચાર અને વિનાશ પણ સહચારી છે. વિચાર યોગ્ય, નિયંત્રિત અને સર્જનાત્મક હોય તો ચોક્કસ વિકાસને નોતરે છે, પરંતુ અયોગ્ય, અનિયંત્રિત અને વિધ્વંશાત્મક વિચાર વિનાશ સર્જે છે. કોઈની પ્રગતિમાં દાઝવાથી શરૂ થયેલી વૈચારિક પ્રક્રિયા આતંકવાદ સુધી પહોંચે છે, તેના મૂળમાં આ અવળો વિચાર છે. તેથી જ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અવળા વિચારનો ત્યાગ કરવો અને સવળો વિચાર હોય તે જ ગ્રહણ કરવો.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 54 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,96,786 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,926 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,63,376 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 45 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1484એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 31,667 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.45 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,64,402 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1092 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.