Home Blog Page 2566

રાજ્યમાં રોગચાળો વકર્યોઃ અમદાવાદમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો

અમદાવાદઃ રાજ્યનાં મોટા ભાગનાં શહેરો રોગચાળાના ખપ્પરમાં છે. તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં વધારો થયો છે. ગયા સપ્તાહમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના વધુ 289 કેસ નોંધાયા છે.

સિવિલ હોસ્પિટલમાં ગયા સપ્તાહમાં ડેન્ગ્યુના 230 કેસ નોંધાયા હતા, જ્યારે મેલેરિયાના 54 અને ફાલ્સિપેરમ મેલેરિયાના પાંચ કેસ નોંધાયા છે. હાલમાં વાહકજન્ય રોગચાળો વકરતા દિવસની ઓપીડીની સંખ્યા 2500 જેટલે પહોંચી છે.

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા એક માસથી મચ્છરજન્ય રોગચાળો- મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા બીમારી બેકાબૂ બની છે.અહીં 88,916 પાત્રોની ચકાસણી કરતાં તેમાંથી 5155 પાત્રોમાંથી મચ્છરના લારવા મળી આવતાં તાકિદે તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 8756 ઘરોમાં ફોગીંગ કરાયું હતું.

સુરતમાં રોગચાળો મૃત્યુઆંક 36

શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જેના કારણે શહેરમાં રોગચાળાથી અત્યાર સુધીમાં 36 લોકોના મોત થયાં છે. સુરતમાં ઝાડા ઊલટીને કારણે એક મહિલાનું મોત થયુ છે. પાંડેસરામાં રહેતી મહિલાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ગઈ કાલે પણ એક વૃદ્ધાનું તાવ આવ્યા બાદ મોત થયું હતું.  ઓગસ્ટમાં 15 દિવસમાં ડેન્ગ્યૂના 24થી વધુ કેસ નોંધાયા છે. સુરતમાં મહાનગરપાલિકાના રોગચાળાને નાથવાની કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે.

રાજકોટમાં ફરીથી રોગચાળો

રાજકોટમાં ફરીથી રોગચાળો વકર્યો છે. શહેરમાં ઝાડા ઊલટી અને ઉધરસના એક સપ્તાહમાં 800 કેસ નોંધાયા છે, જ્યારે મચ્છરજન્ય રોગચાળાના 11 કેસ નોંધાયા છે.

 

 

 

 

 

એનએસઈના કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં પંદર વર્ષમાં જબરદસ્ત વૃધ્ધિ

મુંબઈઃ પંદર વર્ષ પૂર્વે  નેશનલ સ્ટોક એક્સચેન્જે તેના કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનો આરંભ કર્યો હતો ત્યારે પ્રથમ દિવસે રૂ.291 કરોડના કુલ મૂલ્યના 65,798 કોન્ટ્રેક્ટ્સ થયા હતા. પ્રારંભમાં માત્ર ડોલર અને રૂપી કરન્સી ડેરિવેટિવ્ઝના કોન્ટ્રેક્ટ્સ ટ્રેડિંગ માટે ઓફર કરવામાં આવ્યા હતા, જ્યારે અત્યારે એક્સચેન્જ સાત કરન્સી પેર્સ (જોડીઓ)ના કોન્ટ્રેક્ટ્સ ટ્રેડિંગ માટે ઓફર કરે છે.

આ પેર્સમાં યુએસ ડોલર, યુરો, જપાનીઝ યેન અને પાઉન્ડ સ્ટર્લિંગ સાથે ઈન્ડિયન રૂપી અને યુરો, પાઉન્ડ સ્ટર્લિંગ અને જપાનીઝ યેન સાથે અમેરિકી ડોલરની જોડીઓના કોન્ટ્રેક્ટ્સ ટ્રેડિંગ માટે પૂરા પાડે છે.

છેલ્લાં 15 વર્ષની કામગીરીમાં કરન્સી સેગમેન્ટમાં રૂ.609 ટ્રિલ્યન મૂલ્યના 20 અબજ કોન્ટ્રેક્ટ્સ થયા છે. છેલ્લાં 10 વર્ષમાં ટ્રેડ થયેલા કોન્ટ્રેક્ટ્સની સરેરાશ દૈનિક સંખ્યા નાણાકીય વર્ષ 2014ના 27 લાખથી વધીને નાણાકીય વર્ષ 2023માં 1.92 કરોડની થઈ છે. આમ ટ્રેડ થયેલા કોન્ટ્રેક્ટની સંખ્યામાં સાત ગણો વધારો થયો છે. આ જ સમયગાળા દરમિયાન સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.120 અબજ પરથી વધીને 2023માં રૂ.414 અબજ થયું છે.

આ પ્રસંગે એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણે કહ્યું છે કે એનએસઈના કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટની સફળતા બદલ હું. ભારત સરકાર, સેબી, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ફાઈનાન્સિયલ બેન્ચમાર્ક્સ ઈન્ડિયા, ટ્રેડિંગ મેમ્બર્સ, રોકાણકારો, ઉદ્યોગ સંગઠનો અને બધા હિતધારકોનો આભાર માનું છું. એનએસઈ કરન્સી ડેરિવેટિવ્ઝના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે.

ગુજરાત વિધાનસભાની કામગીરી બનશે પેપરલેસ

વિધાનસભા સત્ર સહિતની સંપુર્ણ કામગીરી પેપરલેસ કરી ડિજિટાઈઝ બનાવવા ગુજરાત વિધાનસભા સજ્જ થઈ ગયું છે. આગામી તા. ૧૩મી સપ્ટેમ્બરથી યોજાનાર વિધાનસભાનું ચોમાસુ સત્ર સંપૂર્ણપણે પેપરલેસ હશે. જે અંતર્ગત રાજ્યના તમામ ધારાસભ્યોને નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વર્કશોપ ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, ‘વન નેશન વન એપ્લિકેશન’ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પના અનુસંધાને ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં ગુજરાતે મક્કમ પગલું ભર્યું છે. નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી આગામી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે. રાજ્યના તમામ ધારાસભ્ય ટેબલેટની મદદથી ટેકનોલોજી આધારિત સમગ્ર કામગીરીમાં જોડાશે અને એ માટે આજથી તમામ ધારાસભ્યોને તાલીમબદ્ધ કરવામાં આવશે.

અધ્યક્ષ એ ઉમેર્યું કે, ભવિષ્યમાં આ એપ્લિકેશનનો વ્યાપ વધારી તેની સાથે રાજ્યના નાગરિકોને જોડી પ્રજાલક્ષી કાર્યો તથા પ્રશ્નોનું ડિજીટલી ત્વરીત નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો હાથ ધરાશે. એટલુ જ નહિ, વિધાનસભા કામગીરી સાથે જોડાયેલી તમામ બાબતોને આ એપ્લિકેશનમાં આવરી લઈ ધારાસભ્યો પણ આંગળીના ટેરવે તમામ માહિતી મેળવી શકશે. ઉપરાંત, ગૃહમાં આવેલા પ્રસ્તાવ પર પોતાનો મત તથા તેમની હાજરી પણ એપ્લિકેશનના માધ્યમથી આપી શકશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સંદર્ભે બધાને અભિનંદન આપ્યા હતા.

વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાએ કહ્યું કે, વડાપ્રધાનના ડિજીટલ ઈન્ડીયાના સપનાને સાર્થક કરવાની દિશામાં ગુજરાત વિધાનસભા નવતર પહેલ કરવા જઇ રહી છે. આગામી મહિનામાં ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર સંપૂર્ણપણે પેપરલેસ હશે. જે સંદર્ભમાં નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ આપવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે.

હવે આ મહિલાઓ યુરોપની સડકો પર ચલાવશે ટ્રક !

પુરુષ પ્રધાન સમાજમાં અને પુરૂષોનું એક હથ્થુ શાસન હોય એવા વ્યવસાયમાં મહિલા પ્રવેશે ત્યારે સહજતા જ વિચાર આવે કે, આમાં વળી મહિલાઓ શું કાંદા ઉખાડશે. જો કે અહીં વાત મહિલા અને પુરુષની સમાનતાની નહીં એક એવી સિદ્ધિની કરવાની છે જેના પર ગુજરાતની દરેક મહિલાને ગર્વ થાય. વાત છે એવી મહિલાઓની જે યુરોપની સડકો પર ટ્રક ચલાવશે.

‘ડ્રાઇવર બેન એક નઈ પહેચાન’

જનવિકાસ ટ્રસ્ટ અને આઝાદ ફાઉન્ડેશન દિલ્હીના સંયુક્ત પ્રયાસથી 2016માં ‘ડ્રાઇવર બેન એક નઈ પહેચાન’ નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. જે અંતર્ગત મહિલાઓને સ્વમાનભેર જીવન જીવવા અને રોજીરોટી માટે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચલાવવાની તાલીમ આપવામાં આવે છે. 2016થી અત્યાર સુધીમાં 400થી વધુ મહિલાઓને તાલીમ આપવામાં આવી છે.

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતી  28 વર્ષીય દીપાલી પરમારે સાયકોલોજીમાં બીએ કર્યુ.  ત્યારે પોતાના શિક્ષણનો ખર્ચ ઉપાડવા માટે તેણે ડ્રાઈવિંગ શરૂ કર્યું હતું. માસ્ટર્સ ડિગ્રી લીધા પછી પણ દીપાલીએ ડ્રાઈવિંગ ચાલુ જ રાખ્યું. સ્કૂલ વાનથી લઈને  એમ્બ્યુલન્સમાં પણ મહિલા ડ્રાઈવર તરીકે ફરજ બજાવી. જીવની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલી દીપાલી જે ભાગ્યે જ ગુજરાતની બહાર ગઈ હશે. હવે એ હંગેરીના હાઈવે પર ભારે ટ્રક અને ટ્રેલર્સ ચલાવશે. એટલુ જ નહીં દીપાલીની માસિક આવકમાં લગભગ 10 ગણો વધારો પણ થશે.

મહિલાઓની આવક દસ ગણી વધશે

અમદાવાદમાં આવેલા એનજીઓ જનવિકાસ દ્વારા છ મહિલાઓની પસંદગી કરીને એમને તાલીમ આપવામાં આવી છે. એનજીઓ દ્વારા આ પહેલો પ્રયોગ છે જેના અંતર્ગત આ મહિલાઓ યુરોપમાં બે વર્ષ સુધી રહેશે અને કોમર્શિયલ ડ્રાઈવર તરીકે કામ કરશે. આ મહિલાઓ અમદાવાદમાં ડ્રાઈવર તરીકે કામ કરીને મહિને મહત્તમ 15 હજાર રૂપિયા કમાતી હતી જ્યારે યુરોપની કમાણીને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો એમનો માસિક પગાર દોઢ લાખ રૂપિયા થશે. ઉપરાંત એમને યુરોપમાં કોમર્શિયલ લાયસન્સ પર કામ કરવાની તક પણ મળશે.

આ ઈનિશિયેટિવનો ભાગ બનનારી મહિલાઓ કહે છે કે,  તેઓ લાંબા સમયથી અમદાવાદમાં ગાડીઓ ચલાવે છે પરંતુ ભારે વાહનો હાંકવા એ એક પડકાર છે. કોમર્શિયલ ડ્રાઈવરોની જરૂરિયાત ઉપરાંત પુરુષ કેંદ્રિત વ્યવસાયોમાં મહિલાઓને પ્રોત્સાહન આપવાના હેતુસર નોન-ટ્રેડિશનલ લાઈવલીહુડ નેટવર્કની મદદથી આ પ્રોજેક્ટ સંભવ બન્યો છે. આ પ્રોજેક્ટમાં દીપાલી ઉપરાંત રેખા કહાર, ગુલનાઝ પઠાણ, રજની રાજપૂત, ભારતી ઠાકોર અને સ્નેહા પુરોહિત પણ સામેલ છે.

રજની રાજપૂતની વાત કરીએ તો એ સિંગલ મધર છે. ડિવોર્સ બાદ પોતાનું અને દીકરીનું પેટ ભરવા માટે એ ડ્રાઈવિંગ શીખી. જ્યારે પતિના મૃત્યુ પછી બંને બાળકોને ઉછેરવા માટે રેખાએ સ્ટીયરિંગ પર હાથ અજમાયો. રેખા હાલ બીઆરટીએસમાં મહિલા ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે.

દાણીલીમડાની રહેવાસી 20 વર્ષીય ગુલવાઝ પઠાણ પણ યુરોપ જઈ રહી છે. એ કહે છે કે, “હું મારા પિતા સાથે રહું છું. આર્થિક તંગીના લીધે મેં દસમા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો. ઘર ચલાવવા માટે મારે કોઈક કૌશલ્ય તો વિકસાવવું જ પડશે અને એટલે જ હું ફોર વ્હીલર ચલાવતા શીખવા માટે ડ્રાઈવર બેનમાં જોડાઈ. યુરોપ જવા માટે તૈયારી પણ ખૂબ કરી કારણકે પસંદગી થવી સરળ નહોતી. કોમર્શિયલ લાયસન્સની અરજી માટે યોગ્ય દેખાવ ઉપરાંત ટ્રેલરનું રિવર્સ બોક્સ પાર્કિંગ શીખવામાં ઘણી મહેનત લાગી.  છેવટે મને સંતોષ હતો કે હું એવું કંઈક કરી રહી છું જે કરવાની તક ઘણી મહિલાઓને નથી મળતી. મને આશા છે કે, હું મારા પરિવારને આર્થિક ટેકો આપી શકીશ.”આ એક

ઐતિહાસિક પગલું છે

 

જનવિકાસના સીઈઓ કીર્તિ જોષી ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, આ  મહિલાઓ અને એનજીઓ માટે એક ઐતિહાસિક પગલું છે. “મહિલાઓ આ પ્રોજેક્ટમાં સ્વેચ્છાએ જોડાઈ હતી. એમણે બેંગાલુરુમાં છ મહિના સુધી ટ્રક અને ટ્રેલર જેવા ભારે વાહનો ચલાવવાની તાલીમ લીધી હતી ઉપરાંત પર્સનાલિટી ડેવલપમેન્ટ અને અંગ્રેજી ભાષા પણ શીખ્યા હતા. આ મહિલાઓ કેટલાય પડકારો પાર કરીને અહીં સુધી પહોંચી છે. માટે જ જ્યારે યુરોપિયન એમ્પ્લોયરોએ ઈન્ટરવ્યૂ લીધુ ત્યારે એમને કહ્યું કે, આ બહેનો બધી જ રીતે યોગ્ય છે. આ વાત સાંભળીને અમને કઈંક સારું કર્યાની અનુભૂતિ થઈ. અમારી માટે પણ આ ક્ષણ ગર્વની છે.

વધુમાં કીર્તિ કહે છે, “નોન-ટ્રેડિશનલ લાઈવલીહુડ નેટવર્ક સાથે જોડાયેલી ભારતના અન્ય કેટલાક રાજ્યોની મહિલાઓને પણ યુરોપ જવાની તક મળી છે. અમે સતત આ મહિલાઓના સંપર્કમાં રહીને એમની સુરક્ષાની ખાતરી કરીશું અને કોઈ મુશ્કેલી આવશે તો એમાંથી બહાર નીકળવામાં મદદ કરીશું”

‘જહાં ચાહ વહાં રાહ’

આગામી સપ્ટેમ્બરમાં મહિલાઓનું આ ગ્રુપ રોડ સેફ્ટી કોર્સ કરશે. જે બાદ તેઓ હંગેરી જશે અને રાઈટ-હેન્ડ ડ્રાઈવ શીખશે. અલગ ડ્રાઈવિંગ સ્ટાઈલથી માંડીને હવામાન અને રહેણીકરણીના ખર્ચ સહિતના કેટલાય પડકારો તેમની રાહ જોવે છે. પરંતુ કહેવાય છે કે ‘જહાં ચાહ વહાં રાહ’આ મહિલાઓ પણ એવી જ એક અનોખી સફરે નિકળી છે.

સરકારે રક્ષાબંધનની ભેટ આપીઃ ઘરેલુ ગેસ સિલિન્ડર રૂ. 200 સસ્તું

નવી દિલ્હીઃ મોંઘવારીના મારથી પરેશાન સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે. મોદી સરકારે મહિલાઓને રક્ષાબંધનની ભેટ આપી છે. સરકારે ઘરેલુ રાંધણગેસ સિલિન્ડર (LPG)ની કિંમતોમાં રૂ. 200 સુધીનો કાપ મૂક્યો છે. સરકારે ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડર પર રૂ. 200ની સબસિડીની ઘોષણા કરી છે. આ સબસિડી ઉજ્જવલા યોજના હેઠળ આવતા લાભાર્થીઓને મળશે. ઓગસ્ટ મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં રૂ. 100નો કાપ મૂક્યો હતો.

ઓગસ્ટમાં દિલ્હીમાં ઘરેલુ રાંધણગેસ સિલિન્ડરની કિંમત રૂ. 1103 હતી. જે મુંબઈમાં રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત રૂ. 1102.50 હતી, કોલકાતામાં રૂ. 1129 અને ચેન્નઈમાં રૂ. 1118.50 હતી. પેટ્રોલિયમ કંપનીઓ પ્રતિ મહિને પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે.

આ સાથે ગુજરાતમાં વિવિધ મોટા શહેરોમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો જોવામાં આવે તો- અમદાવાદમાં રૂ. 1110 પ્રતિ સિલિન્ડર, ભાવનગરમાં રૂ. 1111 પ્રતિ સિલિન્ડર, ગાંધીનગરમાં રૂ. 1110.50 રુપિયા પ્રતિ સિલિન્ડર, જામનગરમાં રૂ. 1115.50 પ્રતિ સિલિન્ડર, રાજકોટમાં રૂ. 1108 પ્રતિ સિલિન્ડર, સુરતમાં રૂ. 1108.50 પ્રતિ સિલિન્ડર અને વડોદરામાં રૂ. 1109 પ્રતિ સિલિન્ડર ગેસની કિંમતો  છે.

આ વર્ષના અંતમાં ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થવાની છે. છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. મધ્ય પ્રદેશમાં તો સિલિન્ડરોને લઈને ઘોષણા થઈ ગઈ છે. કોંગ્રેસે એલાન કર્યું છે કે સત્તા પર આવતા ઘરેલુ સિલિન્ડર રૂ. 500માં આપશે. જ્યારે મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેર કર્યું હતું કે શ્રાવણ મહિનામાં બધાને રૂ. 450માં ગેસ સિલિન્ડર આપશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં આ વ્યવસ્થાને સ્થાયી કરવાના પ્રયાસ કરશે.

 

 

 

 

 

 

જાણો, જીયો એર ફાઇબર એ શું છે? એનાથી કેમ વધશે ઈન્ટરનેટ સ્પીડ?

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ ગઈ કાલે અહીં યોજાઈ ગયેલી કંપનીની 46મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં જાહેરાત કર્યા મુજબ, રિલાયન્સ ગ્રુપની રિલાયન્સ જિયો કંપની તેની અત્યાધુનિક જિયો એર ફાઈબર સેવાનો આગામી ગણેશ ચતુર્થીના દિવસથી, એટલે કે 19 સપ્ટેમ્બરથી આરંભ કરવાની છે.

ઘણાને મનમાં સવાલ થતો હશે કે જિયો એર ફાઈબર શું છે?

જિયો એર ફાઈબર એ વાયરલેસ હાઈસ્પીડ બ્રોડબેન્ડ સેવા છે. તે એક વાયરલેસ ડિવાઈસ પર સંચાલિત હોય છે. આ ડિવાઈસ કોઈ તાર કે વાયર વગર તેજ ગતિએ ઈન્ટરનેટ અને સુરક્ષિત ઈન્ટરનેટ બ્રાઉઝિંગ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. આ સેવા હવા મારફત ફાઈબર જેવી ઈન્ટરનેટ સ્પીડ પૂરી પાડશે. લોકો એમના ઘરમાં કે ઓફિસમાં પર્સનલ વાઈ-ફાઈ હોટસ્પોટ બનાવી શકશે.

આ ડિવાઈસ કેવી રીતે કામ કરશે?

આ ડિવાઈસમાં બે યુનિટ હશે. એક ઘર અથવા ઓફિસની છત પર બેસાડવામાં આવશે અને બીજું ઘરની અંદર મૂકવાનું હશે.

હાલ રિલાયન્સ જિયો ઓપ્ટિકલ ફાઈબર સેવા સાથે દેશભરમાં એક કરોડથી વધારે પરિસર જોડાયેલા છે. પરંતુ, હજી પણ એવા લાખો પરિસર છે જ્યાં વાયર કનેક્ટિવિટી આપવી મુશ્કેલ છે. એવા પરિસરોમાં રહેતા લોકોની મુસીબતને જિયો એર ફાઈબર સેવા આસાન કરશે. આ સેવા દ્વારા 20 કરોડ ઘરો સુધી પહોંચવાની રિલાયન્સ જિયો નેમ ધરાવે છે. અંબાણીનો દાવો છે કે, જિયો એર ફાઈબરના આગમનથી પ્રતિ દિન જિયો દોઢ લાખ નવા ગ્રાહકો જોડશે.

જિયોનું ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ભારતભરમાં આશરે 15 લાખ કિલોમીટર સુધી ફેલાયેલું છે.

રજિસ્ટ્રેશન

હાલના રિલાન્સ જિયો ધારકોને જો જિયો એર ફાઈબર સેવા જોઈતી હોય તો એમણે તે સેવા માટે એક સરળ પ્રક્રિયા અંતર્ગત રજિસ્ટર થવાનું રહેશે. એમણે માઈજિયો એપ પર અથવા જિયો.કોમ વેબસાઈટ પર એમના ઘરનું સરનામું આપવાનું રહેશે.

કેન્દ્ર સરકાર મેડિકલ કોલેજો, મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનું રેન્કિંગ કરશે

નવી દિલ્હીઃ સરકાર હવે દેશભરની મેડિકલ ઇન્સ્ટિટ્ટૂટની સરકારી રેન્કિંગ (રેટિંગ) કરશે. આગામી શૈક્ષણિક સત્રથી પહેલાં નેશનલ મેડિકલ કમિશન (NMC) રેટિંગ વ્યવસ્થા લાગુ કરશે. માપદંડો તૈયાર કરવા માટે લખનઉની KGMU સહિત દેશની છ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટને પસંદ કરવામાં આવી છે. અહીં ટીમે કામ શરૂ કરી દીધું છે.

પહેલા તબક્કામાં દેશમાં આઠ મેડિકલ કોલેજોને રેટિંગ આપવામાં આવશે. દેશમાં આશરે 654 મેડિકલ કોલેજો અને ઇન્સ્ટિટ્યૂટ છે. હજી મેડિકલ કોલેજ, યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટની રાષ્ટ્રીયથી માંડીને આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલીય એજન્સીઓ રેટિંગ કરી રહી છે. એ સાથે એનું મૂલ્યાંકન પણ થઈ રહ્યું છે. સૌપ્રથમ વાર NMCથી સંબંધિત મેડિકલ કોલેજ અને યુનિવર્સિટીની રેટિંગ કરશે. સરકારી મેડિકલ કોલેજ અને યુનિવર્સિટી આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. ત્યાર બાદ ખાનગી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ્સને સામેલ કરવામાં આવશે.

આ રેટિંગ માટે NMC અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (QCI)થી કરાર થયા છે. માપદંડો માટે 24-25 ઓગસ્ટે NMCએ અને QCIની ટીમે KGMUની સમીક્ષા કરી હતી. આ સાથે જવાબદાર અધિકારીઓની સાથે બેઠક કરી હતી. સારવાર, શોધ, ખેલકૂદની કામગીરી, શિક્ષણ કાર્ય ને ઇન્સ્ટિટ્યૂટને જોશે. અધિકારીઓનું કહેવું હતું કે વિદ્યાર્થીઓને અપાતી શિક્ષણની ગુણવત્તાને આધારે સરકારી રેટિંગ મળશે. એક વાર સરકારીન રેટિંગ જાહેર ડોમેનમાં આવ્યા પછી વિદ્યાર્થીઓને યોગ્ય મેડિકલ કોલેજ પસંદ કરવામાં મદદ મળશે. ખાનગી મેડિકલ કોલેજો દ્વારા ઊંચી ફીસ વસૂલની પ્રથા પર પ્રતિબંધ લાગશે. નિયમોને પરખવા માટે NMC અને QCIની ટીમો મેડિકલ કોલેજોની સમીક્ષા કરશે.

આમ હવે મેડિકલનું શિક્ષણ હવે વિદ્યાર્થી અને શિક્ષક-બંનેના સ્તરમાં હવે લાલિયાવાડી નહીં ચાલે.

 

 

 

 

G 20 અને ચંદ્રયાન 3 ની થીમ સાથે ની 325 ફૂટ લાંબી વિશાળ રાખડી

શહેર ના સોલારોડ ભુયંગદેવ ચાર રસ્તા પર આવેલી સાધના વિનય મંદિર ના 35 વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધનના પર્વ નિમિત્તે 325 ફૂટ લાંબી રાખડી બનાવવામાં આવી છે.

શાળાના ટ્રસ્ટી પંકજ પટેલ ચિત્રલેખા.કોમ ને કહે છે આ વર્ષે G 20 અને ચંદ્રયાન 3 ની થીમ સાથે 325 ફૂટ લાંબી રાખડી તૈયાર કરવામાં આવી છે. આ રાખડી માં 100 મીટર કાપડ, 300 નંગ ઝૂમકા, 180 જેટલા સ્ટીકર, ટાંકણી, સેલોટેપ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. થીમ સાથેની રાખડી તૈયાર કરતા વિદ્યાર્થીઓ ને 12 દિવસ જેટલો સમય લાગ્યો હતો. 325 લાંબી રાખડી ને ગુજરાત નું ગૌરવ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્ર ના ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાત ના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ ને અર્પણ કરવામાં આવશે.

પંકજ પટેલ વધુમાં કહે છે અમારી શાળા દ્વારા 2006 – 07 થી સતત જુદા જુદા પ્રસંગોને વણી લઈ થીમ સાથેની રાખડીઓ તૈયાર કરી વિદ્યાર્થીઓ ને જાગૃત, જવાબદાર, સાંપ્રત ગતિવિધિઓ થી અવગત કરી દેશપ્રેમી બને એવા પ્રયત્ન કરીએ છીએ.

સાધના વિનય મંદિર દ્વારા આ પહેલાં ‘ ત્રાસવાદ સામે ગુજરાત ને રક્ષણ ‘, ‘ બેટી બચાવો’ , ” ગ્લોબલ વોર્મિંગ ‘ , સ્વર્ણિમ ગુજરાત, વાંચે ગુજરાત, સ્વચ્છ ભારત અભિયાન, શહીદો અમર રહો, ગુજરાત ની અસ્મિતાની થીમ , ધ માર્ટીયલ ઓફ પુલવામા એટેક, પરમવીર ચક્ર, કોરોના વોરિયર્સ અને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાધીનતા સંગ્રામના 75 શુરવીરો ની થીમ પર વિદ્યાર્થીઓ દ્વારા રાખડીઓ તૈયાર કરવામાં આવી હતી.

સતત અઢાર વર્ષ થી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિવિધ સાઇઝ અને થીમની માહિતસભર વિશાળ રાખડીઓ તૈયાર કરે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

વિડીયો જોવા માટે કરો ક્લિકઃ 

વિદ્યાર્થીઓને સારા માનવી બનવાની અપાઈ ત્રણ ગુરુચાવી

મુંબઈઃ એટલી સમજણ મને પરવરદિગાર દેજે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં સૌનો વિચાર દેજે…’ આ પંકિત જો પાંચ, છ અને સાતમા ધોરણના વિદ્યાર્થીઓ બોલતાં હોય તો સાંભળનારને કેવું લાગે? કેટલો આનંદ થાય? આવો માહોલ ગયા સોમવારે કાંદિવલીની એસવીપીવીવી શાળામાં રચાયો હતો. મૂલ્ય ઘડતર એ વર્તમાન સમયની મૂળભૂત જરૂરિયાત બની ગઈ છે. ‘વિદ્યા વિનયેન શોભતે’ને સાચા અર્થમાં સાર્થક કરતી કે.ઈ.એસ. (કાંદિવલી એજ્યુકેશન સોસાયટી) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં કવિ મુકેશ જોષીએ દોઢસોથી વધુ વિધાર્થીઓને સંબોધતી વખતે પોતાની આગવી શૈલીમાં વ્યક્તિત્વ વિકાસના મૂલ્યોનું સિંચન કરતી રસપ્રદ વાતો કરી હતી.

આ કાર્યક્રમમાં કેઈએસના ટ્રસ્ટી અને વાઈસ પ્રેસિડન્ટ મહેશભાઈ શાહ, કે.ઈ.એસ.નાં ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (સીએઓ) સંગીતા શ્રીવાસ્તવ અને શાળાનાં શિક્ષિકાઓ હાજર રહ્યાં હતાં.

અભ્યાસક્રમ દ્વારા કારકિર્દીનું નિર્માણ થાય છે પણ કેળવણી ઉચ્ચ વ્યક્તિત્વનું ઘડતર કરે છે, એ વાતને ધ્યાનમાં રાખીને બાર અને તેર વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ માટે આ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉંમર એટલે બૌદ્ધિક ગ્રહણશક્તિ કેળવવાની ઉંમર. મહેશભાઈ શાહના શબ્દોમાં: ‘ટીનએજ – ટીન એટલે ડબ્બો અને ડબ્બામાં પથરા પણ ભરી શકાય અને પૈસા પણ… નક્કી આપણે કરવાનું હોય.’

કવિ મુકેશ જોષીએ પોતાના વક્તવ્યમાં મરીઝની ઉપયુક્ત પંક્તિ સાથે બાળકોને સારા માણસ બનવા માટે ત્રણ ગુરુચાવી આપી: વડીલોને માન આપવું, પોતાના સુખ કે ખુશીની વહેંચણી કરવી અને કદી જૂઠું ન બોલવું. આ ત્રણ ગુરુચાવી સાથે બે કહેવત જણાવી: “અન્ન એવો ઓડકાર” અને “અન્ન તેવું મન.” આ કહેવતો પરથી એમણે મહાભારત આધારિત દુર્યોધન અને ભીષ્મ પિતામહની વાર્તા પણ કહી હતી. આ વાર્તામાં દુર્યોધને પોતાનું એંઠું અન્ન ભીષ્મ પિતામહને ખવડાવીને કેવી રીતે પોતાના તરફથી યુદ્ધ કરવા મનાવ્યા હતા એ વાત સમજાવી હતી. આ ઉદાહરણ ઉપરાંત વક્તાએ બહારનું ખાવાનું અને ઘરમાં માતાનાં હાથનું બનાવેલું જમવામાં કેવો અને શા માટે ફરક હોય છે તેની ગળે ઉતરી જાય એવી સરળ સમજ આપી હતી.

મુકેશ જોષી એ માત્ર વાર્તા જ નહીં પણ સાથેસાથે મહાભારત મહાકાવ્યના રચયિતા – મહર્ષિ વેદ વ્યાસનું સાચું નામ કૃષ્ણદ્વૈપાયન છે તે પણ જણાવ્યું. પાંચ પાંડવોના નામ તો સહુ કોઈને ખબર હોય, પણ સો કૌરવોમાંથી પાંચ કૌરવના નામ જાણમાં ન હોય. મુકેશ જોષીએ દુર્યોધન, દુઃશાસન, વિકર્ણ, વિચિત્રસેન અને સામ જણાવ્યા જેના પરથી એમના જ્ઞાનભંડારનો પરિચય મળતો અને વિધાર્થીઓની જિજ્ઞાસાને સંતોષ મળતો હતો. આમ, આપણી ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડનાર મહાકાવ્ય ‘મહાભારત’ વિશે જાણકારી આપીને કવિ મુકેશ જોષીએ મુલ્ય ઘડતરના શિક્ષણનો પહેલો મણકો આજના વકતવ્યથી મૂકી આપ્યો. મહેશભાઈએ આ વક્તવ્ય વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવા કહ્યું અને કવિ મુકેશ જોષીના હસ્તે જ આગલા કાર્યક્રમમાં ઈનામ વિતરણની જાહેરાત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતાં.

વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે જીવનના પાયાના મૂલ્યો પણ શીખે-સમજે એવા હેતુ સાથે સંસ્થાએ આ પ્રકારના કાર્યક્રમો વારંવાર નિયમિતપણે શાળામાં યોજવાનું નક્કી કર્યુ છે.

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધની આશંકાઃ વીજ બિલ રૂ. 20,000ને પાર

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં વધતી મોંઘવારીને લઈને સામાન્ય જનતા ગુસ્સામાં છે. વધતાં વીજ બિલો અને સરકાર દ્વારા લગાવવામાં આવેલા ઊંચા કરોની વિરુદ્ધ વિરોધ કરવા માટે પાકિસ્તાનમાં હજ્જારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે. સરકારનાં ઊંચાં વીજ બિલો અને કરોની વિરુદ્ધ દેખાવકારોએ હજ્જારો વીજ બિલો સળગાવ્યાં હતાં. સોશિયલ મિડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં પંજાબ પ્રાંતમાં રૂ. 12,000નું વીજ બિલ આવતાં એક વ્યક્તિએ આત્મહત્યા કરવાના પ્રયાસ કર્યા હતા. આ વ્યક્તિ માત્ર એક પંખો અને બે બલ્બનો ઉપયોગ કરે છે.

સામાન્ય જનતાએ વીજ બિલોને લઈને મોટી સંખ્યામાં રસ્તાઓ પર પ્રદર્શન કર્યાં હતા. જનતાના આક્રોશને લીધે કાર્યકારી વડા પ્રધાન અનવારુલ હકને નોટિસ લેવા અને મુદ્દા પર ચર્ચા કરવા માટે ઇમર્જન્સી મીટિંગ બોલાવવી પડી હતી.

રાવલપિંડીમાં એક દેખાવકારે કહ્યું હતું કે આ સરકારે પાયાની જરૂરિયાતની દરેક ચીજવસ્તુઓ વધારીને નાના પરિવારો માટે ઘરખર્ચ કાઢવો અસંભવ કરી દીધો છે. તેઓ અમને ઊંચા ટેરિફ અને કરોવાળાં બિલ મોકલે છે. એક એવાં ઘરોની કલ્પના કરો- જેમાં બે પંખા અને ત્રણ લાઇટો છે, પરંતુ એનુ વીજ બિલ 20,000 પાકિસ્તાની રૂપિયાથી વધુ છે. આ અસ્વીકાર્ય છે અને અમે ત્યાં સુધી વિરોધ કરીશું, જ્યાં સુધી લોકોનું લોહી પીવાના આ પ્રયાસ બંધ ના થાય.

એક દેખાવકારે કહ્યું હતું કે એક તરફ નોકરીઓ નથી, ના વેપાર-ધંધા અને બધું મોંઘું છે, ત્યારે આ બિલો મોકલીને અમને દફનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ બિલોની અમે ચુકવણી નથી કરી શકતા. અમે અધિકારીઓને અમારાં વીજ જોડાણો કાપવા અને મીટર પણ નહીં લઈ જવા દઈએ.