ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૧૪ ડિસેમ્બર, ૨૦૨૩
ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૧૪ ડિસેમ્બર, ૨૦૨૩
શેરબજારને ફેડનો બુસ્ટર ડોઝઃ IT શેરોમાં લાવ-લાવ
અમદાવાદઃ ફેડના નિર્ણયે માર્કેટ માટે બુસ્ટર ડોઝનું કામ કર્યું છે. જેથી સ્થાનિક શેરબજારોમાં તેજીની આગેકૂચ રહી હતી. BSE સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચી સપાટીએ બંધ આવ્યા હતા. સેન્સેક્સ સૌપ્રથમ વાર 70,000ને પાર બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં 21,200ની પાર પહોંચવામાં સફળ થયો હતો. મિડકેપ અને નિફ્ટી બેન્ક ફરી એક વાર રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. નિફ્ટી IT ઇન્ડેક્સ 20 મહિનાની ઊંચાઈ બંધ આવ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 4.08 લાખ કરોડનો વધારો થયો હતો.
ગુરુવારે મુખ્ય સેક્ટોરિયલ ઇન્ડેક્સ રેકોર્ડ ઊંચા સ્તરે બંધ થયા હતા. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ પણ 70,500ને પાર જવામાં સફળ થયો હતો અને 930 પોઇન્ટ ઊછળીને 70,514ના સ્તરે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 256 પોઇન્ટ ઊછળીને 21,183ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી મિડકેપ 587 પોઇન્ટની તેજી સાથે 45,534ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી બેન્ક 640ની તેજી સાથે 47,732ના મથાળે બંધ થયો હતો.
અમેરિકી ફેડરલ રિઝર્વે સતત ત્રણ વાર વ્યાજદરોમાં નહીં વધારવાનો નિર્ણય કર્યો હતો. આ સિવાય બેન્કે આગામી વર્ષે કમસે કમ ત્રણ વાર વ્યાજદરોમાં કાપ મૂકવાના સંકેત આપ્યા હતા. જોકે વર્ષ 2024માં એ કાપ ચાર વાર થવાની શક્યતા છે. વર્ષ 2024માં ત્રણ વાર 25-25 બેઝિસ પોઇન્ટના કાપની શક્યતાના સંકેત છે. જેથી શેરબજારમાં આગઝરતી તેજી થઈ હતી. બજારને અપેક્ષા છે કે અમેરિકામાં વ્યાજદરો નીચે આવ્યા પછી FII ભારતીય શેરબજારોમાં પાછા વળશે. જેથી બજાર આવતા વર્ષે નવી ઊંચાઈએ પહોંચે એવી શક્યતા છે. આ સિવાય ઓદ્યૌગિક ઉત્પાદન ઓક્ટોબરમાં 16 મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન 10 ટકાથી વધુનો ગ્રોથ જોવા મળ્યો હતો.
નિફ્ટી 50માંથી 19 શેર 52 સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યા હતા. BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં રૂ. ચાર લાખ કરોડનો વધારો થયો હતો. આ બધી કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 355 લાખ કરોડને પાર પહોંચ્યું છે.
સંસદ સુરક્ષા ભંગ : PM મોદીએ કહ્યું- તેને ગંભીરતાથી લો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કેન્દ્રીય મંત્રીઓને સંસદની સુરક્ષામાં મોટી ક્ષતિ અંગે સૂચનાઓ આપી છે. સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે પીએમ મોદીએ મંત્રીઓને કહ્યું કે આ મામલાને ગંભીરતાથી લે અને તેના પર રાજકારણ ન કરો. આપણે સૌએ સાવચેતી રાખવાની છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બંને ગૃહો (રાજ્યસભા અને લોકસભા)માં નિવેદનની માંગ કરી રહ્યા છે. જેના કારણે રાજ્યસભા અને લોકસભામાં હોબાળો થયો હતો. કોંગ્રેસના ટીએન પ્રથાપન, હિબી એડન, જોતિમણી, રામ્યા સહિત વિપક્ષના 14 સભ્યોને શિયાળુ સત્રના બાકીના દિવસો માટે ગૃહમાં અધ્યક્ષની અવમાનના અને અનાદર બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

કોને સસ્પેન્ડ કરાયા?
પહેલા કોંગ્રેસના પાંચ સભ્યો ટીએન પ્રથાપન, હિબી એડન, જોતિમણી, રામ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી, કોંગ્રેસના વીકે શ્રીકંદન, બેની બેહનન, મોહમ્મદ જાવેદ અને મણિકમ ટાગોર, ડીએમકેના કનિમોઝી અને એસઆર પ્રતિબેન, સીપીઆઈ(એમ)ના એસ વેકેટેશન, પીઆર નટરાજન અને કે.કે. સુબ્બારાયનને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ ગૃહમાં પસાર કરવામાં આવ્યો હતો.

સરકારે શું કહ્યું?
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ હંગામા પર કહ્યું, “અમે બધા સહમત છીએ કે ગઈકાલની કમનસીબ ઘટના લોકસભાના સભ્યોની સુરક્ષામાં ગંભીર ખામી હતી. લોકસભા સ્પીકરના નિર્દેશ પર આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે.

વિપક્ષના પ્રહાર
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે (13 ડિસેમ્બર) રાજ્યસભામાં અનેક સવાલો ઉઠાવતા કહ્યું હતું કે સુરક્ષા ભંગ ખૂબ જ ગંભીર મામલો છે. આવી સ્થિતિમાં અમિત શાહે ગૃહની અંદર નિવેદન આપવું જોઈએ. તેના જવાબમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ રાજનીતિ કરી રહી છે. રાજનીતિ કરવાને બદલે દેશને એકતાનો સંદેશ આપવો જોઈએ. આ પછી વિપક્ષી ગઠબંધન ‘ભારત’એ ગૃહમાંથી વોકઆઉટ કર્યું.

કેવી રીતે બની સમગ્ર ઘટના?
લોકસભાની કાર્યવાહી દરમિયાન, બે લોકો – સાગર શર્મા અને મનોરંજન ડી – બુધવારે (13 ડિસેમ્બર) પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાં કૂદી પડ્યા. આ દરમિયાન બંનેએ ડબ્બામાંથી પીળો ધુમાડો ફેલાવ્યો હતો. આ દરમિયાન કેટલાક સાંસદોએ તેને પકડી લીધો હતો. બીજી તરફ અમોલ શિંદે અને નીલમ દેવીએ સંસદ સંકુલની બહાર ડબ્બામાંથી રંગીન ધુમાડો છોડ્યો અને ‘તાનાશાહી નહીં ચાલે’ના નારા લગાવ્યા.

પોલીસે શું કહ્યું?
સાગર, મનોરંજન, અમોલ, નીલમ અને વિકી હવે પોલીસ કસ્ટડીમાં છે. તેના અન્ય સહયોગી લલિતની શોધ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે તમામ છ લોકો પહેલાથી જ એકબીજાને ઓળખતા હતા અને તેઓએ થોડા દિવસ પહેલા આ કાવતરું ઘડ્યું હતું. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા એકબીજાના સંપર્કમાં હતા અને બુધવારે સંસદમાં આવતા પહેલા તેઓએ રેક કર્યું હતું.
ચૂગલીખોર પાકિસ્તાની પ્રશંસકોને મોહમ્મદ શામીએ આપ્યો જડબાતોડ જવાબ
મુંબઈઃ આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધામાં મોહમ્મદ શામી ભારતનો શ્રેષ્ઠ બોલર રહ્યો હતો. એણે માત્ર 7 મેચ રમીને 24 વિકેટ ઝડપીને ટુર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર તરીકેનો એવોર્ડ જીત્યો હતો. ચાર મેચ સુધી બેન્ચ પર બેસવાની ફરજ પડ્યા બાદ પાંચમી મેચથી રમવાનો મોકો મળતાં જ શામીએ એની પૂરી તાકાત લગાવીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. અનેક ટીમોની બેટિંગ લાઈન-અપને એ તોડતો રહ્યો હતો. શ્રીલંકાની ટીમ સામે એણે 18 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. તે મેચ ભારત 302 રનના માર્જિનથી જીત્યું હતું. શ્રીલંકા ટીમ માત્ર 55 રન જ બનાવી શકી હતી.
કસુન રજિથા નામક બેટરની વિકેટ ઝડપ્યા બાદ ખુશ થયેલો શામી મેદાન પર એના ઘૂંટણ પર બેઠો હતો અને મેદાનને સ્પર્શ કર્યો હતો. એને કારણે અમુક પાકિસ્તાની મીડિયા અને અમુક પ્રશંસકોએ સોશિયલ મીડિયા પર ટીકા કરી હતી. એમણે એવો આરોપ મૂક્યો હતો કે શામી સજદા કરવા માગતો હતો, પણ ગભરાઈને અટકી ગયો હતો. એક યૂઝરે ભારતના બિનસાંપ્રદાયિક સિદ્ધાંતની હાંસી ઉડાવી હતી. તે ટીકાઓનો ભારતીય પ્રશંસકોએ જોરદાર રીતે વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે રમત સાથે ધર્મને જોડવો નહીં. શામી વાતાવરણને કારણે થાકી ગયો હતો, એ સજદા કરતો અટકી નહોતો ગયો.
તે ઘટનાના એક મહિના બાદ, આજતક ચેનલના એક કાર્યક્રમમાં શામીને આમંત્રિત કરવામાં આવ્યો હતો અને એને સજદા વિવાદ વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે શામીએ કહ્યું કે, ‘હું ગર્વથી કહું છું કે હું મુસ્લિમ છું અને ભારતીય છું. મારે ભારતમાં નમાઝ પઢવી હોય તો હું ગમે તે જગ્યાએ બેસીને પઢી શકું છું, મને કોઈ રોકી શકે નહીં. હું કોઈને એના ધર્મમાં રોકું નહીં અને કોઈ મને રોકે નહીં. નમાઝ પઢવી એમાં તકલીફ જેવું કંઈ જ નથી. ધારો કે મને કોઈ તકલીફ હોત તો હું ભારતમાં રહેત જ નહીં. ભારતમાં સજદા કરવાની જો મારે કોઈની પરવાનગી લેવી પડતી હોત તો હું આ દેશમાં રહેત જ નહીં. હું ગર્વથી કહું છું કે હું મુસ્લિમ છું, ભારતીય છું. ભારતમાં તમે કહો એ જગ્યાએ, કોઈ પણ મંચ પર હું સજદા કરીશ. આવા લોકો ન તો તમારી સાથે છે કે ન મારી સાથે. આ તો ચૂગલીખોર લોકો છે.’
સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. પરંતુ આ ટેસ્ટ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં, મોહમ્મદ શમી ટેસ્ટ શ્રેણીનો ભાગ નહીં હોય. જો કે, હજુ સુધી મોહમ્મદ શમીના રમવા અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ ઘણા મીડિયા અહેવાલો અનુસાર તે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં રમી શકશે નહીં.

મોહમ્મદ શમી કેમ રમી શકશે નહીં?
મોહમ્મદ શમી પગની ઘૂંટીની ઈજાથી પરેશાન છે. આ કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. તે જ સમયે, રોહિત શર્મા સહિત ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ 15 ડિસેમ્બરે જોહાનિસબર્ગ જવા રવાના થશે. પરંતુ મોહમ્મદ શમી દક્ષિણ આફ્રિકા જનારા ખેલાડીઓની યાદીમાં નહીં હોય. મોહમ્મદ શમી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં ન રમવું ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસનું શેડ્યૂલ શું છે?
હાલમાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે 3 T20 મેચોની સીરીઝ રમી રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ કરવી પડી હતી. તે જ સમયે, દક્ષિણ આફ્રિકાએ બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું. આ રીતે દક્ષિણ આફ્રિકાની ટીમ 3 ટી-20 મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. આજે ભારત-દક્ષિણ આફ્રિકા T20 શ્રેણીની ત્રીજી મેચ રમાશે. આ પછી, બંને ટીમો વચ્ચે 3 ODI મેચોની શ્રેણી રમાશે. વનડે શ્રેણીની પ્રથમ મેચ 17 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં રમાશે. આ પછી બીજી વનડે 10મી ડિસેમ્બરે સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાવાની છે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે ત્રીજી વનડે 21મી ડિસેમ્બરે પાર્લમાં રમાશે. T20 અને ODI બાદ બંને ટીમો વચ્ચે ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે. તે જ સમયે, બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમવાની છે.
સંસદની સુરક્ષામાં ભંગનો મામલોઃ ચારેય આરોપીઓને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાયા
સંસદની સુરક્ષામાં મોટી ખામીના કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે ચાર આરોપીઓને સાત દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. આ ચાર આરોપીઓ છે નીલમ આઝાદ, અમોલ શિંદે, સાગર શર્મા અને મનોરંજન ડી. દિલ્હી પોલીસે 15 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટને કહ્યું કે આ આતંકવાદી પ્રવૃત્તિ જેવી ઘટના છે. આ ચાર પૈકી સાગર શર્મા અને મનોરંજન ડી એવા છે જેઓ લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહની અંદર કૂદી ગયા હતા અને ડબ્બામાંથી ધુમાડો ફેલાવ્યો હતો. નીલમ આઝાદ અને અમોલ શિંદે એ લોકો છે જેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સંસદ પરિસરમાં કેન દ્વારા ધુમાડો ફેલાવ્યો હતો.
Parliament security breach: Delhi court sends 4 accused to 7-day police custody
Edited video is available on PTI Videos (https://t.co/L2D7HH3xZ2) #PTINewsAlerts #PTIVideos @PTI_News pic.twitter.com/AQP3LTc51O
— PTI News Alerts (@PTI_NewsAlerts) December 14, 2023
કઈ દલીલો આપવામાં આવી?
દિલ્હી પોલીસના વકીલે કોર્ટને જણાવ્યું કે આ કેન મહારાષ્ટ્રમાંથી ખરીદવામાં આવ્યું હતું. આરોપીઓ અલગ-અલગ જગ્યાના છે. આવી સ્થિતિમાં આરોપીઓને લખનૌ, ગુરુગ્રામ અને મૈસૂર સહિત ઘણી જગ્યાએ લઈ જવા પડે છે. તેમને રૂબરૂ બેસાડીને પૂછપરછ કરવી પડશે. મીટિંગ ક્યાંથી થઈ અને કોણે પૈસા આપ્યા તે બધું જ શોધવાનું રહેશે. આ કારણોસર 15 દિવસના રિમાન્ડ આપવા જોઈએ. દિલ્હી પોલીસની આ દલીલ પર આરોપીના રિમાન્ડ વકીલે કહ્યું કે તપાસ માટે 5 દિવસ પૂરતા છે. પોલીસ વકીલે વધુમાં કહ્યું કે તેઓએ સંસદ ભવનના ડેપ્યુટી ડાયરેક્ટર સિક્યુરિટીની ફરિયાદ પર આઈપીસી અને યુએપીએની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. સાગર અને મનોરંજનને સંસદની ગેલેરીના પાસ મળ્યા અને પછી ગૃહમાં કૂદી પડ્યા અને તેમના જૂતામાં છુપાયેલા કલર બોમ્બનો ઉપયોગ કર્યો. આ ઘટના આતંકવાદી કૃત્ય સમાન છે કારણ કે તે એક સુનિયોજિત કાવતરું હતું અને ભારતની સંસદ પર હુમલો કરવામાં આવ્યો હતો.
VIDEO | Parliament security breach: The four accused – Manoranjan D, Sagar Sharma, Neelam Azad and Amol Shinde – sent to 7-day police custody by a Delhi court. pic.twitter.com/WoxrruxET1
— Press Trust of India (@PTI_News) December 14, 2023
પીએમ મોદીનો ઉલ્લેખ કર્યો
પોલીસ વકીલોએ કોર્ટને જણાવ્યું કે આરોપીઓએ પેમ્ફલેટ બતાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુમ વ્યક્તિ તરીકે જાહેર કર્યા. આરોપીઓએ કહ્યું કે જે વ્યક્તિ તેમને શોધી કાઢશે તેને સ્વિસ બેંકમાંથી પૈસા આપવામાં આવશે. આરોપીઓએ પીએમ મોદીને જાહેર કરાયેલા ગુનેગાર તરીકે દર્શાવ્યા હતા.
VIDEO | “We have shown the court the grounds, following which the court gave us 7-day police custody (of the four accused arrested in the Parliament security breach case),” says public prosecutor Atul Shrivastava. pic.twitter.com/a2q9CzFpd4
— Press Trust of India (@PTI_News) December 14, 2023
કેવી રીતે શું થયું?
તે બુધવારે બપોરે 1:01 વાગ્યાની આસપાસ બન્યું જ્યારે ખગેન મુર્મુ શૂન્ય કલાક દરમિયાન મુદ્દો ઉઠાવી રહ્યા હતા. એક વ્યક્તિએ સીટ સુધી પહોંચવાના પ્રયાસમાં બેંચ ઓળંગવાનો પ્રયાસ કર્યો, જ્યારે અન્ય વ્યક્તિ ચેમ્બરમાં કૂદતા પહેલા પ્રેક્ષક ગેલેરીની રેલિંગથી લટકતો જોવા મળ્યો. આ દરમિયાન નીલમ આઝાદ અને અમોલ શિંદે કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
મહિલાઓની સહાયતા માટે સજ્જ સખી વન સ્ટોપ સેન્ટર
જ્યારે કોઇ મહિલા સાથે કોઈ ઘટના કે દુર્ઘટના બને. એ મહિલાને સમસ્યા ઉભી થાય ત્યારે કોઈપણ પોલીસ સ્ટેશનની હદ નક્કી કરવામાં સમય બરબાદ ના થાય. આ સાથે મહિલાને તરત જ સહાય મળે એ માટે શહેરની સોલા સિવિલ હોસ્પિટલ અને અસારવા સિવિલ હોસ્પિટલમાં સખી વન સ્ટોપ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જે મહિલાઓનું, મહિલાઓ માટે અને મહિલાઓ વડે શહેર પોલીસનું એક ખાસ ક્રાઇમ યુનિટ છે. જેમાં ભોગ બનનાર મહિલાઓ સીધી જ ફરિયાદ કરી શકે છે.

સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યા
મહિલાઓ માટેના સખી વન સ્ટોપ સેન્ટર વિશે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અમદાવાદ શૈલેષ આબંરિયાએ ચિત્રલેખા.કોમ સાથે ખાસ વાતચીત કરી હતી. ઘરેલુ હિંસા, શારીરિક અત્યાચાર, માનસિક અત્યાચાર, છેડતી જેવી અનેક ઘટનાઓ મહિલાઓ સાથે બનતી હોય છે. આવે વખતે પોલીસ સ્ટેશનની હદ અને અન્ય મદદ માટે કેટલીક મહિલાઓ પાસે માહિતી જાણકારી હોતી નથી. આ સમયે મહિલાઓને સરળતા રહે એ હેતુથી દરેક જિલ્લામાં આ પ્રકારના સહાય કેન્દ્રો શરૂ કરવાનું નક્કી થયું. અમદાવાદ શહેર મોટું હોવાથી પૂર્વમાં અસારવા સિવિલ ખાતે તેમજ પશ્ચિમમાં સોલા સિવિલ ખાતે સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ વન સ્ટોપ સેન્ટરમાં સહાય કેન્દ્રનો મહિલા સ્ટાફ, મહિલાની સમસ્યા જાણી એમને પોલીસ, ડોક્ટર કે વકીલ જેની સહાયની જરૂર પડે એ રીતે તબક્કા વાર મદદ કરે. જિલ્લાનો મહિલા અને બાળ વિકાસ અધિકાર વિભાગના આ સહાયતા કેન્દ્ર માટે નિમવામાં આવેલા એક પોલીસ ઇન્સ્પેક્ટર, તબીબ, વકીલ મહિલાને સહાયતા પૂરી પાડે. સહાયતા કેન્દ્ર દ્વારા કાઉન્સિલિંગ FIR માટે તો મદદ કરવામાં આવે જ છે. આ સાથે સતત પાંચ દિવસ સુધી આશ્રય, ખોરાક જેવી તમામ સુવિધા પિડીત મહિલાને પૂરી પાડવામાં આવે છે.

તાલીમબદ્ધ મહિલા પોલીસનો સ્ટાફ તૈયાર કર્યો
શૈલેષ આંબલિયા કહે છે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારી અજય ચૌધરી નિર્ભયા પ્રોજેક્ટ સાથે પણ છે. સખી વન સ્ટોપ સેન્ટર માટે એમણે એકદમ તાલીમબદ્ધ મહિલા પોલીસનો સ્ટાફ તૈયાર કર્યો છે. આ સાથે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકાર વિભાગ દ્વારા બોપલ, ઓઢવ, વસ્ત્રાપુર, કારંજ પોલીસ સ્ટેશનમાં પણ મહિલા સહાયતા કેન્દ્ર ખુલ્લા મુક્યા છે. દરેકમાં બે મહિલા કાઉન્સિલર સહાયતા માટે મુકવામાં આવ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)
સંસદની સુરક્ષામાં ત્રુટિ મામલે લોકસભામાં હંગામો; 14 વિપક્ષી સાંસદ સસ્પેન્ડ
નવી દિલ્હીઃ સંસદભવનની સુરક્ષા વ્યવસ્થા ભંગ થવાની ગઈ કાલની ઘટના બાદ આજે લોકસભા ગૃહમાં રાબેતા મુજબની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ, વિપક્ષી સંસદસભ્યો દ્વારા ગૃહની અંદર અને બહાર ઉહાપોહ આખો દિવસ ચાલુ રહ્યો હતો. વિપક્ષી સભ્યોના હંગામાને કારણે લોકસભાની કાર્યવાહી પહેલા બપોરે બે વાગ્યે અને પછી 3 વાગ્યે અને પછી દિવસભર માટે સ્થગિત કરી દેવી પડી. શાંતિ જાળવવાની વારંવાર ચેતવણી આપવા છતાં લોકસભામાં ઘોંઘાટ ચાલુ રાખવા બદલ પહેલા કોંગ્રેસના પાંચ સભ્યોને અને પછી 9 સભ્યોને, એમ કુલ મળીને 14 સભ્યોને વર્તમાન સત્રના બાકીના હિસ્સામાં ભાગ લેવામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
વિપક્ષી સભ્યોએ ગુપ્તચર તંત્રની નિષ્ફળતા બદલ કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી. એમને ઘોંઘાટ ન કરવાની અપીલ કરવામાં આવી હતી, પરંતુ તેમણે એ સતત ચાલુ રાખ્યો હતો. આખરે લોકસભા સચિવાલયે કોંગ્રેસના પાંચ સભ્યો સામે પગલું ભર્યું હતું અને એમને વર્તમાન શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
કોંગ્રેસના આ પાંચ સભ્યો છેઃ ટી.એન. પ્રતાપન (થ્રિસૂર, કેરળ), ડીન કુરિયાકોસ (ઈડુકી, કેરળ), રામ્યા હરિદાસ (અલાથૂર, કેરળ), સેન્નીમલાઈ જોતિમણિ (કારુર, તામિલનાડુ) અને હિબી એડન (એર્ના્કુલમ, કેરળ). આ પાંચેયને બાકીના સત્રમાંથી સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ રજૂ કર્યો હતો. એમણે પોતાના આરોપમાં કહ્યું હતું કે આ પાંચ સભ્યોએ ગૃહની આમન્યા જાળવી નથી અને ગૃહના અધ્યક્ષની સત્તાનો અનાદર કર્યો છે. તેથી એમને વર્તમાન સત્રના બાકીના હિસ્સામાં ભાગ લેવામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે. એમના પ્રસ્તાવને મૌખિક મતદાન દ્વારા સ્વીકારી લેવામાં આવ્યો હતો. એ વખતે ગૃહના અધ્યક્ષપદે બી. માહતાબ હતા.
બીજા 9 સભ્યો પણ સસ્પેન્ડ
બપોરે 3 વાગ્યે જ્યારે લોકસભાની બેઠક ફરી મળી ત્યારે પણ વિપક્ષી સભ્યોએ હંગામો ચાલુ રાખ્યો હતો. તેથી સંસદીય પ્રધાન પ્રહલાદ જોશીએ 9 સંસદસભ્યોના નામ લઈને એમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહ દ્વારા મૌખિક મતદાન મારફત સ્વીકાર કરવામાં આવ્યો હતો. 9 સભ્યો છેઃ વી.કે. શ્રીકંદન, બેહનન બેન્ની, મોહમ્મદ જાવેદ, માણિક્કમ ટાગોર, કનિમોઝી, એસ.આર. પાર્થિબન, પી.આર. નટરાજન, એસ. વેંકટેશન અને કે. સુબ્રારાયણ.
અદાણી ગ્રુપની બિહારમાં રૂ. 9000 કરોડના મૂડીરોકાણની યોજના
પટનાઃ બિહારમાં મૂડીરોકાણ આકર્ષવા માટે બે દિવસીય બિહાર બિઝનેસ કનેક્ટ-2023 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્યોગ મંત્રી સમીરકુમાર મહાસેઠે કહ્યું હતું કે બે દિવસીય વૈશ્વિક મૂડીરોકાણ શિખર સંમેલનમાં અદાણી ગ્રુપ, ગોદરેજ ગ્રુપ અને બ્રિટાનિયા જેવા મુખ્ય ઓદ્યૌગિક જૂથોના પ્રતિનિધિઓ સહિત કુલ 600 પ્રતિનિધિઓ ભાગ લેશે.
આ સંમેલનમાં અમેરિકા, તાઇવાન, જાપાન અને જર્મની સહિત 16 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ સંમેલનમાં બુધવારે (13 ડિસેમ્બરે) ટેક્સટાઇલ, લેધર ફૂડ પ્રોસેસિંગગ ક્ષેત્રે રૂ. 26,429 કરોડના મૂડીરોકાણ પર સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ વૈશ્વિક મૂડીરોકાણ શિખર સંમેલનના પહેલા દિવસે રાજ્ય સરકારે 38 કંપનીઓ સાથે સમજૂતી કરાર કર્યા છે.
બિહારમાં અદાણી જૂથ લોજિસ્ટિક્સ, ગેસ ડિસ્ટ્રિબ્યુશન અને એગ્રી-લોજિસ્ટિક્સ સેક્ટરમાં હાજરી ધરાવે છે. અદાણી ગ્રુપે રાજ્યમાં આશરે રૂ. 850 કરોડનું મૂડીરોકાણ કર્યું છે અને 3000 રોજગારીનું સર્જન કર્યું છે. ગ્રુપની આવનારા ભવિષ્યમાં મૂડીરોકાણ 10 ગણું વધારીને રૂ. 8700 કરોડ કરવાની યોજના છે. કંપનીનું ત્રણ વધારાના ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરવાનું આયોજન છે અને કંપનીએ યોજના થકી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10,000 નોકરીઓની તકો ઊભી કરવા ધારે છે. આ ઉપરાંત કંપની પોતાના ગોદામોને એક લાખ સ્કવેર ફૂટથી વધારીને 65 લાખ સ્ક્વેર ફૂટથી વધુ કરવા માટે વધારાના રૂ. 1200 કરોડનું મૂડીરોકાણ કરશે, જેમાં 2000 લોકોને રોજગારીની તક મળશે. કંપની આ સિવાય રાજ્યમાં છ જગ્યાએ- પૂર્ણિયા, બેગુસરાય, દરભંગા, સમસ્તીપુર, કિશનગંજ અને અરરિયામાં સ્ટોરેજ ક્ષમતાને 1.50 મેટ્રિક ટનથી વધારીને 2.75 લાખ મેટ્રિક ટન કરવા માટે એગ્રી-લોજિસ્ટિક્સમાં રૂ. 900 કરોડનું મૂડીરોકાણ કરવા ધારે છે, જેમાં 2000 લોકોને રોજગારીની તકો મળશે.
આ ઉપરાંત કંપની ગયા અને નાલંદામાં હાલના સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના વિસ્તરણ માટે રૂ. 200 કરોડનું મૂડીરોકાણ કરશે. કંપની નવા કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ અને EV ચાર્જિંગ સેન્ટર પણ બનાવશે, જેના થકી 1500 લોકોને રોજગારી મળશે.
ગુપ કંપની અદાણી વિલ્મર થકી પ્રારંભિક તબક્કામાં ચક્કી આટા પ્લાન્ટ, RFM પ્લાન્ટ, સોલ્વન્ટ એક્સટ્રેક્શન પ્લાન્ટ, કો-જેન પાવર પ્લાન્ટ અને સાસારામ અને રોહતાસમાં પૈડી પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવા માટે રૂ. 800 કરોડનું મૂડીરોકાણ કરશે. આ પ્લાન્ટ પણ 200 લોકોને રોજગારી આપશે.
આ સમિટનું આયોજન કરવા બદલ કંપનીના MD પ્રણવ અદાણીએ બિહાર સરકારને શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે બિહારના નેતાઓ- મુખ્ય પ્રધાન નીતીશકુમાર અને ડેપ્યુટી મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ બિહારને આકર્ષક ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશનમાં બદલી રહ્યા છે, એ ખુશીની વાત છે.
વર્ષ 2003માં વિશ્વના સૌથી મોટા મુંદ્રા પોર્ટને ખાનગી રેલ લિન્કનું ઉદઘાટન પણ નીતીશકુમારે કર્યું હતું અને ખાનગી ક્ષેત્રના પોર્ટ્સમાં રેલ લિન્કને પ્રોત્સાહન આપ્યું હતું. આ ઉપરાંત 20 વર્ષ પહેલાં રેલવેમાં ઇન્ટરનેટ બુકિંગ સિસ્ટમ શરૂ કરવાનું શ્રેય પણ તેમના દૂરંદેશીપણાને જાય છે. આ ઉપરાંત તેજસ્વી યાદવ પણ યુવાઓ અને સૌને લઈને ચાલવાની વાતથી બિહારને ઘણો લાભ થયો છે. મુખ્ય મંત્રી અને ઉપ મુખ્ય મંત્રીના બિહાર માટેના દ્રષ્ટિકોણની સાથે અદાણી ગ્રુપ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.




કંપની એ એક ગિગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ વિકસાવવા માટે એકર્જી ટ્રાન્ઝિશનમાં રૂ. 30,000 કરોડના મૂડીરોકાણ માટે સમજૂતી કરાર કર્યા છે. આ સાથે કંપની સલાયા પાવર પ્લાન્ટમાં બીજા તબક્કાના વિસ્તરણ માટે વધારાના રૂ. 16,000 કરોડના મૂડીરોકાણ માટે સમજૂતી કરાર કર્યા છે અને કંપનીએ સલાયા પોર્ટને લોજિસ્ટિક્સ હબમાં બદલવા માટે રૂ. 10,000 કરોડના મૂડીરોકાણ માટેરાજ્ય સરકાર સાથે સમજૂતી કરાર કર્યા છે. કંપની આ મૂડીરોકાણના સમજૂતી કરાર સાથે રાજ્યના વિકાસ માટે યોગદાન આપવાનું જારી રાખશે.