Home Blog Page 1484

પંચાંગ 14/09/2024

11 વર્ષે જ અભિનેત્રી બની ગઈ સ્ટાર, બાદમાં પતિએ જ ગોળી મારી કરી હત્યા

મુંબઈ: બોલિવૂડમાં ઘણા સ્ટાર્સનું જીવન કોઈ રહસ્યથી ઓછું નથી. ઘણા એવા સ્ટાર્સ હતા જેમણે ઘણી ખ્યાતિ મેળવી અને મોટું નામ કમાવ્યું અને સફળતા પછી પણ તેમનો અંત કોઈ દુ:ખદ ફિલ્મથી ઓછો નહોતો. એવું જ એક નામ છે અભિનેત્રી સઇદા ખાનનું. સઈદાનો જન્મ 24 ઓક્ટોબર 1949ના રોજ એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. નાની ઉંમરે તેણે મોટી હિરોઈન બનવાનું સપનું જોયું હતું. ફિલ્મ નિર્માતા એચ.એચ.રાવૈલનું ફિલ્મી દુનિયામાં પ્રવેશનું પ્રથમ પગથિયું બની ગયું. કિશોર કુમાર સાથે ‘અપના હાથ જગન્નાથ’ અને મનોજ કુમાર સાથે ‘કાંચ કી ગુડિયા’ જેવી સફળ ફિલ્મો કર્યા પછી સઈદાને હિટ અભિનેત્રી તરીકે ઓળખવામાં આવ્યા. તેને એક પછી એક પ્રખ્યાત કલાકારો સાથે કામ મળવા લાગ્યું અને તેની કારકિર્દી પાટા પર આવી ગઈ.

જેને પ્રેમ કર્યો એણે જ મોતને ઘાટ ઉતાર્યા
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સઈદાની ખ્યાતિમાં ઘટાડો થવા લાગ્યો. ધીમે ધીમે તેને કામ મળવાનું બંધ થવા લાગ્યુ. આ પછી તેણે પોતાની આજીવિકા માટે બી-ગ્રેડ ફિલ્મોનો સહારો લેવો પડ્યો. એક તરફ, તેની કારકિર્દીની દિશા બગડતી ગઈ અને બીજી તરફ, અભિનેત્રી નિર્દેશક-નિર્માતા બ્રિજ સદાનાના પ્રેમમાં પડી ગયા, જે પછી બંનેએ લગ્ન કર્યા અને બે બાળકો થયા. નમ્રતા નામની પુત્રી અને કમલ સદાના નામનો પુત્ર. કમલ સદાના બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. 21 ઓક્ટોબર 1990ના રોજ, સઈદા તેના પુત્ર કમલના 20મા જન્મદિવસની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે નશામાં ધૂત કમલના પિતા એટલે કે સઈદાના પતિએ અંદર આવીને સઈદા અને તેની પુત્રી નમ્રતાને ગોળી મારી દીધી હતી અને કમલને પણ ગોળી મારી દીધી હતી. આ લોકોને ગોળી માર્યા બાદ તેણે પણ જીવ લઈ લીધો હતો. આ સમગ્ર ઘટનામાં માત્ર કમલ જ બચી ગયા હતા.

કમલ (કમલનું કાજોલ સાથે ફોટોશૂટ)

આખો પરિવાર ક્ષણવારમાં વિખૂટો પડી ગયો

તાજેતરમાં, સિદ્ધાર્થ કાનનને આપેલા એક ઇન્ટરવ્યુમાં, કમલે યાદ કર્યું કે તે તેની માતા અને બહેનને હોસ્પિટલમાં લઈ ગયો હતો, તે દરમિયાન તેને પણ ગોળી વાગી હતી અને તેને ખ્યાલ નહોતો કે તેને પણ ગોળી વાગી છે. જ્યારે તબીબોએ તેને તેના શર્ટ પરના લોહી વિશે પૂછ્યુ તો તેને લાગ્યુ તેની માતા અને બહેનનું લોહી છે. તેની માતા અને બહેનને બચાવવાનો પ્રયાસ કરતી વખતે અભિનેતાને ખ્યાલ ન આવ્યો કે તે પણ ઘાયલ થયો છે. આ ઘટના પછી તેની સર્જરી થઈ અને જ્યારે તે ઘરે પાછો આવ્યો, ત્યારે તેને ખબર પડી કે તેનો આખો પરિવાર વિખેરાઈ ગયો છે. તેઓએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા હતા.

કમલ સદાનાએ કહ્યું, ‘મને પણ ગોળી વાગી હતી, તે મારી ગરદનની એક બાજુથી ઘૂસી ગઈ હતી અને બીજી બાજુથી બહાર આવી હતી, પરંતુ હું બચી ગયો હતો. મારા અસ્તિત્વ માટે કોઈ તાર્કિક કારણ નથી. એવું લાગે છે કે ગોળી દરેક ચેતાને ડોઝ કરીને બીજી બાજુ બહાર આવી. હું મારી માતા અને બહેનને હોસ્પિટલમાં લઈ ગયો જ્યારે તેઓ લોહીથી લથપથ હતા અને તે સમયે મને ખ્યાલ નહોતો કે મને પણ ગોળી વાગી હતી. હૉસ્પિટલમાં પૂરતા પલંગ નહોતા, તેથી મારો મિત્ર મને બીજી હૉસ્પિટલમાં લઈ ગયો. મેં ડૉક્ટરને મારી માતા અને બહેનને જીવંત રાખવા કહ્યું. હું મારા પિતાને પણ તપાસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સર્જરી પછી જ્યારે હું જાગ્યો ત્યારે તેઓ મને ઘરે લઈ ગયા અને મેં મારી નજર સામે મારો આખો પરિવાર મૃત હાલતમાં પડેલો જોયો.

સીંગતેલના ભાવમાં થયો ઘટાડો, જ્યારે અન્ય તેલની કિંમતો વધી

આ વર્ષે સારા વરસાદના પગલે ખેડૂતોમાં વાવેતરને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં બુધવાર સુધીમાં 16.83 ટકાનું અને સમગ્ર દેશમાં એકંદરે 9.44 ટકા વાવેતર વધારો નોંધાયો છે. વર્ષ 2023-24માં માત્ર ગુજરાતમાં જ મગફળીનું 46.45 લાખ ટન ઉત્પાદન થયું હતું અને આ વર્ષે વાવેતરમાં સરેરાશ 10 ટકા જેટલો વધારો નોંધાયો છે ત્યારે બીજી બાજુ ઉત્પાદન વધવાની આશા વચ્ચે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલ એક દિવસમાં જ રાજકોટના તેલ બજારમાં સિંગતેલના ભાવ પ્રતિ 15 કિલોના ડબ્બા દીઠ રૂ.2630-2680થી ઘટીને રૂ. 2590-2640 સુધી નીચે ઉતર્યા હતા. તો પામ-કપાસિયા તેલમાં રૂ. 60નો વધારો થયો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આયાતી તેલ પર ડ્યુટી નાખવાની વિચારણાથી જ સાઈડ ખાદ્યતેલોમાં રૂપિયા 60નો ઉછાળો જોવા મળ્યો છે. કપાસિયા તેલ, પામોલીન તેલ, સનફ્લાવર તેલ, મકાઈનું તેલ, વનસ્પતિ ઘી સહિતના તેલોમાં રૂપિયા 30 થી 60 સુધીનો વધારો માત્ર એક જ દિવસમાં જોવા મળ્યો છે. કપાસિયા તેલમાં છેલ્લા 15 દિવસમાં ડબ્બે રૂપિયા 200 થી 225 રૂપિયા સુધીનો તોતિંગ વધારો થયો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પામોલીન તેલમાં 100 થી 150 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. પામોલીન તેલમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 60 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત પામોલીન તેલમાં ડ્યુટી આવવાની વાત હતી. તેના કારણે પણ પામોલીન તેલના સંગ્રાહખોરો દ્વારા માલની વેચવાની બંધ કરી દીધી હતી. તો બીજી તરફ સિંગતેલમાં જે આગ ઝરતી તેજી જોવા મળી હતી. તેના પર હવે બ્રેક લાગી રહી હોવાનું સામે આવ્યું છે.

વરસાદે વિરામ લેતા તેમજ ચોમાસુ પાક દરમિયાન મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં સારું થશે. તેવા આશાવાદના કારણે સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સિંગતેલમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં રૂપિયા 75નો ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ સીંગતેલનો નવો ડબ્બાનો ભાવ 2680 આસપાસ જોવા મળી રહ્યો છે. કપાસિયા તેલનો નવો ડબ્બો હાલ 1900 રૂપિયા આસપાસ મળી રહ્યો છે. પામોલીન તેલનો નવો ડબ્બો હાલ 1750 થી 1760 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે. સનફ્લાવર તેલનો નવો ડબ્બો ખાલી 1550 થી 1560 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે.

દિવાળી પહેલાં આભને આંબી ડુંગળીની કિમતો  

નવી દિલ્હીઃ દેશમાં પડેલા અનિયમિત વરસાદને કારણે સ્થાનિક બજારમાં શાકભાજીની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ડુંગળીની કિંમતો છેલ્લા 20 દિવસોમાં ઝડપથી વધી રહી છે. દિલ્હીમાં એની સરેરાશ કિંમત રૂ. 60ની આસપાસ છે, જ્યારે અનેક રાજ્યોમાં એની મહત્તમ કિંમત પ્રતિ કિલો રૂ. 80 સુધી પહોંચી છે. સ્થાનિક બજારના વેપારીઓનું કહેવું છે કે ડુંગળી સપ્લાય ચેનમાં અને માગમાં વધારો થતાં કિંમતોમાં વધારો થયો છે.

છૂટક બજારમાં ડુંગળીની મહત્તમ કિંમત પ્રતિ કિલો રૂ. 80 છે, જ્યારે કેટલીક જગ્યાએ ડુંગળી રૂ. 27 પ્રતિ કિલો સુધી સસ્તા ભાવે વેચાઈ રહી છે. 10 સપ્ટેમ્બરે દેશમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત (ઓલ ઈન્ડિયા એવરેજ પ્રાઇસ) રૂ. 49.98 પ્રતિ કિલો હતી.

સ્થાનિક બજારમાં ડુંગળીની કિંમતો વધવા માંડતાં સરકારે ઊંચા ભાવને કાબૂમાં લેવા માટે લગભગ એક સપ્તાહ પહેલાં જ રાહત ભાવે ડુંગળી વેચવાનું શરૂ કર્યું છે. આ અંતર્ગત લોકોને પ્રતિ કિલો રૂ. 35ની કિંમતે ડુંગળી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સરકારે આ પહેલ પાંચ સપ્ટેમ્બરથી શરૂ કરી હતી. હાલમાં, દિલ્હી-NCR અને મુંબઈના લોકોને સબસિડીવાળા ભાવે સરકારી ડુંગળીનો લાભ મળી રહ્યો છે.

સરકારી સહકારી એજન્સી NCCF અને NAFED દ્વારા સસ્તા ભાવે ડુંગળી વેચવામાં આવી રહી છે. બંને સહકારી એજન્સીઓ મોબાઈલ વાન દ્વારા તેમના બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ કરી રહી છે. સહકારી એજન્સીઓ પાસે હાલમાં 4.7 લાખ ટન ડુંગળીનો સુરક્ષિત સ્ટોક છે. સરકારને આશા છે કે સહકારી એજન્સીઓ દ્વારા ડિસ્કાઉન્ટ ભાવે વેચવાથી ડુંગળીના ભાવને નિયંત્રિત કરવામાં મદદ મળી શકશે.

ગણેશ વિસર્જનમાં બની દુર્ઘટના, 10 ડૂબ્યા, 8ના મોત: સૂત્રો

ગુજરાતમાં હાલ ગણેશ મહોત્સવની ધૂમ ચાલી રહી છે. ત્યારે ગુજરાતના કેટલાક જિલ્લામાં ગણેશ મહોત્સવમાં અસામાજિક તત્વોએ ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી બાજું આજે ગાંધીનગરમાં ફરી એક મોટી દુર્ઘટના બની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગણેશ વિસર્જનની ઘટનામાં વાસણા સોગઠી ગામ નજીક 10 લોકો પાણીમાં ડૂબી ગયાના અહેવાલ મળી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર 8 મૃતદેહો પણ મળી આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. અત્યારે સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. પ્રાથમિક અહેવાલ અનુસાર મેશ્વો નદીમાં આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી છે. ગણેશ વિસર્જન વખતે જ 10 જેટલાં લોકો પાણીમાં ડૂબી ગયા હતા અને તેમાંથી 8 યુવાનોનાં તો ઓન ધ સ્પોટ મોતના અહેવાલ મળી રહ્યા છે. વાસણા સોગઠી ગામે આ ઘટના બની હતી. જેના લીધે તહેવારની ઉજવણી અચાનક જ માતમમાં ફેરવાઈ ગઇ હતી.

નવરાત્રિ માટે આઈડી પ્રૂફ આપવું પડશે ફરજિયાત?

ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. હાલ રાજ્ય સહિત દેશમાં ગણેશ ચતુર્થીનો મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાતનો સૌથી મોટા તહેવારો માનો એક નવરાત્રીનો મહોત્સ શરૂ થવાનો છે. નવરાત્રી દરમિયાન કોઇ અઘટિત ઘટના ન બને એ માટે શહેરના આયોજકો દ્વારા અત્યારથી તમામ પ્રકારના આયોજન કરવામાં આવતા હોય છે.

રાજકોટમાં મોટા મોટા સમૂહો દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કેટલાક ગરબા આયજકો દ્વારા નવરાત્રીમાં પ્રવેશ માટે આધારકાર્ડ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી અનુસાર રજકોટના સુપ્રસિદ્ધ નવરાત્રિ આયોજક સહિયર ગ્રુપના આયોજકો દ્વારા આ વર્ષે ટિકીટ સાથે પોતાનું આડી પ્રુફ બતાવવું ફરજિયાતનો નિર્ણય કર્યો છે. આ અગાઉ  રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટનાને લઈ આ વર્ષે તમામ સુરક્ષા પ્રબંધને લઈ વધુ તકેદારી રાખવામાં આવશે. આ અગાઉ પણ રાજકોટ સુરક્ષા બંદોબસ્તને લઈ ચર્ચામાં રહ્યું છે. આ અગાઉ 27 મેના રોજ રાજકોટમાં અગ્નિકાંડ થયો હતો. જેમાં 27 માસુમ લોકોના જીવ હોમાયા હતા. આ ઉપરાંત આ ઘટના બાદ તંત્રની સજડ આંખ ખુલી હતી. સાતમ આઠમના મેળાને લઈ ને પણ તંત્રની કડકાય જોવા મળી હતી.

 રેપ-મર્ડર કેસઃ CBIને સંજય રોયનો નાર્કો ટેસ્ટ કરવાની કોર્ટની મંજૂરી

નવી દિલ્હીઃ CBI RG કર હોસ્પિટલના બળાત્કાર અને હત્યા કેસના આરોપી સંજય રાયનો આરજી કાર હોસ્પિટલમાં નાર્કો ટેસ્ટ કરાવશે. કોર્ટે આ મામલે CBIને મંજૂરી આપી દીધી છે. CBIએ આ સંબંધમાં જરૂરી પરવાનગી માટે સિયાલદહ કોર્ટમાં અરજી કરી હતી, આજે કોર્ટે સંજય રાયનો નાર્કો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી દીધી છે.

આ ટેસ્ટ દ્વારા સીબીઆઈ એ જોવા માંગે છે કે નાર્કો અને પોલીગ્રાફમાં આરોપીએ જે કહ્યું છે તેમાં કોઈ મેળ છે કે કેમ. અધિકારીઓ આ ઘટનામાં સંજયની સંડોવણી વિશે ખાતરી કરવા માગે છે. એઇમ્સ અને નિષ્ણાતોનો અભિપ્રાય મેળવ્યા બાદ જ તેનું વિશ્લેષણ કરવામાં આવશે.

જાણો શું છે નાર્કો ટેસ્ટ

નાર્કો ટેસ્ટમાં વ્યક્તિને કેટલીક દવાઓ આપવામાં આવે છે, જેના પછી તે વ્યક્તિ આંશિક રીતે બેભાન અવસ્થામાં જાય છે. આ પછી વ્યક્તિ પાસેથી છુપાયેલી માહિતી કાઢવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયા તે લોકો પર અજમાવવામાં આવે છે જેઓ નિયમિત પૂછપરછ દરમિયાન સહકાર આપવા તૈયાર નથી. જટિલ કેસોને ઉકેલવા અને મહત્વપૂર્ણ કડીઓ બહાર કાઢવા માટે નારકોએનાલિસિસ ટેસ્ટ કરવામાં આવે છે.

આ મામલાને લઈને સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું કે સંજય કેટલાક મહત્ત્વપૂર્ણ તથ્યો છુપાવી રહ્યો છે, જે પોલિગ્રાફ ટેસ્ટમાં બહાર આવ્યા છે, તેથી નાર્કો પણ જરૂરી છે, પરંતુ કોર્ટે તેની પરવાનગી આપી નથી.

પ્રાપ્ત માહિતી મુજબ CBIના અધિકારીઓ આ ઘટનામાં સંજયની સંડોવણી વિશે ખાતરી કરવા માગે છે. જોકે, એઈમ્સ અને નિષ્ણાતોના અભિપ્રાયને જાણ્યા પછી જ તેનું વિશ્લેષણ કરવામાં આવશે.

 

Opinion: મેટ્રિમોનિયલ સાઈટથી પાત્રની પસંદગી કેટલી વિશ્વસનીય?

સમય સાથે ટેકનોલોજીએ પણ હરળફાળ ભરી છે. જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ આંગળીના વેઢે આવી ચૂકી છે. દવા હોય કે શાકભાજી આપણે ઘર બેઠાં જ મંગાવી શકીએ છીએ. ટેક્નોલોજીના આ યુગમાં સ્માર્ટ ફોનથી ફૂડ ઓર્ડરથી લઈને આપણે જીવનસાથીની શોધખોળ સુધી પહોંચી ગયા છીએ. બધી જ સુવિધાઓ સ્માર્ટ ફોનની એપ લાયબ્રેરીમાં સચવાયેલી છે. આવી જ એક એક એક એપ્સ એટલે મેટ્રિમોનિયલની.. ઉમેદવારની પસંદ અને નાપસંદ, ગુણ અને યોગને મેળવી સારા યુવક કે યુવતીના બાયોડેટા આ પ્રકારની એપ્સ કે સાઈટ શોધી આપે છે. પરંતુ આ પ્રકારની સાઈટ્સ પરથી મળતી માહિતી અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો યુવક કે યુવતીના બાયોડેટાની વિશ્વસનિયતા, સચ્ચાઈ અને  પ્રમાણિક્તાને લઈને પણ પ્રશ્નો ઉભા થાય છે. એમાં પણ અત્યારે AIના યુગમાં સાયબર ક્રાઈમ વધતા કિસ્સાઓથી સમાચારો ઉભરાતા હોય છે. ત્યારે વધતા જતાં ફ્રોડના જમાનામાં કયા માપદંડથી જીવનસાથીને લેફ્ટ કે રાઈટ સ્વાઈપ કરવા જોઈએ?

આ અઠવાડિયાના ઓપિનિયન વિભાગમાં યુવક અને યુવતીના સ્માર્ટફોન પર ટિક્ કરેલા જીવનસાથી વિશેના પેરામીટર સુખી સંસારના વિશ્વસનીય સ્તંભ બની શકે?

સોનુ ટેકચંદાણી, જીવન ચક્ર મેરેજ બ્યુરો

એક સમય હતો જ્યારે વડીલો છોકરો અને છોકરીના સંબંધ નક્કી કરતા હતા. જે બાદ એક દાયકો એવો આવ્યો કે કોઈ એક વ્યક્તિ વચ્ચે રહી સંબંધ કરાવતા થયા. ત્યારબાદ આજનો સમય છે કે જ્યારે લોકો મેરેજ બ્યુરો કે મેટ્રિમોનિયલ સાઇટથી લગ્ન પ્રસ્તાવ રાખતા થયા છે. આજના ઓનલાઈનના સમયમાં માત્ર ફોટોથી અને બાહ્ય માહિતીથી લગ્ન કરવામાં આવે છે, જ્યાં કેટલીક વાતો છૂપાવવામાં પણ આવે છે. જેના કારણે સંબંધ તૂટવાની સંભાવના પણ રહે છે. અમારે ત્યાં યુવક કે યુવતી સાથે અમે વાતચીત કરી માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. આ સાથે એમના સરકાર માન્ય ડોક્યુમેન્ટ્સની ચકાસણી પણ કરીએ છીએ. કેટલાક અંશે માહિતી પૂછતી વખતે જ સાચા કે ખોટાંની જાણ થઈ જતી હોય છે. અમારે ત્યાં પણ આવા ફ્રોડ કર્યાના કેસ બનતા હોય છે. પણ અમે સંબંધ સમજાવટથી તૂટતો અટકાવવાનો પ્રયાસ કરીએ છીએ. જો કે, સંબંધ નક્કી થયા બાદ અમારી જવાબદારી પૂર્ણ થઈ જતી હોય છે. કેટલીક વખત સત્યની સાથે રહી એક્શન પણ લેવાની જરૂર પડતી હોય છે. એવા સમયમાં અમારા તરફથી સંપૂર્ણ પ્રયાસ રહેતો હોય છે યુવક કે યુવતીને ન્યાય કે સારું વળતર મળે.

વિવેક માસિયાવા, વકીલ

મારા ધ્યાને આ પ્રકારના ફ્રોડના કેસ આવેલ છે, કે જ્યાં પહેલા લગ્ન માટે યુવક કે યુવતીને વિશ્વાસમાં લેવામાં આવે છે. બાદમાં એક પાર્ટી બીજી પાર્ટી પાસેથી કોઈપણ કારણોથી રૂપિયાની માગે અને બાદમાં રૂપિયા લઈ ફરાર થઈ જાય. આ પ્રકારના કેસમાં કેટલીક સ્ત્રી પીડિતા હોય તો, કેટલીક વખત પુરુષ પીડિત હોઈ શકે છે. આવા કેસમાં છેતરપિંડીની કલમ 406 અને 420 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. તો 467 અને 468 હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવે છે. આ પ્રકારની સાઈટ્સથી 50 ટકા લાભ થવા સાથે 50 ગેરલાભ પણ થવાની શક્યતા રહે છે. સામે પક્ષે જ્યારે દુર કે નજીકના સગાને જાણતા ન હોય ત્યારે છેતરપિંડી થવાની પૂરી શક્યતા રહે છે. કેટલાક કેસમાં એવું પણ બની શકે કે સમજાવટથી પતિ કે પત્ની છૂટા થઈ જતા હોય છે. એવા કેસમાં કાનૂન કંઈપણ કરી શકતું નથી. મેટ્રિમોનિયલ સાઈટમાં રજીસ્ટ્રેશન ફી હોવાથી સારા ઘરના લોકો આ પ્રકારના લગ્ન કરવા માટે આગળ વધતા હોય છે.

અનુષા અય્યર, ડેપ્યુટી સેન્ટ્રલ મેનેજર, કન્ઝ્યુમર એજ્યુકેશન & રિસર્ચ સેન્ટર

મેટ્રિમોનિયલ સાઈટ પર બધી વેબસાઈટ્સ એવી હોતી નથી કે, જ્યાં તમામ ઉમેદવારોનું વેરિફિકેશન થાય. જે વેબસાઈટ ફ્રી રજિસ્ટ્રેશનો ઓપશન આપતી હોય ત્યાં આ પ્રકારના ફ્રોડ થવાની શક્યતા રહે છે. જ્યારે રૂપિયા આપી રજિસ્ટ્રેશન કરાવતી વેબસાઈટ થોડું વિશ્વસનીયતા રહે છે. આ ઉપરાંત હવે પ્રોફાઈલ લોક કરવા સાથે વેરિફાઈડ કરવાનો પણ ઓપશન આપે છે. આપણે ધ્યાન એ રાખવાનું છે કે જે યુવક કે યવતીનું પ્રોફાઈલ વેરિફાય હોય તેને જ પસંદ કરવા. ઉમેદવારે જે માહિતી સાઈટ ઉપર આપી હોય તેને પોતાની રીતે પણ વેરિફાય કરવી જોઈએ. ઉમેદવારને પસંદ કર્યા પછી જ્યારે તે કોઈપણ કારણોસર પૈસાની માગણી કરે છે તો ચોક્કસથી ચેતી જજો.

કિંજલબેન, મેટ્રિમોનિયલથી જીવનસાથી શોધેલા 

હા, મારા લગ્ન મેટ્રિમોનિયલ સાઇટથી થયા છે.સામાન્ય રીતે મેટ્રિમોનિયલ સાઈટ પર પહેલા આપણે પ્રોફાઈલ અપડેટ કરવાની હોય છે. આપણી પ્રોફાઈલ અનુસાર કંપની બાયોડેટા સૂચવે છે. મારા લગ્ન પહેલા મેં એક યુવક સાથે મીટિંગ કરી હતી. પરંતુ અમે લોકો પરિવારની હાજરીમાં મળ્યા હોવાથી કોઈ પણ અનિચ્છનીય ઘટના બનવાની શક્યતા નહીંવત હતી. જ્યારે મારા પતિ સાથે મેં લગ્ન પહેલાં બે કે ત્રણ મીટિંગ કરી હતી. જેમાં એક વખત તેઓ પરિવાર સાથે ઘરે આવ્યા હતા. લગ્ન પહેલાં તેમના વિશેની જે માહિતી અમને વેબસાઈટ કે રૂબરૂ મુલાકાતથી મળી હતી તેને અમે અમારી રીતે ક્રોસચેક પણ કરી હતી. મેં એવા કેસ પણ જોયા છે કે જેમાં આવી સાઈટથી મળ્યા બાદ ફ્રોડ થયા હોય. મારું માનવું છે કે મેટ્રિમોનિયલ સાઈટ્સથી પસંદ કરેલ સંબંધમાં પણ જો પરિવારનું ઇન્વોલ્વમેન્ટ હોય તો ફ્રોડ થવાની શક્યતા ઓછી રહે છે.

(તેજસ રાજપરા – અમદાવાદ)

કથા કદી ન થયેલી કાલાતીત ટક્કરની…

ગયા રવિવારના સોણલા પ્રભાતે સમાચાર વાંચવામાં આવ્યા કે હીચકી, મહારાજ જેવી ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ પી. મલ્હોત્રા મીનાકુમારી-કમાલ અમરોહીના બે દાયકાના સહજીવન, એમની સમયાતીત પ્રેમકથા પર એક ચિત્રપટ સર્જી રહ્યા છેઃ ‘કમાલ ઔર મીના’. ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થશે.

સમાચાર વાંચતાંની સાથે મારું મન તબડક તબડક તબડક કરતું સન 1972ની સાલમાં દોડી જાય છે. બાલ્યાવસ્થાના એ કાળમાં બપોરે ઈસ્કૂલથી ઘેર આવ્યો ત્યારે અમારા માળામાં ગહન ચર્ચા ચાલી રહેલી. ચર્ચાનો વિષય હતોઃ અભિનેત્રી મીનાકુમારીનું અવસાન. એ દિવસે ગુડ ફ્રાઈડે (31માર્ચ) હતી. માળાનાં અમુક દંપતી ફેબ્રુઆરીમાં જ રિલીઝ થયેલી મીનાકુમારીની ‘પાકીઝા’ જોવાનો કાર્યક્રમ ઘડે છે.

ફિલ્મસર્જનમાં બાલ કી ખાલ કાઢવા માટે જાણીતા, ચોકસાઈના આગ્રહી કમાલ અમરોહી એમની સાડાપાંચ દાયકાની સુદીર્ઘ કારકિર્દીમાં માત્ર ચાર ફિલ્મ બનાવી શકેલાઃ ‘મહલ’, ‘દાયરા’, ‘પાકીઝા’ અને છેલ્લી ‘રઝિયા સુલતાન’. 1980ના દાયકાના અંતભાગમાં રાજેશ ખન્ના-રાખીને લઈને ‘મજનૂન’ બનાવવાની જાહેરાત કરેલી, જે બની જ નહીં. 1993માં 75 વર્ષની વયે એમનો ઈન્તેકાલ થઈ ગયો.

કમાલ સાહેબ અને મીનાકુમારીના લવ મેરેજ 1952ના વેલેન્ટાઈન’સ ડે (14 ફેબ્રુઆરી)ના રોજ થયેલા. કમાલજીની આ ચોથી શાદી હતી. શાદી થઈ તે પછીના વર્ષે એટલે 1953માં દંપતીએ પોતાની લવસ્ટોરી પર ફિલ્મ બનાવી ‘દાયરા’, જે સુપર ફ્લૉપ થઈ. આ દંપનીના સાહચાર્યની દાસ્તાન રૂપેરી પરદા પર લાવવાની જાહેરાત કરનાર સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ ‘દાયરા’ જોઈ કે નહીં એ તો ખબર નથી, પણ એટલું ચોક્કસ કે આ લેખ તે બન્નેની પ્યારકથા વિશે નથી. બલકે મીનાકુમારીની એમની સમકાલીન નરગિસ સાથે થતાં થતાં રહી ગયેલી બે રસપ્રદ ટક્કર વિશે છે.

પહેલી ટક્કરની પૃષ્ઠભૂ છે ફિલ્મફેર એવોર્ડ્સ. વર્ષ હતું 1958. તે વર્ષે શ્રેષ્ઠ અભિનેત્રી સમ્માનની બે દાવેદાર હતીઃ ‘મધર ઈન્ડિયા’ની ભૂમિકા માટે નરગિસ અને ‘શારદા’ની ભૂમિકા માટે મીનાકુમારી. બન્ને વચ્ચે ન કળાય એવી રાઈવલરી હતી. તે વખતે એવોર્ડ્સના આયોજક ફિલ્મફેર મેગેઝિનને એક વિચાર આવ્યોઃ મેગેઝિનના વચલાં બે પૃષ્ઠ (સેન્ટરસ્પ્રેડ) પર મીનાકુમારી-નરગિસ સાથે ઊભાં હોય એવો ફોટો છાપીએ. સામયિકના પત્રકાર, ઈતિહાસકાર બની રુબેન તરત પહોંચ્યા મીનાકુમારીને ત્યાં ને સહ-તસવીરની વાત કરી. મીનાકુમારી કહે, “સારો આઈડિયા છે, પણ બેબીજી (નરગિસ) માનશે”?

બનીજી કહે “હા હા, જરૂર. એ મારી પર છોડી દો”. મંદ સ્મિત કરતાં મીનાકુમારીએ કહ્યું, “સારું. તો તમે કહેશો ત્યારે અને ત્યાં હું ફોટો પડાવવા આવી જઈશ”.

બની રુબેન નોંધે છેઃ “તે વખતે રાજ કપૂર સાથેના વણસેલા સંબંધના લીધે નરગિસ આરકે કૅમ્પમાંથી જસ્ટ બહાર નીકળેલાં. મીનાકુમારી બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ માટે નોમિનેટ થયાં તે ફિલ્મ, ‘શારદા’ના હીરો રાજ કપૂર હતા. નરગિસને કોઈ નવા વિવાદમાં પડવું નહોતું. આમ મીનાકુમારી-નરગિસની ડ્રીમ-છબિ ડ્રીમ જ રહી ગઈ. એવો ફોટો અમને મળ્યો જ નહીં”.

બીજી થતાં થતાં રહી ગયેલી ટક્કરમાં પણ બની સાહેબ જ ઈન્વોલ્વ હતા. એમના એક રાઈટર-મિત્રે બે હીરોઈનને કેન્દ્રમાં રાખીને એક ચુસ્ત કથાપટકથા લખેલી. આ ફિલ્મમાં મીનાકુમારી-નરગિસ હોય તો ગજ્જબ થઈ જાય, ફિલ્મ સુપરહિટ થઈ જાય. બની એમના લેખકમિત્રને લઈને વાર્તા સંભળાવવા મીનાકુમારીના ઘરે ગયા. વાર્તા એમને ગમી ગઈ. એ કહેઃ “ફાઈન. હું રેડી છું. હવે તમે બેબીજીને વાર્તા સંભળાવો. બે (નાયિકા)માંથી એમને જોઈએ એ પાત્ર સિલેક્ટ કરવા દો. બીજું પાત્ર હું ભજવીશ”.

એ ફિલ્મ પણ ક્યારેય ન બની અને અંદાજમાં રાજ કપૂર-દિલીપકુમારની જેમ ટક્કર થયેલી કે સંજીવકુમાર-દિલીપકુમારની ‘સંઘર્ષ’, ‘વિધાતા’ કે દિલીપકુમાર-રાજકુમાર (‘સૌદાગર’) એવી ટક્કર થતાં થતાં રહી ગઈ.

બની રુબેન લખે છે કે “દાક્તરી તપાસમાં એવું બહાર આવ્યું કે મીનાકુમારીનું અવસાન લીવર સીરોસીસથી થયું, પણ મારા હિસાબે એનું અવસાન ઈમોશનલ સીરોસીસથી થયું”.

મહારાષ્ટ્ર: રાહુલ ગાંધીના અનામત સંબંધિત નિવેદન સામે ભાજપે પ્રદર્શન કર્યું

મુંબઈ: અમેરિકામાં અનામતને લઈને રાહુલ ગાંધીના નિવેદનને લઈને મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ અને કાર્યકરોએ શુક્રવારે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું કે લોકોને રાહુલ ગાંધીની અનામત વિરોધી માનસિકતા વિશે જણાવવા માટે વિરોધ કરવો જરૂરી છે. દરમિયાન કોંગ્રેસ નેતા બાલાસાહેબ થોરાટે ભાજપ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો અને નાટક કરવાનો આરોપ લગાવ્યો છે.

રાહુલ ગાંધીના નિવેદન પર વિવાદ થયો હતો

રાહુલ ગાંધી આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે. હાલમાં જ અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જ્યારે ભારત ન્યાયી સ્થળ બનશે ત્યારે કોંગ્રેસ અનામત ખતમ કરવાનું વિચારશે. જો કે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે ભારત હજુ સુધી ન્યાયી સ્થળ બન્યું નથી. વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબમાં મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો કે ભારતમાં છેલ્લા 10 વર્ષથી લોકશાહી નબળી હતી, પરંતુ હવે તે મજબૂતીથી લડી રહી છે.

ભાજપનો રાજ્યવ્યાપી વિરોધ

ભાજપે રાહુલ ગાંધીની આ કથિત ‘અનામત વિરોધી’ ટિપ્પણી સામે રાજ્યવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરી હતી. પાર્ટીના કાર્યકરોએ છત્રપતિ સંભાજીનગરમાં મહારાષ્ટ્રના હાઉસિંગ મિનિસ્ટર અતુલ સેવના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભાજપના કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મુંબઈમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના દહિસર સીટના ધારાસભ્ય મનીષા ચૌધરીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ સ્વર્ગસ્થ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુથી લઈને રાહુલ ગાંધી સુધી અનામતનો વિરોધ કરી રહી છે. તેમણે કહ્યું કે ગાંધીજીના ‘અનામત વિરોધી’ વલણનો પર્દાફાશ થયો છે.

કોંગ્રેસે ભાજપની કામગીરીને ખેલ ગણાવ્યો

જ્યારે કોંગ્રેસે ભાજપના વિરોધની ટીકા કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાટે ભાજપ પર ફેક ન્યૂઝ અને નાટક ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ગાંધીજીએ તેમની ટિપ્પણીમાં ક્યારેય નથી કહ્યું કે અનામત નાબૂદ કરવામાં આવશે. થોરાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું, ‘ભાજપના નેતાઓ વિરોધ કેમ કરી રહ્યા છે? તેઓ માહિતીની ચકાસણી કરવાની જરૂર પણ અનુભવતા નથી. પરંતુ લોકો તેના ખોટા નિવેદનોથી પ્રભાવિત થશે નહીં. લોકો જાણે છે કે ભાજપ બંધારણ વિરોધી અને અનામત વિરોધી છે.’

ભાજપ નેતાના નિવેદન સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું

રાહુલ ગાંધીએ અમેરિકાની મુલાકાત દરમિયાન શીખ સમુદાય વિશે પણ ટિપ્પણી કરી હતી, જેનાથી વિવાદ પણ થયો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં શીખ સમુદાયમાં ચિંતા છે કે શું તેમને પાઘડી અને બ્રેસલેટ પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે નહીં? શું તેઓ ગુરુદ્વારા જઈ શકશે? આ માત્ર શીખોની જ નહીં પરંતુ તમામ ધર્મોની ચિંતાનો વિષય છે.

રાહુલ ગાંધીના આ નિવેદન સામે બુધવારે બીજેપી નેતાઓએ દિલ્હીમાં સોનિયા ગાંધીના આવાસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન બીજેપી નેતા તરવિંદર સિંહ મારવાહે કથિત રીતે રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપી હતી. ભાજપના નેતાની આ ધમકી સામે શુક્રવારે નાગપુરમાં કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભારે હંગામો થયો હતો.