Home Blog Page 1844

‘શેહજાદાને તેમની ઉંમર કરતા ઓછી સીટ મળશે’ : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે ઝારખંડના ચતરા જિલ્લાના સિમરિયામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે રાજકુમારને આ ચૂંટણીમાં તેમની ઉંમર કરતા ઓછી બેઠકો મળશે. પીએમએ કહ્યું કે INDIA ની પાર્ટીઓને પોતાની હારનો અહેસાસ થઈ ગયો છે. કોંગ્રેસના એક સાથી પક્ષના એક વરિષ્ઠ નેતાએ નિવેદન આપ્યું છે કે ચૂંટણી પછી તમામ નાના રાજકીય પક્ષોને કોંગ્રેસમાં ભળી દેવા જોઈએ. આ તેમની નિરાશા, હતાશા અને ભય વ્યક્ત કરી રહ્યું છે.

કોંગ્રેસ પર નિશાન સાધ્યું

PM એ કહ્યું કે છેલ્લા ત્રણ તબક્કાના મતદાનના વલણો પછી INDI ગઠબંધનના નેતાઓને પણ ખાતરી થઈ ગઈ છે કે તેમની સ્થિતિ હવે એવી થઈ ગઈ છે કે શક્ય છે કે તેઓ આમાં માન્ય વિપક્ષનો દરજ્જો પણ ન મેળવે. કોંગ્રેસ અને જેએમએમના નેતાઓના ઠેકાણાઓમાંથી ચલણી નોટોના પહાડ બહાર આવી રહ્યા છે. મંત્રી, મંત્રીના પીએ અને પીએના નોકરના ઘરેથી કરોડો રૂપિયા મળી રહ્યા છે, પરંતુ તેઓ એટલા બેશરમ છે કે આટલી નોટો પકડાવા છતાં પણ તેમને કોઈ પરવા નથી.

 

IPL-2024:  પ્લેઓફની રેસમાં આઠ ટીમો વચ્ચે રસાકસી

નવી દિલ્હીઃ IPL 2024માં 59 મેચો રમાઈ ચૂકી છે. પાંચ વારની ચેમ્પિયન MI અને PBK પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે. કેટલીક ટીમો પ્લેઓફમાં કિનારે ઊભી છે, જ્યારે કેટલીક ટીમો અન્ય ટીમોની હાર-જીત પર નિર્ભર છે. હાલ પ્લેઓફ માટે આઠ ટીમો મેદાનમાં છે.

IPL-2024માં KKR પ્લેઓફમાં પહોંચવાની નજીક છે અને હવે બાકીની ત્રણ મેચોમાં એક પણ મેચ ટીમ જીતશે, એટલે એની પ્લેઓફમાં જગ્યા પાકી થઈ જશે. ટીમના 16 પોઇન્ટ છે અને ટીમનો રનરેટ 0.1453 છે. RRની પણ KKR જેવી સ્થિતિ છે. RRએ બાકીની ત્રણ મેચમાંથી એક જ જીતવાની છે, ટીમના 16 પોઇન્ટ્સ છે અને 0.476નો રનરેટ છે.

આ ટુર્નામેન્ટમાં CSKની 12 મેચ રમી ચૂકી છે અને હવે બે મેચ બાકી છે અને બંને જીતશે તો પ્લેફઓફમાં CSKની જગ્યા પાકી થઈ જશે. CSKના 12 પોઇન્ટ છે અને ટીમનો રન રેટ 0.491 છે. આ સ્પર્ધામાં SRHની ટીમે 12 મેચો રમી છે, જેમાં ટીમના 14 પોઇન્ટ છે. ટીમની બે મેચ બાકી છે, જો એક મેચ પણ જીતશે તો ટીમના 16 પોઇન્ટ થશે, જેથી ટીમ પ્લેઓફમાં આવવાની મોટી તક છે. ટીમનો રન રેટ 0.406 છે.

આ ટુર્નામેન્ટમાં GTના 12 પોઇન્ટ્સ છે, પણ ટીમનો રન રેટ (-) 1.063 ઘણો ખરાબ છે. ટીમની બે મેચ બાકી છે, પણ જો ટીમ બંને મેચ જીતશે તો પણ અન્ય ટીમોની હારજીત પર પ્લેફઓફમાં આવવા માટે નિર્ભર રહેવું પડશે. DCના 12 પોઇન્ટ છે અને ટીમનો (-) 306નો રન રેટ છે. આ ટીમની બે મેચો બાકી છે. બાકીની બે મેચો જીતશે તો પણ પ્લેઓફમાં આવવા માટે અન્ય ટીમોની હારજીત પર DCએ નિર્ભર રહેવું પડશે.

આ ટુર્નામેન્ટમાં RCBના 10 પોઇન્ટ છે અને ટીમ બાકીની ચાર મેચો બાકી છે. જો ચારે મેચ જીતશે તો ટીમ પ્લેઓફમાં આવી શકશે. જોકે ટીમનો રન રેટ (-) 217 છે. LSGના 12 પોઇન્ટ છે અને ટીમે હજી બીજી બે મેચ રમવાની બાકી છે. જો બંને મેચ જીતશે તો પ્લેઓફમાં આવવાના ઊજળા ચાન્સિસ છે. ટીમનો રન રેટ (-) 769 છે.

આ આ વખતે IPL-2024માં 59 મેચ રમાયા પછી હવેની મેચો પણ રસપ્રદ બની રહેશે.

 

 

 

 

 

‘નેશનલ ટેક્નોલોજી દિવસ’ની ભવ્ય ઉજવણી

સમગ્ર દેશમાં 11 મેના રોજ નેશનલ ટેક્નોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત સાયન્સ સિટી ખાતે પણ GUJCOST (ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી) અને IPR( ઈન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રીસર્ચ) ના સહયોગથી નેશનલ ટેક્નોલોજી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

‘ટેક્નોલોજીસ ફોર વિકસિત ભારત’ની થીમ પર ગુજરાત સાયન્સ સિટીમાં વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રદર્શન સાથે ટેક્નોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે ઓડિટોરિયમમાં પ્લાઝમા ટેક્નોલોજી, ફ્યુઝન ટેક્નોલોજી અને પ્લાઝમા એપ્લિકેશન અંગેના વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ રસ ધરાવતા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ ઉપરાંત સાયન્સ ડોમ ખાતે IPR દ્વારા 30 જેટલા પ્રદર્શનો પણ રાખવામાં આવ્યા હતા. જ્યાં વોલેન્ટિયર્સ દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં પ્લાઝમાના ઉપયોગ અને તેની વિશેષતા અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં આવેલા લોકોએ આ પ્રદર્શનોની મુલાકાત લીધી હતી. વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થનારા વિદ્યાર્થીઓ અને લોકોને ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી સહિતની વિવિધ ગેલેરીની મુલાકાત પણ કરાવવામાં આવી હતી.

મહત્વનું છે કે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને રસ ધરાવતા લોકોમાં ટેક્નોલોજી પ્રત્યે રૂચિ વધે અને  ટેક્નોલોજીના સદુપયોગથી સમાજ અને દેશનો વિકાસ થાય તે હેતુથી ગુજરાત સાયન્સ સિટી ખાતે નેશનલ ટેક્નોલોજી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. સિઝનમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 7 દિવસ ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં 14 મેના રોજ થંડરસ્ટ્રોમની આગાહી તેમજ 15મી મેના રોજ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં તાપામાનનો પારો ઘટવાની શક્યતાઓ દર્શાવાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે વલસાડ, નવસારી, ડાંગ, દાદરા અને નગર-હવેલી, દમણ, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે આવતીકાલે વલસાડ, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, દાદરાઅને નગર-હવેલી, દમણ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, મહીસાગર, દાહોદ, આણંદમાં વરસાદ થઈ શકે છે. 13મી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, દાદાર અને નગર-હવેલી, નર્મદા, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ પ્રમાણે 14મી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, નર્મદા, ભરૂચ,મહીસાગર અને 15મી મેના રોજ અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. 16મી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદ થઈ શકે છે.

અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. આજરોજ પણ હવામાન વિભાગ દ્વારા શહેરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની શક્યતા વ્યક્ત કરી છે. હજુ પણ આગામી ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. ત્યાર બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પ્રદેશ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં બેથી ત્રણ ડિગ્રી મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા સાથે વરસાદનાં એંધાણ રહેલાં છે.

ઈન્સ્ટન્ટ મેંગો મલાઈ કેક

ગરમીની સિઝન છે. કેરીની સિઝન પણ છે. બાળકોનું વેકેશન પણ છે. તો કંઈક નવું જે બાળકોને ખાવામાં મઝા પડે તેવું એટલે કે, મેંગો મલાઈ કેક બનાવી લો!

સામગ્રીઃ

  • સાકર ½ કપ
  • કેસરના તાંતણા 8-10
  • એલચી પાઉડર 1 ટી.સ્પૂન
  • દૂધ ½ લિટર
  • સાકર 3 ટે.સ્પૂન
  • મલાઈ 2-3 ટે.સ્પૂન
  • પાકી મીઠી કેરી 2
  • રસ્ક (ટોસ્ટ બિસ્કીટ) 8-10

કસ્ટર્ડ પાઉડરઃ

  • દૂધ 3 ટે.સ્પૂન
  • આરાલોટ 3 ટે.સ્પૂન
  • વેનિલા એસેન્સ ½ ટી.સ્પૂન
  • ખાવાનો રંગ 3-4 ટીપાં

રીતઃ એક વાસણમાં 1 કપ પાણી લઈ તેમાં ½ કપ સાકર મેળવીને ગેસની મધ્યમ આંચે ગરમ કરવા મૂકો. સાકર ઓગળે અને 1-2 તારની ચાસણી તૈયાર થાય એટલે તેમાં એલચી પાઉડર તથા કેસરના તાંતણા નાખી દો. પાંચેક મિનિટ ગરમ કરીને તેને એકબાજુએ મૂકી દો.

એક બાઉલમાં 3 ટે.સ્પૂન ઠંડું દૂધ લઈ આરાલોટ મેળવી લો. તેમજ વેનિલા એસેન્સ તેમજ ખાવાનો રંગ મેળવીને એકબાજુએ મૂકી દો.

એક વાસણમાં ½ લિટર દૂધ ગરમ કરવા મૂકો. દૂધમાં ઉભરો આવે એટલે ગેસની આંચ મધ્યમ કરીને 3 ટે.સ્પૂન સાકર મેળવી દો. હવે કસ્ટર્ડ પાઉડરવાળું બાઉલ લઈ તેને ફરીથી ચમચીથી એકવાર હલાવી લો. જેથી કસ્ટર્ડ નીચે જામી ગયું હોય તો એકરસ થઈ જાય. હવે તેને ધીરે ધીરે ગરમ દૂધમાં રેડતા જાવ અને તવેથા અથવા સ્પેટૂલા વડે હલાવતા જાવ. તે સાથે મલાઈ પણ દૂધમાં ઉમેરી દો. આ દૂધને એકસરખું સ્પેટૂલા વડે હલાવતા રહેવું, જ્યાં સુધી તે સ્પેટૂલામાં ચોંટે તેવું ઘટ્ટ ન થાય ત્યાં સુધી એટલે કે, લગભગ દસેક મિનિટ જેટલા સમયમાં તૈયાર થવા આવે એટલે ગેસ બંધ કરીને તેને ઠંડું થવા મૂકી દો.

1 પાકી કેરીને ધોઈને છોલીને ટુકડા કરીને પ્યુરી બનાવી લો. પ્યુરી બની જાય એટલે ઠંડા થયેલા કસ્ટર્ડમાં મેળવીને જેરણીથી એકસરખું હલાવી લો. જ્યાંસુધી એકરસ થયેલી પ્યુરી તૈયાર ન થાય.

બીજી પાકી કેરીના નાના ચોરસ ટુકડા કરીને એકબાજુએ મૂકી રાખો.

ટોસ્ટ બિસ્કીટને ચાસણીમાં ડુબાડીને તરત કાઢી લઈ એક ચોરસ ટ્રેમાં ગોઠવતા જાઓ. ટોસ્ટ ગોઠવાઈ જાય એટલે તેની ઉપર મેન્ગો પ્યુરી અને કસ્ટર્ડ પાઉડરવાળું મિશ્રણ ટોસ્ટ ઢંકાય તેટલું રેડી દો. તેની ઉપર બદામ-પિસ્તાની કાતરી ભભરાવી દો અને કેરીના નાના ટુકડા પણ સજાવી દો. હવે ફરીથી તેની ઉપર ટોસ્ટની બીજી લેયર ગોઠવી દો અને ફરીથી ઉપર પ્યુરી રેડીને બદામ-પિસ્તાની કાતરી તેમજ કેરીના ટુકડા સજાવી દો.

આ આઈસ્ક્રીમ કેકને ઢાંકીને ફ્રીજમાં 2-3 કલાક માટે મૂકી દો. ત્યારબાદ ખાવાના ઉપયોગમાં લેતી વખતે ચોરસ ટુકડામાં કટ કરીને પીરસો.

ધો.10 બોર્ડનું પરિણામ જાહેર : રેકોર્ડબ્રેક 82.56% રીઝલ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ શનિવારે જાહેર કરવામાં આવ્યું છે. ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ આવ્યું છે. જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94 ટકા પરિણામ વધ્યું છે. 1389 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર, 264 શાળાનું 30 ટકા, 70 શાળાનું શૂન્ય પરિણામ, 23247 વિદ્યાર્થીઓએ A1, 78893 વિદ્યાર્થીને A2 ગ્રેડ ઉપરાંત 21,869 વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ જાહેર થયા છે.

ધોરણ 10ના બોર્ડના રિઝલ્ટની વાત કરીએ તો આ વખતે પરિણામ 82.56% આવ્યું છે. આ વખતે કુલ 699598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમનું પરિણામ 82.56% આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર – દાલોદ (જિલ્લો અમદાવાદ ગ્રામ્ય) 100%, તલગાજરડા( જિલ્લો ભાવનગર) 100% રહ્યા છે. જ્યારે સૌથી પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર રહ્યો છે જેનું પરિણામ 87.22% આવ્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલલો પોરબંદર 74.57% રહ્યો છે. 100% પરિણામ ધરાવતી શાળાઓની વાત કરીએ તો આ વખતે 2023ની તુલનાએ આવી સ્કૂલોની સંખ્યા વધીને 1389ને આંબી ગઈ છે જે 2023માં 272 જ હતી. 0% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા આ વખતે ઘટી છે જે 70ની આજુબાજુ છે.

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ​પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર ભરીને મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ધો. 10ની 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.છેલ્લા પાંચ વર્ષમાં ધો.10ના પરિણામની વાત કરીએ તો,વર્ષ 2019માં 70.24 ટકા,વર્ષ 2020માં 66.07 ટકા,વર્ષ 2021માં માસ પ્રમોશન,વર્ષ 2022માં 63.98 ટકા,વર્ષ 2023માં 64.22 ટકા પરિણામ આવ્યું છે.

વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળા વાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી જાહેર કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફ્તર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઈન કરવાની રહેશે પરિણામો બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે.

‘હું કેન્સર સર્જન બનીશ’, પિતાના જીવન માટે પુત્રનું યથાર્થ સ્વપ્ન

સુરત: રાજ્યમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આ વર્ષ ધોરણ 10 પરિણામ 82.56 ટકા આવ્યું છે. જેમાં A-1 ગ્રેડમાં સુરતના 4870 વિદ્યાર્થીઓ સ્થાને મળ્યું છે.

સુરતના નાના વરાછા ખાતે આવેલી કૌશલ વિદ્યાભવનમાં 197 વિદ્યાર્થીઓમાંથી 91 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જ્યારે 62 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ મળ્યો હતો. આમ શાળામાં એ-2 કરતાં એ-1 મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. જેમાંથી કેન્સરગ્રસ્ત પિતા રમેશભાઈ સાવલિયાના પુત્ર ધર્મએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ધર્મના પિતાને છેલ્લા એક વર્ષથી મોઢાનું કેન્સર છે. અગાઉ એ હીરા ઘસવાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ધોરણ 10 ની શરૂઆત સાથે જ પિતાને કેન્સર ડિટેકટ થતા સ્થિતિ કપરી બની હતી. પણ કઇક કરી બતાવવું છે એવી નેમ સાથે તનતોડ મહેનત શરૂ કરી અને આજે સારૂ પરિણામ લાવીને હવે ભવિષ્યમાં વધુ મહેનત કરીને ડોકટર બનવાની ઈચ્છા શક્તિ ધરાવે છે. ઘરમાં પિતાને કેન્સર હોવાથી એની તકલીફ જોઈને ધર્મને  કેન્સરના જ ડોકટર બનવાની તમન્ના છે.

રાજ્યમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યા ક્યાંક ગમનો માહોલ. રાજ્યમાં આ વર્ષ ધોરણ 10 પરિણામ 82.56 ટકા આવ્યું છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 17.94 ટકાનો વધુ પરિણામ જાહેર થયું છે. 2023માં ધોરણ 10નું પરિણામ 64.62 ટકા આવ્યું હતું.

(અરવિંદ ગોંડલિયા, સુરત)

ડિનો મોરિયાએ ‘સિધ્ધાંત’ નામ ના રાખ્યું 

મોડેલ ડિનો મોરિયા પહેલી ફિલ્મ કરી રહ્યો હતો ત્યારે નિર્માતાનું નામ બદલવાનું સૂચન માન્ય રાખ્યું ન હતું. મોડેલ તરીકે જાણીતા રહેલા ડિનોને પહેલી ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’ (૧૯૯૯) મળી હતી. રાજેશ ખન્નાની પુત્રી રિંકલની પણ એ પહેલી ફિલ્મ હતી. ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હતું ત્યારે એક નિર્માતા શૈલેન્દ્ર સિંઘનું કહેવું હતું કે એનું નામ અટપટું લાગતું હોવાથી પાત્રનું નામ ‘સિધ્ધાંત’ રાખી લેવું જોઈએ. ડિનો ત્યારે પર મોડેલ તરીકે પોતાના નામથી જ લોકપ્રિય હોવાથી એને બદલવાની જરૂર લાગી ન હતી. નામ બદલવાથી એને લોકો ના ઓળખે એવું બને એમ હતું. એણે કહ્યું કે લોકોને હું ‘સિધ્ધાંત’ છું એમ કહીશ તો ગુંચવાઇ જશે. તેથી ડિનોએ પોતાનું નામ ફિલ્મના પાત્ર પરથી રાખવાની ના પાડી દીધી હતી.

ડિનોએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ફિલ્મનું શુટિંગ ગોવામાં ચાલતું હતું ત્યારે રૂપિયા ન આવવાથી કામ અટકી જતું હતું. ‘પ્યાર મેં કભી કભી’ માં સંગીતકાર વિશાલ- શેખર અને ગાયક શાન પણ પહેલી વખત કામ કરી રહ્યા હતા. ફિલ્મનું સંગીત બહુ લોકપ્રિય રહ્યું હતું. ‘મુસુ મુસુ હાસી’ અને ‘વો પહલી બાર’ જેવા ગીતોએ યુવાનોમાં ધૂમ મચાવી દીધી હતી. ડિનોએ ફિલ્મનો બહુ પ્રચાર કર્યો હતો. છતાં બોક્સ ઓફિસ પર ખાસ સફળતા મળી ન હતી.

ડિનોને સવા વર્ષ સુધી બીજી કોઈ ફિલ્મ મળી નહીં. એ મોડેલ તરીકે કામ કરતો રહ્યો પણ ફિલ્મોમાં રસ વધારે પડ્યો હતો. ઘણી રાહ જોયા પછી ફિલ્મો ના મળતા સામે ચાલીને નિર્માતાઓને મળવાનું શરૂ કરી દીધું હતું. કોઇની પાસેથી ફોન નંબર લઈ વાત કરીને ‘સત્યા’ (૧૯૯૮) બનાવનાર નિર્દેશક રામ ગોપાલ વર્માને મળવા ગયો. એમણે પાંચ-દસ મિનિટ વાત કરી અને ફોટા પાડીને રાખી લીધા. ડિનો ત્યાંથી આફતાબ સાથે ‘કસૂર’ બનાવનાર અને નવોદિતોને તક આપતા નિર્માતા મુકેશ ભટ્ટને ત્યાં ગયો. એમણે એને સારો આવકાર આપ્યો.

મુકેશે કહ્યું કે એમનો પુત્ર વિશેષ તારી લોકપ્રિયતાથી પરિચિત છે. એમણે એનો એક ફિલ્મ માટે વિચાર કર્યો છે. ત્યાં બેઠેલા મહેશ ભટ્ટે ટીવી માટે કામ કરવાની ઓફર કરી હતી. ડિનોએ ટીવી માટે ના પાડી દીધી હતી. મુકેશ ભટ્ટે ત્યારે જ વિક્રમ ભટ્ટને ફોન કરી ડિનોને મળવાની સૂચના આપી દીધી. ડિનો વિક્રમ પાસે પહોંચ્યો અને વાત કરી. ડિનોને મળીને વિક્રમે મુકેશને ફોન કરી કહી દીધું કે ‘રાઝ’ (૨૦૦૨) માટે એને લઈ શકીએ. ત્યારે ‘રાઝ’ શબ્દના અર્થની જ ડિનોને ખબર ન હતી! બીજા દિવસે ફરી મુકેશ અને વિક્રમ એને સાથે મળ્યા અને ‘રાઝ’ માટે સાઇન કરી લઈ અભિનંદન આપ્યા અને એના પરિવારને આ ખુશખબર આપવા ફોન કરવા કહ્યું. ડિનોએ ભાઈને ફોન કરીને પોતે ફિલ્મ ‘રાઝ’ માટે સાઇન થયો હોવાના સમાચાર આપ્યા હતા. ત્યારે એના ભાઈએ પણ ‘રાઝ’ નો અર્થ પૂછ્યો હતો! ફિલ્મની હીરોઈન લીસા રે હતી.

પહેલું શુટિંગ શિડ્યુલ લીસા સાથે થયા પછી ડિનોને ખબર પડી કે લીસા નીકળી ગઈ છે. ત્યારે એને દર પેઠો કે ફિલ્મ બંધ તો નહીં જાય ને? એણે પોતાની મિત્ર બિપાશા બસુનું નામ સૂચવ્યું અને કહ્યું કે મોટી ફિલ્મ ‘અજનબી’ (૨૦૦૧) કરી રહી છે. મુકેશ અને વિક્રમે એને મળવા બોલાવી અને વાતચીત કરી. બિપાશાને ભૂમિકા પસંદ આવી અને એ કામ કરવા તૈયાર હોવાથી સાઇન કરી લીધી. ‘રાઝ’ માં બિપાશા સાથે ડિનોની જોડી જામી હતી. ફિલ્મની સફળતાથી ડિનો સ્ટાર બની ગયો હતો અને એનું નામ જાણીતું થયું હતું.

લોકસભા ચૂંટણી : ત્રીજા તબક્કામાં 65.68% મતદાન થયું

લોકસભાની ચૂંટણીનો માહોલ યથાવત છે. ત્રણ તબક્કાની ચૂંટણીઓ થઈ ચૂકી છે અને હવે ચોથા તબક્કાની ચૂંટણી 13 મેના રોજ યોજાવાની છે. આ પહેલા શનિવારે ચૂંટણી પંચે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મતદાનના આંકડા જાહેર કર્યા છે. તે પ્રકાશમાં આવ્યું છે કે ચૂંટણીના ત્રીજા તબક્કાનું અંતિમ મતદાન 65.68% છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પછી પણ ચૂંટણી પંચે ડેટા જાહેર કર્યો હતો, જેમાં 64.40 ટકા મતદાન થયું હોવાનું બહાર આવ્યું હતું, જો કે શનિવારે જાહેર કરવામાં આવેલ ડેટા ચૂંટણીના દિવસે જાહેર કરવામાં આવેલા આંકડા કરતા અંદાજે 1 ટકા વધુ છે.

મતદાન બાદ ચૂંટણી પંચે ડેટા જાહેર કર્યા હતા

ત્રીજા તબક્કાના મતદાન બાદ ચૂંટણી પંચે આંકડા જાહેર કર્યા હતા, જેમાં 64.40 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચના ઘણા પ્રયત્નો છતાં ત્રીજા તબક્કામાં મતદાનના આંકડા પણ 2019 કરતા ઓછા રહ્યા. જે રાજ્યોમાં ઓછું મતદાન થયું તેમાં બિહાર, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાતનો સમાવેશ થાય છે.

કેજરીવાલના નિવેદન પર અમિત શાહનો પલટવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેલંગાણાના પ્રવાસે છે. શનિવારે તેમણે પહેલા એક રેલીને સંબોધિત કરી અને પછી પ્રેસ કોન્ફરન્સ કરી. અમિત શાહે દાવો કર્યો કે આ વખતે ભાજપ તેલંગાણામાં 10થી વધુ સીટો જીતશે. અરવિંદ કેજરીવાલની ટિપ્પણી પર તેમણે કહ્યું કે પીએમ મોદી આ કાર્યકાળ પૂર્ણ કરશે અને દેશનું નેતૃત્વ કરતા રહેશે. અરવિંદ કેજરીવાલની ટિપ્પણી અંગેના સવાલ પર અમિત શાહે કહ્યું, ‘જુઓ, હું અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની અને સમગ્ર ભારતીય ગઠબંધનને કહેવા માંગુ છું કે મોદીજી 75 વર્ષના થઈ જશે તેની ખુશી કરવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીના બંધારણમાં આ ક્યાંય લખેલું નથી. માત્ર મોદીજી જ આ કાર્યકાળ પૂર્ણ કરશે અને માત્ર મોદીજી જ દેશનું નેતૃત્વ કરતા રહેશે. આમાં ભાજપમાં કોઈ શંકા નથી.

‘મોદીજી દેશનું નેતૃત્વ કરતા રહેશે’

શું કહ્યું અરવિંદ કેજરીવાલે?

શનિવારે AAP ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે મોદીજી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થઈ રહ્યા છે. 2014માં મોદીજીએ નિયમ બનાવ્યો હતો કે ભાજપમાં જે 75 વર્ષનો હશે તે નિવૃત્ત થશે, પહેલા લાલકૃષ્ણ અડવાણી નિવૃત્ત થયા, પછી મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન, યશવંત સિંહા નિવૃત્ત થયા.તેમણે કહ્યું, હવે મોદીજી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે રિટાયર થવા જઈ રહ્યા છે. હું ભાજપને પૂછવા માંગુ છું કે તમારા વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ છે? તેમણે કહ્યું, જો તેમની સરકાર બનશે, તો પહેલા તેઓ આગામી બે મહિનામાં યોગીજીનો નિકાલ કરશે, ત્યારબાદ તેઓ મોદીજીના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ અમિત શાહ જીને વડાપ્રધાન બનાવશે.’ કેજરીવાલે કહ્યું કે મોદીજી પોતાના માટે નહીં પરંતુ અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે.