રાજ્યમાં પાછલા એક મહિનાથી ગરમી કાળો કેર વરસાવી રહી છે. દિવસેને દિવસે ગરમી પારો ઉચકાતો જોવા મળી રહ્યો છે. ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે જળ સંગ્રહના સ્તર પર નીચે ઉતરતા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં સરદાર સરોવર ડેમ સહિત 207 જળાશયો માં 44.42 ટકા પાણી રહ્યું છે.
24 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ સૌરાષ્ટ્રના 141 જળાશયમાં માત્ર 20.40 ટકા પાણી બચ્યું છે, જ્યારે કચ્છના 20 જળાશયમાં 33 ટકા જળ સંગ્રહ છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 30.98 ટકા પાણી, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43.77 ટકા પાણી, સરદાર સરોવર ડેમમાં 53.42 ટકા પાણી બચ્યું છે. રાજ્યના 207 જળાશયની વાત કરીએ તો માત્રને માત્ર 44.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ રહ્યો છે. જ્યારે આ આંકડા ગુજરાત માટે ચિંતા જનક સાબિત થઈ શકે છે.
ઉનાળો શરૂ થતાની સાથે જ રાજ્યમાં સિંચાઈનાં પાણીને લઈ ખેડૂતોની ચિંતા વધી છે જ્યારે દ્વારકા, પોરબંદર, સુરેદ્રનગરના જળાશયોમાં તળિયા દેખાયા છે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠાના જળાશયોમાં પાણીનું સ્તર ઘટયું છે. ત્યારે ખેડૂતો પાસે સિંચાઈનું પાણી નહીં બચે તો જગતના તાતને મોટું નુકસાન જવાની ભીતી સેવાય રહી છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાની ચૂંટણીમાં 13 મેએ મતદાન કરવામાં આવશે. આ તબક્કામાં 10 રાજ્યોમાં અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં 96 સીટો માટે મત નાખવામાં આવશે. ચોથા તબક્કામાં બિહારની પાંચ, આંધ્ર પ્રદેશની 25, તેલંગાણાની 17, પશ્ચિમ બંગાળની આઠ, ઉત્તર પ્રદેશની 13, મહારાષ્ટ્રની 11, ઓડિશાની ચાર અને ઝારખંડની ચાર સહિત 10 રાજ્યોમાં મતદાન થશે. મતોની ગણતરી ચોથી જૂને કરવામાં આવશે. ચોથા તબક્કામાં 18 રાજ્યોમાં અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સામાન્ય ચૂંટણીનું મતદાન ખતમ થઈ જશે. જોકે ચોથા તબક્કામાં કુલ 96 સીટો પર 1717 ઉમેદવારો મેદાનમાં છે.
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં અનેક દિગ્ગજો મેદાનમાં છે, જેમાં UPના કનોજ લોકસભા સીટથી SPના પ્રમુખ અખિલેશ યાદવ, પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગરથી TMC ઉમેદવાર મહુઆ મોઇત્રા, પશ્ચિમ બંગાળની આસનસોલ સીટથી TMC ઉમેદવાર શત્રુઘ્ન સિંહા, બિહારના બેગુસરાય સીટથી ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહ, ઝારખંડની ખૂંટી સીટથી ભાજપના અર્જુન મુંડા, તેલંગાણાની હૈદરાબાદ સીટથી માધી લતા અને આંધ્ર પ્રદેશની કડપ્પા લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર વાય.એસ શર્મિલા સામેલ છે. આ ઉપરાંત બહેરામપુરથી અધીર રંજન ચૌધરી અને યુસુફ પઠાણનું નામ પણ સામેલ છે.
દેશમાં કુલ 543 સીટો પર સાત તબક્કામાં મતદાન થવાનું છે, જેમાં ત્રણ તબક્કામાં મતદાન પૂરું થઈ ચૂક્યું છે. પહેલા તબક્કામાં 102, બીજા તબક્કામાં 88 અને ત્રીજા તબક્કામાં 93 સીટો પર મતદાન પૂરું થઈ ચૂક્યું છે. ત્રીજા તબક્કા સુધી કુલ 283 સીટો પર મતદાન પૂરું તઈ ચૂક્યું છે અને બાકીના ત્રણ તબક્કામાં 164 સીટો પર મતદાન થવાનું બાકી છે.
અમદાવાદ: શિક્ષક કભી સાધારણ નહીં હોતા… આ વાક્ય ઘણાં શિક્ષકો સાર્થક કરી બતાવે છે. એ શિક્ષક ખાનગી શાળાના હોય કે સરકારી શાળાના. સામાન્ય રીતે લોકમાનસ પર એવી છાપ અને માન્યતા છે કે વધુ ફી લેતી ખાનગી શાળાઓ કે ક્લાસિસ શ્રેષ્ઠ શિક્ષણ આપે. પરંતુ એ માન્યતા છેવાડાના માણસ સુધી શિક્ષણ આપતી સરકારી શાળાના શિક્ષકો અસંખ્ય વખત તોડી ચૂક્યા છે. એકદમ નાનું ગામ હોય કે શહેરનો સ્લમ વિસ્તાર શ્રેષ્ઠ અને કર્મનિષ્ઠ શિક્ષક શાળાને સુંદર બનાવવા અને વિદ્યાર્થીઓને અવનવી તાલીમ આપવા સતત પ્રયત્નશીલ હોય છે. અમદાવાદના રાયખડની એક સરકારી શાળાના શિક્ષકોએ ભેગા મળી આ ઉનાળે વિદ્યાર્થીઓને રમતગમત અને જીવનલક્ષી તાલીમ સાથે નવી રાહ બતાવી.નગર શિક્ષણ સમિતિ રાયખડ શાળા નંબર-8ના વિદ્યાર્થીઓ માટે એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના મુખ્ય શિક્ષક બ્રિજેશ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે, “અમારી શાળામાં આવતા વિદ્યાર્થીઓ આર્થિક રીતે વધારે સક્ષમ નથી હોતા. આ બાળકોના માતા-પિતા ઉનાળુ વેકેશન પડે એટલે મનોરંજન, રમત-ગમત કે સ્કિલ ડેવલપમેન્ટના ક્લાસિસ કે કેમ્પ માટે આર્થિક બોજ ઉપાડી શકે નહીં. એટલે જેવું શાળામાં વેકેશન પડ્યું એ પછી અમે શિક્ષકોએ ભેગા મળી કેટલીક વિસરાઈ ગયેલી રમતો અને જીવનલક્ષી શિક્ષણ વિદ્યાર્થીઓને કઈ બાબતોથી આપી શકાય એવો કોર્સ ડિઝાઇન કર્યો.”
આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગી સ્કિલ ડેવલપમેન્ટ માટે ભરત કામ, કેશ ગૂંથણ, દાંડિયા ડેકોરેશન, વેસ્ટ માંથી બેસ્ટ, ચિત્રકામ, રંગ પૂરણી, છાપકામ, કાગળકામ, માટીમાંથી રમકડાં બનાવવા, મહેંદી શીખવાડવામાં આવ્યા હતા. આ સાથે દેશ-દુનિયાના મહાન પાત્રોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. નાની વયે જ બાળકોમાંથી અંધશ્રધ્ધા દુર થાય એવા વૈજ્ઞાનિક પ્રયોગો કરી જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બ્રજેશ પટેલ વધુમાં ઉમેરે છે, “ઉનાળુ વેકેશનના આ કેમ્પમાં બાળકોને વિસરાઈ જતી રમતો લખોટી, ભમરડાં, આંધળી ખિસકોલી, દડો સાથે નવી ક્રિકેટ બેડમિંટન જેવી અનેક રમત-ગમતની પ્રવૃત્તિઓ કરાવી હતી.”
સૌથી મહત્ત્વની વાત એ છે કે રાયખડની આ શાળાના સંનિષ્ઠ શિક્ષકોએ ભણતર-ગણતર અને રમત-ગમતની નિ:શુલ્ક તાલીમ આપી. દેશના ભવિષ્યને મદદ કરવા પ્રયત્ન કર્યો.
કચ્છ: એ વિરાટ મહાસાગર પણ સાવ નાનો લાગે, જ્યારે ‘મ’ ને કાનો લાગે… આજે આપણે મમતાના મહાસાગર સમી એક એવી માતાની વાત કરવાના છીએ, જેમણે દીકરીના ઝંઝાવાતી જીવનમાં પડછાયાની પાળ બાંધી જાણે પુનઃજન્મ આપ્યો. ગુજરાતના છેવાડાના જીલ્લા કચ્છના ભૂજ ખાતે રહેતા માતા દિપાલીબેન જોતીયાણાએ દીકરી અલ્કાને ધામધૂમથી પરણાવ્યા બાદ જવાબદારી પૂર્ણ થયાની રાહત અનુભવી હતી. ત્યાંજ દીકરી સાસરેથી અચાનક પરત ફરી અને એ પણ પોતાની એક વર્ષની દીકરીને લીધા વગર. આ અસહ્ય વેદનાથી જાણે તેમના પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો. અચાનક આવી પડેલા આઘાતને કારણે થોડા દિવસ તો દિગ્મૂઢ થઈને તેઓ ભવિષ્ય વિશે વિચારી ન શક્યા પરંતુ સમયમાં બધા ઘા રુઝવવાની તાકાત છે.
એક વર્ષ અગાઉ તેમણે ભૂજ સ્થિત અદાણી સક્ષમ કેન્દ્રની મુલાકાત લીધી હતી. દિપાલીબેને દીકરીને ફરી ઉભી કરવાના ભાગરૂપે અલ્કાને સક્ષમના ‘જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (GDA)’ કોર્સમાં પ્રવેશ લેવા પ્રેરિત કરી. અલ્કાની કારકિર્દીને નવી દિશા મળે તે હેતુથી તેને સક્ષમ કોર્સમાં એડમિશન લેવા સમજાવી પરંતુ સમયની પછડાટના કારણે અલ્કા એટલો આત્મવિશ્વાસ જાગૃત ન કરી શક્યા. એવા સમયે દિપાલીબેન દીકરીની હિંમત બન્યા. તેમણે વિદ્યાર્થી બની જીડીએ કોર્સમાં પ્રશિક્ષણ લેવાનું શરૂ કર્યું. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કર્યા બાદ મા-દીકરીને અદાણી સ્કીલ ડેવલપેન્ટ સેન્ટર-ASDCનું સર્ટિફિકેટ એનાયત થયું.
એ સોનેરી દિવસોને યાદ કરતા આજે પણ દિપાલીબેનની આંખો ભરાઈ આવે છે. તેમના શબ્દોમાં કહીએ તો “જેમ માતા પોતાના સંતાનને પ્રેમરૂપી અમૃતથી સીંચે છે તેમ, અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરે અમારામાં આત્મવિશ્વાસનું રોપણ કર્યું છે. ભૂજની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરી પગભર બનેલી અલ્કા આજે પ્રેરણારૂપ બની છે.”
મા-દિકરીની અનોખી જુગલબંદી આજે સમાજના અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની છે અને તેમાં માધ્યમ બન્યું અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર. છેલ્લા 12 વર્ષથી ભુજની ખાનગી હોસ્પિટલમાં દીપાલીબેન નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ સક્ષમના પ્રમાણપત્રથી તેમને નવી ઓળખ મળી છે. આજે તેઓ નર્સીંગ આસિસ્ટન્ટ બની દર્દીઓની સેવા કરવાનું ગૌરવ અનુભવે છે.
ASDC દ્વારા GDA જેવા 70 થી વધુ ટૂંકાગાળાના કોર્સીસ ચલાવવામાં આવે છે. જેને સફળતાપૂર્વક પૂર્ણ કરી તાલીમાર્થીઓ રોજગારી/સ્વરોજગારની વિપુલ તકો પ્રાપ્ત કરી શકે છે.
નવી દિલ્હીઃ IPL રમી રહેલી દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઋષભ પંતને RRની વિરુદ્ધ મેચમાં DCને સ્લો ઓવર રેટ અપરાધને કારણે એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પંત પર રૂ. 30 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
DCના કેપ્ટન ઋષભ પંત પર IPL કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન કરવા માટે એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પંતની ટીમે IPLની મેચ-56 દરમયાન સ્લો રેટ હેઠળ બોલિંગ કરી હતી. આ મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં સાત મે, 2024એ થઈ હતી. પંતે મિનિમમ ઓવર રેટ સંબંધિત ઓફેન્સ હેઠળ iPLના કોડ ઓફ કન્ડક્ટ હેઠળ પંતની ટીમનો આ સીઝનમાં ત્રીજો અપરાધ છે. પ્લેઇંગ 11ના બાકીના સભ્યો પર વ્યક્તિગત રીતે રૂ. 12 લાખ કે તેમની સંબંધિત મેચ ફીના 50 ટકા, જેથી ઓછા હોય એનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
IPLની સ્લો ઓવર રેટથી સંબંધિત આચારસંહિત હેઠળ જો કોઈ ટીમના કેપ્ટનથી પહેલો ગુનો થાય તો એના પર રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવે છે. જો કોઈ કેપ્ટનથી સ્લો ઓવર રેટનો ગુનો થાય તો રૂ. 24 લાખનો દંડ ફટકારવામાં આવે છે. જો ત્રીજી વાર એ ભૂલ થાય તો કેપ્ટનો પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવે છે.
મા પોતે એક શબ્દ છે, પરંતુ તેનો અર્થ બાળક માટે આખી દુનિયા છે. માતાના પ્રેમ અને બલિદાનની કૃપા ક્યારેય ચૂકવી શકાતી નથી, કારણ કે માતાનો પ્રેમ અમૂલ્ય છે. તેમના બલિદાનની કોઈ કિંમત નથી, જો આપણે આખું જીવન માતાની સેવામાં વિતાવીએ તો પણ આપણે તેમના દ્વારા કરેલા સમર્પણનો સોમો ભાગ પણ ચૂકવી શકતા નથી. જો કે માનો કોઈ દિવસ હોતો નથી, માથી દિવસ છે. પરંતુ મધર્સ ડે માતા માટે ખૂબ જ ખાસ હોય છે. હિન્દી સિનેમામાં પણ આવી ઘણી ફિલ્મો બનાવવામાં આવી છે, જેમાં માત્ર માતા અને બાળક વચ્ચેના મજબૂત સંબંધને જ દર્શાવવામાં આવ્યો નથી, પરંતુ માતાનું શક્તિશાળી અને મજબૂત સ્વરૂપ પણ દર્શાવવામાં આવ્યું છે. દરેક માતા અને બાળકે આ ફિલ્મો જોવી જોઈએ.
મોમ 2017
મુખ્ય ભૂમિકામાં શ્રીદેવી અભિનીત આ ફિલ્મ માત્ર સાવકી માતાઓ વિશે સમાજમાં પ્રવર્તતી ગેરસમજને તોડી નાખે છે, પરંતુ એક મજબૂત માતાની વાર્તા પણ દર્શાવે છે. આ ફિલ્મ આર્યા નામની છોકરીની વાર્તા કહે છે, જેનું જીવન ત્યારે બદલાઈ જાય છે જ્યારે તેની શાળાના કેટલાક છોકરાઓ તેના પર ગેંગરેપ કરે છે. પછી તેમની સાવકી મા (શ્રીદેવી) તેમને પાઠ ભણાવવા માટે એક ડિટેક્ટીવની મદદ લે છે.
મધર ઈન્ડિયા (1957)
મહેબૂબ ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ એક એવી ફિલ્મ છે જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. આટલા વર્ષો પછી પણ આ ફિલ્મને લોકો પસંદ કરે છે. આ ફિલ્મમાં ભલે નરગીસને ગરીબીથી મજબૂર એક લાચાર માતાના રોલમાં બતાવવામાં આવી હતી, પરંતુ તે પોતાના બાળકો માટે દુનિયા સાથે લડે છે. આ ફિલ્મમાં માતાનું પાત્ર જોઈને દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ ફિલ્મમાં માતાનું તેના પુત્રો પ્રત્યેનું સમર્પણ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું હતું અને તે સમયે આ ફિલ્મ સુપરહિટ રહી હતી.
જઝબા (2015)
ઐશ્વર્યા રાયની કમબેક ફિલ્મ ‘જઝબા’માં તેણે માતાની ભૂમિકા ભજવી હતી, જેમાં મમતા સિવાય તેના ગુસ્સા, બદલાની અને શક્તિની વાર્તા પણ બતાવવામાં આવી છે. જે પોતાના બાળકને સહેજ પણ નુકસાન થાય તો પણ પૂરી તાકાતથી કોઈપણ મુશ્કેલીનો સામનો કરવા તૈયાર હોય છે. તે એક કામ કરતી માતાને દર્શાવે છે જે તેની ઓફિસ સાથે તેના ઘરનું સંચાલન કરે છે અને તેની પુત્રીની સુરક્ષા માટે કંઈપણ કરવા તૈયાર છે.
નિલ બટ્ટે સન્નાટા (2015)
લીડ રોલમાં અભિનેત્રી સ્વરા ભાસ્કર અભિનીત આ ફિલ્મ એક કોમેડી ડ્રામા હતી, પરંતુ તેમાં છુપાયેલો સંદેશ ખૂબ જ મજબૂત હતો. આ ફિલ્મમાં, સ્વરાએ સિંગલ મધરની ભૂમિકા ભજવી હતી જે એક નીરસ યુવતીની માતા છે પરંતુ તે તેની પુત્રીને ઘરની નોકરાણી તરીકે કામ કરીને શિક્ષિત કરીને સશક્ત અને મજબૂત કરવા માંગે છે.
સુરત: ગુજરાતી કહેવત છે મન હોય તો માળવે જવાય અને એક પંક્તિ છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ બંને વાત સુરતના એક વિદ્યાર્થીના જીવનમાં સાર્થક થઈ છે. એક હાથ જ નહીં અને બીજા હાથમાં પણ માટે અંગૂઠો તેમછતાં જાતે જ પરીક્ષા આપીને ઉચ્ચ પરિણામ લાવી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ શાળામાં ધોરણ 10 માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થી સોડવડિયા મિતવા ભરતભાઈએ 95.83 પર્સન્ટાઇલ સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મિતવાને 2013 માં રમતી વેળા વીજકરંટ લાગ્યો હતો. જેને કારણે એનો જમણો હાથ કાપવો પડ્યો હતો. એટલું જ નહીં ડાબા હાથની ચાર આંગળી પણ કાપવી પડી હતી. જેને કારણે એ ત્યારે હતાશ થઇ ગયો હતો પણ હીરાના કારખાનામાં કામ કરતા પિતા તેમજ પરિવારમાં માતા સહિતની પ્રેરણાથી મન મજબૂત કર્યું. ધોરણ 10માં સ્કૂલના યોગ્ય માર્ગદર્શન અને તથા પોતાના દઢ મનોબળ વડે A-1 ગ્રેડ પ્રાપ્ત કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. મહત્વનું છે કે એણે કોઈ લહિયા વગર જ પેપર જાતે લખીને આ સફળતા લખી છે.
મિતવા ચિત્રલેખાને કહે છે, હું પહેલેથી જ ડાબોડી હતો અને મારો ડાબો હાથ સલામત હતો પણ એમાં આંગળી એકપણ ન હતી તેથી લખવામાં તકલીફ પડતી. 10 ધોરણમાં સ્પીડ જરૂરી હોવાથી આખું વર્ષ સ્પીડ વધારવા દરરોજ બે કલાક લેખન કરતો. જેને કારણે એમાં જ રીવિઝન પણ થઇ જતું. મિતવા અંગૂઠો અને હથેળીનો સહારો લઈને લખે છે. હવે એને ખૂબ મહેનત કરીને કલેકટર બનવાની ઈચ્છા છે.
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે તિહાડ જેલમાંથી બહાર આવ્યા પછી શનિવારે પહેલી ચૂંટણી સભાને સંબોધતાં કેન્દ્ર અને ભાજપ સરકાર પર તીખો હુમલો કર્યો હતો. આપણે મળીને દેશને તાનાશાહીથી બચાવવાનો છે. હું મારી પૂરી તાકાતથી લડીશ. મારે દેશના 140 કરોડ લોકોનું સમર્થન જોઈએ છે, એમ તેમણે કહ્યું હતું.
વડા પ્રધાન કહે છે, હું ભ્રષ્ટાચારથી લડી રહ્યો છું, પણ દેશના સૌથી મોટા ચોર, લૂંટારા અને ભ્રષ્ટ લોકોને તેમણે પાર્ટીમાં સામેલ કર્યા છે. હું તેમને કહેવા માગું છું કે ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડાઈ લડવી છે તો તમે મારાથી શીખો. વડા પ્રધાન મોદીએ એક નવા મિશનનો પ્રારંભ કર્યો છે. તેમનું મિશન છે- ‘વન નેશન વન લીડર’. એક વ્યૂહરચના હેઠળ મોદી આ મિશન ચલાવી રહ્યા છે. ભાજપના જેટલા વિરોધી નેતાઓ છે, તેમને તેઓ આ વ્યૂહરચનાથી હડસેલી મૂકવા માગે છે.
आप सब लोगों के बीच वापस लौट कर मुझे बेहद ख़ुशी हो रही है। हमें मिलकर अपने देश को तानाशाही से बचाना है, मैं अपनी पूरी ताक़त से लड़ूँगा, मुझे देश के 140 करोड़ लोगों का समर्थन चाहिए। https://t.co/QbUWA5dBHF
જો તેઓ ચૂંટણી જીતી જશે તો મમતા, તેજસ્વી, સ્ટાલિન અને ઉદ્ધવ ઠાકરે જેલમાં હશે. તેમણે અડવાણી અને મુરલી મનોહર જોશીની કેરિયર ખતમ કરી દીધી છે. લખીને લઈ લો…જો ફરીથી ચૂંટણી જીતશે તો તેઓ બે મહિનાની અંદર ઉત્તર પ્રદેશમાં મુખ્ય મંત્રી બદલી દેશે.
જ્યારે-જ્યારે કોઈ તાનાશાહે સત્તા સંભાળવાના પ્રયાસ કર્યા છે, ત્યારે દેશની જનતાએ એને ઉખાડીને ફેંકી દીધો છે. આજે ફરી એક તાનાશાહ લોકતંત્રને ખતમ કરવા ઇચ્છે છે. હું તેમની સામે લડીશ. કોર્ટે મને 21 દિવસનો સમય આપ્યો છે. દેશમાં પરિવર્તનનો દોર ચાલી રહ્યો છે. હું આગામી 21 દિવસ દેશમાં ફરીશ અને તેમની સામે પ્રચાર કરીશ. મારો અંદાજ છે કે ચોથી જૂને મોદી સરકાર નથી બની રહી.
સુરત: ગુજરાત બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના બંને પરિણામમાં એવન ગ્રેડ મેળવવા મામલે સુરતએ મેદાન માર્યા બાદ હવે આજે શનિવારે જાહેર થયેલા ધોરણ 10 ના પરિણામમાં પણ સુરતએ એવન ગ્રેડમાં રાજ્યમાં અવ્વલ પર આવ્યુ છે.
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 82.56 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં A-1 ગ્રેડમાં સુરતના 4870 વિદ્યાર્થીઓ સ્થાને મળ્યું છે. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાનું પરિણામ જોઈએ તો, તાપી 81.35 ટકા (71 વિધાર્થીઓ એ-૧માં), નવસારી 82.95 ટકા (576. વિદ્યાર્થીઓ એ-૧માં), વલસાડ 83.16 ટકા (297 વિધાર્થીઓ એ-૧માં), ડાંગ 85.85 ટકા (40 વિદ્યાર્થીઓ એ-૧માં) ભરૂચ 81.12 ટકા (985 વિધાર્થીઓ એ-૧માં), નર્મદા 86.54 ટકા (70 વિદ્યાર્થીઓ એ-૧માં) છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ આજે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. પરિણામ ગુજરાત બોર્ડની વેબ સાઈટ gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યા ક્યાંક ગમનો માહોલ. રાજ્યમાં આ વર્ષ ધોરણ 10 પરિણામ 82.56 ટકા આવ્યું છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 17.94 ટકાનો વધુ પરિણામ જાહેર થયું છે. 2023માં ધોરણ 10નું પરિણામ 64.62 ટકા આવ્યું હતું.
નવી દિલ્હીઃ આશરે 20 વર્ષ પછી ફરીથી એક શક્તિશાળી સોલર તોફાન શુક્રવારે પૃથ્વીથી ટકરાયું હતું. એને કારણે તાસ્માનિયાથી માંડીને બ્રિટન સુધી આકાશમાં તેજ ચમક દેખાઈ હતી. હજી એની અસર એક સપ્તાહ સુધી રહેશે. એને કારણે અનેક જગ્યાએ ટેલિકોમ્યુકેશન ઉપગ્રહ અને પાવર ગ્રિડને નુસાન થવાની શક્યતા છે. જેથી અનેક દેશોમાં વીજ ગૂલ થવાની સંભાવના છે.
નેશનલ ઓશનિક એન્ડ એસમોસ્ફિયર એડમિનિસ્ટ્રેશન (NOAA)ની અંતરિક્ષ સપાટીથી પ્લાઝમા અને ચુંબકીય ક્ષેત્રને કોરોનલ માસ ઇજેક્શન કહેવામાં આવે છે. આ પહેલાં સોલર તોફાન ઓક્ટોબર, 2003માં પૃથ્વી પર ટકરાયું હતું. એ સોલર તોફાનને હેલોવિન તોફાન નામ આપવામાં આવ્યું હતું અને એને કારણે સ્વીડનમાં વીજ પુરવઠો ઠપ થયો હતો. દક્ષિણ આફ્રિકામાં પાવર ગ્રિડ્સને ભારે નુકસાન થયું હતું.
NOAAના અંદાજ અનુસાર આવનારા દિવસોમાં કેટલાય સોલર તોફાન આવે એવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયા અને ઉત્તરી યુરોપમાં કેટલીક ઘટનાઓ જોવા મળી છે. ધ્રુવીય જ્યોતિ ઘટનામાં સૂર્યના આવનારા પાર્ટિકલ્સ જ્યારે ધરતીના ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થયા છે અને એનાથી જે પ્રતિક્રિયા થાય છે એની અસર સૂર્યથી આવનારા પાર્ટિકલ્સ ચમકદાર રંગવિરંગી રોશની તરીકે દેખાય છે.
અંતરિક્ષ ભોતકીના પ્રોફેસર મેથ્યુએ જણાવ્યું હતું કે સોલર તોફાનની અસર સૌથી વધુ ધરતીના ઉત્તરી અને દક્ષિણી અક્ષાંસો પર મહેસૂસ કરવામાં આવશે, પરંતુ એ કેટલા દૂર ફેલાશે, એ તોફાન પર નિર્ભર કરશે. અમેરિકામાં ઉત્તરી કેલિફોર્નિયા અને અલબામા જેવાં રાજ્યોમાં એની અસર દેખાશે. એની અસરથી વીજ કેન્દ્રોને નુકસાન થાય છે.
સોલર તોફાનને કારણે સંભવિત નુકસાનને લઈને સાવચેતીનાં પગલાં લેવા કહેવામાં આવ્યું છે. એરલાઇન્સ અને પાવરગ્રિડને સૂચના આપવામાં આવી છે. અંતરિક્ષ યાત્રીઓની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.