Home Blog Page 1667

અમદાવાદમાં વકર્યો પાણીજન્ય રોગચાળો

રાજ્યમાં ચોમાસુ જામી ચૂક્યુ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. તો બીજી બાજું ચોમાસાની સાથે અમદાવાદમાં પાણી જન્ય રોગચાળામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં OPD 3000થી વધુને પાર પહોંચી ગઈ છે,અસારવા સિવિલ હોસ્પિટલમાં કમળાના એક મહિનામાં 180 કેસ નોંધાયા છે.જયારે એક સપ્તાહમાં 47 કેસ જેમાં 30 દર્દીને દાખલ કરવામાં આવ્યા છે.400થી વધુ ઝાડા ઉલટીના એક સપ્તાહમાં 97 કેસ નોંધાયા છે.

મળતી માહિતી અનુસાર વાઇરલ ફીવરનાં ગત મહિને 650 કેસ નોંધાયા હતા તો છેલ્લા એક સપ્તાહમાં 58 કેસ નોંધાયા છે.ટાઇફોઇડના છેલ્લા એક મહિનામાં 22 કેસ તો એક સપ્તાહમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદના ડોક્ટરોએ પાણી ઉકાળીને પીવાની સલાહ આપી છે. પાણીજન્ય રોગચાળો હજી પણ વધી રહ્યો છે. પ્રદૂષિત પાણીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. જુલાઈ મહિનામાં શહેરમાં ઝાડા ઉલ્ટી અને ટાઈફોડના કેસ વધ્યા છે. પીવાનું પાણી અને ગટરના પાણી મિક્સ થવાથી પ્રદૂષિત પાણીને લઈ રોગચાળામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. સૌથી વધારે પ્રદૂષિત પાણીના કારણે રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે. સ્લમ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનો અને ગટરની લાઈનોમાં તકલીફના કારણે હવે રોગચાળો પણ વકર્યો છે. ખાસ કરીને કોટ વિસ્તારમાં જ્યાં જૂની પાણીની પાઇપલાઇનમાં બદલાવની જરૂર પડે ત્યાં લાઈન બદલવાની કામગીરી કરવામાં આવશે.

દિલ્હીના રાજકારણમાં ફરી ઉથલપાથલ

આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ નેતા અને મંત્રી રાજકુમાર આનંદ ભાજપમાં જોડાયા છે. તેમણે લોકસભા ચૂંટણી પહેલા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને બસપામાં જોડાયા હતા. હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેમની સાથે AAPના વર્તમાન ધારાસભ્ય કરતાર સિંહ તંવર, રત્નેશ ગુપ્તા, સચિન રાય, પૂર્વ ધારાસભ્ય વીણા આનંદ અને AAP કાઉન્સિલર ઉમેદ સિંહ ફોગાટ પણ ભાજપમાં જોડાયા છે. આ નેતાઓ દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. તાજેતરમાં એપ્રિલમાં રાજકુમાર આનંદે ભ્રષ્ટાચાર અંગેની પાર્ટીની નીતિ પર અસંતોષ વ્યક્ત કરીને કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમનું રાજીનામું સીધું દારૂ નીતિ કેસ સાથે જોડાયેલું હતું, જેમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સહિતના અગ્રણી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.

લોકસભા ચૂંટણીમાં કારમી હાર

તમને જણાવી દઈએ કે રાજકુમાર આનંદે BSPની ટિકિટ પર નવી દિલ્હી સીટ પરથી તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી લડી હતી. ચૂંટણી જંગમાં તેમને માત્ર 5629 વોટ મળ્યા હતા. બીજેપીના બાંસુરી સ્વરાજે આ સીટ પર 78370 વોટથી જીત મેળવી હતી. તેમને 453185 મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી 374815 મતો સાથે બીજા ક્રમે છે. પટેલ નગરના ભૂતપૂર્વ ધારાસભ્ય રાજ ​​કુમાર આનંદ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી કેબિનેટમાં સમાજ કલ્યાણ અને એસસી/એસટી પ્રધાન હતા. આનંદે કહ્યું કે તેણે આવું એટલા માટે કર્યું કારણ કે તે પોતાનું નામ ચાલી રહેલા ભ્રષ્ટાચાર સાથે જોડી શક્યો નથી.

જ્યારે AAP ધારાસભ્યના ઘરે ઈન્કમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા

જુલાઈ 2016માં ઈન્કમ ટેક્સની ટીમે કરતાર સિંહ તંવરના ઘરે દરોડા પાડ્યા હતા. આવકવેરા અધિકારીઓએ 27 જુલાઈની સવારે દક્ષિણ દિલ્હીના છતરપુરથી AAP ધારાસભ્ય કરતાર સિંહ તંવરના ફાર્મ હાઉસ અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, આવકવેરા અધિકારીઓ સવારે સાડા આઠ વાગ્યે ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આવકવેરા વિભાગે દિલ્હીમાં 11 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 100થી વધુ અધિકારીઓ સામેલ હતા. તે સમયે કરતાર સિંહ તંવરની 20 કંપનીઓ તપાસ હેઠળ હતી.

મુંબઈ: વિદ્યાર્થીઓ અને યુવાનો માટે જૂની રંગભૂમિના ગીતોની શિબિર

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી યુવાનો સુધી ગુજરાતી સાહિત્ય પહોંચાડવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે. આ વખતે અકાદમીએ વિદ્યાર્થીઓ તથા યુવાનો જૂની રંગભૂમિના ગીતો સમજે, માણે અને સાથે ગાવાની તાલીમ પણ લે એ માટે એક શિબિરનું આયોજન કર્યું છે.

સ્નેહલ મઝુમદાર, મીનળ પટેલ અને ઉત્કર્ષ મઝુમદાર

ક.જે. સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયના સહયોગથી 11 અને 18 જુલાઈના રોજ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10:30 વાગ્યે કાલિદાસ સભાગૃહ, પહેલો માળ, ક.જે. સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલય, વિદ્યાવિહાર (પૂર્વ) ખાતે જૂની રંગભૂમિના ગીતોની શિબિર યોજાશે.

શિબિરનું સંચાલન વરિષ્ઠ કલાકાર ઉત્કર્ષ મઝુમદાર કરશે. એમની સાથે ગીતોની રજૂઆત માટે અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મઝુમદાર તથા વરિષ્ઠ અભિનેત્રી મીનળ પટેલ જોડાશે. આ કાર્યક્રમની પરિકલ્પના તથા સંકલન સંજય પંડ્યાના છે તથા સોમૈયા મહાવિદ્યાલય તરફથી ડૉ. હિતેશ પંડ્યા અને ડૉ. પ્રીતિ દવેએ સંકલનમાં પોતાનું યોગદાન આપ્યું છે. શિબિરમાં સારી સંખ્યામાં વિવિધ શાળા કૉલેજના વિદ્યાર્થીઓ તથા યુવાનોએ નોંધણી કરાવી છે, પરંતુ હજી કેટલાક ભાવકોનો સમાવેશ શક્ય છે. નોંધણી માટે સંજય પંડ્યાનો 98210 60943 વ્હોટસએપ મેસેજથી સંપર્ક કરી શકો છો.

શંભુ બોર્ડરને એક સપ્તાહમાં ખોલવાનો હાઇકોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ ખેડૂત આંદોલનને લઈને છેલ્લા પાંચ મહિનાથી બંધ અંબાલાની શંભુ બોર્ડરના મામલામાં હાઇકોર્ટે હરિયાણા સરકારને બોર્ડરથી બેરિકેડ દૂર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે આ રસ્તાને એક સપ્તાહમાં શરૂ કરવામાં આવે. ત્યાર બાદ દિલ્હીથી ચંડીગઢ જતા નેશનલ હાઇવે આશરે પાંચ મહિના પછી શરૂ થઈ જશે. અહીં પંજાબના ખેડૂતો સતત ધરણાં પર બેઠા છે.

પંજાબ-હરિયાણાની સરહદે શંભુ બોર્ડર પર 13 ફેબ્રુઆરીથી ખેડૂતોનાં ધરણાં જારી છે. એને કારણે શંભુ બોર્ડર પર કેન્દ્રીય સુરક્ષા દળ અને હરિયાણા પોલીસ જવાન તહેનાત છે. અહીં દિલ્હી ચંડીગઢ નેશનલ હાઇવેનો કેટલોક ભાગ બંધ હતો. હાઇકોર્ટે આદેશમાં કહ્યું હતું કે પંજાબ અને હરિયાણા સરકાર આ નેશનલ હાઇવેને ખોલવા માટે કાયદો વ્યવસ્થા જાળવે.

 હાઇકોર્ટના વકીલ વાસુ રંડન શાંડિલ્યએ શંભુ બોર્ડર ખોલાવવા માટે હાઇકોર્ટના જનહિત અરજી દાખલ કરી હતી. તેમણે અરજીમાં કહ્યું હતું કે છેલ્લા પાંચ મહિનાથી હરિયાણાની શંભુ બોર્ડરે પંજાબના ખેડૂતો ધરણાં કરી રહ્યા છે. એનાથી અંબાલાના વેપારને અસર પડી રહી છે. આ સિવાય લોકોની આવ-જામાં પણ ભારે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. એ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોના આંદોલનને કારણે છેલ્લા પાંચ મહિનાથી NH-44 બંધ છે. શાંડિલ્યએ અરજીમાં કહ્યું હતું કે પંજાબ અને હરિયાણા સરકાર સહિત કિસાન નેતા સ્વર્ણ સિંહ પંધેર અને જગજિત સિંહ ડલ્લેવાલને પણ પાર્ટી બનાવવામાં આવ્યા હતા. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ બોર્ડરના બંધ થવાથી NHIને રૂ. 108 કરોડથી વધુનું નુકસાન થઈ ચૂક્યું છે. 

હરણી દુર્ઘટના મામલે HCના 2 અધિકારીઓ સામે કાર્યવાહીના આદેશ

અમદાવાદ: હરણી લેક દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહાનગરપાલિકાના બે તત્કાલિન કમિશનરોને જવાબદાર ઠેરવ્યા છે અને સરકારને આ 2 અધિકારીઓ સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. બંને અધિકારી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા સરકારને સૂચના આપી છે. હાઈકોર્ટે વિનોદ રાવ અને એસ.એચ.પટેલ સામે કાર્યવાહી કરવા માટે સરકારને આદેશ આપ્યા છે. સાથે જ સ્થાયી સમિતી અને ઠરાવ પાસ કરનારા તમામ કાઉન્સિલરને પણ જવાબદાર ઠેરવ્યા છે.

વડોદરા હરણીકાંડમાં ગુજરાતના શિક્ષણ સચિવ વિનોદ રાવ કે જેઓ ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર હતા અને નિવૃત્ત મ્યુનિસિપલ કમિશનર એચ. એસ. પટેલ સામે પગલાં લેવા હાઇકોર્ટે તાકીદ કરી છે. પ્રાથમિક તારણમાં હરણીકાંડની કંપનીને પ્રોજેક્ટની ખોટી રીતે મંજૂરી અપાઈ હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં હરણીકાંડમાં માસૂમ બાળકોનો જીવ લેનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીના આદેશ કરાયા છે. સમગ્ર કાંડમાં હાઇકોર્ટે નોંધ્યું છે કે જે-તે સમયના મ.ન.પા. કમિશનર જ આ કાંડમાં જવાબદાર છે અને બંને સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે તેમની જવાબદારી સરખી રીતે નિભાવી નથી અને પોતાની સત્તાનો ગેરઉપયોગ કર્યો છે. કોટીયા પ્રોજેક્ટસ કોઇપણ સંજોગોમાં યોગ્ય બિડર ન કહેવાય. ફેક્ટ ફાઇન્ડીંગ કમિટીના રિપોર્ટમાં તમામ વિગતો સામે આવતા કોર્ટે કાર્યવાહીના આદેશ કર્યા છે. જો કે હવે જોવાનું એ છે કે સરકાર આ બંન્ને અધિકારી સામે કેવાં પ્રકારના પગલાં લે છે.

મુંબઈ: આ સાત સ્ટેશનોના બદલાશે નામ, જાણો કયા સ્ટેશન છે યાદીમાં?

મુંબઈ: સેન્ટ્રલ, વેસ્ટર્ન અને હાર્બર લાઇન રેલવેના સાત સ્ટેશનોના નામ બદલવાના પ્રસ્તાવને વિધાનસભાના બંને ગૃહોએ મંજૂરી આપી દીધી છે. બંને ગૃહોની મંજૂરી મળ્યા બાદ હવે રાજ્યની મહાયુતિ સરકાર આ પ્રસ્તાવને મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલશે. ઉલ્લેખનીય છે કે કેટલાક સ્ટેશનોના નામ બદલવાની માંગ દક્ષિણ-મધ્ય મુંબઈના તત્કાલિન સાંસદ રાહુલ શેવાળે દ્વારા કરવામાં આવી હતી. આ વર્ષે માર્ચમાં કેબિનેટમાં સ્ટેશનોના નામ બદલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો,જેને ત્યાં પહેલા જ મંજૂર કરવામાં આવ્યો હતો. મંગળવારે સ્ટેશનોના નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભા અને વિધાન પરિષદમાં મૂકવામાં આવ્યો હતો, જેને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. વિધાન પરિષદ અને વિધાનસભામાં મંત્રી દાદા ભુસેએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

 

મુંબઈના રેલ્વે સ્ટેશનોના નામ અગાઉ પણ બદલવામાં આવ્યા છે. ઐતિહાસિક સ્ટેશન વિક્ટોરિયા ટર્મિનસનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને એલ્ફિન્સ્ટન રોડનું નામ બદલીને પ્રભાદેવી કરવામાં આવ્યું છે. ત્યારથી મુંબઈના ઘણા સ્ટેશનોના અંગ્રેજી નામ બદલવાની સતત માંગ કરવામાં આવી રહી છે. નામ બદલવા પાછળનો તર્ક એ હતો કે આ નામો વસાહતી વારસો દર્શાવે છે, તેથી તેમના નામ બદલવા જોઈએ. બંને ગૃહોમાં રજૂ કરાયેલા ઠરાવ મુજબ કરી રોડ સ્ટેશનનું નામ લાલબાગ, સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનનું નામ ડોંગરી, મરીન લાઇન્સનું નામ મુંબાદેવી, ચર્ની રોડનું નામ ગિરગાંવ, કોટન ગ્રીન સ્ટેશન કાલાચોકી, ડોકયાર્ડ રોડનું નામ મઝગાંવ અને કિંગ્સ સર્કલનું નામ તીર્થંકર પાર્શ્વનાથ કરવામાં આવશે. સેન્ડહર્સ્ટ રોડનું નામ બદલીને સેન્ટ્રલ લાઇન તેમજ હાર્બર લાઇન કરવામાં આવશે.

એરપોર્ટનું નામ બદલવાનો મુદ્દો ઉઠાવ્યો હતો
નામ બદલવાની દરખાસ્ત અંગે વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ છત્રપતિ સંભાજીનગર શહેરના એરપોર્ટનું નામ બદલવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ એરપોર્ટ આજે પણ ઔરંગાબાદ એરપોર્ટ કહેવાય છે. ઉપરાષ્ટ્રપતિ નીલમ ગોરહેએ દાનવેની ચર્ચાની માંગને ફગાવી દેતા કહ્યું કે સંબંધિત મંત્રી તેમના પ્રશ્નનો જવાબ પછી આપી શકશે. મહારાષ્ટ્ર સરકારે અગાઉ મરાઠવાડા ક્ષેત્રના ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ જિલ્લાનું નામ બદલીને અનુક્રમે સંભાજીનગર અને ધારાશિવ રાખ્યું હતું.

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, રાજ્યના 140 તાલુકામાં નોંધાયો વરસાદ

હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સહિતના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર ઉપર મંગળવારે બપોર પછી ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. રાજ્યના 140 તાલુકામાં રાત્રિ સુધીમાં વરસાદ વરસ્યો છે તેમાં સૌથી વધુ રાજકોટ નજીકના લોધિકા તાલુકામાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

તો આ બાજુ પાટણ-વેરાવળમાં રાત્ર સુધીમાં લગભગ પોણા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. અમરેલીના લાઠીમાં 4 ઈંચ, બગસરામાં 5 જેટલો વરસાદ નોંધાયો.  મેંદરડા અને તળાજામાં પણ બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે ગાજવીજ સાથે જામનગરમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. જ્યાં બે ખેડૂત સહિત એક મહિલાનું વીજળીના કારણે મોત નીપજ્યું હતું. ત્યારે બીજી બાજું સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વીજળી ગુલ પણ થઈ હતી.

મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્રપના 50થી વઘુ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટના ધોરાજીમાં અઢી ઈંચ સાથે આશરે સાડાત્રણ ઈંચ , જુનાગઢના વિસાવદર,મેંદરડામાં અઢી ઈંચ, કુંકાવાવ વડિયા, ગોંડલ, માળિયા હાટીના, સૂત્રાપાડા સહિત વિસ્તારોમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરમાં દોઢ ઈંચ વરસાદથી માધાપર ચોક સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મૂશ્કેલી વેઠવી પડી હતી.

મુસ્લિમ મહિલા માગી શકે છે પતિથી ભરણપોષણ ભથ્થું : SC

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે ચુકાદો આપ્યો હતો કે તલાકવાળી (છૂટાછેડાવાળી) મહિલાઓને અપરાધિક પ્રક્રિયા સંહિતા (CrPC)ની કલમ 125 હેઠળ ભરણપોષણનો દાવો કરવાનો અધિકાર છે. આ ચુકાદો કોર્ટે તેલંગાણા મામલે આપ્યો હતો, જેમાં એક મુસ્લિમ વ્યક્તિએ હાઇકોર્ટના એ ચુકાદાને પડકાર ફેંક્યો હતો, જેમાં તેણે ભૂતપૂર્વ પત્નીને વચગાળાના ભથ્થાં તરીકે રૂ. 10,000 આપવા માટે આદેશ આપ્યો હતો.

જસ્ટિસ બી.વી.નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહે અલગ-અલગ પણ એકમત જેવો જ ચુકાદો આપતાં કહ્યું હતું કે CrPCની કલમ 124 બધી મહિલાઓ પર લાગુ થાય છે. કોર્ટે કહ્યું હતું કે મુસ્લિમ મહિલાઓ એના માટે અરજી દાખલ કરી શકે છે. 125 CrPCને બદલે મુસ્લિમ મહિલા અધિનિયમ, 1986ની જોગવાઈ દ્વારા શાસિત હોવી જોઈએ.

કોર્ટે કહ્યું હતું કે એક ભારતીય મુસ્લિમ વિવાહિત મહિલાએ એ તથ્ય પ્રત્યે સાવચેત થવાની જરૂર છે જે આર્થિક રીતે સ્વતંત્ર નથી. આ પ્રકારના આદેશથી સશક્તીકરણનો અર્થ એ છે કે તેમની સંસાધનો સુધી પહોંચ જળવાઈ રહે. અમે અમારા ચુકાદામાં 2019ના કાયદા હેઠળ ગેરકાયદે તલાકનાં પાસાંઓ પણ ઉમેર્યા છે. અમારો નિષ્કર્ષ છે કે CrPCની કલમ 125 હેઠળ તમામ મહિલાઓ (લિવ ઇન સહિત અન્ય) પર આ ચુકાદો લાગુ પડે, ન કે ફક્ત વિવાહિત મહિલાઓ પર.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો કલમ 125 CrPC હેઠળ કેસ લંબિત હોય અને મુસ્લિમ મહિલા તલાક લઇ લે તો તે 2019ના કાયદાનો સહારો લઈ શકે છે. 2019નો કાયદો કલમ 125 CrPC હેઠળ વધારાના ઉપાયો પૂરા પાડે છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે એક મુસ્લિમ યુવકની અરજી ફગાવી દીધી હતી. જેમાં CrPCની કલમ 125 હેઠળ તેની તલાકશુદા પત્નીની તરફેણમાં વચગાળાના ભરણપોષણ આદેશને પડકારાયો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે મુસ્લિમ મહિલા (તલાક પર અધિકારોનું સંરક્ષણ) એક્ટ 1986ની કલમ 125ની જોગવાઈઓને રદ નહીં કરે.

 

 

 

 

ઉન્નાવ રોડ અકસ્માતમાં 18 લોકોનાં મોત, 20 ઘાયલ

લખનૌઃ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ભીષણ રોડ અકસ્માત થયો છે. આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર સ્લીપર બસ અને ટેન્કરની વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં 18 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં બે મહિલાઓ અને એક બાળક પણ સામેલ છે. આ અકસ્માતમાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બિહારના શિવગઢથી દિલ્હી જઈ રહેલી સ્લીપર બસ બેહટા મુજાવર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં હવાઈ પટ્ટી પર ટેન્કર સાથે જોરથી અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસના ફુરચેફુરચા ઊડી ગયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહેલી ડબલ ડેકર બસ સવારે 4.30 કલાકે ઉન્નાવના બેહટા મુજાવર પોલીસ સ્ટેશનના ગઢા ગામની સામે પહોંચી, ત્યારે દૂધના ટેન્કરનો ઓવરટેક કરવના પ્રયાસમાં ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે બસ બે ભાગોમાં ફાટી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા ઘટનાસ્થળે SP અને DM પહોંચ્યા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

CM યોગી આદિત્યનાથે ઉન્નાવ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે મારી સંવેદનાઓ શોકાકુળ પરિવારની સાથે છે. તેમણે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે રાહત કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા હતા.

વડા પ્રધાન ઓફિસની ઓફિસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે વડા પ્રધાને ઉન્નાવ દુર્ઘટનામાં પ્રત્યેક મૃતકના પરિવારજનોને PMNRFથી રૂ. બે લાખની રકમની ઘોષણા કરી હતી અને ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે. રાષ્ટ્રપતિએ આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

સાત આધ્યાત્મિક સિધ્ધાંતો: શ્રી શ્રી રવિશંકરજી

પહેલો સિધ્ધાંત: જે ચેતના તમારા જીવનને ચલાવી રહી છે તે પવિત્ર છે; આ જીવન ઊર્જાનું સન્માન કરો. જો તમે તેને સન્માન આપો છો તો કુદરતી રીતે અન્ય સદ્ગુણો વિના પ્રયત્ને તમારી અભિવ્યક્તિ બની જશે. તમે ઉદાર બનો છો, તમારામાં આત્મીયતા હોય છે અને તમને દરેક વ્યકિત અને વસ્તુ સાથે પોતીકાપણું લાગે છે.

બીજો સિધ્ધાંત: અન્યોને અથવા પોતાને દોષારોપણ કરવાનું બંધ કરો અને અન્યો તથા પોતાની પ્રશંસા કરવાનું શરુ કરી દો. આનો અર્થ એ નથી કે જ્યારે જરુર હોય ત્યારે પણ તમારે આલોચના ના કરવી જોઈએ. તમે આલોચના કરી શકો છો, પરંતુ ટીકા તમારા હ્રદયમાંથી ના નીકળવી જોઈએ;તે માત્ર વાણી થકી હોવી જોઈએ.

ત્રીજો સિધ્ધાંત: ભૂલ તરફ આંગળી ચીંધો પરંતુ ઉકેલ પણ બતાવો. તમે કોઈ સમસ્યાની રજૂઆત કરો પણ તેનો ઉકેલ ના સુચવો તો અધૂરું કહેવાય. જો તમને તાત્કાલિક ઉપાય નથી મળતો તો ઉપાય શોધવા સહિયારા પ્રયાસોમાં જોડાવ.

ચોથો સિધ્ધાંત: કોઈ વ્યકિતનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી હોતું. દરેક વ્યકિતગત મન વૈશ્વિક મન સાથે સંકળાયેલું હોય છે. દરેક ઘટના વૈશ્વિક સમય-સ્થળની યોજના અનુસાર ઘટે છે. સમય બદલાય છે અને મિત્રો શત્રુ બની જાય છે અથવા વિપરીત થાય છે. આત્મામાં, પોતાનામાં અને જીવનમાં ઊંડી શ્રધ્ધા રાખો.

પાંચમો સિધ્ધાંત: પોતાની જાત માટે થોડો સમય ફાળવો. થોડા સમય માટે એકલા રહો. વર્ષમાં થોડા દિવસો અને દિવસમાં થોડી ક્ષણો માટે.આમ કરવાથી તમે જે ઊર્જા છો, ચૈતન્ય છો, તે સુદ્રઢ થાય છે.

છઠ્ઠો સિધ્ધાંત: સમજો કે બધું ક્ષણિક છે, બધું પરિવર્તનશીલ છે. તમે જે કંઈને “આ” તરીકે સંબોધો કરો છો, તે બદલાઈ જાય છે. “આ” તરીકે જે સંબોધન કરે છે તે નથી બદલાતું. અનુભવ અસ્પર્ષ્ય રહે છે, બદલાતો નથી. “હું ખુશ છું”, એમાં “હું” શું છે?;ત્યાર બાદ “હું” નથી રહેતું,પણ “હું છું” બોધનાવસ્થા રહે છે. જ્યારે આ મર્યાદિત “હું છું” બોધનાવસ્થાનો લોપ થાય છે ત્યારે તે “છે” પણું બને છે. દરેક વસ્તુ “છે”;પર્વતો છે,વૃક્ષો છે,હું છું.”હું” માત્ર એક પરપોટો છે, તે અદ્રશ્ય થઈ જાય છે. એ અવસ્થા છે “સમાધિ”; એ ધ્યાન છે.

 

સાતમો સિધ્ધાંત: તમારા ધ્યાનને લીધે થતા આનંદ કે ખુશીને સમર્પણ કરો. જતું કરો, શાંતિને પણ પકડી ના રાખો; જ્યારે તમે શાંતિને પકડી રાખો છો ત્યારે તમને માત્ર ખલેલ મળે છે. જો તમે આનંદને પકડી રાખો છો તો જે મળે છે તે છે માત્ર દુખ. તમને જો આનંદની પડી નથી તો દુખ તમને સ્પર્શી નહીં શકે. જો તમને શાંતિની પડી નથી તો કંઈ પણ તમને વ્યગ્ર નહીં કરી શકે. બધું જીવનના ભાગ તરીકે છે,આથી જીવનની દરેક પરિસ્થિતિનો વિકાસના સોપાન તરીકે ઉપયોગ કરો. દરેક વસ્તુને જીવનના ભાગ તરીકે સ્વીકારો અને અપનાવો. આ ધૈર્ય આધ્યાત્મિકતાનો સાતમો સિધ્ધાંત છે. જ્યારે તમે ઈચ્છાને વળગીને નથી રહેતા ત્યારે તમે મુક્ત થાવ છો અને જ્યારે તમે સ્વતંત્રતાને વળગીને નથી રહેતા ત્યારે તમે જીવન ઉપલબ્ધ કરો છો.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)