Home Blog Page 2404

ભાજપ-કોંગ્રેસમાં ચૂંટણીપ્રચાર માટે હેલિકોપ્ટરના બુકિંગ માટે હોડ

નવી દિલ્હીઃ દેશનાં પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાને આડે માંડ એક મહિનાનો સમય બચ્યો છે. લોકસભા ચૂંટણી આડે પણ થોડા મહિનાઓ જ બાકી છે, ત્યારે બધી પાર્ટીઓના નેતાઓ ચૂંટણી પ્રચાર-પ્રસાર માટે હેલિકોપ્ટરમાં આવજા કરતા હોય છે. હાલમાં હેલિકોપ્ટરોની માગમાં ખાસ્સો વધારો થયો છે અને આ સપ્તાહે આ ઉડાનોની માગ આસમાનને આંબી છે.

હેલિકોપ્ટરને ભાડામાં લેવા માટે નેતાઓ ખૂબ પૈસા ખર્ચી રહ્યા છે, જેથી એનાં ભાડામાં આશરે 25થી 50 ટકાનો વધારો થયો છે. આ ભાડામાં એટલે પણ વધારો થયો છે, કેમ કે હેલિકોપ્ટરોની સીમિત સંખ્યામાં ઉપલબ્ધતા છે. આગામી છ-આઠ મહિના લોકસભા ચૂંટણી સુધી માગમાં વધવાની અપેક્ષા છે.

રાજકીય ક્ષેત્રે બે મુખ્ય પાર્ટીઓ –ભાજપ અને કોંગ્રેસની વચ્ચે ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે. બંને પક્ષો ચૂંટણીપ્રચાર આક્રમક કરવા માટે હેલિકોપ્ટરો બુક કરવાની હોડમાં લાગેલી છે. બેંગલુરુ સ્થિત ખાનગી એરલાઇન કંપની ગોલ્ડન ઇગલ એવિયેશનના ડિરેક્ટર જિસ જ્યોર્જનું કહેવું છે કે ભાજપ અને કોંગ્રેસની ચૂંટણીપ્રચારની આક્રમકતા જોતાં માગ વધુ છે, જ્યારે પ્રાદેશિક પાર્ટીઓ ટોચના નેતૃત્વ માટે એક-બે હેલિકોપ્ટર સુરક્ષિત રાખે છે.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા જેવાં ચૂંટણી રાજ્યોમાં માગ વધી છે. જોકે મિઝોરમ માટે ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બુકિંગ પણ ઓછું થઈ રહ્યું છે. વળી, ભારત પાસે હેલિકોપ્ટરોની સંખ્યા માત્ર 239 જ છે. એકલા મધ્ય પ્રદેશ માટે ચૂંટણીપ્રચાર માટે હેલિકોપ્ટરોનું બમ્પર બુકિંગ થયાં છે. મધ્ય પ્રદેશની ચૂંટણીપ્રચાર માટે હેલિકોપ્ટરો રૂ. 100 કરોડની ઉડાન ભરશે.

 

 

 

 

 

 

ફરાળી દૂધી ઢોકળા

આ નવરાત્રિમાં માતાજીની સેવા પૂજા તેમજ વ્રત સાથે સ્વાદિષ્ટ તેમજ સ્વાસ્થ્યપ્રદ ઢોકળાનો પણ ફરાળ નૈવેદ્યમાં ધરાવી શકો છો!

સામગ્રીઃ

  • સામો 1 કપ
  • સાબુદાણા ¼ કપ
  • ખાટું દહીં ½ કપ
  • પાણી ½ કપ
  • દૂધીના ટુકડા ½ કપ
  • લીલાં મરચાં 3-4
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • તેલ 1 ટી.સ્પૂન તેમજ ½ ટી.સ્પૂન
  • સાકર ½ ટી.સ્પૂન (optional)

ફરાળી ચટણીઃ

  • શીંગદાણા 2 ટે.સ્પૂન
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • લીલાં મરચાં 3
  • દહીં 1 ટે.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટે.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • સ્વાદ મુજબ સિંધવ મીઠું
  • સાકર સ્વાદ મુજબ (optional)

વઘાર માટેઃ

  • તેલ 2 ટે.સ્પૂન
  • જીરુ 1 ટી.સ્પૂન
  • સફેદ તલ 1 ટી.સ્પૂન
  • મીઠાં લીમડાના પાન 8-10
  • લીલાં મરચાંના ટુકડા 4-5

રીતઃ સામો તેમજ સાબુદાણાને મિક્સીમાં કરકરા દળી લો. તેમાં ખાટું દહીં ½ કપ તેમજ પાણી ½ કપ મિક્સ કરીને ખીરું બનાવી લો. પાણીનું પ્રમાણ ½ કપ જ હોવું જોઈએ. વધુ કે ઓછું ના હોવું જોઈએ. ખીરું ઘટ્ટ હોવું જોઈએ. આ ખીરું 10-15 મિનિટ માટે ઢાંકીને રાખો.

દૂધીને છોલીને નાના ચોરસ ટુકડા કરી લો. આદુ તેમજ મરચાંના પણ ટુકડા કરી લો.

15 મિનિટ ખીરું રાખવાથી તે એકદમ ઘટ્ટ થઈ જશે. આ ખીરાને મિક્સીમાં ફરીથી નાખો. તેમાં દૂધી તેમજ આદુ-મરચાંના ટુકડા ઉમેરીને 1 મિનિટ માટે મિક્સી ફેરવો. હવે તેમાં સ્વાદ મુજબ સિંધવ મીઠું, તેલ 1 ટી.સ્પૂન, જો સાકર જોઈતી હોય તો ½ ટી.સ્પૂન ઉમેરીને મિક્સીને ફરી 1 સેકન્ડ માટે ફેરવી લો.

ઢોકળા બાફવાના વાસણમાં પાણી ઉકળવા મૂકી દો. એક થાળીમાં તેલ ચોપડી દો. ખીરામાં ટી.સ્પૂન ઈનો ઉમેરીને ½ ટી.સ્પૂન પાણી તેની ઉપર નાખીને ચમચા વડે હલાવીને તેલ ચોપડેલી થાળીમાં રેડી દો. અને ઢોકળા બાફવાના વાસણમાં આ થાળી મૂકીને ઢાંકીને 15-20 મિનિટ માટે ઢોકળા થવા દો.

એક મિક્સીમાં શીંગદાણા, આદુ-મરચાંના ટુકડા, સિંધવ મીઠું, લીંબુનો રસ, દહીં તેમજ કોથમીર મેળવીને પાણી ઉમેર્યા વિના મિક્સી ફેરવીને ચટણી બનાવી લો.

15 મિનિટ બાદ ઢોકળા થઈ જાય એટલે નીચે ઉતારી થોડા ઠંડા થાય એટલે કટ કરી લો.

ઢોકળા વઘાર કરવા માટે વઘારિયામાં તેલ ગરમ કરી તેમાં જીરુ તતડાવીને મીઠાં લીમડાના પાન તેમજ લીલાં મરચાંના ટુકડા ઉમેરીને સફેદ તલ મેળવીને ગેસ બંધ કરી દો. 2 મિનિટ બાદ ઢોકળાના ટુકડા ઉપર આ વઘાર ફેલાવીને રેડી દો.

લીલી ચટણી સાથે આ ફરાળી તેમજ હેલ્ધી ઢોકળા પીરસો.

એક જ ફોનમાં, એક જ એપમાં બે વોટ્સએપ એકાઉન્ટ્સ રાખી શકાશે

મુંબઈઃ વોટ્સએપ સર્વિસ યૂઝર્સને એક જ મોબાઈલ ફોનમાં બે એકાઉન્ટ રાખવાની પરવાનગી આપશે. માર્ક ઝુકરબર્ગે તાજેતરમાં જાહેરાત કરી હતી કે આ ફીચર આગામી અઠવાડિયા કે મહિનાઓમાં એન્ડ્રોઈડ યૂઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે. યૂઝર્સ એમની સુવિધા મુજબ બે અલગ એકાઉન્ટ રાખી શકશે. દાખલા તરીકે એક ઓફિસને લગતા કામકાજ માટે અને બીજો અંગત. દર વખતે લોગ આઉટ કરવાની કે બે ફોન રાખવાની પણ જરૂર નહીં પડે.

વોટ્સએપમાં બીજો એકાઉન્ટ સેટ અપ કરવા માટે તમારે બીજા ફોન નંબર અને સીમ કાર્ડની જરૂર રહેશે. અથવા એવો ફોન હોવો જોઈએ જે મલ્ટી-સીમ અથવા ઈ-સીમ એક્સેપ્ટ કરતા હોય. યૂઝરે વોટ્સએપ સેટિંગ્સમાં જવાનું રહેશે, ત્યાં તમારા નામની બાજુમાં રહેલા એરો પર ક્લિક કરવાનું અને Add account પર ક્લિક કરવાનું. ત્યાં તમને એક જ એપની અંદર બે અલગ અલગ એકાઉન્ટ મેનેજ કરવા મળશે.

આણંદમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ, સાથીઓની શોધ જારી

અમદાવાદઃ રાજ્યમાંથી પાકિસ્તાની જાસૂસની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. તે ભારતમાં રહીને પાકિસ્તાની એજન્સી માટે કામ કરતો હતો. ATSએ આણંદથી ધરપકડ કરી છે. આ પાકિસ્તાની સંસ્થા તરફથી જાસૂસી કરતો આ યુવક ભારતીય લશ્કરના નંબર પાકિસ્તાનમાં પહોંચાડતો હતો. તે ઉપરાંત ટેક્નોલોજીથી ડિફેન્સના કર્મચારીઓના ફોનમાં ટ્રોઝન કરીને વિવિધ માહિતી પાકિસ્તાનમાં મોકલતો હતો. આ માહિતી આપવાના બદલામાં તેને મોટી રકમ મળતી હોવાનું ATSને તેની ઊલટતપાસમાં જાણવા મળ્યું હતું. આ આરોપીની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે પાકિસ્તાન માટે જાસૂસી કરતા લાભશંકર મહેશ્વરી નામનો શખસ કેટલાક મોબાઇલ નંબરો મારફતે પાકિસ્તાનને માહિતી પૂરી પાડી મોટી રકમ વસૂલતો હતો. તે ફોનમાં ટ્રોઝન કરીને ભારતીય આર્મીના અધિકારીઓના ફોનમાંથી વિગતો એકઠી કરીને પાકિસ્તાનની સંસ્થાને મોકલતો હતો.

ATSના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ગતિવિધિની જાણ સેન્ટ્રલ એજન્સીને મળી હતી, જેથી એણે આ વ્યક્તિનો નંબર અને વિગતો ગુજરાત એટીએસને સોંપી હતી. જે વિગતને આધારે ગુજરાત ATS દ્વારા આ જાસૂસને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી પાસેથી કેટલા અધિકારીનો ડેટા અને ફોનની વિગત પાકિસ્તાન પહોંચાડી એ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ જાસૂસની પાસે પૈસા અને કાર્ડ પણ મળ્યાં છે. પાકિસ્તાનની જાસૂસ સેનાના જવાનો અને અધિકારીઓ 2005માં આ શખસે ભારતની નાગરિકતા પણ મેળવી લીધી હતી. લાભશંકરે વર્ષ 2022માં પાકિસ્તાનની મુલાકાત પણ કરી હતી. ATS દ્વારા ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિના સંપર્કમાં રહેલી અન્ય વ્યક્તિઓની પણ તપાસ કરવામાં આવી રહી છે અને એ માટે રાજ્યભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.

 

 

 

 

 

મહુઆ મોઇત્રા રાજકીય ચક્રવ્યૂહમાં ફસાયાં:TMCનું અકળ મૌન

નવી દિલ્હીઃ આ કિસ્સો રાજકારણ, કોર્પોરેટ જગત અને કોર્ટ- એમ કોકટેલ છે. મહુઆ મોઇત્રા માટે મુસીબતો બેટેલિયનમાં આવી છે. આમે મહુઆ મોઇત્રા પર લાગેલા આરોપ ખોટા કે સાચા- એ વાત તો થ્રિલ પેદા કરે છે. વડા પ્રધાન મોદી અને અબજોપતિ અદાણીના સંબંધોમાં કૌભાંડ સાબિત કરવાના પ્રયાસ મહુઆ મોઇત્રા કરી રહ્યાં હતાં. કંઈક એવું થઈ રહ્યું છે મહુઆને સ્પષ્ટતા કરવી પડી રહી છે. બીજી બાજુ TMCનાં ચીફ મમતા બેનરજીનું મૌન અકળાવનારું છે.

હવે આ મામલે CEO દર્શન હીરાનંદાની ખુદ સરકારી સાક્ષી બની ગયા છે. હીરાનંદાની ગ્રુપના CEO દર્શન હીરાનંદાનીએ સોગંદનામામાં કહ્યું છે કે અદાણી ગ્રુપ વિશે સંસદમાં સવાલ ઉઠાવવા માટે તેમણે TMC સાસંદ મહુઆના સંસદના સત્તાવાર પોર્ટલનો ઉપયોગ કર્યો હતો. તેમણે અદાણી પર નિશાન સાધવા મોઇત્રાના સંસદીય લોગ-ઇનનો ઉપયોગ કર્યો હતો. વાસ્તવમાં પાસવર્ડ અને લોગ-ઇનનો ઉપયોગ કોઈ અન્યએ કર્યો છે તો એ મામલો ગંભીર થઈ જશે. હીરાનંદાનીએ સોગંદનામામાં એ પણ દાવો કર્યો છે કે તેમણે TMC સાંસદને લક્ઝરી ચીજવસ્તુઓ, બંગલાનું રિનોવેશન, પ્રવાસ ખર્ચ કરવામાં અનેક વાર મદદ કરી છે. હવે આ પ્રકારના દાવા ખોટા ઠરશે તો દર્શન ફસાઈ શકે છે અને આ આરોપ સાબિત થશે તો મહુઆની મુશ્કેલીઓમાં વધારો થશે. તેમનું સંસદનું સભ્યપદ પણ જઈ શકે છે.  

બીજી બાજુ, TMCનાં વડા મમતા બેનરજી સહિત કોઈ નેતા આ મુદ્દે મગનું નામ મરી નથી પાડી રહ્યા. મમતા દીદીનું મૌન પણ આ મુદ્દે અકળ છે. આ ઉપરાંત મહુઆના વકીલે હાઇકોર્ટેમાં માનહાનિ કેસની દાખલ કરેલી અરજીમાંથી પોતાનું નામ પરત લઈ લીધું છે અને આ કેસ લડવાની ઘસીને ના પાડી દીધી છે.

 

 

 

 

 

 

 

વાસ્તુ: સ્વાર્થ સાથે થયેલી પૂજા ફળતી નથી

ધર્મને વ્યખ્યાન્વિત કરવો લગભગ અશક્ય છે. મારી દ્રષ્ટીએ ધર્મને સામાન્ય રીતે સમજીએ તો જેવો વ્યવહાર કોઈ આપણી સાથે કરે અને આપણને ન ગમે એવો વ્યવહાર આપણે અન્ય સાથે ન કરીએ એ સાચો ધર્મ. બાકી બધું જ વિસ્તરણ છે. માનવ જાતિને સારી રીતે જીવવા માટેના નિયમોની રચના માંથી ધર્મના નિયમો બન્યા હોઈ શકે. વિવધ સંપ્રદાયો, વિચારધારા, વાડાઓ ને ક્યારેક આપણે ધર્મ સમજી બેસીએ એવું પણ બનતું હોય છે. ધર્મ આત્માનું જ્ઞાન કરાવે પણ વિચારધારા યુદ્ધ પણ કરાવી શકે. અનુકુલન અને અનુકુળતા વચ્ચેનો ભેદ ન સમજાય ત્યારે પોતે જ ધર્મના રખેવાળ છે એવી ગેરસમજ સાથે કેટલાક કૃત્યો થાય જે ધર્મના મૂળભૂત સિદ્ધાંતોથી ઘણા દુર હોય એવું બને. દરેક વિચારધારા જે ધર્મના નામે ઓળખાય છે એમાં કુદરતને સન્માન આપવાની વાત છે. શું આપણે એ કરીએ છીએ ખરા?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: મારી ઉમર 92 વરસની છે. મેં દીવા અને ફાનસમાં પણ દિવાળીઓ જોઈ છે. માતાજીની આરાધના એ સમયે થતી અને પવિત્રતા પણ સચવાતી. અમારી સોસાયટીમાં મોડી રાત સુધી ડીજે પર ગરબા વાગે છે. સાલસા ગરબા અને કપલ ગરબા જોઇને દુખ થાય છે. ભીગે હોઠ તેરે જેવા શબ્દો પર કયા માતાજીને રાજી રાખવા માટે ગરબા થાય છે એ સમજાતું નથી. શું માત્ર ગરબા નામ રાખી દેવાથી એ ગરબાનો ભાવ લાવી શકે? રાત્રે મહેફીલો પણ જામે. આ ઉમરે માથાકૂટ કરીએ એ કોઈને ન ગમે. મેં સામાન્ય રજૂઆત કરી કે બાર વાગ્યા પછી માઈક બંધ કરો તો શાંતિથી ઊંઘી શકાય. સાહેબ, ચેર પર્સને જે જવાબ આપ્યો એ સાંભળીને મને સાચે જ આઘાત લાગ્યો. એમણે મને કહ્યું કે હવે તમારે કેટલા વરસ કાઢવાના છે કે ઊંઘવાની આટલી બધી ચિંતા કરો છો. ધર્મના માર્ગમાં આવવું હોય તો ધર્મ બદલી નાખો. જીવન અને મૃત્યુ કોઈના હાથમાં નથી. વળી આ ઉમરે ધર્મ બદલીને કરું શું? દુખી થવાનો અર્થ નથી. પણ એક સવાલ ઉભો થયો છે. બધા કહે છે કે વિદેશી લોકોએ આપણી વિચારધારા બદલી નાખી છે. પણ બદલાયા તો આપણે જ ને? આપણે ધાર્યું હોત તો ન બદલાયા હોત. કહે છે કે જેને કોઈ ન પહોંચે એને પેટ પહોંચે. નવી પેઢી કેવી હશે એ વિચારે રુંવાડા ઉભા થઇ જાય છે. આવા લોકો પોતાના બાળકો માટે કયો સંદેશો છોડીને જશે. શું આવી પેઢી માટે ભારત દેશ આઝાદ થયો? આવી માનસિકતા તો અંગ્રેજોની હાજરીમાં પણ ન હતી. માત્ર ભૌતિકતાની ઘેલી પ્રજા ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવા સક્ષમ છે ખરી?

જવાબ: આપની ચિંતા વ્યાજબી છે. અંધારું શબ્દ ગાયબ થઇ ગયો છે. સુવા માટે શાંતિ ઉપરાંત અંધારું પણ જરૂરી છે. ઝળહળાટ, ઘોંઘાટ, દેખાડો આ બધા શબ્દો ભારતીય પરિપેક્ષમાં નકારાત્મક ગણાતા હતા. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. ભારતના લોકોને પ્રલોભનો મળતા રહ્યા અને એ લોકો બદલાતા રહ્યા. ભૂખ લાગે તો ઝેર તો ન જ ખવાય એ વાત કોઈ સમજતું જ નથી. આપણા તહેવારો પાછળના કારણો સમજ્યા વિના એમાંથી પૈસા કમાઈ લેવાની ઈચ્છાઓ વધી ગઈ છે. કુદરત એનું કાર્ય કરે જ છે. પણ માણસ એ સમજવા તૈયાર નથી. તમારી સોસાયટીની કમનસીબી છે કે તમારી ચેર પરસન વડીલોને માન નથી આપતી. તમે જે લાઈફ સ્ટાઈલની વાત કરી એ મુજબ એને વિશ્વાસ હશે કે કદાચ એ તમારી ઉમરની ક્યારેય થશે જ નહિ. પરસ્પરનું સન્માન એ આપણા ધર્મનો પાયો હતો. એ વિસરાઈ ગયું છે. આપ ખુબ લાંબુ અને સ્વસ્થ જીવન જીવો એવી ઈશ્વરને પ્રાર્થના. મનને મક્કમ કરો. આવા વધારે લોકો પણ મળશે. મન શાંત હશે તો બહાર ગમે તેટલા અવાજો હશે ઊંઘ આવી જ જશે. મહામૃત્યુંન્જય મંત્ર જાપ કરો. સુતા પહેલા ઓમ નમ: શિવાય મંત્ર જાપ કરો. ચોક્કસ સારું લાગશે.

સુચન: સ્વાર્થ સાથે થયેલી, અથવાતો અન્યને દુખી કરીને થયેલી પૂજા ફળતી નથી.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

 

ઈઝરાયલ-હમાસ યુદ્ધ: બાળકો પ્રતિ દયાભાવ રાખવાની 29 નોબેલવિજેતાઓની અપીલ

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ આતંકવાદી સંગઠન વચ્ચે હાલ ભીષણ લોહિયાળ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ભારતના કૈલાશ સત્યાર્થી સહિત વિશ્વના 29 નોબેલ પુરસ્કાર વિજેતાઓએ અપીલ કરી છે કે યુદ્ધમાં બાળકો પ્રતિ દયા રાખવામાં આવે. આ નોબેલવિજેતાઓએ એક સંયુક્ત નિવેદનમાં દુનિયાના દેશોને યાદ અપાવ્યું છે કે ઈઝરાયલ હોય કે ગાઝા, ત્યાં રહેતાં તમામ બાળકો આપણા બાળકો છે અને એમને રક્ષણ તથા તાત્કાલિક માનવતાવાદી સહાયતાની જરૂર છે.

આ અપીલ નિવેદન 2014માં નોબેલ શાંતિ પુરસ્કાર જીતનાર સત્યાર્થીએ તૈયાર કર્યું છે અને એમાં તેમની સાથે બીજા 28 નોબેલવિજેતાઓએ જોડાયાં છે. આ નોબેલ વિજેતાઓ તમામ છ ક્ષેત્રના છે જે માટે આ ઈનામ આપવામાં આવે છે. આ મહાનુભાવોએ અપીલ કરી છે કે અપહરણ કરાયેલા બાળકોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને એમને યુદ્ધથી દૂર સુરક્ષિત રાખવામાં આવે. નિવેદનમાં જણાવાયું છે કે પેલેસ્ટિનીયન બાળકો આપણા બાળકો છે અને ઈઝરાયલી બાળકો પણ આપણા બાળકો છે. બાળકો પ્રત્યે કરુણા ન બતાવીએ તો આપણે સ્વયંને સભ્ય સમાજના કહી શકીએ નહીં.

ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં 3,478 લોકો માર્યા ગયા છે જેમાં 853 બાળકો છે. બીજાં 12,500 જણ ઘાયલ થયા છે. ગાઝા સિટીની અલ અહલી બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં કરાયેલા બોમ્બમારામાં 471 જણ માર્યા ગયા હતા જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.

રાજસ્થાનમાં 46 વિધાનસભ્યો સામે ક્રિમિનલ કેસ નોંધાયા છે

જયપુરઃ રાજસ્થાનમાં 199 વિધાનસભ્યોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એમાંથી 46 જણ સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યા છે. આમાંના 28 જણ સામેના કેસ ગંભીર પ્રકારના છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (ADR) અને રાજસ્થાન ઈલેક્શન વોચ નામક સંસ્થાઓએ તૈયાર કરેલા અહેવાલમાં હકીકતો જણાવવામાં આવી છે.

આ સંસ્થાઓએ રાજ્યના વર્તમાન 200 વિધાનસભ્યોમાંથી 199 જણના ગુનાખોરી, આર્થિક તથા અન્ય પાર્શ્વભૂમિને લગતી વિગતોનું વિશ્લેષણ કર્યું છે. એક વિધાનસભ્ય સામે હત્યાનો કેસ નોંધાયો છે જ્યારે ચાર જણ સામે હત્યાના પ્રયાસ સંબંધિત કેસો છે. 157 વિધાનસભ્યો કરોડપતિ છે અને આમાંના 88 જણ શાસક કોંગ્રેસ પાર્ટીના છે. હાલની વિધાનસભામાં, ઉદયપુરની એક બેઠક ખાલી પડેલી છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી 25 નવેમ્બરે નિર્ધારિત છે. મતગણતરી અને પરિણામ માટે 3 ડિસેમ્બરનો દિવસ નક્કી કરાયો છે.

ભારત-કેનેડા વચ્ચે ટેન્શનઃ કેનેડાએ 41 ડિપ્લોમેટને પરત બોલાવ્યા

ઓટાવાઃ ભારત અને કેનેડાની વચ્ચે વણસેલા સંબંધોમાં સુધારો નથી થયો. હવે કેનેડાએ ભારતથી પોતાના 41 ડિપ્લોમેટને પરત બોલાવી લીધા છે. કેનેડાના ભૂતપૂર્વ વિદેશપ્રધાન મેલની જોલીએ કહ્યું હતું કે કેનેડા જવાબી પગલું નહીં ભરે.

ભારતે પાછલા મહિને કેનેડાને પોતાની રાજકીય હાજરી ઓછી કરવા નિર્દેશ આપ્યા હતા. આ મામલો 18 જૂને ખાલિસ્તાન ટાઇગર ફોર્સના પ્રમુખ હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે શરૂ થયો હતો. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ મૂક્યો હતો. જે પછી બંને દેશો વચ્ચે ટેન્શન પ્રવર્તી રહ્યું છે. જોકે ભારતે નિજ્જરની હત્યામાં કોઈ પણ પ્રકારનો હાથ હોવાનો ઇનકાર કર્યો હતો. ભારતે નિજ્જરને આતંકવાદીની શ્રેણીમાં રાખ્યો હતો.

જોલીનું કહેવું છે કે ભારતે શુક્રવાર સુધી ડિપ્લોમેટને સત્તાવાર સ્થિતિ રદ કરવાની ધમકી આપી હતી. તેમણે સંવાદદાતા સંમેલનમાં જણાવ્યું હતું કે ભારત સરકારના વલણને જોતાં ડિપ્લોમેટને કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કેનેડાના હવે ભારતમાં 21 ડિપ્લોમેટ છે. 41 ડિપ્લોમેટ અહીંથી જઈ ચૂક્યા છે અને તેમના પર નિર્ભર 42 લોકો પણ ભારતમાં જઈ ચૂક્યા છે.

કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે જણાવ્યા મુજબડિપ્લોમેટ્સનો અહીંથી જવાનો અર્થ એ છે કે ઇમિગ્રશન પર કામ કરતા કર્મચારીઓની છટણી કરવી પડશે. કેનેડાની પાંચ ટકા વસતિ આશરે 20 લાખ કેનેડિયન નાગરિક ભારતીય મૂળના છે. કેનેડામાં વિશ્વભરમાંથી સૌથિ વધુ સ્ટુડન્સ છે. ભારતમાં કેનેડાના કુલ 62 ડિપ્લોમેટ છે.

 

 

 

 

 

કચ્છનું ધોરડો બન્યું શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ..

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ધોરડો ગામને વિશ્વ પ્રવાસન સંસ્થા દ્વારા 54 શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.

ધોરડોએ G20 ની ભારતની અધ્યક્ષતા હેઠળ પ્રભાવશાળી જૂથની પ્રથમ પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કર્યું હતું. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) એ એના ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની 2023ની યાદી જાહેર કરી છે. વર્લ્ડ ઓર્ગેનાઈઝેશને એમની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સન્માન એવા ગામોને આપવામાં આવે છે જે ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને લેન્ડસ્કેપ્સ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાદ્ય પરંપરાઓના જાળવણીમાં અગ્રેસર છે.

વડાપ્રધાનનું સપનું થયું સાકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ધોરડોને વિશ્વના નકશા પર લાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. શિયાળામાં, સફેદ મીઠાને કારણે, રણમાં વસેલું આ ગામ અદ્ભુત સફેદી મેળવે છે. આ ગામની સુંદરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયા સમક્ષ દર્શાવી હતી અને હવે આ ગામને વિશ્વ મંચ પર ચમકવાનો મોકો મળ્યો છે. ગુજરાત સરકાર દર વર્ષે અહીં રણ ઉત્સવનું આયોજન કરે છે. જો કે પહેલા ધોરડો ગામનું નામ પણ લોકો જાણતા ન હતા.

ધોરડો પ્રવાસન સ્થળ શું છે

ધોરડો એ થોડા ઘરોની વસ્તી ધરાવતું નાનકડું ગામ હતું. જેની ગુજરાતના લોકોને પણ ખબર ન હતી. વર્ષોથી અજાણ્યું ગામ એવા ધોરડોને રણ ઉત્સવ દ્વારા ઓળખ મળી.  કચ્છ જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલું બન્ની પ્રદેશનું છેલ્લું ગામ એટલે ધોરડો. રણ ઉત્સવ પછી આ ગામમાં માળખાકીય સુવિધાઓ ઉભી થવા લાગી અને ધીમે-ધીમે ગુજરાતના વિકાસનો ચહેરો બની ગયો.  આ ગામમાં હજુ પણ પરંપરાગત ભૂંગા (ગોળાકાર મકાનો) છે. જે પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.

ગુજરાત પરંપરાનું નેતૃત્વ કરે છે

ધોરડો વિશ્વના નકશા પર ચમકવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. સાથે જ સમાન શ્રેય ગામના ગુલબેગ મિયાંને પણ જાય છે. ગુલબેગ મિયાં એ જ વ્યક્તિ છે જેમણે ગામમાં રણ ઉત્સવનું આયોજન કરવાનું સપનું જોયું હતું અને એમના પુત્ર મિયાં હુસૈને એમના પિતાની ઇચ્છા નરેન્દ્ર મોદીને જણાવી હતી. નરેન્દ્ર મોદીએ ગુલબેગ મિયાંના સૂચનનો અમલ કર્યો અને ધોરડો ગામ નવી યાત્રાએ નીકળ્યું. આજે ગામમાં ગુલબેગ મિયાંનું સ્મારક છે. એમના પુત્ર મિયાં હુસૈન આ ગામના સરપંચ છે. ગામના લોકો આજે પણ ગુલબેગ મિયાંનો આભાર માને છે. હવે ગામ અતિથિ દેવો ભવની ગુજરાત પરંપરાનું નેતૃત્વ કરે છે.

..અને શરૂ થયો રણ ઉત્સવ

ગુલબેગ મિયાંએ ત્રણ દાયકા પહેલા આ ફેસ્ટિવલના આયોજન માટે પ્રયાસો શરૂ કર્યા હતા. 90ના દાયકામાં નાના પાયે દિવસભર ઉત્સવ થતો હતો, 2008માં તંબુઓમાં ઉત્સવ શરૂ થયો હતો. ગુલબેગ મિયાંનું 1999માં અવસાન થયું, પરંતુ એમનું સપનું પૂરું થયું. હવે એમના પુત્ર મિયાં હુસૈન સ્વદેશી કળાને પ્રોત્સાહન આપવાનું નેતૃત્વ કરી રહ્યા છે. યુનાઈટેડ નેશન્સનાં વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરીઝમ વિલેજ તરીકે જાહેર કરીને આ ગામે મોટી છલાંગ લગાવી છે. આ ગામની વસ્તી હજુ પણ 1000થી ઓછી છે. રન ઉત્સવના આયોજન માટે અહીં ટેન્ટ સિટી બનાવવામાં આવી છે. જેમાં પ્રવાસીઓ શિયાળાની ઋતુમાં કચ્છના રણમાં ફેલાયેલા સફેદ મીઠાની મજા માણી રહ્યા છે. તાજેતરમાં, સરકારે અહીં G20 પ્રવાસન બેઠકનું આયોજન કર્યું હતું.

તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ