Home Blog Page 2481

મોબ લિન્ચિંગઃ યુવકની મારપીટ કરીને હત્યા, વિડિયો વાઇરલ

નવી દિલ્હીઃ દિલ્હીમાં મોબ લિન્ચિંગનો કેસ સામે આવ્યો છે. આ મામલો ઉત્તર પૂર્વ દિલ્હીના નંદનગરી વિસ્તારના સુંદરનગરીનો છે. અહીં 26 વર્ષીય યુવકની મારપીટ કરીને હત્યા કરવામાં આવી હતી. યુવકની મારપીટનો વિડિયો પણ સોશિયલ મિડિયામા પર વાઇરલ થઈ રહ્યો છે. યુવક મારપીટ કરતા લોકો પાસે છોડી દેવાની આજીજી કરતો રહ્યો, પણ નિર્દયી લોકો એને લાકડીઓછી મારપીટ કરતા રહ્યા હતા.

ઉત્તર પૂર્વ દિલ્હીના DCP ડોક્ટર જોય ટિર્કીએ જણાવ્યું હતું કે મૃતકની ઓળખ 26 વર્ષીય ઇસાર તરીકે થઈ છે.  આ હત્યાનો કેસ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. કેટલાય લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ કર્યા પછી સ્પષ્ટ થઈ શકશે કે ઇસારની મારપીટ કેમ અને કયા કારણસર કરવામાં આવી હતી.

જોકે સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક યુવકોએ ઇસાર નામના યુવકની મારપીટ કરી હતી. ત્યાર બાદ તે ઘરે પહોંચ્યો હતો. ઘરે તેની તબિયત બગડી હતી અને તેનું મોત થયું હતું. આ મૃતક યુવકના પિતાએ કહ્યું હતું કે તેમને કેટલાક લોકોએ માહિતી આપી હતી કે તેમના પુત્રએ પ્રસાદ લીધો હતો, જેને કારણે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેનો મારપીટનો વિડિયો પણ સામે આવ્યો છે. આ સિવાય  વિસ્તારના CCTV કેમેરા પણ તપાસવામાં આવી રહ્યા છે. યુવકની મારીમારીને હત્યા કરવામાં આવતાં આ વિસ્તારમાં ટેન્શનનો માહોલ છે. આ વિસ્તારમાં સલામતી રૂપે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે.

 

 

 

 

 

પેન્શન આપો, વેતન વધારો: કૂલીઓએ રાહુલ ગાંધી સમક્ષ મૂકી માગણી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગયા અઠવાડિયે અહીંના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર કૂલી તરીકે સેવા આપી રહેલાઓને મળ્યા હતા અને એમની સાથે ઘણી વાતો કરી હતી. કૂલીઓએ તેમની સમક્ષ કેટલીક માગણી રજૂ કરી હતી, જેમ કે એમના પગારમાં વધારો કરવામાં આવે, સુરક્ષિત રોજગારની ખાતરી આપવામાં આવે, સેવામાંથી નિવૃત્ત થાય તે પછી એમને દર મહિને રૂ.4,000-5,000 સુધી પેન્શન સુવિધા આપવામાં આવે.

કૂલીઓએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે, ‘તબિયત ખરાબ હોય તો પણ એમણે સ્ટેશન પર પ્રવાસીઓના સામાન ઉંચકવો પડે છે, કારણ કે એમને નોકરીની સુરક્ષા મળતી નથી.’

રાહુલ ગાંધીએ કૂલીઓ સાથેની એમની મીટિંગ અને એમની સાથે કરેલી વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

એક કૂલીએ રાહુલને એમ કહ્યું હતું કે, ‘કૂલીઓ છેક બ્રિટિશરોના જમાનાથી સ્ટેશનો પર સેવા બજાવી રહ્યાં છે.’ એક અન્ય કૂલીએ કહ્યું કે, ’40 કિલો વજન 20 મિનિટ સુધી ઉંચકવા માટે અમને 100 રૂપિયા મળે છે જે રકમ ઘણી ઓછી છે.’

રાહુલે એમને પૂછ્યું હતું કે, ‘વજન ઉંચકવાથી તમને શારીરિક રીતે વધારે કઈ તકલીફ થતી હોય છે?’ ત્યારે કૂલીઓએ કહ્યું હતું કે એમને શરીરના સાંધા, ઘૂંટણમાં તથા હાથ-પગમાં દુખાવો રહેતો હોય છે. રાહુલે જ્યારે એમને પૂછ્યું કે, ‘તમને વીમા અને તબીબી સુવિધા મળે છે?’ ત્યારે કૂલીઓએ કહ્યું કે, ‘અમને કોઈ જ સુવિધા મળતી નથી.’

AMAને શ્રેષ્ઠ સ્થાનિક મેનેજમેન્ટ એસોસિયેશનનો એવોર્ડ એનાયત

અમદાવાદઃ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) ભારતમાં મેનેજમેન્ટ પ્રોફેશનની રાષ્ટ્રીય સર્વોચ્ચ સંસ્થા, ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિયેશન (AIMA)ના પ્રમોટર અને સ્થાપક-સભ્યો પૈકીમાંનું એક છે. દર વર્ષે AIMA લોકલ મેનેજમેન્ટ એસોસિયેશન્સને “બેસ્ટ લોકલ મેનેજમેન્ટ એસોસિયેશન એવોર્ડ” એનાયત કરે છે.

નવી દિલ્હીમાં આયોજિત AIMAના ૫૦મા નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન ‘વાઇબ્રન્ટ ઇન્ડિયાઃ રિઇમેજિંગ ધ ઇન્ડિયન ડ્રીમ’ માં ૨૭મી સપ્ટેમ્બરે પ્રતિષ્ઠિત વક્તાઓ, CEO, મંત્રીઓ અને વિચારશીલ નેતાઓ ઉપસ્થિતિમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનને AIMAનો શ્રેષ્ઠ સ્થાનિક મેનેજમેન્ટ એસોસિએશનનો એવોર્ડ ૨૦૨૨- ૨૦૨૩ એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે AMA વ્યાવસાયિક સંચાલનમાં તેના ઉત્કૃષ્ટ યોગદાન માટે ૧૯૯૦થી ૨૦૨૩માં ૧૯ વખત AIMAને શ્રેષ્ઠ સ્થાનિક મેનેજમેન્ટ એસોસિએશનનો એવોર્ડ ૨૦૨૨- ૨૦૨૩ એનાયત દ્વારા શ્રેષ્ઠ સ્થાનિક મેનેજમેન્ટ એસોસિયેશન એવોર્ડ કેટેગરી-૧ જીત્યું છે.

મુખ્ય અતિથિ એસ. સોમનાથ – સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને ચેરમેન, ઇસરો, સ્પેસ કમિશન દ્વારા AMAના ભૂતપૂર્વ પ્રમુખ દિવ્યેશ રાડિયા- AIMA અને AMAના ભૂતપૂર્વ પ્રમુખ રાજીવ વસ્તુપાલ  અને AMAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉન્મેષ દીક્ષિતને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. AMA વિક્રમ સારાભાઈના વારસાને આગળ ધપાવવા અને અને મેનેજમેન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે માટે કટિબદ્ધ છે.

 

 

 

 

 

 

 

સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં ગણેશોત્સવની ઉજવણી

મુંબઈઃ કે.ઈ.એસ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં ૨૬/૦૯/૨૩ના મંગળવારે  ગુજરાતી પ્રાથમિક વિભાગમાં ગણેશોત્સવ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ શંકર, પાર્વતી, કાર્તિક, ગણેશજી, રિદ્ધિ અને સિદ્ધિ વગેરે દેવી દેવતાઓનું સ્વરૂપ બનીને આવ્યાં હતાં.

પ્રાચાર્યા કવિતા બહેન મારુની ઓફિસમાંથી ગણપતિ બાપ્પાની પ્રતિમા લઈને ‘ગણપતિ બાપ્પા મોરયા’ની ધૂન ગાતાં ગાતાં મુખ્ય સભાખંડમાં મૂર્તિની પ્રસ્થાપના કરવામાં આવી.

ભક્તિમય વાતાવરણમાં સહુએ ગણપતિ બાપ્પાની સંગીતમય આરતી કરી હતી અને શ્લોક ‘ૐ ગં ગણપતેય નમ:’ ગાવામાં આવ્યો હતો. બાળકોને ગણપતિ બાપ્પાની કથા કહેવામાં આવી હતી અને ધાર્મિક, પૌરાણિક મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું.

મલયાલમ ફિલ્મ ‘2018-એવરીવન ઈઝ અ હિરો’ છે ઓસ્કર-24માં ભારતની સત્તાવાર એન્ટ્રી

મુંબઈઃ કેરળમાં 2018ની સાલમાં આવેલા ભયાનક પૂર, એને કારણે થયેલી જાનહાનિ અને રાજ્યની બરબાદી તથા લોકોને ભોગવવી પડેલી હાડમારી પર આધારિત મલયાલમ ફિલ્મ ‘2018-એવરીવન ઈઝ અ હિરો’ને આવતા વર્ષે નિર્ધારિત ઓસ્કર એવોર્ડ કાર્યક્રમ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. આવતા વર્ષનો 96મો એકેડેમી એવોર્ડ્સ વિતરણ સમારંભ 10 માર્ચે લોસ એન્જેલિસના ડોલ્બી થિયેટરમાં યોજાશે. ‘2018-એવરીવન ઈઝ અ હિરો’ ફિલ્મના દિગ્દર્શક છે જ્યૂડ એન્થની જોસેફ. ફિલ્મમાં ટોવિનો થોમસ, કુન્ચાકો બોબન જેવા કલાકારો છે.

‘2018-એવરીવન ઈઝ અ હિરો’ ફિલ્મની કરાયેલી પસંદગીની જાણકારી જાણીતા દિગ્દર્શક ગિરીશ કાસરવલ્લીએ આજે પત્રકાર પરિષદમાં આપી હતી. કાસરવલ્લી ઓસ્કર માટે ભારતીય ફિલ્મની પસંદગી સમિતિના અધ્યક્ષ છે. એમણે કહ્યું કે, આ ફિલ્મ દુનિયા આખીને નડી રહેલી ક્લાઈમેટ ચેન્જની સમસ્યાને અત્યંત સુસંગત છે તેથી એની પસંદગી ભારતીય એન્ટ્રી તરીકે કરવામાં આવી છે. પસંદગી સમિતિમાં 16-સભ્યો છે. એમણે પસંદગી કરતા પહેલાં 22 જેટલી ફિલ્મો જોઈ હતી, જેમાં ‘2018-એવરીવન ઈઝ અ હિરો’ ઉપરાંત ધ કેરાલા સ્ટોરી, રોકી ઔર રાની કી પ્રેમકહાની, મિસીસ ચેટરજી વર્સીસ નોર્વે (બધી હિન્દી), બાલાગામ (તેલુગુ), વાળવી અને બાપલ્યોક (મરાઠી), ઓગસ્ટ 16, 1947 (તામિલ)નો સમાવેશ થાય છે.

ગૂગલે ડૂડલ સાથે ઊજવ્યો 25મો જન્મદિન

નવી દિલ્હીઃ સૌનું હાથવગું સર્ચ એન્જિન બુધવારે 25 વર્ષનું થયું છે અને ડૂડલ દ્વારા એ 25મા વર્ષનો જન્મદિન ઊજવી રહ્યું છે. આ ખાસ દિવસે ગૂગલે બહુ ખાસ ડૂડલ બનાવ્યું છે. ઇન્ટરનેટ સર્ચ એન્જિન તરીકે ગૂગલ વિશ્વનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. વ્યક્તિને કોઈ પણ માહિતી જોઈતી હોય તો તે ગૂગલ દ્વારા સર્ચ કરે છે. ગૂગલ પાસે લગભગ દરેક સવાલનો જવાબ મળી જાય છે.

ગૂગલની શોધ વર્ષ 1998માં સપ્ટેમ્બર મહિનામાં કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ લેરી પેજ અને સર્ગેઇ બ્રિને (Sergey Brin and Larry Page) કરી હતી. જોકે તેમણે સત્તાવાર લોન્ચ કરીને આનું પહેલાં નામ બેકરબ (Backrub) રાખ્યું હતું. જે પછી ગૂગલ કરી દીધું હતું.

ગૂગલે કહે છે કે હવે અમે વોટ્સએપ પર પણ છીએ. એમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે 1998 પછી ઘણુંબધું બદલાઈ ચૂક્યું છે. જેમ આજે ડૂડલ જોઈ શકાય છે. જોકે ગૂગલનું મિશન હંમેશાં એક જ રહ્યું છે – વિશ્વની માહિતીની વ્યવસ્થિત કરવી અને એને એને સુલબ અને ઉપયોગી બનાવવી. વિશ્વભરના અબજો લોકો સર્ચ કરવા, જોડાવા, કામ કરવા, રમવા અને ઘણુંબધું સર્ચ કરવા માટે ગૂગલનો ઉપયોગ કરે છે.

ગૂગલનો ઇતિહાસ

ગૂગલની સ્થાપના ડોક્ટરેટ વિદ્યાર્થીઓ સર્ગેઇ બ્રિન અને લેરી પેજ દ્વારા કરવામાં આવી હતીસ, જે 90ના દાયકાના અંતમાં સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીના કોમ્યુટર સાયન્સના કાર્યક્રમમાં મળ્યા હતા. બંનેનો દ્રષ્ટિકોણ એક જેવો હતો. તેઓ વર્લ્ડ વાઇડ વેબને વધુ સુલભ  બનાવવા માગતા હતા. ગૂગલની સ્થાપના ચોથી સપ્ટેમ્બર, 1998એ થઈ હતી અને 27 સપ્ટેમ્બર, 1998એ Google Inc. સત્તાવાર રીતે પેદા થઈ હતી.

 

 

 

 

વાયબ્રન્ટ સમિટ મારા માટે મજબૂત બોન્ડિંગનું પ્રતીકઃ PM મોદી

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સાયન્સ સિટીમાં વાયબ્રન્ટ ગુજરાતની સફળતાનાં 20 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે. આ કાર્યક્રમ વાયબ્રન્ટ સમિટના સફળતાની ફિલ્મ બતાવવામાં આવી છે. વર્ષ 2003માં વાયબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ થયો હતો.

આ પ્રસંગે મોદીએ કહ્યું હતું કે ગુજરાત વાયબ્રન્ટનું એક નાનું બીજ વાવ્યું હતું, એ આજે વટવૃક્ષ બની ગયું છે, આ એક બ્રાન્ડિંગનું આયોજન નહીં બોન્ડિંગનું આયોજન છે. દુનિયા માટે આ બ્રાન્ડ હોઇ શકે પણ મારા માટે સફળ બોન્ડિંગ છે.

તેમણે કહ્યું હતું કે રાજ્યમાં આ સમિટ પહેલાં રોકાણકારોને ધમકાવવામાં આવતા હતા. ગુજરાતને બદનામ કરવા માટે ષડયંત્ર રચવામાં આવતાં હતાં. વિશ્વ ગુજરાતની સફળતા જોઈ રહી છે.

તેમણે કહ્યું હતું કે ગુજરાતે કેટલાંક સંકટોનો સામનો કર્યો છે. ગુજરાતે ભૂકંપ અને દુકાળનું સંકટ પણ જોયું છે. ગુજરાતે આર્થિક સંકટ પણ સહન કર્યું છે. વાયબ્રન્ટ સમિટ મારા માટે એક મજબૂત બોન્ડિંગનું પ્રતીક છે. એ એ બ્રાન્ડ છે, જે સાત કરોડ ગુજરાતીના સામર્થ્યથી જોડાયેલી છે. આ પ્રસંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ સમિટ ઓફ સક્સેસ છે. 300 બિઝનેસ પાર્ટનર સાથે સમિટની સફરની શરૂઆત થઈ હતી. ગિફ્ટ સિટી ધોલેરા જેવા વિશ્વ સ્તરીય પ્રોજેક્ટ વડા પ્રધાને ગુજરાતને આપ્યો છે.

જાપાનના ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાતનાં 20માં વર્ષ બદલ અભિનંદન, મેક ઇન ઇન્ડિયામાં જાપાન પહેલા નંબરે ફાળો આપનાર દેશ છે. કુલ એમઓયુના 70 ટકા જેટલું રોકાણ ગુજરાતમાં થયું છે.

 

 

 

 

કોરાનાના 47 નવા કેસો, એક પણ જણનું મોત નહીં   

  નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 47 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,98,650 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,031 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,66,153 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 44 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 466 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 25,105 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.53 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,71,275 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 126 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ભારતની 3 મહિલા શૂટર્સએ ટીમ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો

હાંગ્ઝોઃ ભારતની મહિલા શૂટરોએ અહીં રમાતી 19મી એશિયન ગેમ્સમાં નિશાનબાજીની રમતમાં આજે જોરદાર દેખાવ કરીને એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો છે.

મનુ ભાકર, ઈશા સિંહ અને રીધમ સાંગ્વાને 25 મીટર પિસ્તોલ ટીમ હરીફાઈમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. વર્તમાન ગેમ્સમાં ભારતને મળેલો આ ચોથો ગોલ્ડ મેડલ છે.

50 મીટર રાઈફલ હરીફાઈમાં સિલ્વર મેડલ મળ્યો

જ્યારે મહિલાઓની 50 મીટર રાઈફલ 3 પોઝિશન્સ ટીમ હરીફાઈમાં આશી ચોક્સી, માનિની કૌશિક અને સિફ્ત કૌર સામરાએ રજત ચંદ્રક જીત્યો છે.

ઈરાકમાં મેરેજ હોલમાં ભીષણ આગ લાગી, 100નાં મરણ

બગદાદઃ ઈરાકના ઉત્તર ભાગમાં નિનેવેહ પ્રાંતના હમદાનિયા શહેરમાં બુધવારે વહેલી સવારે બનેલી એક દુર્ઘટનામાં એક લગ્ન સમારંભના હોલમાં ભીષણ આગ લાગતાં વર અને કન્યા સહિત 100થી વધારે લોકોનાં મરણ થયા છે અને બીજાં દોઢસો જેટલા લોકો ઘાયલ થયાં છે. લગ્ન સમારંભ ખ્રિસ્તી સમાજનાં લોકોનો હતો. વિસ્તારમાં ખ્રિસ્તીઓની બહુમતી છે.

હમદાનિયા શહેર ઈરાકના મોટા શહેરોમાંના એક, મોસૂલથી બાજુમાં જ આવ્યું છે. ટીવી સમાચાર ચેનલોએ આગની ઘટનાના ફૂટેજ બતાવ્યા છે. એમાં જોઈ શકાય છે કે આગની ભયંકર જ્વાળાઓએ તે આખા મેરેજ હોલને ભરડો લીધો હતો. જ્યાં જુઓ ત્યાં ભડથૂં થઈ ગયેલા માનવદેહ, ધાતુના ખુરશી-ટેબલ અને કાટમાળ જોવા મળ્યા હતા. કેટલાક લોકો બચી ગયા છે અને એમને નજીકની હોસ્પિટલોમાં ઓક્સિજન આપવામાં આવ્યા હતા. ઈરાકના વડા પ્રધાન મોહમ્મદ શિયા-અલ-સુદાનીએ આ દુર્ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

આગનું કારણ તાત્કાલિક જાણવા મળ્યું નથી. મરણાંકની સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. મેરેજ હોલના બાહ્ય ડેકોરેશનમાં આવરણ માટે અત્યંત જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ કરાયો હતો. આ પદાર્થોને ઈરાકમાં ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા છે. કારણ કે આગ લાગતાં આવા આવરણો પળવારમાં ધ્વસ્ત થઈ જતાં હોય છે અને ભયાનક દુર્ઘટના કરે છે.