140 કરોડ દેશવાસીઓ ‘મારા દેશને બચાવી લો’: કેજરીવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે તિહાડ જેલમાંથી બહાર આવ્યા પછી શનિવારે પહેલી ચૂંટણી સભાને સંબોધતાં કેન્દ્ર અને ભાજપ સરકાર પર તીખો હુમલો કર્યો હતો. આપણે મળીને દેશને તાનાશાહીથી બચાવવાનો છે. હું મારી પૂરી તાકાતથી લડીશ. મારે દેશના 140 કરોડ લોકોનું સમર્થન જોઈએ છે, એમ તેમણે કહ્યું હતું.

વડા પ્રધાન કહે છે, હું ભ્રષ્ટાચારથી લડી રહ્યો છું, પણ દેશના સૌથી મોટા ચોર, લૂંટારા અને ભ્રષ્ટ લોકોને તેમણે પાર્ટીમાં સામેલ કર્યા છે. હું તેમને કહેવા માગું છું કે ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડાઈ લડવી છે તો તમે મારાથી શીખો. વડા પ્રધાન મોદીએ એક નવા મિશનનો પ્રારંભ કર્યો છે. તેમનું મિશન છે- ‘વન નેશન વન લીડર’. એક વ્યૂહરચના હેઠળ મોદી આ મિશન ચલાવી રહ્યા છે. ભાજપના જેટલા વિરોધી નેતાઓ છે, તેમને તેઓ આ વ્યૂહરચનાથી હડસેલી મૂકવા માગે છે.

જો તેઓ ચૂંટણી જીતી જશે તો મમતા, તેજસ્વી, સ્ટાલિન અને ઉદ્ધવ ઠાકરે જેલમાં હશે. તેમણે અડવાણી અને મુરલી મનોહર જોશીની કેરિયર ખતમ કરી દીધી છે. લખીને લઈ લો…જો ફરીથી ચૂંટણી જીતશે તો તેઓ બે મહિનાની અંદર ઉત્તર પ્રદેશમાં મુખ્ય મંત્રી બદલી દેશે.

જ્યારે-જ્યારે કોઈ તાનાશાહે સત્તા સંભાળવાના પ્રયાસ કર્યા છે, ત્યારે દેશની જનતાએ એને ઉખાડીને ફેંકી દીધો છે. આજે ફરી એક તાનાશાહ લોકતંત્રને ખતમ કરવા ઇચ્છે છે. હું તેમની સામે લડીશ. કોર્ટે મને 21 દિવસનો સમય આપ્યો છે. દેશમાં પરિવર્તનનો દોર ચાલી રહ્યો છે. હું આગામી 21 દિવસ દેશમાં ફરીશ અને તેમની સામે પ્રચાર કરીશ. મારો અંદાજ છે કે ચોથી જૂને મોદી સરકાર નથી બની રહી.