Home Blog Page 1913

અવસર પતિની પ્રશંસા કરવાનો… Just Love

મુંબઈ: વાત જ્યારે પ્રશંસાની આવે ત્યારે લગભગ માણસ માત્રને ગમતી હોય છે. પ્રશંસા એક એવો સ્ત્રોત છે જેમાંથી આત્મવિશ્વાસ મળે છે અને જો તેનું પ્રમાણ વધી જાય તો શું થાય તે પણ તમે જાણો છો. ખેર, આજે આપણે પતિની પ્રશંસાની વાત કરીએ. શું તમે તમારા પતિની સામે તેની પ્રશંસા કરો છો? જો કરતાં હોય તો બહુ જ સરસ પરંતુ જો ના કરતાં હોય તો આજે બેસ્ટ દિવસ છે પતિના ભરપૂર વખાણ કરી પ્રેમ વ્યક્ત કરવાનો. આજે 20 એપ્રિલના રોજ “પતિ પ્રશંસા દિવસ” (Husband Appreciation Day)છે. આ ખાસ અવસરે ચિત્રલેખાએ મુંબઈની કેટલીક મહિલાઓ સાથે વાત કરી તેમના પતિના ગમતાં ગુણો વિશે જાણ્યું હતું. ચાલો જાણીએ મુંબઈની આ લેડિઝ તેમના પતિને શું કહેવા માગે છે? અને તેમની કઈ ક્વોલિટી સૌથી વધુ ગમે છે.

રિદ્ધિ થડેશ્વર, વસઈ

પ્રિય સ્મિત,
તમે સંબંધના તમામ પાસાઓમાં વિશ્વસનીય અને પ્રામાણિક છો. તમે રિલેશનમાં સમર્પિત છો અને પડકારોનો સામનો કરવા સાથે મળીને કામ કરવા તૈયાર છો. તેમજ તમે કાઈન્ડ અને કેરિંગ પર્સન છો. આઈ લવ યુ.

કુંતલ સોનપાલ, કાંદિવલી

પ્રિય ચેતન,
યુ આર સો કેરિંગ એન્ડ કાઈન્ડ. એક પ્રાણિક હીલિંગ ટ્રેનર બનવામાં મને તમારો ખૂજ સહકાર મળ્યો છે. મને આગળ લાવવા માટે તમે મને પ્રાણિક હીલિંગ શીખવ્યું અને હવે આપણે બંને એકસાથે મળીને પ્રાણિક હીલિંગને ફેલાવી રહ્યાં છીએ તેનો આનંદ છે. ખૂબ પ્રેમ અને વ્હાલ.

સાવિત્રી શાહ, મરિન લાઈન્સ

પ્રિય રાજીવ,
આપણી એક વાત મને બહુ જ ગમે છે કે આપણને બંનેને ફરવાનો શોખ છે. તમારી સાથે દરેક ટ્રીપની મજા આવે છે. મારા હિસ્સાની જવાબદારી નિભાવવામાં પણ તમે મને ખુબ સપોર્ટ આપ્યો છે. ખાસ, આજે પચાસની ઉંમર વટાવ્યા બાદ હું ફરી અભ્યાય કરું છું તેનો શ્રેય પણ તમને જાય છે. તમારા સહકારથી મને પ્રોત્સાહન મળે છે. તમે ખુબ જ પ્રેમાળ છો. તમે એકદમ ફિટ છો. સૌથી મહત્વનું કે તમારે કારણે મારામાં આત્મવિશ્વાસ જાગ્યો છે. મને મારી ઓળખ કરાવવા બદલ આભાર.ખૂબ જ પ્રેમ અને વ્હાલ.

અનિતા ભાનુશાલી, ગોરેગાંવ

પ્રિય દિપક,
દિપક,તમારા માટે મારે એક લાઈનમાં કઈંક કહેવું હોય તો હું એટલું કહીશ કે લગ્નના ત્રેવીસ વરસે એ વાતનો રાજીપો છે કે ‘હું તને પ્રેમ કરું છું’એ લાગણી તમે કહેવા કરતા કરવામાં વધુ વ્યક્ત કરી છે. ખૂબ ખૂબ પ્રેમ અને વ્હાલ.

ગોપી શાહ, મરિન લાઈન્સ

પ્રિય અલ્પેશ,
મને તમારા સહુથી વધુ ગમતા ગુણોમાં એક તો તમને કોઈપણ પ્રકારનું વ્યસન નથી.બીજા ભારે વ્યસનો તો દૂર પણ સાદા પાન જેવી પણ આદત નથી. બીજું, તમે અતિશય પરિવાર પ્રેમી છો, જેમાં પરિવાર એટલે ફક્ત આપણે અને આપણા બાળકો જ નહિ પણ આપણા બંનેના માતાપિતા અને ભાઈબહેનો સહુએ આવી જાય.ત્રીજી વાત એ કે, એક સહુથી ગમતી બાબત જે હું ઘણી મહેનત કરવા છતાં મારામાં ખીલવી નથી શકતી એ એ છે કે તમે કોઈપણ પરિસ્થિતિને એની સાથે જોડાયેલા તમામ લોકોની દ્રષ્ટિથી જોઈ શકો છો અને તેથી તમે બીજાને પણ મદદ કરી શકો છો. ખૂબ પ્રેમ.

ઊર્વી નિશાર, થાણે

પ્રિય દર્શિલ,
હું મારી કોઈ ઈચ્છાઓ સાથે કોમ્પ્રાઈઝ કરીને તો લગ્ન નથી કરી રહી ને! એ મેક સ્યોર કર્યુ તે મને બહુ જ ગમ્યું હતું. મને ખબર છે કે હું એક પ્રોફેશનલ વર્કિંગ વુમન છું તેનો તમને ગર્વ છે અને તમે સપોર્ટ પણ કરો છો. તમારી ઓફિસ અને મારું ક્લિનિક એક જ જગ્યાએ હોવાથી મારે બિલ,ઓફિસ ખોલવી કે બંધ કરવી વગેરેની કાળજી લેવાની જરૂર નથી રહેતી. તમે ખૂબ જ સોશિયલ અને ઈન્ટરેક્ટિવ પર્સન છો. મારો એક મોટો સંયુક્ત પરિવાર છે, ત્યાં તમે બધાના દિલ જીતી લીધા છે. તમે સંબંધોને ખૂબ જ સારી રીતે સંભાળો છો. અઢળક પ્રેમ.

શેફાલી વોરા, વિલે પાર્લે

પ્રિય ભાવેન,
તમે ખુબ કેરિંગ અને પ્રેમાળ છો. મને મારા જીવનમાં બધી સ્વતંત્રતા આપી છે. હું જ્યારે મુંઝવણમાં હોઉં ત્યારે તમે મને તમામ સૂચનો આપ્યાં છે. સૌથી મહત્વની વાત, તમે મને રોજ સમયસર દવા આપો છો. અઢળક પ્રેમ.

આ તો પતિનો ખાસ દિવસ છે એટલે તેમની વાત કરી. બાકી આ અહેવાલ વાંચીને તમને કોઈની પણ પ્રશંસા કરવાનું મન થાય તો સંકોચ વગર કરી દેજો. શું ખબર તમારી પ્રશંસા કદાચ તેમના માટે આત્મવિશ્વાસનું એક પગથિયું બની જાય.

(નિરાલી કાલાણી)

 

 

નેતાજી: પૈસા હૈ, બંગલા હૈ… પર ગાડી નહીં!

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભા ચૂંટણી 2024 માટે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. એફિડેવિટ પ્રમાણે અમિત શાહ પાસે 36 કરોડ રૂપિયાની જંગમ અને અચલ સંપત્તિ છે, પરંતુ તેમની પાસે પોતાની કોઈ કાર નથી. રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના સોગંદનામા પ્રમાણે ધાનાણી દંપત્તિ પાસે 1.25 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે. કરોડોની સંપત્તિ છતા પરેશ ધાનાણી કે તેમના પત્ની પાસે ફોર વ્હીલર નથી. બીજી તરફ આ જ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે પરશોત્તમ રૂપાલા. જેમની પાસે સહિયારી મિલકત અંદાજે 17.43 કરોડ રૂપિયા હોવા છતાં, તેમની પાસે એક પણ દ્વિચક્રી વાહન કે મોટરકાર નથી. ત્યારે આપણે કહી શકીએ કે નેતાઓ પાસે કરોડો રૂપિયા છે, લાખો રૂપિયાના બંગલા છે. પરંતુ પોતાની ગાડી નથી. સૌથી રસપ્રદ વાત એ છે કે કારવગરના આ નેતાઓ ક્યારેય આપણને બસ કે ટ્રેનમાં મુસાફરી કરતા જોવા મળતા નથી. એમના કાફલામાં તો હંમેશા લાખો રૂપિયાની કાર જોવા મળતી હોય છે.કેરળના વાયનાડથી કોંગ્રેસના ઉમેદવાર બનેલા રાહુલ ગાંધી 20 કરોડથી વધુની સંપત્તિના માલિક છે. જો કે તેમની પાસે ન તો પોતાનું ઘર છે કે ન તો પોતાની કાર. છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં લગભગ 5 કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેમ છતાં તેમના પર 50 લાખ રૂપિયાનું દેવું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યસભા ચૂંટણી માટેના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે 12.53 કરોડની સંપત્તિ છે. જેમાં ઇટલીમાં આવેલ તેમના પૈતૃક ગૃહનો પણ સમાવેશ થાય છે. આ સિવાય તેમની પાસે 88 કિલો ચાંદી અને 1,267 ગ્રામ સોનું તેમજ જ્વેલરી છે. જો કે સોનિયા ગાંધી પાસે પણ કોઈ વ્યક્તિગત કાર નથી.કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથના પુત્ર અને છિંદવાડા લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર નકુલ નાથ પાસે કુલ 649 કરોડ 51 લાખ 96 હજાર 174 રૂપિયાની જંગમ સંપત્તિ છે. કરોડોના માલિક નકુલનાથ પાસે પોતાની કાર નથી. તેમની જાહેર કરેલી સંપત્તિમાં શેર, મ્યુચ્યુઅલ ફંડ, એફડી અને ઘણી કંપનીઓની બચતનો સમાવેશ થાય છે.કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે મધ્ય પ્રદેશની રાજગઢ લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. દિગ્વિજયસિંહના બેંક ખાતામાં 13 લાખ 6 હજાર 599 રૂપિયા જમા છે. કુલ સંપત્તિ 8.78 કરોડ છે. જો કે દિગ્વિજયસિંહ પાસે પણ પોતાની કોઈ કાર નથી.બીકાનેર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અર્જુન રામ મેઘવાલ છે. કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ પાસે 2.38 કરોડ રૂપિયા અને તેમની પત્ની પાસે 1.38 કરોડ રૂપિયા એટલે કે કુલ 3.76 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પરંતુ તેમની પાસે કોઈ કાર નથી.મૈસુરના રાજવી પરિવારના સદસ્ય યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયાર મૈસૂર-કોડાગુ લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમના એફિડેવિટ મુજબ તેમની પાસે રૂ. 5 કરોડની સંપત્તિ છે જ્યારે તેમની પત્ની ત્રિશિકા કુમારી અને તેમના એક આશ્રિતો પાસે અનુક્રમે રૂ. 1.04 કરોડ અને રૂ. 3.64 કરોડની સંપત્તિ છે. પરંતુ તેમની પાસે પોતાનું કોઈ ઘર, જમીન કે કાર નથી.ટોંક-સવાઈ માધોપુરથી ભાજપના ઉમેદવાર સુખબીર સિંહ જૌનાપુરિયા છે. જેમની પાસે 142 કરોડ રૂપિયાની સંપત્તિ છે. સતત બે ટર્મથી સાંસદ રહ્યા છે. તેઓ ત્રીજી વખત ભાજપની ટિકિટ પર આ જ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ ઉમેદવારી પત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર તેમની પાસે પોતાનું કોઈ વાહન નથી. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત જાલોર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. તેઓ રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA)ના અધ્યક્ષ રહી ચૂક્યા છે. 2019માં જોધપુર લોકસભા સીટ પરથી ચૂંટણી લડી, પરંતુ હારી ગયા. નોમિનેશન પેપરમાં આપવામાં આવેલી માહિતી મુજબ તેમની પાસે કોઈ કાર નથી.રાજસ્થાનના બે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, વસુંધરા રાજે અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ પાસે પણ પોતાનું કોઈ વાહન નથી. ત્રણેયએ ડિસેમ્બર 2023ની વિધાનસભા ચૂંટણીમાં આપેલા સોગંદનામામાં આ માહિતી આપી હતી. બાડમેરના સાંસદ કૈલાશ ચૌધરી કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પણ છે. આ વખતે પણ તેઓ ભાજપના ઉમેદવાર છે, પરંતુ તેમની પાસે કોઈ કાર નથી. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2022ની ચૂંટણીમાં દાખલ કરેલા એફિડેવિટ અનુસાર તેમના પાસે 1,54,94,054 રૂપિયાની સંપત્તિ છે. પરંતુ તેમની પાસે પોતાની કોઈ કાર નથી. સીએમ બન્યા બાદ તેમના કાફલામાં મર્સિડીઝ બેન્ઝ એસયુવી સામેલ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે 3 કરોડ 44 લાખ 42 હજાર 870 રૂપિયાની કુલ જંગમ અને અચલ સંપત્તિ છે. પરંતુ પોતાની કાર નથી. સમાજવાદી પાર્ટીના વડા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પાસે 40 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પરંતે પોતાની કોઈ કાર નથી.રાજ્ય કે કેન્દ્ર સરકાર દરેક ધારાસભ્ય કે સાંસદને સત્તાવાર વાહનો આપતી નથી. રાજ્ય કે કેન્દ્ર સરકારમાં મંત્રી બનેલા ધારાસભ્યો અને સાંસદોને જ સરકારી વાહનો મળે છે. મંત્રીઓ ઉપરાંત સ્પીકર અને વિપક્ષના નેતાને પણ સરકાર તરફથી સત્તાવાર વાહનો મળે છે. જો કે ચૂંટણીની આચારસંહિતા દરમિયાન મંત્રીઓને સરકારી વાહનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. આ સમયગાળા દરમિયાન માત્ર વડાપ્રધાન અને મુખ્યમંત્રી સરકારી વાહનો અને વિમાનોનો ઉપયોગ કરી શકે છે.

નિષ્પક્ષ ચૂંટણી માટે સક્રિય સ્થાયી દેખરેખ ટૂકડી

અમદાવાદ: ચૂંટણી આચાર સંહિતા દરમિયાન પક્ષ, પક્ષના કાર્યકર, ઉમેદવાર રોકડની હેરફેર કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેના કારણે ‘સ્ટેટિક સર્વેલન્સ ટીમ’ એટલે કે સ્થાયી દેખરેખ ટૂકડી આચાર સંહિતા લાગતાની સાથે જ દરેક મત વિસ્તારમાં સક્રિય થઈ જાય છે. જેમાં પોલીસના જવાનો સાથે ચૂંટણી પંચે નીમેલો સ્ટાફ માર્ગો પરના વાહનોનું ચેકિંગ કરે છે.નિષ્પક્ષ ચૂંટણી થાય એ માટે અમદાવાદ શહેર પશ્ચિમ લોકસભા વિસ્તાર, ગાંધીનગર લોકસભા વિસ્તાર, અમદાવાદ શહેર પૂર્વ લોકસભા વિસ્તારના જુદા-જુદા વિધાનસભા ક્ષેત્રમાં ‘STATIC SURVEILLANCE TEAM’ કામગીરી કરી રહી છે.

તપાસ દરમિયાન, ઉમેદવાર કે તેના એજન્ટ કે પક્ષનો કોઈ કાર્યકર અથવા ચૂંટણી સંબંધિત સામગ્રી, પોસ્ટર્સ સાથેના કોઈ વાહનમાં કાયદા કરતાં વધુ રોકડ મળી આવે અથવા આ વાહનમાં કોઈપણ પ્રકારના ડ્રગ્સ, દારૂ, હથિયારો અથવા કિંમતી એવી ભેટ-સોગાદો મળી આવે કે જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની સંભાવના હોય અથવા કોઈ ગેરકાનૂની વસ્તુઓ લઈ જવાતી જણાય તો, તે જપ્તીને પાત્ર હોય છે. આ તપાસ અને જપ્તીની સમગ્ર ઘટના વીડિયો ટુકડી દ્વારા સ્થળ પર જ વીડિયો/સીસીટીવીમાં કેપ્ચર કરવામાં આવે છે. આ વીડિયોગ્રાફીની નકલ દરરોજ ચૂંટણી અધિકારીને મોકલવામાં આવે છે.આ ઉપરાંત કોઈ સ્ટાર પ્રચારક ખાસ તેમના વ્યક્તિગત ઉપયોગ માટે નક્કી કરેલી રોકડ રકમ લઈ જતા હોય અથવા તો પક્ષનો કોઈ કાર્યકર રોકડ રકમ લઈ જતો હોય ત્યારે તે રકમનો ઉપયોગ કેવી રીતે થવાનો છે? એની વિગતો દર્શાવતું પક્ષના ખજાનચીનું પ્રમાણપત્ર સાથે લઈ જવું ફરજિયાત છે. સ્થાયી દેખરેખ ટુકડી (SST)ના અધિકારી આ પ્રમાણપત્રની નકલ પોતાની પાસે રાખી લેશે અને રોકડ જપ્ત કરશે નહી. જો કોઈ વાહનમાં ચૂંટણી પંચે નક્કી કરેલી રકમ કરતાં વધારે રૂપિયા મળે અને કોઈ ગુનો બનવાની શંકા ન હોય અથવા કોઈ ઉમેદવાર કે એજન્ટ કે પક્ષના કાર્યકર સંકળાયેલ ન હોય તો, સ્થાયી દેખરેખ ટુકડી (SST) રોકડ જપ્ત કરશે નહીં. અને આવકવેરા સંબંધી કાયદા હેઠળ જરૂરી કાર્યવાહી કરવા માટે એ માહિતી આવકવેરા સત્તાધિકારીને મોકલી આપશે.રાજ્યમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્રને સજ્જ કરાયું છે. દરેક જિલ્લામાં ચૂંટણી ખર્ચના એક નોડલ અધિકારી અને વિવિધ ટીમની રચના કરાઈ છે. ચૂંટણીની જાહેરાતની તારીખથી જિલ્લા કક્ષાએ ખર્ચની વિવિધ ટીમ વચ્ચે સંકલન માટે ખર્ચ નિયંત્રણ સેલ કાર્યરત કરાયા છે. ખર્ચની ટીમો પૈકી ફ્લાઈંગ સ્ક્વોડ, વીડિયો સર્વેલન્સ ટીમ, વીડિયો વ્યુઈંગ ટીમ, એકાઉન્ટિંગ ટીમ કાર્યરત કરાઈ છે.આ ઉપરાંત ઈન્કમ ટેક્ષ વિભાગના અધિકારીઓ સક્રિય થઈ જાય છે. ખર્ચ નિયંત્રણ માટે રાજય કક્ષાના નોડલ અધિકારીઓ પણ નિમાય છે. પંચ દ્વારા ખર્ચ નિરીક્ષકની નિમણુંક થાય છે. ચૂંટણીની અધિસૂચના થયા પછી સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને મદદનીશ ખર્ચ નિરીક્ષકોએ કામગીરી શરૂ કરી દીધી છે.ફ્લાઈંગ સ્ક્વોડના વાહનો જિલ્લા કક્ષાએ મોનીટર કરવા માટે એમાં જી.પી.એસ. ફીટ કરવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

ઇરાન, ઇઝરાયેલે યુદ્ધ પાછળ એક લાખ કરોડનો ખર્ચ કર્યો

નવી દિલ્હીઃ ઇરાને ઇઝરાયેલ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો, ત્યારે ઇરાને મિસાઇલ અને ડ્રોન મારવામાં કેટલાનો ખર્ચ થયો હશે? ઇઝરાયેલને આ હુમલો ખાળવા માટે કેટલો ખર્ચ થયો હશે. બંને દેશોએ હુમલા અને બચાવમાં રૂ. એક લાખ કરોડથી વધુનો ખર્ચ કર્યા હતા.

ઇરાને ઇઝરાયેલ પર હુમલામાં જે મિસાઇલ ડ્રોન ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો, એની કિંમત આશરે રૂ. 520 કરોડ આંકવામાં આવી છે, જ્યારે ઇઝરાયેલને આ હથિયારોને ઇન્ટરસેપ્ટ કરીને તોડી પાડવામાં રૂ. 92,000 કરોડ થયા હતા. સંરક્ષણ બજેટની વાત કરે તો ઇરાન ઇઝરાયેલ કરતાં ઘણો પાછળ છે, પરંતુ સૈનિકોની સંખ્યાને મામલે ઇરાન ઇઝરાયેલ કરતાં ઘણું આગળ છે.ઇરાનનું સંરક્ષણ બજેટ માત્ર 9.9 અબજ ડોલર છે, જ્યારે ઇઝરાયેલ સંરક્ષણ પર 24.2 અબજ ડોલર ખર્ચ કરે છે. ઇરાનની પાસે 551 ફાઇટર જેટ્સ અને અન્ય વિમાન છે, જ્યારે ઇઝરાયેલની પાસે 612 સૈન્ય વિમાન છે. ઇરાનની પાસે 4071 ટેન્ક છે, જ્યારે ઇઝરાયેલની પાસે 2200 ટેન્ક છે. ઇરાનની પાસે 101  સબમરીન છે, જ્યારે ઇઝરાયેલની પાસે 67 સબમરીન છે.

ઇરાનની પાસે 65,000 બખ્તરબંધ ગાડીઓ છે, જ્યારે ઇઝરાયેલની પાસે 43,000 છે. ઇરાનની પાસે 5.75 ટકા સૈનિક છે, જ્યારે ઇઝરાયેલની પાસે માત્ર 1.73 લાખ સૈનિક છે. જોકે ઇરાનની પાસે રિઝર્વ સૈનિક 3.50 લાખ છે, ઇઝરાયેલની પાસે 4.65 લાખ છે.

 

 

 

 

 

 

 

 

 

 

રાજસ્થાની પારંપરિક કાંદાનું શાક

ગરમીનું પ્રમાણ સખત વધી ગયું છે. ગરમીથી રાહત માટે કોઈકને કોઈક ઘરગથ્થૂ ઉપાય વડીલો સૂચવતા હોય છે. કહેવાય છે કે, ગરમીમાં કાંદાના ઉપયોગથી લૂ નથી લાગતી. બને તેટલો વધુ કાંદાનો ઉપયોગ ગરમીને કારણે થતી તકલીફોમાં રાહત આપે છે. અહીં રાજસ્થાની પારંપરિક કાંદાના શાકની રીત એટલે જ આપવામાં આવી છે. 

સામગ્રીઃ

  • નાની સાઈઝના કાંદા અડધો કિલો
  • બે મોટી સાઈઝના કાંદા
  • આમલી 1 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ધાણાજીરુ 2 ટી.સ્પૂન
  • હળદર પાઉડર ½ ટી.સ્પૂન
  • કાશ્મીરી મરચાં પાઉડર 1½ ટી.સ્પૂન
  • તેલ 2 ટે.સ્પૂન
  • કલૌંજી ½ ટી.સ્પૂન
  • જીરુ 1 ટી.સ્પૂન
  • વરીયાળી 1 ટી.સ્પૂન
  • કળી પત્તાના પાન 7-8
  • હીંગ 2 ચપટી
  • આદુ 1 ઈંચ
  • લીલા મરચાં 2
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • કાંદા તળવા માટે તેલ

રીતઃ નાની સાઈઝના કાંદાને છોલીને ધોઈ લો. આ કાંદાના ચપ્પૂ વડે ચાર કાપા પાડવા. આ કાપા કાંદાના અડધા ભાગ સુધી જ કરવા, જો આખા કરશો તો કાંદાના ટુકડા થઈ જશે.

મોટા બે કાંદાને એકદમ બારીક ઝીણા સમારી લો અથવા ચોપરમાં બારીક કરી લો. આમલીને અડધા કપ પાણીમાં અડધા કલાક માટે પલાળી રાખો. આદુને લાંબી પાતળી ચીરીમાં સુધારી લો. લીલા મરચાં ગોળ મોટા ટુકડામાં સમારી લો.

એક વાટકીમાં ધાણાજીરુ, હળદર પાઉડર¸ કાશ્મીરી મરચાં પાઉડર તેમજ મીઠું સ્વાદ મુજબ લઈ તેમાં અડધો કપ પાણી રેડીને પલાળી રાખો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં નાના કાંદા ગેસની મધ્યમ આંચે કાચા પાકા લગભગ 4-5 મિનિટ સુધી તળીને કાઢી લો. વધારેનું તેલ એક વાટકીમાં કાઢી લઈ બે ટે.સ્પૂન જેટલું તેલ લઈ તેમાં જીરુ, વરીયાળી તેમજ કલૌંજીનો વઘાર કરી કળી પત્તા તેમજ હીંગ ઉમેરી દો. ત્યારબાદ બારીક સમારેલા કાંદા ઉમેરી દો અને કાંદા પારદર્શી દેખાવા લાગે એટલે તેમાં આદુની ચીરી અને ત્યારબાદ ગોળ સમારેલાં મરચાં ઉમેરી દો. 2 મિનિટ બાદ તેમાં મસાલાવાળું પાણી ઉમેરી દો. ગેસની આંચ મધ્યમ રાખવી. મસાલા ચઢી જાય અને કઢાઈમાં તેલ છૂટું થવા લાગે એટલે આમલીના પાણીમાંથી પલ્પ તૈયાર કરીને તેમાં રેડી દો.

આ ગ્રેવી ઉકળે એટલે તળેલા નાના કાંદા ઉમેરી હળવેથી તવેથા વડે ગ્રેવીમાં મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને ગેસની ધીમી આંચે 3-4 મિનિટ થવા દો. ત્યારબાદ કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો.

આ શાક રોટલી તેમજ ભાત સાથે પણ સારું લાગે છે.

નાણામંત્રી સીતારમણ ગુજરાત પ્રવાસે, શુ બોલ્યા જાણો..

લોકસભા ચૂંટણીને લઈ કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમણ આજે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે ગુજરાત ચેમ્બરસ ઓફ કોમર્સના એક કાર્યક્રમ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન તેમને ગુજરાતને દેશનું ફ્યુચરિસ્ટિક ફાઇનાન્શિયલ ટેક સિટી નહીં પણ સમગ્ર વિશ્વનું ફાઇનાન્સ હબ બનવાની પણ વાત કરી હતી. આ સાથે વિપર પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

 

કાર્યક્રમ બાદ તેમણે એક પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રજાલક્ષી કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે અને જ્યાં પણ કોઈક જગ્યાએ એવા પ્રજાલક્ષી કાર્યો જે છેવાડાના માનવી સુધી નથી પહોંચ્યા તેને પહોચાડવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. ગરીબ તેમજ વંચિતો માટે સરકાર કાર્ય કરીને તેમને પણ સશક્ત કરી અને તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા કટિબદ્ધ છે. દેશની મહિલાઓને મફત ગેસ કનેક્શન ભાજપ સરકારે આપ્યા, મફત અનાજની સુવિધા, હર ઘર જળ અભિયાનથી પાણીની વ્યવસ્થા, 24 કલાક વીજળી, લઘુ તેમજ કુટીર ઉધ્યોગ માટે લોન આ તમામ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા 10 વર્ષના સુશાસનના કાર્યો પ્રજા સમક્ષ લઈને અમે જઈ રહ્યા છે. આ પ્રેસ કોન્ફરેન્સમાં પ્રદેશના મુખ્ય પ્રવકતા યમલ વ્યાસ, પ્રદેશ મીડિયા સહ કન્વીનર ઝૂબિન આશરા, પ્રદેશ સહ પ્રવકતા હિતેન્દ્ર પટેલ, પ્રેરક શાહ, ડૉ.શ્રદ્ધા રાજપૂત, રાજીકા કચેરીયા, જૈનિક વકીલ ઉપસ્થિત રહ્યા હતા.

કેજરીવાલને ધીમા મોત તરફ ધકેલાઈ રહ્યાનો આપ પાર્ટીનો દાવો

નવી દિલ્હીઃ દિલ્હી લિકર કૌભાંડ કેસમાં તિહાડ જેલમાં બંધ દિલ્હીના CM કેજરીવાલને લઈને આપ પાર્ટીએ જેલ વહીવટી તંત્ર પર મોટો આરોપ લગાવ્યો છે. આપ પાર્ટીએ દાવો કર્યો છે કે કેજરીવાલની વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે. પાર્ટીનો આરોપ છે કે મુખ્ય મંત્રીને ઇન્સ્યુલિન અને ડોક્ટરની સલાહના ઇનકાર કરીને તિહાડ જેલમાં તેમને ધીમું ઝેર આપીને મોત તરફ ધકેલવામાં આવે છે.

પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે જેલમાં બંધ મુખ્ય મંત્રીની બ્લડ સુગરનો હવાલો આપતાં કહ્યું હતું કે હું જવાબદારી સાથે કહ્યું છે કે કેજરીવાલને ધીમા મોત માટે એક ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમણે કેજરીવાલને ઇન્સ્યુલિન આપવાથી ઇનકાર કરવા માટે તિહાડ વહીવટી તંત્ર, ભાજપ, કેન્દ્ર અને દિલ્હીના ઉપ રાજ્યપાલની ટીકાર કરતાં કહ્યું હતું કે દિલ્હીના મુખ્ય મંત્રી છેલ્લાં 20-22 વર્ષોથી ડાયાબિટીક પેશન્ટ છે. કોર્ટે કેજરીવાલને એક મશીનનો ઉપયોગ કરવા માટે જેલમાં તેમની દૈનિક સુગર સ્તરની નિગરાની કરવાની મંજૂરી આપી હતી, એમ તેમણે કહ્યું હતું.આ પહેલાં EDએ કોર્ટ સામે દાવો કર્યો હતો કે ટાઇપ-2 ડાયાબિટિસ હોવા છતાં કેજરીવાલ મેડિકલ જામીનને આધાર બનાવવા માટે પ્રત્યેક દિવસે કેરી અને મીઠાઈ જેવા વધુ સુગર જેવું ભોજન લઈ રહ્યા છે.

 

 

 

 

એલન મસ્કનો ભારત પ્રવાસ થયો રદ, નવું પ્લાનિંગ કર્યુ જાહેર

વિશ્વની સૌથી મોટી EV કંપનીઓમાંની એક ટેસ્લાના CEO એલોન મસ્કની ભારતની પ્રથમ મુલાકાતે આવવાના હતા. જે બાદ તેમણી આ મુલાકાત ધંધાકિય કારણોથી મોકુફ રાખવામાં આવી છે. ટેસ્લાના CEO એલોન મસ્કની બેઠર PM નરેન્દ્ર મોદી સાથે થવાની હતી જેમાં મોટી ડિલો પર હસ્તાક્ષર થવાના હતા. સમાચારની માહિતી એલોન મસ્કે પોતાના ટ્વીટર (એક્સ) હેન્ડલ પર આપી હતી. એલોન મસ્ક તારીખ 21 અને 22 એપ્રિલે ભારતની મુલાકાતે આવવાના હતા. એલોન મસ્ક ટેસ્લા આ ભારત પ્રવાસ પર ઉત્પાદન એકમ અને સેટેલાઇટ સંચાર સંબંધિત યોજનાઓની જાહેરાત કરવાના હતા. આ સાથે જ મસ્ક ભારતમાં 25 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે.

એલોન મસ્કે પોસ્ટ કર્યું

એલોન મસ્કે તેની એક્સ હેન્ડલ પોસ્ટમાં કહ્યું કે કમનસીબે, ટેસ્લાની જવાબદારીઓને કારણે ભારતની મુલાકાતમાં વિલંબ થઈ રહ્યો છે. પરંતુ હું આ વર્ષના અંતમાં પ્રવાસ માટે ખૂબ જ આતુર છું. મળતી માહિતી મુજબ, એલોન મસ્ક 23 એપ્રિલે ટેસ્લાના ત્રિમાસિક પરિણામો જાહેર કરવાના છે. આ તારીખ પહેલેથી જ નક્કી હતી. આવી સ્થિતિમાં ભારતની મુલાકાત બાદ ત્રિમાસિક પરિણામોમાં વિલંબ થવાની સંભાવના હતી. આ જ કારણ છે કે ઈલોન મસ્કે તેમની ભારતની મુલાકાત મોકૂફ રાખી છે. તે વર્ષના અંત સુધીમાં ક્યારે આવશે? આ અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

ફિલ્મથી ચર્ચામાં આવેલા સિંગર ચમકીલા કોણ છે? જેમની હત્યાનું રહસ્ય છે અકબંધ

મુંબઈ: દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરાની ફિલ્મ ‘ચમકીલા’ નેટફ્લિક્સ પર જોરદાર ચાલી રહી છે. ફિલ્મ બાદ લોકોને લોકપ્રિય પંજાબી ગાયક અમર સિંહ ચમકીલાની રિયલ લાઈફ વિશે વધુ જાણવામાં રસ પડ્યો છે. ચમકીલાના ગીતો જેટલા લોકપ્રિય હતા,એટલા જ તેના પર વિવાદો પણ થયા. તેના ગીતોને ‘અશ્લીલ’ કહેવાતા. સિંગર ચમકિલા વિશે એવી ઘણી બધી રસપ્રદ વાતો છે જે આ અહેવાલમાં આપણે જાણીશું.

પંજાબના મૂળ રોકસ્ટાર કહેવાતા ગાયક અમર સિંહ ચમકીલાનું જીવન કોઈ ફિલ્મી કહાનીથી ઓછું નહોતું. નાની ઉંમરે ફેમસ બનવું અને પછી દર્દનાક મૃત્યુએ બધાને હચમચાવી દીધા.અમર સિંહ ચમકીલા પંજાબી ગાયક હતા જેમણે માત્ર 20 વર્ષની ઉંમરે પોતાના ગીતોથી હલચલ મચાવી દીધી હતી.ખૂબ જ ઓછા સમયમાં ચમકીલાએ તેના અદ્ભુત ગીતોથી દુનિયાના દિલ જીતી લીધા હતા.અમર સિંહે પોતાના કરિયરમાં ઘણા હિટ ગીતો આપ્યા હતા. અમર સિંહ એક લોક ગાયક હતા.

તેમની ટૂંકી કારકિર્દીમાં, તેમણે એવી પ્રગતિ હાંસલ કરી કે જેને મેળવવા માટે લોકો તેમનું આખું જીવન ખર્ચી નાખે છે. અહીં નોંધવું રહ્યું કે તે સમયે ચમકીલાના ગીતોએ સૌથી વધુ વેચાણનો રેકોર્ડ બનાવ્યો હતો. તેના ગીતોને આજે પણ પંજાબમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.

27 વર્ષની વયે હત્યા કરવામાં આવી

ચમકીલાનો જન્મ 1960માં પંજાબમાં થયો હતો, પરંતુ તેણે માત્ર 27 વર્ષની વયે આ દુનિયા છોડી દીધી હતી. 8 માર્ચ, 1988ના રોજ અમર સિંહ ચમકીલાની કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. અમર સિંહની સાથે તેની પત્ની અમરજોત અને તેના બેન્ડના બે લોકો હતા, જેમની પણ હત્યા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ચમકીલા પરફોર્મન્સ માટે પંજાબના મહેસમપુર આવી રહ્યા હતા. ત્યાર બાદ તે લગભગ 2 વાગે પોતાની કારમાં બેસીને નીકળ્યા હતા, પરંતુ કારમાંથી બહાર આવતાં જ તેમના પર સીધો ગોળીબાર કરવામાં આવ્યો અને તેમનું મોત થયું હતું.ચમકીલાની હત્યાના આટલા વર્ષો પછી પણ તેના હત્યારાઓ મળ્યા નથી.

આ ગીતોથી સફળતા મળી

જો કે અમરસિંહ ચમકીલાના તમામ ગીતો પ્રખ્યાત હતા, પરંતુ તેમના સૌથી વધુ હિટ ગીતોમાં ‘લલકરે નાલ’ અને ભક્તિ ગીતો ‘બાબા તેરા નનકાના’ અને ‘તલવાર મેં કલગીધર દી’નો સમાવેશ થાય છે. તેમણે લોકપ્રિય ‘જટ્ટ દી દુશ્મન’ લખ્યુ હતુ, જે ઘણા પંજાબી કલાકારો દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું છે. ચમકીલાને તેના પ્રથમ રેકોર્ડેડ ગીત ‘ટાકુ તે તકુઆ’ પછી ઘણી સફળતા મળી. અમરસિંહ જે પોતાની આસપાસ જોતા તેના વિશે ગીતો લખતાં હતાં. તેમના ગીતોમાં પંજાબી પુરૂષની આદતો, નશીલી દવાઓનો દુરુપયોગ, લગ્નોત્તર સંબંધો સહિત અનેક વિષયોની વાત કરવામાં આવતી હતી.

પુત્રીની હત્યા પછી કર્ણાટક કોંગ્રેસ નેતાનો ‘લવ જિહાદ’નો આરોપ

નવી દિલ્હીઃ કર્ણાટકના એક કાઉન્સિલરની પુત્રીની હત્યાનો મામલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કરનો મુદ્દો બન્યો છે. કોંગ્રેસ નેતાની પુત્રીને હુબલીની કોલેજમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ સાત વાર ચાકુ માર્યું હતું. પોલીસને આશંકા છે કે વાત નહીં માનવાને કારણે એ વિદ્યાર્થીએ યુવતીની હત્યા કરી દીધી હતી.

23 વર્ષીય નેહા હિરેમઠ માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનના પહેલા વર્ષની વિદ્યાર્થિની હતી અને હુબલીની કોલેજમાં શિક્ષણ લેતી હતી. ફયાઝ ખોંડુનાઇક નામનો યુવક પહેલાં એનો ક્લાસમેટ હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ નેહા પર અનેક વાર ચાકુથી હુમલો કરનાર ફૈયાઝે પૂછપરછ દરમ્યાન દાવો કર્યો હતો કે બંનેની વચ્ચે રિલેશન હતું, પરંતુ નેહા છેલ્લા ઘણા સમયથી તેનાથી બચવાના પ્રયાસ કરી રહી હતી.

નેહાની મોતનો મામલો કર્ણાટકની સત્તારૂઢ કોંગ્રેસ અને વિરોધ પક્ષ ભાજપની વચ્ચે રાજકીય ખેંચતાણનો મુદ્દો બની ગયો છે. કોંગ્રેસ આ ઘટનાને ખાનગી ઘટના તરીકે રજૂ કરી રહી છે, જ્યારે ભાજપે કહ્યું હતું કે રાજ્યમાં કાનૂન- વ્યવસ્થાની ખસ્તા હાલત છે.  કેન્દ્રીય મંત્રી અને ધારવાડ લોકસભાથી ભાજપના ઉમેદવાર પ્રહલાદ જોશીએ આ ઘટના પાછળ લવ જિહાદ એન્ગલનો અંદેશો વ્યક્ત કર્યો હતો. તેમણે સિદ્ધારમૈયા સરકારમાં અલ્પસંખ્યકના તુષ્ટિકરણના રાજકારણનો આરોપ લગાવ્યો હતો અને તેમણે એક વિશેષ સમુદાય સાથે વિશેષ વ્યવહાર બંધ કરવાની અપીલ કરી હતી.

કર્ણાટક સરકારની મુશ્કેલીઓ એટલે પણ વધી ગઈ હતી, કેમ કે નેહાના કાઉન્સિલર પિતાએ પણ આ અપરાધને લવ જિહાદ ગણાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમની પુત્રીને ફસાવવા માટે યોજના બનાવવામાં આવી હતી. તેઓ તેને ધમકી આપી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે મારી પુત્રીની સાથે જે થયું એ રાજ્ય અને દેશે જોયું. જો તેઓ આ બાબતને વ્યક્તિગત ગણાવે છે તો એમાં પર્સનલ શું છે? શું તેઓ મારા સંબંધી છે?