નવી દિલ્હીઃ દેશનાં 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 88 લોકસભા સીટો પર બીજા તબક્કાનું મતદાન 61 ટકા થયું હતું, જેમાંત્રિપુરામાં સૌથી વધુ 76.2 ટકા જેટલું મતદાન થયું છે. ત્યાર બાદ મણિપુરમાં 76.1 ટકા મતદાન થયું હતું. છત્તીસગઢમાં 72.1 ટકા મતદાન થયું હતું, જ્યારે પશ્ચિમ બંગાળમા અને આસામમાં 70 ટકા મતદાન થયું હતું, જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું મતદાન થયું છે.
બીજા તબક્કામાં 13 રાજ્યોના મતદારો 88 બેઠકો પર ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. બીજા તબક્કામાં જે 88 બેઠકો પર મતદાન થઈ થયું તેમાંથી ભાજપ પાસે અડધાથી વધુ એટલે કે 52 બેઠકો છે, જ્યારે કોંગ્રેસ પાસે 22 બેઠકો છે. એ દરમ્યાન 15.88 કરોડથી વધુ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, એમાંથી 8.08 કરોડ પુરુષ, 7.8 કરોડ મહિલાઓ અને 5929 ટ્રાન્સજેન્ડર મતદાતાઓ સામેલ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કાની ચૂંટણીમાં 1198 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 1097 પુરુષ અને 100 મહિલા ઉમેદવારો છે. એક ઉમેદવાર થર્ડ જેન્ડર છે.
કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશની આઠ, મહારાષ્ટ્રની આઠ, મધ્ય પ્રદેશની છ, આસામની પાંચ, બિહારની પાંચ, છત્તીગઢની ત્રણ, પશ્ચિમ બંગાળની ત્રણ અને ત્રિપુરાની, મણિપુર અને જમ્મુ-કાશ્મીરની એક-એક સીટ સહિત 88 લોકસભા સીટો પર મતદાન થયું હતું.
બીજા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં 72 ટકા, છત્તીસગઢમાં 72 ટકા મતદાન, જમ્મુ-કશ્મીરમાં 67 ટકા, યુપીમાં 53 ટકા, કર્ણાટકમાં 64 ટકા, મહારાષ્ટ્રમાં 53 ટકા, રાજસ્થાનમાં 59 ટકા, મધ્ય પ્રદેશમાં 55 ટકા, અને બિહારમાં 53 ટકા મતદાન થયું હતું.
લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ રહી છે. 19 એપ્રિલે યોજાયેલા પ્રથમ તબક્કામાં 102 સીટો પર વોટિંગ થયું હતું. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલના રોજ થઇ રહ્યું છે. 4 જૂને લોકસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થશે.
રાજકોટ: આ રંગીલું શહેર સૌરાષ્ટ્રનું પાટનગર છે. આથી રાજકોટ લોકસભા બેઠક ઉપર વિજેતા થનાર ઉમેદવાર અને પક્ષનું સમગ્ર સૌરાષ્ટ્રમાં વર્ચસ્વ રહે છે. જો કે આ લોકસભા મતક્ષેત્રમાં ભાજપનો દબદબો છે. રાજકોટ ઉપરાંત મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારોનો રાજકોટ લોકસભામાં સમાવેશ થાય છે. વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જીવનની પહેલી ચૂંટણી રાજકોટ બેઠક પરથી લડ્યા હતા. ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પરંતુ તેઓ ધારાસભ્ય નહોતા. એ વખતે વજુભાઈ વાળાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી નરેન્દ્ર મોદી માટે રાજકોટ-2 વિધાનસભા બેઠક ખાલી કરી હતી. 24 ફેબ્રુઆરી, 2002ના રોજ થયેલી મતગણતરીમાં નરેન્દ્ર મોદી 14,728 મતથી વિજેતા જાહેર થયા હતા.
ઉમેદવારો
ભાજપ: પરશોત્તમ રૂપાલા
રાજકોટ લોકસભા સીટ એ જ્ઞાતિના સમીકરણો મુજબ કડવા પટેલના વર્ચસ્વવાળી છે. આ જ ગણિતના આધારે ભાજપે કડવા પટેલ અગ્રણી કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને અમરેલીને બદલે રાજકોટથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પહેલીવાર તેઓ પોતાનો જિલ્લો બદલી ચૂંટણી લડી રહ્યા છે. તેમની રાજકીય સફર પર એક નજર કરીએ તો 1988 થી 1991 સુધી અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા. તેઓ ત્રણ વખત અમરેલીથી વિધાનસભાની ચૂંટણી જીત્યા છે. 1995-96માં નર્મદા સિંચાઈ અને પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી હતા. જૂન 1998 થી ઓક્ટોબર 2001 સુધી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (G.I.D.C.) ના અધ્યક્ષ હતા. ત્યાર બાદ તેઓ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રમુખ પણ બન્યા. 2008માં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા. 2019થી 2021 સુધી કેન્દ્ર સરકારમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. 2021માં તેઓ કેન્દ્ર સરકારમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી બન્યા.
કોંગ્રેસ: પરેશ ધાનાણી
પરશોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસે પણ વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. વર્ષ 2000માં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએટ થયા. 2002ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા પરશોત્તમ રૂપાલાને અમરેલી બેઠક પરથી હરાવ્યા. 2002થી 2007 સુધી વિધાનસભામાં અમરેલી બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું. 2018થી 2021 સુધી તેઓ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા.
PROFILE
રાજકોટ લોકસભા બેઠકમાં રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, પડધરી અને વાંકાનેર એમ સાત વિધાનસભાનો સમાવેશ થાય છે.
2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના મોહન કુંડારિયા આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 3,68,407 વોટની લીડથી જીત્યા હતા.
મતદારોની સંખ્યા
કુલ મતદારો 20,96,366
પુરુષ મતદાર 10,85,577
સ્ત્રી મતદાર 10,10,754
વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક
પક્ષ
વિજેતા
વોટ
લીડ
રાજકોટ પૂર્વ
ભાજપ
ઉદય કાનગડ
86,194
28,635
રાજકોટ પશ્ચિમ
ભાજપ
ડૉ. દર્શિતા શાહ
1,38,687
1,05,975
રાજકોટ દક્ષિણ
ભાજપ
રમેશ ટીલારા
1,01,734
78,864
રાજકોટ ગ્રામ્ય
ભાજપ
ભાનુબેન બાબરિયા
1,19,695
48,494
જસદણ
ભાજપ
કુંવરજી બાવળિયા
63,808
16,172
વાંકાનેર
ભાજપ
જીતેન્દ્ર સોમાણી
80,677
19,955
ટંકારા
ભાજપ
દુર્લભજી દેથરિયા
83,274
10,256
રાજકોટ બેઠકની વિશેષતા
1951માં રાજકોટ બેઠક પર પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી.
રાજકોટના રાજકારણની સૌરાષ્ટ્ર પર અસર પડે છે. આ બેઠક પર પક્ષની સાથે જ્ઞાતિના સમીકરણોનો પણ પ્રભાવ જોવા મળે છે.
ડૉ. વલ્લભ કથીરિયા ( લેઉવા પટેલ ) ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯, અને ૨૦૦૪ એમ ચાર વખત જીત્યા
ભાજપ – સંઘના પ્રભુત્વવાળી રાજકોટ બેઠક ઉપર પહેલીવાર ૨૦૦૯ માં કોંગ્રેસના કુંવરજીભાઈ બાવળિયા જીત્યા ત્યારે સંઘ- ભાજપને આંચકો લાગ્યો હતો.
ગાંધીનગરઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓ પોતાનાં પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે ગુજરાત બોર્ડ પરિણામ મે મહિનામાં આવે છે ત્યારે આ વખતે લોકસભા ચૂંટણી 2024ને કારણે આ વર્ષે ગુજરાત બોર્ડનું પરિણામ એપ્રિલ એટલે કે ચાલુ મહિનાના અંતમાં જ આવી જશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે 30 એપ્રિલની આસપાસ ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10-12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી શકે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલી હતી. પરીક્ષા પૂરી થયા બાદ કોપી ચેકિંગની કામગીરી પૂર્ણ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પેપર તપાસના પૂર્ણ થઈ ગયા હોવાથી હવે પરિણામ બનાવવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. જેના પગલે એપ્રિલના અંત સુધીમાં પરિણામ જાહેર થવાની શક્યતાઓ સૂત્રો સેવી રહ્યા છે.
આ વખતે માર્ચમાં લેવાયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના 9,17,687 વિદ્યાર્થી જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073 વિદ્યાર્થી પરીક્ષા માટે નોંધાયા છે. આમ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ મળીને કુલ 14 લાખ જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.
મુંબઈ: ગોવિંદાની ભત્રીજી આરતી સિંહ ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે. અભિનેત્રી જીવનના નવા તબક્કાની શરૂઆત કરી પ્રભુતામાં પગલા માંડ્યા છે. આતી સિંહે 25મી એપ્રિલે લગ્ન કર્યા છે. તેના લગ્નના ફંક્શન ઘણા દિવસોથી ચાલી રહ્યા હતાં.અભિનેત્રીના લગ્નમાં તેનો આખો પરિવાર હાજર રહ્યો હતો. પ્રી-વેડિંગ ફંક્શનમાં પણ તેનો આખો પરિવાર જોવા મળ્યો હતો, જો કોઈ ન દેખાયું તો તે તેના મામા ગોવિંદા અને મામી સુનીતા હતા,પરંતુ આખરે મામા ગોવિંદા પણ અભિનેત્રીના લગ્નને નજરઅંદાજ કરી શક્યા નહીં. લગ્નમાં તેણે પોતાની ખાસ હાજરી આપી હતી. બધી જુની નારાજગી ભૂલીને તે પોતાની ભત્રીજીને આશીર્વાદ આપવા પહોંચ્યા હતાં.
એક તરફ આરતી સિંહના પતિ દીપક ચૌહાણ લગ્નની જાન લઈને પહોંચ્યા તો બીજી તરફ મામા ગોવિંદાએ પણ લગ્નમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. તેણે નેવી બ્લુ વેલ્વેટ કોટ પહેરીને લગ્નમાં હાજરી આપી હતી, પરંતુ મામી સુનીતા દેખાયા નહોતા. તે લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા ન હતા કે ન તો ગોવિંદાની પુત્રી જોવા મળી હતી. આ જોઈને લોકો કહે છે કે એવું લાગે છે કે મામી સુનીતાએ હજુ પોતાનો ગુસ્ ઠંડો કર્યો નથી. આ જ કારણ હશે કે તે આરતી સિંહના લગ્ન જેવા ખાસ પ્રસંગોમાં પણ સામેલ ન થયા.જોકે, સાચું કારણ તો ગોવિંદા અને તેના પરિવારને જ ખબર હશે.
ગોવિંદાને આરતી સિંહના લગ્નમાં હાજરી આપતા જોઈને એક વ્યક્તિએ કોમેન્ટ સેક્શનમાં લખ્યું,’સુનીતા મામી ક્યાં છે?’ અન્ય એક વ્યક્તિએ લખ્યું,’લાગે છે કે પેચઅપ થઈ ગયું છે.’ અન્ય એક યુઝરે લખ્યું,’હવે એવું લાગે છે કે બધું બરાબર છે, તે કદાચ દેખાતું નથી.’ અહીં નોંધવું રહ્યું કે ગોવિંદા અને સુનીતાનો કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ સાથે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. તેમના પરિવારનો આંતરિક વિખવાદ પણ લોકો સમક્ષ આવી ગયો હતો. ઘણી વખત ગોવિંદા અને સુનીતાએ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. તમામ વિવાદો છતાં કાશ્મીરા શાહે તાજેતરમાં કહ્યું હતું કે જો ગોવિંદા બધું ભૂલીને આરતી સિંહના લગ્નમાં આવશે તો તે તેના પગ ધોશે. આખરે ગોવિંદા દરેક વિવાદને બાજુ પર મૂકીને લગ્નમાં પહોંચી ગયા.જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. તેઓ હસતા હસતા લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા છે.
આરતીનો પતિ કોણ છે?
દીપક ચૌહાણ, જેની સાથે આરતી સિંહે સાત ફેરા લઈ પોતાના પતિ બનાવ્યા છે, તે એક સફળ બિઝનેસમેન છે. તે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે જેના તે ફાઉન્ડર પણ છે. આ સાથે દીપક રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝના બ્રાન્ડ એમ્બેસેડર છે. આરતી સિંહના પતિની ઉંમર 38 વર્ષ છે. આરતી સિંહે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તે દીપકને તેની એક આંટી દ્વારા મળી હતી, જે મેચમેકર છે. આરતીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે દીપક સાથેના તેના લગ્ન લવ મેરેજ નથી પણ એરેન્જ્ડ મેરેજ છે. લગ્ન પહેલા બંનેનો કોર્ટશિપ પિરિયડ હતો, જેમાં બંને એકબીજાને સમજવા અને જાણવા માંગતા હતા.
આ રીતે સંબંધ નક્કી થયો
આરતીએ એ પણ જણાવ્યું હતું કે દીપક અને તેની વચ્ચે ગયા વર્ષે જુલાઈમાં વાત થઈ હતી.આરતી નવેમ્બરમાં આ સંબંધને લઈને ગંભીર બની ગઈ અને લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ પછી તેણે પરિવાર સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો અને તેમની મંજૂરી લીધી. દીપકે આ વર્ષે જાન્યુઆરીમાં આરતી સિંહને પ્રપોઝ કર્યું હતું. હવે બંને એકબીજાના બની ગયા છે.
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી હતી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સહિત હવામાન વિભાગ દ્વારા પણ વાતાવરણ પલટો આવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. નિષ્ણાતોની આગાહી પગલે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધવામાં આવ્યો હતો. વહેલી સાવરે છોટાઉદેપુર, ખેડા, નવસારી, આણંદ અને ભાવનગરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરના ચિત્રા, બોર તળાવ, કુંભારવાડા, દેસાઈ નગર, રાજનગર સહિતના વિસ્તારમાં પણ વહેલી સવારે વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટું વરસ્યું. વરસાદી ઝાપટાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.
તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, ખેડા, નવસારી, આણંદમાં કમોસમી વરસાદના ઝાપટા જોવા મળ્યા. હવામાનમાં પલટો આવતાં રાજ્યના અનેક જિલ્લામાં ઠંડી ફેલાઈ ગઈ હતી. સમગ્ર જિલ્લામાં જ સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થવાની સંભાવના છે. આ સિવાય નવસારીમાં ખેરગામ વાંસદા નવસારી અને જલાલપોર તાલુકામાં વરસાદી દ્રશ્યો જોવા મળ્યા હતા. દાહોદમાં પણ વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું.
તો આ સાથે વહેલી સવારથી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા પડવાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચવાની સંભાવના છે. આ ઉપરાંત કેરીના પાકને પણ ભારે નુકસાન પહોંચા સંભાવના છે.
લખનૌઃ UP STFએ મહાદેવ ગેમિંગ અને અન્ય બેટિંગ એપના માધ્યમથી અબજો રૂપિયાની છેતરપિંડી કરવાવાળી સંગઠિત ગેન્ગના બે સાથીઓની લખનૌથી ધરપકડ કરી છે. તેમનાં નામ અભય સિંહ ને સંજીવ સિંહ છે. અભય મહાદેવ બુક ગેમિંગ કંપનીનો ઇન્ડિયાનો હેડ છે. મહાદેવ બુક એપનું નેટવર્ક અભયનો કઝિન ભાઈ અભિષેક દુબઈથી ચલાવતો હતો. પકડવામાં આવેલા આ બે જણ વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ દ્વારા પ્રયોગ થનારા કોર્પોરેટ સિમને પોર્ટ કરાવીને દુબઈ મોકલતા હતા.
આ બે જણે પૂછપરછમાં જણાવ્યું હતું કે તેમને અભિષેકે દુબઈથી ફોનમાં જણાવ્યું હતું કે તેઓ તેમના વિસ્તારના ગરીબ અને અભણ લોકોનાં નામથી સિમ ખરીદે- એના બદલામાં તેમને રૂ. 25,000ની સેલેરી મળશે. એ સાથે રૂ. 500 પ્રતિ સિમ મળશે. સિમ એક કંપનીમાંથી બીજી કંપનીમાં પોર્ટ કરવાનું રહેશે. અભયે વધુમાં કહ્યું હતું કે કે તે એક મહિનામાં આશરે 30થી 35 સિમ એક્ટિવેટ કરાવી દેતો હતો અને દુબઈ મોકલી દેતો હતો. જાન્યુઆરી, 2023માં તેની સેલેરી રૂ. 25,000ની સેલરીથી વધીને રૂ. 75,000 કરી દેવામાં આવી હતી. એ સાથે તેને કોર્પોરેટ સિમનું કામ આપવામાં આવ્યું હતું. એ પોસ્ટપેઇડ સિમ હતા. આ સિમની KYC માટે દસ્તાવેજ બનાવીને નકલી કંપની રજિસ્ટાર્ડ કરાવવાનું શરૂ કર્યું હતું.
ED દ્વારા મહાદેવ બુક પર કાર્યવાહી કર્યા પછી હાલના સમયે રેડ્ડી અન્ના બુક, ફેર પ્લે, લોટસ 365, મેજિક્વીન, ગોલ્ડન 444, દમન બુક, વિનબજ્જ અને IPL વિન 365 વગેરે નામથી કેટલીય ગેમિંગ અને બેટિંગ એપ ચલાવવામાં આવી રહી છે અને આ એપની ફ્રેન્ચાઇઝી દેશઆખામાં જાય છે, જે બ્રાંચ ચલાવે છે, તેમને રૂપિયામાંથી 80 ટકા આપવામાં આવતા હતા. આ કંપનીઓમાં કામ કરવા માટે આશરે 10,000થી 12,000 કર્મચારીઓ ભારતથી દુબઈ ગયા હતા.
પંચમહાલ: સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનો ખેલ પાડ્યા બાદ હવે ભાજપે પંચમહાલમાં ડમી ઉમેદવારનો ખેલ પાડ્યો છે. પંચમહાલ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવાર ભાજપમાં જોડાશે. મળતી માહિતી અનુસાર, પંચમહાલ બેઠક પર કોંગ્રેસના લોકસભાના ડમી ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ પત્ની રશ્મિતા ચૌહાણ સહિતના કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપનો ખેસ પહેરવાના છે.બે દિવસ પહેલાં લોકસભાની ચૂંટણી ટાળે જ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મોટું ગાબડું પડ્યું હતું. જેમાં પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ મેમ્બર તેમજ શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ સહિત 70 જેટલાં કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે આ તમામ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો શનિવારે કેસરિયા કરશે તેવી માહિતી સામે આવી છે. આગામી લોકસભાની ચૂંટણીપ્રચાર અર્થે ભાજપના સ્ટારપ્રચારક તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી શનિવારે ગોધરા શહેરમાં લુણાવાડા રોડ પર આવેલા ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધન કરવાના છે. પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના ચૂંટણી પ્રચારાર્થે અમિત શાહ ગોધરા ખાતે સભા ગજવશે. ત્યારે તેમની ઉપસ્થિતિમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો કેસરિયા ધારણ કરીને ભાજપમાં જોડાશે.દુષ્યંતસિંહ કોંગ્રેસ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ અપાતા નારાજ હતા. નારાજગી બાદ દુષ્યંતસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ સામે વિધાનસભાની ચૂંટણી લડેલા દુષ્યંતસિંહ હવે ભાજપનો પ્રચાર કરતા જોવા મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દુષ્યંતસિંહ ચૌહાણ મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન કાર્યકરો અને વિવિધ હોદ્દેદારો, મહિલા હોદ્દેદારો, શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પણ હાજર રહ્યા હતા.
લોકસભા ચૂંટણી વચ્ચે સુરતનું રાજકારણ દિવસે-દિવસે ગરમાતું જાય છે. જ્યાં ભાજપ ઉમેદવાર બિનહરફી વિજેતા જાહેર થતાની સાથે કોંગ્રેસમાં ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ નિલેષ કુંભાણીના ફોર્મમાં મોટી ખામી આવી હતી. જેમાં કુંભાણીના ટેકેદારો અને તેમની સહિ અયોગ્ય સાબિત થઈ હતી. ખોટી સહિ મામલે કલેક્ટરી કચેરીએ તપાસ હાથ ધરી હતી જેમાં કુંભાણીને એક દિવસનો સમય આપવામાં આવ્યો હતો. તેમ છત્તા કુંભાણી તેમના ટેકેદારોને હાજર કરી શક્યા ન હતા અને અંતે ફોર્મ રદ થયુ હતુ. જે બાદથી કુંભાણીને લઈને કોંગ્રેસમાં વિરોધ ચાલી રહ્યો છે.
વિરોધના વંટોળ વચ્ચે નિલેશ કુંભાણી ગાયબ જણાયા હતા. જે બાદ તેમના વિરુદ્ધમાં પોસ્ટરો પણ લાગ્યા હતા. તમામ વિરોધ વચ્ચે આજે કોંગ્રેસે નિલેશ કુંભાણી પર કાર્યવાહી કરી છે. નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે કોંગ્રેસે સસ્પેન્ડ ઓર્ડરમાં ઉમેર્યું છે કે તમોને કોંગ્રેસ પક્ષે સંસદની ટિકિટ આપી હતી. સૌરાષ્ટ્રના અનેક પાટીદારો તથા અન્ય સૌરાષ્ટ્રના લોકો કે જેઓ સુરત સ્થિત થયા છે તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો તેવી ગણતરી પક્ષની હતી.
આ સાથે નિલેશ કુંભાણીના ભાજપ સાથે સાઠ ગાંઠ હોવાનો પણ આરોપ લગાવ્યો. સાથે ભાજપ પર પણ તમામ ઉમેદવારોને ફોર્મ પરત ખેચાવા માટે ફોર્સ કર્યા હોવાનો પણ આરોપ લગાવ્યો. નોંધનીય છે કે પ્રથમ વખત આપવા જનાર લોકો સાથે આ અન્યાય હોવાથી નિલેશ કુંભાણી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હોવા ઉલ્લેખ કર્યો હતો.
ગુણોથી ભરપૂર વ્યક્તિનું શરીર મૃત્યુ બાદ 5 તત્વોમાં ભળી ગયા પછી પણ મનુષ્ય આત્માઓના દિલમાં જગ્યા બનાવી લે છે. એમની યાદગાર સેંકડો વર્ષ સુધી બધાના દિલમાં તાજી રહે છે તથા પ્રેરણા સ્ત્રોત બને છે. ભારતના મંદિરોમાં જે દેવી દેવતાઓની પૂજા થાય છે તેઓ મૂલ્યોથી ભરપૂર હોવાના કારણે 2500 વર્ષથી પૂજાતા આવ્યા છે.
ભારતીય સમાજ પહેલાના જમાનાથી મૂલ્યોમાં વિશ્વાસ રાખતો આવ્યો છે. અહીંના અભણ લોકો પણ મૂલ્યોની ભાષા સારી રીતે સમજે છે. આ કારણે જ અભણ લોકોની સંસ્કૃતિમાં દયા, કરુણા, સહયોગ, પ્રેમ વગેરેના ઉદાહરણો જોવા મળે છે. વર્તમાન ભાગદોડની દુનિયામાં મનુષ્ય પદાર્થોના સંગ્રહમાં વ્યસ્ત રહીને અવિનાશી રૂપમાં સાથે રહેવા વાળા મૂલ્યોનો લાભ લેવા માટે બેદરકાર બની ગયો છે. જે મૂલ્યોના ઠંડા છાયડામાં તન-મનને શીતળ, શાંત કરવા તથા ખુશી શાંતિની અનુભૂતિ થી દુર જવાની યાતના ભોગવી રહ્યો છે, તે મનુષ્યને ફરીથી મૂલ્યોની છત્રછાયામાં સુરક્ષિત રાખવાના લક્ષ થી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સંપૂર્ણ માનવ જગતમાં મૂલ્યોની જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. 16 કલા સંપૂર્ણ બનવા માટે જે મૂલ્યોને પસંદ કરવામાં આવ્યા છે તે છે – પવિત્રતા, શાંતિ, સહનશીલતા, પ્રેમ, નમ્રતા, ઉદારતા, ઈમાનદારી, સહયોગ, અહિંસા, મધુરતા વિગેરે. જેવી રીતે એક રંગમાં બીજા રંગ ભેળવીને અલગ-અલગ રંગ બનાવી શકાય છે.
એવી જ રીતે મુખ્ય મુલ્યોની ધારણા દ્વારા બીજા અનેક મૂલ્યોની ધારણા સ્વતઃ થઈ જાય છે. જેવી રીતે બધા રંગોનો મૂળ રંગ સફેદ રંગ છે. તેવી જ રીતે ઈશ્વરીય જ્ઞાન તથા ઈશ્વરીય યોગ એ તમામ ગુણો તથા મૂલ્યોનો મુખ્ય આધાર છે. માટે જ ઈશ્વર સાથે યોગ લગાવીને રાજયોગી બનવાની દીશા તેમના દ્વારા આપવામાં આવેલ જ્ઞાનને શીખીને ભાઈ-ભાઈ ની દ્રષ્ટિ અપનાવીને પવિત્રતા ધારણ કરવાની જરૂરિયાત છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે “પવિત્ર બનો યોગી બનો”. આ ઈશ્વરીય સંદેશ તથા નૈતિક મૂલ્યોની ધારણા દ્વારા આપણે દૈવી રાજ્યને ભારત ભૂમિ ઉપર અવશ્ય સાકાર કરીને બતાવીશું.
આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય સ્તર ઉપર સૌંદર્ય હરીફાઈનું આયોજન થતું રહે છે. કેટલાક વિશ્વ સ્તરના સંગઠન દ્વારા વિશ્વસુંદરીની પસંદગી થાય છે. આપણા દેશમાં પણ ભારત સુંદરીની પસંદગી માટે આયોજન થતું રહે છે. હરીફાઈના આયોજકો શારીરિક સૌંદર્યના આધારે તે સુંદરીઓને પહેલો, બીજો તથા ત્રીજો નંબર આપે છે. તેઓ સુંદરીઓને કેટલાક પ્રશ્નો પણ પૂછે છે. જેના જવાબ આપતા સમયે પ્રગટ થતો આત્મવિશ્વાસ પણ સુંદરીની પસંદગીમાં મદદ કરે છે. એ બાબતમાં કોઈ બેમત નથી કે શરીરનું સૌંદર્ય પણ કુદરતની એક ભેટ છે. ભારતના ભક્તો મંદિરોમાં દેવી દેવતાઓની મૂર્તિઓની સામે તેમની મહિમા કરતા સર્વાંગ સુંદર એ શબ્દ પણ જોડે છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)