Home Blog Page 2322

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 નવેમ્બરથી 5 મેચની T20 શ્રેણી રમાશે

વર્લ્ડ કપ 2023ના અંત પછી ક્રિકેટ ફીવર સમાપ્ત થશે નહીં. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 નવેમ્બર, ગુરુવારથી 5 મેચની T20 શ્રેણી રમાશે. જ્યારે શ્રેણીની છેલ્લી મેચ 03 ડિસેમ્બર, રવિવારે રમાશે. આ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતની ટીમની જાહેરાત હજુ બાકી છે. ઓસ્ટ્રેલિયાની કપ્તાની મેથ્યુ વેડ કરશે. બીસીસીઆઈ ટૂંક સમયમાં ટીમની જાહેરાત કરી શકે છે. અહેવાલો અનુસાર, રૂતુરાજ ગાયકવાડ અથવા સૂર્યકુમાર યાદવ ભારતની કમાન સંભાળી શકે છે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ટીમના ઘણા સિનિયર ખેલાડીઓ આરામ કરી શકે છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા સામે યુવા ખેલાડીઓની ટીમની જાહેરાત કરવામાં આવી શકે છે.

 

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, તિલક વર્મા અને રેયાન પરાગ જેવા બેટ્સમેનોને ભારતીય ટીમમાં તક મળી શકે છે. જ્યારે સંજુ સેમસન વિકેટકીપર તરીકે વાપસી કરી શકે છે અને જીતેશ શર્મા બેકઅપ વિકેટકીપર બની શકે છે. મુકેશ કુમાર, અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈ જેવા બોલરોને બોલિંગમાં સામેલ કરવામાં આવી શકે છે.

તમે તેને લાઈવ ક્યાં જોઈ શકો છો?

મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema એપ પર કરવામાં આવશે.

શેડ્યૂલ આ પ્રમાણે છે

  • પ્રથમ મેચ- 23 નવેમ્બર, ગુરુવાર, રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ.
  • બીજી મેચ- 26 નવેમ્બર, રવિવાર, ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ.
  • ત્રીજી મેચ- 28 નવેમ્બર, મંગળવાર, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી.
  • ચોથી મેચ- 01 ડિસેમ્બર, વિદર્ભ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ, નાગપુર
  • પાંચમી મેચ- 03 ડિસેમ્બર, રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ.

T20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ

મેથ્યુ વેડ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, ટિમ ડેવિડ, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, સીન એબોટ, જોશ ઈંગ્લિસ, તનવીર સંઘા, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, સ્પેન્સર જોન્સન, એડમ ઝમ્પા.

ભારતની સંભવિત ટીમ

સૂર્યકુમાર યાદવ, રુતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (wk), રવિ બિશ્નોઈ, યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણ, તિલક વર્મા, જીતેશ શર્મા (wk), અર્શદીપ સિંહ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ , મુકેશ કુમાર.

ફાઈનલ મેચનો ઘૂસણખોર માત્ર એક જ દિવસ પોલીસ રીમાન્ડ પર

અમદાવાદઃ ગઈ કાલે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપ ફાઈનલ મેચ વખતે ભારતના દાવ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ચાતરીને મેદાનમાં ઘૂસીને છેક પિચ સુધી પહોંચી ગયેલા વિદેશી ઘૂસણખોરને ગાંધીનગરની અદાલતે એક દિવસ સુધી – આવતીકાલે સાંજે પાંચ વાગ્યા સુધી, પોલીસ રીમાન્ડ પર મોકલી આપ્યો છે. તે યુવક ઓસ્ટ્રેલિયાનો છે. તે સુરક્ષા બંદોબસ્તનો ભંગ કરીને મેદાનમાં છેક પિચ સુધી દોડી ગયો હતો અને વિરાટ કોહલીને ભેટ્યો હતો. તેણે ‘પેલેસ્ટાઈન પર બોમ્બમારો બંધ કરો’ એવું લખાણ લખેલું ટી-શર્ટ પહેર્યું હતું, મોઢા પર પેલેસ્ટાઈનના ધ્વજના રંગોવાળો માસ્ક પહેર્યો હતો અને LGBT સમાજનો રેનબો ફ્લેગ લઈને આવ્યો હતો.

સુરક્ષા જવાનોએ એને પકડી લીધો હતો અને અમદાવાદ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસનું કહેવું છે કે ઘૂસણખોર શખ્સનું નામ વેન જોન્સન છે અને તે ઓસ્ટ્રેલિયાનો વતની છે. પોલીસે આજે તેને કોર્ટમાં ઊભો કર્યો હતો અને 10-દિવસના રીમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે માત્ર એક જ દિવસના મંજૂર રાખ્યા છે.

તે ઘટનાને મેચના લાઈવ ટેલિકાસ્ટ વખતે બતાવવામાં આવી નહોતી, પરંતુ સોશિયલ મીડિયા પર તે વ્યાપક રીતે વાઈરલ થઈ છે. તે ઘટનાની આકરી ટીકા થઈ છે. સ્ટેડિયમ ખાતે સુરક્ષા વ્યવસ્થામાં આટલી મોટી ક્ષતિ રહી ગઈ તે બદલ વ્યવસ્થાતંત્રની ઝાટકણી કાઢવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરનું કહેવું છે કે આરોપી જોન્સન ફેમસ થવા માટે આવું કરતો હોય છે. એ આ પહેલાં ફિફા ફૂટબોલ સ્પર્ધા અને રગ્બીની મેચો વખતે પણ મેદાનમાં ઘૂસ્યો હતો. ફીફા મેચમાં ઘૂસવા બદલ એને 500 ડોલર અને રગ્બી માટે 200 ડોલરનો દંડ કરાયો હતો. પેલેસ્ટાઈન સાથે આરોપીને કોઈ લેવાદેવા નથી. આરોપી સીડની શહેરમાં કડિયાકામ અને સોલાર ફિટિંગનું કામ કરે છે.

આઇસી15 ઇન્ડેક્સ 1,045 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ બિટકોઇન માટે સાનુકૂળ વલણ ધરાવતા જેવિયર મિલેઈનો આર્જેન્ટિનાના પ્રમુખપદની ચૂંટણીમાં વિજય થવાને પગલે સોમવારે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો થયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.26 ટકા (1,045 પોઇન્ટ) વધીને 47,330 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 46,285 ખૂલ્યા બાદ 47,520ની ઉપલી અને 46,055ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના તમામ ઘટક કોઈન વધ્યા હતા, જેમાંથી ચેઇનલિંક, કાર્ડાનો, પોલકાડોટ અને યુનિસ્વોપ 4થી 8 ટકાની રેન્જમાં વધેલા મુખ્ય કોઇન હતા.

દરમિયાન, હોંગકોંગ મોનેટરી ઓથોરિટી સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)ના પ્રથમ પ્રાયોગિક તબક્કા બાદ હવે આવતા વર્ષથી એનો વાસ્તવિક દુનિયામાં ઉપયોગ શરૂ કરવાની છે. જર્મની પણ ડિજિટલ યુરો નામે સીબીડીસી શરૂ કરવા માગે છે. બીજી બાજુ, એસેટ મેનેજમેન્ટ કંપની ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટ્સે સ્પોટ ઈથેરિયમ ઈટીએફ માટે સત્તાવાર અરજી કરી છે.

12 બાયોસીએનજી કારની ‘અમૂલ ક્લીન ફ્યુઅલ રેલી’નો પુનાથી પ્રારંભ થયો

પુના: તા. 26 નવેમ્બરના રોજ નેશનલ મિલ્ક ડે ના ઉજવણીના ભાગરૂપે અમૂલ ક્લીન ફ્યુઅલ બાયોસીએનજી કાર રેલી” ને સોમવારે પુનાથી લીલી ઝંડી આપવામાં આવી હતી. આ 12 બાયોસીએનજી કારની રેલી મુંબઈ અને ગુજરાતનાં કેટલાંક શહેરોમાં પ્રવાસ કરીને તા. 26 નવેમ્બરના રોજ આણંદમાં પહોંચશે અને ત્યાં રેલીનુ સમાપન થશે. 26 નવેમ્બર ડૉ.વર્ગીસ કુરિયનની સ્મૃતિમાં નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે. આ કાર્યક્રમનું આયોજન પુણે નજીકના ખેડ ખાતે કરવામાં આવ્યું હતું. અમૂલ રૂ. 500 કરોડના રોકાણ સાથે અત્યાધુનિક પ્લાન્ટ લગાવી રહી છે. આ પ્લાન્ટ પ્રતિ દિવસ 5 લાખ લિટર દૂધ પ્રોસેસીંગ અને 1 લાખ લિટર પ્રતિ દિવસ આઈસ્ક્રીમ ઉત્પાદનની ક્ષમતા ધરાવશે. આ પ્લાન્ટ માટે દૂધની ખરીદી મહારાષ્ટ્રમાંથી કરવામાં આવશે.

મહાનુભવો પણ ઉપસ્થિત રહ્યા

દેશમાં ડેરી ક્રાંતિના પ્રતિક તરીકે અને સરક્યુલર ઈકોનોમિ તથા સસ્ટેનેબલ ફાર્મિંગ માટેની કટિબધ્ધતા વ્યક્ત કરવા માટે યોજાયેલી આ રેલીને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેકટર જયેન મહેતા, મારૂતિ સુઝુકી ઈન્ડીયા લિમિટેડના ડિરેકટર કેનીચીરો તોયોફુકુ, ડૉ.વર્ગીસ કુરિયનના દીકરી નિર્મલા કુરિયને  લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે અમૂલ ફેડરેશન અને મારૂતિ સુઝુકી ઈન્ડીયાના અન્ય મહાનુભવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ડેરી ક્ષેત્રના ખેડૂતો માટે આવકનુ નવુ સાધન ઊભું કરવાનો ઉદ્દેશ

મહેતાએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે મારૂતિ સુઝુકી સાથે મળીને “અમૂલ ક્લીન ફ્યુઅલ બાયોસીએનજી કાર રેલી” યોજતાં અમે રોમાંચ અનુભવીએ છીએ. આ સહયોગને ઉદ્દેશ ગાયના છાણનુ બાયોગેસમાં રૂપાંતર કરવાની નવી ક્રાંતિ મારફતે ડેરી પ્રવૃત્તિને વધુ પર્યાવરણલક્ષી અને ટકાઉ બનાવવાનો તથા ડેરી ક્ષેત્રના ખેડૂતો માટે આવકનુ નવુ સાધન ઊભું કરવાનો છે. ભારતની અત્યંત વિશ્વાસપાત્ર ફૂડ બ્રાન્ડ અમૂલ અને દેશમાં સૌથી વધુ પ્રચલિત કાર બ્રાન્ડ મારૂતિ સુઝુકી બંને સાથે મળીને સસ્ટેનેબલ ફાર્મીંગ અને ડેરી ક્રાંતિનો સંદેશ સમગ્ર દુનિયામાં પ્રસરાવશે.

ગ્લોબલ વોર્મીંગ ઘટાડવામાં નોંધપાત્ર અસરકારકતા દાખવી શકે

આ પ્રસંગે  મારૂતિ સુઝુકી ઈન્ડીયા લિમિટેડના ડિરેકટર કેનીચીરો તોયોફુકુએ જણાવ્યુ હતું કે “બાયોસીએનજી એ ભારતનો અત્યંત ટકાઉ મોબિલીટી ફ્યુઅલ વિકલ્પ છે અને તે ગ્લોબલ વોર્મીંગ ઘટાડવામાં નોંધપાત્ર અસરકારકતા દાખવી શકે તેમ છે. TERI ના સંશોધન મુજબ દર કિ.મિ. દીઠ પેટ્રોલ, ઈવી અને બાયોફ્યુઅલથી ચાલતા વાહનમાં અનુક્રમે 184g, 150g અને -1097g Co2 એમિશન છૂટે છે. સ્પષ્ટપણે બાયોસીએનજી એ પર્યાવરણ ઉપર નેટ ઝીરો કાર્બન એમિશન ધરાવતું ઉત્તમ કાર્બન માઈનસ ફ્યુઅલ છે. સુઝુકી બાયોસીએનજીને પ્રોત્સાહન આપી રહી છે અને અમૂલ જોડે સંકળાયેલી ડેરીઓ સાથે મળીને સંયુક્તપણે 4 બાયોસીએનજી પ્લાન્ટ સ્થાપશે.

ખેડૂતોનું સશક્તિકરણ કરાશે

નિર્મલા કુરિયને તેમના પિતા ડૉ. વર્ગીસ કુરિયન દ્વારા નિર્ધારિત મૂલ્ય પ્રણાલી અને પ્રક્રિયાઓનું વર્ણન કર્યું. તેણીએ દૂધ સંગ્રહ અને સંસ્થાના નિર્માણ માટે લોકશાહીકરણ માટેના તેમના જુસ્સાને પ્રકાશિત કર્યો. તેમણે અમૂલ અને મારુતિ સુઝુકીને પરિપત્ર અર્થતંત્ર શક્તિ દર્શાવવા માટે તેમની પહેલ માટે આભાર માન્યો જે ખેડૂતો માટે વધારાની આવક પેદા કરશે અને બહેતર પર્યાવરણ માટે ઇકો સિસ્ટમ બનાવશે. ગાયના છાણનું ઓર્ગેનિક ખાતર અને બાયોફ્યુઅલમાં રૂપાંતરિત કરવાનો આ નવતર પ્રયાસ ડેરી ક્ષેત્રના ખેડૂતો માટે આત્મનિર્ભર સરક્યુલર ઈકોનોમિનુ નિર્માણ કરશે. આ ઉપરાંત પોષણયુક્ત ઉત્પાદનોનુ નિર્માણ કરીને ખેડૂતોનું સશક્તિકરણ કરાશે અને એ દ્વારા પર્યાવરણ અને ભાવિ પેઢીના વિકાસમાં યોગદાન પ્રાપ્ત થશે.

1400 KM થી વધુ અંતર કાપશે રેલી

“અમૂલ ક્લીન ફ્યુઅલ બાયોસીએનજી કાર રેલી” મંગળવારે મુંબઈ આવી પહોંચશે. તા. 26 નવેમ્બરે આણંદ પહોંચતાં પહેલાં આ રેલી 1400 કિ.મિ.થી વધુ અંતર કાપીને વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગોધરા, હિંમતનગર, પાલનપુર, મહેસાણા અને અમદાવાદનો પ્રવાસ કરશે.  આ રેલીનો ઉદ્દેશ ભારતના ડેરી ક્ષેત્રનુ પર્યાવરણલક્ષી પાસુ દર્શાવવાની સાથે સાથે વર્ષ 2030 સુધીમાં વિશ્વના દૂધ ઉત્પાદનમાં 33% યોગદાન આપીને “વિશ્વની ડેરી” બનવા અંગેનો નિર્ધાર વ્યક્ત કરવાનો છે.

ભારતનો ડેરી ઉદ્યોગ વધુ સક્ષમ અને મજબૂત બન્યો

ડૉ. કુરિયનની આગેવાની હેઠળ “શ્વેત ક્રાંતિ” અને 1970માં શરૂ કરાયેલા “ઓપરેશન ફ્લડ” ના અમૂલ મોડેલ મારફતે છેલ્લા 75 વર્ષમાં લાખો ખેડૂતો માટે કાયમી અને ટકાઉ આવક ઉભી કરવાની કામગીરી કરવામાં આવી છે. ભારતે દૂધની અછત ધરાવતા દેશમાંથી દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યુ છે. ડૉ. કુરિયને ડેરી વિકાસમા અમૂલ મોડેલનું દેશમાં વિવિધ ડેરી સહકારી બ્રાન્ડ મારફતે ઠેર ઠેર પુનરાવર્તન કર્યુ છે અને એના દ્વારા ભારતનો ડેરી ઉદ્યોગ વધુ સક્ષમ અને મજબૂત બન્યો છે. 140 કરોડ ભારતીયો માટે ખાદ્ય  સુરક્ષા પ્રાપ્ત થઈ છે અને જેમના પ્રયાસોથી ભારત ડેરી ઉદ્યોગમાં આત્મનિર્ભર બની શકયુ છે તેવી ડેરી ક્ષેત્રની કરોડો મહિલાઓને નેશનલ મિલ્ક ડે સમર્પિત કરવામાં આવે છે.

અમૂલ એ ભારતની સૌથી મોટી રૂ.72,000 કરોડનું મૂલ્ય ધરાવતી એફએમસીજી બ્રાન્ડ

અમૂલ એ ભારતની સૌથી મોટી રૂ.72,000 કરોડ (9 અબજ ડોલર)નુ મૂલ્ય ધરાવતી એફએમસીજી બ્રાન્ડ છે અને 36 લાખ ખેડૂતો તેના માલિક છે, જે દૈનિક 300 લાખ લીટર દૂધનુ યોગદાન આપે છે. 100 ડેરી, 85 બ્રાન્ચ, 15,000 વિતરકો, અને 10 લાખ રિટેઈલર્સનો સમૂહ ધરાવતી અમૂલ 50થી વધુ દેશમાં વાર્ષિક 20 અબજ પેકેટ ડેરી પ્રોડકટસનુ વિતરણ કરે છે.

IFFI 2023: અનુરાગ ઠાકુરે માધુરી દીક્ષિતને વિશેષ પુરસ્કારથી સન્માનિત કર્યા

બોલિવૂડની ‘ધકધક ગર્લ’ તરીકે જાણીતી માધુરી દીક્ષિતે હિન્દી સિનેમામાં મોટું યોગદાન આપ્યું છે. ક્યારેક ‘મોહિની’ તરીકે તો ક્યારેક ચંદ્રમુખી તરીકે માધુરી દીક્ષિતે દરેક વખતે પોતાના ઉત્તમ અભિનયથી પોતાના પાત્રમાં જીવ લાવી દીધો છે. આજે પણ દુનિયા તેમની સ્ટાઈલથી મંત્રમુગ્ધ છે. તેની અજોડ સુંદરતા સાથે, માધુરી દીક્ષિત એક અદ્ભુત ડાન્સર પણ છે.

 

અનુરાગ ઠાકુરે માધુરી દીક્ષિતને આ ખાસ એવોર્ડથી સન્માનિત કર્યા હતા

આ જ કારણ છે કે ’54માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા’માં તેમને વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી છે. તેણે અભિનેત્રીનું વિશેષ રીતે સન્માન કર્યું છે.

ધક ધક ગર્લની સિનેમેટિક જર્ની સુંદર શૈલીમાં કહી

તેણે લખ્યું છે કે ‘માધુરી દીક્ષિતે 4 દાયકાથી તેની પ્રતિભા અને ગ્રેસથી સ્ક્રીન પર ચમકી છે. ‘નિશા’થી લઈને મનમોહક ‘ચંદ્રમુખી’ સુધી, જાજરમાન ‘બેગમ પારા’થી લઈને અદમ્ય ‘રજ્જો’ સુધી, તેની બહુમુખી પ્રતિભાની કોઈ મર્યાદા નથી. તેમણે આગળ લખ્યું, ‘આજે અમે ભારતના 54માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રતિભાશાળી અને પ્રભાવશાળી અભિનેત્રીને ‘ભારતીય સિનેમામાં યોગદાન માટે વિશેષ સન્માન’ પુરસ્કાર પ્રદાન કરતાં ખુશ છીએ.’ તમને જણાવી દઈએ કે ગોવામાં આજથી IFFI શરૂ થઈ ગયું છે. આ ઈવેન્ટમાં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ ભાગ લેવા જઈ રહી છે.

પર્યાવરણની સમસ્યા ગુજરાતના અર્થતંત્ર, ઇકો સિસ્ટમ માટે જોખમી

નવી દિલ્હીઃ વિશ્વનું ધ્યાન જેમ-જેમ 30 નવેમ્બરથી દુબઈમાં શરૂ થનારી COP-28 પર છે, ત્યારે ગુજરાત પર જળવાયુ પરિવર્તનની પ્રતિકૂળ અસર સ્પષ્ટ થઈ રહી છે. રાજ્ય હવે એક પર્યાવરણીય સમસ્યાનો સામનો કરી રહ્યું છે, જે અર્થતંત્ર અને ઇકો સિસ્ટમ-બંનેને જોખમમાં મૂકી રહ્યું છે.

જળવાયુ પરિવર્તને આ ગરમીમાં વરસાદના માધ્યમથી પોતાની હાજરી વર્તાવી છે, જે 42 ડિગ્રી આકરી ગરમીમાં બિલકુલ વિપરીત છે. શહેરવાસીઓ બિનમોસમ વરસાદથી હેરાન હતા. રાજ્યમાં ખેડૂતો અને ફળ ઉત્પાદક આકરા જળવાયુ પરિવર્તનથી ઝઝૂમી રહ્યા છે. તેમને આજીવિકાનું ભારે નુકસાન ભોગવવું પડ્યું છે. રાજ્યમાં 42,210 હેક્ટર કૃષિ જમીનના 33 ટકાથી વધુ નુકસાન થયું છે. જે હજારો કરોડ રૂપિયાના સંભવિત નુકસાનમાં ફેરવાઈ જાય છે. રાજ્ય સરકારે ચોથી મેએ રાહત પેકેજની ઘોષણા કરી હતી, જેમાં ભારે કૃષિ જમીન માટે પ્રતિ હેક્ટર રૂ. 23,000ની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે આ પગલું રાહત ફંડમાંથી જાહેર કર્યું હતું, જે અનિયમિત હવામાન પેટર્નને કારણે અનિશ્ચિત ભવિષ્યનો સામનો કરી રહેલા ખેડૂતોને સહાય આપે છે, એમ સર્વે કહે છે.

રાજ્યમાં માર્ચમાં બિનમોસમ વરસાદ દરમ્યાન 30 જિલ્લાના 198 તાલુકાઓમાં 1થી 47 મિમી વરસાદ નોંધાયો હતો. જેથી 32માંથી 15 જિલ્લાઓમાં કૃષિ ને બાગાયત પાકોને વ્યાપક નુકસાન થયું હતું. હાલમાં વધુ એક વાર અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાજ્યમાં ભેજનું પ્રમાણ વધશે. કમોસમી વરસાદ બાદ ધીરે-ધીરે ઠંડીનો પારો ગગડવાની આગાહી પણ કરવામાં આવી છે.

 

 

 

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૦ નવેમ્બર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૦ નવેમ્બર, ૨૦૨૩

મુંબઈમાં 13 દિવસ સુધી 10% પાણીકાપ લાગુ

મુંબઈઃ મુંબઈ મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગે મુંબઈ તથા પડોશના ઠાણે અને ભિવંડી શહેરોનાં નાગરિકોને જણાવ્યું છે કે આજથી 10 ટકા પાણીકાપ લાગુ કરાયો છે અને તે બીજી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે એટલે સૌએ પાણીનો સંભાળપૂર્વક વપરાશ કરવો.

મુંબઈ મેટ્રોપોલિટન રીજન વિસ્તારોમાં પીવાના પાણીનું વિતરણ કરતી પાઈપલાઈનોમાં અમુક તાકીદનું સમારકામ હાથ ધરવાનું છે. આ સમારકામમાં ઠાણે જિલ્લામાં આવેલા પિસે બંધ વિસ્તારમાં ન્યૂમેટિક (હવાના દબાણથી સંચાલિત) ગેટ સિસ્ટમમાં એર બ્લેડર બદલવાના છે. આ કામ 20 નવેમ્બરથી શરૂ કરીને 2 ડિસેમ્બર સુધી ચાલશે. આને કારણે ત્રણેય પડોશી શહેરોમાં પાણીપૂરવઠામાં થોડીક – 10 ટકા કાપ જેટલી અસર રહેશે.

SVPI એરપોર્ટનો નવો રેકોર્ડઃ એક જ દિવસમાં 40,801 મુસાફરોને સેવા

 અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ-અમદાવાદે (SVPIA) ક્રિકેટ વર્લ્ડ કપ-23 ફાઇનલને દિવસે 40,801 મુસાફરોને સેવા આપી નવો રેકોર્ડ બનાવ્યો છે. માઇક્રો પ્લાનિંગ અને આગોતરી સુસજ્જતા સાથે એરપોર્ટે 19 નવેમ્બર, 2023એ અત્યાર સુધીની સૌથી વધુ ફ્લાઇટ મુવમેન્ટ સંભાળવામાં પણ વિક્રમ સર્જયો છે. એરપોર્ટે સફળ કામગીરી થકી 260થી વધુ શિડ્યુલ્ડ અને 99 નોન-શિડ્યુલ્ડ એમ કુલ 359 એર ટ્રાફિક મુવમેન્ટ્સ (ATM)નો રેકોર્ડ સર્જ્યો છે. SVPI એરપોર્ટ પરથી મુસાફરી કરનારા 40,801 મુસાફરોમાં 33,642 સ્થાનિક અને 7159 આંતરરાષ્ટ્રીય મુસાફરોનો સમાવેશ થાય છે.

ભારતીય વાયુસેનાના એર શોને કારણે 45 મિનિટથી વધુ એરસ્પેસ બંધ રાખવામાં આવ્યા બાદ 23 કલાકમાં આ માઇલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે. સર્વાધિક મુસાફરોની અવરજવર સાથે, અમદાવાદ એરપોર્ટે બે VVIP મહેમાનોના સ્વાગત સાથે તેમની ફ્લાઇટની અવરજવરનું સંકલન સુનિશ્ચિત કર્યું હતું.આ અસાધારણ સિદ્ધિ SVPI એરપોર્ટના સુવિકસિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અવિરત સુધારાઓનું પરિણામ છે. AAI, CISF, ઇમિગ્રેશન, કસ્ટમ્સ, એરલાઇન પાર્ટનર્સ અને SVPIA ટીમ સહિત એરપોર્ટ સ્ટાફના સમર્પણ અને મહેનતને કારણે આ શક્ય બન્યું છે.

મુસાફરોના શ્રેષ્ઠ અનુભવ માટે અમદાવાદ એરપોર્ટમાં વિગત વર્ષોમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. સેલ્ફ-બેગેજ ડ્રોપ, નવો ઇમિગ્રેશન એરિયા, ડોમેસ્ટિક ટર્મિનલમાં અરાઈવલ એક્સટેન્શન, ડોમેસ્ટિક ટર્મિનલમાં નવો સિક્યોરિટી ચેક એરિયા, ડાયનેમિક ક્યુ મેનેજમેન્ટ અને ફ્લોર-વોકિંગ કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ્સ જેવી સુવિધાઓથી મુસાફરોને ટર્મિનલ બિલ્ડિંગમાંથી સરળતાથી પસાર થવામાં મદદ મળે છે.

તાજેતરમાં જ ટર્મિનલ ગેટમાં ઝડપી પ્રવેશ માટે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ડિજી યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વધારાના બેલ્ટ સાથેનો અરાઇવલ હોલ, અપગ્રેડ ચેક-ઇન સિસ્ટમ, પ્રી-SHA એરિયામાં વધારો, એક્સ-રે મશીનો વગેરેનો સમાવેશ થાય છે.અગાઉ 18મી નવેમ્બરે SVPI એરપોર્ટ પર 2જી સૌથી વધુ પેસેન્જર મૂવમેન્ટ જોવા મળી હતી, જ્યારે એરપોર્ટે 273 ફ્લાઇટ મૂવમેન્ટ સાથે 38723 મુસાફરોને સેવા પૂરી પાડી હતી. તો 19મી ફેબ્રુઆરીના રોજ 268 ATM સાથે 37,793 પેસેન્જર સાથે ત્રીજીં સૌથી વધુ પેસેન્જર મુવમેન્ટ જોવા મળી હતી.

 

 

 

 

 

 

 

કોરોનાથી મૃત્યુ પામેલા કોન્સ્ટેબલના પરિવારને રૂ.1 કરોડ ચૂકવોઃ દિલ્હી HCનો આદેશ

નવી દિલ્હીઃ 2020ની સાલમાં ફરજ બજાવતી વખતે કોરોનાવાઈરસ મહામારીનો ચેપ લાગ્યા બાદ મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલના પરિવારને રહેમની રૂએ વળતર પેટે રૂ. 1 કરોડની રકમ ચાર અઠવાડિયામાં ચૂકવી દેવાનો દિલ્હી સરકારને આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ પ્રતિભા એમ. સિંહે સરકારને આદેશ આપ્યો છે કે રૂ. એક કરોડની રકમ ચાર અઠવાડિયામાં મૃતક દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ અમિત કુમારની પત્ની અને પિતાને ચૂકવી દેવી. કોર્ટે કહ્યું છે કે સરકારે જ છેક 2020ની 13 મેએ મંજૂર કર્યું હતું કે રૂ. 60 લાખ મૃતકની પત્નીને અને રૂ. 40 લાખ મૃતકના પિતાને આપવા. પરંતુ આ રકમ હજી સુધી છૂટી કરાઈ નથી. હવે તે રકમ ચાર અઠવાડિયામાં જ છૂટી કરી દેવી.

દિલ્હી સરકાર વતી કોર્ટમાં ઉપસ્થિત રહેલા એડવોકેટ અરૂણ પનવારે કહ્યું કે સત્તાવાળાઓ કોર્ટના આદેશનું પાલન કરશે.

2020ના મે મહિનામાં દિલ્હીમાં કોરોનાનો ફેલાવો રોકવા માટે લોકડાઉન નિયમો લાગુ કરાયા હતા ત્યારે કોન્સ્ટેબલ અમિતકુમારને દીપચંદ બંધુ હોસ્પિટલમાં ફરજ પર મૂકવામાં આવ્યા હતા. ત્યાં એમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને 2020ની પાંચમી મેએ તેઓ મૃત્યુ પામ્યા હતા. કુમારની પત્ની એ વખતે ગર્ભવતી હતી. વળતરની મંજૂર કરાયેલી રકમ મેળવવા માટે કુમારના પત્નીને ખૂબ ધક્કા ખાવા પડ્યા હતા, પરંતુ રકમ છૂટી કરાતી નહોતી. આખરે એમણે કોર્ટમાં પીટિશન નોંધાવી હતી.