Home Blog Page 2066

કોરાનાના 144 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 144 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,27,898 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,472 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,93,586 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 161 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 840 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,90,807 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 795 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

 

કે. આસિફ સામે દિલીપકુમારનું પણ ચાલતું નહીં

નિર્દેશક કે. આસિફ ફિલ્મ ‘મોગલે આઝમ’ (૧૯૬૦) માં દરેક દ્રશ્ય અને સંવાદ બાબતે કેટલા ચોક્કસ હતા એનો પરિચય દિલીપકુમાર સાથેના કેટલાક પ્રસંગ પરથી જાણી શકાય એમ છે. દિલીપકુમાર મોટા સ્ટાર હોવાથી બીજા નિર્દેશકોને સલાહ- સૂચન આપીને સંવાદ અને પટકથામાં ફેરફાર કરાવતા રહેતા હતા પણ કે. આસિફની સાથે કામ કરતી વખતે એમની દલીલ સામે ચૂપ થઈ જતા હતા. એમની સામે દિલીપકુમારનું કંઇ ચાલતું ન હતું. એક વખત સલીમ તરીકે ચાલીને દિલીપકુમારે જોધાબાઈના મહેલ સુધી જવાનું હતું. કેમેય કરીને આ શૉટ ઓકે થઈ રહ્યો ન હતો. એમાં કલાકો નીકળી ગયા હતા. સાંજે સાડા સાત વાગે શુટિંગ શરૂ થયું હતું અને સવારે ચાર વાગ્યા સુધી અનેક વખત રિટેક કરાવ્યા પછી પણ ફાઇનલ થયું નહીં.

કે. આસિફે ચા પીવા માટે બ્રેક લીધો ત્યારે દિલીપકુમાર એમને કહ્યા વગર ત્યાંથી જતા રહ્યા. બીજા દિવસે કે. આસિફે એમને મળીને આમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે દિલીપકુમારે કહ્યું કે સાંજથી સવાર સુધી તમે એક જ દ્રશ્યના રિટેક કરાવતા રહ્યા. મને એ સમજાતું નથી કે ફક્ત ચાલીને જવાના દ્રશ્યના આટલા બધા રિટેક લેવાની શું જરૂર હતી? ત્યારે કે. આસિફે સમજાવ્યું કે તમે જોધાબાઈના મહેલ સુધી ચાલીને જતા હતા એમાં સલીમની નહીં દિલીપકુમારની ચાલ દેખાતી હતી. મને સલીમની જ ચાલ જોઈએ છે. એટલે રિટેક થઈ રહ્યા હતા. અને બીજા દિવસે કે. આસિફે એ દ્રશ્ય ફરીથી કરાવીને જ રહ્યા હતા.

દિલીપકુમારે એમના આદેશનું પાલન પણ કર્યું હતું. ‘મોગલે આઝમ’ ના સંવાદ લેખક તરીકે કે. આસિફે કમાલ અમરોહીને લીધા હતા. એમને ખબર પડી કે એમાં દિલીપકુમાર છે ત્યારે શરત કરી હતી કે સંવાદ એકવખત લખ્યા પછી એમાં ફેરફાર કરી શકાશે નહીં. અમરોહી જાણતા હતા કે દિલીપકુમાર ઉર્દૂ સારી રીતે જાણે છે એટલે ફેરફાર કરાવી શકે છે. અને એ પોતાના કામમાં કોઈનો હસ્તક્ષેપ પસંદ કરતા ન હતા. કે. આસિફ આ વાત જાણતા હતા એટલે એમની શરત માન્ય રાખી હતી. એક દ્રશ્યમાં બાદશાહ અકબરના ભયથી અનારકલી સલીમનો પ્રેમ ઠુકરાવી દે છે ત્યારે દિલીપકુમારે ‘ઓ… અકબર કી નાચીઝ લોન્ડી…’ બોલવાનું હોય છે.

દિલીપકુમારે કમાલ અમરોહીને આ સંવાદ બદલવા કહ્યું પણ એમણે ના પાડી એટલે દલીલ કરી કે સંવાદના ‘નાચીઝ લોન્ડી’ જેવા અપશબ્દને બદલવા જોઈએ. એમ કરવાથી કોઈ ફરક પાડવાનો નથી. ત્યારે કમાલ અમરોહીએ સમજાવ્યું કે સલીમ એક રાજકુમાર છે. અકબરના ભયથી એનો પ્રેમ ઠુકરાવ્યો એ બાબત એને અપમાનજનક લાગી હોવાથી અનારકલીને ‘નાચીઝ લોન્ડી’ કહે છે અને ‘ઓ…’ કહીને એ ગુસ્સો પ્રગટ કરવા સાથે એને સામાન્ય હોવાનું પણ જણાવે છે. દિલીપકુમારને ત્યારે સંવાદનો સાચો અર્થ સમજાયો અને પછી ફિલ્મમાં ક્યારેય કોઈ ફેરફાર કરાવવા કહ્યું ન હતું.

ક્રિસ્પી ચિઝી ગાજર ચિપ્સ

ગાજર ખાવા સ્વાસ્થ્ય માટે ઘણા ગુણકારી હોય છે. બાળકો માટે તો ખાસ! બાળકોને ગાજરનો હલવો તો ભાવે છે. પણ ગાજર સલાડ કે જ્યુસમાં નથી ભાવતું. એક વિકલ્પ છે… ગાજરની ચિપ્સ! જે બાળકોને ટિફિનમાં અથવા ઘરે સાંજે નાસ્તામાં ખાવા આપી શકાય છે!

સામગ્રીઃ

  • ગાજર 6-7 અંદાજે 700 ગ્રામ
  • ચીઝ ખમણેલું 100 ગ્રામ
  • તેલ 2 ટે.સ્પૂન
  • લસણ 3-4 કળી
  • કાશ્મીરી લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • જીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
  • ચીલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન
  • કાળાં મરી પાઉડર ½ ટી.સ્પૂન,
  • ચાટ મસાલો ½ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • બ્રેડ ક્રમ્સ 1 કપ

રીતઃ ગાજરને ધોઈને છોલીને તેને ચિપ્સ માટે સમારી લો. લસણને ઝીણું સમારી લો.

એક મોટા બાઉલમાં ગાજરની ચિપ્સ લો. તેમાં સમારેલું લસણ તેમજ અન્ય સૂકા મસાલા અને ખમણેલું ચીઝ તેમજ તેલ મેળવી દો. બધા મસાલા ગાજરની ચિપ્સમાં એકસરખા લાગી જાય તે રીતે મેળવીને આ ચિપ્સને બ્રેડ ક્રમ્સમા રગદોડીને ઉપર સમારેલી કોથમીર ભભરાવી દો.

 

આ તૈયાર થયેલી ગાજરની ચિપ્સને એક નોનસ્ટીક તવામાં ગોઠવીને ગેસની ધીમી-મધ્યમ આંચે શેલો ફ્રાય કરી લો. આ ચિપ્સને ઓવનમાં પણ બેક કરી શકાય છે અથવા તેલમાં તળી પણ શકાય છે.

તૈયાર ચિપ્સને કોઈ પણ સોસ સાથે પીરસી શકાય છે. દહીંમાં કાળાં મરી પાઉડર અને મીઠું મેળવીને આ  ચિપ્સ દહીં સાથે પણ સારી લાગશે અથવા મેયોનિઝમાં લસણનો પાઉડર અને મિક્સ હર્બ્સ મેળવીને તેની સાથે પણ સારી લાગશે!

૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 17/02/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકો છો. વેપારમાં નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટા પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થઇ શકે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામજ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમાં ઉત્તેજનાને લીધે ગેરસમજના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે,  વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનું હોય તો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે.છે, કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારી વાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાસા જોવા મળી શકે છે. વેપારમાં જોખમ ન કરવું, પ્રિયજન સાથે કોઈ મતભેદ કે મનદુખના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવું બની શકે છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 17/02/2024

નિફ્ટ ગાંધીનગર દ્વારા “શિલ્પ મેળા”નું આયોજન કરાયું

ગાંધીનગરઃ નિફ્ટ ગાંધીનગર ભારતના કલાત્મક વારસાની ઉજવણી કરવા માટે 16-18 ફેબ્રુઆરી 2024માં ક્રાફ્ટ બજાર (શિલ્પ મેળા)નું આયોજન કરી રહ્યું છે. લલિત એન. સિંઘ સંધુ, આઈએએસ અને એમડી જીએસએચડી, અને પ્રો. ડો. સમીર સુદ, ડિરેક્ટર, નિફ્ટ ગાંધીનગર, નિફ્ટ ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે “શિલ્પ બજાર”નું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં દેશના કારીગરો, ડિઝાઇનર્સ અને ઉત્સાહીઓનું સંકલન જોવા મળ્યું. ક્રાફ્ટ બજાર એ સર્જનાત્મકતા અને કારીગરીની ઉત્સાહપૂર્ણ ઉજવણી છે. ક્રાફ્ટ બજારએ નિફ્ટ કેમ્પસને કલાત્મક અભિવ્યક્તિના આશ્રયસ્થાનમાં પરિવર્તિત કર્યું છે જ્યાં પરંપરાગત હસ્તકલા સમકાલીન નવીનતા સાથે એકીકૃત રીતે ભળી જાય છે.

ક્રાફ્ટ બઝારમાં કળાની એક પ્રભાવશાળી શ્રેણી દર્શાવવામાં આવી છે , જેમાં માહેશ્વરી, ચંદેરી, કાલા કોટન, ઇકત અને કોટા ડોરિયા જેવા જટિલ હાથથી વણાયેલા કાપડનો સમાવેશ થાય છે, જે દરેક કારીગરી નાસીદ અંસારી, મોહમ્મદ યુસુફ અંસારી, પરેશભાઈ વણકર, અકુલા નંદી, સુકા નંદી, મોહનદાસ અને ઈમરાન હુસૈન જેવા કારીગરોની નિપુણતાને પ્રતિબિંબિત કરે છે. ટેક્સટાઈલ ઉપરાંત, ઈવેન્ટમાં ભારતના બહુપક્ષી હસ્તકલા વારસાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રેખાબહેન અને મહેશભાઈ ચિતારા દ્વારા માતા-ની-પછેડી, પ્રજાપતિ સમુદાયના મુકેશભાઈ દ્વારા બ્લુ પોટરી અને પ્રેમજીભાઈ હરિજન દ્વારા પક્કો એમ્બ્રોઈડરી જેવી ઉત્કૃષ્ટ કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવેલું છે.

ક્રાફ્ટ બજારની એક વિશેષતા એ હતી કે સામાજિક અસ્થિરતા વચ્ચે પરંપરાગત હસ્તકલાને સુરક્ષિત રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નિફ્ટ ગાંધીનગરે આજના ગતિશીલ વિશ્વમાં કારીગરોને તેમનાં કૌશલ્યો અને ઉત્પાદનોને પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડીને સશક્તીકરણ કરવા પર મહત્વપૂર્ણ પ્રકાશ પાડ્યો હતો.

વિવિધ સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતા કારીગરોએ લાઇવ પ્રદર્શનો અને પ્રદર્શનો સાથે મુલાકાતીઓને મોહિત કર્યા તથા સદીઓ જૂની તકનિકો અને સાંસ્કૃતિક કથાઓ વિશે આંતરદ્રષ્ટિ પ્રદાન કરી. બજારના દરેક સ્ટોલ ભારતીય કારીગરીના મિશ્રણની એક અનોખી ઝલક પૂરી પાડે છે, જે મુલાકાતીઓને સર્જનાત્મકતા અને પરંપરાના ક્ષેત્રમાં ડૂબી જવા માટે આમંત્રિત કરે છે. કારીગરી કૌશલ્યોના પ્રદર્શન તરીકેની તેની ભૂમિકા ઉપરાંત, ક્રાફ્ટ બજારે સંવાદ અને વિનિમયને ઉત્પ્રેરક બનાવ્યો છે તથા કારીગરો અને ઉપભોક્તાઓ વચ્ચેના ઊંડા જોડાણને પ્રોત્સાહન આપ્યું છે.

 

 

 

 

 

નૃત્ય, નાટક અને સંગીતના સમન્વય સાથે અભિવ્યક્તિનું પુનરાગમન

વડોદરાઃ  વડોદરામાં અભિવ્યક્તિના બેનર હેઠળ બે દિવસીય ઉત્સવનું આયોજન કરવામાં આવશે, જેમાં નવેમ્બર-ડિસેમ્બર, 2023 દરમિયાન અમદાવાદમાં યોજાયેલી અભિવ્યક્તિની પાંચમી આવૃત્તિમાં સૌથી વધુ વખણાયેલાં અને સૌથી વધુ ડિમાન્ડમા રહેલાં પ્રદર્શનો રજૂ કરવામાં આવશે. અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ – ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર સંચાલિત UNM ફાઉન્ડેશનની એક આગવી પહેલ છે, જે વડોદરામાં પોતાની આગવી શૈલીમાં નૃત્ય, સંગીત અને નાટકોની ધમાકેદાર રજૂઆત સાથે પુનરાગમન કરી રહ્યું છે, ગયા વર્ષે વડોદરામાં પોતાની પ્રથમ ઈવેન્ટને સફળતાપૂર્વક સંપન્ન કર્યા બાદ અભિવ્યક્તિની બીજી આવૃત્તિનું આગામી 17મી અને 18મી ફેબ્રુઆરી, 2024એ આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ દિવસે એટલે કે 17મી ફેબ્રુઆરીએ પ્રદર્શનમાં “પ્રમથ” દ્વારા “ગાંડાલાલનું ફુલેકું” નામનું નાટક રજૂ કરવામાં આવશે. એ સાથે જ જયેશ અને નંદિની દ્વારા “પલ્સ ઓફ ધ ક્રાઉડ” નામનું નૃત્ય પ્રદર્શન દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે, બીજા દિવસે, એટલે કે 18મી ફેબ્રુઆરીએ મુક્ત બેન્ડ દ્વારા “ધ અનહર્ડ” અને કવિશ શેઠ દ્વારા “સ્વવિધાન” નામના સંગીતમય પ્રદર્શન  રજૂ કરવામાં આવશે. આ તમામ પ્રદર્શનનું આયોજન “એલેમ્બિક આર્ટ ડિસ્ટ્રિક્ટ, વડોદરા”માં યોજાશે અને તમામ લોકો માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે.

સંગીતમાં ભાર્ગવ પુરોહિત, નાટકમાં ચિરાગ મોદી અને નૃત્યમાં જૈમિલ જોષી સહિત ટોચના આર્ટ ક્યુરેટર્સ દ્વારા પર્ફોર્મન્સ ક્યુરેટ કરવામાં આવ્યા છે તેમ જ નૃત્યના સહક્યુરેટર તરીકે કથંકી રાવલ શેઠ દ્વારા કામગીરી કરવામાં આવી છે. અભિવ્યક્તિની આ આવૃત્તિ હેઠળના પર્ફોર્મન્સને કલા મંડળના જાણીતાં નામો, દક્ષા શેઠ(નૃત્ય), રજત ધોળકિયા (સંગીત) અને સૌમ્યા જોશી (નાટક) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અભિવ્યક્તિની પ્રથમ આવૃત્તિ વર્ષ 2018માં રજૂ થઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધી UNM ફાઉન્ડેશન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલો આ મંચ ઉપર દેશભરના 330થી વધુ કલાકારોએ પોતાની ભાગીદારી નોંધાવી કલાની સાધના કરી છે તેમ જ અત્યાર સુધી 2.6 લાખથી વધુ લોકોએ અભિવ્યક્તિનાં પ્રદર્શનોને મન ભરીને માણ્યાં છે અને ખુલ્લા મને પ્રશંસા પણ કરી છે.

કલાકારો અને પ્રદર્શનનો પરિચય

“પ્રમથ” દ્વારા “ગાંડાલાલનું ફુલેકું” – ૧૭મી ફેબ્રુઆરીએ સાંજે ૭:૧૫ કલાકે: જાણીતા નાટ્ય કલાકાર પ્રથમ તેમના પોસ્ટ મોર્ડન લોક શૈલીના નાટક “ગાંડાલાલનું ફુલેકું”માં લોકસંગીત અને ફટાણાંના ટ્વિસ્ટ સાથે પરંપરાગત લગ્નની ઘટનાક્રમ દ્વારા પરંપરાગત લગ્નની કથા રજૂ કરશે. આ નાટક બે જમીનદારોની વાર્તા રજૂ કરે છે. “પ્રમથ” થિયેટર આર્ટ્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે અને રંગ મંચ ક્ષેત્રે છેલ્લાં 12 વર્ષથી સફળતા પૂર્વક પોતાની કલાને આગળ વધારી રહ્યા છે.

જયેશ દત્ત અને નંદિની જાની પ્રસ્તૃત “ધ પલ્સ ઑફ ધ ક્રાઉડ”- 17મી ફેબ્રુઆરી રાત્રે 9:15 કલાકે : જયેશ દત્ત અને નંદિની જાની એ ફ્યુઝન-વેસ્ટર્ન, કન્ટેમ્પરરી અને કથકની શૈલીમાં આકર્ષક પર્ફોર્મન્સ પોતાના અભિનય દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ડ્રામામાં સ્નાતક, જયેશ દત્ત અને કથક નૃત્યાંગના નંદિની જાની અભિવ્યક્તિના મંચ ઉપર એકસાથે પોતાની કલાની રજૂઆત કરશે. તેમના પ્રદર્શન “ધ પલ્સ ઑફ ધ ક્રાઉડ” માં વેકિંગ, હિપ-હોપ અને કથક જેવી નૃત્ય શૈલીઓનું મિશ્રણ દર્શાવવામાં આવશે.

મુક્ત બેન્ડની રજૂઆત “ધ અનહર્ડ” – 18મી ફેબ્રુઆરીએ સાંજે 7:15 કલાકે: આ સંગીતમય પ્રદર્શનમાં ભારતીય મહિલાઓ દ્વારા સદીઓથી ચાલી આવતી ગૂઢ કવિતાઓને પ્રસ્તુત કરે છે. તેમની આ રજૂઆત ૧૪મી સદીથી લઈને સરોજિની નાયડુ, અમૃતા પ્રીતમ અને કમલા દાસ જેવી દિગ્ગજ

હસ્તીઓ સુધી વિસ્તરેલા ભારતીય મહિલા કવિઓની અત્યાર સુધી ઓછી જાણિતી બનેલી સાહિત્યિક ક્ષમતાઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. મુક્ત બેન્ડ એ એક સાહિત્યિક સમૂહ છે, જે કબીર દાસ, ઇબ્ને-ઇ-ઇન્શા અને નિદા ફાઝલી જેવા કવિઓના છંદોને રોમાચંક સંગીત સાથે સુંદર રીતે જોડે છે.

કવિશ શેઠની રજૂઆત “સ્વવિધાન” – 18મી ફેબ્રુઆરી રાત્રે 9:15 કલાકે: કવિશ શેઠ પોતાની મનોરંજક રજૂઆતમાં અસ્તિત્વની જટિલતાઓ સાથે ગીત, કવિતા અને રિવાજોનું મિશ્રણ રજૂ કરે છે.  જેને તેઓ ‘વ્યક્તિગત બંધારણ’ તરીકે ઓળખાવે છે. તેઓ સંગીતમય રજૂઆતના માધ્યમથી તેઓ દર્શાવે છે કે જીવનની પરિસ્થિતિઓ આપણા નિયંત્રણમાં ન થઈ શકે, પરંતુ તેઓ છટાદાર રીતે જીવવાની લાગણીનો સંચાર કરે છે.

અભિવ્યક્તિ- ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ

અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન અને થિયેટરથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાયુક્ત કલાને લોકો સુધી તદ્દન નિઃશુલ્ક પહોંચાડવાનો છે. વડોદરાના કલા અને સાંસ્કૃતિક પરિદ્રશ્યમાં અભિવ્યક્તિ એક નવો અધ્યાય ખોલવા અને આગળ વધવા માટે એક તહેવારના રૂપમાં તૈયાર છે.અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન અને નાટકથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની કલાને લોકો સુધી તદ્દન નિઃશુલ્ક પહોંચાડવાનો છે,

 

 

 

 

 

આર. અશ્વિને રચ્યો ઇતિહાસઃ ઇંગ્લેન્ડ બે વિકેટે 207

રાજકોટઃ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટમાં ઇતિહાસ રચ્યો છે. અશ્વિને ઇંગ્લેન્ડની વિરુદ્ધ ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં 500 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. ભારત માટે ટેસ્ટમાં 500 વિકેટ લેનારો અશ્વિન અનિલ કુંબલે પછી બીજો ક્રિકેટર બન્યો છે.

અશ્વિન ટેસ્ટ ક્રિકેટ કેરિયરની 98મી ટેસ્ટમાં આ કમાલ કર્યો છે, જ્યારે કુંબલેએ આ સિદ્ધિ 105મી ટેસ્ટમાં હાંસલ કરી હતી. બોલના મામલે સૌથી ઝડપી ટેસ્ટ વિકેટ લેવાની વાત કરવામાં આવે તો અશ્વિન બીજા ક્રમે આવી ગયો છે અને તેણે જેમ્સ એન્ડરસનનો રેકોર્ડ તોડ્યો છે.

અશ્વિને 98 ટેસ્ટ મેચની 183 ઇનિંગ્સમાં 500 વિકેટ લીધી છે. અશ્વિને એક ઇનિંગ્સમાં સાત વિકેટનો રેકોર્ડ પણ પોતાને નામે કર્યો છે. તે એક ટેસ્ટ મેચમાં 140 રન આપીને 13 વિકેટ પણ હાંસલ કરી ચૂક્યો છે. તેણે ટેસ્ટમાં 34 વાર પાંર વિકેટ અને આઠ વખત 10 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.

 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ભારતની ટીમ 445 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. આજના દિવસે ધ્રુવ જુરેલે 46, અશ્વિને 37, બુમરાહે 26 અને સિરાજે ત્રણ રન બનાવ્યા હતા.

ઇંગ્લેન્ડની ટીમે દિવસની રમતને અંતે બે વિકેટે 207 રન બનાવ્યા હતા, જેમાં બેન ડકેટ 133 રન સાથે નોટઆઉટ છે, જ્યારે જો રૂટ નવ રન સાથે તેની પર ક્રીઝ પર છે. ઇંગ્લેન્ડની પહેલી વિકેટ 89 રને અને એ પછી 182 રને પડી હતી. ભારત વતી સિરાજ અને અશ્વિનને એક-એક વિકેટ મળી હતી.

 

 

 

 

 

 

 

શેરબજારમાં ટ્રેડિંગમાં ૮૯ ટકા લોકો નાણાં ગુમાવે છેઃ નીલેશ શાહ

મુંબઈઃ ઇન્વેસ્ટમેન્ટ માટે માત્ર એજ્યુકેશન-શિક્ષણ કામ નથી આવતું, એ કરતાં પણ વધુ મહત્વની છે કોમન સેન્સ (સામાન્ય બુદ્ધિ). કોમન સેન્સથી માણસ સારું રોકાણ કરી શકે છે. શેરબજારમાં રોકાણ કરો ત્યારે આ ત્રણ બાબતો ખાસ યાદ રાખો, એક, કંપનીનો બિઝનેસ, બે, કંપનીનું મેનેજમેન્ટ અને ત્રણ, શેરનો ભાવ. આ ત્રણેયના સંગમ બાદ રોકાણ કરો એ લાંબા ગાળાનું હોવું જોઈએ. આ શબ્દો છે કોટક મહિન્દ્ર એસેટ મેનેજમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેકટર નીલેશ શાહના.

કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ)ના ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ ઈકોનોમિકસ, બેન્કિંગ એન્ડ ઈન્સ્યુરન્સ, ફાઈનાન્સ એન્ડ હયુમનિટિઝ દ્રારા ઈન્ટરનલ કવોલિટી એસ્યોરન્સ સેલ (આઈકયુએસી)ના સહયોગ સાથે આયોજિત સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે આપણા દેશમાં શેરબજારમાં ટ્રેડિંગ કરનારાઓમાંથી ૮૯ ટકા લોકો નાણાં ગુમાવે છે, જયારે માત્ર ૧૧ ટકા લોકો નાણાં કમાય છે. કરુણતા એ વાતની છે કે હાલ પણ આપણા દેશમાં ૧૮ કરોડ લોકો પોન્ઝી સ્કીમમાં, લોટરીમાં, ક્રિપ્ટોકરન્સીમાં ઓનલાઈન ગેમિંગમાં અને કોલ-પુટ ઓપ્શન્સમાં નાણાં મૂકે છે અને પછી મોટે ભાગે ગુમાવે છે. આમ બચતકારો પોતાના હાથે જ કૂવામાં પડવાની કવાયત કરતા રહે છે.

તેમણે ભારતની ઊજળી બાજુઓ દર્શાવવા સાથે ભારત સામેના પડકારોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના વિષયનું કેન્દ્ર ભારતનું થઈ રહેલું ટ્રાન્સફોર્મેશન હતું. ભારત પાવર, ઈન્ફ્રાસ્ટ્રકચર, રેલવેઝ, એરપોર્ટસ, પોર્ટસ, સ્ટાર્ટઅપ્સ, કોલસા, મેક ઈન ઈન્ડિયા બાબતે કેવો વિકાસ કરી રહ્યું છે તેના સંખ્યાબંધ ઉદાહરણો સાથે મહત્વની આંકડાકીય માહિતી પણ આપી હતી. તેમણે ભારતની ફિઝિકલથી ડિજિટલ તરફની જબરદસ્ત યાત્રા અને તેની સફળતાને બિરદાવતાં કહ્યું હતું કે ભારત આ વિષયમાં અનેક વિકસિત દેશોથી પણ આગળ રહ્યું છે. ભારત એક સમયે મહદંશે આયાતકાર દેશ હતો, તેમાંથી નિકાસકાર બન્યો છે.

પ્રજાની જાગૃતિ  પણ મહત્વની

હવે પ્રજાએ પણ ચીન યા અન્ય કોઈ વિદેશી ચીજવસ્તુઓ કરતાં ભારતીય-સ્વદેશી માલ ખરીદવા પર જોર આપી દેશના વિકાસને વેગ અને સ્વનિર્ભર બનાવવાની ભૂમિકા સક્રિય બનાવવી જોઈએ. વિદેશી રોકાણકારો અને કંપનીઓ ચીનને બદલે ભારત પર નજર નાખી રહી છે. એટલું જ નહીં, અહી તેમનો પ્રવાહ આવવા લાગ્યો છે. બચતકારોએ સ્માર્ટ રોકાણકાર બનવાનો સમય છે. વિકાસમાં સહભાગી બનવાનો સમય છે, એવું તેમણે ભારપૂર્વક ઉમેર્યુ હતું.

આ પ્રસંગે શરૂમાં કેઈએસના ડિરેક્ટર લીલી ભૂષણે આવકાર વક્તવ્યમાં આ શિક્ષણ સંસ્થાનાં લક્ષ્યો જણાવવા સાથે સેમિનારના રિસર્ચ, કલ્ચર સહિત વિવિધ વિષયોના ઉદ્દેશની ચર્ચા કરી હતી. હેડ ઓફ ડિપાર્ટમેન્ટ વૈભવ આશરે આભાર વિધિમાં નીલેશ શાહના વકતવ્યની સરાહના કરતાં કહ્યુ હતું કે નીલેશ શાહના વિચારો અને તેમણે ભારતના ટ્રાન્સફોર્મેશનની કરેલી વાતો વિદ્યાર્થી પર એક ઊંડી છાપ ઊભી કરશે. નીલેશ શાહે ભારતની વિકાસયાત્રાના આઉટલુક અને ભવ્યતાનું સરળ, પરંતુ ગહન શબ્દોમાં વર્ણન કર્યુ હતું. ઈન્વેસ્ટમેન્ટ જગતમાં ઝીરોથી હીરો કઈ રીતે બનાય તેની વ્યાખ્યા પણ નીલેશભાઈએ સ્પષ્ટ શૈલીમાં આપી દીધી હતી.