Home Blog Page 1496

ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવશે જલ્દી, જાણો વેબસાઈટ અને હેલ્પલાઈન નંબર

રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટે તંત્રને હેલ્પલાઈન નંબર અને વેબસાઈટ બનાવવા માટે સુચન કર્યુ હતું. ત્યારે હવે માર્ગ અકસ્માત, ટ્રાફિક જામ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. ગુજરાત પોલીસ દ્વારા ‘હેલ્પલાઇન-18002331122’ શરૂ છે. તેમજ વેબસાઇટ, ઇમેઇલ, સિટિઝન ફર્સ્ટ એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે.

ગુજરાતમાં રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યાને લઈ સુનવણી હાથ ધરવામાં આવી હતી. જે બાદ હેલ્પલાઈન નંબર અને વેબસાઈન બનાવવાના નિર્દશે આપવામાં આવ્યા હતા. ત્યારે હવે માર્ગ અકસ્માત કે ટ્રાફિક જામ સહિતની ટ્રાફિક સંબંધિત સમસ્યાનાં નિવારણ માટે આ હેલ્પલાઇન ઉપરાંત વેબસાઈટ, ઇમેઇલ તેમજ સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશનની સેવા પણ ઉપલબ્ધ છે. રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ કરી છે. રાજ્યમાં બનતા માર્ગ અકસ્માતો તેમજ ટ્રાફિક જામ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નાગરિકો માટે એક વિશેષ હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. રાજ્યના કોઈ પણ ખૂણે સર્જાયેલી માર્ગ અકસ્માતની ઘટના, ટ્રાફિક જામની સમસ્યા કે અન્ય કોઈપણ ટ્રાફિક સંબંધિત મુશ્કેલીની માહિતી નાગરિકો એક જ ફોન કોલથી આ નવી હેલ્પલાઇનમાં આપી શકશે. જે માહિતી તાત્કાલિક સંબંધિત વિસ્તારના પોલીસ અધિકારીને પહોંચાડી તે સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે.

એપ્લિકેશન: ટ્રાફિક જામ કે માર્ગ અકસ્માત સંબંધિત કોઇ પણ ફરિયાદ સ્માર્ટ ફોનની મદદથી એપ્લિકેશન મારફતે કરી શકાય તે માટે એપ્લિકેશન ‘સિટીઝન ફર્સ્ટ’માં ખાસ ફિચર ઉમેરવામાં આવ્યુ છે. આ એપ્લિકેશન મારફતે કોઇ પણ વ્યક્તિ મોબાઇલમાં ફોટો પાડીને સમસ્યાની જાણ પોલીસને કરી શકશે. જેનાં લોકેશનને આધારે પોલીસ રિયલ ટાઇમ મોનિટરીંગ કરીને આ સમસ્યાનો ઉકેલ લાવશે.

વેબસાઈટ: રાજ્યના કોઇ પણ ખૂણે કોઇ નાગરિકને માર્ગ અકસ્માત કે ટ્રાફિક જામ સંબંધિત કોઇ સમસ્યાનો સામનો કરવો પડે કે આવા કોઇ દ્રશ્ય દેખાય તો તેનો ફોટો ‘https://gujhome.gujarat.gov.in/portal’ વેબસાઇટમાં અપલોડ કરી તે કયા લોકેશનની સમસ્યા છે તેની માહિતી આપી શકશે.

ઇમેઇલ: કોઇ પણ નાગરિક ટ્રાફિક સંબંધિત સમસ્યાની જાણકારી ઇમેઇલ આઇ.ડી ‘trafficgrievance@gujarat.gov.in’ ઉપર પણ આપી શકશે. ઇમેઇલ પર મળેલી ફરિયાદ અંગે પણ એક્શન લઇ સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે.

આ તમામ માધ્યમો મારફતે નાગરિકો તરફથી મળેલી ટ્રાફિક સંબંધિત ફરિયાદોનું નિવારણ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે. જેના થકી હવે ગુજરાતના નાગરિકો તેમની ટ્રાફિક સમસ્યાઓના ઝડપી અને વધુ અસરકારક ઉકેલ મેળવી શકશે. આ નવી સુવિધાઓના વ્યાપક ઉપયોગ માટે નાગરિકોને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે, જેથી રાજ્યની ટ્રાફિક વ્યવસ્થામાં વધુ સુધાર લાવી શકાય અને માર્ગ સલામતીમાં વધારો થાય.

‘દેવારા પાર્ટ-1’નું ખતરનાક ટ્રેલર રિલીઝ

જુનિયર એનટીઆરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દેવારા પાર્ટ-1’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લાંબી રાહ જોયા બાદ આખરે ચાહકોને ફિલ્મની ઝલક મળી છે. ટ્રેલરમાં જુનિયર એનટીઆરની પાવરફુલ સ્ટાઈલ જોવા મળે છે, જ્યારે જાહ્નવી કપૂર સાથે તેની કેમેસ્ટ્રી પણ ઘણી સારી છે. ‘દેવારા પાર્ટ-1’નું ટ્રેલર આ ડાયલોગથી શરૂ થાય છે – ‘પ્રાચીન સમયમાં નરકાસુર નામનો રાક્ષસ રહેતો હતો. તે લોકોને ખૂબ હેરાન કરતો હતો. ટ્રેલરમાં જુનિયર એનટીઆરનો ખતરનાક અવતાર જોવા મળ્યો છે. સૈફ અલી ખાનની એક ઝલક પણ જોવા મળી છે.

જ્હાન્વી કપૂર સાઉથમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે

બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર ‘દેવારા પાર્ટ-1’ દ્વારા સાઉથની ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ચાહકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને આ પહેલા ફિલ્મના બે ગીત ‘ધીરે ધીરે’ અને ‘દાવુડી’ પણ રિલીઝ થઈ ચૂક્યા છે. બંને ગીતોને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.

‘દેવારા પાર્ટ 1’ ક્યારે રિલીઝ થશે?

દેવારા પાર્ટ 1 એક તેલુગુ એક્શન ડ્રામા છે જે 27 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. કોરાતલા શિવાએ ફિલ્મનું નિર્દેશન અને લેખન પણ કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ યુવાસુધા આર્ટસ અને એનટીઆર દ્વારા કરવામાં આવ્યું છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું બજેટ 300 કરોડ રૂપિયા છે.

ફિલ્મની સ્ટાર કાસ્ટ

ફિલ્મમાં જુનિયર એનટીઆર અને જાહ્નવી કપૂર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં પ્રકાશ રાજ, મીકા શ્રીકાંત, શાઈન ટોમ ચાકો અને ચૈત્રા રોય પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

વિનેશના ચૂંટણી લડવાના નિર્ણયથી દુખી છું: મહાવીર ફોગાટ

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઉમેદવારોની બીજી યાદી જારી કરી છે. આ યાદીમાં 21 ઉમેદવારોનાં નામનું એલાન કરવામાં આવ્યું છે. પાર્ટીએ સૌથી હોટ સીટ મનાતી જુલાના સીટથી કેપ્ટન યોગેશ બૈરાગીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે આ સીટથી મહિલા પહેલવાન વિનેશ ફોગાટને ટિકિટ આપી છે.

વિનેશે ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી દીધી છે, પણ વિનેશના ચૂંટણી લડવાના નિર્ણયથી તેમના કાકા મહાવીર ફોગાટે નારાજગી વ્યક્ત કરી છે. વિનેશે રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો છે, એનાથી હું બહુ દુખી છું. જો એ નિર્ણય 2028 ઓલિમ્પિક પછી લેતી તો સારું થાત.

તેમણે કહ્યું હતું કે વિનેસની પહેલાં રાજકારણમાં સામેલ થવાની અને ચૂંટણી લડવાની કોઈ યોજના નહોતી. ના તો બજરંગનો પણ કોઈ વિચાર હતો. મને નથી ખબર કે કોંગ્રેસે આવું કેવી રીતે કર્યું, કેમ કે તેનો પહેલાં આવો કોઈ ઇરાદો નહોતો.

તેમણે કહ્યું હતું કે હું રાજકારણમાં જોડાયેલો નથી અને વિનેશ માટે પ્રચાર પણ નહીં કરું, કારણ કે હું કોંગ્રેસ વિરુદ્ધ છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો વિનેશને રાજકારણમાં રસ હતો તો તેણે કોંગ્રેસને બદલે ભાજપમાં જોડાઈ જવું હતું.

મહાવીર ફોગટની નાની દીકરી બબિતા ​​ફોગટ પહેલેથી જ ભાજપની સભ્ય છે. તે દાદરી વિધાનસભા વિસ્તારમાંથી છેલ્લી વિધાનસભા ચૂંટણી પણ લડી હતી, પરંતુ હારી ગઈ હતી. તેમની પુત્રી બબિતા ફોગાટને ભાજપમાંથી ટિકિટ ના મળવા પર કહ્યું હતું કે દરેક જણને ટિકિટ નથી મળતી. પાર્ટી જે નિર્ણય લે, એ સમજીવિચારીને લે છે. પાર્ટી જે નક્કી કરશે, એ સ્વીકારી લેવો જોઈએ.

 

‘જીવન બહુત છોટા હૈ, કલ હો યા ના હો’, આવું કેમ કહ્યું રશ્મિકાએ

મુંબઈ: દક્ષિણ ફિલ્મોની સુંદર અભિનેત્રી રશ્મિકા મંદાન્ના થોડા જ સમયમાં નેશનલ ક્રશ બની ગઈ. પોતાની ઘણી હિટ ફિલ્મોના કારણે તેણે બોલિવૂડમાં પણ પોતાની આગવી જગ્યા બનાવી. ‘પુષ્પા ગર્લ’ના નામથી ફેમસ રશ્મિકા મંદાન્નાએ એક્ટિંગથી તો લોકોના દિલ જીત્યા છે, પણ સાથે સાથે પોતાની ક્યૂટનેસનો જાદુ પણ ચલાવે છે. રશ્મિકાની મજબૂત ફેન ફોલોઈંગ છે.’એનિમલ’માં લીડ હીરોઈનની ભૂમિકા ભજવ્યા બાદ તે ઉત્તર ભારતમાં પણ ઘણી લોકપ્રિય બની છે. રશ્મિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે ગાયબ જોવા મળી રહી છે. હવે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આનું કારણ જણાવ્યું છે. તેણીએ જણાવ્યું કે તેણીનો અકસ્માત થયો હતો, જેના કારણે તે ઘરમાં જ છે.

રશ્મિકા અકસ્માતનો ભોગ બની
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની એક સુંદર તસવીર પોસ્ટ કરી છે અને જણાવ્યું છે કે ગયા મહિને તેનો અકસ્માત થયો હતો, જેના કારણે તે ડૉક્ટરની સલાહને અનુસરીને ઘરે જ રહી રહી છે. અભિનેત્રીએ તેના ચાહકોને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે પણ કહ્યું હતું. તેઓ કહે છે કે જીવન ખૂબ જ ટૂંકું છે, આવી સ્થિતિમાં કાલે હોય અને ના પણ હોય. લાંબા કૅપ્શનમાં તેણે તાજેતરના જીવનના અપડેટ્સ પણ શેર કર્યા અને તેના ચાહકોના સ્વાસ્થ્ય વિશે પણ પૂછ્યું.

રશ્મિકા મંદાન્નાએ એક લાંબી પોસ્ટ લખી
રશ્મિકા મંદન્નાએ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘હેલો મિત્રો, કેમ છો? હું જાણું છું કે હું અહીં આવી અથવા જાહેરમાં દેખાઈ તેને ઘણો સમય થઈ ગયો. હું છેલ્લા એક મહિનામાં ખૂબ સક્રિય નહોતી, તેનું કારણ એ છે કે મારી સાથે એક નાનો અકસ્માત થયો હતો અને હું ઠીક છું. ડોક્ટરોની સલાહ પ્રમાણે હું ઘરમાં જ હતી. હવે હું સારી છું અને એક વાત કહેવા માંગુ છું – હું ખૂબ જ સક્રિય થવાના તબક્કામાંથી પસાર થઈ રહી છું, તેથી મારી પ્રવૃત્તિઓ સાથે વ્યવહાર કરવામાં તમને શુભેચ્છા. હંમેશા ખુદની સંભાળ રાખવાને તમારી પ્રાથમિકતા બનાવો!! કારણ કે જીવન ખૂબ નાજુક અને ટૂંકું છે અને આપણે જાણતા નથી કે આપણી કાલ હશે કે નહીં, તેથી દરરોજ ખુશી પસંદ કરો!!.. બીજું અપડેટ કે હું ખૂબ લાડુ ખાઉં છું..’

આ ફિલ્મમાં રશ્મિકા જોવા મળશે
અભિનેત્રી રશ્મિકા મંદાનાના ચાહકો તેના સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત છે અને સતત કોમેન્ટ સેક્શનમાં પૂછી રહ્યા છે કે તેની સાથે શું, ક્યારે અને કેવી રીતે થયું. ઘણા લોકો તેમના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી જલ્દી જ ‘પુષ્પા 2’માં જોવા મળશે. આ સિવાય તે સલમાન ખાન સાથે ‘સિકંદર’માં લીડ એક્ટ્રેસ તરીકે પણ કામ કરી રહી છે. જો આપણે રશ્મિકાના અંગત જીવનની વાત કરીએ તો આ દિવસોમાં તે પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં છે. વિજય દેવરાકોંડા સાથે તેની કેમેસ્ટ્રી અને અફેરની અફવાઓ છે.

બિસ્માર રોડ રસ્તા રિપેર કરવા 43 ધારાસભ્યને મળશે 2 કરોડની ગ્રાન્ટ

રાજ્ય જળબંબાકાર બાદ કેટલાક વિસ્તારમાં બિસ્માર રોડની સમાસ્યા સામે આવતી જોવા મળી રહી છે. શહેરી વિસ્તારમાં આવતા હોય તેવા 43 ધારાસભ્યને મત વિસ્તારમાં રસ્તાના કામો માટે વધારાની 2 કરોડની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 43 ધારાસભ્યોને 2 કરોડની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરતા જાણાવ્યું કે, “ગ્રામ્ય વિસ્તાર ન આવતો હોય તેવા શહેરી વિસ્તારના ધારાસભ્યોને તેમના વિસ્તારમાં રસ્તાના પેવરિંગ, રિપેરિંગ કે નવા રસ્તા બનાવવા માટે આ ગ્રાન્ટ મળશે. સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના હવાલે આ ગ્રાન્ટ મુકાશે જેમાંથી ધારાસભ્યો રસ્તાના કામો સૂચવી શકશે.” મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો સકારાત્મક પ્રતિભાવ આપતાં ભૂપેન્દ્ર પટેલે આ જન સુવિધાલક્ષી નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે. શહેરી વિસ્તારોમાં રસ્તાઓના માર્ગ મરામતના વિકાસકામો માટે ધારાસભ્ય દીઠ બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો સરકારે નિર્ણય કર્યો છે. ધારાસભ્યોને નિયમિત રીતે મળતી ગ્રાન્ટ ઉપરાંતની આ રકમ વધારાની આપવામાં આવશે.

મુખ્યપ્રધાનના નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે. રાજ્યના શહેરી મત વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતાં ધારાસભ્યો પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દિઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ 2024-25 ના વર્ષ માટે માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.

‘આત્મહત્યા નિવારણ દિવસ’: સુંદર જીવનને ટૂંકાવશો નહીં

અમદાવાદ: 10મી સપ્ટેમ્બર એટલે ‘આત્મહત્યા નિવારણ દિવસ’. એક રિપોર્ટ પ્રમાણે પુરુષો જ વધારે આત્મહત્યા કરતા હોય છે. સુંદર જીવનને ટૂંકાવી કોઇ મોતને વ્હાલું ના કરે એ માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા આજે જાગૃત્તિ લાવવાના ઉદ્દેશ્ય સાથે જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વ આખાયમાં 2003થી આ દિવસે આત્મહત્યાના નિવારણ માટે જુદી-જુદી પ્રવૃત્તિઓને શરૂ કરવામાં આવી. જેમાં કાઉન્સિલિંગથી માંડી તમામ પ્રકારની સહાયતા કાર્યક્રમોની શરૂ કરવામાં આવી. આ દિવસે જુદા જુદા શહેરોમાં આત્મહત્યા નિવારવા જાગૃતિના કાર્યક્રમો થાય છે. તાજેતરમાં અમદાવાદ શહેરમાં ટાઉન હોલ નજીક, એલિસબ્રિજ ખાતે સમતા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે જાગૃતિ લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સંસ્થા સાથે પાંચ વર્ષથી જોડાયેલા નિવૃત જવાન વસંતભાઇ કહે છે હું બી.એસ.એફ.માં હતો. દેશ માટે એક સૈનિક તરીકેની કામગીરી કરી નિવૃત્ત થયો. હવે સમાજમાં જાગૃતિ લાવવા માટે કંઇક કરવું છે. જેથી સમતા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જુદી જુદી સામાજિક સમસ્યાઓ પર ધ્યાન આપી એમાં મદદરૂપ થવાનો પ્રયાસ કરું છું. કોઇપણ સમસ્યાનું સમાધાન હોય છે. એથી માણસે ત્વરિત નિર્ણય લઇને આત્મહત્યા કરવી જોઇએ નહી. અમારી સંસ્થાના સભ્યોએ જુદા જુદા રિપોર્ટ ચકાસ્યા, જેમાં પુરુષોની આત્મહત્યાનું પ્રમાણ વધારે છે. જેને અટકાવવા માટેના પ્રયાસો કરવા ખૂબ જ જરૂરી છે. જો એક પુરુષ આત્મહત્યા કરે તો એનો પરિવાર ખૂબ જ મુશ્કેલીમાં મુકાઇ જાય છે. જેથી આત્મહત્યા નિવારવા અમે આ રિપોર્ટ સાથે અમદાવાદના ટાઉનહોલ ખાતે એક જાગૃતિનો કાર્યક્રમ કર્યો હતો. જેમાં અમને સમાજના દરેક ક્ષેત્રના લોકોમાંથી સારો પ્રતિસાદ મળ્યો હતો..

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

ચીનમાં સામે આવ્યો વધુ એક જીવલેણ વાયરસ

હાલમાં જ ચીનમાં એક નવો વાયરસ સામે આવ્યો છે, જેનું નામ વેટલેન્ડ વાયરસ (WELV) છે. આ વાયરસે વૈજ્ઞાનિકો અને આરોગ્ય અધિકારીઓને ચિંતિત કર્યા છે. આ પાછળનું કારણ જાણીને તમને પણ પરસેવો આવી જશે. તમને જણાવી દઈએ કે આ વાયરસ ટિક કરડવાથી ફેલાય છે, પરંતુ તેના પરિણામો ખૂબ ગંભીર હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, આ વાયરસ ગંભીર ન્યુરોલોજીકલ સમસ્યાઓનું કારણ બની શકે છે.

આ વાયરસ ક્યારે મળ્યો?

તમને જણાવી દઈએ કે WELVની ઓળખ 2019માં ચીનના જિંઝાઉ શહેરમાં 61 વર્ષના એક વ્યક્તિમાં થઈ હતી. આ વ્યક્તિને ઇનર મંગોલિયાના વેટલેન્ડમાં ટિક દ્વારા કરડવામાં આવ્યો હતો, જેના પાંચ દિવસ પછી તેને તાવ, માથાનો દુખાવો અને ઉલ્ટી જેવા લક્ષણો દેખાવા લાગ્યા હતા. દર્દીમાં એન્ટિબાયોટિક પ્રતિકારના ચિહ્નો પણ દેખાતા હતા.

આ વાયરસ કયા સજીવોમાં જોવા મળે છે?

ત્યારબાદ વૈજ્ઞાનિકોએ ઉત્તર ચીનમાં ઊંડાણપૂર્વકનો અભ્યાસ હાથ ધર્યો અને જાણવા મળ્યું કે આ પ્રદેશમાં મળી આવતા લગભગ 2% ટિકમાં WELV હાજર છે. ખાસ કરીને, આ વાયરસ હેમાફિસાલિસ કોન્સિના નામની ટિક પ્રજાતિમાં વિપુલ પ્રમાણમાં જોવા મળ્યો હતો. WELV RNA ઘેટાં, ઘોડા, ડુક્કર અને ટ્રાન્સબાઈકલ જોકર નામના ઉંદરમાં પણ જોવા મળે છે. આ વાયરસ માત્ર માનવ કોષોને જ નુકસાન પહોંચાડતો નથી, પરંતુ પ્રાણીઓમાં પણ જીવલેણ ચેપનું કારણ બને છે.

PM આવાસ યોજનાથી લાખો લોકો મળ્યું સપનાનું ઘર..

ભારત સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આર્થિક રીતે નબળા વર્ગને ઘરની સુવિધા અને જીવનઘોરણમાં સુધારો લાવવા માટે 2015માં પ્રાધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી. જ્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં પણ ઘરવિહોણા લોકોને પાકું મકાન મળે એ ઉદ્દેશથી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) 2016-17માં અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજનાનો ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક અમલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ આવાસ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 14.25 લાખ આવાલોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં શહેરી વિસ્તારમાં કુલ 8.68 લાખથી વધુ આવાસો જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 5.57 લાખથી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં નિર્મિત કુલ મકાનોના 64%થી વધુ મકાનો મહિલાઓના નામે અથવા સંયુક્ત માલિકીના છે. ઉલ્લેખનીય છે કે આગામી સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને તે દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાતના નાગરિકોને આવાસોની ભેટ આપવા જઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)નો હેતુ શહેરી વિસ્તારમાં ગરીબો અને મધ્યમ વર્ગના પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકું આવાસ વ્યાજબી કિંમતે પૂરું પાડવાનો છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્ય માટે કુલ 7.64 લાખ આવાસોના લક્ષ્યાંક સામે કુલ 9.78 લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર આવાસો પૈકી કુલ 8.68 લાખ જેટલા આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ 6 લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલ લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રસ્થાને છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)

ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને પોતાના સપનાનું ઘર મળે અને તેમનું જીવનધોરણ ઊંચું આવે એ ઉદ્દેશથી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) 2016-17થી અમલમાં મૂકવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં આજદિન સુધીમાં વિવિધ યોજનાઓ સાથે કન્વર્જન્સ કરી માળખાગત સુવિધાઓ સાથે 5,57,756થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ માટે ₹6986.58 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ છેલ્લા 1 વર્ષમાં કુલ 1,31,000થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાને મળ્યા એવોર્ડ

વર્ષ 2017માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ક્રેડિટ લિંક સબસીડી હેઠળ પ્રથમ સ્થાન એનાયત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પીએમ આવાસ માટે 3 એવોર્ડ આપવામાં આવ્યા હતા, તેમજ BLC ઘટક અંતર્ગત ગુજરાત રાજ્યના 3 લાભાર્થીઓને બેસ્ટ હાઉસ કન્સ્ટ્રકશન કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ, વર્ષ 2022માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે 7 વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાતને અત્યારસુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 14 એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે.ત્યારે બીજી બાજુ 2018-19માં ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ઓવરઓલ પર્ફોર્મન્સ ઇન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ PMAY (ગ્રામીણ)નો એવોર્ડ પ્રથમ ક્રમે રહેલા ડાંગ જિલ્લાને આપવામાં આવ્યો હતો. 2019-20માં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાને બીજા ક્રમનો બેસ્ટ પર્ફોર્મન્સ ઇન ઓવરઓલ પર્ફોર્મન્સ ઈન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ PMAY (ગ્રામીણ)નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો 2019-20માં ખેડા જિલ્લાના કઠલાલના વિસ્તરણ અધિકારી એ.કે.શ્રીમાળી અને સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના પદાધિકારી, સરપંચ સરલાબેન નિનામાને વ્યક્તિગત શ્રેષ્ઠ કામગીરી માટેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આસામમાં શેરમાર્કેટને નામે રૂ. 2200 કરોડનું કૌભાંડ

ગૌહાટીઃ આસામમાં શેરબજારને નામે રૂ. 2200 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. ડિબ્રુગઢમાં રહેતા 22 વર્ષના વિશાલ ફૂકન પર આ કૌભાંડનું ષડયંત્ર રચવાનો આરોપ છે. ફુકન આસામ અને અરુણાચલ પ્રદેશના રોકાણકારોને પૈસા લગાવવા માટે નિતનવી યોજનાઓ રજૂ કરતો હતો. તેણે રોકાણકારોને 60 દિવસોમાં 30 ટકા વળતર આપવાનું વચન આપ્યું હતું.આ ઘટના સામે આવ્યા પછી રાજ્યના CM હિમંત બિસ્વ સરમાએ લોકોને ઓનલાઇન ટ્રેડિંગથી બચવાની અપીલ કરી છે.

આ કેસમાં પોલીસે હાલ બે લોકોની ધરપકડ કરી છે. ફુકન પર ખોટી રીતે કમાણી કરવામાં આવેલા પૈસાથી ચાર કંપનીઓ સ્થાપવાનો આરોપ છે. એ કંપની મુખ્ય રીતે ફાર્માસ્યુટિકલ્સ, ઉત્પાદન અને બાંધકામ ક્ષેત્રમાં ફેલાયેલી છે. તે આસામિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ મૂડીરોકાણ કરીને અનેક સંપત્તિઓને હાંસલ કરી ચૂક્યો છે.

પોલીસને છેલ્લા કેટલાક દિવસોથી સેબી અને RBIના નિર્દેશોનું પાલન કર્યા વિના વેપાર કરવાની માહિતી મળી રહી હતી.પોલીસના જણાવ્યા મુજબ રાજ્યમાં કેટલીય ઓનલાઇન કંપનીઓ ખોટી રીતે ટ્રેડિંગ કરી રહી હતી, જે પછી પોલીસે તપાસ શરૂ કરી અને રૂ. 2200 કરોડના ઓનલાઇન ટ્રેડિંગનો પર્દાફાશ થયો હતો.
આ મામલે પોલીસે ડિબ્રુગઢના યુવક વિશાલ ફુકન અને ગૌહાટીના સ્વપ્નિલ દાસની ધરપકડ કરી છે. ડીબી સ્ટોક બ્રોકિંગ કંપનીના માલિક દીપાંકર બર્મનના લાપતા થયા બાદ તપાસ તેજ થઈ છે. ત્યાર બાદ ફુકન પર સંદેહ વધી ગયો હતો. વિશાલે ફેસબુક પર લોકોને વિશ્વાસ આપ્યો હતો કે તે રોકાણકારોના તમામ પૈસા પરત કરતાં દાવો કર્યો હતો કે રોકાણકારોના બધા પૈસા સુરક્ષિત છે, એમ પોલીસે કહ્યું હતું.

 

PM મોદી આવશે ગુજરાત મુલાકાતે

વડાપ્રધાન મોદી ફરી એકવખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા.16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં રોકાણને આકર્ષવા માટે GLOBAL RE-INVEST MEET-2024 યોજાશે તેમ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.16 સપ્ટેમ્બરના રોજ આ ઇન્વેસ્ટર્સ સમિટનો શુભારંભ કરાવશે. જ્યારે, તા. 18 સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. વર્ષ 2014માં ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતા માત્ર 76 ગીગા વોટ હતી, જે આજે વધીને 203 ગીગા વોટ સુધી પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2030 સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને 500 ગીગા વોટ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જેના માટે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારતને આશરે રૂ. 30 લાખ કરોડના રોકાણની જરૂરિયાત છે.

ઇન્વેસ્ટર્સને આકર્ષવામાં અને વડાપ્રધાનના 500 ગીગા વોટના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં RE-INVEST-2024 મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, તેમ કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું. મંત્રીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે, પ્રથમવાર RE-INVEST સમિટ દિલ્હીથી બહાર, ગુજરાતમાં યોજાઈ રહી છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત સરકારની સરાહનીય કામગીરીને પગલે, RE-INVESTના ચોથા સંસ્કરણના આયોજન માટે ગુજરાત શ્રેષ્ઠ વિકલ્પ છે. ગુજરાતમાં યોજાનારી ત્રિદિવસીય RE-INVEST સમિટ દરમિયાન વિવિધ વિષયો પર 40થી વધુ સેશન યોજાશે. સાથે જ, સ્ટાર્ટઅપ અને મહિલાલક્ષી વિશેષ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ સમિટમાં ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની, નોર્વે, સિંગાપોર, અમેરિકા, ઓમાન સહિત અનેક દેશના ડેલીગેશન ભાગ લેશે. કેટલાક દેશના ડેલીગેશન સાથે મંત્રીઓ પણ ગુજરાત પધારશે. તદુપરાંત ભારતના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી, મંત્રી સહિતના ડેલીગેશન, વિવિધ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ, બેન્કો, મેન્યુફેકચરર પણ આ સમિટમાં સહભાગી થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ કહ્યું હતું કે, આ ત્રિ-દિવસીય સમિટ દરમિયાન રિન્યુએબલ એનર્જી ક્ષેત્રને દર્શાવતું એક્ઝિબિશન પણ યોજાશે. જેમાં ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય ઉપરાંત વિવિધ રાજ્યોના પ્રદર્શનો તેમજ વિવિધ કંપનીઓના પ્રદર્શનો યોજાશે. સાથે જ, B2B, B2G અને G2G મિટિંગ પણ યોજાશે.