
રાશિ ભવિષ્ય 16/05/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.
મુંબઈ નોર્થ સેન્ટ્રલ: મંજાયેલા ખેલાડી વર્ષા ગાયકવાડ સામે નવા રાજકારણી ઉજ્જવલ નિકમ
મુંબઈ નોર્થ સેન્ટ્રલ લોકસભા બેઠક મહારાષ્ટ્રની મહત્વની બેઠક છે. રાજ્યમાં કુલ 48 સંસદીય બેઠકો છે. આ મતવિસ્તારમાં ભાજપ, કોંગ્રેસ મુખ્ય પક્ષો છે. વિલે પાર્લે, ચાંદીવલી, કુર્લા, કલીના, બાન્દ્રા ઈસ્ટ અને વેસ્ચ મતવિસ્તાર આ લોકસભા મતવિસ્તારમાં આવે છે. આ તમામ 6 વિધાનસભા બેઠકો મુંબઈ ઉપનગરીય જિલ્લામાં આવે છે. વિલે પાર્લેમાં પ્રખ્યાત બિસ્કીટ પારલે જીની પ્રથમ ફેક્ટરી સ્થપાઈ હતી. મુંબઈ ઉત્તર-મધ્ય લોકસભા મતવિસ્તારમાં આવતા બાંદ્રા અને કુર્લા તેમની પોતાની અલગ ઓળખ ધરાવે છે. અહીં દેશનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. આ વિસ્તાર પોર્ટુગીઝ અને બ્રિટિશ સામ્રાજ્યના નિયંત્રણ હેઠળ રહ્યો. આ વિસ્તારોમાં પથ્થરની ખાણો હતી. બાંદ્રાને ઉપનગરોની રાણી કહેવામાં આવે છે. આ વિસ્તારમાં મોટા ચર્ચો આવેલા છે.

લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કા માટે 20 મેના રોજ મતદાન થવાનું છે. તે પહેલા આ તબક્કામાં ‘મુંબઈ નોર્થ સેન્ટ્રલ’ બેઠકની ચર્ચા અચાનક વધી ગઈ છે. ભાજપે અહીંથી પૂનમ મહાજનની ટિકિટ રદ્દ કરી છે. તેમની જગ્યાએ પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમને ટિકિટ આપવામાં આવી છે. ઉજ્જવલ નિકમ એ જ વકીલ છે, જેમની વકીલાત બાદ આતંકવાદી અજમલ કસાબને 26/11ના આતંકવાદી હુમલા માટે ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. નિકમ 1993ના બોમ્બે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ, ગુલશન કુમાર હત્યા કેસ, શક્તિ મિલ બળાત્કાર કેસ, પ્રમોદ મહાજન હત્યા કેસ સહિત ઘણા હાઇ પ્રોફાઇલ કેસોમાં સરકારી વકીલ રહી ચૂક્યા છે. તેમની સામે કોંગ્રેસે વર્ષા ગાયકવાડને મેદાનમાં ઉતાર્યા છે. જે દિગ્ગજ રાજનેતા એકનાથ ગાયકવાડના પુત્રી છે અને રાજકારણનો બહોળો અનુભવ છે. બંને વચ્ચે જોરદાર સ્પર્ધા હોવાનું કહેવાય છે. આ બેઠક ભાજપ માટે મુંબઈ નોર્થ જેટલી સરળ નથી.
કોંગ્રેસની સાત વખત જીત
કોંગ્રેસ 7 વખત મુંબઈ નોર્થ સેન્ટ્રલ લોકસભા સીટ જીતી ચુકી છે. 1952માં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના નારાયણ સદોબા કાજરોલકર આ બેઠક પરથી જીત્યા હતા. 1957ની ચૂંટણીમાં આ બેઠક ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના શ્રીપદ અમૃત ડાંગે અને અનુસૂચિત જાતિ ફેડરેશનના ગોપાલ કાલુજીના ફાળે ગઈ હતી. 1962માં કોંગ્રેસે ફરીથી આ બેઠક પર કબજો કર્યો અને નારાયણ સદોબા કાજરોલકર સાંસદ બન્યા. 1977માં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના અહિલ્યા રાંગણેકર સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1980માં જનતા પાર્ટીના પ્રમિલા દંડવતે જીત્યા.
ઈન્દિરા ગાંધીના અવસાન પછી કોંગ્રેસે ફરી એકવાર આ બેઠક પર કબજો કર્યો અને શરદ દિઘે ચૂંટણી જીત્યા. 1989માં શિવસેનાના વિદ્યાધર ગોખલે સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1991માં કોંગ્રેસના શરદ દિઘે ફરી એકવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. મનોહર જોશી 1999માં શિવસેના તરફથી ચૂંટાયા હતા. 2004 અને 2009માં કોંગ્રેસ આ સીટ જીતવામાં સફળ રહી હતી. એકનાથ ગાયકવાડ 2004માં અને પ્રિયા દત્ત 2009માં સાંસદ હતા. બીજેપી નેતા પૂનમ મહાજન 2014 અને 2019માં અહીંથી સાંસદ છે.
2014થી ‘મોદી જાદુ’ ચાલ્યો
2014માં આ સીટ પર મોદી મેજીક કામ કર્યું હતું. અહીંથી ભારતીય જનતા પાર્ટીએ પૂનમ મહાજનને મેદાનમાં ઉતાર્યા હતાં. તેમને 478,535 વોટ મળ્યા હતા. તેમની સામે કોંગ્રેસના પ્રિયા દત્ત હતા. પ્રિયા દત્તને માત્ર 2,91,764 વોટ મળ્યા હતાં. તેણી 1,86,771 મતોથી ચૂંટણી હાર્યા હતાં. 2019ની ચૂંટણીમાં આ બંને ઉમેદવારો વચ્ચે ફરી મુકાબલો થયો હતો. આ ચૂંટણીમાં પણ ભાજપના પૂનમ મહાજને કોંગ્રેસના પ્રિયા દત્તને 1,30,005 મતોથી હરાવ્યા હતા. જ્યારે પૂનમ મહાજનને 486,672 વોટ મળ્યા હતો તો પ્રિયા દત્તને 3,56,667 વોટ મળ્યા હતાં. પરંતુ આ વખતે ભાજપે પૂનમ મહાજનને બદલે ઉજ્જવલ નિકમને ટિકિટ આપી છે.
ઉજ્જવલ નિકમને ઉમેદવાર બનાવવા પાછળના કારણો
જો કે ઉજ્જવલ નિકમને ટિકિટ આપવાનો નિર્ણય ભાજપની કેન્દ્રીય નેતાગીરીનો હોવાનું માનવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં નિકમના નામનો પ્રચાર રાજ્યના એવા ભાજપના નેતાઓએ કર્યો હતો જેઓ પોતે રાજ્યના રાજકારણથી દૂર દિલ્હી જવા માંગતા નથી. તેમાં ભાજપના મુંબઈ એકમના પ્રમુખ અને બાંદ્રા પશ્ચિમના ધારાસભ્ય આશિષ શેલાર, મહાસચિવ મોહિત કંબોજ, રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે જેવા નેતાઓનો સમાવેશ થાય છે. હવે નિકમને જીતાડવાની જવાબદારી પણ તેમના પર છે. જો તે આવું કરી શકશે નહીં તો ભાજપમાં તેમના ભાવિ રાજકારણને પણ અસર થઈ શકે છે. વળી, છેલ્લી લોકસભાની ચૂંટણીમાં એક લાખ ત્રીસ હજારથી વધુ મતોથી જીતનાર પૂનમ મહાજનના સમર્થકો તેમની ટિકિટ રદ્દ કરવા અંગે અવાજ ઉઠાવતા નથી પરંતુ તેઓ ખુશ પણ નથી. નિકમે પૂનમને ઝુંબેશમાં જોડાવા માટે કહ્યું, પરંતુ સંમત હોવા છતાં, તેણીએ હજુ સુધી નિકમના અભિયાનમાં ભાગ લીધો નથી.
વિવાદ બાદ વર્ષા ગાયકવાડ મેદાનમાં
કોંગ્રેસના વર્ષા ગાયકવાડ, એક અનુભવી રાજકીય ખેલાડી, મહારાષ્ટ્રમાં મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક માટે મહા વિકાસ અઘાડી તરફથી મેદાનમાં છે, જ્યારે ભાજપે વકીલ ઉજ્જવલ નિકમને મેદાનમાં ઉતાર્યા છે. નિકમ રાજકારણમાં નવા છે, પરંતુ તેઓ ઘણા સમાચારોમાં રહ્યા છે. આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર શિવસેના (ઉદ્ધવ)ના સમર્થન પર નિર્ભર હોય તેમ લાગે છે.
વર્ષા ગાયકવાડનો દાવો મુંબઈ સાઉથ સેન્ટ્રલ સીટ પરથી હતો, પરંતુ કોંગ્રેસ-શિવસેના (ઉદ્ધવ) વચ્ચે સીટ વહેંચણીના વિવાદ બાદ તેણીને આ પડોશી ઉત્તર મધ્ય સીટ પર શિફ્ટ થવું પડ્યું હતું. વર્ષા મુંબઈ દક્ષિણ મધ્ય લોકસભા મતવિસ્તારમાં આવેલી વિશ્વ વિખ્યાત ઝૂંપડપટ્ટી ધારાવી વિધાનસભા બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને બે વખત રાજ્યના શિક્ષણ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી રહી ચૂક્યા છે. અદાણીની કંપનીને ધારાવીને પુનઃવિકાસ માટે સોંપવાના રાજ્ય સરકારના નિર્ણય સામે તેઓ ખૂબ જ અવાજ ઉઠાવે છે. શિવસેના (ઉદ્ધવ)એ કોંગ્રેસની સંમતિ લીધા વિના અનિલ દેસાઈને દક્ષિણ મધ્યમાંથી ઉમેદવાર જાહેર કર્યા. બાદમાં મંત્રણામાં વિજયની ગેરંટી સાથે દક્ષિણ મધ્યને બદલે મુંબઈ ઉત્તર મધ્ય બેઠક કોંગ્રેસને આપવા અંગે સમજૂતી થઈ અને વર્ષા ગાયકવાડને કોંગ્રેસની ટિકિટ મળી. આ વિવાદને કારણે સંજય નિરુપમ કોંગ્રેસ છોડીને શિવસેના (શિંદે)માં જોડાયા છે.
આ વિસ્તારના મુદ્દાઓ વિશે વાત કરીએ તો વધતી વસ્તીને કારણે શહેરી વિકાસની જરૂર છે. શિક્ષણની ગુણવત્તા સુધારવાની જરૂર છે અને સ્વાસ્થ્ય સુવિધાઓમાં સુધારો કરવાની જરૂર છે. આ ઉપરાંત યુવાનો માટે રોજગારીની તકોનો અભાવ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવી એ એક મોટો પડકાર છે. 2019ની લોકસભા ચૂંટણીમાં મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક પર 1,731 મતદાન મથકો અને 18,67,292 મતદારો હતા.
મુંબઈ નોર્થ સેન્ટ્રલ લોકસભા બેઠક 1952 થી અસ્તિત્વમાં છે. આ સીટ અગાઉ 1952 થી 1957 સુધી ‘મુંબઈ નોર્થ-સેન્ટ્રલ’, 1957 થી 1962 સુધી ‘મુંબઈ સેન્ટ્રલ’, 1962 થી 1977 સુધી ‘મુંબઈ નોર્થ-સેન્ટ્રલ’ અને 1977 થી 1984 સુધી ‘મુંબઈ સેન્ટ્રલ’ તરીકે ઓળખાતી હતી. 2008માં ‘મુંબઈ ઉત્તર-મધ્ય’ નામ હેઠળ ઓળખાય છે. આ બેઠક પરથી 17 સાંસદો ચૂંટાયા છે, જેમાં 7 કોંગ્રેસ, 5 BJP, 3 શિવસેના, 1 NCP અને 1 CPI(M) ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ સીટ પર વર્તમાન સાંસદ પૂનમ મહાજન ભાજપ તરફથી છે. મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક પર મરાઠી, ગુજરાતી, દલિત, ઓબીસી અને મુસ્લિમ મતદારોનું સારું મિશ્રણ છે. આ બેઠક પર મરાઠી મતદારોનો સૌથી મોટો સમૂહ છે, ત્યારબાદ ગુજરાતી, દલિત, ઓબીસી અને મુસ્લિમ મતદારો છે.
Photos : મુંબઈના ઘાટકોપરમાં PM મોદીનો ભવ્ય રોડ શો
લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે તેઓ મહારાષ્ટ્રની મુલાકાતે હતા. મુંબઈના ઘાટકોપરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ વડાપ્રધાન સાથે તેમના પ્રચાર વાહન પર હાજર છે. આ રોડ શો મુંબઈ નોર્થ-ઈસ્ટ લોકસભા સીટના વિસ્તારમાં આયોજિત કરવામાં આવ્યો હતો. ભાજપે આ બેઠક પરથી ગુજરાતી મૂળના મિહિર કોટેચાને ઉમેદવાર બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં આવતા ભાંડુપ, ઘાટકોપર, વિક્રોલી અને કાંજુરમાર્ગને શિવસૈનિકોનો જૂનો ગઢ માનવામાં આવે છે. પરંતુ આ વિસ્તારમાં ગુજરાતીઓ સહિત પરપ્રાંતીયોની સંખ્યા મોટી છે.

(તસવીર : Deepak Dhuri )
અમદાવાદની ગુફામાં વનરાજ અને વન્ય જીવનનો તાદશ અનુભવ
અમદાવાદ: અમદાવાદની ગુફા કહીએ એટલે તરત જ સેપ્ટ યુનિવર્સિટી અને કનોરિયા આર્ટ સેન્ટર નજર સમક્ષ દેખાય. અત્યારે આ ગુફામાં આબેહુબ સિંહો અને વન્યજીવોના ચિત્રોનું અનોખું પ્રદર્શન ચાલી રહ્યું છે. પ્રદર્શનની શરૂઆતે જ એક ખ્યાતનામ કલાપ્રેમીએ કહ્યું ખરેખર વન્યજીવોનું આ પ્રદર્શન સ્થળ નેશનલ જીઓગ્રાફી જોઇ રહ્યા હોય એવું લાગે છે. કારણ વન્યજીવોના પ્રદર્શનની અંદર-બહાર વન અને વનરાજીનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. શહેરની આ આર્ટ ગેલેરીમાં અનેક પ્રદર્શનો થાય છે. પરંતુ કલાકારે અમદાવાદની ગુફામાં વન, વનરાજ અને એની આસપાસનું જીવન તમામને પોતાની કલાથી પ્રદર્શન સ્થળે પ્રસ્તુત કરવા પ્રયાસ કર્યો છે.

વનરાજ, વન અને વન્યજીવનને ચિત્ર સ્વરૂપે લોકો સુધી પહોંચાડનાર હીરલ અમર શાહ ચિત્રલેખા.કોમને કહે છે, “હું મૂળ નેચર લવર છું. આ સાથે ચિત્રનો મને નાનપણથી જ શોખ હતો. સ્નાતક તો આર્ટસ વિષયો સાથે કર્યું. પરંતુ શાળા સમયથી જ જુદા-જુદા વિષયો પર ચિત્રો પણ દોરું. લગ્ન પછી ઘણાં સમય સુધી પરિવારમાં વ્યસ્તતા રહી. પરંતુ પરિવારના સહકારથી ફરી એકવાર 2014થી ચિત્રો દોરવાનું શરૂ કર્યું. અત્યાર સુધી ઘણાં ગૃપ શો તેમજ કલા પ્રદર્શનોમાં ભાગ લીધો છે. આ પ્રદર્શનમાં મારી પોતાની જ તૈયાર કરેલી કૃતિઓ છે. દેશ-વિદેશમાં ઘણાં કુદરતી સ્થળો અને જંગલો જોયા બાદ એના પરથી ચિત્રો તૈયાર કરવાનું નક્કી કર્યુ. અઢી વર્ષમાં તૈયાર કરેલા ચિત્રોમાંથી આ પ્રદર્શનમાં 30 જેટલાં ચિત્રો મુક્યા છે.”
હીરલબહેન વધુમાં કહે છે, “આ ચિત્રો કેનવાસ ઓઇલ એક્રિલિક પરથી તૈયાર કર્યા છે. સિંહના ચિત્રની ગોલ્ડન ઇમેજ પણ ઉભી કરી છે. આ સાથે જંગલના અન્ય પશુ-પંખી અને માનવ વસવાટને મારા ચિત્રોમાં સમાવવાનો પ્રયાસ કર્યો છે. સૌથી મહત્વની વાત વન્યજીવો અને એની આસપાસના લોકજીવનને એકદમ બારીકાઇથી જોઉં કેમેરાની જેમ માનસ પટલ પર અંકિત કરું ત્યારબાદ એને કેનવાસ પર ઉતારું. જે આબેહુબ તસવીરો અને ચિત્રોનો સમન્વય લાગે. અત્યાર સુધીની મારી શ્રેષ્ઠ કૃતિઓને કલા રસિકો સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
અમદાવાદની ગુફામાં હીરલ શાહના ચિત્રોનું પ્રદર્શન 19મી મે, 2024 સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)
મિસ્ટર એન્ડ મિસિસ માહી ફિલ્મનું ‘દેખા તેનુ…’ગીત રિલીઝ
મુંબઈ: જાન્હવી કપૂર અને રાજકુમાર રાવ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ફિલ્મ લઈને આવી રહ્યાં છે. બંને બીજી વખત ફિલ્મમાં એક સાથે જોવા મળશે,આથી ફેન્સ આ જોડીને પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તાજેતરમાં જ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ ફિલ્મનું એક નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે, જેને જોઈને ચાહકોને સુપરહિટ પડદાની જોડી શાહરૂખ અને કાજોલની યાદ આવી ગઈ છે. ગીત રિલીઝના ઈવેન્ટમાં રાજકુમાર રાવ, જાન્હવી કપૂર, ડિરેક્ટર શરન શર્મા હાજર રહ્યાં હતાં.

ખરેખર, ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું જે પહેલું ગીત રિલીઝ થયું છે તેનું નામ ‘દેખા તેનુ’ છે, જેમાં ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના લગ્ન સુધીની લવસ્ટોરીની ઝલક જોવા મળશે.ગીતમાં જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની કેમેસ્ટ્રી અદભૂત લાગી રહી છે. તેથી જ આ ગીત રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયું.

આ ગીત સાંભળીને કેટલાક લોકોને શાહરૂખ-કાજોલ પણ યાદ આવી જાય છે. કારણ કે ‘દેખા તેનુ’ ગીત પહેલીવાર ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં સાંભળવામાં આવ્યું હતું, જેમાં શાહરૂખ-કાજોલ જોવા મળ્યા હતા.

આ ગીતમાં બંને વચ્ચે અદભૂત રોમાન્સ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં જ્યારે આ ગીતનું નવું વર્ઝન આવ્યું ત્યારે ફરી એકવાર ચાહકો જૂની યાદોમાં ડૂબતા જોવા મળી રહ્યા છે. હાલમાં ચાહકોને ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

‘દેખા તેનુ ગીત’ મોહમ્મદ ફૈઝ અને અલી બ્રધર્સે ગાયું છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું નિર્દેશન શરન શર્માએ કર્યુ છે.

તમને જણાવી દઈએ કે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ 31 મે, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મની વાર્તા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને થાલા મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત છે.

કરણ જોહરની આ ફિલ્મમાં જાન્હવી કપૂર અને રાજકુમાર રાવ ફરી એકવાર મોટા પડદા પર એકસાથે ધૂમ મચાવા તૈયાર છે. આ ફિલ્મ પહેલા જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની જોડી હોરર-કોમેડી ફિલ્મ ‘રૂહી અફઝાન’માં જોવા મળી હતી.
(તમામ તસવીર: માનસ સોમપુુરા)
વિશ્વની પુતિન, શી જિનપિંગની મુલાકાત પર નજર?
નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ફરી એક વાર મળવાના છે. રશિયાના અને ચીનના રાજકીય સંબંધોની 75મી વર્ષગાંઠે પુતિન ચીનની મુલાકાતે જવાના છે. જિનપિંગના આમંત્રણે પુતિન બે દિવસના પ્રવાસે ચીન જવાના છે. પુતિન 16-17 મેએ ચીનની મુલાકાતે જવાના છે.
સાત મહિનામાં પુતિન બીજી વાર ચીન પહોંચી રહ્યા છે, જેથી વિશ્વની આ મુલાકાત પર નજર છે. આ પહેલાં પુતિન ગયા વર્ષે 17-18 ઓક્ટોબરે ચીન પહોંચ્યા હતા. પાંચમી વાર રશિયાના રાષ્ટ્રપતિ ચૂંટાયા પછી પુતિનનો આ પહેલો વિદેશપ્રવાસ છે.

ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પુતિન અને જિનપિંગ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. ચીન રશિયાનું એક વ્યૂહાત્મક ભાગીદાર રાષ્ટ્ર છે અને પશ્ચિમી દેશો તેમના વિશે શું વિચારે છે, એનાથી તેમને કોઈ ફરક નથી પડતો.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને જણાવ્યું હતું કે પુતિન અને જિનપિંગ દ્વિપક્ષી સંબંધો, આપસી સહયોગ અને વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે,રશિયાના રાષ્ટ્રપતિ ઓફિસમાંના ક્રેમલિને જણાવ્યું હતું કે બંને નેતાઓ સંયુક્ત નિવેદન જારી કરશે અને કેટલાક દ્વિપક્ષી સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ પ્રવાસમાં પુતિન ચીનના વડા પ્રધાન લી કિયાંગની સાથે પણ મુલાકાત કરશે. આ સાથે પુતિન બીજિંગ સિવાય હાર્બિન શહેરની પણ મુલાકાત લેશે.
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનું નિધન
જયપુર: રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કમલા બેનીવાલનું આજે 97 વર્ષની વયે નિધન થયું છે. જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. વર્ષ 1954માં કમલા બેનીવાલ 27 વર્ષની ઉંમરે રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા.
કમલા બેનીવાલ સાત વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. તેઓ વર્ષ 2003માં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. આ ઉપરાંત રાજસ્થાન સરકારમાં અનેક વિભાગોમાં મંત્રી પણ રહી ચૂક્યાહતા. વર્ષ 2009થી 2024 સુધી તેઓ ગુજરાતના રાજ્યપાલ પદે રહ્યા હતા. કમલા બેનીવાલની ગણતરી કોંગ્રેસના મોટા નેતાઓમાં થતી હતી. 11 વર્ષની ઉંમરે તેમણે આઝાદીની લડતમાં ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લીધો હતો.
કમલા બેનીવાલના નિધન પર રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માથી લઈને પૂર્વ સીએમ અશોક ગેહલોતે શોક વ્યક્ત કર્યો છે. સીએમ ભજન લાલે કહ્યું, “ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી ડૉ. કમલા બેનીવાલના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકાતુર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.”





