Home Blog Page 2519

પાટણવાવના ઓસમ ડુંગરનો લોકપ્રિય લોકમેળો

તા. ૧૫ થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન પાટણવાવના ઓસમ ડુંગરે યોજાનાર લોકમેળામાં ઉમટશે માનવ મહેરામણ

*****

  • રાજકોટ જિલ્લાનું હિલ સ્ટેશન
  • ૬૩૫ એકરમાં ફેલાયેલા ઐતિહાસિક પર્વતની ટોચે ‘‘માત્રી મા’’નું મંદિરનો મહાભારતમાં છે ઉલ્લેખ

*****

અંદાજે ૨૦૦ વર્ષથી દર વર્ષે અહીં ભાદરવી અમાસે ભરાય છે લોકમેળોઃ પર્વતના ૫૮૫ પગથિયાંઃ યુવા સાહસિકો માટે દરવર્ષે યોજાય છે ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા


રાજકોટ જિલ્લામાં આવેલા પર્વતો પર નજર કરીએ તો રાજકોટ જિલ્લાના છેવાડે ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે ઓસમ ડુંગર આવેલો છે. રાજય સરકારે આ ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની મંજૂરી આપી હતી. જેથી આ સ્થળનો લાખોના ખર્ચે  આકર્ષક અને રળિયામણો વિકાસ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા થયો છે.

અંદાજે ૨૦૦ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે અહીં ભાદરવી અમાસના રોજ લોકમેળો ભરાય છે. ચાલુ વર્ષે પણ તા.૧૫થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન અહીં લોક મેળો યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડવાની સંભાવના છે.

રાજકોટ જિલ્લાનું હિલ સ્ટેશન એવા ઓસમ પહાડ ઉપર હરિયાળી આચ્છાદિત હોવાથી અહીં કુદરતી સૌંદર્યને માણવા લાખો પ્રવાસીઓ ઉમટી પડે છે.

યુવા સાહસિકો માટે દર અહીં વર્ષે ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એડવન્ચર સ્પોર્ટસ તરીકે પણ આ સ્થળનો વિકાસ થઇ રહયો છે. 

૬૩૫ એકર વિસ્તારનો ફેલાવો અને ઐતિહાસિક મહાત્મ્ય ધરાવતા પર્વતની ટોચે માત્રી માતાનું મંદિર આવેલું છે. લોક મેળાના આ પ્રસંગે દેશ-વિદેશમાંથી ભાવિકો ઉમટી પડે છે. આ પર્વત પર ૫૮૫ જેટલાં પગથિયાં છે.

ઓસમ ડુંગરની શિલાઓ સપાટ અને લીલી હોવાથી ભૂતકાળમાં એક સમયે તે માખણિય પર્વત તરીકે ઓળખાતો હતો. આ પર્વતનો ઉલ્લેખ મહાભારતમાં પણ થયેલા જોવા મળે છે. જેમાં શ્રી માત્રી માતાનો ઉલ્લેખ શ્રી છત્રેશ્વરી માતા તરીકે થયો છે.

આ ઓસમ ડુંગરનો હિમાચલ પ્રદેશ જેવી હરિયાળીનો નજારો જોવા લાખો પર્યટકો આવી આનંદિત થતાં હોય છે. ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર, હીડંબાનો હિંચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ સહિત જૈન ધર્મના આસ્થા સમી ધાર્મિક જગ્યાઓ આવેલી છે.  

(પારૂલ આડેસરા)

રાજ્ય સરકારે વિધાનસભામાં OBC અનામત બિલ રજૂ કર્યું

 ગાંધીનગરઃ ભાજપે OBC વોટબેંકને મેળવવા માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામતની જાહેરાત કર્યા બાદ તેનું વિધેયક વિધાનસભામાં રજૂ કર્યું છે. આ વિધેયક કાયદાપ્રધાન ઋષિકેશ પટેલ ગૃહમાં રજૂ કર્યુ છે. આ બિલમાં મહાનગરપાલિકા, પાલિકા અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા કરવામાં આવ્યા છે. આ વિધેયકમાં ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949માં કલમ-5ની પેટા કલમ-છમાં સુધારવાની જોગવાઈ છે. જ્યારે કોર્પોરેશનમાં 10 ટકાને બદલે 27 ટકા OBC અનામત રાખવાનો સુધારો કરતી કલમ સુધારવા વિધેયકમાં જોગવાઈ છે. આ ઉપરાંત તમામ અનામત 50 ટકાથી વધારે ન થાય એ અંગેની જોગવાઈ પણ સુધારા વિધેયકમાં રાખવામાં આવી છે. સૌથી વધુ સુધારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમોમાં કરવામાં આવ્યા છે.

સરકારે ઝવેરી પંચની ભલામણો પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમા જેવી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, અને પંચાયતોમાં OBC બેઠકો અને પદાધિકારીઓ માટે 10 ટકાને બદલે 27 ટકા OBC અનામતની જાહેરાત કરી છે. ત્યારે બંધારણમાં કાયદામાં સુધારો કરવાનો થતો હોવાથી હાલ ચોમાસુ સત્ર દરમિયાન વિધાનસભામાં કાયદામંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ બિલને ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યું છે.

વિધાનસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું એ પહેલાં ગાંધીનગરમાં જ OBC જ્ઞાતિઓનું સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. જેમા પાટીલે કોંગ્રેસ પર OBCના નામે રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

રાજ્યમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અને લોકસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપ દ્વારા આયોજિત OBC સંમેલનમાં OBC સમાજના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ત્યારે આવનારી પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં OBC મતદારોને રીઝવવા માટેનો ભાજપનું આયોજન છે.

 

 

 

 

 

 

 

 

ગણેશોત્સવ: અમદાવાદમાં ઠેરઠેર લાગ્યા છે ગણપતિજીની મૂર્તિઓનાં બજાર

અમદાવાદઃ ગણેશ ઉત્સવ આવતા મંગળવાર, 19 સપ્ટેમ્બરના રોજ શરૂ થાય એ પહેલાં અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોની ખુલ્લી જગ્યાઓમાં ભગવાન ગણપતિજીની વિવિધ મૂર્તિઓના વેચાણ માટે નાના મોટા બજાર લાગ્યા છે.

વિઘ્નહર્તા ગણપતિ બાપાની મૂર્તિઓ ગુલબાઇ ટેકરા વિસ્તારમાં બને છે અને વેચાય છે. હવે તે ચારેતરફ વિસ્તરતા શહેરના જુદા જુદા વિસ્તારોના માર્ગો પર ગણપતિની મૂર્તિઓ બનતી અને વેચાતી જોવા મળે છે.

અમદાવાદ શહેર અને આસપાસના ગામડાંઓમાં સીઝનલ ચીજવસ્તુઓના વેપાર-ધંધો કરવાને બદલે ઘણા લોકો હવે મૂર્તિઓની સાથે ઉત્સવની ઉજવણી માટેનો સામાન પણ વેચી રહ્યાં છે. આ વર્ષે ગણપતિની મૂર્તિઓના બજારોમાં મંડપ (પંડાલ)ની સામગ્રી, ડેકોરેશનનો સામાન, પૂજાની સામગ્રીનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. 

ગુજરાત યુનિવર્સિટી પાસે વર્ષોથી ભગવાન ગણપતિની મૂર્તિઓ બનાવતા અસંખ્ય  કારીગરો રહે છે. એમાંના એક, રોહિતભાઈ ‘ચિત્રલેખા.કોમ’ને કહે છે, ‘આ વર્ષે અમારા વિસ્તારમાં અમે બનાવેલી મૂર્તિઓ એકદમ અલગ છે. એમાં ગણેશજીના જુદા જુદા સ્વરૂપોની સાથે અલગ પ્રકારના મટીરીયલ સાથે એને બનાવવામાં આવી છે. પ્લાસ્ટિકના ફૂલો જેવા મટીરીયલથી પિતાંબર તૈયાર કરાયું છે. સુરતથી ખાસ મંગાવેલી જરીથી મૂર્તિઓ પર જરીકામ કરવામાં આવ્યું છે. નાની મોટી એક્સક્લુઝિવ મૂર્તિઓ બનાવતા અમને છ માસ કરતાં વધારે સમય લાગ્યો છે.’

સાણંદ નજીક આવેલા મણીપુર પાસે એક અનોખા ગ્રુપ સાથે નેચરલ માટી અને રંગો સાથે મૂર્તિઓ તૈયાર કરતાં સ્નેહા જાની વ્યવસાયે આર્કિટેક્ટ છે. ઘણાં વર્ષોથી તેઓ લોકોને નિસર્ગ સાથે જોડવાના પ્રયાસ કરે છે.

સ્નેહા જાની કહે છે, ‘કુદરતી રીતે મેળવેલી માટીમાંથી મૂર્તિઓ તૈયાર કરવાથી ફરી એ કુદરતમાં જ ભળી જાય છે. લુહારીકામ, સુથારીકામ, માટીનું કામ એ આપણું પરંપરાગત જીવન આપણને સમાજ, વિજ્ઞાન, પર્યાવરણ સાથે જોડે છે. એટલે અમારી સાથે જોડાયેલા લોકો સંસ્કૃતિ અને કુદરતને  માને છે. ગણેશોત્સવ પહેલાં મળતી કુદરતી માટી, રંગો અને વનસ્પતિને એકઠી કરી ગણેશજીની મૂર્તિઓ બનાવીએ છીએ. ત્યારપછી ગણેશ વંદનાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી એ પ્રદર્શનમાં લોકોને  સંસ્કૃતિ અને સમાજ સાથે જોડવાનો અમે પ્રયાસ કરીએ છીએ.’

(પ્રજ્ઞેશ વ્યાસ)

જાપાનમાં 100 વર્ષથી વયના 92,000થી વધુ લોકો

ટોક્યોઃ ‘जीवेम शरद शतम्’  આ સૂત્ર જાપાનીઓને બરાબર લાગુ પડે છે. જાપાન વડીલોની સંખ્યાને મામલે પહેલેથી અન્ય દેશોની તુલનામાં ઘણો આગળ છે. જાપાનમાં લોકોની આવરદા લાંબી હોય છે. આ સતત 53 વર્ષથી છે, જ્યારે વધુ વયના લોકોની સંખ્યાએ એક રેકોર્ડ બનાવ્યો હોય. જાપાનમાં 100 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા 92,139એ પહોંચી છે, છેલ્લા એક વર્ષમાં આવા 1613 લોકોનો ઉમેરો થયો છે, એમ સરકારનો આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા કહે છે. જોકે એશિયામાં ચીન અને જાપાન-બંને દેશો એવા છે જ્યાં વસતિ ઘટતી જાય છે.

જાપાનમાં થયેલા તાજા સર્વે મુજબ શતાયુ લોકોમાં 88 ટકા મહિલાઓ છે. જાપાનમાં મહિલાઓની સરેરાશ વય 87 અને પુરુષો માટે 81 વર્ષ છે. 1963માં સૌપ્રથમ વાર જાપાનમાં 100થી વધુ વયના લોકોની ગણતરી કરવામાં આવી હતી. ત્યારે તેમની સંખ્યા 153 હતી. વર્ષ 1998માં એ સંખ્યા વધીને 10,000 થઈ હતી. ત્યાર બાદ એ 2012માં વધીને 50,000 થઈ હતી. જે પ્રકારે એ આંકડો વધી રહ્યો છે, એ જોતાં એક લાખને પાર થવાની અપેક્ષા છે. જોકે લોકોની વય વધવાની સાથે જન્મદર નીચે આવી ગયો છે. એને પરિણામે કાર્યરત લોકોની સંખ્યા ઘટી ગઈ છે અને વયોવૃદ્ધોની દેખભાળ કરવામાં ખાસ્સી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જાપાનમાં વસતિ છેલ્લા એક વર્ષમાં 8.01 લાખ ઘટીને 12.24 કરોડ થઈ ગઈ છે. જાપાન સરકારે અગમચેતી રૂપે કામકાજમાં વ્યસ્ત લોકો માટે અનેક પ્રકારની સુવિધા આપવા માટે યોજનાઓ શરૂ કરી છે. જોકે એની કોઈ ખાસ અસર નથી થઈ. છેલ્લા એક વર્ષમાં અહીં માત્ર સાત લાખ બાળકો જ પેદા થયાં છે.

 

 

 

શહીદ મનપ્રીતસિંહનું અનંતયાત્રાએ પ્રયાણ; પુત્રએ લશ્કરી યૂનિફોર્મમાં સજ્જ થઈ આપી સલામી

મોહાલી (પંજાબ): ગયા બુધવારે જમ્મુ-કશ્મીરના અનંતનાગમાં ત્રાસવાદીઓ સામેની લડાઈમાં વીરગતિ પામેલા ભારતીય સેનાના કર્નલ મનપ્રીતસિંહના પાર્થિવ શરીરના આજે મોહાલી શહેરના મુલ્લાંપુર વિસ્તારમાં સંપૂર્ણ લશ્કરી સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. એ પહેલાં, સવારે શહીદ કર્નલના શોકગ્રસ્ત માતા એમનાં પુત્રનું પાર્થિવ શરીર સ્વીકારવા માટે એમનાં ઘરના દરવાજે ઊભાં રહ્યાં હતાં. મનપ્રીત સિંહના પાર્થિવ શરીરને નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું. શહીદને આખરી વિદાય આપવા માટે એમના અનેક સગાંસંબંધીઓ અને ગામવાસીઓ મોટી સંખ્યામાં આવ્યાં હતાં. વાતાવરણ એ વખતે અત્યંત ગમગીન અને દુઃખમય બની ગયું હતું અને હાજર રહેલાઓમાં ઘણાની આંખો ત્યારે ભીની થઈ ગઈ હતી જ્યારે શહીદ મનપ્રીત સિંહનો 6 વર્ષનો પુત્ર લશ્કરી ગણવેશમાં સજ્જ થયો હતો અને પિતાને આખરી સલામી આપી હતી. કર્નલના પરિવારજનો ચોધાર આંસુએ રડતાં જોવા મળ્યાં હતાં. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે કર્નલના પાર્થિવ શરીર પર પુષ્પચક્ર અર્પણ કર્યું હતું.

ત્યારબાદ મનપ્રીત સિંહના પાર્થિવ શરીરને સ્મશાનભૂમિ ખાતે લઈ જવામાં આવ્યું હતું. અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયાં હતાં. શહીદ થયેલા કર્નલ મનપ્રીત સિંહના પરિવારમાં એમના માતા, પત્ની, છ વર્ષનો પુત્ર અને બે વર્ષની પુત્રી છે.

નૂંહમાં કલમ 144 લાગુ, ઇન્ટરનેટ સેવાઓ બંધ

નૂંહઃ કોંગ્રેસના વિધાનસભ્ય મામન ખાનને પોલીસે ધરપકડ કરી છે. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. તેમની ધરપકડ બાદ નૂંહ વહીવટી તંત્રે જિલ્લામાં કલમ 144 લગાવી દીધી છે અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. તંત્રએ લોકોને શુક્રવારે નમાઝ ઘરમાં જ અદા કરવાની અપીલ કરી છે, એમ ત્યાંના એસપી દ્વારા જણાવવામાં આવ્યું છે.

હરિયાણાના નૂહમાં 31 જુલાઈએ હિંસા ફાટી નીકળી હતી. હિંસા ફેલાવવાના આરોપમાં પોલીસે મોડી રાત્રે ફિરોઝપુર-ઝિરકાથી કોંગ્રેસના ધારાસભ્ય મામન ખાનની ધરપકડ કરી છે. ડીએસપી સતીશ કુમારે જણાવ્યું કે ખાનની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.ખાન પર હિંસા દરમિયાન તોફાનીઓના સંપર્કમાં હોવાનો આરોપ છે. આ સિવાય તેના પર સોશિયલ મિડિયા પર ભડકાઉ પોસ્ટ કરીને હિંસા ફેલાવવાનો આરોપ છે. પોલીસે મામન ખાનને બે વાર નોટિસ આપી અને પૂછપરછ માટે બોલાવ્યા, પરંતુ તે તપાસમાં હાજર થયા નહીં. મામને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને હિંસા કેસની નિષ્પક્ષ તપાસ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગ કરી હતી.

નૂહ હિંસામાં સાત લોકો માર્યા ગયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ પહેલાં નૂહ હિંસાના આરોપી મોનુ માનેસરની મંગળવારે હરિયાણા પોલીસે ધરપકડ કરી હતી. નૂહ કોર્ટે તેને રાજસ્થાન પોલીસની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. રાજસ્થાનના રહેવાસી નાસીર-જુનૈદની હત્યા કેસમાં પણ મોનુનું નામ સામે આવ્યું હતું.

 

 

 

 

 

 

તહેવારોમાં ઓનલાઇન સેલ રૂ. 90,000 કરોડ સુધી પહોંચવાની વકી

નવી દિલ્હીઃ તહેવારોની સીઝનમાં રિટેલ બજારની સાથે ઓનલાઇન બજારને મોટી અપેક્ષા છે. આગામી તહેવારોની સીઝન દરમ્યાન ઓનલાઇન વેચાણમાં વાર્ષિક આધારે 18-20 ટકા ગ્રોથ થવાની સાથે એ રૂ. 90,000 કરોડ સુધી પહોંચવાની અપેક્ષા છે, એમ એક રિપોર્ટ કહે છે.

માર્કેટ રિસર્ચ રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટેન્ટસના જણાવ્યાનુસાર આગામી તહેવારોની સીઝન અત્યાર સુધીની સફળ સીઝન પુરવાર થવાની અપેક્ષા છે. કંપનીએ કહ્યું હતું કે અમારા અંદાજ અનુસાર ભારત ઇટેલિંગના 2023 તહેવારના GMV (ગ્રોસ માર્કેટ વેલ્યુ) આશરે 90,000 કરોડ થવાની અપેક્ષા છે, જે ગયા વર્ષ કરતાં તહેવારોના મહિનાઓમાં વેચાણથી 18-20 ટકા વધુ રહેવાની સંભાવના છે.કંપનીના જણાવ્યાનુસાર ઓનલાઇન 14 કરોડ ખરીદદારો આ તેહવારોમાં કમસે કમ એક વાર ઓનલાઇન ખરીદી કરવાની અપેક્ષા છે. વર્ષ 2014માં ઈ-કોમર્સનો GMV ઉદ્યોગ રૂ. 27,000 કરોડ હતું અને વર્ષ 2023માં આશરે રૂ. 5.25 લાખ કરોડ રહેવાની ધારણા છે. કંપનીના ભાગીદાર મૃગાંક ગુટગુટિયાએ કહ્યું હતું કે ઇલેક્ટ્રોનિક માલસામાન તહેવાર સમયે વધુ વેચાય છે. પાછલાં કેટલાંક વર્ષોમાં તહેવારોની તુલનાએ વૈવિધ્યકરણનાં કામકાજ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે અમે આ તહેવારોના સમયગાળામાં ફેશન, કોસ્ટેમેટિક અને વ્યક્તિગત સારસંભાળ, ઘરેલુ અને સામાન્ય ચીજવસ્તુઓ અને બિન ઇલેક્ટ્રોનિક્સ સામાનના વેચાણમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા જોઈ રહ્યા છે.

 

 

 

 

 

 

 

લિબીયામાં ડેનિયલ વાવાઝોડાને કારણે 3 લાખ બાળકો મુશ્કેલીમાં

ન્યૂયોર્કઃ આફ્રિકા ખંડના દેશ લિબીયામાં ગયા અઠવાડિયે આવેલા ભયાનક ચક્રવાત ડેનિયલને કારણે આશરે 3 લાખ જેટલા બાળકોને માઠી અસર પહોંચી છે. આ આંકડો વધી રહ્યો છે. એવા બાળકો અને પરિવારોને માનવતાવાદી સહાયતાની તાતી જરૂર છે. વાવાઝોડાને કારણે અનેક ઘરો, હોસ્પિટલો, શાળાઓ તથા અન્ય આવશ્યક માળખાકીય સવલતોને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર (યૂએન)ની પેટાસંસ્થા યૂનિસેફના જણાવ્યા મુજબ, ડેનિયલ વાવાઝોડા અને તેને કારણે આવેલા પૂરને લીધે પૂર્વીય લિબીયામાં 11 હજારથી વધારે લોકો માર્યા ગયા છે અને બીજાં હજારો લોકો લાપતા છે. બેઘર થઈ ગયેલા લોકો અસંખ્ય પ્રમાણમાં છે. હજારો લોકોને શાળાઓમાં આશરો આપવામાં આવ્યો છે. ઘણા વિસ્તારો દેશના બાકીના ભાગથી વિખૂટા પડી ગયા છે અને ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ છે. ત્રણ હોસ્પિટલો અને જાહેર આરોગ્ય કેન્દ્રોમાં પૂરનું પાણી ઘૂસી ગયું છે.

સરકાર PMના જન્મદિને 30,000 વિદ્યાર્થિનીઓને ગિફટ આપશે

અમદાવાદઃ વડા પ્રધાન મોદીનો 17 સપ્ટેમ્બરે 73મો જન્મદિવસ છે. ભાજપનો ગુજરાત એકમ આ પ્રસંગે અનેક કાર્યક્રમોનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ઉત્સવ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2 ઓક્ટોબરે ગાંધી જયંતી પર સમાપ્ત થશે. PM મોદીના જન્મદિવસ પર ગુજરાતની 30,000 વિદ્યાર્થિનીઓને સ્પેશિયલ ગિફ્ટ આપવામાં આવશે.

PM ના જન્મદિવસની રાજ્યવ્યાપી ઉજવણી વિશે માહિતી આપતાં ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે ગુરુવારે સુરતમાં પ્રેસને સંબોધતા જણાવ્યું હતું કે અમે નવસારી જિલ્લામાં 30,000 શાળાની વિદ્યાર્થિનીઓને ઓળખી કાઢી છે અને PM સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ મેળવવાનું આયોજન કરી રહ્યા છીએ. તેથી શુક્રવારથી અમે તેમના માટે બેંક ખાતાં ખોલાવીશું. આ ઉપરાંત ભાજપ યુવા મોરચા ગુજરાતના તમામ જિલ્લાઓમાં રક્તદાન શિબિરોનું આયોજન કરશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 19 સપ્ટેમ્બરથી રાજ્યભરમાં તાલુકા સ્તરથી જિલ્લા સ્તર સુધીના કેન્દ્રોમાંથી પાંચ દિવસ સુધી લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવશે.પીએમ મોદીના જન્મદિવસ પર આયુષ્માન ભવઃ 60,000 લોકોને આયુષ્માન ભારત કાર્ડ હેઠળ આપવામાં આવશે. યોજના આપવામાં આવશે.

આ કાર્યક્રમ આગળ પણ ચાલુ રહેશે.રાજ્ય મેડિકલ સેલ દ્વારા 23 અને 24મી સપ્ટેમ્બરે અનેક જિલ્લાઓમાં આરોગ્ય તપાસ શિબિરોનું આયોજન કરવામાં આવશે.તેની સાથે જ જિલ્લા અને રાજ્ય કક્ષાએ લોક કલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવશે. 25મી સપ્ટેમ્બરે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ અને બીજી ઓક્ટોબરે ગાંધી જયંતીના કાર્યક્રમો યોજાશે.

તેમણે કહ્યું હતું કે 26 સપ્ટેમ્બરથી, દલિત બસ્તી સંપર્ક કાર્યક્રમ હેઠળ, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ આવી વસાહતોની મુલાકાત લેશે અને લોકોને મળશે. તેમના પ્રશ્નો સાંભળશે અને ઉકેલ શોધવા તેમને આગળ લઈ જશે. 17 સપ્ટેમ્બરથી, કુપોષિતોને પોષણ કિટનું વિતરણ કરવામાં આવશે. રાજ્યભરના બાળકોને વિતરણ કરવામાં આવશે.આ ઉપરાંત રાજ્યમાં કુપોષણ દૂર કરવા માટે પાર્ટીના નેતાઓ અને કાર્યકરો 31 ડિસેમ્બર સુધી સતત કામ કરશે.

 

 

રૂ. 1000 કરોડના ઓનલાઇન પોન્ઝી કૌભાંડમાં ગોવિંદાની થશે પૂછપરછ  

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર ગોવિંદા મુસીબતમાં મુકાયો છે. ઓડિશા પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) આશરે રૂ. 1000 કરોડની ઓનલાઇન પોન્ઝી કૌભાંડના સિલસિલામાં બોલવૂડ એક્ટર ગોવિંદાની પૂછપરછ કરે એવી શક્યતા છે. સોલાર ટેક્નો અલાયન્સની મિલીભગતના આ કૌભાંડની તપાસ કરી રહેલી ટીમની EOWનાં પોલીસ અધિકારી સસ્મિતા સાહુએ આ માહિતી આપી હતી.

EOWના જણાવ્યા મુજબ કંપની ગેરકાયદે રીતે પિરામિડ આધારિત ઓનલાઇન પોન્ઝી યોજનામાં સામેલ હતી, જેને ક્રિપ્ટોમાં મૂડીરોકાણને નામે ચલાવવામાં આવતી હતી.આ કૌભાંડમાં સોલર ટેક્નો એલાયન્સ સામેલ હતી, જેણે એક ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટ વેન્ચર તરીકે દેશમાં ગેરકાયદે ઓનલાઇન પોન્ઝી યોજના સંચાલિત કરી હતી. ગોવિંદાએ આ કંપનીના કામને ટેકો આપ્યો હતો. એટલે કેટલીય માહિતી એકત્ર કરવા માટે તેની પણ પૂછપરછ કરવામાં આવશે. તપાસ અધિકારી સસ્મિતા સાહુએ કહ્યું હતું કે અમે EOWની સામે પૂછપરછ માટે ગોવિંદાને સમન્સ મોકલી શકીએ છે. આ સિલસિલામાં મુંબઈમાં ટીમ મોકલવામાં આવશે.ગોવિંદાએ આ વર્ષ જુલાઈમાં ગોવામાં આયોજિત STAના વિશાળ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને કેટલાક વિડિયોમાં કંપનીનો પ્રચાર કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીએ લોકોને લાલચ આપીને નેટવર્ક બનાવવાનું કહ્યું હતું. તપાસ દરમિયાન ખબર પડી કે કંપનીએ એક મેગા ઈવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડ સ્ટાર ગોવિંદાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ 30 જુલાઈ 2023એ થયું હતું. EOW ની એક ટીમ ગોવા જવા રવાના થઈ, જ્યાં કાર્યક્રમ થયો. જ્યારે ટીમે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેમને જાણવા મળ્યું કે તેઓ STA સાથે સંકળાયેલા છે. ગોવિંદા મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં ગયો હોવાથી અમારે તેમનું નિવેદન પણ લેવું પડશે. આ ઈવેન્ટ માટે કોણે કોને કોન્ટેક્ટ કર્યો તે પણ અમારે શોધવાનું છે. આ પછી જ અમે વધુ માહિતી મેળવી શકીશું.