Home Blog Page 2317

ઓપનએઆઈ પ્રકરણમાં નાટ્યાત્મક વળાંક: ઓલ્ટમેન સીઈઓ તરીકે પાછા ફર્યા

સેન ફ્રાન્સિસ્કોઃ ચેટજીપીટી ડેવલપ કરનાર ઓપનએઆઈ કંપનીના પ્રકરણમાં આખરી વળાંક આવ્યો હોય એવું લાગે છે, કારણ કે સીઈઓ પદેથી હાંકી કઢાયા બાદ હવે સેમ ઓલ્ટમેને જ કહ્યું છે કે તેઓ કંપનીમાં પાછા ફરશે. ઓલ્ટમેનની હકાલપટ્ટી કર્યા બાદ ઓપનએઆઈના બોર્ડના સભ્યોએ જ રાજીનામું આપી દીધું હતું. હવે નવા બોર્ડની રચના કરવામાં આવી છે અને ઓપનએઆઈની મુખ્ય સમર્થક કંપની માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાના ટેકા સાથે ઓલ્ટમેન કંપનીમાં પાછા ફર્યા છે. આ જાણકારી એમણે X (ટ્વિટર) પર એક પોસ્ટ મારફત આપી છે. એમણે લખ્યું છે કે, એમને ઓપનએઆઈ પ્રત્યે ખૂબ લગાવ છે અને પોતે છેલ્લા અમુક દિવસો દરમિયાન જે કંઈ કર્યું છે તે એમની ટીમને સંગઠિત રાખવા તથા ટીમના મિશનની સેવા અર્થે કર્યું છે.

ઓલ્ટમેને વધુમાં કહ્યું છે કે, મેં જ્યારે ગયા રવિવારની સાંજે માઈક્રોસોફ્ટમાં જોડાવાનો નિર્ણય લીધો, ત્યારે એ સ્પષ્ટ થઈ ગયું હતું કે મારા તેમજ ટીમ માટે એ શ્રેષ્ઠ માર્ગ હતો. હવે નવા રચાયેલા બોર્ડ તથા નડેલાના ટેકા સાથે હું ઓપનએઆઈમાં પાછો ફરવા અને માઈક્રોસોફ્ટ સાથે અમારી ભાગીદારીને મજબૂત બનાવવા ઉત્સૂક છું.

ઓપનએઆઈ કંપનીએ પણ કહ્યું છે કે તેણે સીઈઓ તરીકે કંપનીમાં પાછા ફરવા માટે ઓલ્ટમેન સાથે સૈદ્ધાંતિક રીતે એક સમજૂતી કરી છે. નવા બોર્ડમાં બ્રેટ ટેલર (ચેરમેન), લેરી સમર્સ અને એડમ ડીએન્જેલો છે. ઓપનએઆઈમાં નવા બોર્ડની રચનાને સત્યા નડેલાએ આવકારી છે.

વન્યજીવોની ફોટોગ્રાફી ‘હાર્ટબીટ્સ’ પ્રદર્શનનું ભૂતપૂર્વ CMને હસ્તે ઉદઘાટન

મુંબઈઃ જહાંગીર આર્ટ ગેલેરીમાં યોજાયેલું ‘હાર્ટબીટ્સ’ નામની ફોટોગ્રાફીનું એક્ઝિબિશન વન્યજીવની સુરક્ષા પર આધારિત છે, જેનું ઉદઘાટન મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કર્યું હતું. આ ‘હાર્ટબિટ્સ’ ફોટોગ્રાફી વિશ્વના ટોચના કાર્ડિયાક સર્જન અને એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના અધ્યક્ષ ડો. રમાકાંત પાંડા દ્વારા કરવામાં આવી હતી.

આ ઉદઘાટન સમારંભમાં ડો. પાંડાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે આ ફોટોગ્રાફી આપણને કુદરતના નિયમોની યાદ અપાવે છે અને તમારા આ ફોટો ખરેખર અસાધારણ છે. મારી સાથે હવે એક સમસ્યા થઈ છે કે હું હંમેશાં તેમને ડોક્ટર સાહેબ કરીને સંબોધન કરતો હતો, પરંતુ હવે આ એક્ઝિબિશન પછી હવે હું તેમને શું કહીને બોલાવું? ફોટોગ્રાફર કહું કે ડોક્ટરસાહેબ જ કહું, એમ તેમણે કહ્યું હતું.

‘હાર્ટબીટ્સ’ નામના ફોટોગ્રાફીનું એક્ઝિબિશન 130 ફોટોનું યુનિક કલેક્શન છે, જે ડો. પાંડા દ્વારા લેવામાં આવી છે. આ એક્ઝિબિશનમાં મૂકવામાં આવેલા ફોટો મનુષ્ય અને પ્રાણીઓની વચ્ચે જાળવી રાખવાના સંતુલનને સરસ રીતે દર્શાવે છે અને બંનેના સહઅસ્તિત્વ અને સંરક્ષણની તત્કાળ જરૂરિયાત પર ભાર મૂકે છે. આ એક્ઝિબિશન થકી મળેલી આવકને વન્યજીવોની સુરક્ષા માટે આપવામાં આવશે. 

આ પ્રસંગે બોલતાં ફોટોગ્રાફર અને વિશ્વના ટોચના કાર્ડિયક સર્જન ડો. પાંડાએ (કે જેઓ @drpandaasianheartને નામે ફોટો પોસ્ટ કરે છે) કહ્યું હતું કે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી માટે ઉદ્ધવ ઠાકરે મારી પ્રેરણા છે અને તેમણે જ મને એક્ઝિબિશન કરવા માટે પ્રેર્યો છે. હું શાંતિ અને સદભાવની સાથે પ્રાણીઓ અને મનુષ્યોના સહઅસ્તિસ્વના સંદેશમાં માનું છું.

એશિયન વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં HDFC બેન્કના ભૂતપૂર્વ ચેરમેન દીપક પારેખ, પરિમલ નથવાણી, એસ. રામાદોરાઈ, નિરંજન હીરાનંદાની, રતિ અને નાદિર ગોદરેજ, આશુતોષ ગોવારીકર અને રાજ્યસભાના સભ્ય કુમાર કેતકર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જહાંગીર આર્ટ ગેલેરીમાં આયોજિક એક્ઝિબિશન 27 નવેમ્બર સુધી કલાપ્રેમીઓ માટે ખુલ્લું રહેશે. જે કલાપ્રેમીઓને ડો. પાંડાના લેન્સના માધ્યમથી કેદ વન્યજીવની સુંદરતાની ઝાંખી કરાવશે. આ પ્રકારની ફોટોગ્રાફી ના માત્ર વન્યજીવોને દર્શાવે છે, પણ વન્યજીવોની સુરક્ષા વિશે પણ જાગરુકતા વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

(ફોટો સૌજન્ય- આશિષ સોમપુરા)

 

 

ભારતે કેનેડાવાસીઓ માટે ઈ-વિઝા સેવા ફરી શરૂ કરી

નવી દિલ્હીઃ બે મહિના સુધી સસ્પેન્ડ રાખ્યા બાદ ભારત સરકારે કેનેડાવાસીઓ માટે ઈલેક્ટ્રોનિક-વિઝા સેવાઓ ફરી શરૂ કરી છે. બંને દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોમાં કડવાશ ઊભી થયા બાદ ભારત સરકારે આ સેવા સ્થગિત કરી હતી.

કેનેડા ખાલિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપે છે અને એમની ભારતવિરોધી પ્રવૃત્તિઓને ટેકો આપે છે તેની સામેના વિરોધમાં ભારતે કેનેડાવાસીઓ માટેની સેવા સ્થગિત કરી હતી. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં અજ્ઞાત વ્યક્તિઓએ હત્યા કર્યા બાદ કેનેડાની સરકારે ભારત પર દોષારોપણ કર્યું હતું. ભારતે તેનો વિરોધ કર્યો હતો અને ત્યારથી બંને દેશ વચ્ચેના સંબંધો કડવા બની ગયા હતા. ભારત સરકારે દેશમાંથી અનેક કેનેડિયન રાજદૂતોની હકાલપટ્ટી કરી હતી.

કેનેડિયન વડા પ્રધાન વર્ચ્યુઅલ G20 સંમેલનમાં ભાગ લેશે

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સમર્થન આપ્યું છે કે પોતે ભારત દ્વારા આગામી સમયમાં G20 દેશોના વડાઓના યોજાનાર વર્ચ્યુઅલ સંમેલનમાં ભાગ લેશે.

સ્વિગી-ઝોમેટોને રૂ. 500-500 કરોડની નોટિસ ફટકારાઈ, જાણો, કેમ?…

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ ફૂડ ડિલવરી એપ સ્વિગી-ઝોમેટોને હાલમાં રૂ. 500 કરોડની GSTની નોટિસ મળી છે. સ્વિગી અને ઝોમેટો ગ્રાહકો પાસેથી ડિલિવરી ફીને નામે કેટલાક પૈસા વસૂલે છે. હવે આ પૈસાને લઈને ટેક્સ અધિકારી અને ફૂડ ડિલિવરી એપની વચ્ચે ખેંચતાણ છે. આ ડિલિવરી ફીસને મામલે આશરે રૂ. 1000 કરોડ દાવ પર છે.

ફૂડ-એગ્રીગેટર્સ ઝોમેટો અને સ્વિગીનું કહેવું છે કે ડિલિવરી ચાર્જ કંઈ બીજું નહીં ડિલિવરી પાર્ટનર્સ દ્વારા વહન કરવામાં આવતો ખર્ચ છે. જે ઘેરેઘેર ખાવાનું ડિલિવરી કરવા માટે જાય છે. કંપનીઓ બસ ગ્રાહકો પાસેથી એ ખર્ચ વસૂલે છે અને ડિલિવરી પાર્ટર્નસને ચૂકવે છે, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ ટેક્સ અધિકારીઓ આ વાત સહમત નથી આ મામલે દાવ પર આશરે રૂ. 1000 કરોડ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઝોમેટો અને સ્વિગીને GST અધિકારીઓ પાસેથી રૂ. 500-500 કરોડની નોટિસ મળી છે. ટેક્સ અધિકારીઓને લાગે છે કે સ્વિગી- ઝોમેટો આ ડિલિવરી ફીને જમા કરે છે અને રેવેન્યુ જનરેટ કરે છે. સૂત્રોના જણાવ્યાનુસાર બંને મુખ્ય ખેલાડીઓને-પ્રત્યેકને રૂ. 500 કરોડની ચુકવણી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે, જે ઝોમેટો અને સ્વિગી દ્વારા ડિલિવરી શૂલ્ક તરીકે એકત્ર કરવામાં આવેલા જમા રાશિ પર લગાવવામાં આવ્યો 18 ટકા ટેક્સ છે. જ્યારથી તેમણે ગ્રાહકોને ફૂડ ડિલિવરીની રજૂઆત કરી હતી. આ મામલે બંને કંપનીઓએ કરેલા ઇમેઇલનો કોઈ જવાબ નહોતો આપ્યો.

 

 

 

 

અયોધ્યામાં 80,000 શ્રદ્ધાળુઓ માટે તૈયાર થશે ટેન્ટ સિટી

અયોધ્યાઃ ભગવાન શ્રીરામના જન્મસ્થળ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં આગામી વર્ષની 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પહોંચનારા શ્રદ્ધાળુ માટે ટેન્ટ સિટી બાંધવામાં આવી રહી છે. એમાં 80,000 શ્રદ્ધાળુઓના રોકાવાની વ્યવસ્થા થશે. ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશ-વિદેશથી લાખ્ખો શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચવાની સંભાવનાને જોતા શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (ADA) તરફથી વિવિધ સ્થાનો પર ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, એમ લખનઉમાં જારી એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

ADAના સચિવ સત્યેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના સમયે જોરદાર ઠંડી રહેશે. એને જોતાં ટેન્ટ સિટીનું નિર્માણ એ પ્રકારે કરવામાં આવશે કે શ્રદ્ધાળુઓને રાહત મળી શકે.  અહીં રાત્રિરોકાણ કરનારા શ્રદ્ધાળુઓ માટે શૌચાલય અને સ્નાનાગૃહ સિવાય ભોજન માટે ભંડારા ગૃહ અને મેડિકલ શિબિરનું આયોજન પણ કરવામાં આવશે.

22 જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અભિજિત મુહૂર્ત મૃગશીર્ષ નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામ લલ્લાનો અભિષેક કરશે. આ કાર્યને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવા માટે રવિવારે સાકેત નિલયમમાં સંઘ પરિવારની બેઠક યોજાઈ હતી. જેમાં સમારોહના પ્રચારને ચાર તબક્કામાં વહેંચીને તૈયારીઓને આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો હતો.

તેનો પ્રથમ તબક્કો રવિવારથી શરૂ થયો હતો અને 20 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં ફંકશનના એક્શન પ્લાનની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. આ માટે નાની સ્ટિયરિંગ કમિટીની રચના કરવામાં આવશે. જિલ્લા અને બ્લોક સ્તરે 10-10 લોકોનું જૂથ બનાવવા માટે સંમતિ આપવામાં આવી છે.

 

 

નોટ આઉટ @ 87 :  કૃષ્ણદેવ પંડ્યા

સાઈડ રીધમ અને ઢોલ-તબલા પર અમરીશ પરીખને લગભગ 600 જેટલા શોમાં સાથ આપનાર કૃષ્ણદેવ પંડ્યા(હાલ ન્યુયોર્ક)ની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ અને બાળપણ નડિયાદ પાસેના પણસોરા ગામમાં. બે ભાઈ, એક બહેન. તેઓ સૌથી નાના. માતા મરજાદી અને વૈદ્ય, પિતા શિક્ષક, હેડ-માસ્તર. પણસોરા-ડાકોર-કરમસદમાં અભ્યાસ. આખું કુટુંબ આઝાદીની લડતમાં સક્રિય હતું, પણ માતાની શાખને લીધે કોઈને ક્યારેય તેમના પર શંકા ન થઈ.  થોડો સમય વચલાભાઈ સાથે ઉજજૈન ગયા, પછી મુંબઈ આવ્યા. ભવન્સ કોલેજમાં ભણ્યા. દિવસે સ્ટેટ-ટ્રાન્સપોર્ટમાં કામ કરે અને સાંજે પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે તબલા વગાડે! મહાગુજરાતની લડત બાદ અમદાવાદ આવ્યા. બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી કરી. યુનિયન લીડર હતા. સ્પોર્ટ્સ-ક્લબના સેક્રેટરી હતા. 1965માં સુગમ સંગીત કલા કેન્દ્રની  સ્થાપના કરી. રાસ-ગરબા-નાટકો અને અન્ય સાંસ્કૃતિક પ્રોગ્રામ કરાવતા. નૃત્ય-નાટિકા શીખવતા. તેમની રામ-શબરી તથા મીરાની નૃત્ય-નાટિકા બહુ પ્રખ્યાત હતી. અમરીશ પરીખ સાથે સાઈડ રીધમ અને ઢોલ-તબલા પર લગભગ 600 જેટલા શોમાં વગાડ્યું. 1979માં યુએસએ ગયા SBI ન્યૂયોર્કમાં કામ કર્યું. ત્યાં પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને નવરાત્રી-દિવાળીમાં સક્રિય હતા. ન્યૂયોર્કની ઇન્ડિયા-પરેડમાં ભાગ લેતા.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે ઊઠીને નાહી-ધોઈને પૂજા કરે. એ પછી કસરત કરે. યોગ કરે. મંદિર જાય. થોડીવાર ફરવા જાય. બપોરે જમીને આરામ કરે. ઊઠીને ટીવી જુએ, ફિલ્મ જુએ. ટીવીના પ્રોગ્રામમાં સાઈબાબાની સીરીઅલ, કેબીસી, અહલ્યા વગેરે બહુ ગમે. શનિ-રવિમાં સોશિયલ કામકાજ કરે. આધ્યાત્મિક વિકાસ-કેન્દ્રમાં સક્રિય છે. હજી પણ દર નવરાત્રીએ ન્યૂયોર્કમાં ઢોલ વગાડે!

શોખના વિષયો : 

સંગીત, નૃત્ય, નાટકો તેમના મુખ્ય શોખ. અમદાવાદ આકાશવાણી પર “A-Class” આર્ટિસ્ટ હતા. રસિક ભોજક સાથે પણ કામ કર્યું છે. એક સીટિંગના તેમને 75 રૂપિયા મળતા તે હજુ ગર્વથી યાદ કરે છે!

 

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત માટે ભગવાનની મહેરબાની છે! દીકરી સાથે રહે છે એટલે દીકરી ઘણું ધ્યાન રાખે છે. શરીર હોય એટલે સામાન્ય રોગ તો હોય! તેઓ નિયમિત કસરત કરે છે, ઘરમાં ચાલે છે, સાયકલિંગ કરે છે. હાથની અને પગની કસરતો કરે છે. 2020ની માંદગી પછી તબિયત થોડી લથડી છે.

યાદગાર પ્રસંગ:  

ડાકોરમાં હતા ત્યારે શાળાએથી આવી દફતર મૂકીને સીધા ગોમતી નદીમાં નહાવા પડતા. ગોમતીના શંકરના મંદિરમાં મિત્રો સાથે તેઓ મધરાતે રાષ્ટ્ર-ધ્વજ ફરકાવતા! શાળાના એક શિક્ષકને અંગ્રેજો માટે ઘણું માન. વિદ્યાર્થીઓને તે ગમે નહીં. એકવાર તેમણે તે શિક્ષકને બંગડીનું બોક્સ ભેટ આપ્યું. શિક્ષક ગુસ્સે થયા,વાત વધી ગઈ, પણ કુનેહથી વાળી લીધી!

 

અમરીશ પરીખ સાથેના પ્રોગ્રામોનો દોર તેમને માટે ખૂબ યાદગાર છે. “તૂ છૂપી હૈ કહાં” ગીતની શરૂઆતમાં અંધારા હોલમાં સ્ટેજ પરથી તેઓ 10 વાર ઘંટ વગાડે અને પછી લાઈટનું ફોકસ એમના ઉપર પડે…… અને લોકો તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લે! અમરીશભાઈની સાથે તેઓ ઘણાં કલાકારોને મળ્યા છે. લતા મંગેશકર, સલામત અલીખાન જેવા મહાન કલાકારોને તેઓ મુંબઈના પ્રોગ્રામમાં મળ્યા હતા. પુરુષોત્તમ ઉપાધ્યાયના એક પ્રોગ્રામમાં તેમણે આશા પારેખ સાથે કામ કર્યું હતું. “જિસ દેશ મેં ગંગા બહેતી હૈ” ના શૂટિંગ વખતે તેઓ રાજ કપૂરના સ્ટુડિયોમાં ગયા હતા. ન્યૂયોર્કની ઇન્ડિયા પરેડમાં તેઓ સક્રિય હતા. આઝાદીના સેનાની સુભાષચંદ્ર બોઝ, નેહરુ ચાચા અને ભગતસિંહના વેશ ધારણ કરી તેમણે પરેડમાં ભાગ લીધો હતો!

 નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

તેઓ નવી ટેકનોલોજી ઘણી ઓછી વાપરે છે. પણ સંગીતનો જીવ  છે એટલે સંગીતના પ્રોગ્રામોમાં જરૂરી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

બહુ મોટો ફેર પડી ગયો છે! આજના માણસો બહુ સ્વાર્થી થઈ ગયા છે! કામ પતે એટલે જાણે ઓળખે જ નહીં! પૈસાની જ વાત! પૈસો એટલે પરમેશ્વર! અમારા સમયમાં આવું હતું નહીં! અમારા સમયમાં માણસની ઘણી કીંમત હતી!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

તેમને ચાર બાળકો અને છ પૌત્ર-પૌત્રીઓ છે. દોહિત્ર તપસ્વી સાથે જ રહે છે. બહારનાં યુવાનોને મળવાનું ઓછું થાય છે, પણ સંગીત અને નૃત્ય-નાટકના શોખને લીધે હજુ પણ યુવાનો સાથે ટચ રહ્યો છે. તેમને લાગે છે કે યુવાનોને પૈસા કમાવવા છે, પણ તેમના જીવનમાં લાગણી નથી રહી. કોઈને માટે કંઈ કરવાની તેમની તૈયારી નથી!

સંદેશો :  

સારા રહો અને સારા રહેવા દો!

કોરાનાના 22 નવા કેસો, એક પણ મોત નહીં     

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 22 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,606 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,295 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,136 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 10 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 198 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,76,906 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 113 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

વિકી કૌશલ, ફાતિમાએ કર્યો ‘સામ બહાદુર’ ફિલ્મનો પ્રચાર

આગામી હિન્દી ફિલ્મ ‘સામ બહાદુર’ના નિર્માતાઓએ 21 નવેમ્બર, મંગળવારે મુંબઈમાં મેહબૂબ સ્ટુડિયો ખાતે મીડિયાકર્મીઓ સમક્ષ પ્રમોશન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં ફિલ્મનાં કલાકારો – વિકી કૌશલ અને ફાતિમા સના શેખ તથા દિગ્દર્શિકા મેઘના ગુલઝાર ઉપસ્થિત રહ્યાં હતાં અને તસવીરકારોને પોઝ આપ્યાં હતાં.

મેઘના ગુલઝારે ભારતના ભૂતપૂર્વ લશ્કરી વડા અને ‘ફિલ્ડ માર્શલ’ પદવીથી નવાજવામાં આવેલા સામ માણેકશાના જીવન પરથી આ ફિલ્મ બનાવી છે. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ વખતે સામ માણેકશા ભારતના લશ્કરી વડા હતા. વિકી કૌશલે સામ માણેકશાનો રોલ ભજવ્યો છે. ફાતિમા સના શેખ બની છે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી, સાન્યા મલ્હોત્રાએ ભજવ્યો છે સામ માણેકશાના પત્ની સિલૂ માણેકશાનો રોલ જ્યારે મોહમ્મદ ઝીશન અય્યૂબ બન્યો છે પાકિસ્તાની લશ્કરી વડો યાહ્યા ખાન.

‘સામ બહાદુર’ ફિલ્મ આવતી 1 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની છે.

હમાસ જૂથ સાથે ઈઝરાયલે કર્યું ચાર-દિવસનું યુદ્ધવિરામ

તેલઅવિવઃ પડોશના ગાઝા સ્ટ્રીપમાં અંકુશ જમાવનાર હમાસ ઉગ્રવાદી જૂથ સાથે ઈઝરાયલ સરકારે ચાર-દિવસનું યુદ્ધવિરામ કર્યું છે. યુદ્ધવિરામની સમજૂતીને વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહૂની આગેવાની હેઠળ ઈઝરાયલના પ્રધાનમંડળે આજે મંજૂર રાખી છે. આ સમાધાન મુજબ, હમાસ ઉગ્રવાદીઓ ગાઝા શહેરમાં એમણે બંદી બનાવેલા 240માંથી 50 જણને છોડી મૂકશે અને તેના બદલામાં ઈઝરાયલ સરકાર તેની જેલોમાં પૂરેલા કેટલાક પેલેસ્ટીનિયનોને છોડી દેશે.

આ સમાધાનને પગલે છ અઠવાડિયાથી ચાલતું ભયાનક યુદ્ધ કામચલાઉ અટકી જશે, પણ આ યુદ્ધવિરામ ક્યારથી અમલમાં આવશે તે હજી સ્પષ્ટ થયું નથી.

ઈઝરાયલની સરકારે કહ્યું છે કે પ્રત્યેક 10 બંધકને છોડી મૂકાશે તેમ યુદ્ધવિરામને ઈઝરાયલ એક-એક દિવસ લંબાવશે. સૌથી પહેલાં મહિલાઓ અને બાળકોને છૂટા કરવાના રહેશે. યુદ્ધવિરામનો સમય પૂરો થશે તે પછી ઈઝરાયલના સૈનિકો હમાસ પર આક્રમણ ફરી શરૂ કરશે.

રિલાયન્સ ગ્રુપ પશ્ચિમ બંગાળમાં વધુ રૂ.20,000 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરશેઃ અંબાણી

કોલકાતાઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું છે કે એમનું ગ્રુપ આવતા ત્રણ વર્ષમાં પશ્ચિમ બંગાળ રાજ્યમાં અધિક રૂ. 20,000 કરોડનું મૂડીરોકાણ કરશે. એમણે આ જાહેરાત ગઈ કાલે અહીં બેંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટની 7મી આવૃત્તિના કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં કરી હતી. એમણે કહ્યું કે, રિલાયન્સ ગ્રુપ ડિજિટલ લાઈફ સોલ્યૂશન્સ, રીટેલ અને બાયો-એનર્જી જેવા ક્ષેત્રોમાં અતિરિક્ત મૂડીરોકાણ કરશે.

અંબાણીએ વધુમાં કહ્યું હતું કે, રિલાયન્સ ગ્રુપ બંગાળના આર્થિક વિકાસને વેગ આપવા માટે કોઈ કસર નહીં છોડે. રિલાયન્સે પશ્ચિમ બંગાળમાં રૂ. 45,000 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. આજે મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે અમે આવતા ત્રણ વર્ષમાં આ રાજ્યમાં વધુ રૂ. 20,000 કરોડનં  ઈન્વેસ્ટમેન્ટ કરવા વિચારીએ છીએ. રાજ્યમાં ગુણવત્તાસભર શિક્ષણ, આરોગ્યસેવાઓ અને કૃષિ ક્ષેત્રની સમસ્યાઓના ઉકેલ લાવવાની જરૂર છે. સમૃદ્ધ બંગાળ રાજ્ય દક્ષિણ-પૂર્વ અને દૂર-પૂર્વ એશિયાના દેશો માટે ફરીથી ભારતનું ગેટવે બનશે.