Home Blog Page 2482

ઈરાકમાં મેરેજ હોલમાં ભીષણ આગ લાગી, 100નાં મરણ

બગદાદઃ ઈરાકના ઉત્તર ભાગમાં નિનેવેહ પ્રાંતના હમદાનિયા શહેરમાં બુધવારે વહેલી સવારે બનેલી એક દુર્ઘટનામાં એક લગ્ન સમારંભના હોલમાં ભીષણ આગ લાગતાં વર અને કન્યા સહિત 100થી વધારે લોકોનાં મરણ થયા છે અને બીજાં દોઢસો જેટલા લોકો ઘાયલ થયાં છે. લગ્ન સમારંભ ખ્રિસ્તી સમાજનાં લોકોનો હતો. વિસ્તારમાં ખ્રિસ્તીઓની બહુમતી છે.

હમદાનિયા શહેર ઈરાકના મોટા શહેરોમાંના એક, મોસૂલથી બાજુમાં જ આવ્યું છે. ટીવી સમાચાર ચેનલોએ આગની ઘટનાના ફૂટેજ બતાવ્યા છે. એમાં જોઈ શકાય છે કે આગની ભયંકર જ્વાળાઓએ તે આખા મેરેજ હોલને ભરડો લીધો હતો. જ્યાં જુઓ ત્યાં ભડથૂં થઈ ગયેલા માનવદેહ, ધાતુના ખુરશી-ટેબલ અને કાટમાળ જોવા મળ્યા હતા. કેટલાક લોકો બચી ગયા છે અને એમને નજીકની હોસ્પિટલોમાં ઓક્સિજન આપવામાં આવ્યા હતા. ઈરાકના વડા પ્રધાન મોહમ્મદ શિયા-અલ-સુદાનીએ આ દુર્ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

આગનું કારણ તાત્કાલિક જાણવા મળ્યું નથી. મરણાંકની સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. મેરેજ હોલના બાહ્ય ડેકોરેશનમાં આવરણ માટે અત્યંત જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ કરાયો હતો. આ પદાર્થોને ઈરાકમાં ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા છે. કારણ કે આગ લાગતાં આવા આવરણો પળવારમાં ધ્વસ્ત થઈ જતાં હોય છે અને ભયાનક દુર્ઘટના કરે છે.

વાહ ભાઈ વાહ! – ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૩

અહીં ‘સભ્ય સાચી’ની થીમ સાથે બિરાજમાન છે દાદા

સમગ્ર દેશ જ્યાં ગણેશમય બન્યો છે ત્યારે આજે વાત કરીએ મધ્ય ગુજરાતના એનઆરઆઈ શહેર આણંદની. જ્યાં બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્ધારા ભવ્ય ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે.

 ભવ્ય ગણેશોત્સવનું આયોજન

દુંદાળા દેવની વિદાયનો સમય નજીક આવી રહ્યો છે.. ત્યારે  ભાવિકો બાપ્પાની ભક્તિમાં વધુને વધુ  લીન બની રહ્યાં છે. ગુજરાતના ચરોતર પંથકમાં સૌથી ભવ્ય ગણેશોત્સવનું આયોજન આણંદના બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્ધારા કરવામાં આવ્યું છે. અહીં બિરાજમાન ગણપતિ દાદાની જાજરમાન મૂર્તિ જોઈને કોઈ પણ અચંબામાં પડ્યા વગર ન રહી શકે.

આણંદના બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્ધારા છેલ્લા 9 વર્ષથી આ ભવ્ય આયોજન કરવામાં આવે છે. એટલુ જ નહીં 2022માં દાદાના આ પંડાલે આણંદ જીલ્લામાં પ્રથમ સ્થાન પણ પ્રાપ્ત કર્યુ હતુ. આ વર્ષે પણ એટલી જ ભવ્યતાથી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે.

દાયકાથી થાય છે આયોજન

બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટના 60 જેટલા યુવાનોનું યુવક મંડળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરે છે. આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતા બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દ્રવિડ રણજીતભાઈ પાસવાન કહે છે કે, અમે છેલ્લા નવ વર્ષથી દાદાના પંડાલનું આયોજન કરીએ છીએ. સૌ સાથે મળીને દસ દિવસ ગણેશમય બનીને બાપ્પાની ભક્તિ કરીએ છીએ. બાપ્પાની આરાધનાની સાથે દસ દિવસ જુદા-જુદા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

સેવાકીય પ્રવૃતિ સાથે બાપ્પાની આરાધના

જ્યારે ટ્રસ્ટના ઉપપ્રમુખ મનન હિંગુ ચિત્રલેખા.કોમને કહે છે, બાપ્પાના મહાઉત્સવ દરમિયાન જુદી જુદી ભક્તિમય શિબિરોનું આયોજન કરવામાં આવે છે. આ સાથે જ ભજન મંડળની રમઝટ તો ખરી જ. જ્યારે ટ્રસ્ટના મંત્રી જય ભોઈ અને સહમંત્રી ધ્રુવ પટેલ કહે છે. આ દસ દિવસ દરમિયાન અમે સમાજ સેવાના પણ અનેક કાર્યો કરીએ છીએ. જેમાં ગરિબ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવી ઉપરાંત રક્તદાન શિબિરનું પણ આયોજન કરી 75 યુનિટ રક્ત એકત્ર કર્યુ છે.

વિદેશથી આવે છે ભક્તો દર્શને

આ મંડળના 35 સભ્યો એનઆરઆઈ છે. પરંતુ બાપ્પાની આરાધના કરવા દર વર્ષે એક સભ્ય ગણેશોત્સવમાં ખાસ હાજર રહે છે. આ વર્ષે દુંદાળા દેવનો રાજીપો મેળવવા યુએસએથી આવેલા મીત હર્ષદભાઈ પટેલ કહે છે, અમે પહેલેથી જ નક્કી કર્યુ છે કે દર વર્ષે કોઈ એક સભ્યે તો બાપ્પાના દરબારમાં હાજરી પુરાવવાની જ. અન્ય લોકો પણ વિદેશની ધરતી પર રહીને પણ દાદાની આરાધના તો કરતા જ રહે છે.

લાખો રૂપિયાનો છે પંડાલ

બ્લોકબસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્ધારા આ વર્ષના આજોન પાછળ અંદાજે 16 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જે ભગવતી ડેકોરેશનના સહયોગથી શક્ય બન્યો છે. દાદાના પંડાલની થીમ વિશે વાત કરીએ તો ‘સભ્ય સાચી’ની થીમ પર આખો પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. જે ભવ્યથી ભવ્ય લાગી રહ્યો છે.

સમગ્ર પંથક બને છે ભક્તિમય

આ પંડાલમાં બાપ્પાની સાત ફુટની મૂર્તિ બિરાજમાન છે જે પ્યોર માટીની છે. દર વર્ષે દાદાને વાજતે ગાજતે લાવવામાં આવે છે. અને વિસર્જન પણ ખુબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ પંડાલમાં બિરાજમાન ગણશેજીના દર્શન કરવા આસપાસના ગામના લોકો પણ આવે છે. રાત્રે જાણે સમગ્ર પંથક ભક્તિમય બની ગયુ હોય એવો અહેસાસ અહીં જોવા મળે છે.

હેતલ રાવ

પ્રજ્ઞેશ વ્યાસ

૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૩

૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૩

સૌરાષ્ટ્ર બની શકે છે પ્રવાસીઓનું ફેવરિટ!

આજે 27 સપ્ટેમ્બર એટલે કે વિશ્વ પ્રવાસન દિવસ, આમ તો ગુજરાતમાં એવા અનેક સ્થળ છે જ્યાં બારે મહિના પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. જો કે આજે વાત કરવી છે સૌરાષ્ટ્રની.

સૌરાષ્ટ્રના દ્વારકા, સોમનાથ, ગિરના જંગલો, ચોટીલા, હર્ષદ, માટેલ, ઘેલા સોમનાથ, વીરપુર, માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, જેસલ તોરલ સમાધી, ધોળાવીરા, રણોત્સવ, ખીજડીયા પક્ષી અભ્યારણ, પીરોટન ટાપુ, નરારા ટાપુ, શિવરાજપુર બીચ, પીંડારા, ઓસમ ડુંગર, બરડો ડુંગર, વિર માંગળાવાળાની જગ્યા, કિલ્લેશ્વર સહિતના સ્થળો સહેલાણીઓમાં લોકપ્રિય છે.

સૌરાષ્ટ્ર એક વિશાળ અને આગવી ખાસિયતો ધરાવતો પ્રદેશ છે. સૌરાષ્ટ્ર પાસે ગૌરવ લઇ શકાય તેવા અનેક દર્શનીય સ્થળો અને પ્રવાસન સ્થળોની કુદરતી વિરાસત છે. સૌરાષ્ટ્રમાં દેશનો સૌથી મોટો દરિયો, પર્વતો, જંગલો અને રણ પ્રદેશ, ઐતિહાસિક સ્થળો આવેલા છે. સૌરાષ્ટ્રમાં બે મહત્વના યાત્રાધામો દ્વારકા અને  સોમનાથ પણ છે.           ત્યારે આજે આવા જ કેટલાક સ્થળોની મુલાકાત કરીએ…

રાજકોટઃ સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટ કાઠિયાવાડ તરીકે પણ પ્રસિધ્ધ છે તેને ૮ જિલ્લાની બોર્ડેર સ્પર્શે છે. રાજકોટમાં મહાત્મા ગાંધી જ્યાં ૮ વર્ષ અભ્યાસ કર્યો તે આલ્ફ્રેડ સ્કુલ હવે વૈશ્વિક કક્ષાના ગાંધી મ્યુઝિયમમાં પરિવર્તિત થઇ ચૂકી છે. ગાંધીજીનું નિવાસ્થાન ‘કબા ગાંધીનો ડેલો’ કે જયા ગાંધીજીના લગ્ન થયા હતા તેઓના બે બાળકોના જન્મ પણ આ જ ઘરમાં થયા હતા.

રાજકોટનો દરબાર ગઢ, રણજીત વિલાસ પેલેસ, સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર, ઈશ્વરીયા પાર્ક, અતિ અદ્યતન રીજીયોનલ સાયન્સ સેન્ટર, રામ વન, પ્રદ્યુમન પાર્ક, અંગ્રેજોના શાસનકાળમાં રાજકુમારોના શિક્ષણ માટે શરૂ કરેલ રાજકુમાર કોલેજ, ખાદી સહિતની રચનાત્ક ગાંધીજી સ્થાપિત રાષ્ટ્રિય શાળા, રાંદરડા તળાવ, રેસકોર્સ, આજી અને ન્યારી ડેમ, બાલભવન, રેસકોર્ષ, જયુબેલી ગાર્ડન સહિતના અનેક પર્યટક સ્થળો આવેલ છે. જયારે જિલ્લામાં આવેલ વિવિધ સ્થળોમાં ઘેલા સોમનાથ, ઓસમ ડુંગર, સંત શિરોમણિશ્રી જલારામ બાપાનું વીરપુર, રાજા સિધ્ધરાજના માતા મીનળદેવીએ બંધાવેલ મીનળ વાવ, શક્તિવન, કાગવડ, ખંભાલીડાની બૌધ્ધ ગુફાઓ,  જેતપુર પાસેનો ભાદર ડેમ, ગોંડલનું સ્વામીનારાયણ મંદિર, ભૂવનેશ્વરી મંદિર, નાથાભાઇ જોષી સ્થાપિત રમાનાથ મંદિર, હિંગોળગઢ અભ્યારણ્ય અને કિલ્લો, દેશ-વિદેશની ઢીંગલીઓનું ડોલ્સ મ્યુઝિયમ, ઇ.સ. ૧૮૫૬માં સ્થાપાયેલી ૧૬૦ વર્ષ જૂની લેંગ લાઇબ્રેરી સહિતના સ્થળો અહીં આવેલા છે. રાજકોટ, ધેલા સોમનાથ અને ઓસમ પાટણવાવમાં ભરાતા લોકમેળા પણ સુપ્રસિધ્ધ છે.

મોરબી : દેશ અને દુનિયામાં સિરામિક,ઘડિયાળ, બરફના ગોલાથી સુપ્રસિધ્ધ મોરબી જિલ્લામાં આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થળ ટંકારા આવેલ છે. જયા વૈદિક ધર્મનું અભ્યાસ કેન્દૃ્ ચાલે છે. મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ રાજચન્દ્રાચાર્યનુ જન્મ સ્થળ વવાણીયા આવેલ છે. મોરબીના મહારાજા લખધીરસિંહે ૧૯૪૬માં બંધાવેલુ પિતૃ તર્પણ માટે જાણીતુ રફાળેશ્વર મંદિર,  શ્રી ખોડિયાળ માતાનું મંદિર માટેલ, રતનપરમાં આવેલ શ્રી રામચરિત માનસ મંદિર વગેરેના દર્શન કરવા શ્રધ્ધાળુઓ અવિરત આવતા રહે છે, વાંકાનેર નજીકના તીથવા ગામના ડુંગર ઉપર આવેલ સ્વયંભૂ જડેશ્વર મંદિર, તત્કાલીન રાજવીઓનો વાંકાનેર પેલેસ, નવલખી બંદર વગેરે પણ જાણીતા પ્રવાસન સ્થળો છે. મોરબીમાં રફાળેશ્વર, રતનપર વગેરે ખાતે ભરાતા લોકમેળા સુપ્રસિધ્ધ છે.

કચ્છ : તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકપ્રિય અભિનેતા અમિતાભ બચ્ચન પાસે કચ્છના રણને પ્રસિધ્ધિ અપાવી હતી, જેને લીધે આજે દેશ-દુનિયામાંથી લોકો કચ્છ જોવા માટે આવી રહ્યા છે તેમજ રાજ્ય સરકાર  દ્વારા પ્રતિ વર્ષ ભુજથી ૬૦ કિમી દૂર આવેલ ધોરડો ખાતે રણ ઉત્સવ યોજાય  છે, જેની દેશ અને દુનિયાના પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. કચ્છમાં સુપ્રસિદ્ધ માં આશાપુરાનો માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ મંદિર, હાજી પીરનો મેળો પણ અનેક શ્રદ્ધાળુઓને આસ્થાનું કેન્દ્ર છે. માંડવી અને મુન્દ્રાના પોર્ટ, અંજારમાં જેસલ તોરલની સમાધિ, ધોળા વીરાની પ્રાચીન સંસ્કૃતિના પુરાવા સમૂહ, માંડવીમાં દરિયા ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિર્મિત શ્યામાપ્રસાદ વર્મા સ્મૃતિ સ્મારક  તેમજ ભુજમાં સ્મૃતિ વન, ભુજીયો, કાળો ડુંગર, હમીરસર તળાવ,  આયના મહેલ, વિજય વિલાસ પેલેસ, સહીતના સ્થળો આવેલ છે.

જામનગર : ભારતીય સેનાની ત્રણેય પાંખો(નેવી, આર્મી, એરફોર્સ) આવેલી છે એવા છોટી કાશી, બ્રાસ સીટી અને બાંધણીના નગર તરીકે ઓળખાતા આ જિલ્લામાં બાલા હનુમાન, રણજીત સાગર ડેમ, વિકિયા વાવ, મોડપર કિલ્લો, જોડિયા, મરીન નેશનલ પાર્ક ખીજડીયા પક્ષી અભ્યારણ, રણજીત સાગર ડેમ, પીરોટન ટાપુ, નરારા ટાપુ સહિતના વિવિધ પ્રાકૃતિક અને જીવસૃષ્ટીને માણવાલાયક સ્થળો આવેલા છે. ધ્રોલમાં ભૂચર મોરીનું મંદિર, બાલાચડી સૈનિક સ્કુલ વગેરે પણ આવેલા છે.

દેવભૂમિ દ્વારકા : દેશના ચાર ધામો પૈકી એક ધામ તથા ૧૨ જ્યોર્તિલિંગમાંથી એક એવું નાગેશ્વર જ્યોતિર્લિંગ,  શારાદાપીઠ, દાંડી હનુમાન, બ્લુ ફ્લેગ ધરાવતો શિવરાજપુર બીચ, તેમજ ડની પોઈન્ટ , ગોમતી ઘાટ, પીંડારા, દ્વારકાનો દરિયા કિનારો, બેટ દ્વારકા, પવિત્ર ગોમતી તટ પર આવેલ ભગવાન શ્રીકૃષ્ણનુ અતિ લોકપ્રિય અને ૧૪૦૦૦ વર્ષ ની તવારીખ ધરાવતુ ભગવાન શ્રી દ્વારકાધીશનું મંદિર, રુકમણી દેવીનું મંદિર પણ લોકો માટે આસ્થાનું કેન્દ્ર ગણાય છે. બરડો ડુંગર, નવલખી ઘુમલી મહેલ, વિર માંગડા વાળાની જગ્યા, કિલ્લેશ્વર મહાદેવ,  ગોપનાથ મંદિર, હાથલામાં શનિદેવ મંદિર, સિદસર ઉમિયા મંદિર, ઇન્દ્રેશ્વર મંદિર વગેરે આવેલા છે.

જુનાગઢ : સંત, શુરા અને સિંહને લીધે વૈશ્વિક ફલક પર જાણીતો આ જિલ્લો ભક્ત કવિ નરસિંહ મહેતાના ગામ તરીકે ઓળખાય છે જ્યાંના ગરવા ગઢ ગિરનારમાં મહાશિવરાત્રી તથા લીલી પરિક્રમાના મોટા મેળા ભરાય છે. ગિરનારમાં માં અંબા, દતાત્રેય તથા જૈન મંદિરો આવેલા છે જ્યાં હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા રોપ-વેનું નિર્માણ કરાતા પ્રવાસનને પણ વેગ મળ્યો છે. જૂનાગઢમાં આવેલ સક્કરબાગ, અશોકનો શિલાલેખ, ઇન્દ્રેશ્વર મહાદેવ, સાસણ ગીર, કનકાઈ, બાણેજ, તુલસીશ્યામ, સરકડીયા હનુમાન જેવા જંગલોમાં આવેલા પ્રાચીન મંદિરો આસ્થાના કેન્દ્ર બિંદુ છે. તો સાસણ ગીરના દેવળિયા પાર્કમાં લાખોની સંખ્યામાં પર્યટકો એશિયાટિક સિહોને નિહાળવા આવે છે.

ગીર-સોમનાથ : ૧૨ જ્યોતિર્લીંગમાનુ સૌ પ્રથમ તથા ચંદ્રએ આરાધેલા સોમનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે તે સુપ્રસિધ યાત્રાધામ ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન શ્રી કૃષ્ણએ અંતિમ શ્વાસ ભાલકા તીર્થમાં લીધા હતા તો પિતૃ શ્રાદ્ધ માટે જાણીતા પ્રભાસ પાટણ ઉપરાંત વિશાળ દરિયા-કિનારો હોવાથી સોમનાથ, ચોરવાડ, માંગરોળ, આદ્રી, વેરાવળ વગેરે પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

પોરબંદર : ભગવાનશ્રી કૃષ્ણના બાલ સખા એવા સુદામાની આ નગરીમાં દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય ગાંધીજીનું જન્મસ્થળ છે કીર્તિ મંદિર  તેમજ  દરિયા કાંઠે વિકસેલું આ શહેર સુપ્રસિધ ભાગવત આચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો સંદીપની આશ્રમ આવેલો છે. દરિયા ઉપરાંત બરડા ડુંગરથી છવાયેલા આ જિલ્લામાં આવેલ માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ રુકમણી માતા સાથે થયા હતા તે જગ્યા પર પ્રતિ વર્ષે રાજ્ય સરકાર દ્વારા અંતરરાષ્ટ્રીય કક્ષાનો મેળો યોજાય છે, જેમાં દેશભરથી પર્યટકો આવે છે. માધવપુરમાં ઓશો આશ્રમ પણ આવેલ છે. મોચા હનુમાન, બરડા અભ્યારણ, ગોકરણ તેમજ બિલેશ્વર મહાદેવ જેવા સ્થળો અહીં આવેલ છે.

સુરેન્દ્રનગર : પાંચાલની આ ભૂમિ તરણેતરના સુપ્રસિધ્ધ લોકમેળાથી જાણીતી બની છે. આ જિલ્લામાં ઘુડખર અભયારણ્ય, ચોટીલાના ડુંગર ઉપર માતા ચામુંડાનું મદિર, હવા મહેલ, માધા વાવ, રાણકદેવી મંદિર, મીનળ વાવ, સેજકેરનો નવલખો, જગદીશ આશ્રમ, ભીમોરની ગુફા, ત્રિનેત્રેશ્વર મહાદેવનો લોકપ્રિય મેળો, કબીર આશ્રમ, નળ સરોવર, માંડવ વિડ સહિતના સ્થળો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

અમરેલી : આ જિલ્લાના ધારીમાં આવેલ જંગલ એશિયાટિક સિંહો માટે જાણીતું સ્થળ છે. તેમજ અહીં રાજ મહેલ, ગીરધરભાઈ સંગ્રહાલય, પાંડવ કુંડ, ભગવાન શ્રી હનુમાનજીનું પ્રસિદ્ધ સ્થળ ભુરખિયા હનુમાન, સરકેશ્વર, દીવાદાંડી, કલાપી તીર્થ અને વારાહી માતાનું મંદિર અહીં આવેલ છે.

રાશિ ભવિષ્ય 27/09/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનુ આયોજન થઈ શકે છે તેમા ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમા નાનુ અને અનુભવમુજબનુ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસે સાવચેતી રાખવી તેમા પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, વણમાગી સલાહકે સુચન આજના દિવસે ના આપવી ઈછાનીય છે. વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, યુવાવર્ગે કોઈનીસાથે અર્થહીન વાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમા સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનારવર્ગથી દુર રહેવુ જરૂરી છે, ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવુ, ઉશ્કેરાટથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમ ન કરવુ, ઉતાવળિયા નિર્ણયથી બચવુ.


આજનો દિવસ સામાન્ય છે, મનમા થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમા સમયનો દુરવ્યય થાય, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણ ના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજી ના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવુ, નોકરી-ધંધામા પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે, યુવાવર્ગને ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, વેપારમા કોઈ મોટાજોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમા કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવુ બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમા કોઈ લાભની તક દેખાઈ શકે છે.


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામા થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બને તેમજ જો નસીબ સાથ આપેતો ઘણુ બધુ કાર્ય થઇ શકશે, મુસાફરીના યોગ છે, વેપારમા લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમા મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમા કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતીકે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.

નોટ આઉટ @ 93 નવનીતભાઈ ચોક્સી

જીવરાજ હોસ્પિટલ, અંધ-કન્યા ‘પ્રકાશ’ ગૃહ, રાજસ્થાન હોસ્પિટલ, ગુજરાત કેન્સર સોસાયટી, દર્દીઓનું રાહત ફંડ, વિવેક એજ્યુકેશન ટ્રસ્ટ-મણીનગર, ટેક્સટાઇલ ટ્રેડર્સ બેંક જેવી અનેક સેવાભાવી સંસ્થાઓમાં તન-મન-ધનથી સક્રિય સહકાર આપનાર નવનીતભાઈ ચોક્સીની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  નવનીતભાઈનો જન્મ ઉજ્જૈનમાં. અભ્યાસ અને બાળપણ અમદાવાદમાં. ટુટોરીઅલ હાઇસ્કુલ (ખાડિયા)માં શાળાનો અભ્યાસ. એલડી આર્ટસ કોલેજમાંથી એલએલબી ભણ્યા. પોળના પહેલા ગ્રેજ્યુએટ! તેમને બે ભાઈ, ચાર બહેનો. સાંકડી-શેરીમાં સુખી કુટુંબ. દાદાને સોના-ચાંદીની દુકાન. પિતાજી શેરબજારનું કામ કરતા. બાળકો બહાર જઈ કામ કરે એવી પિતાજીની ઈચ્છા. નવનીતભાઈ નોકરી માટે ત્રણ વર્ષ મુંબઈ ગયા અને એક ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કર્યું. અમદાવાદ પાછા આવી તેમણે મસ્કતી માર્કેટમાં ધંધો શરૂ કર્યો અને મસ્કતી મહાજનના પ્રેસિડેન્ટ થયા! 40-50 વર્ષ લિડિંગ મર્ચન્ટ તરીકે કામ કર્યું. અમદાવાદ, મુંબઈ, મદ્રાસ, દિલ્હી, કોઇમ્બતુર વગેરે શહેરોમાં એજન્સીઓ કરી. દીકરાઓએ ધંધો વધારી કેમિકલ ફેક્ટરી શરુ કરી. પત્ની રજનીબહેન રોહિત મિલના માલિકની દીકરી, પણ સેવા અને સાદગીમાં માને. તેમણે કુટુંબને સાચવી લીધું અને નવનીતભાઈની કેરિયરમાં ઘણો મોટો ફાળો આપ્યો. તેમને બે દીકરા અને બે પૌત્રીઓ છે. પત્ની 2011માં અવસાન પામ્યાં. પિતાએ આવકના 10% ડોનેશન આપવા કહ્યું હતું, એટલે તેઓ કમાતા થયા ત્યારથી એમણે એક ટ્રસ્ટ બનાવ્યું અને સેવા-કાર્ય શરુ કર્યું.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે ઊઠીને નિત્યકાર્ય પતાવી કસરત-પ્રાણાયામ કરે. હવે ચલાતું નથી પણ કસરતમાં નિયમિત. પછી પ્રાર્થના કરે, વાંચન કરે. જમીને થોડોક આરામ કરે. અઢી વાગે ઓફિસે આવે. “બહારનું ખાવું નહીં” તે તેમનો મંત્ર!  રતુભાઈ અદાણીના આગ્રહથી, મધ્યમ-વર્ગના દર્દીઓને પોસાય તેવી જીવરાજ હોસ્પિટલના તેઓ ફાઉન્ડર મેમ્બર બન્યા, અને તન-મન-ધનથી આજ પર્યંત સેવા કરે છે. 30 વર્ષથી અંધ-કન્યા ‘પ્રકાશ’ ગૃહમાં, રાજસ્થાન હોસ્પિટલમાં, ગુજરાત કેન્સર સોસાયટીમાં, દર્દીઓનું રાહત ફંડમાં સેવા આપે છે. સાંજે બહેનોને મળવા જાય, સાથે ચા-નાસ્તો કરે અને તેમનું ધ્યાન રાખે. રોજ સાંજે પુત્ર અને પુત્ર-વધૂ  સાથે બેસે અને અવનવી વાતો કરે. પછી થોડીવાર ટીવીમાં સમાચાર જુએ. ‘કોન  બનેગા કરોડપતિ’ જોવાનું ગમે!

શોખના વિષયો : 

મેગેઝીન વાંચવા ગમે, સંગીત સાંભળવાનું ગમે. સિનેમા જોવાનો શોખ, ધર્મનું વાંચન અને જ્ઞાન ઘણું, પણ મંદિરે જવાને બદલે હોસ્પિટલ અને શાળામાં જવામાં માને!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

દસ-બાર વર્ષ પહેલાં પડી ગયા હતા એટલે નાની સર્જરી કરવી પડી હતી ત્યારથી પગ સાથ આપતા નથી, બાકી તબિયત સારી છે. કોઈ રોગ નથી. રોજ ઓફીસ અવાય છે અને સેવાનાં કામો થાય છે!

યાદગાર પ્રસંગ:  

1942ની લડતના સમયે તેઓ આઝાદીની પત્રિકાઓ શર્ટમાં નાખીને જતા હતા. પોલીસે પકડ્યા અને શર્ટ ખેચ્યું, તો પત્રિકાઓ નીકળી પડી અને પોલીસે ખૂબ માર માર્યો. 1955માં મોટીબહેન સગર્ભાવસ્થામાં વિધવા થયાં. નવનીતભાઈએ યોગ્ય છોકરો શોધ્યો અને અમદાવાદના ચુસ્ત વાતાવરણમાં, મા-બાપના  વિરોધ છતાં, મોટીબહેનના વિધવા-વિવાહ કરાવ્યા. બધાં ભાઈ-બહેનોને સેટ કર્યાં અને આજે પણ તેમનું પૂરતું ધ્યાન રાખે છે.વિવેક એજ્યુકેશન ટ્રસ્ટ-મણીનગરની શાળામાં સાયન્સની લેબના ઉદઘાટનમાં તેઓ જાતે આ ઉંમરે હાજર હતા! 25 વર્ષથી અંધ-કન્યા-શાળાની દીકરીઓનાં સમૂહ-લગ્ન કરાવે છે, તેમને ઘરવખરી અને બીજી સગવડો કરી આપે છે.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

તેમને કામકાજ માટે ટેકનોલોજીની જરૂર નથી પડી એટલે શીખ્યા નથી, પણ શીખવું ગમે. સ્પીડથી પ્રોગ્રેસ કરવો હોય તો ટેકનોલોજી વગર ચાલે નહીં.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

માણસ પાસે સમય જ નથી. મિત્રો-પાડોશીઓનું શું ધ્યાન રાખે? સમય પ્રમાણે બધું બદલાતું રહે છે, પણ અત્યારે સમય ઘણો ઝડપથી બદલાઈ રહ્યો છે. માણસ સ્વાર્થી બની ગયો છે, કોઈ કોઈને મદદ કરતું નથી. વડીલો જ મદદ કરે નહીં એટલે બાળકો કેવી રીતે શીખે?

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

યુવાનો અને બાળકો ગમે. પૌત્રીઓ દાદા-દાદીના ખોળામાં જ સુઈ જાય! પૌત્રીઓ દાદા-દાદી પાસે રહી જેથી દીકરો-વહુ આખી દુનિયા ફરી શક્યા. પુત્રવધૂને કામ કરવા ઘણો સપોર્ટ કર્યો જેથી શિલ્પાબહેન સ્પેસીઅલાઈઝ્ડ સિગ્નેચર વોચીઝનું  પ્રખ્યાત બુટીક “હાઉસ ઓફ મેરીગોલ્ડ” શરુ કરી શક્યાં.

સંદેશો :  

આપણે કેટલું ધન જોઈએ? પૈસાની હાય-હાય કરવી નહીં. ભગવાન બધાંને સરખો અવકાશ આપતો નથી, આપણને આપ્યો છે તો સમાજ માટે તેનો ઉપયોગ કરવો. દરેક માણસે પોતાની આવકનો ચોક્કસ ભાગ સમાજસેવામાં આપવો.

પંચાંગ 27/09/2023

મણિપુરમાં તણાવ બાદ પાંચ દિવસ માટે ઈન્ટરનેટ, શાળાઓ બંધ

મણિપુરમાં તણાવને પગલે મંગળવારથી પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. આ ઈન્ટરનેટ સસ્પેન્શન રવિવારે સાંજે 7.45 વાગ્યા સુધી ચાલુ રહેશે. પાંચ મહિના બાદ જ રાજ્યમાં ઈન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યની તમામ શાળાઓ પણ ત્રણ દિવસ બંધ રહેશે. રાજ્ય સરકારે જાહેરાત કરી કે બુધવાર અને 29 સપ્ટેમ્બરના રોજ શાળાઓમાં રજા રહેશે. જ્યારે 28મી સપ્ટેમ્બર પહેલાથી જ ઈદ-એ-મિલાદના કારણે સત્તાવાર રજા છે.

ફરી તણાવ કેમ શરૂ થયો?

મણિપુરમાંથી જુલાઈથી ગુમ થયેલા બે વિદ્યાર્થીઓના મૃતદેહની તસવીરો સોમવારે (25 સપ્ટેમ્બર) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ પછી ઈમ્ફાલમાં આવેલી શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓએ વિરોધ રેલીઓ કાઢી હતી. જેને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને 30થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા. જેના કારણે રાજ્યમાં ફરી તણાવ વધી ગયો છે. મણિપુરમાં 3 મેના રોજ બે સમુદાયો વચ્ચે હિંસા શરૂ થઈ હતી. આ પછી અનેક પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. હિંસામાં અત્યાર સુધીમાં લગભગ 175 લોકોના મોત થયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. સીબીઆઈ પણ જઘન્ય ગુનાઓના કેસની તપાસ કરી રહી છે.

ઝારખંડ : EDએ સીએમ હેમંત સોરેનને સમન્સ મોકલ્યું

ઝારખંડના સીએમ હેમંત સોરેન વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો EDએ કથિત ઝારખંડ જમીન કૌભાંડ કેસમાં હેમંત સોરેનને 4 ઓક્ટોબરે સમન્સ મોકલ્યા છે. માહિતી અનુસાર, હેમંત સોરેને શનિવારેના રોજ ઝારખંડ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જારી કરાયેલા સમન્સને પડકાર્યો હતો. તમને જણાવી દઈએ કે, 18 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ સંબંધિત એક કથિત કેસમાં ED દ્વારા જારી કરાયેલા સમન્સ વિરુદ્ધ સોરેનની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચે સોરેનને કેસમાં રાહત માટે ઝારખંડ હાઈકોર્ટનો સંપર્ક કરવાની મંજૂરી આપી હતી.

આ કેસમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી

આ કેસમાં EDએ અત્યાર સુધી ઝારખંડમાં સોરેનના રાજકીય સહયોગી પંકજ મિશ્રા સહિત ઘણા લોકોની ધરપકડ કરી છે. સોરેનને શરૂઆતમાં 3 નવેમ્બર, 2022 ના રોજ ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે સરકારી પ્રતિબદ્ધતાઓને ટાંકીને હાજર થયો ન હતો. જેએમએમના નેતાએ તેમની ધરપકડ કરવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીને પણ પડકાર ફેંક્યો હતો અને સમન્સનો અમલ ત્રણ અઠવાડિયા માટે મુલતવી રાખવા વિનંતી કરી હતી.

આ મામલો કથિત ગેરકાયદે ખનન સાથે સંબંધિત છે

સૂત્રોએ જણાવ્યું હતું કે ED લેન્ડ માફિયાઓ, વરિષ્ઠ અમલદારો અને રાજકારણીઓ સાથે સંકળાયેલા કરોડો રૂપિયાના કથિત જમીન કૌભાંડના સંબંધમાં મુખ્યમંત્રીની પૂછપરછ કરવા માંગે છે. ઇડીએ ગયા વર્ષે 17 નવેમ્બરના રોજ રાજ્યમાં કથિત ગેરકાયદે માઇનિંગ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોરેનની નવ કલાકથી વધુ પૂછપરછ કરી હતી. કેન્દ્રીય એજન્સી એક ડઝનથી વધુ જમીન સોદાઓની તપાસ કરી રહી છે, જેમાં સંરક્ષણ જમીન સંબંધિત એકનો સમાવેશ થાય છે, જેમાં માફિયાઓ, વચેટિયાઓ અને અમલદારોના જૂથે કથિત રીતે 1932ના નકલી દસ્તાવેજો બનાવવા માટે મિલીભગત કરી હતી.