Home Blog Page 1497

MSME સેક્ટર માટે સારા સમાચાર, 100ની જગ્યા પર 150 કિલોવોટ સુધી મળશે ફ્રી વીજળી

MSME સેક્ટરને બુસ્ટર આપવા માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ અગાઉ MSME સેક્ટરને બુસ્ટર આપવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી નીતિ હેઠળ 100 કિલોવોટ સુધીની એલટી કનેક્શન ધારકોની મર્યાદા હતી. જે હવે વધારી 150 કિલોવોટ સુધી કરવામાં આવી છે. જેનો અમલ સૌથી પહેલાં ગુજરાત રાજ્યથી કરવામાં આવશે. એલટી કનેક્શનધારકોને આપવામાં આવેલી રાહતથી નાના એકમોને મોટો આર્થિક ફાયદા સ્વરૂપ બનશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા ભાગરૂપે નાના અને મધ્યમ કદના એકમોને બુસ્ટ આપવો જરૂરી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટકલી યોજના પણ અમલમાં મુકવામાં આવી છે. આ ઉપરાંત એમએસએમઈ સેક્ટરના ઉદ્યોગો મોટાભાગે એલટી (લો ટેન્શન) કનેક્શન જ ધરાવતા હોય છે. જેની મર્યાદા 100 કિલોવોટ (કેવીએ)ના કારણે ઘણાં એકમો તેમની ઉત્પાદન ક્ષમતા વધારી શકતા નથી. જેના કારણે એકમોને એચટી (હાઈ ટેન્શન) કનેક્શન લેવું ફરજિયાત બની જાય છે.

એચટી કનેક્શનના કારણે જે-તે એકમોએ પોતાનું ટ્રાન્સફોર્મર લેવું અનિવાર્ય બની જાય છે. તેમજ ઈલેક્ટ્રિકલ ઈન્સ્પેક્શન કરાવવું, સીટીપીટી જંક્શન બોક્સ લગાવવું, ટ્રાન્સફોર્મર માટે જગ્યા ફાળવવા સહિતના અનેક કામોના કારણે એલટી કનેક્શન ધારકોને આર્થિક બોજ પડતો હતો. જેના માટે 100 કેવીએ પાવરની મર્યાદા વધારવા વર્ષોથી ઔદ્યોગિક સંગઠનો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી. કેન્દ્ર સરકારની નીતિ અંતર્ગત સૌપ્રથમ ગુજરાતમાં એલટી કનેક્શન ધારકોને 100 કેવીએ પાવરની મર્યાદી વધારી 150 કેવીએ કરવામાં આવી છે. જે અંગેનું સૈદ્ધાંતિક જાહેરનામું બહાર પાડી દેવાયું છે. જોકે, જર્કની મંજૂરી મળતાં જ એલટી કનેક્શન ધારકો કોઈપણ જાતના વધારાના ખર્ચ વિના 150 કેવીએ સુધીનો વપરાશ કરી શકશે.

કાનપુર, અજમેર પછી સોલાપુરમાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં કાલિન્દી એક્સપ્રેસને ઉડાવવાના કાવતરા પછી  રાજસ્થાનના અજમેર અને  મહારાષ્ટ્રના સોલાપુરમાં પણ માલગાડી ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર  જિલ્લાના કુર્ડુવાડી સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર સિમેન્ટનો મોટો પથ્થર મળ્યો છે. લોકો પાઇલટની સાવધાનીથી દુર્ઘટના ટળી ગઈ. આ મામલે રેલવેના સિનિયર સેક્શન એન્જિનિયરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અત્યાર સુધી 30 લોકોની પોલીસે ધરપકડ કરી છે.

સોલાપુર જિલ્લાના કુર્ડુવાડી રેલવે સ્ટેશનથી લગભગ 700 મીટર પૂર્વ દિશામાં એક સિગ્નલ પોઇન્ટની પાસે રેલવે ટ્રેક પર દુર્ઘટનાના ઇરાદે સિમેન્ટનો એક મોટો પથ્થર મૂકવામાં આવ્યો હતો. આ મામલે સિનિયર સેક્શન એન્જિનિયર કુંદન કુમારે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ દરમિયાન લોકો પાયલટ રિયાઝ શેખ અને જેઈ ઉમેશ બ્રધર ઇલેક્ટ્રિક રેલવેના ઓવરહેડ વાયરની સારસંભાળ માટે ટાવર વેગનને સોલાપુરથી કુર્ડુવાડી લાવી રહ્યા હતા. તેમણે ટ્રેક પર એક પથ્થર જોયો તો ટ્રેનને લગભગ 200 મીટરના અંતરે જ રોકી દીધી અને સંબંધિત રેલવે અધિકારીઓને તેની માહિતી આપી. આ મામલે પોલીસે કેસ નોંધી લીધો છે અને આગળની તપાસ કરી રહી છે.

આ પહેલા રાજસ્થાનના અજમેરમાં પણ ટ્રેનને ઉથલાવવાનું કાવતરું ઘડવાનો મામલો સામે આવ્યો છે. અજમેરના સરધનામાં રવિવાર રાત્ર રેલવે ટ્રેક પર 70 કિલોના સિમેન્ટના બે બ્લોક મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. રાહતની વાત એ રહી કે ટ્રેન સિમેન્ટ બ્લોકને તોડતી આગળ નીકળી ગઈ અને કોઈ મોટી દુર્ઘટના થઈ નહીં. આ અંગે કર્મચારીઓએ માંગલિયાવાસ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. આ મામલે પણ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

ચાઈનીઝ લસણ વિવાદ વકર્યો, માર્કેટ યાર્ડમાં લસણના સોદા બંધ થયા

રાજકોટ: ઉપલેટાના ચાઈનીઝ લસણથી ગત સપ્તાહે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં વિવાદના વંટોળ ઊભા થયા હતા. જે વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં લસણનું કામકાજ બંધ છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઉપલેટાથી ચાઈનીઝ લસણ ઘુસાડવામાં આવ્યું હતુ. ચાઈનીઝ લસણ મામલે વિરોધ થતાં રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે લસણના સોદા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

એક બાજું માર્કેટિંગ યાર્ડમાં લસણ મુદ્દે કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે બીજી બાજુ ચાઈનીઝ લસણ મુદ્દે ખેડૂતોમાં પણ ભારોભાર નારાજગી અને રોષ છે. તેમજ ગોંડલમાં ચાઈનીઝ લસણની આવકના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજકોટ સહિતના માર્કેટયાર્ડમાં લસણનો વેપાર બંધ છે. માર્કેટયાર્ડમાં લસણની હરાજી કરવામાં આવશે નહિ. ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા અપીલ કરાઇ છે. વાત એમ છે કે ગત સપ્તાહે ઉપલેટાના ખેડૂત ચાઈનીઝ લસણ વેચવા લાવ્યા હતા. ગોંડલમાં આવેલા ચાઇનીઝ લસણને લઈ રાજકોટમાં પણ લસણની હરાજી બંધ રહેશે.

ભારતમાં ચાઈનીઝ લસણની આયાત ઉપર દાયકાથી પ્રતિબંધ છે, તેમ છતાં ગોંડલમાં ચાઈનીઝ લસણની ચાર-પાંચ ગુણી ઠલવાઈ જતા જ સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોમાં રોષ જાગ્યો છે. રાજકોટ યાર્ડના વેપારી એસોસિએશને ગોંડલમાં મળી આવ્યું તે લસણ મોટા કન્ટેનર ચીનથી ઠલવાઈ ગયા હોય તે પૈકીનું હોવાની શક્યતા છે. સરકાર આ અંગે ઉંડી તપાસ કરીને આયાત અટકાવે તેવી માંગ સાથે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડમાં લસણની હરાજી બંધ રાખીને વિરોધ કરવાનું એલાન અપાયું છે. ગોંડલ યાર્ડમાં 750 કિલો ચીનનું લસણ કોણ લાવ્યું અને યાર્ડના સત્તાધીશોએ કેમ લાવવા દીધું તે અંગે પણ સવાલ ઉઠયો છે.

દિલ્હીમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન?: સરકારને બરખાસ્ત કરવાની માગ

નવી દિલ્હીઃ શું દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે? દિલ્હી ભાજપના વિધાનસભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર લખીને કેજરીવાલ સરકારને બરખાસ્ત કરવાની માગ કરી છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુથી મુલાકાત કરીને તેમને પત્ર સોંપ્યો છે. હવે રાષ્ટ્રપતિ સચિવાલયે એના પર માહિતી લીધી છે.

ભાજપના વિધાનસભ્યોએ આ પત્રમાં બંધારણીય સંકટનો હવાલો આપતાં દિલ્હી સરકારને બરખાસ્ત કરવાની માગ કરી છે. આ પત્રમાં દિલ્હીના CM કેજરીવાલ જેલમાં હોવાનો હવાલો આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ઓફિસે એ પત્ર ગૃહ મંત્રાલયને સોંપ્યો છે.

દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે બંધારણના ઉલ્લંઘન માટે આપ પાર્ટીની સરકારને બરખાસ્ત કરવાની માગને લઈને ભાજપના વિધાનસભ્યો દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપવામાં આવેલો પત્ર ગૃહ મંત્રાલયને સોંપવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે દિલ્હી સરકાર દ્વારા છઠ્ઠા દિલ્હી નાણાં પંચની રચના નથી કરવામાં આવી અને કેગ રિપોર્ટ પર કોઈ કાર્યવાહી ના કરવી એ બંધારણનું ઉલ્લંઘન છે.

ભાજપનું એક પ્રતિનિધિ મંડળે 30 ઓગસ્ટે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને એક પત્ર સોંપ્યો હતો. રાષ્ટ્રપતિએ એ પત્રને ગૃહ સચિવને મોકલી દીધો હતો. તેમણે કહ્યું હતું કે તેમણે ગૃહ સચિવને આ મામમલે તત્કાળ અને ઉચિત કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે રાષ્ટ્રપતિને બંધારણીય સંકટમાં તત્કાળ હસ્તક્ષેપ કરવાની અપીલ કરતાં કેજરીવાલ સરકારની કાર્યપદ્ધતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. CM કેજરીવાલ ચાર મહિના કરતાં વધુ સમયથી જેલમાં છે અને કેજરીવાલે રાજીનામું આપવાથી ધરાર ઇનકાર કર્યો હતો. જેનાથી રાજ્યમાં વહીવટી વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે.મહત્ત્વના વહીવટી નિર્ણયો લેવામાં વિલંબ થઈ રહ્યો અને આવશ્યક સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે, જેને કારણ દિલ્હીની જનતાને પરિણામો ભોગવવાં પડી રહ્યાં છે, એમ તેમણે કહ્યું હતું.

 

ગુજરાતના આ પ્રોફેસરે આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવી અનોખી સિદ્ધિ!

ચાંગા: ચારુસેટ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર દેવાંશી દલાલે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેઓએ કેનેડામાં આયોજિત 39મી વર્લ્ડ ઓપ્થેલ્મોલોજી કોંગ્રેસમાં ‘એટ્રોપાઈન ફોર માયોપિયા કંટ્રોલ’ વિશે રિસર્ચ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. પ્રોફેસર દેવાંશી દલાલ ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ પેરામેડિકલ સાયન્સિસ (BDIPS)ના ઓપ્ટોમેટ્રી વિભાગ સાથે જોડાયેલા છે. વર્લ્ડ ઓપ્થેલ્મોલોજી કોંગ્રેસમાં ગુજરાતમાંથી એકમાત્ર દેવાંશી દલાલે  ભાગ લઇ ચારુસેટનું વર્લ્ડ લેવલે પ્રતિનિધિત્વ કર્યું હતું.કેનેડાના વાનકુવર સિટીમાં 16 થી 19 ઓગસ્ટ એમ 4 દિવસ દરમિયાન ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર ઓપ્થેલ્મોલોજી દ્વારા વર્લ્ડ ઓપ્થેલ્મોલોજી કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દુનિયાના વિવિધ દેશોમાંથી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પ્રોફેસર દેવાંશી દલાલે કંટીન્યુઈન્ગ મેડીકલ એજ્યુકેશન, નેટવર્કીંગ, રિસર્ચ પોઈન્ટ ઓફ વ્યુથી ભાગ લીધો હતો અને માયોપિયા વિશે પોસ્ટર પ્રેઝન્ટેશન કર્યું હતું. માયોપિયામાં પ્રોગ્રેસ ઘટાડવા માટે જે દવાનો ઉપયોગ કરવામાં આવે છે તે કેટલી અસરકારક છે અને તેની દ્રષ્ટિ સંબંધિત બીજી કોઈ આડઅસર થાય છે કે નહિ તેના વિશે સંશોધન કરી દેવાંશી દલાલે પોસ્ટરમાં દર્શાવ્યું હતુ.બરોડા ચિલ્ડ્રન આઈકેર એન્ડ સ્ક્વિન્ટ ક્લિનિકના ડિરેક્ટર અને ભારતમાં માયોપિયા કંટ્રોલ શરુ કરનાર ડોકટરોમાંના એક ડો. જીતેન્દ્ર જેઠાણીના માર્ગદર્શન હેઠળ દેવાંશી દલાલ માયોપિયા વિશે રિસર્ચ કરે છે. તેઓને રિસર્ચ પોસ્ટર પ્રેઝન્ટેશન માટે કેનેડા જવા ભારત સરકારના સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ (SERB) તરફથી ઇન્ટરનેશનલ ટ્રાવેલ સપોર્ટની મંજૂરી આપવામાં આવી હતી.  BDIPS ના પ્રિન્સિપાલ ડો. હેમંતકુમાર દ્વારા દેવાંશી દલાલને પ્રેરણા અને માર્ગદર્શન પ્રાપ્ત થયા હતા.માયોપિયાને સામાન્ય રીતે દૂરની દૃષ્ટિની ખામી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં  દૂરની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે. આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે આંખના પરિમાણ બદલાય છે. જેનાથી આંખના પડદાને વધુ નુક્સાન થઈ શકે છે. માયોપિયા, ખાસ કરીને બાળકો અને કિશોરોમાં વધુ પ્રચલિત છે અને ભવિષ્યમાં આંખના સ્વાસ્થ્ય માટે જોખમ ધરાવે છે. જેમાં રેટિના ડિટેચમેન્ટઝામર અને માયોપિક મેક્યુલોપથી વગેરેનો સમાવેશ થાય છે. તેની લાંબાગાળાની પ્રતિકૂળ અસરોને ઘટાડવા માયોપિયાને વધતો અટકાવવો જરૂરી છે. અત્યાર સુધી થયેલા માયોપિયાના વિવિધ રિસર્ચ એમ કહે છે કે વર્ષ 2050 સુધીમાં 50 ટકા દુનિયાની વસ્તી માયોપિયાથી અસરગ્રસ્ત થઈ શકે છે. જેના કારણે અંધત્વનું પ્રમાણ વધી શકે છે.માયોપિયાની અસર દેખાવાની શરૂઆત થાય ત્યારથી જ અસરકારક પગલાં લેવાથી માયોપિયા અને તેની સાથે સંકળાયેલ જોખમને અટકાવી શકાય છે. બાળકો અને કિશોરોમાં માયોપિયા વિશે વધતી જતી ચિંતાને દૂર કરવા ચાલતા પ્રયાસોમાં દેવાંશી દલાલ પોતાના રિસર્ચ થકી યોગદાન આપે છે.

શાહરુખ ખાનને હારથી સખ્ત નફરત છે: ઝાયેદ ખાન

મુંબઈ: શાહરૂખ ખાન અને સુષ્મિતા સેન સ્ટારર ફિલ્મ ‘મેં હૂં ના’ વર્ષ 2004માં રિલીઝ થઈ હતી. 30 એપ્રિલે રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ હિટ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે અભિનેતા ઝાયેદ ખાન અને અમૃતા રાવ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. હવે, આ ફિલ્મની રિલીઝના લગભગ 20 વર્ષ પછી, અભિનેતા ઝાયેદ ખાને શૂટિંગના દિવસોની યાદો તાજી કરી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ઝાયેદ ખાને જણાવ્યું હતું કે શાહરૂખ ખાનને હારથી નફરત હતી. આટલું જ નહીં, ઝાયેદ ખાને કહ્યું કે અમે મફતમાં વિડિયો ગેમ રમતા હતા. જો શાહરૂખ ખાન હારી ગયો હોય તો જ્યાં સુધી તે મને હરાવે નહીં ત્યાં સુધી તે મને ઊંઘવા ન દે. ઝાયેદ ખાને ફિલ્મ મૈં હું ના શૂટિંગના દિવસોની ઘણી વાતો શેર કરી છે.

ઝાયેદ ખાને હાલમાં જ રાઈટબાઈટ મેજ પ્રોટીન ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 20 વર્ષ પહેલા મને શાહરૂખ ખાન સાથે સમય પસાર કરવાનો મોકો મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન ઘણું શીખ્યા. ઝાયેદ ખાને કહ્યું, ‘શાહરુખ ખાન તેજ મગજ ધરાવે છે. તેઓ હંમેશા તૈયારીઓ રાખે છે. આટલું જ નહીં તેઓ હંમેશા તેમની આસપાસની વસ્તુઓનું ધ્યાનથી નિરીક્ષણ કરે છે. મારે મોટો ડાયલોગ બોલવાનો હતો. પરંતુ હું તે યોગ્ય રીતે કરી શક્યો ન હતો. આ પછી શાહરૂખ ખાને મને તેની સાથે પ્રેક્ટિસ કરવાનું કહ્યું. તે મને રૂમમાં લઈ ગયો અને મને આસાનીથી કરવા સમજાવ્યું. આ પછી મેં તેની સાથે પ્રેક્ટિસ કરી. બાદમાં જ્યારે મેં સીન કર્યો ત્યારે બધાએ તાળીઓ પાડી. શાહરૂખ ખાનની આ સાચી તાકાત છે કે તે એક સારો લીડર અને તેજ મગજ ધરાવે છે.

ઝાયેદ ખાને જણાવ્યું કે, શાહરૂખ ખાનને પણ વીડિયો ગેમ્સનો ઘણો શોખ છે. અમે શૂટિંગ કર્યા પછી વિડિયો ગેમ FIFA રમતા. પરંતુ શાહરૂખ ખાનને હારવું પસંદ નથી. જો હું તેમને વિડિયો ગેમમાં હરાવી દઉં તો તેઓ મને બદલો લીધા વિના સૂવા દેતા નહોતા. આ માટે હું તેમને સલામ કરું છું. ફરાહ ખાનની ફિલ્મ ‘મેં હું ના’ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. બોક્સ ઓફિસ ઈન્ડિયાના આંકડા અનુસાર 25 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 73 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે ટીકુ તસ્લાનિયાએ પણ તેના જોરદાર કોમેડી રોલમાં લોકોને ખૂબ હસાવ્યા હતા. હવે આ ફિલ્મને રિલીઝ થયાને 20 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ આજે પણ આ ફિલ્મ લોકોની ફેવરિટ ફિલ્મોમાંની એક છે.

રાજકોટ પોલીસ તંત્ર એલર્ટ, સુરતમાં પથ્થરમારા બાદ અપાયો કડક આદેશ

રાજકોટ: શહેરના તંત્ર એલર્ટ મોડમાં આવી ચૂક્યું છે. હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. અને સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારા જેવી ઘટના રાજકોટમાં ન બને તે માટે તકેદારીના ભાગરૂપે શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ આજે 324 જેટલા ગણપતિ પંડાલના આયોજકો સાથે મિટિંગ રાખી જરૂરી સૂચનાઓ આપી હતી. શહેરના એડિશ્નલ પોલીસ કમિશનર, તમામ ડીસીપી અને એસીપી સહિતના અધિકારીઓની હાજરીમાં યોજાયેલી આ મિટીંગમાં ગણપતિ પંડાલના આયોજકોને સીસીટીવી કેમેરા રાખવા, પંડાલમાં 24 કલાક સ્વયંસેવકો રહે તેનું ધ્યાન રાખવા, ભીડભાડ ન થાય તે માટે એન્ટ્રી અને એકઝીટ ગેટ અલગ રાખવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત પોલીસ પણ ગણપતિ પંડાલો આસપાસ પેટ્રોલીંગ કરતી રહેશે તેની ખાતરી આપવામાં આવી હતી. પોલીસને ગણપતિ પંડાલોમાં નિયમીત રીતે જઈ નિરીક્ષણ કરવા અને આયોજકોને કોઈ પ્રશ્નો હોય તો તેનો ત્વરીત નિકાલ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. જેના પગલે હવેથી ગણપતિ પંડાલો આસપાસ દરેક પોલીસ મથકોની પીસીઆર અને બાઈક પર પોલીસ પેટ્રોલીંગ કરતી રહેશે.

ઉલ્લેખનીય છે કે જે રીતે રાતના સમય પર અસામાજીક તત્વો સુરતના ગણેશ પંડાલ પર આક્રમણ કર્યું હતું, એ રીતે બીજી કોઈ પણ જગ્યા પર આવી ઘટકા કે રાતના સમયે બીજી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિશેષ તકેદારી રાખવા ગણપતિ પંડાલના આયોજકોને પોલીસે સૂચના આપી હતી. એટલું જ નહીં વિર્સજન વખતે પણ ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો નહીં વગાડવા સહિતની પણ સૂચના આપ્યા હતા. આ ઉપરાંત તમામ ગણેશ પંડાલના આયોજકોએ નજીક પોલીસ સ્ટેશનમાં ગણેશ આયોજનનું રજીસ્ટ્રેશન કરવાના આદેશ પણ આપવામાં આવ્યો છે. આ તમામ આયોજકો સાથે  આજે મિટીંગ ગોઠવવામાં આવી હતી. ગણપતિ વિર્સજન સુધી પોલીસ આયોજકો સાથે સતત સંપર્કમાં રહેશે. એટલું જ નહીં આયોજકોને પણ પોલીસ સાથે સંપર્કમાં રહેવા જણાવાયું છે.

ભારતમાં નિષ્પક્ષ ચૂંટણી થાત તો ભાજપ ક્યારેય…: રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ભારતમાં આ વખતે લોકસભા ચૂંટણી સમાન આધારે નહીં લડવામાં નથી આવી. આ ચૂંટણીએ મોદીના વિચારને ખતમ કરી દીધા છે. જો નિષ્પક્ષ ચૂંટણી ચૂંટણી થાત તો ભાજપને ક્યારેય આટલી સીટો ના મળત, એમ તેમણે કહ્યું હતું.

તેમણે લોકસભા ચૂંટણી પર સવાલ ઊભા કર્યા હતા. હું એને સ્વતંત્ર ચૂંટણી નથી માનતો. હું એને બહુ નિયંત્રિત ચૂંટણી માનું છું. મને વિશ્વાસ નથી કે નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણીમાં ભાજપ 240 સીટો સુધી પહોંચી શકે છે. મને આશ્ચર્ય થયું. ચૂંટણી પંચ એ જ કરી રહ્યું હતું, જે તેઓ ઇચ્છતા હતા. સંપૂર્ણ અભિયાન એ પ્રકારે તૈયાર કરવામાં આવ્યું હતું, જેથી મોદી દેશમાં તેમનો એજન્ડા લાગુ કરી શકે.કોંગ્રેસે ફ્રીઝ બેન્ક ખાતાંઓની સાથે ચૂંટણી લડીને મોદીના વિચારોને નષ્ટ કરી દીધાં હતાં. વડા પ્રધાન આ ચૂંટણીનાં પરિણામોને સ્વીકાર નથી કરી શક્યા. તેઓ સમજી નથી શક્યા કે આવું કેવી રીતે થયું. વડા પ્રધાનને લાગતું હતું કે તેમને 300 કે 400 સીટો મળશે. મને પ્રારંભમાં જ એ મહેસૂસ થયું હતું કે આ બધુ ખોટું થઈ રહ્યું છે. અમને નિયમિત સ્રોતોથી ઇનપુટ મળી રહ્યા હતા. એ બિલકુલ સ્પષ્ટ હતું કે તેઓ મુશ્કેલીમાં હતા, એમ તેમણે કહ્યું હતું.

શનિવારે અમેરિકા પહોંચેલા રાહુલ ગાંધી ટેક્સાસના ડલાસમાં ભારતીય પ્રવાસઓ અને યુવાઓ સાથે મુલાકાત કરી હતી. રાહુલે ટેક્સાસમાં કહ્યું હતું કે ભારતમાં દરેક વસ્તુ ચીનમાં બનેલી છે સોમવારે તેમણે અહીં બે કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સૌ પ્રથમ તેમણે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વિદ્યાર્થીઓ સાથે ભારતીય રાજનીતિ, અર્થતંત્ર અને ભારત જોડો યાત્રા સહિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.

આ પછી રાહુલ ગાંધીએ ડલાસમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા. ટેક્સાસમાં બોલતાં તેમણે કહ્યું હતું કે ભારતમાં દરેક વસ્તુ મેડ ઇન ચાઇના છે. ભારતમાં રોજગારની સમસ્યા છે. આ કારણ છે કે અમે ઉત્પાદન પર ધ્યાન આપ્યું નથી. ભારતમાં દરેક વસ્તુ ચીનમાં બને છે. તેમની વોશિંગ્ટન ડીસીમાં સાંસદો અને અમેરિકી સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે મળવાની પણ યોજના છે. તેઓ ચાર દિવસના અમેરિકાના પ્રવાસે છે.    છેલ્લાં પાંચ વર્ષમાં રાહુલ ગાંધીની વિદેશ યાત્રાઓ વિવાદાસ્પદ રહી છે. ભાજપે રાહુલ પર વિદેશ જઈને ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે.

 

 

 

 

 

 

‘આત્મહત્યા નિવારણ દિવસ’: રાજ્યમાં 3 વર્ષમાં 10 ટકાનો વધારો

ગાંધીનગર: આજકાલ લોકો ડિપ્રેશનનો શિકાર વધુ બનતા હોય છે. તેનું મુખ્ય કારણ તો આર્થિક સમસ્યા જ હોય છે આ સિવાય શારીરિક કે માનસિક સમસ્યાઓના કારણે પણ લોકો ડિપ્રેશનનો શિકાર બને છે. ત્યારબાદ આત્મહત્યાને અંતિમ પગલાં તરીકે સ્વીકારતા હોય છે. જો કે  જીવન ટૂંકાવવવું તે કોઇ સમસ્યાનો ઉકેલ નથી. ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં કુલ 25,841 વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. આમ, પ્રતિ દિવસ સરેરાશ 25 વ્યક્તિ આત્મહત્યા કરે છે. 10મી સપ્ટેમ્બર એટલે ‘આત્મહત્યા નિવારણ દિવસ’.  ત્યારે આજના સમયે આત્મહત્યાનું વધતું પ્રમાણ એ ચિંતાનો વિષય છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્‌સ બ્યુરોના અહેવાલ અનુસાર ગુજરાતમાં વર્ષ 2020માં 8050, 2021માં 8789 અને 2022માં 9002 વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરનારા લોકોની સંખ્યામાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. 2020 કરતાં 2022માં આત્મહત્યા કરનારાનું પ્રમાણ 10 ટકાથી વધારે હતું. વર્ષ 2022માં પારિવારિક સમસ્યાને કારણે સૌથી વધુ 2285, બીમારીને કારણે 1747, લગ્નને કારણે 367 વ્યક્તિએ આત્મહત્યા કરેલી છે. આત્મહત્યા કરવામાં હાઉસવાઇફનું પ્રમાણ સૌથી વધુ 1761 છે.

રાજ્યમાં ચોમાસાનું જોર ઘટ્યું, 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ

ગાંધીનગર: રાજયમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લાં 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવીમાં 3.26 ઈંચ અને નર્મદાના સાગબારામાં 3.22 ઈંચ નોંધાયો છે. જ્યારે 20 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. અન્ય 60 તાલુકામાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. મંગળવારે દાહોદ,અરવલ્લી, નર્મદા, મહીસાગર, છોટાઉદેપુર અને પંચમહાલમાં ભારે વરસાદની સંભાવના છે.હવામાન વિભાગ અનુસાર આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 11મી સપ્ટેબરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે.