Home Blog Page 1550

શું વાસ્તુ આધારિત મકાનમાં કોઈ દુ:ખી થઇ શકે ખરું?

સંસ્કૃતમાં લખાયેલું બધું જ ભાષા ગણાય એવું નથી હોતું. જો આયુર્વેદ માટે અલાયદી વ્યવસ્થા હોય તો વાસ્તુશાસ્ત્ર માટે શા માટે નહિ? એકાદ નાની પુસ્તિકામાં જો આ વિષય પતિ જતો હોત તો બરાબર હતું. કોઈ પણ વિષયનો અભ્યાસ ઉપરાંત અંત: સ્ફ્રુરણા પણ જરૂરી છે. જો આર્કિટેક્ટ વાસ્તુશાસ્ત્ર શીખે તો તે આ વિષયને શ્રેષ્ઠ ન્યાય આપી શકે. કારણ કે બંને વિષયમાં બાંધકામ અને રેહેણાકને લગતી વાત કરવામાં આવી છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: શું વાસ્તુ આધારિત મકાનમાં કોઈ દુ:ખી થઇ શકે ખરું? મને લોકો વાસ્તુ એક્ષ્પર્ટ માને છે. કોઈ પણ વ્યક્તિને ઘર લેવાનું હોય એટલે મને પૂછે. આમ પણ બે ચાર નિયમો સિવાય એમાં યાદ રાખવા જેવું શું છે? ઈશાનમાં દરવાજો, અગ્નિમાં રસોડું અને ઈશાનમાં ભગવાન. પીવાનું પાણી ઈશાનમાં આવે એટલે પરફેક્ટ. પણ ખબર નહિ કેમ અમે ઘર લીધું પછી ખુબ હેરાનગતિ છે. કોઈને કહેવાય પણ નહિ. અમે જયારે ઘર લીધું ત્યારે બરાબર ઈશાનમાં દરવાજો આવે એ રીતે પસંદગી કરી હતી. નૈરુત્યમાં બાલ્કની હતી એટલે ત્યાં કચરો નાખીને ઢગલો કરી દીધો. દરવાજા પાસે પાણીનું માટલું પણ મુક્યું. રસોડું ચાર લાખના ખર્ચે રીનોવેટ કરાવ્યું. પણ તકલીફો એટલી બધી આવે છે કે થાકી ગયા છીએ. દુકાનનો માણસ ધંધો લઈને જતો રહ્યો. ઘરમાંથી બીમારી જતી નથી. કંકાસ ઘરમાં તો છે જ. પણ પાડોસીઓ સાથે પણ બનતું નથી. સાચું કહું, ઘરે આવવાની ઈચ્છા જ નથી થતી. દીકરાનું ભણતર પણ માંડ પત્યું. એને કોઈ સારી નોકરી નથી મળતી. આવું થાય તો પછી વાસ્તુશાસ્ત્ર માંથી વિશ્વાસ જ ઉઠી જાય ને?

જવાબ: સહુથી પહેલાતો સાચી માહિતી વિના વાસ્તુશાસ્ત્ર વિષે લોકોને કહેવાનું બંધ કરો. વાસ્તુશાસ્ત્ર એ વિશાળ વિષય છે. તમે તમારા પર પ્રયોગ કર્યો અને સમજાઈ ગયું કે તમને પુરતું જ્ઞાન નથી. જરા વિચારો, આજ સુધી તમે કેટલા બધા લોકોની જિંદગી બગાડી? ઈશાનમાં બરાબર ખૂણામાં ઉત્તર તરફ દરવાજો હોય એટલે એ નકારાત્મક જ ગણાય. તમારો માણસ છેતરી ગયો એવું થાય. બીજું કે નૈરુત્યમાં કચરો ક્યારેય ન નખાય. વધારે ખર્ચ કરવાથી વધારે ઉર્જા મળે એવો કોઈ નિયમ નથી. એટલે તમારા નિર્ણયોનો દોષ વાસ્તુશાસ્ત્રને ન જ આપો. કેટલીક સમસ્યા તમારા સ્વભાવના લીધે પણ હોય. તમારા બાળકોને તમે ખોટી દિશામાં સુવરાવો છો. અને વાયવ્યમાં પણ ખાંચો છે. તેથી બાળકોની ચિંતા તો રહે. ભારતીય વાસ્તુશાસ્ત્રના નિયમો સરળ છે. પણ એમાં વિજ્ઞાન છે. તેથી જેમ કોઈની સલાહ વિના દવાઓ ન લેવાય. એવું જ કોઈની સલાહ વિના વાસ્તુના નિયમોનું અર્થઘટન પણ ન કરાય. કોઈ સાચા નિષ્ણાંતની સલાહ લેવાની સલાહ છે.

સવાલ: અમારી સોસાયટીમાં કોઈ પણ જગ્યાએ તોડીએ પાણીની લાઈન નીકળે છે. અને પછી બધે ભેજ આવે છે. સોસાયટીની કમિટીએ ઘણી વાર ટ્રીટમેન્ટ કરાવી પણ ક્યાંક ને ક્યાંક લીકેજ રહે જ છે. મેં એવું સાંભળ્યું છે કે લીકેજના લીધે બરકત ન આવે. તો આ સાચું છે?

જવાબ: ભેજ એ બાંધકામનો દુશ્મન છે. એ મકાનની મજબૂતાઈ ઓછી કરે છે. જો તમે એપાટમેન્ટમાં રહેતા હોતો ખાસ વિચારવું જોઈએ. કારણ કે સહુથી ઉપરનું લીકેજ પણ નીચે સુધી આવીને બધા જ ફ્લોર ની મજબૂતાઈ ઘટાડી શકે. કોઈ પણ પ્રોપર્ટી લેતા પહેલા નીચેના પિલર ચેક કરવા જોઈએ. જો ત્યાં ભેજ હોય તો એની ઉપરના કોઈક ફ્લોર પર લીકેજ છે. ભેજના લીધે બીમારી આવે છે. વળી વધારે ભેજ લોખંડને નુકશાન કરે તો મકાન પડી પણ શકે. તેથી જ લીકેજને નકારાત્મક ગણવામાં આવ્યું છે. કોઈ પણ મકાનના સર્વિસ પ્લાન હોય જ. સોસાયટી ઓફિસમાં પ્લમ્બિંગ, સેનીટેશન પ્લાન માંગી અને એના આધારે કામ કરાવશો તો લાઈન તૂટવાનો ભય નહિ રહે. જો આવા પ્લાન ન હોય તો એ બાંધકામ સારું ન હોય એવું પણ બને. વળી બહારથી ખોટો ખર્ચ કરીને ટ્રીટમેન્ટ કરવાનો કોઈ અર્થ નથી. એના માટે જ્યાં લીકેજ હોય ત્યાં રીપેરીંગ કરવું જરૂરી છે.

સુચન: પાણીનો લીકેજ નકારાત્મક ગણાય છે. તે ઘરની આર્થિક સ્થિતિને અસર કરી શકે છે.

આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com

રાશિ ભવિષ્ય 23/08/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમા વ્યસતા વધુ રહે તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમા જવાના યોગ છે તેમા જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમા ના આવી જવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમા મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારુ સારુ પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનુ આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતીસૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમા રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ અગત્યનુ છે, ખટપટથી દુર રહેવુ ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચન ના આપવી, વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામા આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કોઈ કામ કરોતો તેમા તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવુ બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમા નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિકકામકાજ અર્થે પ્રવાસનુ આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારો ઉત્સાહ જોવા મળે, વેપારમા નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, ઘરકે ઓફીસમા વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી,કોઈની સાથે વધુ દલીલબાજી ના કરવી, વેપારમા જોખમ ભર્યા કામ ન કરવા, જીવનસાથી સાથે ઉગ્રતા ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયવ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે અને તેને કારણે થોડી માનસિકઅશાંતિ જેવુ રહે, વાણીવર્તણુકમા ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગ ના બનવુ પડે તેનુ ધ્યાન રાખવુ, વેપારમા નાનુ કામ અનુભવના આધારેજ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરતુ કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમા પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમા થોડો અસતોષ રહે, વેપારમા જોખમભર્યા કામ ન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવુ બની શકે છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમા સારુ પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે, કામમા ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવુ શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવુ, આરોગ્યબાબતે થોડુ સાચવવુ, વેપારમા જોખમ ન કરવુ, માર્કેટિંગક્ષેત્રમા થોડી મહેનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ વધુ સારુ.


આજનો દિવસ સારો છે, તમારામા ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવુ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામકાજ કરવાથી  સારુ ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે.

પંચાંગ 23/08/2024

મુકેશ અંબાણીએ અનંત-રાધિકાને લગ્નમાં આપી દુનિયાની સૌથી મોટી ભેટ

મુંબઈ: અનંત-રાધિકાના લગ્નને ઘણા દિવસો વીતી ગયા છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેમના લગ્ન સંબંધિત માહિતી જાણવાની લોકોની આતુરતા હજુ પણ સમાપ્ત થઈ નથી. રોજેરોજ ક્યારેક કોઈને કોઈ ઘટનાના તો ક્યારેક કોઈના ફોટા સામે આવે છે. જો આપણે બંને કપલને તેમના લગ્નમાં મળેલી ગિફ્ટની વાત કરીએ તો ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે તેમને ગિફ્ટમાં શું મળ્યું હશે?

તમને જણાવી દઈએ કે, ઘણી સેલિબ્રિટીઓએ કરોડોની મોંઘી ગિફ્ટ આપી છે, જ્યારે મુકેશ અંબાણીએ તેમના પુત્ર અને પુત્રવધૂને ખૂબ જ મોંઘી ભેટ આપી છે. અમે વાત કરીએ છીએ જુમેરાહમાં બીચ સાઇડ વિલાની, જેની કિંમત જાણી ચોંકી જશો. અમીરી હોય તો આવી!

દુબઈની એક પ્રખ્યાત જગ્યા પર કરોડોની કિંમતનો વિલા ભેટમાં

મુકેશ અંબાણીએ ન માત્ર અનંતના લગ્નને ભવ્ય બનાવ્યા, પરંતુ ગિફ્ટના મામલે પણ પોતાને ટોચ પર રાખ્યા. દુબઈના પ્રખ્યાત સ્થળ જુમેરાહમાં બીચ સાઇડ વિલા ખરીદીને પાપા અંબાણીએ તેમના પુત્ર અને પુત્રવધૂને સૌથી મોંઘી ભેટ આપી છે. મળતી માહિતી મુજબ આ વિલાની કિંમત લગભગ 700 કરોડ રૂપિયા છે. આ વિલા 3 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 10 લક્ઝરી બેડરૂમ, સ્પોર્ટ્સ રૂમ, થિયેટર, વર્લ્ડ ક્લાસ સિક્યુરિટી સિસ્ટમ અને સ્વિમિંગ પૂલ જેવી ઘણી સુવિધાઓ છે. આ સિવાય વિલામાં 70 મીટરમાં ફેલાયેલો પ્રાઈવેટ બીચ પણ છે.

જુમેરાહ કેવી જગ્યા છે

જુમેરાહમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવાસીઓની સંખ્યા વધારે છે. અહીં નવા પ્રોજેક્ટ્સ શરૂ થવાથી અરબની ખાડી હવે લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. તમને જણાવી દઈએ કે, દુબઈના બીચને વધારવા માટે અહીં પર્લ જુમેરાહ અને ડારિયા આઈલેન્ડને પણ સામેલ કરવામાં આવ્યા છે. પર્લ જુમેરાહ એ બુલ્ગારી હોટેલ અને બીચ ક્લબ માટેનું વૈભવી ટાપુ છે. ડારિયા ટાપુ દરિયાઈ ઘોડા જેવો આકાર ધરાવે છે અને તેમાં રહેવાની વ્યવસ્થા, 5 સ્ટાર રિસોર્ટ અને મરિના છે.

 

બાયજુ નાદારીને આરેઃ કર્મચારી, માતાપિતાની ચિંતા વધી

નવી દિલ્હીઃ ભારતીય એડ ટેક કંપની બાયજુના નાદાર થવાથી દેશના સ્ટાર્ટઅપ સેક્ટરમાં હલચલ થવાની શક્યતા છે. જેનાથી હજારો કર્મચારો પૈસા પરત મેળવવા અને કેરિયરની સુરક્ષા માટે લાંબી લડાઈ લડવી પડે એવી શક્યતા છે. વર્ષ 2022માં 22 અબજ ડોલરના મૂલ્યની કંપની કોરોના રોગચાળા દરમ્યાન ઓનલાઇન કોર્સ માટે બહુ જાણીતી હતી. જોકે કંપની હવે અમેરિકી લેણદારોની સાથે એક અબજ ડોલરનાં બાકી લેણાંને લઈને વિવાદમાં ફસાયેલી છે.

કંપનીના કર્મચારીઓ, વિદ્યાર્થીઓના માતાપિતાની સાથે કરવામાં આવેલી વાતચીત અને વોટ્સએપ ચેટ્સની તપાસથી માલૂમ પડે છે કે કંપની વિરુદ્ધ લોકોમાં ગુસ્સો છે. કંપનીના બોર્ડને ભંગ કરી દેવામાં આવ્યું છે અને એની સંપત્તિઓ પણ ફ્રીઝ કરી દેવામાં આવી છે.

કંપનીના 27,000 કર્મચારીઓમાંથી કેટલાય હવે રસ્તાઓ પર પ્રદર્શન કરવા કે કાનૂની કાર્યવાહી કરવા પર વિચાર કરી રહ્યા છે. કોર્ટ દ્વારા નિયુક્ત અધિકારી પાસે આશરે 3000 કર્મચારીઓએ બાકી પગારના દાવા સાથે બેન્ક સ્ટેટમેન્ટ જમા કરાવ્યાં છે.

કંપની 2011માં શરૂ થઈ હતી અને હાલના મહિનાઓમાં મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે. કંપનીના બોર્ડના સભ્યોએ રાજીનામાં આપી દીધાં છે અને ઓડિટરે પણ રાજીનામું આપી દીધું છે. કંપનીના 280 કર્મચારીઓએ રાજ્યની એક ફરિયાદ પેનલથી સંપર્ક કર્યો છે. તેમણે બાકી વેતન પર કાર્યવાહીની માગ કરી છે અને કંપની પર આરોપ લગાવ્યો છે કે કંપનીએ તેમના વેતનમાંથી ટેક્સ કાપીને સરકારને ચુકવણી નથી કરી. કંપનીને BCCIથી વિવાદને કારણે પાછલા દિવસોમાં નાદારીના પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

 

નાના પાટેકર જેવા લોકો મનોરોગી છે,રિપોર્ટને બદલે કાર્યવાહી થવી જોઈએ

મુંબઈ: તાજેતરમાં જ એક મલયાલમ એક્ટ્રેસ દ્વારા એક્ટર દિલીપ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે જસ્ટિસ હેમા કમિટીએ સોમવારે પોતાનો 235 પાનાનો રિપોર્ટ જાહેર કર્યો છે. આના પર તનુશ્રી દત્તાએ અભિનેતા દિલીપની સાથે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકર પર નિશાન સાધ્યું છે.

મલયાલમ અભિનેત્રી ત્રિશૂરથી કોચી જઈ રહી હતી ત્યારે ચાલતી કારમાં કેટલાક લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. આમાં અભિનેતા દિલીપનું નામ પણ સામેલ છે. જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટમાં આ અંગે ઘણું કહેવામાં આવ્યું છે. જ્યારે હવે તનુશ્રી દત્તાએ પણ નાના પાટેકરને ઘેરી લીધા છે. તમને જણાવી દઈએ કે તનુશ્રી દત્તાએ પણ નાના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

ન્યૂઝ18 સાથેની વાતચીતમાં અભિનેત્રીએ કહ્યું,’મને આ સમિતિઓ અને અહેવાલો સમજાતાં નથી. મને લાગે છે કે આ નકામી છે. 2017 માં શું થયું તેની જાણ કરવામાં તેમને સાત વર્ષ લાગ્યાં? છેવટે, આ નવા અહેવાલનો અર્થ શું છે? તેઓએ માત્ર આરોપીઓની ધરપકડ કરવાની હતી અને મજબૂત કાયદો અને વ્યવસ્થા લાગુ કરવાની હતી.

અભિનેત્રીએ આગળ કહ્યું,’મને યાદ છે કે મેં વિશાખા કમિટી વિશે સાંભળ્યું હતું જે ઘણી માર્ગદર્શિકા સાથે તૈયાર કરવામાં આવી હતી, પરંતુ તે પછી શું થયું? બસ સમિતિઓના નામ બદલતા રહો. નાના (નાના પાટેકર) અને દિલીપ જેવા લોકો નાર્સિસ્ટિક સાયકોપેથ છે. આવા લોકો માટે કોઈ સારવાર નથી. આ લોકોએ જે કર્યું છે તે માત્ર એક દુષ્ટ અને પ્રતિશોધક વ્યક્તિ જ કરી શકે છે. મને આ સમિતિઓની પરવા નથી. મને સિસ્ટમ પર વિશ્વાસ નથી. એવું લાગે છે કે વાસ્તવિક કામ કરવાને બદલે તેઓ આ સમિતિઓ અને અહેવાલોથી અમારો સમય બગાડે છે.

તનુશ્રીએ ઉમેર્યુ કે,’એવું લાગે છે કે આ અહેવાલો અને સમિતિઓ દ્વારા તેઓ વાસ્તવિક કામ કરવાને બદલે અમારો સમય બગાડે છે. સલામત કાર્યસ્થળ હોવું કોઈપણ સ્ત્રી અથવા કોઈપણ મનુષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓની અસુરક્ષા અંગે અભિનેત્રીએ કહ્યું,’આ તમામ કાગળોને કોણ અનુસરે છે? જેઓ કાયદો તોડવા માંગે છે તેઓ હજુ પણ તેને તોડશે. આ તમામ શિકારીઓ માનસિક રીતે બીમાર છે. તેનું મન બરાબર નથી.

તનુશ્રીએ પાર્વતી તિરુવોથુ વિશે પણ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા જેમને ઈન્ડસ્ટ્રીમાં વધારે તકો નથી મળી. તનુશ્રીએ કહ્યું,’આ સૌથી વિચિત્ર વાત છે. અભિનેતાઓ તેમની સ્ત્રી સમકક્ષો (અભિનેત્રીઓ) ને બીજા વર્ગના નાગરિકો તરીકે જુએ છે. સ્ત્રી કલાકારો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ લાઇનમાં રહે, ચોક્કસ રીતે વર્તે, મોં વધારે ન ખોલે.’

તમને જણાવી દઈએ કે #MeToo ઈન્ડિયા મુવમેન્ટ દરમિયાન તનુશ્રીએ નાના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અભિનેત્રીએ કહ્યું હતું કે 2008માં ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ના સેટ પર એક્ટરે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું.

લોથલ ડોકયાર્ડ થિયરીનું પુનઃમૂલ્યાંકન કરવામાં IIT ગાંધીનગરને મળી સફળતા

ગાંધીનગર: IIT ગાંધીનગરની આગેવાની હેઠળ લોથલ ડોકયાર્ડ થિયરીનો ગ્રાઉન્ડબ્રેકિંગ અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં મલ્ટી-સેન્સર ડેટા, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને અદ્યતન વિશ્લેષણાત્મક પ્લેટફોર્મ્સ જેવી અત્યાધુનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હડપ્પાના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાંના એક લોથલ પરનું આ એક અગ્રેસર સંશોધન છે. જે લોથળ પ્રદેશની હાઇડ્રોગ્રાફીએ પ્રાચીન વેપાર અને સાંસ્કૃતિક ક્રિયાપ્રતિક્રિયાઓને કેવી રીતે આકાર આપ્યો તે અંગે આંતરદૃષ્ટિ દર્શાવે છે.આ અભ્યાસ લોથલ અને સાબરમતી નદીના પૂર્વ પ્રવાહ વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરીને નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. અભ્યાસમાં એ વાત છતી થાય છે કે સાબરમતી નદીના નીચલા ભાગોમાં હોલોસીન સમયગાળાના અંતમાં નોંધપાત્ર સ્થળાંતર થયું હતું, જેણે વેપાર માર્ગો અને સેટલમેન્ટની પેટર્નને પ્રભાવિત કરી હતી. સંશોધન એ વાત ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે કે કેવી રીતે પ્રાચીન જળ ગતિશીલતાએ વેપાર અને સાંસ્કૃતિક વિનિમયને અસર કરી. આ અભ્યાસ હડપ્પાના અર્થતંત્રોમાં જળમાર્ગોની ભૂમિકા પર નવો પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે. ભૂતકાળના કેટલાંક તારણો અગાઉ ડોકયાર્ડ થિયરી વિશે શંકા વ્યક્ત કરે છે, તેની માન્યતાને સમર્થન આપવા માટે આ અભ્યાસમાં મજબૂત પુરાવાઓ આપવામાં આવ્યા છે.પ્રો. વી.એન. પ્રભાકર, IIT ગાંધીનગર ખાતે અર્થ સાયન્સ અને હ્યુમન અને સોશિયલ સાયન્સના એસોસિયેટ પ્રોફેસર છે. તેઓ જણાવે છે, “પુરાતત્વમાં રિમોટ સેન્સિંગ તકનીકો નોંધપાત્ર રીતે આગળ વધી છે, જે પ્રાચીન લેન્ડસ્કેપ્સને જાહેર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.”ગુજરાતમાં ખંભાતના અખાતથી આશરે 30 કિમી દૂર આવેલું લોથલ કાંસ્ય યુગ હડપ્પન સમયગાળા દરમિયાન એક મહત્વપૂર્ણ બંદર હતું. આ સંશોધન લેન્ડસ્કેપ પરિપ્રેક્ષ્યમાંથી ડોકયાર્ડ સિદ્ધાંતની પુનઃવિચારણા કરે છે, પ્રારંભિક નકશા, સેટેલાઇટ છબીઓ અને ડિજિટલ એલિવેશન મોડલ્સમાંથી ડેટાને એકીકૃત કરે છે. આ અભિગમ માત્ર અસ્તિત્વમાં રહેલા અર્થઘટનને જ મજબૂત બનાવતો નથી પણ ભૂતકાળના લેન્ડસ્કેપ્સને સમજવામાં ભૂસ્તરીય ડેટાના મહત્વને પણ રેખાંકિત કરે છે.અભ્યાસ વિસ્તાર ગુજરાતમાં લોથલ અને તેની આસપાસના વિસ્તારોને આવરી લે છે, જ્યાં 140થી વધુ પેલેઓચૅનલની ઓળખ કરવામાં આવી છે, જે હડપ્પન સંસ્કૃતિ માટેના મુખ્ય નદી માર્ગ પર લોથલની વ્યૂહાત્મક સ્થિતિને પ્રકાશિત કરે છે. સેટેલાઇટ ઇમેજોએ સાબરમતી નદીની જૂની ચેનલોને અનાવરણ કરી છે, જે એક તરફ કોથ અને અન્ય સંસાધન-સંપન્ન વિસ્તારો અને બીજી તરફ નળ સરોવર દ્વારા કચ્છનું નાનું રણ સાથે જોડાયેલા નોંધપાત્ર નદી માર્ગ પર લોથલનું મુખ્ય સ્થાન સૂચવે છે.

સંશોધન ડોકયાર્ડ સિદ્ધાંતને સમર્થન આપે છે અને નદી અને દરિયાઈ માર્ગો દ્વારા વેપાર માટે લોથલના મહત્વને દર્શાવતા ઐતિહાસિક પ્રવેશદ્વારો વિશેની માહિતી આપે છે. અન્ય એક તાજેતરના અભ્યાસમાં લોથલને કચ્છની અન્ય હડપ્પન સાઇટ્સ સાથે જોડતું એક સક્રિય આંતરદેશીય જળ નેટવર્ક પણ બહાર આવ્યું છે, ત્યાં એગેટ-કાર્નેલિયન જેવા કાચા માલના વિતરણમાં ભાગ લે છે. સાબરમતીના સ્થળાંતરની સમયરેખા અને પ્રદેશની ટેકટોનિક ગતિશીલતાની પુષ્ટિ કરવા માટે વધુ અભ્યાસની જરૂર છે.પ્રો.એકતા ગુપ્તાએ કહ્યું કે, “પેલેઓલેન્ડસ્કેપના પુનઃનિર્માણમાં હાલના પુરાતત્વીય અને ભૌગોલિક સિદ્ધાંતો એક નવો પરિપ્રેક્ષ્ય પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. જે અમારી શોધને વધુ મજબૂત કરે છે અને પ્રાચીન સમાજો તેમના પર્યાવરણને કેવી રીતે અનુકૂલિત થયા તેની ઊંડી સમજણ આપે છે.” આ અભ્યાસ ત્રણ પ્રોફેસર પ્રો. એક્તા ગુપ્તા, પ્રો. વી. એન. પ્રભાકર અને પ્રો. વિક્રાંત જૈને મળીને કર્યો છે.

રૂ. છ લાખનું ભરણપોષણ માગતી પત્નીને હાઇકોર્ટની ફટકાર

બેંગલુરુઃ કર્ણાટકની હાઇકોર્ટનાં એક મહિલા જજે એક મહિલાને ભૂતપૂર્વ પતિ પાસેથી રૂ. છ લાખનું પ્રતિ મહિને ભરણપોષણની માગને એ કહીને ફગાવી દીધી હતી કે જો તે આટલા ખર્ચ કરવા ઇચ્છતી હોય તો તે જાતે કમાણી શરૂ કરે. આ સુનાવણીનો વિડિયો વાઇરલ થયો છે.

સોશિયલ મિડિયા પર કર્ણાટક હાઇકોર્ટની કાર્યવાહીનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ મહિલાની દલીલ એટલી વિચિત્ર હતી કે મહિલા જજે અરજીકર્તાના વકીલને આકરી ફટકાર લગાવી હતી. મહિલાએ ભરણપોષણ માટે પતિ પાસેથી પ્રતિ મહિને રૂ. 6.16 લાખની માગ કરી હતી. પત્નીની આ માગ પર હાઇકોર્ટનાં જજે તેને ખુદ કમાવાની સલાહ આપી હતી.

મહિલાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પત્નીને જૂતાં, કપડાં, બંગડો વગેરે માટે પ્રતિ મહિને રૂ. 15,000ની જરૂર છે. એ સાથે ઘરમાં ખાદ્યખોરાકી માટે પ્રતિ મહિને 60,000ની જરૂર છે. આ સિવાય તેને ઘૂંટણના દર્દ માટે અને ફિઝિયોથેરેપી તથા અન્ય દવાઓ માટે તેને રૂ. 4-5 લાખની જરૂર છે.

આ કેસની સુનાવણી કરતાં જજે આકરી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે એ કોર્ટની પ્રક્રિયાનું શોષણ છે. જજે કહ્યું હતું કે આટલી મોટી રકમ ભલા કઈ મહિલા મહિને ખર્ચ કરે છે? શું તમે એ નિયમોનો ખોટો લાભ નથી ઉઠાવી રહ્યાં? તમારી પર પરિવારની કોઈ જવાબદારી નથી, તમારે બાળકોની દેખરેખ કરવાની જરૂર નથી. આ ભરણપોષણની રકમ તમારે તમારા પોતાના માટે જોઈએ છે. જજે મહિલાના વકીલને ઉચિત રકમની ભરણપોષણની માગ કરવા માટે નિર્દેશ આપતાં તેની અરજી ફગાવી દેવાની વાત કહી હતી.

શું છે કેસ?

30 સપ્ટેમ્બર, 2023એ ફેમિલી કોર્ટ- બેંગલુરુએ એક મહિલાના પતિ એમ નરસિંહાને રૂ. 50,000 માસિક ભરણપોષણ આપવાની મંજૂરી આપી હતી. આ અરજી પર જજના વલણની સોશિયલ મિડિયા પર પ્રશંસા કરવામાં આવી હતી. આ વિડિયોને 20 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે.

‘ રાવણ પણ પ્રેમમાં હતો’, રામાયણના કાસ્ટિંગ ડિરેક્ટરે આ શું કહ્યું?

મુંબઈ: કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા સિનેમા જગતનું જાણીતું નામ છે. તેણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો માટે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે અને નીતિશ તિવારીની આગામી ફિલ્મ ‘રામાયણ’ની સંપૂર્ણ કાસ્ટ પણ મુકેશ છાબરા દ્વારા ફાઈનલ કરવામાં આવી છે. તાજેતરમાં મુકેશ છાબરાએ આ લોકપ્રિય ફિલ્મ વિશે ખુલ્લેઆમ ચર્ચા કરી હતી અને આગામી ફિલ્મ વિશે ઘણા ખુલાસા પણ કર્યા હતા. આ દરમિયાન તેણે એ પણ જણાવ્યું કે શા માટે રણબીર કપૂરને ફિલ્મમાં ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવવા માટે પસંદ કરવામાં આવ્યો અને કંઈક એવું પણ કહ્યું જે હંગામો મચાવી શકે.

મુકેશ છાબરાએ રાવણ પર આપ્યું નિવેદન

રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટમાં વાત કરતી વખતે મુકેશ છાબરાએ ફિલ્મના પાત્રો વિશે વાત કરી હતી. બીજી તરફ, મુકેશ છાબરાનું માનવું છે કે રાવણ તેની જગ્યાએ સાચો હતો અને તેણે જે પણ કર્યું તે પ્રેમથી કર્યું હતું. મુકેશ છાબરાએ રાવણ વિશે તેમના વિચારો વ્યક્ત કર્યા અને તેમાં તેણે શું કહ્યું એ જાણીએ.

મુકેશ છાબરાએ શું કહ્યું?

આ અંગે વાત કરતા મુકેશ છાબરાએ કહ્યું- ‘યાર, તે પણ પ્રેમમાં હતો. તે બદલો લેવા માંગતો હતો, પરંતુ તે પ્રેમમાં પણ હતો. જ્યાં સુધી હું રાવણને સમજી શકું છું, તે દુષ્ટ અને પ્રતિશોધક હતો, પરંતુ તેનો બદલો તેની બહેન પ્રત્યેના પ્રેમથી પ્રેરિત હતો. તેને તે જ કરવું હતું જે તેની બહેન માટે કરવાનું હતું. તે પણ તેની જગ્યાએ યોગ્ય હતો. યુદ્ધમાં બંને પક્ષો માને છે કે તેઓ સાચા પક્ષ પર છે. પરંતુ, રાવણ પ્રેમથી પ્રેરિત હતો.’

યશ રાવણનું પાત્ર ભજવી શકે છે

નીતીશ તિવારીની રામાયણમાં KGF સ્ટાર યશના ‘રાવણ’ની ભૂમિકા ભજવતો જોવા મળી શકે છે, જે ફિલ્મના સહ-નિર્માતા પણ છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ફિલ્મમાં રણબીર કપૂર રામના રોલમાં અને સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. અહેવાલ મુજબ, મેકર્સે હનુમાનના રોલ માટે સની દેઓલની પસંદગી કરી છે.

સૈફ અલી ખાન પણ રાવણ પરના નિવેદનને કારણે ટ્રોલ થયા હતા

તમને જણાવી દઈએ કે, 2020માં સૈફ અલી ખાને પણ ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેણે કહ્યું હતું કે તે ઓમ રાઉતની મોટા બજેટની ફિલ્મ ‘આદિપુરુષ’માં રાવણનું ‘માનવ’ વર્ઝન રજૂ કરશે. આ નિવેદન બાદ સૈફ અલી ખાન ઘણો ટ્રોલ થયો હતો.

કેવી છે આ વર્ષે રાજકોટના લોકમેળાની તૈયારીઓ?

રાજકોટ: સૌરાષ્ટ્રમાં સાતમ – આઠમના તહેવારો એક સપ્તાહ સુધી ભારે ઉત્સાહથી ઉજવાતા હોય છે. રાજકોટનો પ્રસિદ્ધ લોકમેળો એ જન્માષ્ટમીના ઉત્સવનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ વર્ષે ત્તા. 24 થી 28 ઓગસ્ટ પાંચ દિવસ માટે રાજકોટના રેસકોર્સ મેદાનમાં લોકમેળો યોજાશે. વહીવટી તંત્રે આ મેળાની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે. રાજકોટમાં ગેમઝોનની ઘટના બાદ જન્માષ્ટમીના લોકમેળાના આયોજનમાં જિલ્લા વહીવટી તંત્રે સુરક્ષા પર ફોકસ કરીને વિવિધ પગલાં લીધા છે. મેળાના મેદાનમાં સાત એન્ટ્રી અને એકઝીટ માટેના ગેઇટ બનાવવામાં આવ્યા છે અને 10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ગત વર્ષે 350 જેટલા વિવિધ સ્ટોલ રાખવામાં આવ્યા હતા તેની સામે આ વર્ષે 200 જેટલા જ સ્ટોલ રખાયા છે. ક્રાઉડ કન્ટ્રોલ પર ભાર મૂકવામાં આવ્યો છે. ડોન કેમેરાથી મેળા ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે અને ગ્રાઉન્ડ ફૂલ થઇ જાય તો એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે. જુદી જુદી રાઈડ્સ ને લઈને ખાસ સૂચના આપવામાં આવી છે. ફાઉન્ડેશન ભર્યા બાદ પાર્ટ્સ ફીટ કરવા સૂચના આપી છે જેથી કોઈ દુર્ઘટના ન બને જો કે કેટલાક રાઈ ડ્સ ના માલિકોએ જમીનના જરૂરી ટેસ્ટ અને ફાઉન્ડેશન ભર્યા વિના માંચડો ઊભો કર્યો છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની ટીમે મેળાના મેદાનની મુલાકાત લઈ સ્થિતિ ચકાસી તંત્રને જરૂરી સૂચનાઓ આપી છે. એડિશનલ કલેક્ટર ચેતન ગાંધી એ જણાવ્યું હતું કે, નેશનલ ડિઝાસ્ટર ના તજજ્ઞોએ રાઈ ડસ્ ના માલિકોએ અને સરકારી કર્મચારીઓ ને જરૂરી તાલીમ અને સૂચનાઓ આપી છે. રાજકોટના લોકમેળાનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ ઉપરાંત જડેશ્વર મહાદેવ, ઘેલા સોમનાથ, રતનપર સહિતના સ્થળોએ જન્માષ્ટમીના મેળા યોજાશે. લાખો લોકો મેળો માણવા પહોંચશે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસવીરો – નિશુ કાચા)