સરકારે રક્ષાબંધનની ભેટ આપીઃ ઘરેલુ ગેસ સિલિન્ડર રૂ. 200 સસ્તું

નવી દિલ્હીઃ મોંઘવારીના મારથી પરેશાન સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે. મોદી સરકારે મહિલાઓને રક્ષાબંધનની ભેટ આપી છે. સરકારે ઘરેલુ રાંધણગેસ સિલિન્ડર (LPG)ની કિંમતોમાં રૂ. 200 સુધીનો કાપ મૂક્યો છે. સરકારે ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડર પર રૂ. 200ની સબસિડીની ઘોષણા કરી છે. આ સબસિડી ઉજ્જવલા યોજના હેઠળ આવતા લાભાર્થીઓને મળશે. ઓગસ્ટ મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં રૂ. 100નો કાપ મૂક્યો હતો.

ઓગસ્ટમાં દિલ્હીમાં ઘરેલુ રાંધણગેસ સિલિન્ડરની કિંમત રૂ. 1103 હતી. જે મુંબઈમાં રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત રૂ. 1102.50 હતી, કોલકાતામાં રૂ. 1129 અને ચેન્નઈમાં રૂ. 1118.50 હતી. પેટ્રોલિયમ કંપનીઓ પ્રતિ મહિને પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે.

આ સાથે ગુજરાતમાં વિવિધ મોટા શહેરોમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો જોવામાં આવે તો- અમદાવાદમાં રૂ. 1110 પ્રતિ સિલિન્ડર, ભાવનગરમાં રૂ. 1111 પ્રતિ સિલિન્ડર, ગાંધીનગરમાં રૂ. 1110.50 રુપિયા પ્રતિ સિલિન્ડર, જામનગરમાં રૂ. 1115.50 પ્રતિ સિલિન્ડર, રાજકોટમાં રૂ. 1108 પ્રતિ સિલિન્ડર, સુરતમાં રૂ. 1108.50 પ્રતિ સિલિન્ડર અને વડોદરામાં રૂ. 1109 પ્રતિ સિલિન્ડર ગેસની કિંમતો  છે.

આ વર્ષના અંતમાં ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થવાની છે. છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. મધ્ય પ્રદેશમાં તો સિલિન્ડરોને લઈને ઘોષણા થઈ ગઈ છે. કોંગ્રેસે એલાન કર્યું છે કે સત્તા પર આવતા ઘરેલુ સિલિન્ડર રૂ. 500માં આપશે. જ્યારે મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેર કર્યું હતું કે શ્રાવણ મહિનામાં બધાને રૂ. 450માં ગેસ સિલિન્ડર આપશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં આ વ્યવસ્થાને સ્થાયી કરવાના પ્રયાસ કરશે.