Home Blog Page 2137

દેશ રામમયઃ ચોકલેટમાંથી તૈયાર થયું રામમંદિર

અમદાવાદઃ આ રામ મંદિર ચોકલેટનું છે. અમદાવાદ અયોધ્યામાં શ્રીરામ મંદિર તૈયાર થઈ રહ્યું છે. દેશની નજર રામ અને અયોધ્યા તરફ છે. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં દરેક શ્રદ્ધાળુ પોતાની ભાવભક્તિ અને કૃતિભક્તિ અર્પણ કરી રહ્યા છે.

વિશ્વનાં નાનાં-મોટા શહેરના લોકો આ પ્રસંગે શ્રીરામ માટે કંઈક અનોખું કરી રહ્યા છે. અમદાવાદનાં શિલ્પા આશુતોષ ભટ્ટ ચોકલેટ બનાવવામાં નિષ્ણાત છે. દરેક ધાર્મિક પ્રસંગે કે ઉત્સવોમાં શિલ્પાબહેન કંઈક નવા જ પ્રકારની ચોકલેટ તૈયાર કરે છે. આ વખતે તમામ સનાતન ધર્મ પ્રેમી અને શ્રદ્ધાળુઓ માટે શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાએ મોટો ઉત્સવ છે ત્યારે શિલ્પાબહેને ચોકલેટમાંથી રામ મંદિર તૈયાર કર્યુ છે. શિલ્પાબહેન ચિત્રલેખા.કોમને કહે છે શ્રીરામ મંદિર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ સકારાત્મક પ્રયત્ન કરી રહ્યા છે. એવા વખતે સૌ દેશવાસીઓ તોરણ બાંધશે, દીવડાં કરશે અને હર્ષોલ્લાસ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સહભાગી થશે.

મેં મારી ચોકલેટ બનાવવાની કલાનો ઉપયોગ કરી ચોકલેટનું મંદિર તૈયાર કર્યુ છે. આ ચોકલેટ મંદિરની લંબાઈ ત્રણ ફૂટ અને ઊંચાઈ દોઢ ફૂટ છે. આ મંદિર બનાવવા માટે ડાર્ક ચોકલેટ અને ગોલ્ડન એડિબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચોકલેટનું શ્રીરામ મંદિર પરિસર અયોધ્યાની જેમ જ તૈયાર કરવા પ્રયત્ન કર્યો છે.

 

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

ગુજરાત સરકારની 1000 કિમીની ‘વન સેતુ ચેતના યાત્રા’ શરૂ થશે

આજે ગુજરાત સરકારની 1000 કિમીની ‘વન સેતુ ચેતના યાત્રા’ શરૂ થશે. જેમાં આગામી 5 દિવસમાં 13 જિલ્લામાં યાત્રા ફરશે. તેમજ યાત્રા આદિવાસી વિસ્તારમાં 1 હજાર કિલોમીટર ફરશે તથા 3 લાખ જેટલા આદિવાસી પરિવારોને આવરી લેવાશે. ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આજે 18 જાન્યુઆરીથી રાજ્ય સરકાર વન સેતુ ચેતના યાત્રા શરૂ કરશે. જેમાં મુખ્યમંત્રી દ્વારા નવસારીથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. આ યાત્રા ઉમરગામથી અંબાજી સુધી પહોંચતા પૂર્વે નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાંથી પસાર થશે.

વન સેતુ ચેતના યાત્રા અંગેની માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની “વન સેતુ ચેતના યાત્રા”નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાસંદ સી.આર. પાટીલના હસ્તે 18 જાન્યુઆરીના રોજ નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા ‘જાનકી વન’ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે. મુખ્યત્વે આ યાત્રા વલસાડ, નવસારી,ડાંગ, તાપી, સુરત,ભરુચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ કુલ 14 જિલ્લામાંથી પસાર થઈ અંદાજિત 1000 કી.મીનું અંતર કાપી તા.22 જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે. તેમજ યાત્રામાં અંદાજિત 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને સાંકળી લેવામાં આવશે.

સચિન તેંડુલકરના ડીપફેક વીડિયો પર મુંબઈ પોલીસે નોંધી FIR

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર થોડા દિવસો પહેલા ડીપ ફેકનો શિકાર બન્યો હતો. તેણે આ અંગે બધાને એલર્ટ કર્યા હતા. સચિને પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી તે વીડિયો શેર કરતા કહ્યું કે વાયરલ થઈ રહેલો વીડિયો ફેક છે. જો કે હવે મુંબઈ પોલીસે આ અંગે મોટી કાર્યવાહી કરી છે. સચિન તેંડુલકરના પીએ રમેશ પારડેએ આ અંગે સાયબર પોલીસને ફરિયાદ કરી હતી. જે બાદ મુંબઈ પોલીસ એક્શનમાં આવી હતી.આપને જણાવી દઈએ કે આઈપીસીની કલમ 500 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તે એક એપને પ્રમોટ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે સચિને કહ્યું હતું કે વીડિયોમાં સચિન તેંડુલકરના અવાજને ડબ કરીને AIની મદદથી નકલી વીડિયો બનાવવામાં આવ્યો છે.

FIR બાદ આ ગેમને પ્રમોટ કરનારી કંપની મુંબઈ પોલીસના ચુંગાલમાં ફસાઈ શકે છે. થોડા દિવસો પહેલા સચિનની પુત્રી સારા તેંડુલકર પણ ડીપ ફેકનો શિકાર બની હતી. AI જનરેટેડ ફોટોમાં તે શુભમન ગિલ સાથે જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકરના નામે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન છે. સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 34 હજારથી વધુ રન બનાવ્યા છે. તેના નામે કુલ 34357 રન છે. તેની સદીઓની વાત કરીએ તો તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારી છે. આ કિસ્સામાં તેની નજીક ક્યાંય કોઈ ખેલાડી નથી.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિને સરકારી ઓફિસોમાં હાફ ડે રહેશે

અયોધ્યાઃ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિને 22 જાન્યુઆરીએ દેશઆખામાં અડધા દિવસની રજા રહેશે. સવારથી લઈને બપોરે 2.30 કલાક સુધી દેશની સરકારી ઓફિસોમાં અને સ્કૂલ-કોલેજોમાં અડધા દિવસની રજા રહેશે. આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે લોકો પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું સીધું પ્રસારણ જોઈ શકે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખતાં કેન્દ્ર સરકારની બધી ઓફિકોમાં 22 જાન્યુઆરીએ બંધ રહેશે. આ નિર્ણય લોકોમાં જબરદસ્ત ઉત્સાહને લઈને લેવામાં આવ્યો છે.

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં મુખ્ય યજમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી હશે. તેમને હસ્તે આ પૂજા કરવામાં આવશે, એમ પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતે આ માહિતી આપી હતી. રામ મંદિરમાં 22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલાં કરવામાં આવેલા અનુષ્ઠાનો હેઠળ બીજા દિવસે બુધવારે સરયૂ નદીના તટે કળશ પૂજા કરવામાં આવશે.

આ અનુષ્ઠાનોનો સિલસિલો 22 જાન્યુઆરી સુધી જારી રહેશે. અનુષ્ઠાનોનો સિલસિલો મંગળવારે શરૂ થયો, જે બુધવારે બુધવારે સરયૂ નદીના તટ પર કળશ પૂજનની સાથે જારી રહ્યો હતો. જ્યારે ગુરુવારે અનુષ્ઠાનના ક્રમમાં ગણેશ પૂજન અને વરુણ પૂજન કરવામાં આવશે. આ સાથે રામલલ્લાની મૂર્તિ ગર્ભગૃહમાં પ્રવેશ કરી ચૂકી છે.

અયોધ્યામાં રામ મંદિરના પ્રણ પ્રતિષ્ઠા સમારંભ પહેલાં મંદિરમાં ભીડની સાથે-સાથે ભક્તોનું દાન પણ વધી ગયું હતું.આ સિવાય ભેટ ને દાન પણ પ્રતિ દિન રૂ. ચારથી રૂ. પાંચ લાખ થયું છે અને મહિને આશરે રૂ. બે કરોડનું દાન આવે છે.

 

 

 

 

 

ભાજપ 2019નો રેકોર્ડ તોડવા તૈયાર, 450થી વધુ સીટો પર લડી શકે છે ચૂંટણી

2024ની લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. એક તરફ કોંગ્રેસ પાર્ટી ઈન્ડિયા એલાયન્સના સહયોગી પક્ષો સાથે મળીને લગભગ 300 સીટો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. જ્યારે ભાજપ 2024ની લડાઈમાં 450થી વધુ બેઠકો પર ચૂંટણી લડી શકે છે. 2019ના ચૂંટણી પરિણામોમાં એકલા ભાજપે 303 બેઠકો જીતી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 436 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 303 બેઠકો જીતી હતી અને 37.7 ટકા વોટ શેર સાથે 22.9 કરોડ મત મેળવ્યા હતા.

જ્યારે કોંગ્રેસે 2019માં 421 બેઠકો પર ચૂંટણી લડી હતી અને અંદાજે 11.94 કરોડ મત મેળવ્યા હતા. આ વખતે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી માત્ર 290 સીટો પર ફોકસ કરવાની યોજના બનાવી રહી છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે ભાજપ 450થી વધુ બેઠકો પર ચૂંટણી લડી શકે છે. આ વખતે બિહારમાં JDU, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના અથવા તમિલનાડુમાં AIADMK અથવા પંજાબમાં અકાલી દળ સાથે કોઈ ગઠબંધન ન થતાં ભાજપ આ રાજ્યોમાં અને એકંદરે 2024ની લોકસભા ચૂંટણીમાં વધુ બેઠકો પર ચૂંટણી લડશે.

2019માં ભાજપે બિહારની 40માંથી માત્ર 17 બેઠકો, મહારાષ્ટ્રની 48માંથી 25 બેઠકો અને તમિલનાડુની 39 બેઠકોમાંથી પાંચ બેઠકો પર ચૂંટણી લડી હતી. તે પછી, એનડીએનો ભાગ બન્યા પછી, ઉદ્ધવ ઠાકરેની જેડીયુ અને શિવસેનાએ ગઠબંધનમાં મોટી સંખ્યામાં બેઠકો પર ચૂંટણી લડી હતી. પંજાબમાં પણ ભાજપે 13માંથી માત્ર ત્રણ બેઠકો પર ચૂંટણી લડી હતી. આ વખતે ભાજપ આ રાજ્યોમાં મોટી સંખ્યામાં બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે.

ભાજપને લાગે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક અને વિકાસ કાર્ડ જેવી મોટી ડિલિવરીઓને જોતાં, પાર્ટી 2019 માં તેની 303 બેઠકોનો આંકડો સરળતાથી વધારી શકે છે. પાર કરી શકે છે. આ સપ્તાહના અંતમાં દક્ષિણ ભારતની બીજી મુલાકાત થવા જઈ રહી છે, તેથી પીએમ મોદી 2024ના પ્રથમ ત્રણ અઠવાડિયામાંથી એક સપ્તાહ દક્ષિણમાં વિતાવશે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા દક્ષિણ ભારતમાં વડાપ્રધાનનું આ એક મોટું પગલું છે.

PM મોદીએ રામ મંદિરની ટપાલ ટિકિટ બહાર પાડી

અયોધ્યામાં તૈયાર થયેલા રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને સમગ્ર દેશમાં આનંદનો માહોલ છે. આ કાર્યક્રમને વિશેષ બનાવવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટો અને વિશ્વભરમાં ભગવાન રામ પર જારી કરાયેલ સ્ટેમ્પના પુસ્તકનું વિમોચન કર્યું હતું. પીએમ મોદીએ કુલ 6 ટિકિટો જાહેર કરી, જેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, જટાયુ, કેવટરાજ અને મા શબરીની ટિકિટનો સમાવેશ થાય છે. સ્ટેમ્પમાં રામ મંદિર, ચોપાઈ ‘મંગલ ભવન અમંગલ હરિ’, સૂર્ય, સરયુ નદી અને મંદિરની આસપાસની મૂર્તિઓ દર્શાવવામાં આવી છે.

સ્ટેમ્પ બુક એ શ્રી રામની આંતરરાષ્ટ્રીય અપીલને વિવિધ સમાજોમાં દર્શાવવાનો પ્રયાસ છે. 48 પાનાના પુસ્તકમાં યુએસ, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, કેનેડા, કંબોડિયા અને સંયુક્ત રાષ્ટ્ર જેવા સંગઠનો સહિત 20 થી વધુ દેશો દ્વારા જારી કરાયેલ ટપાલ ટિકિટોનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ કહ્યું કે, ‘આ પોસ્ટલ સ્ટેમ્પ આગામી પેઢી સુધી વિચારો, ઈતિહાસ અને ઐતિહાસિક પ્રસંગો પહોંચાડવાનું માધ્યમ પણ છે. જ્યારે ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવે છે, જ્યારે કોઈ તેને મોકલે છે, ત્યારે તે માત્ર એક પત્ર જ નથી મોકલે છે પરંતુ પત્ર દ્વારા અન્ય લોકો સુધી ઇતિહાસનો એક ભાગ પણ પહોંચાડે છે. આ માત્ર કાગળનો ટુકડો નથી. તે ઇતિહાસના પુસ્તકોમાંથી સ્વરૂપો અને ઐતિહાસિક ક્ષણોનું ટૂંકું સ્વરૂપ પણ છે. યુવા પેઢી પણ તેમની પાસેથી ઘણું જાણવા અને શીખે છે. આ ટિકિટોમાં રામ મંદિરની ભવ્ય તસવીર છે.

આ દરમિયાન પીએમ મોદીએ એક વીડિયો સંદેશ પણ જાહેર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, ‘પોસ્ટલ સ્ટેમ્પ મોટા વિચારોની નાની બેંક છે. ટપાલ વિભાગને સંતોનું માર્ગદર્શન મળ્યું. પોસ્ટેજ સ્ટેમ્પ વિચારો અને ઐતિહાસિક ક્ષણોને કેપ્ચર કરે છે. પોસ્ટલ સ્ટેમ્પ આવનારી પેઢીને સંદેશ આપે છે. પોતાના વીડિયો સંદેશમાં પીએમ મોદીએ દેશની જનતાને ટપાલ ટિકિટના વિમોચન પર અભિનંદન પણ પાઠવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આજે મને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અભિયાન દ્વારા આયોજિત અન્ય કાર્યક્રમમાં હાજરી આપવાની તક મળી. આજે શ્રી રામ જન્મભૂમિ મંદિર પર 6 સ્મારક ટપાલ ટિકિટો અને વિશ્વભરમાં ભગવાન રામ પર જારી કરાયેલ સ્ટેમ્પ્સનું આલ્બમ બહાર પાડવામાં આવ્યું છે. હું દેશના લોકોને અને વિશ્વભરના તમામ રામ ભક્તોને અભિનંદન આપવા માંગુ છું.

પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ તો મિસાઇલોનો કિંગ છે ઇરાન

ઇસ્લામાબાદઃ પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલ અને હમાસની વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, પરંતુ હવે ઇરાન અને પાકિસ્તાનની વચ્ચે ટેન્શન શરૂ થઈ ગયું છે. ઇરાન અને પાકિસ્તાને એકમેકના આતંકવાદીઓ પર મિસાઇલથી હુમલો કર્યા છે. આ હુમલા પછી સવાલ એ ઊભો થાય છે કે આ બંને ઇસ્લામિક દેશો વચ્ચે લડાઈ શરૂ થશે કે કેમ? જો એવું થાય તો કોણ જીતશે?

પાકિસ્તાનની સેના ફાયર પાવર ઇન્ડેક્સ મુજબ નવમાં રેન્ક પર છે, જ્યારે ઇરાનનું રેન્કિંગ 14મા સ્થાને છે. પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે, તેમ છતાં ઇરાન પાકિસ્તાનથી આગળ છે. જનસંખ્યામાં પાકિસ્તાન ઇરાનથી આગળ છે. પાકિસ્તાની સેનામાં6.54 લાખ સક્રિય સૈનિક છે. ઇરાન પાસે 6.10 લાખ સક્રિય સૈનિક છે.

મધ્ય-પૂર્વમાં ઇરાન પાસે સૌથી વધુ મિસાઇલો છે. અમેરિકાનું માનવું છે કે ઇરાનની પાસે 3000થી વધુ બેલેસ્ટિક મિસાઇલો છએ અને એની રેન્જ 300 કિમીથી માંડીને 3000 કિમી સુધીની છે. ઇરાનથી પાકિસ્તાન હવાઇ અંતર 1500 કિમી છે, પરંતુ જો ઇરાન સરહદેથી મિસાઇલોનો મારો કરે ચો પાકિસ્તાનમાં તબાહી મચાવી શકે છે.

સામે પક્ષે પાકિસ્તાન પાસે કુલ એરક્રાફ્ટ 1434 ( ઇરાન કરતાં ત્રણ ગણા) છે. ફાઇટર એરક્રાફ્ટ 387 (ઇરાન-187) છે. હેલિકોપ્ટર 352 (ઇરાન-129) છે. આ ઉપરાંત પાકિસ્તાન પાસે ટેન્ક 3742 (ઇરાન-1996) છે. બખતરબંધ વાહનો 50,523 (65,765) છે. તોપખાના 752 (580) છે.

ઇરાનનો સૌથી મટો લાભ એ છે કે એની પાસે ફ્યુઅલની કોઈ અછત નથી. પાકિસ્તાન ફ્યુઅલની આયાત કરે છે. ઇરાનની પાસે ઓઇલનો ભંડાર છે. આ સાથે પાકિસ્તાનમાં 151 એરપોર્ટ છે, જ્યારે ઇરાનની પાસે 319 એરપોર્ટ છે. આ ઉપરાંત પાકિસ્તાનનાં દેવાં ઇરાન કરતાં અનેક ગણું છે, પણ પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે.

 

 

 

 

 

 

 

 

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં લેન્ડમાઈન બ્લાસ્ટ, 1 જવાન શહીદ, 2 ઘાયલ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા વિસ્તારમાં લેન્ડમાઈન બ્લાસ્ટમાં એક જવાન શહીદ થયો છે. બે સૈનિકો ઘાયલ થયા છે, જેમાંથી એક જવાનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘટના ફોરવર્ડ ડિફેન્સ લાઇન (FDL) થી લગભગ 300 મીટર દૂર 80મી ઇન્ફન્ટ્રી બ્રિગેડ હેઠળની 17મી શીખ લાઇટ બટાલિયનની જવાબદારી (AOR) વિસ્તારમાં સવારે 10:30 વાગ્યે બની હતી. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે સેનાના ત્રણ જવાન નિયંત્રણ રેખા પર નિયમિત દેખરેખ કરી રહ્યા હતા.


વિસ્ફોટ બાદ સૈનિકોને તાત્કાલિક એરલિફ્ટ કરીને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ એક જવાન સ્થળ પર જ શહીદ થયો હતો. બે જવાનોને તાત્કાલિક હવાઈ માર્ગે સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. સેનાએ હજુ સુધી શહીદ જવાન વિશે માહિતી આપી નથી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ જમ્મુ ડિવિઝનના રાજૌરી જિલ્લામાં એલઓસી પાસે લેન્ડમાઈન વિસ્ફોટ થયો હતો, જેમાં સેનાના બે પોર્ટર ઘાયલ થયા હતા. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

 

EDનો ઇરાદો તપાસને બહાને મારી ધરપકડ કરવાનોઃ કેજરીવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ લિકર કૌભાંડ મામલે ED દ્વારા ચોથા સમન્સ મળ્યા પછી પણ હાજર થવાની સંભાવના નથી, કેમ કે તેઓ ત્રણ દિવસ માટે ગોવાના પ્રવાસે જવાના છે. ગયા સપ્તાહે જ EDએ CM કેજરીવાલને નોટિસ જારી કરીને 18 જાન્યુઆરીએ હાજર થવા ફરમાન કર્યું હતું.

દિલ્હી સરકાર અને આપ પાર્ટીનાં સૂત્રોએ કહ્યું હતું કે કેજરીવાલ લોકસભા ચૂંટણીને લઈને પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગોવાની મુલાકાતે છે.કેજરીવાલે ચોથા સમન્સ પર ED સામે હાજર નથી થયા. તેમણે તેમના જવાબમાં EDનો ઉદ્દેશ તેમની ધરપકડ કરવાનો છે. આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે ED કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચારથી અટકાવવાનો છે, જ્યારે EDએ ચાર્જશીટમાં લખ્યું છે કે કેજરીવાલ આરોપી નથી, તો પછી તેમને કેમ સમન્સ મોકલી રહી છે અને તેમની ધરપકડની તૈયારી કેમ? એમ આપે સવાલ પૂછ્યો હતો.

પાર્ટીએ કહ્યું હતું કે જે ભ્રષ્ટ નેતા ભાજપમાં જોડાઈ જાય છે, એમના કેસ બંધ કરી દેવામાં આવે છે. અમે કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો, અમારા કોઈ નેતા ભાજપમાં નહીં જાય.

કેજરીવાલે પાછલા દિવસોમાં EDને એક પત્ર લખ્યો હતો. EDને લખેલા પત્રમાં તેમણે એજન્સી પાસે એક પ્રશ્નાવલિ માગી છે. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે 19 જાન્યુઆરીએ રાજ્યસભાની ચૂંટણી છે અને તેમને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં દિલ્હી CM તરીકે ભાગ લેવાનો છે. તેમણે એજન્સીના ધરપકડના ઇરાદા પર સવાલો કર્યા હતા.

 

 

 

 

 

 

 

 

બેન્ચમાર્કે 20 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી કરી

અમદાવાદઃ દેશની અગ્રણી કંપની બેન્ચમાર્કે હોટ વોટર સોલ્યુશનમાં 20 વર્ષ પૂરાં કર્યાં અને આ 20 વર્ષમાં કંપનીએ જેવી નોખી સિદ્ધિઓ મેળવી હતી એવી જ અનોખી રીતે 20 વર્ષની ઉજવણી થઈ છે. ગેસ, ઈલેક્ટ્રિક, સોલાર અને હીટ પમ્પ એમ 360 ડિગ્રી હોટ વોટર સોલ્યુશન આપતી આ કંપની છે. ગેસ, સોલાર, હીટ પમ્પ અને સોલારમાંથી જરૂરત પ્રમાણે ડિઝાઈન કરીને હાઈબ્રિડ હોટ વોટર સિસ્ટમ પણ પૂરી પાડતી આ કંપની દેશમાં હોટવોટર સોલ્યુશન ક્ષેત્રની અગ્રણી કંપની તરીકે પ્રસિદ્ધ થઈ છે. એ જ રીતે કંપની સાથે જોડાયેલા લોકો-ગ્રાહકો-ડીલર્સ-મેકેનિક્સ સૌ માટે એક વિશાળ પરિવાર બની છે. આ બેન્ચમાર્ક પરિવારે 20 વર્ષની ઉજવણી માટે અમદાવાદના સનશાઈન બેન્ક્વેટમાં છ અને સાત જાન્યુઆરીએ વિશિષ્ટ ગેટ ટુગેધર – પારિવારિક સ્નેહમિલનનું આયોજન કર્યું હતું, જેમાં કંપની સાથે જોડાયેલા તમામ સ્ટેકહોલ્ડર્સે એક છત નીચે ભેગા થઈને બે દાયકાના સંઘર્ષ અને સિદ્ધિઓની ઉજવણી કરી હતી. બેન્ચમાર્કના સ્થાપકો નિશીથભાઈ જોષી અને હિરેનભાઈ સવાઈએ વરસોથી કંપનીના ગ્રાહકો સાથે વસ્તુનો નહીં લાગણીનો સંબંધ જાળવવાની પરંપરા રાખી છે. ગ્રાહકને અને કર્મચારીઓને બેન્કમાર્ચ પરિવારના હિસ્સા હોવાની અનુભૂતિ આપી છે. એ જ પરંપરાને અનુરૂપ હોય એવી ઉજવણીનું આયોજન- સેલિબ્રેટિંગ ટ્વેન્ટી યર્સ ઓફ એક્સિલન્સ એક્ઝિબિશનમાં કર્યું.

આ એક્ઝિબિશનમાં બેન્ચમાર્કે કંપનીના તમામ પ્રોડક્ટ્સનું એક્ઝિબિશન કમ લાઈવ ડેમોન્સ્ટ્રેશન લોકો સામે રજૂ કર્યું. ગ્રાહકોને અને હોટવોટર સોલ્યુશન ક્ષેત્રના લોકોને જ નહીં, એન્જિનિયરિંગ-સાયન્સના વિદ્યાર્થીઓને પણ આ એક્ઝિબિશન ઉપયોગી બન્યું. આ એક્ઝિબિશનમાં કંપનીના નવા પ્રોજેક્ટ્સને પહેલીવાર રજૂ કરવામાં આવ્યા. બેન્ચમાર્કે સુરતની એસ.વી.એન.આઈ.ટી. કોલેજ સાથે મળી સોલાર પીવી-ટી વિથ હીટપમ્પની વિશિષ્ટ સિસ્ટમ વિકસાવી છે, જે ઈલેક્ટ્રિસિટી જનરેશન અને ગરમ પાણી આપવાનું કામ એકસાથે કરે છે. આ વિશિષ્ટ સિસ્ટમ એક્ઝિબિશન દરમિયાન લોન્ચ કરવામાં આવી.

સુરતની એસ.વી.એન.આઈ.ટી. કોલેજના પ્રોફેસર ડો. પૂર્ણાનંદ ભાલે, એસોસિએટ પ્રોફેસર ડો. મનિષ રાઠોડ, અમેરિકાની બ્રેડફોર્ડ વ્હાઈટ કોર્પોરેશનના મેથ્યુ શેરિયન તથા તાઈવાનના રેસ ગ્રુપ કો. લિમિટેડના જ્હોનસન શેન્ગ વગેરેએ અતિથિ વિશેષ તરીકે આ સમગ્ર આયોજનની શોભા વધારી હતી.

બેન્ચમાર્ક કંપની પાસે રેસિડેન્શિયલ અને કમર્શિયલ બન્ને સેગમેન્ટમાં કુલ 100થી વધુ પ્રોડક્ટ્સની રેન્જ છે, જે તમામ એક્ઝિબિશનમાં જાહેર મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક્ઝિબિશનમાં કંપનીની પ્રોડ્ક્ટ્સ સાથેસાથે ગ્રાહકોના અનુભવ અને પ્રતિભાવોને પણ પ્રદર્શનમાં રજૂ કરાયા. વીસ વર્ષમાં કંપનીએ જે જુદી-જુદી પ્રોડક્ટ્સ બનાવી અને વેચી એને પણ તબક્કાવાર રીતે પ્રસ્તુત કરવામાં આવી. ખાસ તો બંધ થઈ ગયેલા અને જૂનાં મોડલ્સ પણ કંપની આ એક્ઝિબિશન માટે શોધીને લઈ આવી.

આ એક્ઝિબિશનમાં કંપની સાથે જોડાયેલા સ્ટેકહોલ્ડર્સ ઉપરાંત લોકોએ પણ ઘણો લાભ લીધો હતો. સેંકડો અમદાવાદવાસીઓએ આ એક્ઝિબિશનમાં વિવિધ પ્રોડક્ટ્સ નિહાળી હતી. 

બેન્ચમાર્ક કંપનીની 20 વર્ષની આ વિકાસયાત્રા પણ બેન્ચમાર્ક રહી છે. હીટિંગ સિસ્ટમ માટે સતત નવાં મોડેલ્સ લાવવા, નવીનવી ટેક્નોલોજીને સમાવી લેવી, ઈનોવેશન્સ કરતા રહેવું અને નવીનતા-પ્રયોગશીલતાને હંમેશાં પ્રાધાન્ય આપવું. આ છે બેન્ચમાર્કની સફળતાનો ગુરુમંત્ર. સાતત્યતાપૂર્ણ નવીનતા. ટીમવર્ક, ટ્રસ્ટ, ટેક્નોલોજી. આ ત્રણ શબ્દોમાં બેન્ચમાર્કની સફળતાનો સાર સમાઈ જાય છે. આજે તો કંપની એડવાન્સ્ડ ટેકનોલોજી માટે ઈટાલીની એટલાસ ફિલ્ટરી જેવી પ્રતિષ્ઠિ કંપની સાથે મળીને કામ કરી રહી છે. બેન્ચમાર્કે હંમેશાં વર્ક એથિક્સને સૌથી વધારે મહત્વ આપ્યું છે. આ કંપનીએ જે ઉચ્ચ કક્ષાની ગુણવત્તા-વ્યાવસાયિક્તા પ્રસ્થાપિત કરી છે, એટલી જ ઉમદા સામાજિક નિસ્બત પણ દર્શાવી છે અને જરૂર હોય ત્યાં સમાજસેવાનાં પણ અનેક કાર્યો કર્યાં છે.બેન્ચમાર્કની 20 વર્ષની આ સફળ યાત્રામાં અનેક સાથીઓ શરૂથી સાથે રહ્યા છે અને દર તબક્કામાં નવા સાથીઓ જોડાતા ગયા છે. એ તમામ સાથીઓને-તમામ સ્ટેકહોલ્ડર્સને એક સાથે-એક સ્થળે બોલાવીને ઉજવણી કરવા જ એમણે આ સ્નેહમિલન યોજ્યું હતું. કંપનીના સ્થાપકો, નિશિથભાઈ અને હિરેનભાઈનું એટલું જ કહેવું છે કે આ ઉજવણી, આ અવસર, એ તો ગ્રાહકોને અને અમારી કંપનીના તમામ સ્ટેકહોલ્ડર્સને અમારા તરફથી એક પ્રકારે આભાર વ્યક્ત કરવાનો પ્રયાસ હતો.

આ પ્રસંગે વેપાર-ઉદ્યોગ-સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓ સાથે, બકેરી ગ્રુપના સ્થાપક અનિલ બકેરી, બકેરી ગ્રુપના એમ.ડી. પવન બકેરી, પ્રશાંત ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન પ્રકાશ શાહ તથા શિલ્પ ગ્રેવ્યુઅર્સના એમ.ડી. અંબર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.