Home Blog Page 1692

‘લેડી સહેવાગે’ બેવડી સદી ફટકારી રચ્યો ઇતિહાસ

ચેન્નઈઃ દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ વનડે સિરીઝમાં ભારતીય મહિલા ટીમે એકમાત્ર ટેસ્ટના પહેલા જ દિવસે ઐતિહાસિક રેકોર્ડ બનાવી દીધો છે. આફ્રિકાની વિરુદ્ધ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઊતરેલી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગની મદદથી આફ્રિકી બોલરોની જબરદસ્ત ધુલાઈ કરી હતી.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર શેફાલી વર્માએ દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. શેફાલીએ દક્ષિણ આફ્રિકા સામેની એકમાત્ર ટેસ્ટ મેચના પહેલા દિવસે બેવડી સદી ફટકારી હતી. બેવડી સદી ફટકારનાર મહિલા ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં તે એકમાત્ર બેટર છે.

20 વર્ષની શેફાલી મહિલા ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનારી ખેલાડી બની ગઈ છે. તેણે વીરેન્દ્ર સેહવાગને તેની 16 વર્ષ જૂની ઇનિંગ્સની યાદ અપાવી. સહેવાગે દક્ષિણ આફ્રિકા સામે ચેન્નઈમાં આટલા જ બોલમાં બેવડી સદી પણ ફટકારી હતી.

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા  સામે રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં શેફાલી વર્માએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે 194 બોલમાં બેવડી સદી ફટકારી હતી, જેમાં તેણે 22 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 113 બોલમાં પોતાની સદી ફટકારી હતી. શેફાલીએ વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના સાથે મળીને પ્રથમ વિકેટ માટે 292 રનની ભાગીદારી કરી હતી. સ્મતિ મંધાનાએ 149 રન બનાવ્યા હતા.  જ્યારે તેણે બીજી વિકેટ માટે એસ. શુભા સાથે 33 રન જોડ્યા હતા અને જેમિમા રોડ્રિગ્સ સાથે 86 રનની ભાગીદારી કરી હતી. જમણા હાથની બેટ્સમેન શેફાલીએ 66 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને 113 બોલમાં સદી ફટકારી. શેફાલીએ 158 બોલમાં 150 રન પૂરા કર્યા.

આજથી બરાબર 16 વર્ષ પહેલાં વીરેન્દ્ર સેહવાગે ચેન્નઈમાં દક્ષિણ આફ્રિકા સામે માત્ર 194 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. ત્યાર બાદ સહેવાગે પ્રથમ દાવમાં 42 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 319 રન કર્યા હતા.

 

 

 

 

 

 

 

સૌરાષ્ટ્ર સહિત દ.ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી સુરત સહિત દ.ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

 હવામાન વિભાગે 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગની આગાહીને લઈને અમરેલીમાં NDRF ટીમ તૈનાત કરવામાં આવી છે. ચોમાસાની આફત જનક પરિસ્થીનતીને પહોંચી વળવા આગમ ચેતીના ભાગ રૂપે તંત્ર સજ્જ બન્યું છે.આ ઉપરાંત રાજ્યમાં અલગ અલગ જગ્યા પર NDRF ની 8 ટીમે તૈનાત કરવામાં આછે. આજે સવારથી ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ નોઁધવાવામાં આવ્યો છે. આણંદ સહિત જિલ્લામાં બે દિવસના વિરામ બાદ હાલ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો બીજી બાજું આજે સવારથી નવસારી જિલ્લા સહિત ત્રણ તાલુકામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો.

બોટાદમાં સવારથી સાંબેલાની ધારે ધોધમાર વરસાદ પડતાં શહેરનાં કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. પાણી ભરાયા જતા સ્થાનિકોમાં મુશ્કેલીનો માહોલ જોવા મળ્યો. તો આજે બપોરે અમદાવાદના શહેર કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. બગદાણા આસપાસના વિસ્તારમાં સવારથી જ જોરદાર વરસાદ નોંધાયો હતો. બગદાણા, મોણપર, દેગવડાં, જાંબુડા, ખારી, ગળથર, વાઘ વદરડા, શેત્રણા સહિતના વિસ્તારોમાં સારી માત્રામાં વરસાદ વરસી રહ્યો છે. ભરૂચમાં બપોરના 12 વાગ્યાના અરસામાં વાદળ છાયા વાતાવરણમાં ઝરમર ઝરમર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. બોટાદ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બોટાદ શહેરમાં પણ સાંબેલાની ધારે વરસાદ પડતાં શહેરનાં તમામ રસ્તાઓ પર પાણી ભરાયા છે. શહેરનાં ગઢડા રોડપર, જ્યોતિગ્રામ સર્કલ, મહિલા કોલેજ, ભાવનગર રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલ પડી રહી છે. તો બીજી તરફ સિઝનનો સારો વરસાદ થતાં શહેરીજનોઅને ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

આમિર ખાને બાન્દ્રામાં ખરીદ્યું એપાર્ટમેન્ટ,કુલ પ્રોપર્ટી જાણી ચોંકી જશો

મુંબઈ: બોલિવૂડ એક્ટર આમિર ખાન રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા રહે છે અને હવે તેણે નવી પ્રોપર્ટી ખરીદીને તેમાં વધારો કર્યો છે. આમિરે મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલમાં લગભગ 9 કરોડ રૂપિયાનું એક એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આમિર ખાન પોતાની નવી પ્રોપર્ટીના કારણે ચર્ચામાં છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, આમિર ખાનના નામે પ્રોપર્ટીના રજીસ્ટ્રેશન દસ્તાવેજો સ્ક્વેર યાર્ડ્સની વેબસાઈટમાં નોંધાયેલા છે, જેમાં કહેવાય છે કે અભિનેતાએ 9.75 કરોડ રૂપિયાના એપાર્ટમેન્ટનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

 

આમિર ખાને 9.75 કરોડનું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે

હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, આમિર ખાનની નવી પ્રોપર્ટી 1,027 સ્ક્વેર ફીટની સાઈઝમાં આગળ વધવા માટે તૈયાર છે. 25 જૂને આમિરે આ પ્રોપર્ટીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેના માટે રૂ. 58.5 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે અને રૂ. 30 હજારની નોંધણી રકમ ચૂકવવામાં આવી છે. આમિર ખાનની નવી પ્રોપર્ટી પાલી હિલ વિસ્તારમાં બેલા વિસ્ટા એપાર્ટમેન્ટમાં છે. આ પ્રોપર્ટી સિવાય આમિર ખાન પાસે મરિના એપાર્ટમેન્ટમાં એક લક્ઝરી ફ્લેટ છે જે પાલી હિલમાં જ સ્થિત છે.

આમિર ખાન પાસે કેટલા ઘર છે?

આમિર ખાન પાસે બાંદ્રામાં 5,000 ચોરસ સી-ફેસિંગ બંગલો છે અને તેમાં બે માળ છે. વર્ષ 2013માં આમિરે 7 કરોડ રૂપિયામાં પંઘનીમાં બંગલો ખરીદ્યો હતો. આમિરે કમર્શિયલ પ્રોપર્ટીમાં ઘણા પૈસા રોક્યા છે. કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આમિર ખાન યુપીના હરદોઈ જિલ્લાના શાહબાદમાં 22 ઘરો ધરાવે છે.

આમિર ખાનની નેટવર્થ કેટલી છે?

59 વર્ષીય અભિનેતા આમિર ખાનના પિતા તાહિર હુસૈન ખાન હતા, જેઓ એક ફિલ્મ નિર્માતા હતા. આમિરે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આમિર ખાનની ફિલ્મ હોલી (1984) કિશોરાવસ્થામાં રિલીઝ થઈ હતી. આ પછી આમિરની કેટલીક ફિલ્મો આવી પરંતુ તેને ઓળખ ફિલ્મ કયામત સે કયામત તક (1988) થી મળી.

આમિર ખાને અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે અને વર્ષ 2001માં આમિર ખાન પ્રોડક્શન પણ શરૂ કર્યું હતું. હાલમાં, આમિર ખાન અભિનેતા હોવા ઉપરાંત દિગ્દર્શક, લેખક અને નિર્માતા પણ છે. એક માહિતી અનુસાર, આમિર ખાનની પાસે માર્ચ 2024 સુધી 1862 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે.

Opinion: ક્યારે ઉતરશે રે આ પાણી..

રાજ્યમાં ધીમે-ધીમે ચોમાસું જામી રહ્યું છે. અમદાવાદમાં મેઘરાજા હજું મન મૂકીને વરસ્યા નથી. એકબાજુ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલાં લોકો હાલ મેઘમહેરને તરસી રહ્યા છે. બીજી બાજું એ પણ ચિંતા હશે કે જો મેઘરાજા મન મૂકીને વરસી પડશે તો? ચોમાસાના આગમન સાથે સામાન્ય નાગરિકો છાશવારે એક પ્રશ્ન પૂછતાં જોવા મળે છે. આ પાણી ક્યારે ઉતરશે?

અમદાવાદ શહેરની વાત થાય તો, શહેરમાં કેટલાક એવાં વિસ્તારો છે, જ્યાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવવાની સમસ્યા ઉદ્ભવતી હોય છે. અમદાવાદ પૂર્વમાં નરોડા, ઈસનપુર, બાપુનગર વિસ્તારમાં આ સમસ્યા જોવા મળે છે. જ્યારે અમદાવાદ પશ્ચિમમાં વેજલપુર, વાસણા ગામ, સરખેજ ગામ, બોપલ ગામ અને જુહાપુરાના કેટલાંક વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા ઉદ્ભવે છે.

પાણી ભરાવવાની સમસ્યા હોવી મોટી વાત નથી. પરંતુ પાણી ભરાયાં હોવાથી ઉભી થતી સમસ્યાનું શું? શું છે આ સમસ્યાનું સમાધાન?

આ જ વિષય પર અમે આ સપ્તાહનો અમારો ‘ઓપિનિયન પોલ’ કર્યો. જેમાં મેયરથી લઈને સામાન્ય વ્યક્તિનું શું કહેવું છે જાણીએ.

પ્રતિભાબેન જૈન, મેયર, અમદાવાદ

રોડ રસ્તાને લઈ કોઈપણ કામગીરી દરમિયાન જો કોઈ ખાડો ખોદવામાં આવે છે. તો તેના પર પુરાણ કર્યા બાદ પહેલાં વરસાદમાં થોડું આગળ-પાછળ થવાની શક્યતા રહેતી હોય છે. પરંતુ આ સમસ્યાને લઈ મળતી સૂચના પ્રમાણે ઇજનેર વિભાગ કામગીરી પૂર્ણ કરે છે. હેલ્પલાઈન નંબર દ્વારા મળતી માહિતીની ગંભીરતા જાણી ઇજનેર વિભાગ કામગીરી હાથ ધરે છે. અમદાવાદમાં 130 એવાં વિસ્તારો હતા જ્યાં પાણી ભરાવવાની સમસ્યા રહેતી હતી. જો કે  તેમાંથી 100 જેટલા વિસ્તારોમાં પાણી ન ભરાય, તે પ્રકારની કામગીરી કરવામાં આવી છે. જ્યારે 30 જેટલાં વિસ્તારમાં હાલ પણ કામગીરી થઈ રહી છે. જે જલ્દીથી પૂર્ણ થઈ જશે.

રાજેન્દ્રભાઈ સોલંકી, કોર્પોરેટર, નરોડા, અમદાવાદ

ભારે વરસાદ પડે ત્યારે પાણી ભરાવવાની સમસ્યા સર્જાતી હોય છે. આ સમસ્યાના સમાધાન માટે આગળ વધવું એ મહત્વનું છે. હાલ નરોડા ગામમાં જોવા મળતી પાણી ભરાવવાની સમસ્યાનો નીકાલ કરવા માટેનું કામ ચાલી રહ્યું છે. પાછલા ત્રણ વર્ષમાં નરોડા ગામમાં પાણી ભરાવવાની સમસ્યાના સમાધાનને લઈ કેટલાંક બદલાવ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલ પણ કેટલાંક કાર્ય બાકી છે જે AMCના સહયોગથી થઈ રહ્યા છે. કેનાલમાં ઈગલેટ ભરવા સાથે ડ્રેનેજ પ્રોબ્લેમ જેવી સમસ્યાનું સમાધાન પણ કરવામાં આવ્યું છે. જેનાથી નરોડાની જનતા અમુક અંશે પાણી ભરાવવાની સમસ્યામાંથી છુટકારો પણ મળ્યો છે. આ સાથે જૂની પાઈપલાઈનના ડાયોમીટરમાં વધારો કરવામાં આવ્યો છે. જેનાં કારણે પાણીની આવક અને જાવકમાં વધારો થાય છે.

શેરબાનુ નૌશાદ મલિક, સરપંચ, શેલા ગામ

શેલા ગામમાં થોડા સમય પહેલાં જ ગટરનું પાણી ભરાવવાની સમસ્યાને લઈ AUDAને રજૂઆત કરવામાં આવી હતી. હાલ શેલામાં ગટર લાઈન અને ડ્રેનેજ લાઈનને લઈને પાણી ભરાવવાની સમસ્યા ઉદભવી રહી છે. શેલાની આ સમસ્યાને લઈ AUDA દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ જ્યાં સુધી ગટર લાઈનને લગતી સમસ્યાનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી પાણી ભરાવવાની સમસ્યા રહેવાની છે. આ ગટર ભરાવવાની સમસ્યાનું AUDA જલ્દીથી નિરાકરણ લાવશે, એવું AUDAએ અમારી રજૂઆત પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે.

રજ્જન શર્મા, સ્થાનિક, શેલા

શેલા વિકસિત વિસ્તારોમાંથી એક છે. આમ તો શેલા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા ખૂબ ઓછી જોવા મળે છે. પરંતુ જે જગ્યાએ પાણી ભરાયા છે, એવી જગ્યા પર પણ પાણીના નીકાલને લઈ કામગીરી થઈ રહી છે. કેટલીક વખત વરસાદી પાણીના જલ્દી નિકાલ માટે સ્થાનિકો ગટરના ઢાંકણા ખોલે છે. જેની આડઅસર એ થાય છે, કે પાણી ભરાવવાની સાથે ગટરનું પાણી પણ બેક મારે છે. જેથી વરસાદી પાણી સાથે ગટરનું પાણી મિક્સ થતા દુર્ગંધ ફેલાય છે. હાલના સમયમાં પણ AUDA AMC સાથે મળીને શેલાને સ્વચ્છ અને સુંદર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. આ સરકારી કવાયત પર સ્થાનિકોનો  વિશ્વાસ છે આવનાર એક વર્ષમાં આ પ્રકારની સમસ્યા શેલામાં નહીં ઉદ્ભવે.

રેખા બેન, સ્થાનિક, સરખેજ ગામ

અમારે તો આ દર વર્ષનું છે. ચોમાસું આવતાની સાથે જ અમારા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. જો થોડો વધારે વરસાદ પડે તો પછી પત્યું. ઘણીવાર તો ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ બની જાય. વરસાદી પાણીનો નિકાલ ન થતા અમને સ્થાનિકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. કેટલીક વાર ઘર ગથ્થુ વસ્તુ લેવા જવા માટે તો બાળકોને શાળાએ મુકવા કે લેવા માટે પણ અમારે પાણી ઉતરવાની રાહ જોવી પડતી હોય છે. આ બાબતે તંત્ર કઇંક કરે તો સારું બાકી આ વર્ષે પણ વરસાદ પડશે તો સમસ્યા તો સર્જાશે જ.

 

 

(તેજસ રાજપરા – અમદાવાદ)

પેરુમાં 7.2 તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ

નવી દિલ્હીઃ પેરુમાં 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જે પછી સુનામી આવવાનું જોખમ છે.  રિક્ટર સ્કેલ  પર તેની તીવ્રતા 7.2 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પેરુના પશ્ચિમમાં અતિકિપા જિલ્લાથી 8.8 કિલોમીટર દૂર નોંધાયા પછી USGSએ તીવ્રતાનું રેટિંગ વધારી દીધું હતું. US જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે શુક્રવારના મધ્ય પેરુના તટ પર 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનાથી કેટલાંક તટીય ક્ષેત્રોમાં સુનામી આવવાની સંભાવના છે.

આ ભૂકંપ શુક્રવારે સવારે બરાબર 11.06 વાગ્યે આવ્યો હતો. જોકે પેરુની સરકારે હજુ સુધી જાનમાલના નુકસાન અંગે સત્તાવાર માહિતી આપી નથી, પરંતુ સુનામીને લઈને સરકાર દ્વારા એલર્ટ  જારી કરવામાં આવ્યું છે.

પેરુમાં 7.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેણે દેશને હચમચાવી દીધો છે. સ્થાનિક અહેવાલો અનુસાર આ ભૂકંપ બાદ લોકો તેમનાં ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. તો બીજી તરફ, રસ્તાઓ પર દોડતાં વાહનો પણ આ ભૂકંપને કારણે અટકી ગયા હતા. આ ભયાનક ભૂકંપ બાદ અહીં સુનામીનો પણ ખતરો છે. પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રે અગાઉ કહ્યું હતું કે કોઈ ખતરો નથી. ભૂકંપ બાદ એવી ચેતવણી આપવામાં આવી છે કે કેટલાક દરિયાકિનારા પર ત્રણ મીટર ઊંચા મોજાં ઊછળી શકે છે. પેરુમાં આ પહેલાં પણ 16 જૂને ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી હતી. જોકે, તે પછી પણ કોઈ જાનમાલનું નુકસાન થયું ન હતું.

પેરુમાં સ્થાનિક મિડિયાના અહેવાલો અનુસાર 7.2ની તીવ્રતાના જબરદસ્ત આંચકા બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા. જ્યાં રસ્તાઓ પર વાહનોની અવરજવર હતી ત્યાં ડરને કારણે લોકો ઊભા રહી ગયા હતા.

 

 

 

 

 

 

 

ઉપલેટામાં વધ્યા કોલેરાના કેસ, 5ના મોત

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ગત શનિવારે કોલેરાથી 4 બાળકોના મૃત્યુ નીયજ્યાનું સામે આવ્યુ હતું. જે બાદ ફરી એક વખત 2 બાળકમાં ઝાડા-ઊલટીનાં લક્ષણો જણાતાં તેનાં સેમ્પલ લઈને જામનગર મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યા હતા. એ બન્ને કેસ પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી એક બાળકનું મૃત્યુ નીપજ્યાનું જિલ્લા આરોગ્યતંત્રે જણાવ્યું છે, આથી કોલેરાને કારણે બાળકોનો મૃત્યુઆંક 5 પર પહોંચી ગયો છે.

કોલેરાથી વધતા મૃત્યુ આંકને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યુ હતું કે આ ગરીબ મજૂરો ગંદા લત્તામાં પ્લાસ્ટિકના વેસ્ટના ઢગલા પાસે રહેતા હતા. ચોખ્ખું, ફિલ્ટર અને જીવાણુમુક્ત કરેલું પાણી પૂરું પડાતું નહોતું, આથી કૂવા, બોરનું પ્રદૂષિત પાણી પીવા મજબૂર હતા અને એ કારણે 48 લોકોને ઝાડા-ઊલટી થયાં હતાં. ચોંકાવનારી વાત એ છે, કે ઉપલેટાના આ વિસ્તારમાંથી ઝાડા-ઊલટીના 48 કેસ મળ્યા છે. ત્યાં નર્મદાની પાઈપલાઈન નજીકમાંથી પસાર થતી હતી, પરંતુ કારખાનેદારોએ નિયમ અનુસારના પૈસા ભરીને મજૂરો માટે ચોખ્ખા પાણીનાં નળ જોડાણ લીધાં નહોતાં.

મળતી માહિતી અનુસાર અગાઉ 4 બાદ વધુ એક સહિત કુલ 5 બાળકોનાં મોત થઈ ચૂક્યાં છે. દર્દીઓને સારવાર અર્થે ઉપલેટા તેમજ જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કલેક્ટર વિભાગ દ્વારા છ જેટલાં કારખાનાં હાલ સીલ કરવામાં આવ્યાં છે. કેટલાંક ઔદ્યોગિક એકમો દ્વારા કૂવાના પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે કે કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા બોરના પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તણસવા અને ગણોદ વિસ્તારમાં 11 જેટલા પ્લાસ્ટિક રિસાઇક્લિંગનાં કારખાનાં આવેલાં છે. જેમાં મોટાભાગના પરપ્રાંતીય મજૂરો પોતાના પરિવાર સાથે રહીને કામકાજ કરે છે.

 

નશો કરવા પર આ શું બોલ્યા નવાઝુદ્દીન સિદ્દીકી?

મુંબઈ: નવાઝુદ્દીન સિદ્દીકી હિન્દી સિનેમાના કેટલાક પ્રતિભાશાળી અને મહેનતુ કલાકારોમાંથી એક છે. જ્યારે પણ તે સ્ક્રીન પર આવે છે, ત્યારે તે પોતાના દમદાર અભિનયથી નાનામાં નાની ભૂમિકાઓને પણ જીવંત બનાવી દે છે.આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મ ‘રૌતુ કા રાઝ’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ઈન્વેસ્ટિગેટિંગ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાની ફિલ્મો અને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરી હતી. નવાઝે એ પણ જણાવ્યું કે એક સમયે તેને સ્મોકિંગની લત લાગી હતી, પરંતુ થોડા સમય પછી તેણે સ્મોકિંગ બંધ કરી દીધું.

રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટમાં નવાઝુદ્દીને જણાવ્યું કે થોડા વર્ષો પહેલા તે એવા લોકોમાં સામેલ હતો જેમની સાથે તેને સ્મોકિંગની લત લાગી હતી. તેમણે કહ્યું- હું એવા લોકો સાથે રહેતો હતો જેઓ ખૂબ જ ફૂકંતા હતા. મને પણ તેની આદત પડી ગઈ હતી. બહુ મજા આવી હતી.હું બિલકુલ પ્રમોશન કરવા માંગતો નથી. પણ હા, મજા આવતી હતી. ફૂંક માર્યા પછી, હું વિશ્વનો મહાન અભિનેતા બની જાતો હતો.’

આ જે લોકો હતા તે મારા સમગ્ર પ્રેક્ષક હતા. હું પરફોર્મન્સ આપતો હતો. જેમ કે તે અંધયુગનું નાટક છે. તેમનું એક પાત્ર છે, અશ્વત્થામા. ક્યારેક હું અશ્વત્થામા બની જતો. ક્યારેક કર્ણ બની જતો. ક્યારેક કૃષ્ણ બની જતો. હું કલાકો અને કલાકો સુધી પ્રદર્શન કરતો. જ્યારે નશો ઉતરી જતો ત્યારે મને લાગતું કે હું ગાંડો થઈ ગયો છું. હું લૂપમાં અટવાઈ જતો. પરંતુ દરેક જણ તેને હેન્ડલ કરી શકતું નથી. નવાઝ કહે છે કે ભાંગ સ્વાસ્થ્ય માટે ખરાબ છે. મેં જે પણ નશો કર્યો દિલ્હી આવ્યા પછી કર્યો.પરંતુ પછી મેં તેને છોડી દીધું કારણ કે મને મજા આવવા લાગી હતી. મને જેમાં મજા આવવા લાગે છે તે વસ્તુ હું છોડી દઉં છું. ત્યાર બાદ એક કલાકાર બન્યો અને જીવનનો આનંદ માણવા લાગ્યો.

નવાઝુદ્દીન સિદ્દીકીના અંગત જીવન વિશે જાણવા મળ્યું. હવે વાત કરીએ પ્રોફેશનલ ફ્રન્ટની. નવાઝુદ્દીનની ફિલ્મ ‘રૌતુ કા રાજ’ 28 જૂન 2024ના રોજ OTT પ્લેટફોર્મ Zee5 પર રિલીઝ થવા જઈ રહી છે.આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે, જે એક મર્ડર મિસ્ટ્રી ઉકેલતો જોવા મળશે.

કૌભાંડમાં અજિત પવારના નામને મુદ્દે ED, મુંબઈ પોલીસ સામસામે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સહકારી બેન્કથી જોડાયેલા કથિત રૂ. 25,000 કરોડના કૌભાંડ મુદ્દે ED અને મુંબઈ પોલીસ આમનેસામને આવી ગયા છે. એક તરફ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW)એ ક્લોઝર રિપોર્ટ કોર્ટમાં દાખલ કર્યો છે, જ્યારે ED એનો વિરોધ કરી રહી છે અને EDએ એની વિરુદ્ધ હસ્તક્ષેપ અરજી ફાઇલ કરી દીધી છે. આ મામલામાં મુંબઈ પોલીસે અજિત પવારનું નામ ઉમેર્યું હતું, પણ હવે મુંબઈ પોલીસે કહ્યું છે કે સહકારી બેન્કના કથિત કૌભાંડથી કોઈને નુકસાન નથી થયું.

મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સિસ વિંગે (EOWએ) કોર્ટમાં એક લેખિત દલીલ કરી છે, જેમાં એણે EDના હસ્તક્ષેપને ફગાવ્યો છે. કહેવામાં આવ્યું છે કે સાસંદો અને વિધાનસભ્યોથી જોડાયેલા કેસો માટે એક વિશેષ કોર્ટે પહેલાં જ આ પ્રકારની અરજી દાખલ કરી દીધી હતી.

વર્ષ 2020માં પહેલાં પણ અને હવે પણ EOWએ આ વર્ષે માર્ચમાં ફરીથી મામલાને બંધ કરવાના પ્રયાસ કર્યો હતો અને ક્લોઝર રિપોર્ટ દાખલ કર્ચો હતો. ઓગસ્ટ, 2019માં હાઇકોર્ટના આદેશ પછી નોંધવામાં આવેલી FIRમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સુગર સહકારી સમિતિઓ, સ્પિનિંગ મિલો અને અન્ય સંસ્થાઓ દ્વારા જિલ્લા અને સહકારી બેન્કોથી પ્રાપ્ત હજારો કરોડ રૂપિયાનાં દેવાંને ડાઇવર્ટ કરવામાં આવ્યાં હતાં અને એને ચૂકવવામાં નહોતાં આવ્યાં.

જોકે આ વર્ષે માર્ચમાં, EOW એ ફરીથી કેસ બંધ કરવા વિનંતી કરી હતી કે ‘કથિત છેતરપિંડીથી બેંકને કોઈ નુકસાન થયું નથી.’ સુપ્રીમ કોર્ટ તરફથી નિમણૂક કરાયેલા ન્યાયાધીશે તારણ કાઢ્યું હતું કે ખાંડ મિલોને આપવામાં આવેલી લોનને કારણે બેંક દ્વારા કોઈ અયોગ્ય નુકસાન થયું નથી અને બેંક કાયદાકીય રીતે ફેક્ટરીઓ પાસેથી રકમ વસૂલ કરી રહી છે.

 

 

 

 

 

 

 

કલ્કિઃ મહાનાયક તો મહાનાયક હી હોતા હૈ…

છેલ્લા થોડા સમયથી સાઉથવાળાઓને (ખાસ કરીને તેલુગુ ફિલ્મમેકરોને) સારું ફાવી ગયું છેઃ વાર્તા કોઈ બી હોય, એમાં હિંદુ પુરાણનો ટ્રૅક, પાત્રો સમાવી લેવાનાં. વાત વર્તમાનની જ હોય, પણ યુ સી, આર્યસંસ્કૃતિ, રામાયણ, મહાભારતનો સંદર્ભ હોય તો લોકો આફરીન પોકારી જાય.

તેલુગુમાંથી હિંદીમાં ડબ થયેલી ‘કલ્કિઃ2898 એડી’નું પણ આવું જ છે. ‘ગેમ્સ ઓફ થ્રોન’, ‘લૉર્ડ ઑફ ધ રિંગ્ઝ’, જેવી ફિલ્મમાંથી પ્રેરણા લઈને મહાભારત, શ્રીકૃષ્ણ, અર્જુન, કર્ણ, અશ્વત્થામા જેવાં પાત્રો તથા મહાભારતના અમુક અંશ ઘુસાડીને એમાં આજથી હજારો વર્ષ પછીની સૃષ્ટિની (ફ્યુચરિસ્ટિક વર્લ્ડની)વાત કરવામાં આવી છે. અધધધ લાંબીલચ ફિલ્મ (ત્રણ કલાક ને અમુક મિનિટ), પાત્રોની ગિરદી, કોણ શું બોલે છે, શું કામ બોલે છે, કોને કહે છે, એ સમજવાની નિષ્ફળ માથાકૂટ બાદ જ્યારે થિએટરમાંથી હું બહાર નીકળ્યો ત્યારે મને એવું લાગ્યું જાણે કેટલા યુગ વીતી ગયા.

કુરુક્ષેત્રના યુદ્ધ પછીનાં પાંચેક હજાર વર્ષ બાદ અને આજથી આશરે આઠસો વર્ષ પછીના કળિયુગમાં આ માઈથોલોજિકલ-કમ-સાયન્સ ફિક્શન આકાર લે છે. દૈત્યોએ પૃથ્વીનો સત્યાનાશ વાળી દીધો છે, એકમાત્ર કાશી બચ્યું છે. પ્રજાની હાલત એટલી ખરાબ છે કે પીવાનું પાણી પણ નથી. ‘અમારાં પાપ ધોઈ ધોઈને ગંગા સુકાઈ ગઈ છે’ એવું એક પાત્ર કહે છે. નગરની વચ્ચોવચ એક વિરાટ ટાવર છે, જેની પર વસ્યો છે દૈત્યોનો ફ્યુચરિસ્ટિક કૉમ્પ્લેક્સ. નીચેના રહેવાસીઓને લાગે છે કે કૉમ્પ્લેક્સમાં સુખ-સુવિધા છે, એમણે ત્યાં જઈને સહિત-રહિતનો ભેદ મિટાવવો છે. દીપિકા પદુકોણનું પાત્ર ગર્ભવતી છે. અશ્વત્થામા (અમિતાભ બચ્ચન)ના કહેવા મુજબ, એના ગર્ભમાં ભગવાન છે એટલે કૉમ્પ્લેક્સવાળો શેતાન સુપ્રીમ યાસ્કિન (કમલ હસન) એને (બાળકને) ખતમ કરવા માગે છે. કૉમ્પ્લેક્સમાં એન્ટ્રી આપવાની લાલચમાં ભૈરવ (પ્રભાસ)ને આ કામ માટે મોકલવામાં આવે છે. ભૈરવ-પ્રસૂતા સ્ત્રી વચ્ચે અડીખમ ઊભા છે અશ્વત્થામા. દિશા પટણી બની છે ભૈરવની ગર્લફ્રેન્ડ.

યસ, એક અલાયદી સૃષ્ટિની કલ્પના, એને સાકાર કરવા બદલ પ્રોડક્શન ડિઝાઈનર (નીતિન જિહાની ચૌધરી)ને, ડિરેક્ટર અશ્વિન નાગને અને એમની વીએફએક્સ ટીમને 100માંથી 100 માર્ક્સ. હોલિવૂડની ‘મૅડમૅક્સ’ કે ‘માર્વેલ’ની ફિલ્મોથી પ્રેરિત ઍક્શન સીન્સ પણ સરસ છે. બેલ્ગ્રેડમાં વસતા અવ્વલ દરજ્જાના સિનેમેટોગ્રાફર જૉર્જે સ્તોજિલ્કોવિકે ઍક્શન સીન્સ શૂટ કર્યા છે.

અશ્વત્થામાની ભૂમિકામાં છવાઈ જવા બદલ અમિતાભ બચ્ચનને 100માંથી 150 માર્ક્સઃ ગ્રેટ એન્ગ્રી ઓલ્ડ મૅન બ્રિલિયન્ટ. બાકીનું બધું ઠીક મારા ભઈ. એમાંય ઈન્ટરવલ પહેલાં તો ફિલ્મ ની-રિપ્લેસમેન્ટ બાદ ચાલવાનો સંઘર્ષ કરી રહેલા કાચબાની ગતિથી ચાલે છે. ઈન ફેક્ટ, ઈન્ટરવલ પહેલાંની ફિલ્મ અસ્તવ્યસ્ત વેરવિખેર છે. જાણે ડિરેક્ટરને કંઈ સૂઝ્યું ન હોય એમ ધડમાથા વિનાના એક પછી એક સીન એમણે ખડકી દીધા છે. જબરદસ્તીથી કૂલ લાગવાનો પ્રયાસ કરતા પ્રભાસની એન્ટ્રીનો લાંબોલચ સીન, એનો કોમેડી કરવાનો, રોમાન્સ કરવાનો સંઘર્ષ. આપણને થાય કે આ શું ચાલી રહ્યું છે. ફિલ્મનું એક મહત્વનું પાત્ર (શાશ્વત ચેટર્જી) કંટાળાના ભાવ સાથે કહે છેઃ “ઈસકા કોઈ સાયન્ટિફક રીઝન તો હોગા”? મતલબ, જે કંઈ બની રહ્યું છે એ એને જ નથી સમજાતું. આ સંવાદ આખી ફિલ્મનો નિચોડ છે. પેલું ‘થ્રી ઈડિયટ્સ’ ફિલ્મનું મીમ છેનેઃ “કેહના ક્યા ચાહતે હો”? ઈન્ટરવલ પછી બચ્ચન સાહેબની એન્ટ્રી બાદ, ભૈરવ-અશ્વત્થામાના યુદ્ધ બાદ ફિલ્મ પકડ જમાવે છે.

ટૂંકમાં ‘કલ્કિ’… અમિતાભ બચ્ચન માટે તથા પ્રોડક્શન ડિઝાઈન માટે તથા વીએફએક્સમાં આપણે ત્યાં કેવું કામ થાય છે એ જાણવામાં રસ હોય તો જોવાય. અને હા, ટૂંક સમયમાં બીજો પાર્ટ આવશે. કમસે કમ એટલી આશા રાખીએ કે પહેલા કરતાં એની લંબાઈ ઓછી હોય, ઓવર ધ ટોપ એક્ટિંગ ને કારણ વિનાની ભદ્દી કોમેડી એમાં ન હોય.

હિના ખાનને બ્રેસ્ટનું કેન્સર, પોસ્ટ કરી જણાવી હાલત

મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી અભિનેત્રી હિના ખાન વિશે એવા સમાચાર આવ્યા હતા કે તેને કેન્સર હોવાનું નિદાન થયું છે અને તે સારવાર માટે દાખલ છે. હવે અભિનેત્રીએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં આખી સ્થિતિ અભિનેત્રીએ જણાવી છે.હિના ખાને લખ્યું છે કે, ‘હું બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છું એવી તાજેતરની અફવાઓને લઈને હું તમારી સાથે કેટલાક મહત્વપૂર્ણ સમાચાર શેર કરવા માંગુ છું.’

હિના ખાને આગળ લખ્યું, ‘હું હિનાહોલિક્સ અને મારા પ્રત્યે પ્રેમ અને કાળજી રાખનારા તમામ લોકો સાથે કેટલાક મહત્વપૂર્ણ સમાચાર શેર કરવા માંગુ છું. મને ત્રીજા તબક્કાનું સ્તન કેન્સર છે. આ હોવા છતાં, હું બધાને કહેવા માંગુ છું કે હું ઠીક છું. હું આ રોગ પર કાબુ મેળવવા માટે મજબૂત, સંકલ્પબદ્ધ અને સંપૂર્ણ પ્રતિબદ્ધ છું. મારી સારવાર શરૂ થઈ ગઈ છે, અને હું આમાંથી વધુ મજબૂત રીતે બહાર આવવા માટે શક્ય તેટલું બધું કરવા તૈયાર છું.’

હિના ખાને ચાહકોને કહ્યું આવું

હિના ખાને ચાહકો પાસેથી કેટલીક ગોપનીયતાની માંગણી કરી હતી. તેણે કહ્યું, ‘હિના ખાને આગળ લખ્યું, ‘હું આ સમય દરમિયાન તમારી પાસેથી થોડું સન્માન અને પ્રાઈવસી ઈચ્છું છું. હું તમારા પ્રેમ અને પ્રાર્થનાની કદર કરું છું. તમારા અંગત અનુભવો, વાર્તાઓ અને તમારા સૂચનો આ પ્રવાસમાં મારા માટે ઘણું મહત્વ ધરાવે છે. હું મારા પરિવાર અને નજીકના લોકો સાથે સકારાત્મક રહીશ. ભગવાનની કૃપાથી, અમને વિશ્વાસ છે કે હું આ પડકારને પાર કરીશ અને સંપૂર્ણ સ્વસ્થ થઈ જઈશ. કૃપા કરીને તમારી પ્રાર્થના, આશીર્વાદ અને પ્રેમ મોકલતા રહો.’

લોકોએ હિના ખાન માટે પ્રાર્થના કરી

હિના ખાનની આ પોસ્ટ પછી તેના તમામ ચાહકોએ તેને હિંમત આપી. હેલી શાહ, જય ભાનુશાલી, અંકિતા લોખંડે, લતા સબરવાલ, પ્રિયલ ગૌર, આશકા ગોરાડિયા, સયંતની ઘોષ, રોહન મેહરા, શ્રદ્ધા આર્ય, ગૌહર ખાન, અદા ખાન, આમિર અલી અને અન્ય લોકોએ અભિનેત્રીને હિંમત આપી અને તેના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી. આ સિવાય ચાહકો પણ આ સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા છે. તે પ્રાર્થના કરી રહ્યો છે કે હિના જલ્દી સ્વસ્થ થઈ જાય.