Home Blog Page 1591

તખતાપલટાથી બંને દેશો વચ્ચે વેપારમાં રૂ. 10 લાખ કરોડનું નુકસાન

નવી દિલ્હીઃ ભારત અને બંગલાદેશની વચ્ચે પાછલાં કેટલાંક વર્ષોમાં વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે.  દક્ષિણ એશિયામાં બંગલાદેશ ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે, પણ બંગલાદેશમાં તખતાપલટા પછી બંને દેશો વચ્ચેના વેપારમાં અત્યાર સુધી રૂ. 10 લાખ કરોડથી વધુનું નુકસાન થઈ ચૂક્યું છે. બંને દેશો વચ્ચે આશરે વર્ષેદહાડે 14 અબજ ડોલરનો વેપાર થાય છે.

બંગલાદેશમાં હિંસા જારી રહેશે તો બંને દેશો વચ્ચે વેપાર હાલપૂરતો ઠપ થઈ શકે છે, જેની સીધી અસર ભારતના કૃષિથી માંડીને બંગલાદેશની ફેશન કલોથ ઇન્ડસ્ટ્રી સુધી પ્રતિકૂળ પડે એવી શક્યતા છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપારમાં બંગલાદેશે ભારતમાં 1.97 અબજ ડોલરનો માલસામાન નિકાસ કર્યો હતો, પરંતુ ભારતમાંથી બંગલાદેશે આશરે 12 અબજ ડોલરનો માલસામાન આયાત કર્યો હતો. બંગલાદેશ પ્રતિ વર્ષ આશરે 46 અબજ ડોલરનાં કપડાંની નિકાસ કરે છે, જેમાં ભારતમાં કરવામાં આવેલાં 1.97 અબજ ડોલરની નિકાસમાં પણ રેડીમેડ ગારમેન્ટ્સનો હિસ્સો સૌથી મોટો હોય છે. આ સિવાય ભારત બંગલાદેશમાં જૂટ અને માછલીની પણ આયાત કરે છે, જ્યારે ભારત બંગલાદેશમાં ચોખા, ઘઉં, સુગર, બટાટા અને ડુંગળી જેવાં કૃષિ ઉત્પાદનોની નિકાસ કરે છે. આ ઉપરાંત ભારત કપાસ, મશીનરી, વગેરેની પણ નિકાસ કરે છે. બંને દેશો વચ્ચે હાલ વેપાર ઠપ છે. બંને દેશોની સરહદે ટ્રકોની લાંબી લાઇન લાગેલી છે, જે સ્થિતિ સામાન્ય થવાની રાહ જોઈ રહી છે. પશ્ચિમ બંગાળ સ્થિત નિકાસકાર સંજય બુધિયાએ જણાવ્યું હતું કે બંને દેશોની વચ્ચે ઉદભવેલા સંકટથી વેપાર પર પ્રતિકૂળ અસર પડે એવી શક્યતા છે.

બંગલાદેશના પનામા પોર્ટ પરથી માલ ઉતારવા દરમ્યાન આશરે સૌ ટ્રકચાલક હજી પણ ફસાયેલા છે. એ બધા ટ્રક ડ્રાઇવરોને પરત મોકલવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે, એમ BSFનાં સૂત્રોએ જણાવ્યું હતું.

 

CBRTનો વિરોધ, 300 ઉમેદવારોની પોલીસે કરી અટકાયત

ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી સ્પાર્ધાત્મક પરીક્ષાને લઈ વિરોધ ચાલી રહ્યો છે. જેમાં કોઈ NEET હોય તો કોઈ વખત TET, TAT અલગ-અલગ શિક્ષણના મુદ્દાને લઈ સરકાર પર ઘેરાવો થતો હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં CBRT પદ્ધતિ નાબૂદ કરી ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ માર્ક્સ પ્રસિદ્ધ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ગઈકાલથી ગાંધીનગરમાં આંદોલન કરનાર ઉમેદવારોને આજે સવારથી પોલીસે ડિટેઇન કર્યા છે.

CBRT પદ્ધતિ અને નોર્મલાઇઝેશન કર્યા બાદ PDF જાહેર કરવાની માંગ સાથે ઉમેદવારોએ ગઈકાલથી ગાંધીનગર રામકથા મેદાનમાં આંદોલન શરૂ કર્યું હતું. રામકથા મેદાનમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. ઉમેદવારો આંદોલન ચાલુ રાખવાના મૂડમાં હોય, રાજ્યભરમાંથી ફોરેસ્ટના ઉમેદવારોને ગાંધીનગર પહોંચવાના સંદેશ પસાર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મેદાન પર હાજર ઉમેદવારોને ડિટેઇન કરી લીધા હતા. અત્યાર સુધીમાં અલગ અલગ જગ્યાએથી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત અંદાજિત 300 જેટલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે. પોલીસ દ્વારા આજે જેટલા પણ ઉમેદવારોને ડિટેઈન કર્યા છે તેઓને કરાઈ ખાતે લઈ જવામાં આવ્યાં છે. બીજી તરફ બહાર રહેલા ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં વનવિભાગની ભરતીની 2022માં જાહેરાત બાદ 8થી 27 ફેબ્રુઆરી 2024માં પરીક્ષા લેવાઇ હતી. જેમાં 823 પદ માટે 8 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્રણ દિવસ અગાઉ CBRT અને નોર્મલાઈઝેશન મેથડના કારણે ઉમેદવારોને અન્યાય થયાની રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ ગઈકાલે ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો ગાંધીનગરના રામકથા મેદાને ભેગા થયા હતા. જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પહોંચ્યા હતા. ઉમેદવારો દ્વારા નોર્મલાઈઝેશન સાથે માર્ક્સ જાહેર કરવા અને તમામ ઉમેદવારોના રિઝલ્ટ PDF પ્રમાણે જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે અને ઉમેદવારોએ ગૌણ સેવા પસંદગી મંડળમાં રજૂઆત કરી હતી. સરકાર તરફથી 9મીએ યાદી જાહેર કરવાની હૈયાધારણા આપવામાં આવી છે. જોકે, ઉપરોક્ત પરીક્ષામાં મેરિટમાં આવનાર પરીક્ષાર્થીઓની યાદી હાલમાં જ જાહેર કરવાની માંગ સાથે ઉમેદવારોએ ધરણાં ચાલુ રાખ્યાં હતાં.

US Election : કમલા હેરિસને લઈને પાર્ટીએ કરી સત્તાવાર જાહેરાત

ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સોમવારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે સત્તાવાર નોમિનેશન મળ્યું. આ સાથે તે પાર્ટી તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણીની ટિકિટ મેળવનારી પ્રથમ ભારતીય-આફ્રિકન મહિલા બની છે. ગયા મહિને રાષ્ટ્રપતિ જો બાયડને આગામી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ ભારતીય મૂળના વાઇસ પ્રેસિડેન્ટ હેરિસને શાસક ડેમોક્રેટિક પાર્ટીના 2024 ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. બાયડન રેસમાંથી અચાનક ખસી ગયા પછી તરત જ હેરિસ અને તેની ટીમે સત્તાવાર નોમિનેશન મેળવવા માટે જરૂરી 1,976 પક્ષના પ્રતિનિધિઓનો ટેકો મેળવવા માટે ઝડપથી કામ કર્યું.

ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં પ્રતિનિધિઓના પાંચ દિવસના ઓનલાઈન મત પછી હેરિસની ઉમેદવારીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પાર્ટીએ મધરાત પહેલા જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે 99 ટકા પ્રતિનિધિઓએ હેરિસની તરફેણમાં મતદાન કર્યું હતું. બાયડને તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધા પછી હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 46 ટકા અમેરિકનો હેરિસની તરફેણમાં છે, જ્યારે લગભગ એટલી જ સંખ્યામાં લોકો તેમની ઉમેદવારીની વિરુદ્ધમાં છે. પરંતુ મોટાભાગના ડેમોક્રેટ સમર્થકોએ કહ્યું કે તેઓ બાયડનની તુલનામાં હેરિસની ઉમેદવારીથી સંતુષ્ટ છે.

બ્રિટન જતાં ભારતીયો માટે કેન્દ્રએ જાહેર કરી એડવાઇઝરી

નવી દિલ્હી: બ્રિટનના ઘણાં વિસ્તારોમાં છેલ્લાં એક સપ્તાહથી હિંસા ચાલી રહી છે. સાઉથપૉર્ટમાં આવેલાં એક ‘ડાન્સ ક્લાસ’માં એક કિશોરે ચાકુ વડે હુમલો કરતા અહીં ત્રણ બાળકીઓના મોત થયા. જેનાં પગલે કેટલીક અફવાઓ ફેલાઈ અને પછી હિંસા ફાટી નીકળી છે. પોલીસે હિંસાની અનેક ઘટનામાં ઓછામાં ઓછા 100 લોકોની ધરપકડ કરી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં લંડન સ્થિત ભારતીય હાઇ કમિશને યુ.કે. જતાં ભારતીયો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. ભારતથી આવતા પ્રવાસીઓને બ્રિટનની યાત્રા દરમિયાન સાવચેત રહેવા અને સાવધાની રાખવાની સલાહ આપી છે.

હાલમાં જ લિવરપુલ, હલ, બ્રિસ્ટલ, લીડ્સ, બ્લેકપુલ, સ્ટોક-ઓન-ટ્રેન્ટ, બેલફાસ્ટ, નોટિંઘમ અને માન્ચેસ્ટરમાં પથ્થરમારો જોવા મળ્યો હતો. ફટાકડાં ફેંકવામાં આવ્યા હતા, હોટલની બારીઓ તોડવામાં આવી હતી. દુકાનો પર હુમલાઓ કરી આગચંપીની ઘટનાઓ પણ બની હતી. પોલીસ અને ભીડ વચ્ચે પણ અથડામણ થઈ હતી. બ્રિટનના 17 શહેરોમાં આગચંપી અને પોલીસ સાથે ઘર્ષણના અહેવાલો સામે આવ્યા છે. જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને એકની હાલત ગંભીર છે.શું છે સમગ્ર મામલો?

ગયા અઠવાડિયે સોમવારે સાંજે, લિવરપૂલ નજીક સાઉથપોર્ટમાં એક ડાન્સ ક્લાસમાં એક 17 વર્ષીય સગીરે ક્લાસમાં હાજર બાળકો પર ચાકુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં 3 બાળકીઓના મોત થયા છે. આ સિવાય લગભગ 1 ડઝન લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ, ઓનલાઈન અફવા ફેલાઈ હતી કે ડાન્સ ક્લાસમાં છરીથી હુમલો કરનાર કિશોર મુસ્લિમ શરણાર્થી હતો. જેનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને મુસ્લિમ શરણાર્થીઓ પર હુમલાઓ થવા લાગ્યા. બ્રિટનમાં 18 વર્ષથી ઓછી ઉંમરના શકમંદોના નામ જાહેર કરવામાં આવતા નથી. પરંતુ આ કેસમાં કોર્ટે અલગ નિર્ણય લેવો પડ્યો. કોર્ટે વેલ્સમાં રવાન્ડામાં જન્મેલા એક્સેલ રૂડાકુબાનાની ઓળખ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો, જેથી અફવાઓ ફેલાતી અટકી જાય. પરંતુ અફવાઓ રોકાવાનું નામ નથી લઈ રહી અને આંદોલનો વધુ ઉગ્ર બની ગયા છે.

બાંગ્લાદેશ હિંસા : શેખ હસીના હાલ ભારતમાં જ રહેશે

બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના દેખાવો અને હિંસા ચાલુ છે. બીજી તરફ સોમવારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના આર્મીના હેલિકોપ્ટરમાં ભારત આવ્યા હતા. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલીક અનિશ્ચિતતાઓને કારણે શેખ હસીનાની આગળની યાત્રાની યોજનાઓ ખોરવાઈ ગઈ છે. આગામી કેટલાક દિવસો સુધી શેખ હસીના ભારતની બહાર જાય તેવી કોઈ શક્યતા નથી.


તમને જણાવી દઈએ કે સોમવારે વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ શેખ હસીના દિલ્હી નજીક હિંડન એરબેઝ પહોંચ્યા હતા. તે ચુસ્ત સુરક્ષા હેઠળ અજ્ઞાત સ્થળે રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શેખ હસીના લંડન જવાના હતા, પરંતુ હવે તે અન્ય જગ્યાઓ વિશે વિચારી રહી છે. વાસ્તવમાં, બ્રિટિશ સરકારનું કહેવું છે કે શેખ હસીનાને લંડનમાં કોઈપણ સંભવિત તપાસ હેઠળ કાનૂની રક્ષણ મળવાની શક્યતા નથી. કેસ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે અવામી લીગના નેતાને ભારતમાંથી લંડન જવાનું હતું. ભારતમાં હિંડોન એરપોર્ટ પહોંચતા પહેલા શેખ હસીનાના સહયોગીઓએ ભારતમાં હાજર અધિકારીઓને આ અંગે માહિતી આપી હતી.

સોમવારે બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ લેમીએ લંડનમાં કહ્યું હતું કે બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં જબરદસ્ત હિંસા જોવા મળી છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશે અભૂતપૂર્વ હિંસા વચ્ચે જીવન અને સંપત્તિનું દુ:ખદ નુકસાન જોયું છે અને દેશના લોકો સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્વમાં સંપૂર્ણ અને સ્વતંત્ર તપાસને પાત્ર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હસીનાને તેની મુસાફરીની યોજનાઓમાં કેટલીક અડચણોનો સામનો કરવો પડ્યો છે અને તે આગામી કેટલાક દિવસો સુધી ભારતમાં રહી શકે છે. તેમણે સ્થિતિને ગતિશીલ ગણાવી હતી અને કહ્યું હતું કે આ મામલે કોઈ ચોક્કસ રસ્તો કે સ્પષ્ટતા નથી. ભારે વિરોધ બાદ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. આ વિરોધ નોકરી અનામત યોજના સામે શરૂ થયો હતો, પરંતુ થોડા અઠવાડિયા પછી તે એક મોટા આંદોલનમાં ફેરવાઈ ગયો અને તેમને સત્તા પરથી હટાવવાની માંગણીઓ શરૂ થઈ.

Olympics : વિનેશ ફોગાટની ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર જીત

વિનેશ ફોગાટ 50 કિ.ગ્રા. કુસ્તીની મેચમાં શાનદાર જીત હાંસલ કરીને વિશ્વને ચોંકાવી દીધું. વિનેશે ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં રોમાંચક રીતે જાપાની કુસ્તીબાજ યુઈ સુસાકીને 3-2 થી હરાવી હતી. વિનેશની આ જીત ઘણી મોટી છે કારણ કે તેણે ઓલિમ્પિક ચેમ્પિયન અને જાપાનની નંબર 1 ખેલાડીને હરાવી છે. આટલું જ નહીં, યુઇ સુસાકી તેની કારકિર્દીમાં અત્યાર સુધી માત્ર 3 મેચ હારી છે, વિનેશે તેને ચોથી વખત હરાવી છે. સુસાકીએ એટેકિંગ ગેમ રમીને પહેલા જ લીડ મેળવી લીધી હતી. જ્યારે ફોગાટે ખૂબ જ ધીમી ગતિએ મુકાબલો શરૂ કર્યો હતો. શરૂઆતમાં તે માત્ર બચાવ કરતી હતી, પરંતુ છેલ્લી 15 સેકન્ડમાં તેણે એવો હુમલો કર્યો જેનો સુસાકી પાસે કોઈ જવાબ નહોતો.

 

વિનેશ ફોગાટ માટે આ મેચ આસાન ન હતી, કારણ કે યુઇ સુસાકીએ ટોક્યો ઓલિમ્પિકની ફાઇનલમાં એક પણ પોઈન્ટ આપ્યા વિના ગોલ્ડ મેડલ જીત્યો હતો. એટલું જ નહીં તે 5 વખત વર્લ્ડ ચેમ્પિયન પણ રહી ચૂકી છે. બીજી તરફ વિનેશ આજ સુધી વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી શકી નથી. આ સિવાય સુસાકી છેલ્લા 14 વર્ષમાં માત્ર 5 મુકાબલા હારી છે. તેથી તે આ મેચમાં ફેવરિટ માનવામાં આવતો હતો. જોકે, વિનેશે પોતાના અભિનયથી આખી દુનિયાને ચોંકાવી દીધી હતી.

લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી બગડી, હોસ્પિટલમાં દાખલ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીની તબિયત ફરી એકવાર બગડી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વૃદ્ધ નેતાને દિલ્હીની એક મોટી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. અડવાણીને મંગળવારે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અડવાણીને છેલ્લા 40 દિવસમાં ત્રીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગયા મહિને, જુલાઈના પ્રથમ સપ્તાહમાં, અડવાણીની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સતત બીજી વખત એપોલોમાં પ્રવેશ મેળવ્યો

3 જુલાઈના રોજ લાલ કૃષ્ણ અડવાણીને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં 2 દિવસ સુધી તબીબી દેખરેખ હેઠળ રાખ્યા બાદ તેને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ તેમને ન્યુરોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડો.વિનીત સૂરીની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. ડો. વિનીત સુરી વરિષ્ઠ ન્યુરોલોજીસ્ટ છે. જો કે તે સમયે અડવાણીની બીમારી વિશે વધુ માહિતી આપવામાં આવી ન હતી.

અગાઉ, ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અડવાણીની તબિયત બગડતાં 26 જૂને રાત્રે લગભગ 10.30 વાગ્યે ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) ના યુરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે રાતભર ત્યાં જ રાખ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

વાયનાડના લોકોની મદદ માટે પહોંચ્યું રિલાયન્સ ફાઉન્ડેશન

કેરળ: વાયનાડમાં ભૂસ્ખલનના કારણે થયેલા વિનાશથી કાળજું કંપાવી દેનારા દૃશ્યો સર્જ્યા છે. આ આફતના સમયે રિલાયન્સ ફાઉન્ડેશને, વાયનાડના લોકોને મદદ પૂરી પાડવા અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. રાહત કેમ્પમાં રહેતાં અસરગ્રસ્તોને રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમો જીવન જરૂરી ચીજવસ્તુઓ સાથે તાત્કાલિક રાહત પૂરી પાડી રહી છે. આ પહેલાં પણ દેશમાં આવેલાં મહાવિનાશક ​​પૂર અને કોવિડ-19 મહામારી દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશને કેરળ રાજ્ય માટે રાહત કામગીરી હાથ ધરી હતી અને તે પછીની સહાય પણ પૂરી પાડી છે.

કેરળની હોનારત અંગે શોક પ્રગટ કરતા રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે, “અમે વાયનાડમાં ભૂસ્ખલનથી થયેલા ભારે નુકસાન તેમજ લોકોની વેદનાથી વ્યથિત છીએ. આ અત્યંત દુઃખની પળોમાં અમારું હૃદય દરેક અસરગ્રસ્ત વ્યક્તિ અને પરિવારની સાથે છે. ઘટનાસ્થળે અમારી રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમો જિલ્લાના લોકો માટે તાત્કાલિક રાહત, પુનઃવસન અને લાંબાગાળાની જરૂરિયાતોને પૂરી કરવા ખડેપગે કામ કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં અમે કેરળના લોકોની પડખે છીએ.” વાયનાડમાં રિલાયન્સ ફાઉન્ડેશન લોકોને આહાર, રાશન, રસોડાનાં વાસણો અને પરિવારોને રસોડું ફરી શરૂ કરવામાં મદદ કરવા માટે સ્ટવ જેવી જરૂરી ચીજો ઉપરાંત રેડી ટુ ઈટ પૌષ્ટિક આહાર પૂરો પાડે છે. વોટર, સેનિટેશન અને હાઇજીન માટેની વસ્તુઓ પૂરી પાડે છે. અસરગ્રસ્તો માટે હંગામી આશ્રયસ્થાનો, પથારી, સૌલાર ફાનસ અને મશાલ, કપડાં સહિતની જીવન જરૂરી વસ્તુઓ લોકોને પૂરી પાડે છે. લોકોને ફરી બેઠાં કરવા માટેની આજીવિકા શરૂ કરવા માટે બિયારણ, ઘાસચારો, કૃષિસાધનો અને આવકના સ્ત્રોતમાં વિવિધતા લાવવા માટે વ્યાવસાયિક તાલીમ  આપે છે. અસરગ્રસ્ત બાળકો માટે શિક્ષણનું સાતત્ય સુનિશ્ચિત કરવા પુસ્તકો અને રમત ગમતની સામગ્રી સહિતની શિક્ષણ સહાય પૂરી પાડે છે. રિલાયન્સ જિયોએ ડેડિકેટેડ ટાવર્સ ઇન્સ્ટોલ કરીને જિયો ભારત ફોન પૂરા પાડ્યા છે. આઘાત પામેલી વ્યક્તિઓને નિષ્ણાતો દ્વારા કાઉન્સેલિંગ કરી સાજા થવામાં મદદ પૂરી પાડે છે.

બાંગ્લાદેશમાં ફેલાયલી હિંસા અને અરાજકતા પર નેતાઓનું શું કહેવું છે?

મુંબઈ: બાંગ્લાદેશમાં આવેલા રાજકીય ભૂકંપથી સમગ્ર એશિયામાં મુશ્કેલી સર્જાઈ છે. એશિયન દેશોથી લઈને યુરોપિયન દેશો સુધી તમામની નજર બાંગ્લાદેશ પર ટકેલી છે. આજે ભારત સરકારે બાંગ્લાદેશના રાજકીય સંકટ પર સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી, જેમાં તમામ પક્ષોના નેતાઓ સાથે આ નાજુક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ સીધા ભારત પહોંચ્યા છે. એવામાં જ્યારે કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીને આ મુદ્દા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં સ્થિતિ નાજુક છે.

શશિ થરૂર અને પ્રિયંકા ચતુર્વેદી

પરિસ્થિતિ સંવેદનશીલ અને ગંભીર છે – મનીષ તિવારી
કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ બાંગ્લાદેશ મુદ્દે કહ્યું, “બાંગ્લાદેશની સ્થિતિ સંવેદનશીલ અને ગંભીર છે. તે દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયા માટે ચિંતાજનક છે. મને આશા છે કે બંને ગૃહોમાં તેના પર ચર્ચા થશે અને સરકાર તેને સુવિધા આપશે. બાંગ્લાદેશના મુદ્દા પર ચર્ચા કરવી મહત્વપૂર્ણ છે.”

અમે તેમની સાથે ઊભા છીએ – શશિ થરૂર
બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ પર કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું,”જ્યાં સુધી ભારતનો સંબંધ છે, બાંગ્લાદેશના લોકોને આપણે સૌથી પહેલો અને મુખ્ય સંકેત આપવાનો છે કે અમે તેમની સાથે ઉભા છીએ, ભારતનું બીજું કોઈ નિહિત સ્વાર્થ નથી. કેટલાક હેરાન કરનારા સમાચાર આવી રહ્યા છે, આપણે બધાએ હિંદુ ઘરો પર લૂંટના ફોટા જોયા,કદાચ થોડા દિવસોમાં પરિસ્થિતિ શાંત થઈ જશે અને શરણાર્થીઓના આપણા દેશમાં ભાગી જવાનું જોખમ પણ છે અને આ ગંભીર ચિંતાનો વિષય હશે.”

પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી
શશિ થરૂરે વધુમાં કહ્યું કે,”મને આશા છે કે અમારા હાઈ કમિશનર અને અમારો સ્ટાફ સુરક્ષિત છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. અમને હજુ પણ ખબર નથી કે વચગાળાની સરકારમાં કોણ હશે. જમાત-એ-ઈસ્લામીના વધતા પ્રભાવને લઈને કેટલાક લોકો એવા છે. ભારતમાં સમજી શકાય તેવી ચિંતાઓ છે, જેણે ભૂતકાળમાં ભારત પ્રત્યે ખૂબ જ પ્રતિકૂળ વલણ અપનાવ્યું છે, અને આ સ્થિતિ ચીન અને પાકિસ્તાન દ્વારા સંભવિત દખલગીરી વિશે લાગે છે અમે અસ્થિર અથવા પ્રતિકૂળ પાડોશી નથી ઈચ્છતા.”

જોવા માટે ખૂબ જ ચિંતાજનક છે- કાર્તિ ચિદમ્બરમ
કોંગ્રેસના સાંસદ કાર્તિ પી ચિદમ્બરમે કહ્યું, “બાંગ્લાદેશમાં જે પ્રકારની અરાજકતા અને હિંસા થઈ રહી છે તે જોવું ખૂબ જ ચિંતાજનક છે. અમારી પ્રાથમિક ચિંતા ત્યાંના અમારા નાગરિકોની સુરક્ષા, સરહદની સુરક્ષા અને બાંગ્લાદેશમાં ભવિષ્યની સરકાર કેવી હશે તે છે. જ્યાં સુધી રાષ્ટ્રીય સુરક્ષા અને હિતોની વાત છે ત્યાં સુધી અમે સંપૂર્ણપણે સરકારની સાથે છીએ કારણ કે સરકારે સવારે અમને બધાને માહિતી આપી હતી.”

નીતિમાં ખલેલ- પપ્પુ યાદવ
બાંગ્લાદેશના મુદ્દા પર પૂર્ણિયાના સ્વતંત્ર સાંસદ પપ્પુ યાદવે કહ્યું,”સ્થિતિ સારી નથી. આ સ્થિતિમાં ઈન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે. જ્યારે આપણે સાર્વભૌમ સંસ્કૃતિ, લોકોની સુરક્ષા, વેપાર, અર્થતંત્ર, દેશની સુરક્ષાની વાત કરીએ છીએ. ભારત હંમેશા ‘વસુધૈવ કુટુંબકમ’માં માનતું આવ્યું છે. મુખ્ય વાત એ છે કે બાંગ્લાદેશ વેપારના સંદર્ભમાં ભારતમાંથી રસ ગુમાવી રહ્યું છે. એ સારું નથી.”

ભારતને પણ અસર થશે – પ્રિયંકા ચતુર્વેદી
બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ પર શિવસેના (UBT)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું,”બાંગ્લાદેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેની અસર ભારત પર પણ પડશે. બાંગ્લાદેશ આપણો સરહદી દેશ છે. જો બાંગ્લાદેશમાં અરાજકતા હોય તો તે ભારત માટે સારું નથી. ત્યાં હાજર ભારતીયોને કેવી રીતે પાછા લાવી શકાય અને સરહદો કેવી રીતે સુરક્ષિત કરી શકાય, ત્યાં જે અરાજકતા થઈ રહી છે તે ભારતમાં ન ફેલાવી જોઈએ.

બંગલાદેશમાં મંદિરો, હિન્દુઓ પર થઈ રહ્યા છે હુમલાઃ વિદેશપ્રધાન

નવી દિલ્હીઃ બંગલાદેશમાં સ્થિતિ બેકાબૂ થઈ ચૂકી છે. હિંસા અને આગ ચાંપવાની ઘટનાની વચ્ચે તોફાનોએ અલ્પસંખ્યક હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. આ ભીડ ગણીગણીને હિન્દુઓને સતત નિશાન બનાવી રહી છે. ઘરોમાં આગ લગાડવામાં આવી રહી છે. દુકાનોને લૂંટવામાં આવી રહી છે. તોફાનીઓએ ઇસ્કોન મંદિરને આગ હવાલે કરી દીધું હતું. બંગલાદેશી મિડિયા ધ ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર 27 જિલ્લાઓમાં હિન્દુઓનાં ઘરો અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. કીમતી સામાનને લૂંટવામાં આવી રહ્યો છે. મંદિરો પણ પણ હુમલા કરવામાં આવી રહ્યા છે. લાલમોનિરહાટ સદર ઉપજિલ્લામાં ધાર્મિક હિન્દુ કાર્યોથી જોડાયેલા પૂરા સમિતિના સચિવ પ્રદીપ ચંદ્ર રોયના ઘરે તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી હતી.

વિદેશપ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે અમે સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. સરકારી ઇમારતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યો હતો. જુલાઈમાં પૂરા મહિનો હિંસા ચાલી છે. અમે શાંતિ દ્વારા સમાધાન કાઢવાની અપીલ કરી છે. અમારા માટે ચિંતાની વાત એ છે કે અલ્પસંખ્યકોની દુકાનો અને મંદિરો પર કેટલીય જગ્યાએ હુમલા થયા છે, એમ તેમણે કહ્યું હતું.

બંગલાદેશ અમારી બહુ નજીક છે. જાન્યુઆરીથી ત્યાં ટેન્શન છે. હિંસા જૂન અને જુલાઈમાં થઈ છે. અમે ત્યાં રાજકીય પાર્ટીઓ સાથે સંપર્કમાં છીએ. સુપ્રીમ કોર્ટના આદેશ પછી બંગલાદેશમાં સ્થિતિ બદલાઈ હતી. સૌથી વધુ ત્યાં હુમલા અલ્પસંખ્યકો પર થઈ રહ્યા છે. અમે ભારતીય કોમ્યુનિટીના ટચમાં છીએ. અમારું દૂતાવાસ ત્યાં સક્રિય છે, એમ તેમણે કહ્યું હતું.