Home Blog Page 1638

F&O ટ્રેડના સટ્ટામાં ઘરેલુ બચત ગુમાવતા યુવાઃ સેબી

નવી દિલ્હીઃ કેપિટલ માર્કેટ નિયામક સેબીએ ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O)માં સટ્ટો કરવાની વિરુદ્ધ ચેતવણી આપી હતી, કેમ કે એ હવે અર્થતંત્રને અસર કરી રહ્યો છે, એમ સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે કહ્યું હતું. ઘરેલુ બચત સટ્ટાબાજીમાં જઈ રહી છે અને યુવકો F&Oમાં નોંધપાત્ર પૈસા ગુમાવી રહ્યા છે. એનાથી ઘરેલુ બચતમાં ઘટાડો થઈ રહ્યો છે.

તેમણે SBI મ્યુચ્યુઅલ ફંડના કાર્યક્રમમાં કહ્યું હતું કે આ રોકાણકારોનો એક નાનો મુદ્દો અર્થતંત્રનો એક વ્યાપક મુદ્દામાં ફેરવાઈ ગયો છે. સેબીના એક રિસર્ચ મુજબ રોકાણકાર F&O સેગમેન્ટમાં 10માંથી નવ સોદાઓમાં નુકસાન ભોગવે છે. જોખમના ખુલાસા કરવા પર ભાર આપતાં સેબી હાલમાં આ ક્ષેત્રમાંથી રોકાણકારોને દૂર રાખવા માટે સક્રિય રીતે પ્રયાસ કરી રહી છે.

સેબીએ આ ક્ષેત્રમાં કામકાજ બહુ ઝડપથી વધવાને કારણે ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે બધાને બજાર વિકાસ પર સેબીની જવાબદારી યાદ અપાવતાં આવી ચેતવણીને ઉચિત ઠેરવી હતી. હાલમાં સેબીએ કેટલાંક ઇક્વિટી સેગમેન્ટ્સમાં એસેટ પ્રાઇસમાં ઉછાળાને ચિહ્નિત કરવાનો નિર્ણય કર્યો છે, કેમ કે કોઈ પણ અન્ય સ્ટેકહોલ્ડર પોતાનું કામ નથી કરી રહ્યા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હવે એને અટકાવવાના માટે પર્યાપ્ત ઉપાય હાજર છે. સેબીને લાગે છે કે ફિનફ્લુએન્સર્સ, રોકાણ સલાહકારના રૂપમાં રજિસ્ટર થઈને રેગ્યુલેટરી આર્બિટ્રેજમાં રમમાણ છે ને સેબી ટૂંક સમયમાં એના પર કન્સલ્ટેશન પેપર લઈને આવશે, એમ તેમણે કહ્યું હતું.

કાશ્મીર : આતંકીઓ પાસેથી મળી આવી સ્ટીયર AUG રાઈફલ

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં ગુરુવારના રોજ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી સેનાના જવાનો દ્વારા ઑસ્ટ્રિયામાં બનેલી સ્ટીયર AUG એસોલ્ટ રાઈફલ મળી આવી છે. સ્ટીયર એયુજી એસોલ્ટ રાઈફલની રિકવરી બાદ સુરક્ષા એજન્સીઓ ચિંતિત છે. માહિતી અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો, યુદ્ધ જેવી વસ્તુઓ અને એક પાકિસ્તાની ઓળખપત્ર મળી આવ્યું છે. આતંકવાદીઓ અમેરિકન બનાવટની એમ-4 કાર્બાઈન રાઈફલ્સનો ઉપયોગ કરી રહ્યા છે.

સુરક્ષા દળોએ તેને જમ્મુ ક્ષેત્ર અને કાશ્મીર બંનેમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી પણ મેળવ્યું હતું. એક સુરક્ષા અધિકારીએ કહ્યું, M-4 નો ઉપયોગ મોટાભાગે ટોચના કમાન્ડરો અને જમ્મુ અને કાશ્મીરમાં કાર્યરત પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે છે. તેણે કહ્યું કે આ રાઈફલ્સ ઘણી એડવાન્સ છે અને તેમાં નાઈટ વિઝન ડિવાઈસ છે. સ્ટિયર AUG ને મોડ્યુલર વેપન સિસ્ટમ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે જેને એસોલ્ટ રાઇફલ, કાર્બાઇન, સબમશીન ગન અને ઓપન-બોલ્ટ લાઇટ મશીન ગન તરીકે ઝડપથી ગોઠવી શકાય છે.

શમીએ સાનિયા મિર્ઝા સાથે લગ્નની અફવાઓ પર મૌન તોડ્યું

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આખરે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથેના લગ્નના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે. શમીએ સ્પષ્ટ કહ્યું છે કે આ માત્ર એક અફવા છે જેને માથું અને પગ નથી. શમીએ અફવા ફેલાવનારાઓને સખત ઠપકો આપ્યો છે.

શમીએ તેની પત્ની હસીન જહાંથી છૂટાછેડા લીધા હતા. હસીન જહાંએ શમી પર મારપીટ અને ઘરેલુ હિંસા સહિતના અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. સાનિયા મિર્ઝાએ પણ આ વર્ષે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિક સાથેના 13 વર્ષના સંબંધોનો અંત આણ્યો હતો. શોએબ મલિકે પાકિસ્તાની મોડલ સના જાવેદ સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમના લગ્નની અફવાઓ ઉડી રહી હતી. શમીએ ખુલીને વાત કરી હતી અને આવી અફવા ફેલાવનારા લોકોની ટીકા કરી હતી.

શમીએ કહ્યું, પરંતુ હું માત્ર એક જ વાત કહેવા માંગુ છું. જો તમારામાં હિંમત હોય તો વેરિફાઈડ પેજ દ્વારા બોલીને બતાવો, પછી અમે તમને કહીશું. કોઈ બીજાનો પગ ખેંચવો ખૂબ જ આસાન છે. સફળતા મેળવો, તમે આગળ વધો, પછી હું સંમત થઈશ. તમે એક સારા વ્યક્તિ છો.”

સાનિયાના પિતાએ પણ સ્પષ્ટતા આપી હતી

શમી પહેલા સાનિયા મિર્ઝાના પિતાએ પણ આ મામલે સ્પષ્ટતા આપી હતી અને કહ્યું હતું કે શમી-સાનિયાના લગ્નના સમાચાર માત્ર અફવા છે. હવે શમીએ પણ આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે. શમી હાલ ઈજાથી પરેશાન છે અને ટીમ ઈન્ડિયાની બહાર છે. આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈને પુનરાગમન કરશે.

હિંસાની આગમાં બળી રહ્યું છે બાંગ્લાદેશ

પાડોશી દેશ બાંગ્લાદેશ આ દિવસોમાં હિંસાની આગમાં સળગી રહ્યું છે. સરકારી નોકરીઓમાં અનામતના મુદ્દે શરૂ થયેલા વિરોધ પ્રદર્શને દેશભરમાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. આ હિંસક આંદોલનને કારણે 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. વિરોધને કાબૂમાં લેવા માટે રાજધાની ઢાકામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. દેશભરની શૈક્ષણિક સંસ્થાઓને તાળાં મારી દેવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ તેમના ઘરે પાછા ફર્યા હતા. હિંસા પ્રભાવિત દેશોમાંથી પણ લોકો સ્થળાંતર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, BSFએ જલપાઈગુડીના ફુલબારીમાં ભારતીય ઈમિગ્રેશન ચેક પોસ્ટ પર સુરક્ષા તપાસ હાથ ધરી. બાંગ્લાદેશના નાગરિકોએ કહ્યું કે અહીં સ્થિતિ સારી નથી. દેશવ્યાપી વિરોધ વચ્ચે બાંગ્લાદેશથી 13 વિદ્યાર્થીઓ ભારત પહોંચ્યા. 13 વિદ્યાર્થીઓમાંથી એક આસામ, ભારતના, એક ભૂટાન, એક માલદીવ અને 10 વિદ્યાર્થીઓ નેપાળના છે.

Bangladesh

ફુલબારીમાં ભારતીય ઈમિગ્રેશન ચેકપોસ્ટ પર સુરક્ષા તપાસ

નોકરીમાં અનામત સામે બાંગ્લાદેશમાં ચાલી રહેલા દેશવ્યાપી વિરોધ વચ્ચે, BSFએ જલપાઈગુડીના ફુલબારીમાં ભારતીય ઈમિગ્રેશન ચેકપોસ્ટ પર સુરક્ષા તપાસ હાથ ધરી. તે જ સમયે ભારત આવેલા એક બાંગ્લાદેશી નાગરિકે પત્રકાર સાથે વાત કરી. તેણે કહ્યું, ‘ત્યાં સ્થિતિ સારી નથી. ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. હું અહીં મારી માતાની સારવાર માટે આવ્યો છું.

બાંગ્લાદેશમાં ચાલી રહેલા દેશવ્યાપી વિરોધ વચ્ચે આસિફ હુસૈન, બાંગ્લાદેશના મેડિકલ કોલેજના વિદ્યાર્થી કે જેઓ ભારત પાછા આવવા માટે સરહદ પાર કરી ગયા હતા. હવે તેની માતા સેમીમ સુલ્તાનાએ પત્રકારો સાથે વાત કરી હતી. તેણે કહ્યું, ‘મારા પુત્રએ મને કહ્યું કે ત્યાંની સ્થિતિ સારી નથી, તેથી તે પાછો આવી રહ્યો છે. 10 થી 15 લોકો કાર ભાડે કરીને કોલકાતા આવ્યા હતા.

નાઇજિરિયાએ META પર 22 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

અબુઆઃ નાઇજિરિયાની સરકારે મેટા (META) પર 22 કરોડ અમેરિકી ડોલરનો દંડ ફટકાર્યો છે. સરકારે મેટા પર દંડની ઘોષણા શુક્રવારે કરી હતી. સરકારે કહ્યું હતું કે એની તપાસમાં કંપનીને ફેસબુક અને વોટ્સએપથી જોડાયેલા દેશના ડેટા સંરક્ષણ અને ગ્રાહકોના અધિકારના કાનૂનોનું અનેક વાર ઉલ્લંઘન કરતાં માલૂમ પડ્યું હતું. સુરક્ષાની દ્રષ્ટિએ સરકારને મેટા ફિટ માલૂમ નહોતી પડી. નાઇજિરિયા સંઘીય પ્રતિસ્પર્ધા અને ઉપભોક્તા સંરક્ષણ પંચ (FCCPC)ના એક નિવેદનમાં એ પાંચ પ્રકારોને દર્શાવવામાં આવ્યા હતા. જેના દ્વારા મેટાએ પશ્ચિમી આફ્રિકી દેશમાં ડેટા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.

આ પ્રકારોમાં વિના અધિકાર નાઇજિરિયા લોકોનો ડેટા શેર કરવો, ઉપયોગકર્તાઓને પોતાનો ડેટાના ઉપયોગનો નિર્ધારિત અધિકારથી વંચિત કરવું અને ભેદભાવપૂર્ણ વ્યવહારની સાથે-સાથે બજાર પ્રભુત્વનો દુરુપયોગ કરવાનો સામેલ છે.

FCCPCના મુખ્ય અધિકારી અદામુ અબદુલ્લાહીએ એક નિવેદનમાં કહ્યું હતું કે રેકોર્ડ પર હાજર સાક્ષીઓથી સંતુષ્ટ થઈને અને મેટા પક્ષકારોને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાની દરેક તક અપાયા પછી પંચે હવે અંતિમ આદેશ જારી કરી દીધો છે તથા મેટા પક્ષકારો પર દંડ ફટકાર્યો છે. નાઇજિરિયન સરકારના જણાવ્યાનુસાર મેટા કંપની નાગરિકોની પ્રાઇવસી અને રાષ્ટ્રીય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી. અનેક ઉલ્લંઘનના મામલા સામે આવ્યા પછી કંપની પર આ કાર્યવાહી કરવામાં આવી છે. મેટાના પ્રવક્તાએ આ નિર્ણય પર પ્રતિક્રિયાનો હજી સુધી જવાબ નથી આવ્યો. FCCPCએ મેટા પર 22 કરોડ અમેરિકી ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે અને કંપનીને સ્થાનિક કાયદાઓનું પાલન કરવા તથા નાઇજિરિયાના ઉપભોક્તાઓનું શોષણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 

 

વડોદરાના રેલવે સ્ટેશનથી મળ્યો બિનવારસી નસીલો પદાર્થ

રાજ્યમાં ફરી એક વખત બિન વારસી નશીલા પદાર્થ મળવાની ઘટના પ્રકાશમાં આવી છે. સંસ્કારી નગરી ગણાતા વડોદારામાં રેલવે સ્ટેશનમાંથી એક બેમાં બિન વારસી ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. વડોદરાના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પરના રેલવે પોલ નંબર 10 પાસે એક ગ્રે કલરની બિનવારસી ટ્રોલી બેગ મળતા પ્લેટફોર્મના કૂલી દ્વારા આ બેગ રેલવે સ્ટેશન સુપ્રીટેન્ડેન્ટને સુપરત કરવામાં આવી હતી. બેગ સુપ્રીટેન્ડેન્ટને હવાલે મળતાની સાથે જ સ્ટેશન સુપ્રીટેન્ડેન્ટ દ્વારા વારંવાર એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે કોઈ પેસેન્જર બેગ ભૂલી ગયું હોય અથવા ચોરી થઈ હોય તો તેઓ ઓફિસનો સંપર્ક કરે.

વડોદરાના રેલવે સ્ટેશન પર મળલી આ બેગના માલીકની લાંબો સમય સુધી રાહ જોયા બાદ, જ્યારે કોઈ પણ આ બેગને લેવા માટે ન આવ્યું ત્યારે સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટે આ બેગને પોલીસના હવાલે કરી હતી. જે બાદ બેગની પોલીસ તાપસ હાથ ધરી હતી. પોલીસે સ્કેનર દ્વારા બેગમાં ચેક કરતા અંદર સેલોટેપ મારેલા પેકેટો જણાયા હતા. ત્યારબાદ જરૂરી કાર્યવાહી હાથ ધરી બેગ ખોલતા અંદરથી છ પેકેટો મળ્યા હતા. આ પેકેટો ખોલતા જ વનસ્પતિ જન્ય નસીલો પદાર્થ મળ્યો હતો. જે ગાંજો હોવાનો એફએસએલ દ્વારા નક્કી થયું હતું. પોલીસે 1.21 લાખ કિંમતનો 12 કિલો 130 ગ્રામ ગાજાનો જથ્થો કબજે કરી તેને કોણ મૂકી ગયું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગુજરાતના દરિયા કિનારેથી બિનવારસી નસીલા પદાર્થ મળવાની ઘટના સામે આવી છે. જેમાં દ્વારાકા અને પોરબંદર જેવા શહેરોની આસપાસના દરિયા કિનારેથી મોટી માત્રામાં બિનવારસી નસીલો પદાર્થ મળી આવ્યો છે. જેને લઈ પોલીસ સહિત ATS તપાસ કરી છે.

આમિર ખાન-સંજય દત્ત સાથે કામ કર્યું ને પછી ગાયબ! હવે ક્યાં છે આ અભિનેત્રી?

મુંબઈ: ગાયત્રી જોશીથી લઈને સંદલી સિંહા અને અનુ અગ્રવાલ સુધી ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી સુંદરીઓ છે જેમણે સુપરહિટ ફિલ્મથી ફિલ્મી દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી, પરંતુ આ પછી પણ તેઓ ધીરે ધીરે મોટા પડદા પરથી ગાયબ થઈ ગયા હતા. એમાંની એક અભિનેત્રીની વાત કરીએ, જેણે આમિર ખાન અને સંજય દત્ત જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું, તેમ છતાં તેણે થોડા સમય પછી પોતાની જાતને બોલિવૂડથી દૂર કરી લીધી હતી. આજે આ અભિનેત્રીનો જન્મદિવસ છે. વાત કરી રહ્યા છીએ ‘લગાનની ‘ગૌરી’ એટલે કે ગ્રેસી સિંહની, જેણે 1999માં ‘હુ તુ તુ’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ગ્રેસી સિંહ આજે તેનો 44મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે, તો ચાલો તેના જન્મદિવસ પર અમે તમને તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ.

ગ્રેસી સિંહનો જન્મદિવસ

ગ્રેસી સિંહનો જન્મ 20 જુલાઈ 1980ના રોજ દિલ્હીમાં થયો હતો અને તેણે માત્ર 17 વર્ષની ઉંમરે તેની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. ગ્રેસી પહેલીવાર 1997માં ટેલિકાસ્ટ થયેલી સિરિયલ ‘અમાનત’માં જોવા મળી હતી. આ પછી તેને ફિલ્મોની ઓફર મળવા લાગી. તેણીએ 1999 માં ‘હુ તુ તુ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને તે જ વર્ષે ‘હમ આપકે દિલ મેં રહેતે હૈં’ માં જોવા મળી હતી. પરંતુ 2001માં રિલીઝ થયેલી ‘લગાન’ દ્વારા તેને સફળતા અને ઓળખ મળી જેમાં આમિર ખાન મુખ્ય ભૂમિકામાં હતો. આશુતોષ ગોવારિકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પણ ઓસ્કાર માટે નોમિનેટ થઈ હતી.

લગાન ફિલ્મે ઓળખ આપી

લગાનની સફળતા સાથે ગ્રેસી સિંહ પણ સ્ટાર બની ગઈ. લોકોમાં તેમની લોકપ્રિયતા અચાનક વધવા લાગી અને સતત વધતી ગઈ. લગાનના સેટ પર ગ્રેસી સિંહને ઘમંડી તરીકે ટેગ કરવામાં આવી હતી. વાસ્તવમાં, આ ફિલ્મમાં તેણે ગામડાની એક નિર્દોષ છોકરીનું પાત્ર ભજવ્યું હતું અને તે તેના પાત્રમાં એટલી મશગૂલ હતી કે તે સેટ પર કોઈની સાથે વાત પણ કરતી ન હતી, તેણીના આ સ્વાભાવને કારણે ક્રૂ મેમ્બર્સ તેને ઘમંડી માનવા લાગ્યા અને તેને ઘંમડીનું ટેગ આપી દીધું.

 

View this post on Instagram

 

A post shared by Gracy Singh (@iamgracysingh)

લગાન પછી તે આ ફિલ્મોમાં જોવા મળી હતી

‘લગાન’ પછી, ગ્રેસી સિંહ અજય દેવગન સાથે ‘ગંગાજલ’, સંજય દત્ત સાથે ‘લગે રહો મુન્નાભાઈ’ જેવી શાનદાર ફિલ્મોમાં જોવા મળી હતી. આ ફિલ્મો પછી લોકોને લાગવા માંડ્યું કે ગ્રેસી ઈન્ડસ્ટ્રીમાં શાનદાર ઈનિંગ્સ રમશે, પરંતુ ટૂંક સમયમાં જ તેને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું. એક ઈન્ટરવ્યુમાં ગ્રેસીએ કહ્યું હતું કે ‘હું કામ કરી શકું છું, પરંતુ ખુશામત કરી શકતી નથી. ઈન્ડસ્ટ્રીમાં ઘણા બધા જૂથવાદ છે, જે હું સમજી શકતી નથી. કામ ક્યારે મારી પાસે આવતું બંધ થઈ ગયું એનો મને ખ્યાલ પણ ન રહ્યો.

ગ્રેસી સિંહે આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો

વર્ષો સુધી ફિલ્મી દુનિયાથી દૂર રહ્યા બાદ ગ્રેસી સિંહે ‘સંતોષી મા’ તરીકે પુનરાગમન કર્યું, પરંતુ ટીવી સ્ક્રીન પર. સંતોષી મામાં ગ્રેસી લીડ રોલમાં જોવા મળી હતી અને આ પાત્રમાં પણ તે હિટ રહી હતી. ગ્રેસી એક પ્રશિક્ષિત ક્લાસિકલ ડાન્સર છે, તેણે 2009માં પોતાની ડાન્સ એકેડમી પણ ખોલી હતી, જ્યાં તે ડાન્સ શીખવે છે. આ સિવાય તે બ્રહ્મા કુમારી સંસ્થા સાથે પણ જોડાયેલી છે.

આવી છે ભાવ અને મૂલ્યની વાત…

”તમારી પાસે લૅટેસ્ટ આઇ-ફોન છે?”

”હા, છે.”

”તેનો ભાવ શું છે?”

એક શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ દુકાનદાર સાથે આ પ્રમાણે વાત કરી રહ્યા હતા. સેલ્સમૅને તેમને ફોન બતાવીને તેનાં ફીચર્સ તથા બાય-બૅકના વિકલ્પ સહિતની વિવિધ ઑફર સમજાવવાનું શરૂ કર્યું.

ભારતીય વિદ્યાભવન પ્રકાશિત અને સી. રાજગોપાલાચારી લિખિત ‘રામાયણ’ની નકલ એ વખતે નરેન્દ્રભાઈના હાથમાં હતી. એ અરસામાં નવામાં નવા આઇ-ફોનનો ભાવ 68,000 રૂપિયા હતો અને સી. રાજગોપાલાચારીની રામાયણનો ભાવ 188 રૂપિયા હતો.

ઉક્ત ઘટના પરથી મને ઋગ્વેદના શ્રીસૂક્તમમાં લખેલો એક મંત્ર યાદ આવ્યો. એ મંત્રમાં ભાવ અને મૂલ્ય વચ્ચેનો ફરક સમજાવવામાં આવ્યો છે.

આઇ-ફોનનો ભાવ વધારે છે, જ્યારે રામાયણનું મૂલ્ય વધુ છે; ખરું પૂછો તો રામાયણ અમૂલ્ય છે.

ભારતમાં જન્મ લેવા બદલ હું મારી જાતને ધન્ય ગણું છું, કારણ કે આપણા ઋષિ-મુનિઓએ આપણને ભાવ અને મૂલ્ય વચ્ચેનો તફાવત સમજાવ્યો છે. આપણે પ્રમાણમાં ઓછું મૂલ્ય અને વધુ ભાવ ધરાવતો આઇ-ફોન ખરીદવો નહીં એવું હું કહેતો નથી. મારું એ જ કહેવું છે કે ખરીદી કરતી વખતે ફક્ત ભાવના આધારે નિર્ણય લેવો નહીં.

હવે બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. રીટાબેન મુંબઈના કેમ્પ્સ કોર્નર વિસ્તારમાં પ્રખ્યાત ડિઝાઇનર રિતુ કુમારના શોરૂમમાં દાખલ થયાં. તેમના પતિ રાજેન્દ્રભાઈનું હીરાબજારમાં મોટું કામકાજ હતું. તેઓ બેંગકોકમાં પોતાના નાના ભાઈની દીકરીનાં ડેસ્ટિનેશન વેડિંગમાં પહેરવા માટેનો ડ્રેસ ખરીદવા ગયાં હતાં. તેમણે ઢગલાબંધ ડ્રેસમાંથી સવા લાખ રૂપિયાનો એક ડ્રેસ ખરીદ્યો.

તેના પાછલા દિવસે નોકરાણીને ઠંડીમાં ધ્રૂજતી જોઈને તેમણે તરત જ પોતાનું જૂનું સ્વેટર કબાટમાંથી કાઢીને આપી દીધું હતું. આ સ્વેટર વર્ષો પહેલાં તેમણે લંડનના હેરોડ્સ શોરૂમમાંથી ખરીદ્યું હતું. હવે એની ફૅશન નહીં હોવાથી તેમણે એ પહેરવાનું બંધ કરી દીધું હતું. હવે તમે વિચાર કરો, તેમનું જૂનું સ્વેટર વધુ મૂલ્યવાન ગણાય કે તેમણે ખરીદેલો નવો ડ્રેસ?

જેની પાસે પૈસો છે તેઓ તેનો ઉપયોગ કરવાના અધિકારી છે. કોને ખર્ચ કહેવાય અને કોને ઉડાઉપણું કહેવાય એના વિશે દરેકનો મત અલગ અલગ હોય છે, આથી હું એમાં નહીં પડું. મારી તો નમ્ર વિનંતી એટલી જ છે કે જ્યારે પણ આપણે ખરીદી કે વેચાણ કરીએ, કે પછી કોઈને ભેટ આપીએ ત્યારે ભાવ અને મૂલ્ય બન્નેનો વિચાર કરી લેવો જોઈએ. ભાવ વિશે વાત કરીએ ત્યારે તેમાં ‘વાજબી’, ‘મોંઘી’ અને ‘અતિશય મોંઘી’ એમ ત્રણ શ્રેણીઓ આવે છે. મૂલ્યમાં ‘મૂલ્યવાન’, ‘મહામૂલી’ અને ‘અમૂલ્ય’ એવી ત્રણ શ્રેણીઓ હોય છે.

અત્યાર સુધીની વાતો પરથી એક બાબત સ્પષ્ટ થાય છે કે આપણે તમામ ખરીદીમાં મૂલ્ય જોવું જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી વિક્રેતા સમક્ષ તેની વાત કરવી જોઈએ. અહીં એક ઉદાહરણ જોઈ લઈએઃ

પારુલ નામની એક યુવતીએ પોતાની વૃદ્ધ માતા સમક્ષ કરેલું ઘટનાનું આ વર્ણન છેઃ ”મધરાતનો ત્રણ વાગ્યાનો સમય હતો. તને હૉસ્પિટલમાં દાખલ કરી છે એવું મને ફોન પર કહેવામાં આવ્યું. આથી હું સાવ ગભરાઈ ગઈ અને શું કરવું તેની ગમ પડતી ન હતી. મેં પુછાવ્યું તો ખબર પડી કે રાજકોટ માટેની ફ્લાઇટ મળસ્કે 4.30 વાગ્યાની છે. ઍરપોર્ટ પર પહોંચવા માટે મારી પાસે અડધા કલાકનો સમય હતો. હું બિલ્ડિંગમાંથી નીચે આવી ત્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો. મેં એક ટૅક્સી ડ્રાઇવરને ઊંઘમાંથી ઉઠાડ્યો અને મારી સ્થિતિની જાણ કરી. મને અંદેશો હતો કે આવા સમયે એ મારી પાસે મોંમાગ્યા પૈસા માગશે અને મારે એ આપ્યા વગર છૂટકો નથી. જો કે, એણે મારી પાસે મીટર પ્રમાણે 127 રૂપિયા જ માગ્યા ત્યારે મને આશ્ચર્ય થયું. એણે મને એમ પણ કહ્યું કે હું ઍરપોર્ટની અંદર જાઉં ત્યાં સુધી એ મારું ધ્યાન રાખશે. કોઈ કામ હોય તો ફોન કરવા માટે એણે મને પોતાનો ફોન નંબર પણ આપ્યો.”

હવે તમે જ કહો, આ કિસ્સામાં ટૅક્સી ભાડું 127 રૂપિયા હતું, પણ તેનું મૂલ્ય કેટલું હતું???? પારુલે રાજકોટથી પાછા ફર્યા બાદ ટૅક્સીવાળાને પેંડાનું બૉક્સ મોકલાવીને મમ્મીનાં ખબરઅંતર પણ આપ્યાં.

તો, આવી છે ભાવ અને મૂલ્યની વાત.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

ડૂબતાનું તણખલુંઃ આકાશ દંતાણી

આપણે નિસ્વાર્થી ભાવે સેવા આપતા લોકોને તો જોયા જ હશે, પણ શું નિસ્વાર્થ ભાવે પોતાનો જીવ જોખમમાં નાખી બીજાનો જીવ બચાવતા લોકોને જોયા છે?

હા, એમને જોવા હોય તો મળો, આ આકાશ દંતાણીને.

મુળ અમદાવાદના લકડીયા બ્રીજ પાસે રહેનાર આકાશ દંતાણી પાછલા 12-13 વર્ષથી લોકોના જીવ બચાવવાનું કામ કરે છે. જીવની સાથે એ લોકોની કિંમતી વસ્તુઓ પણ બચાવવાનું કાર્ય કરે છે. અત્યાર સુધીમાં અમદાવાદની સાબરમતી નદીમાં ડૂબી રહેલા 200 થી વધુ લોકોના જીવ બચાવી ચૂક્યા છે. અનેક કિસ્સાઓમાં એમણે અમદાવાદ પોલીસની સાથે રહીને તપાસમાં મદદ પણ કરી છે. આ ઉપરાંત સેન્ટ્રલ એજન્સીનો કેસ હોય કે પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો અનડિટેક્ટ કેસ, જ્યારે પણ કોઈપણ કેસની તપાસ સાબરમતી નદી સુધી પહોંચે ત્યારે સૌથી પહેલા આકાશનું નામ યાદ આવે છે.

આકાશ દંતાણીએ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જણાવ્યું કે “ હું મારા પરિવાર સાથે અહીં રિવરફ્રન્ટ પર આવેલા લકડિયા બ્રિજ પાસે રહું છું. જ્યારે આજ માટે હું નાનો હતો ત્યારે લોકોની નાની મોટી વસ્તુ સાબરમતીમાંથી કાઢી આપતો હતો. જે બાદ ધીમે ધીમે હું લોકાના જીવ બચાવતો પણ થઈ ગયો. મારા નંબરના રીવરફ્રન્ટ પર બોર્ડ મારવામાં આવ્યા છે. જેથી કોઈપણને મારી જરૂર પડે ત્યારે તેઓ મને ફોન કરે તો હું મદદ માટે પહોંચી જાઉં છું”

પરિવારમાં બે ભાઈ, પત્નિ અને એક પુત્ર સાથે રહેતા આકાશભાઇ નાનું મોટુ કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. ધીમે ધીમે આકાશભાઈ એટલા જાણીતા બની ગયા કે એમની આ સેવા માત્ર સામાન્ય માણસ સુધી સિમીત ન રહી. એ કહે છે, “હું સામાન્ય લોકો સાથે પોલીસ કર્મચારીઓની પણ મદદરૂપ બનું છું. જ્યારે પોલીસ સ્ટેશનમાં એવા કેસ આવે કે જેના સુરાગ સાબરમતીમાંથી મળી શકે એમ હોય ત્યારે પોલીસ મને ફોન કરે છે. હું પોલીસની મદદ કરવા માટે રાજી ખુશીથી જાઉં છું.”

સમાજસેવાને કેમ ન બનાવ્યો રોજગાર?

આકાશ કહે છે, “મેં અગાઉ એક વખતા પોલસી કર્મચારીને મારી ભલામણ કરી હતી. હું ભણેલો નથી જેથી મારી પાસે સારો રોજગારી નથી, જો સરકાર મને આજ કામ માટે નોકરી પર રાખી લે, તો મારા માટે સારું થાય. એ જ માટે મે અરજી પણ લખીને પોલીસને આપી છે. પણ મને હાલ સુધી નોકરીની તક મળી નથી.”

સામાન્ય લોકોનો સુપરહીરો

આકાશ કહે છે, “મેં હાલ સુધીમાં લગભગ 200 જેટલા લોકોના જીવ ડૂબતા બચાવ્યા છે. મને આ કામના કોઈ પણ રૂપિયા મળતા નથી, પણ જો કોઈ પણ મને રાજીખુશીથી થોડા રૂપિયા આપે તો એ હું સ્વીકારી લઉં છું.”

CM કેજરીવાલના આરોગ્યને લઈને ચિંતામાં LG, લખ્યો પત્ર

નવી દિલ્હીઃ દિલ્હીમાં ફરી એક વાર CM કેજરીવાલની સરકાર અને લેફ્ટેનન્ટની વચ્ચે તલવારો ખેંચાઈ છે. ઉપ રાજ્યપાલ વીકે સકસેનાએ દિલ્હીના મુખ્ય સચિવ નરેશકુમારને પત્ર લખ્યો છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કેજરીવાલ જેલમાં ડાયટનું પાલન નથી કરી રહ્યા અને ના તો દવાઓ લઈ રહ્યા છે. આપ પાર્ટીએ કહ્યું હતું કે જો LGને બીમારી વિશે ખબર ના હોય તો તેમણે આવો પત્ર ના લખવો જોઈએ.

લેફ્ટનન્ટ વીકે સક્સેનાએ પત્રમાં CM અરવિંદ કેજરીવાલની તબિયત નાદુરસ્ત હોવાનું જણાવવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ જેલમાં જાણીજોઈને ઓછી કેલરીવાળો ખોરાક લઈ રહ્યા છે. કેલરી ઓછી હોવાને કારણે તેમનું વજન ઘટી રહ્યું છે. કેજરીવાલ યોગ્ય આહાર નથી લઈ રહ્યા. 6 જૂનથી 13 જુલાઈ વચ્ચે યોગ્ય આહાર લેવામાં આવ્યો ન હતો. કેજરીવાલ ડાયટ ચાર્ટને અનુસરતા નથી.

આ પત્રમાં જેલ અધિક્ષકના અહેવાલને ટાંકીને લખવામાં આવ્યું છે કે LGએ ડોક્ટર દ્વારા સૂચવવામાં આવા તબીબી આહાર અને દવાઓનું સેવન ન કરવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

LG ઓફિસ દ્વારા લખવામાં આવેલા પત્ર અંગે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું હતું કે LG સાહેબ તમે શું મજાક કરી રહ્યા છો? શું કોઈ માણસ રાત્રે સુગર ઘટાડશે?  જે ખૂબ જ જોખમી છે. LG સાહેબ, જો તમને રોગ વિશે ખબર ન હોય તો તમારે આવો પત્ર ન લખવો જોઈએ. ભગવાન ના કરે કે તમારા પર ક્યારેય એવો સમય આવે.

બીજી તરફ દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું હતું કે ભાજપ CM અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહ્યો છે. CM અરવિંદ કેજરીવાલનું સુગર લેવલ આઠ કરતા વધુ વખત 50થી નીચે ગગડ્યું. તેઓ કોમામાં જઈ શકે છે. આવી સ્થિતિમાં બ્રેઇન સ્ટ્રોકનો ખતરો પણ રહે છે.