રાજ્યમાં રોગચાળો વકર્યોઃ અમદાવાદમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો

અમદાવાદઃ રાજ્યનાં મોટા ભાગનાં શહેરો રોગચાળાના ખપ્પરમાં છે. તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં વધારો થયો છે. ગયા સપ્તાહમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના વધુ 289 કેસ નોંધાયા છે.

સિવિલ હોસ્પિટલમાં ગયા સપ્તાહમાં ડેન્ગ્યુના 230 કેસ નોંધાયા હતા, જ્યારે મેલેરિયાના 54 અને ફાલ્સિપેરમ મેલેરિયાના પાંચ કેસ નોંધાયા છે. હાલમાં વાહકજન્ય રોગચાળો વકરતા દિવસની ઓપીડીની સંખ્યા 2500 જેટલે પહોંચી છે.

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા એક માસથી મચ્છરજન્ય રોગચાળો- મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા બીમારી બેકાબૂ બની છે.અહીં 88,916 પાત્રોની ચકાસણી કરતાં તેમાંથી 5155 પાત્રોમાંથી મચ્છરના લારવા મળી આવતાં તાકિદે તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 8756 ઘરોમાં ફોગીંગ કરાયું હતું.

સુરતમાં રોગચાળો મૃત્યુઆંક 36

શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જેના કારણે શહેરમાં રોગચાળાથી અત્યાર સુધીમાં 36 લોકોના મોત થયાં છે. સુરતમાં ઝાડા ઊલટીને કારણે એક મહિલાનું મોત થયુ છે. પાંડેસરામાં રહેતી મહિલાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ગઈ કાલે પણ એક વૃદ્ધાનું તાવ આવ્યા બાદ મોત થયું હતું.  ઓગસ્ટમાં 15 દિવસમાં ડેન્ગ્યૂના 24થી વધુ કેસ નોંધાયા છે. સુરતમાં મહાનગરપાલિકાના રોગચાળાને નાથવાની કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે.

રાજકોટમાં ફરીથી રોગચાળો

રાજકોટમાં ફરીથી રોગચાળો વકર્યો છે. શહેરમાં ઝાડા ઊલટી અને ઉધરસના એક સપ્તાહમાં 800 કેસ નોંધાયા છે, જ્યારે મચ્છરજન્ય રોગચાળાના 11 કેસ નોંધાયા છે.