Home Blog Page 1879

સલમાન ખાન ફાયરિંગ કેસ: આરોપી અનુજ થાપને કરી આત્મહત્યા

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં દરરોજ નવા અપડેટ્સ આવી રહ્યા છે. આ કેસમાં આરોપી વિકી ગુપ્તા (24), સાગર પાલ (21) અને અનુજ થપન (32) પોલીસ કસ્ટડીમાં છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા લોકોમાંથી એકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હવે તે વ્યક્તિનું અવસાન થયું છે. તે વ્યક્તિનું નામ અનુજ થાપન છે.

પોલીસ કસ્ટડીમાં કેવી રીતે આત્મહત્યા કરી?

આરોપી અનુજ થાપને શૌચાલયમાં બેડશીટના ટુકડા સાથે આત્મહત્યા કરી હતી. આરોપી થાપનને બપોરે 12:30 વાગ્યે જીટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આરોપી અનુજ થાપનનું જીટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ કસ્ટોડિયલ ડેથની તપાસ રાજ્ય સીઆઈડીને સોંપવામાં આવશે. મુંબઈની આઝાદ મેદાન પોલીસે આ મામલામાં ADR નોંધીને તપાસ શરૂ કરી છે.

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ ક્યારે થયું?

તમને જણાવી દઈએ કે 14 એપ્રિલના રવિવારે સવારે સમાચાર આવ્યા હતા કે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું છે. આ સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. બે શખ્સો બાઇક પર આવ્યા હતા અને સલમાનના ઘરની બહાર 5 રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. આ પછી બંને આરોપીઓએ ત્રણ વાર કપડાં બદલ્યા જેથી તેઓ ઓળખી ન શકે. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે તેમની પાસે 40 ગોળીઓ છે. લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે સોશિયલ મીડિયા દ્વારા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી હતી. તમને જણાવી દઈએ કે આ કેસમાં આરોપી વિકી ગુપ્તા, સાગર પાલ અને અનુજ થપનને 8 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. હવે અનુજ થપને આત્મહત્યા કરી લીધી છે.

તાલાલામાં કેસર કેરીની હરાજીનો આરંભ, પ્રથમ દિવસે 3400 બોક્સની આવક

રાજકોટ : ફળોના રાજા  કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે. ગીરની કેસર કેરી દેશ – દુનિયામાં વિખ્યાત છે. તાલાલા ગીર ના માર્કેટ યાર્ડમાં આજે ગુજરાતના સ્થાપના દિવસથી કેસર કેરીના બોક્સ ની આવક શરૂ થઇ છે અને હરાજીની શરૂઆત થઈ છે. હવે ગુજરાતના અન્ય ભાગોમાં  ગીરની કેસર કેરીની આવક વધશે.

આજે તાલાલામાં કેસર કેરીના બોક્સની હરાજીની બોલી શરુ કરવામાં આવી છે તે જ્યાં સુધી તમામ માલ ખલાસ નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેમ યાર્ડ ના સતાધીશો એ જણાવ્યું હતું. આજે હરાજીમાં પહેલા દિવસે 3400 જેટલા કેરીના બોક્સની આવક થઈ છે જે ગયા વર્ષ કરતા ઓછી છે. ભાવ ગત વર્ષ કરતા આ વર્ષે ઊંચા રહેશે.

તાલાલા યાર્ડમાં ગત સાલ 11.50 લાખ કેરીના બોક્સની આખી સીઝનમાં આવક રહી હતી. આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરના ભાગ રૂપે પાક ઓછો થયો છે. આ વર્ષે પાંચ લાખ બોક્સની આવક થવાનો અંદાજ સ્થાનિક ખેડૂતોનો છે.

સૌરાષ્ટ્રના ગોંડલ સહિત અન્ય યાર્ડમાં છેલ્લા દસ દિવસથી કેરીની અવક શરૂ થઈ છે. ગોંડલમાં ગઈકાલે 1.50 લાખ બોક્સની આવક રહી હતી અને ભાવ 10 કિલોનો રૂપિયા 1400 થી 1900 સુધીનો રહ્યો હતો. રાજકોટ મેંગો માર્કેટમાં 4000 બોક્સની આવક થઈ હતી તે ગત વર્ષે આ દિવસોમાં 12000 બોક્સની આવક હતી. આમ આ વર્ષે દરેક યાર્ડમાં  કેરીની આવક ઘટી છે. સામાન્ય લોકો આ વર્ષે કેસર કેરીનો સ્વાદ માણવો મુશ્કેલ બનશે તેવા ઊંચા ભાવ છે.

(દેવેન્દ્ર જાની, રાજકોટ)

પાકિસ્તાનમાં મોંઘવારીનો મારઃ લોટ કિલોદીઠ રૂ. 800, રોટી રૂ. 25

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ફરી એક વાર મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. અહીં ખાણીપીણીની કિંમતો આકાશને આંબી રહી છે. લોટ અને રોટી જેવી ચીજવસ્તુઓની કિંમતમાં ખાસ્સો વધારો થયો છે કે સામાન્ય લોકો માટે એને ખરીદવામાં મુશ્કેલી પડી છે.

કરાચીમાં એક કિલો લોટ પાકિસ્તાની રૂ. 800નો મળી રહ્યો છે, જ્યારે પહેલાં એ રૂ. 230માં મળતો હતો. એક રોટીની કિંમત પણ રૂ. 25એ પહોંચી છે. આમ તો એ પાકિસ્તની રૂપિયામાં છે એ, પરંતુ ભારતીય કરન્સીમાં જોઈએ તો ત્યાં એ એક કિલો લોટ રૂ. 238માં મળી રહ્યો છે. કરાચીના દુકાનદાર અબ્દુલ હમીદે જણાવ્યું હતું કે બજારમાં એક રોટીની કિંમત રૂ. 25 પાકિસ્તાની રૂપિયાથી વધુ થઈ ગઈ છે.

કરાચીની એક પ્રાઇમરી સ્કૂલના શિક્ષક અબ્દુલ જબ્બારે જણાવ્યું હતું કે પાયાની ચીજવસ્તુઓ હવે અમારી પહોંચની બહાર છે. તેમણે કહ્યું હતું કે કેટલાય સમય પહેલાં સુધી લોટ રૂ. 230 પ્રતિ કિલો મળતો હતો. હવે એની કિંમત રૂ. 800ને પાર પહોંચી છે. એક વ્યક્તિ જે પ્રતિદિન રૂ. 500 કમાય છે, તે પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કઈ રીતે કરે?

સ્થાનિક ન્યૂઝપેપર ડોનના રિપોર્ટ મુજબ પાકિસ્તાન હાલના સમયે જબરદસ્ત મોંઘવારીથી ઝઝૂમી રહ્યું છે. હાલના મહિનામાં અહીં મોંઘવારી દર 38 ટકા વધી ગયો હતો, જે સાઉથ એશિયામાં સૌથી વધુ છે. ખાદ્ય મોંઘવારી દર પણ 48 ટકે પહોંચ્યો હતો, જે 2016 પછી સૌથી વધુ છે.

શહેરી વિસ્તારોમાં એક વર્ષમાં ટામેટાં 188 ટકા, ડુંગળી 84 ટકા, શાકભાજી 55 ટકા, મસાલા 49 ટકા, શુગર 37 ટકા, બટેટા 36 ટકા, લોટ 32 ટકા અને મીટ 22 ટકાથી વધુ મોંઘા થયાં છે, એમ પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેસ્ટિક્સનો રિપોર્ટ કહે છે.

 

 

 

 

 

 

 

વિદેશી વિદ્યાર્થીઓને કેનેડા સરકારે આપ્યો મોટો ઝટકો!

ભારત સહિત અનેક દેશોમાંથી કેનેડા જઈ અભ્યાસ કરવાનો યુવાનોમાં ક્રેઝ વધ્યો છે. વિદેશી વિદ્યાર્થીઓને લઈ કેનેડા સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. 15 નવેમ્બર 2022થી વિદેશી વિદ્યાર્થીને 20 કલાકથી વધુ નોકરી કરવાની છૂટ મળી હતી. જે નિર્ણય 15 નવેમ્બરથી 2022 થી 31 ડિસેમ્બર 2023 સુધી લાગૂ રહેવાનો હતો. જે બાદ વિદ્યાર્થીઓને રાહત આપતા કેનેડા સરકારે તે નિર્ણય લંબાવીને 30 એપ્રિલ સુધી કર્યો હતો. આ ઉપરાંત કેનેડા સરકારે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની રાહત માટે કેનેડા સરકાર કામ કરી રહી છે.

જ્યારે હવે કેનેડા સરકારે નિર્ણય વધુ ન લંબાવવાની જાહેરાત કરતા જણાવ્યું કે હવેથી વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં એક સપ્તાહમાં માત્ર 24 કલાક નોકરી કરી શકશે. કેનેડા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશ અભ્યાસ માટે સૌથી મોખરે રહે છે. કેનેડિયન બ્યુરો ફોર ઇન્ટરનેશનલ એેજયુકેશન (CBIE)ના વર્ષ 2022ના રિપોર્ટ અનુસાર કેનેડામાં 3,19,130 ભારતીય વિદ્યાર્થીઓ હતાં.

નોકરીના કલાક ઘટવા પર કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીએ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જણાવ્યું કે “નોકરીના કલાકો ઘટાવાથી તમામ વિદ્યાર્થીઓની મુશ્કેલમાં વધારો થયો છે.” જ્યારે વિદ્યાર્થીના હાલ સુધીના નોકરી કલાક પર પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે “હું હાલ સુધી સપ્તાહના 37 કલાક નોકરી કરતો હતો. આ નિર્ણય બાદ હવે 24 કલાક કામ કરવુ પડશે. જેની સીધી અસર મારા રોજિંદા ખર્ચ, લોન, અને યુનિવર્સિટીની ફી પર પડશે. તેમણે જણાવ્યું કે હાલ સુધીમાં 37 કલાકની નોકરીની આવકમાંથી 60% હિસ્સો રોજિંદા ખર્ચમાં જતો જે વધીને 80% થઈ જશે”.

ભાવનગર: મતદારો કોને ‘ભાવ’ આપશે?

ભાવનગર: આઝાદી પહેલાં ગોહિલવાડ તરીકે ઓળખાતું ભાવનગર વિશાળ સ્ટેટ હતું. મહારાજા ભાવસિંહજીએ વર્ષ 1743માં વડવા ગામ નજીક ભાવનગરની સ્થાપના કરી હતી. આઝાદી બાદ અખંડ ભારત માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌથી પહેલા પોતાનું ભાવનગર રાજ્ય સરદાર પટેલને સોંપ્યું હતું. ભાવનગર જિલ્લામાં વિશાળ દરિયાકાંઠો, અલંગ જેવો મોટો શિપબ્રેકિંગ ઉદ્યોગ, ઘોઘા બંદર આવેલાં છે. 1989 સુધી ભાવનગરમાં કોંગ્રેસ તેમજ અન્ય પક્ષોનું વર્ચસ્વ હતું, પરંતુ 1991થી ભાવનગરની પ્રજાએ ભાજપનો સાથ આપ્યો છે. આ બેઠક પર સૌથી વધુ અંદાજે 2.95 લાખ કોળી મતદારો છે.

ઉમેદવાર

ભાજપ:  નિમુબેન બાંભણીયા

નિમુબેન બાંભણિયા તળપદા કોળી સમાજમાંથી આવે છે. 57 વર્ષીય નિમુબેન બે વખત મેયર રહી ચૂક્યા છે. ત્રણવાર કોર્પોરેટર અને અનેક જિલ્લાના પ્રભારી તરીકેની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. B.Sc., B.Ed.નો અભ્યાસ કરીને શિક્ષિકા તરીકે કાર્યરત હતા. વર્ષ 2004થી ભાજપમાં જોડાયેલા છે. ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં 2011થી 2016 દરમિયાન ડાયરેક્ટર રહી ચૂક્યા છે. 2011થી 2013 ભાજપ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચામાં 2013 થી 2021 ઉપપ્રમુખ પદે રહી ચૂક્યા છે.

 

આપ:   ઉમેશ મકવાણા

ઈન્ડિયા ગઠબંધને લોકસભામાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ભાવનગર બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. ઉમેશ મકવાણા બોટાદના રહેવાસી છે અને તેઓ કોળી પટેલ જ્ઞાતિમાંથી આવે છે. તેમણે બી.એ, બી.એડ.નો અભ્યાસ કર્યો છે અને યુનિવર્સિટીમાં તેઓ પ્રથમ રહ્યા હતા. ઉમેશ મકવાણાની રાજકીય સફર વર્ષ 2020થી શરુ થઈ હતી. બોટાદ લોકસભાના તેઓ 2020થી 2023 સુધી આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ રહ્યા હતા. 2023થી આજ દિન સુધી તેઓ રાષ્ટ્રીય સંયુક્ત મહા સચિવ છે. ઉમેશ મકવાણા આમ તો 1998થી રાજકારણમાં એક્ટિવ હતા. તેઓ સાંસદ ભારતીબેન શિયાળના P.A. તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. 10 વરસ સુધી ભાજપમાં તેમને ભોગ આપ્યા બાદ પરિણામ ન મળતા અંતે આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા.

PROFILE

  • ભાવનગર લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં તળાજા, પાલિતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા અને બોટાદનો સમાવેશ થાય છે.
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના ભારતી શિયાળ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 3,29,519 વોટની લીડથી જીત્યા હતા.

 

  • મતદારોની સંખ્યા

કુલ મતદારો    19,09,190

પુરુષ મતદાર   9,90,923

સ્ત્રી મતદાર     9,18,226

  • વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક પક્ષ  વિજેતા વોટ લીડ
તળાજા ભાજપ ગૌતમ ચૌહાણ 90,255 43,306
પાલિતાણા ભાજપ ભીખાભાઈ બારૈયા 81,568 27,577
ભાવનગર ગ્રામ્ય ભાજપ પરસોત્તમ સોલંકી 1,16,034 73,484
ભાવનગર પૂર્વ ભાજપ સેજલ પંડયા 98,707 62,554
ભાવનગર પશ્ચિમ ભાજપ જીતુ વાઘાણી 85,188 41,922
ગઢડા(SC) ભાજપ શંભુપ્રસાદ ટુંડિયા 64,386 26,694
બોટાદ આપ ઉમેશ મકવાણા 80,581 2,779

ભાવનગર બેઠકની વિશેષતા

  • 1962માં ભાવનગર નામની લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી.
  • 1951 અને 1957ની ચૂંટણી દરમિયાન આ બેઠકનો વિસ્તાર ગોહિલવાડ નામની લોકસભા બેઠકમાં આવતો હતો.
  • બળવંતરાય મહેતા ગુજરાતના બીજા મુખ્યમંત્રી બન્યા એ પહેલાં વર્ષ 1951 અને 1957માં ગોહિલવાડ બેઠક પરથી જીતીને સાંસદ બન્યા હતા.
  • રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છબિલદાસ મહેતા વર્ષ 1977માં કોંગ્રેસ તરફથી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમની 11,137 મતથી હાર થઇ હતી.
  • 1991માં ભાજપને પ્રથમ જીત મળી હતી ત્યારથી સતત તેના ઉમેદવાર આ બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે.
  • રાજેન્દ્રસિંહ રાણા સૌથી વધુ પાંચ વખત આ બેઠક પરથી સાંસદ બન્યા છે.

કંગના રનૌત બાદ આ અભિનેત્રી જોડાઈ ભાજપમાં

નવી દિલ્હી: ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ અને ‘અનુપમા’ જેવા લોકપ્રિય શોની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગઈ છે. ઘણા કલાકારોની જેમ તેણે પણ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. હાલમાં તે એક સફળ અભિનેત્રી છે અને તેનો “અનુપમા” શૉ ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યો છે. અત્યાર સુધી લોકોનું મનોરંજન કરનાર રૂપાલી ગાંગુલી હવે રાજકારણ દ્વારા પણ લોકોની સેવા કરશે. રૂપાલી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીમાં જોડાઈ છે. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તેણે પોતાના સંબોધનમાં પણ ઘણું કહ્યું છે.

રૂપાલી ગાંગુલીએ મીડિયાને સંબોધિત કરતાં કહ્યું,’એક નાગરિક તરીકે પણ આપણે બધાએ આમાં ભાગ લેવો જોઈએ. મહાકાલ અને માતરાનીના આશીર્વાદથી હું મારી કળા દ્વારા અનેક લોકોને મળું છું. હું તેમના વિશે ચિંતિત છું. જ્યારે હું વિકાસના આ મહાન બલિદાનને જોઉં છું, ત્યારે મને લાગે છે કે શા માટે હું પણ તેમાં ભાગ ન લેઉં.’

રૂપાલી ગાંગુલીએ હાથ જોડીને બધાનો સાથ માંગ્યો
રૂપાલી ગાંગુલીએ વધુમાં કહ્યું કે,’હું અહીં કોઈક રીતે મોદીજીના બતાવેલા માર્ગ પર ચાલવા અને કોઈક રીતે દેશની સેવા કરવા માટે આવી છું. મને અમિત શાહ જીના નેતૃત્વમાં આગળ વધવા દો અને કંઈક એવું કરીએ કે એક દિવસ જે લોકો ભાજપમાં સામેલ છે તેઓને મારા પર ગર્વ થાય. તો અમને બધાને તમારા આશીર્વાદની જરૂર છે. મને સમર્થનની જરૂર છે જેથી હું જે પણ કરું, તે બરાબર કરું, હું સારી રીતે કરું. જો હું કંઇક ખોટું કરું તો તમે લોકો મને કહેશો.

રૂપાલી ગાંગુલી માટે લોકોએ આવું કહ્યું
રૂપાલી ગાંગુલીની પાર્ટીમાં જોડાતાની સાથે જ લોકોની વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી હતી. એક્સ હેન્ડલ પર એક યુઝરે લખ્યું, ‘આ આગામી સ્મૃતિ ઈરાની હશે.’ એકે લખ્યું, ‘હવે અનુપમા અહીં પણ ડ્રામા કરશે! કારકિર્દી સમાપ્ત. એક યુઝરે કહ્યું, ‘હેમા માલિનીની ભાવિ રિપ્લેસમેન્ટ.’ તે જ સમયે, કેટલાકે વખાણ કર્યા છે તો કેટલાકે અભિનેત્રીના આ નિર્ણય પર નારાજગી પણ વ્યક્ત કરી છે.

GST કલેક્શને તોડ્યા બધા રેકોર્ડઃ રૂ. 2.10 લાખ કરોડને પાર

નવી દિલ્હીઃ એપ્રિલમાં GST કલેક્શન રૂ. 2.10 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. ગયા વર્ષની તુલનાઓમાં GST કલેક્શન 12.4 ટકા વધ્યું છે. નાણાં મંત્રાલયે આ માહિતી આપી હતી. GST કલેક્શન સૌપ્રથમ વાર રૂ. બે લાખ કરોડના સ્તરની પાર નીકળ્યું છે. આ કોઈ પણ કલેક્શનનું અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે.

ડિરેક્ટર જનરલ ઓફ ઇન્ટેલિજન્સ (DCGI) હાલ GSTમાં ઘાલમેલ કરનારા વિરુદ્ધ એક ઝુંબેશ ચલાવી રહ્યા છે. DCGIએ હાલમાં રૂ. 2.01,931ની શૂલક ચોરીથી જોડાયેલા 6074 કેસ પક્ડયા હતા.

આ પહેલાં નાણાકીય વર્ષ 2023-24ના માર્ચમાં GST કલેક્શને રૂ. 1.78 લાખ કરોડે પહોંચ્યું હતું. આ પહેલાં સૌથી વધુ કલેક્શન ગયા નાણાકીય વર્ષે એપ્રિલમાં નોંધાયું હતું. ગયા નાણાકીય વર્ષ માટે GST કલેક્શન વર્ષઆખાનો ગ્રોસ રેવેન્યુનો આંકડો રૂ. 20 લાખ કરોડને પાર પહોંચ્યો હતો.

નાણાં મંત્રાલયે કહ્યું હતું કે ઘરેલુ લેવડદેવડ 13.4 ટકા વધ્યું હતું અને આયાત 8.3 ટકાનો વધારો થયો હતો. રિફંડ પછી એપ્રિલ, 2024 માટે નેટ GSTની આવક રૂ. 1.92 લાખ કરોડ રહી છે, જે પાછલા વર્ષના સમાન ગાળાની તુલનામાં 17.1 ટકાનો વધારો થયો હતો.

એપ્રિલમાં CGST કલેક્શન 43,846 કરોડ હતું. SGST કલેક્શન 53,538 કરોડ અને IGST કલેક્શન 99,623 કરોડ હતું, જેમાં આયાતી ચીજવસ્તુઓ પર એકત્ર 37,826 કરોડ સામેલ હતી અને સેસ 13,260 કરોડ હતો, જેમાં આયાતી વસ્તુઓ પર એકત્ર રૂ. 1008 કરોડ સામેલ હતા.

 

 

 

 

 

મુંબઈ: શા માટે થયું ગેટવે ઓફ ઈન્ડિયાનું નિર્માણ?

મુંબઈ: દેશનો ઈતિહાસ વિશ્વના સૌથી રસપ્રદ ઈતિહાસમાંનો એક છે, ઘણા આક્રમણકારોએ અહીં શાસન કર્યું અને તેમના શાસનને કારણે દેશે ઘણું ગુમાવ્યું, સાથે સાથે કેટલીક રસપ્રદ અને વિશ્વ વિખ્યાત ઈમારતો પણ મેળવી. મુઘલ આર્કિટેક્ચર પછી, ભારતીય ઈતિહાસમાં યુરોપિયન આર્કિટેક્ચર સૌથી વધુ જોઈ શકાય છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગેટવે ઑફ ઈન્ડિયા છે જે 20મી સદી દરમિયાન મુંબઈમાં બનાવવામાં આવ્યું હતું. આજે તમને તેના ઈતિહાસની સાથે કેટલાક રસપ્રદ તથ્યો જણાવીશું.

1911માં ઈંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમ અને તેમની પત્ની ક્વીન મેરી ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમના આગમન માટે ગેટવે ઓફ ઈન્ડિયાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. તે મુંબઈ બંદરના સ્મારક તરીકે આર્કિટેક્ટ જ્યોર્જ વિટ્ટે બાંધ્યું હતું. જો કે જ્યોર્જ પંચમ અને તેની પત્ની ક્વીન મેરી ગેટવે ઓફ ઈન્ડિયાના નિર્માણનું થોડુ કામ જ જોઈ શક્યા હતાં. કારણ કે રાજા જ્યોર્જ પંચમ અને તેમની પત્ની ક્વીન મેરી શાહી યાત્રા દરમિયાન નિર્માણનું કામ પૂરુ થઈ શક્યું નહોતુ.ગેટ વે ઓફ ઈન્ડિયાનું કામ 1924માં પૂર્ણ થયું હતું. આ પ્રવેશદ્વાર પીળા બેસાલ્ટ અને કોંક્રીટથી બાંધવામાં આવ્યો હતો. ગેટવે ઓફ ઈન્ડિયાની માળખાકીય ડિઝાઇન 26 મીટરની ઉંચાઈ સાથે વિશાળ કમાનના રૂપમાં બનાવવામાં આવી છે.

ગેટવે ઓફ ઈન્ડિયાની સ્થાપત્ય શૈલી ઈન્ડો-સારાસેનિક શૈલીમાં બનાવવામાં આવી છે. ભવ્ય ઇમારતની રચનામાં મુસ્લિમ સ્થાપત્ય શૈલીના નિશાન પણ જોવા મળે છે. સ્મારકના કેન્દ્રીય ગુંબજનો વ્યાસ આશરે 48 ફૂટ છે, જેની એકંદર ઊંચાઈ 83 ફૂટ છે.

ગેટવે ઓફ ઈન્ડિયા વિશે રસપ્રદ તથ્યો

  • ગેટવે ઓફ ઈન્ડિયાનો ડોમ બનાવવાનો ખર્ચ 21 લાખ રૂપિયા હતો અને સમગ્ર ગેટવે ઓફ ઈન્ડિયાનો ખર્ચ 2.1 મિલિયન રૂપિયા હતો.
  • બાદમાં ગેટવે પર છત્રપતિ શિવાજી અને સ્વામી વિવેકાનંદની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી.
  • ગેટવે ઓફ ઈન્ડિયાને મુંબઈના તાજમહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • કોલાબા, મુંબઈમાં સ્થિત ગેટવે ઓફ ઈન્ડિયા ઈન્ડો. તે સેરાસેનિક આર્કિટેક્ચરનું અદ્ભુત ઉદાહરણ છે જેની ઊંચાઈ લગભગ આઠ માળની છે.
  • એલિફન્ટા ગુફાઓની મુલાકાત લેવા માટે ગેટવે ઓફ ઈન્ડિયા એ એક પ્રારંભિક બિંદુ છે.
  • ભારતમાં 2003 અને 2008માં તાજમહેલ હોટેલ અને મુંબઈના અન્ય અગ્રણી સ્થાનો પર થયેલા ત્રણ મોટા આતંકવાદી હુમલાઓનું સ્થળ ભારતમાં છે.
  • ગેટવે ઓફ ઈન્ડિયા આજે પણ બ્રિટિશ સંસ્થાનવાદી શાસનનું સ્મારક પ્રતીક છે.
  • આ પ્રવેશદ્વાર વિશાળ અરબી સમુદ્રને જોઈને બાંધવામાં આવ્યો છે અને તે મુંબઈ શહેરના અન્ય આકર્ષણ, મરીન ડ્રાઈવ સાથે જોડાયેલ છે.
  • આ સ્મારક દક્ષિણ મુંબઈના એપોલો બંદર વિસ્તારમાં અરબી સમુદ્ર બંદર પર સ્થિત છે.
  • ભારતની આઝાદી પછી, છેલ્લી બ્રિટિશ સેના આ માર્ગ દ્વારા યુરોપ પાછી ગઈ.

દિલ્હી-NCRની 100થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી

નવી દિલ્હીઃ દિલ્હી-NCRની આશરે 100 સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી છે. ઈમેઇલ દ્વારા મોકલવામાં આવેલી ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે અમે લોકોને ઇમારતોમાં દફન કરી દઈશું.એનું સર્વર વિદેશમાં હોવાની માહિતી મળી છે. દિલ્હીના ઉપ રાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ કહ્યું હતું કે આરોપીઓને છોડવામાં નહીં આવે. હાલ સ્કૂલોની બહાર પોલીસ તહેનાત છે.

તપાસ એજન્સીઓને શક છે કે જે IP એડ્રેસનો ઉપયોગ થયો છે, એનું સર્વર વિદેશમાં છે. કુલ મળીને 100થી વધુ સ્કૂલોને મળેલી ધમકીને મામલે નોએડા, ગાઝિયાબાદ, દિલ્હી પોલીસ કોર્ડિનેશનલની સાથે તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસ આ મામલે દરેક એન્ગલથી તપાસ કરી રહી છે. જવાનોને સ્કૂલોની બહાર તહેનાત કરી દેવામાં આવી છે. જેથી અનિચ્છનીય ઘટના ના બને.દિલ્હીની સ્કૂલોને સવારે-સવારે બોમ્બથી ઉડાડવાની ધમકી મળ્યા પછી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે ગભરાવાની જરૂર નથી. એવું પ્રતીત થાય છે કે આ કોલ ફેક છે. દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પ્રોટોકોલ મુજબ જરૂરી પગલાં લઈ રહી છે.

દિલ્હીના ઉપ-રાજ્યપાલ વિનય સકસેનાએ કહ્યું હતું કે પોલીસ કમિશનર સાથે દિલ્હી-NCRની સ્કૂલોમાં બોમ્બની ધમકી પર વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે. દિલ્હી પોલીસને સ્કૂલોમાં તપાસ કરવા અને દોષીઓની ઓળખ કરવા અને કોઈ ચૂક ના હોવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

દિલ્હીનાં શિક્ષણ મંત્રી આતિશીએ કહ્યું હતું કે બોમ્બ ઉડાવવાની ધમકી પછી સ્કૂલોને ખાલી કરવાવવામાં આવી છે. અત્યાર સુધી કોઈ સ્કૂલમાંથી કંઈ નથી મળ્યું.

 

 

 

 

 

 

 

‘બે તબક્કાની ચૂંટણીમાં ભાજપે મારી સેન્ચૂરી’, કોંગ્રેસ પર વરસ્યા અમિત શાહ

લોકસભા ચૂંટણીને લઈ છેલ્લી ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય નેતાઓ રાજ્યમાં જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. ગૃહ મંત્રી અમિત શાહ 30 એપ્રિલના રોજ ગુજરાત મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે અમદાવાદના મધ્યસ્થ કાર્યલય ખાતે બેઠક યોજી હતી. તેમણે લોકસભા વિસ્તારના સંગઠનના નેતાઓ સાથે બેઠક કરવા સાથે ચૂંટણીલક્ષી સમીક્ષા પણ કરી હતી. જે બાદ નરોડા ખાતે જનસભાને સંબોધન પણ કર્યં હતું.

નરોડામાં સંબોધન દરમિયાન તેમણે બે તબક્કાનું પૂર્ણ થયેલા મતદાનમાં ભાજપે સેન્ચૂરી મારી હોવાનું કહ્યું સાથે આખા દેશમાં મોદી-મોદી જ હોવાની પણ વાત કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા, ગુજરાતમાં 25 માંથી 25 બેઠકો પર કમળ ખીલવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસ પર અમિત શાહનો પ્રહાર

અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલના સમર્થનમાં આજે નરોડા વિસ્તારમાં વિશાળ જનસભાનું આયોજન કરાયું હતું, કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસે પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, અગાઉ કોંગ્રેસના રાજમાં 6 મહિના સુધી કરફ્યૂ રહેતું હતું. પરંતુ, છેલ્લા 23 વર્ષમાં ગુજરાતમાં એક પણ કરફ્યૂ જોવા મળ્યું નથી. કોંગ્રેસે BRTS, રિવરફ્રન્ટ તમામ બાબતનો વિકાસ રોકવાનું કામ કર્યુ. હું અમદાવાદમાં રહેલો છુ. પહેલા માત્ર પશ્ચિમનો વિકાસ થતો આજે પૂર્વ પશ્ચિમ બંનેનો વિકાસ થાય છે.

કાશ્મીર પર બોલ્યા અમિત શાહ

વધુમાં તેમણે કહ્યું હવે સમગ્ર દેશમાંથી નક્સલવાદ અને આતંકવાદ દૂર કરવામાં આવી રહ્યો છે. 5 ઓગસ્ટે કાશ્મીરમાંથી 370 હટાવવામાં આવી હતી. કાશ્મીરમાં હાલ શાંતિનો માહોલ છે. કાશ્મીર વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. ભાજપનો રથ ખૂબ ઝડપથી ‘400 પાર’ની દિશામાં આગળ વધી રહ્યો છે. ત્રીજા તબરક્કામાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થવાનું છે. આપણે 25 એ 25 બેઠકો પર કમળ ખીલાવવાનું છે. હું સમગ્ર દેશમાં પ્રવાસ કરું છું, જ્યાં પણ જાઉ ત્યાં ‘મોદી મોદી’ના નારા લાગે છે. આ લોકપ્રિયતા નરેન્દ્રભાઈને મળી તેનું મોડલ ગુજરાતે આપ્યું છે. ગુજરાતમાંથી મોદી સાહેબે વિકાસની શરૂઆત કરી હતી અને વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીજી એ તમામ જગ્યાઓ પર વિકાસની શરૂઆત કરી છે.