Home Blog Page 1690

રથયાત્રા માટે પોલીસ સંપૂર્ણપણે તૈયાર: નીરજ બડગુજર

ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે 7 જૂલાઇના રોજ નીકળવાની છે. ભગવાન પોતે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળીને ભક્તોને દર્શન આપવાના છે. ત્યારે સુરક્ષા બંદોબસ્તની દ્રષ્ટિએ રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.રાજ્યમાં રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય નહીં અને શાંતિ પૂર્વક રથયાત્રા પૂર્ણ થાય તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રાને લઈને 29 જૂનથી 7 જુલાઈ સુધી પોલીસ કર્મીઓને બંદોબસ્તમાં મુકવાના હોવાથી તમામની રજાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે એક મહિના પહેલાથી અમદાવાદ પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.અમદાવાદ અને ગુજરાત પોલિસ માટે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા એ હંમેશાથી સંવેદનશીલ મુદ્દો રહ્યો છે ત્યારે રથયાત્રાને લઇને પોલીસની તૈયારી કેવીક છે એ મુદ્દે છોટી સી મુલાકાતમાં અમદાવાદ સેક્ટર-1ના એડિશનલ CP નીરજ બડગુજર સાથે થયેલી વાતચીતઃ

ચિત્રલેખા: રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસની તૈયારીઓ કેવી છે?

નીરજ બડગુજર: રથયાત્રાને લઈને તૈયારીઓ સંપૂર્ણપણે ચુસ્ત કરવામાં આવી છે.  કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે એક મહિના પહેલાથી અમદાવાદ પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. શહેરમાં ઠેર-ઠેર નાકાબંધી તેમજ વાહન ચેકિંગ પોઈન્ટ કાર્યરત કરી સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહેલું છે. જો કોઈ બિનવારસી પડેલ વાહન જણાય તો તેનો તાત્કાલિક કબ્જો લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઈપણ વિસ્તારમાં નવા આગંતુક ઈસમો વિશે માહિતી મળે તો તેમના અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સીમકાર્ડ વિક્રેતા, મોબાઈલ ફોન વેચાણ કરતી દુકાનો ખાતે નિયમિત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

રથયાત્રાના રૂટ પર સુરક્ષા-વ્યવસ્થાને લઈને કેવાં પ્રકારનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે? 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરીને રથયાત્રાના રૂટ પરની સ્ટ્રીટ લાઈટ જો બંધ હોય તો તેની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત, ભયજનક વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવ્યું છે. જર્જરીત મકાનો, પથ્થર, કામટમાળ, રેતી, ઈંટ જેવી અડચણરૂપ ચીજવસ્તુઓ દૂર કરવા અંગેની કાર્યવાહી પણ કરવામાં આવી છે. R&B વિભાગ સાથે સંકલન કરીને રથયાત્રા રૂટ પર તથા ટ્રાફિક ડાયવર્ઝન માટે બેરીકેડિંગ, જનરેટર સેટ, હેલોજન લાઈટ, સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ક્યા પ્રકારના હાઈ ટેક્નોલોજીવાળા સાધનોનો ઉપયોગ કરવામાં આવશે?

બંદોબસ્તમાં મહત્તમ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ વર્ષે AI ટેક્નલોજીથી સજ્જ 360 ડિગ્રીવાળા એક કિલોમીટરથી વધુની રેન્જ સુધી સ્પષ્ટ જોઇ શકાય તેવા કેમેરા રથયાત્રા રૂટ પર સૌથી ચાર સેન્સેટિવ પોઇન્ટ પર લગાવવા માટેની કામગીરી કરવામાં આવી છે. સમગ્ર રૂટ પર ડ્રોન મારફતે સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે.

કેટલાં CCTV કેમેરાથી સમગ્ર રૂટનું સર્વેલન્સ કરવામાં આવશે?

કુલ 1692 જેટલાં CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવનાર છે.

કેટલા જવાનો રૂટ પર સુરક્ષાની જવાબદારી સંભાળશે?

રથયાત્રા બંદોબસ્તમાં પોલીસ અધિકારી, કર્મચારી, SRP, CRPF, હોમગાર્ડ મળી 25,000થી વધુ મેન પાવરનો ઉપયોગ કરવામાં આવનાર છે. આ ઉપરાંત કમાન્ડ કંટ્રોલ વ્હિકલ, વજ્ર વાહન, વોટર કેનન, LAT  વ્હિકલનો ઉપયોગ કરવામાં આવનાર છે. જુદા-જુદા સ્થળોએ ફાયર ફાયટર ટીમ, મેડિકલ ટીમ સાથી એમ્બ્યુલન્સ વાન તૈનાત કરવામાં આવશે. BDDS ટીમો દ્વારા રથયાત્રા રૂટનું સતત એન્ટી સબોટેઝ ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે. જુદા-જુદા સ્થળોએ QRT ટીમો તૈનાત કરવામાં આવનાર છે.

ક્યા-ક્યા રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે?

રથયાત્રાના દિવસે રથયાત્રા રૂટ તથા સંલગ્ન રોડ ઉપર કોઈ અવ્યવસ્થા ઉભી ન થાય અને ટ્રાફિકજામ ન સર્જાય તે માટે રોડ ડાયવર્ઝન આપવામાં આવશે. તે અંગેનું જાહેરનામું આગલા દિવસે પ્રસિદ્ધ કરી પ્રેસ મીડિયા તથા સોશિયલ મીડિયા મારફતે નાગરિકોને જાણ કરવામાં આવશે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં મિડકેપ, સ્મોલકેપનો નોંધપાત્ર દેખાવ

નવી દિલ્હીઃ આ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ભારતીય શેરોનું પ્રદર્શનની દ્રષ્ટિએ છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ તેજીમય રહ્યું હતું. જાન્યુઆરીથી જૂન 2024 સુધી નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 10.5 ટકા અને BSE સેન્સેક્સમાં 9.4 ટકાની તેજી થઈ હતી. જોકે આ સમયગાળામાં BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 25 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 22 ટકાની તેજી થઈ હતી.

આ અર્ધવાર્ષિક ગાળામાં, ઓટો, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ અને PSU જેવાં ક્ષેત્રોના શેરોમાં જોરદાર તેજી થઈ હતી. આ ક્ષેત્રોની કંપનીઓએ માર્ચ, ત્રિમાસિક (નાણાં વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક)માં અપેક્ષાથી વધુ નફો નોંધાવ્યો હતો અને દેશી રોકાણકારોએ આ ક્ષેત્રોના શેરોમાં ધૂમ લેવાલી કાઢી હતી.

સ્થાનિક રોકાણકારોએ આ અર્ધવાર્ષિક ગાળામાં આશરે રૂ. બે લાખ કરોડ શેરબજારમાં ઠાલવ્યા હતા. BSE રિયલ્ટી ઇન્ડેક્સ આ છ મહિનામાં 40 ટકાની તેજી થઈ હતી. ત્યાર બાદ એનર્જી ઇન્ડેક્સ 37 ટકા અને ઓટો ઇન્ડેક્સ 30 ટકા વધ્યા હતા.

નિફ્ટી 50 ઇન્ડેક્સના કુલ 10 શેરોએ છ મહિનામાં 30 ટકાથી વધુની તેજી નોંધાવી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 66 ટકાનો ઉછાળો આવ્યો હતો. ત્યાર બાદ અદાણી પોર્ટ્સ એન્ડ SEZના શેરમાં 44 ટકા અને શ્રીરામ ફાઇનાન્સના શેરમાં 43 ટકા તેજી થઈ હતી.

ઉપલબ્ધ આંકડા અનુસાર સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં ઘરેલુ શેરબજારોમાં રૂ. 2.3 લાખ કરોડનું મૂડીરોકાણ કર્યું હતું, જે પાછલા વર્ષની તુલનાએ આશરે ત્રણ ગણું છે. ગયા વર્ષે પહેલા અર્ધવાર્ષિક ગાળામાં DIIએ શેરબજારોમાં રૂ. 86,568 કરોડનું મૂડીરોકાણ કર્યું હતું., પણ આ વખતે FII છ માસિક ગાળામાં રૂ. 4557 કરોડના ચોખ્ખા વેચવાલ રહ્યા હતા.

 

 

 

 

 

 

 

NEET વિવાદ મુદ્દે CBIની તપાસ તેજ, 4 આરોપીના રિમાન્ડ મંજૂર..

NEET UG પેપર લીક મામલે CBIની તાપસ ચાલી રહી છે. NEET પેપર કાંડને લઈ કેટલાક કનેક્સન ગુજરાતથી પણ જોડાયેલા છે. ત્યારે CBI ફરી એક આરોપીને ઝડપી પાડ્યો છે. CBI એ NEET પેપર લીક મામલે હજારી બાગથી પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરી છે. હાલ સુધીમાં NEET પેપર લીક મામલે CBIની આ 5મી ધરપકડ છે. આ પહેલા CBIએ ઓએસિસ સ્કૂલ હજારીબાગના પ્રિન્સિપાલ એહસાન ઉલ હક, વાઈસ પ્રિન્સિપાલ ઈમ્તિયાઝ આલમ, મનીષ અને આશુતોષની ધરપકડ કરી હતી. પત્રકાર જમાલુદ્દીનકથિત રીતે ડો. હક અને આલમની મદદ કરી રહ્યો હતો.

આ મામલે તપાસ દરમિયાન CBIની ટીમે પ્રિન્સિપાલ એહસાન ઉલ હક સાથે બે પત્રકારોનું કનેક્શન પણ ટ્રેક કર્યું હતું. એક પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરી લેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ધરપકડ કરવામાં આવેલ પત્રકાર ઝારખંડના એક હિન્દી દૈનિક અખબાર સાથે સંકળાયેલો છે. આ ઉપરાંત NEET પેપર લીક મામલે કેટલાક બીજા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ધરપકડ થવાની સંભાવના છે.

પ્રિન્સિપાલની તાપસ દરમિયાન જાણવા મળ્યું કે પત્રકાર અને પ્રિન્સિપાલ વચ્ચે સતત વાતચીત ચાલી રહી હતી. અહેસાન ઉલ હકની કોલ ડિટેઈલના આધાર પર પત્રકારને CBI દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. CBIનું NEET કેસમાં ગુજરાતમાં 7 સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. CBI પહેલાથી જ સંજીવ મુખિયાના બે સ્પેશિયલ મેમ્બર ચિન્ટુ અને મુકેશને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરી રહી છે. CBIને શંકા છે કે હજારીબાગની ઓએસિસ સ્કૂલમાંથી જ NEETનું પેપર લીક થયું હતું અને એહસાન-ઉલ-હક અને ઈમ્તિયાઝ આલમની તેમાં ભૂમિકા હતી. લીક થયા બાદ NEET પરીક્ષાનું પેપર માફિયા સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું.

આરોપીઓના રિમાન્ડને મળી મંજૂરી

સીબીઆઇ દ્વારા ઝડપાયેલા 4 આરોપીઓના 4 દિવસના રિમાન્ડની કોર્ટ સમક્ષ માગ કરાઈ હતી. ગોધરા ચીફ કોર્ટમાં સીબીઆઇની રિમાન્ડ અરજી પર સુનાવણી થઈ હતી. જેમાં સીબીઆઇ દ્વારા આરીફ વોરા, તુષાર ભટ્ટ, વિભોર આનંદ અને પરષોત્તમ શર્માની 4 દિવસની રિમાન્ડ અરજી કરાઈ હતી. ગોધરા ચીફ કોર્ટ દ્વારા 4 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા સીબીઆઇ દ્વારા તમામ 4 આરોપીઓની કસ્ટડી મેળવવામાં આવી છે. સીબીઆઇ દ્વારા આ તમામ 4 આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવશે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે હારીત શુક્લાની નિમણૂંક

ગાંધીનગર: રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે હારિત શુક્લાની નિમણૂંક કરાઇ છે. હારિત શુક્લા ટુરિઝમ વિભાગના અગ્રસચિવ પદ પર હતા. અગ્રસચિવમાંથી બદલી કરીને તેમને મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. અત્યાર સુધી પી.ભારતી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કાર્યરત હતા.

હારિત શુક્લા 1999ની બેંચના આઇ.એ.એસ. અધિકારી છે. તેઓ પહેલાં ટુરિઝમ અને એવિએશનમાં પ્રિન્સિપાલ સેક્રેટરી હતા. હરિત શુક્લાની ટુરિઝમ વિભાગમાંથી બદલી કરીને રાજ્યના મુખ્ય નવા ચૂંટણી કમિશનર તરીકે નિમણુંક થઇ છે.

T20 વર્લ્ડ કપ : રોહિત શર્મા વિરાટ કોહલીનો રેકોર્ડ તોડશે

રોહિત શર્મા T20 વર્લ્ડ કપ 2024માં તોફાની ફોર્મમાં છે. ખાસ વાત એ હતી કે રોહિતે પોતાની બેટિંગ દરમિયાન કોઈ પણ પ્રકારના રેકોર્ડની પરવા નહોતી કરી. રોહિત જ્યારે બેટિંગ કરતો હતો ત્યારે તે સંપૂર્ણપણે દેશ માટે રમતો હતો. ચાલો તમને જણાવીએ કે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં આયોજિત T20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્માની સફર કેવી રહી?

રોહિત તોડશે કોહલીનો આ મોટો રેકોર્ડ

આ T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માએ અત્યાર સુધી 7 મેચમાં 248 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 41.33 અને સ્ટ્રાઈક રેટ 155.97 છે. જો તે ફાઇનલમાં 72 રન બનાવશે તો તે વિશ્વની કોઈપણ T20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. વિરાટ કોહલીએ બાંગ્લાદેશમાં 2014ના વર્લ્ડ કપમાં 319 રન બનાવ્યા હતા અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં 2022ના વર્લ્ડ કપમાં 296 રન બનાવ્યા હતા. 2014માં તેણે બનાવેલા 319 રન 106.33ની એવરેજથી આવ્યા હતા, જે વિશ્વ કપની સિઝનમાં કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી વધુ છે.

T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની સફર આવી રહી 

  • ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામેની ઓપનિંગ મેચમાં 52 રનની અણનમ ઇનિંગ રમી હતી.
  • રોહિત શર્મા ન્યૂયોર્કમાં પાકિસ્તાન સામે 13 રન બનાવી શક્યો હતો
  • ન્યુયોર્કમાં અમેરિકા સામે 3 રન બનાવીને સૌરભ નેત્રાવલકરનો શિકાર બન્યો હતો.
  • અફઘાનિસ્તાન સામે રોહિત માત્ર 8 રન બનાવી શક્યો હતો.
  • રોહિતે બાંગ્લાદેશ વિરૂદ્ધ 23 રનની ઇનિંગ રમી હતી.
  • રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 41 બોલમાં 92 રનની તોફાની ઇનિંગ રમી હતી.
  • રોહિત એક સમયે સૌથી ઝડપી તોફાની સદીનો રેકોર્ડ બનાવવાની નજીક હતો.
  • રોહિતે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં 39 બોલમાં 57 રન બનાવ્યા હતા.

ઘાત ટળીઃ દિલ્હી પછી રાજકોટ હીરાસર એરપોર્ટની કેનોપી પડી

રાજકોટઃ દિલ્હી એરપોર્ટ દુર્ઘટના પછી રાજકોટમાં પણ ભારે વરસાદને પગલે એરપોર્ટની કેનોપી (કપડા કે કોઈ ધાતુની પાળથી ચાદર) તૂટી ગઈ છે. આ દુર્ઘટનામાં કોઈ ઘાયલ થવાના અહેવાલ નતી. અહીં વરસાદને કારણે જે ભાગની છત પડી છે એ એરપોર્ટની બહારનો ભાગ છે. અહીં યાત્રીઓને છોડવા અને લેવા માટે આવતા વાહનો ઊભા રહે છે. એને કારણે એરપોર્ટના વહીવટમાં કોઈ મુશ્કેલી નથી આવી. એનાથી ફ્લાઇટ્સની ઉડાનોમાં પણ કોઈ ફરક નથી પડ્યો. અત્યાર સુધી આ મામલામાં કોઈ સત્તાવાર માહિતી નથી આવી. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે એક મોટો અકસ્માત ટળી ગયો હતો. અહીં પણ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 જેવી દુર્ઘટના થતાં-થતાં બચી ગઇ હતી. રાજકોટ હીરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ-ડ્રોપ એરિયામાં ઉપર લાગેલી કેનોપી તૂટી પડી હતી. જોકે સદનસીબે કોઇ જાનહાનિ નથી થઈ. PM મોદીને હસ્તે જુલાઈ, 2023માં રાજકોટ એરપોર્ટની નવી ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એરપોર્ટના વિસ્તારનો રૂ. 1400 કરોડ કરતાં વધુ ખર્ચે કરવામાં આવ્યો હતો.

દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના

શુક્રવારે વહેલી સવારે ત્રણથી ચાર કલાકમાં અંદાજે નવ ઈંચ વરસાદમાં  દિલ્હી જળબંબાકાર થઈ ગયું હતું. અહીં ભારે વરસાદને પગલે એરપોર્ટ પર છત તૂટી પડી હતી. દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-૧ની છત તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે કેટલીક ફ્લાઇટ્સ રદ કરી દેવી પડી હતી તેમ જ અનેક કારોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

 

 

 

 

 

 

અનંત અંબાણીના લગ્ન પહેલા મોહન ભાગવત એન્ટિલિયા પહોંચ્યા

મુંબઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે માત્ર 15 દિવસ બાકી છે. ટૂંક સમયમાં બંને લગ્ન કરી લેશે. આખો અંબાણી પરિવાર અનંત અંબાણીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. નીતા અંબાણીથી લઈને મુકેશ અંબાણી તેમના લાડકા નાના પુત્રના લગ્નની ખાસ તૈયારીઓ કરી રહ્યા છે. લગ્નના કાર્ડનું વિતરણ પણ શરૂ થઈ ગયું છે. VVIP મહેમાનોને અંગત આમંત્રણ આપવા અંબાણી પરિવારના સભ્યો પહોંચી રહ્યા છે. આ બધાની વચ્ચે આજે મોહન ભાગવત એન્ટિલિયા હાઉસ પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અનંત અંબાણી અને મુકેશ અંબાણી બંને મોહન ભાગવતના સ્વાગતમાં ઉભા જોવા મળ્યા હતા. આ દરમિયાન અન્ય ઘણા લોકો પણ હાજર હતા. મુકેશ અંબાણીએ મોહન ભાગવત અને તેમના સાથીદારોનું ખૂબ જ નમ્રતાથી સ્વાગત કર્યું.

મોહન ભાગવતને આવકારવા માટે અનંત અંબાણીએ નારંગી રંગનો કુર્તો અને મેચિંગ જેકેટમાં સજ્જ હતાં.નીતા અંબાણી સિલ્કની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. અંબાણી પરિવારે મોહન ભાગવતનું તેમના ઘરે હાથ જોડીને સ્વાગત કર્યું હતું. આ દરમિયાન અનંત અંબાણીએ મોહન ભાગવતના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.

થોડા દિવસો પહેલા મુકેશ અંબાણી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા હતા અને તેમને તેમના પુત્રના લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. આ પહેલા અનંત અંબાણીએ પણ બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારને પોતાના લગ્નમાં અંગત રીતે આમંત્રણ આપ્યું હતું. આ સિવાય તેણે રણબીર કપૂર અને આલિયા ભટ્ટને પણ લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. તેની તસવીરો અને વીડિયો પણ વાયરલ થયા હતા.

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને સ્થાપક નીતા અંબાણી પહેલા કાશી વિશ્વનાથ મંદિરમાં તેમના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને તેમના લગ્ન માટે આમંત્રણ આપવા ગયા હતા અને ભગવાનના આશીર્વાદ માંગ્યા હતા. ભગવાન વિશ્વનાથના દર્શન કર્યા બાદ તેમણે મીડિયાને કહ્યું, ‘મેં હમણાં જ બાબા ભોલેનાથના દર્શન કર્યા છે. હું ખૂબ જ ધન્યતા અનુભવું છું… હિંદુ પરંપરા મુજબ, આપણે સૌ પ્રથમ ભગવાનના આશીર્વાદ માંગીએ છીએ. મેં બાબાને લગ્ન માટે આમંત્રણ આપ્યું છે…”

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહ

તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈના રોજ થશે. લગ્ન માટે ભારતીય પરંપરાગત ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. 14મી જુલાઈએ મંગલ ઉત્સવ એટલે કે લગ્નનું રિસેપ્શન હશે અને ડ્રેસ કોડ ભારતીય ચીક છે. આ તમામ લગ્ન સમારંભો BKCના Jio વર્લ્ડ સેન્ટરમાં થશે.

CBIએ ચાર લાખથી વધુ નકલી વિદ્યાર્થીઓ પર નોંધી FIR

નવી દિલ્હીઃ હરિયાણાની સરકારી સ્કૂલોમાં વર્ષ 2016માં ચાર લાખ નકલી વિદ્યાર્થીઓ સંબંધમાં FIR CBIએ નોંધી છે, એમ અધિકારીઓએ માહિતી આપી હતી. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા બીજી નવેમ્બર, 2019એ આપવામાં આવેલા આદેશ પછી આ મામલાની તપાસ CBIને સોંપવામાં આવી હતી. CBIએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે આ મામલાની તપાસ મોટી સંખ્યામાં લોકોની જરૂર છે અને તપાસનું કામ રાજ્ય પોલીસને સોંપવામાં આવવું જોઈએ.

SCએ હાલમાં CBIની એ અરજી ફગાવી દીધી હતી. જે પછી તપાસ એજન્સીએ આ મામલા સંબંધમાં FIR નોંધી હતી. હાઇકોર્ટને 2016માં જણાવવામાં આવ્યું હતું કે હરિયાણાની સરકારી સ્કૂલોમાં વિવિધ વર્ગોમાં 22 લાખ વિદ્યાર્થીઓ હતા, પરંતુ વાસ્તવમાં માત્ર 18 લાખ વિદ્યાર્થીઓ હતા અને ચાર લાખ વિદ્યાર્થીઓનો પ્રવેશ નકલી માલૂમ પડ્યા હતા.

કોર્ટે એ પણ જણાવ્યું હતું કે સમાજના પછાત કે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને સ્કૂલ જવા માટે પ્રોત્સાહિત કરવા તથા મધ્યાહન ભોજન યોજના હેઠળ કેટલાક લાભ આપવામાં આવ્યા હતા. હાઇકોર્ટે રાજ્ય સતર્કતા વિભાગને ચાર લાખ અસ્તિત્વહીન વિદ્યાર્થીઓ સંબંધમાં પૈસાની હેરાફેરીની તપાસ માટે એક વરિષ્ઠ અધિકારીને નિયુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

હાઇકોર્ટે વર્ષ 2019માં આ મામલાની સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે આ મામલા સંબંધમાં FIR નોંધ્યા પછી તપાસ બહુ ધીમી છે. ત્યાર બાદ એને ઉચિત, ગહન અને ત્વરિત તપાસ માટે આ મામલો CBIને સોંપ્યો હતો.

 

 

 

 

 

 

 

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 159 તાલુકામાં નોંધાયો વરસાદ

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસો માટે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. અને આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં વરસાદ નોંધઘાયો હતો. હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ તેમજ રાજ્યના અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. ત્યારે આજે પણ રાજ્યભરમાં મેઘમહેર થવાની શક્યતા છે. જેને પગલે આજે રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગઈકાલે સુરત સહિત દ.ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો હતો. આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 159 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ નવસારીમાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 22 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધી નવસારીમાં 17 MM, જલાલપુરમાં 11 MM, ગીરસોમનાથમાં 7 MM, વાગરામાં 6 MM સહિત અન્ય તાલુકામાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. તો રાજકોટમાં મેઘ રાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી હતી. જ્યારે અમરેલીના રાજુલામાં ભારે વરસાદના પગલે મુખ્ય બજારમાં વરસાદી પાણી વહેતા થયા હતા.

દ.ગુજરાતમાં નવસારી સહિતના જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સુરત જિલ્લામાં ગઈકાલે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરતમાં ગઈકાલે વહેલી સવારથી જ મેઘરાજાએ પધરામાણી કરી હતી. વરાછા, અઠવાલાઈન, રાંદેર, અમરોલી સહિત સમગ્ર શહેરમાં સવારે ધીમીધારે વરસ્યા બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો.

ઉલ્લેખનીય છે આગામી ચાર દિવસ માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમાં આવતી કાલની વાત થાય તો, આવતી કાલે એટલે 30 જૂનના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

લદ્દાખમાં ટેન્ક અભ્યાસ દરમ્યાન દુર્ઘટનાઃ પાંચ જવાનનાં મોત

નવી દિલ્હીઃ લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં નદી પાર કરવા માટે ટેન્ક અભ્યાસ દરમ્યાન અચાનક જળસ્તર વધવાથી દુર્ઘટના ઘટી છે, જેમાં સેનાના પાંચ જવાનોએ જીવ ગુમાવ્યા છે. આ માહિતી સંરક્ષણ વિભાગના અધિકારીએ આપી હતી. એ દુર્ઘટના વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. શનિવારે લદ્દાખના ન્યોમા-ચુશુલ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની પાસે અચાનક આવેલા પૂરને કારણે ટેન્ક ડૂબવાથી પાંચ સૈનિકના માર્યા જવાની આશંકા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

સેનાના જવાનો લદાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં નદી પાર કરવાનો ટેન્ક અભ્યાસ કરી રહ્યા હતા. એ દરમિયાન અચાનક નદીનું જળ સ્તર વધી જતાં ટેન્ક પાણીની અંદર જ ફસાઈ ગઈ હતી.લેહથી 148 કિલોમીટર દૂર તાલીમ અભ્યાસ દરમ્યાન શુક્રવારે મોડી રાત્રે આ દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં T-72 ટેન્ક પર સવાર સૈનિક ડૂબ્યા હતા.

વાસ્તવમાં શુક્રવારે દૌલત બેગ ઓલ્ડીમાં ટેન્ક અભ્યાસ ચાલી રહ્યો હતો અને સેનાના અનેક ટેન્ક અહીં હાજર હતા. આ દરમિયાન ટેન્ક દ્વારા નદી કેવી રીતે પાર કરવામાં આવે છે તેનો અભ્યાસ ચાલી રહ્યો હતો. આ અભ્યાસ અંતર્ગત જ્યારે એક ટેન્ક નદી પાર કરવાનો પ્રયાસ કરવા લાગ્યું ત્યારે અચાનક નદીનો પ્રવાહ તેજ થઈ ગયો અને ટેન્ક તણાઈ ગઈ.

આ યુદ્ધ અભ્યાસ દરમ્યાન ઊંચાઈવાળા વિસ્તારોમાં વાદળ ફાટવાને કારણે અચાનક નદીમાં પૂર આવી ગયો ગયું હતું, જેથી એક ટેન્ક ફસાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એક જુનિયર કમિશન્ડ અધિકારી પણ સામેલ છે.