Home Blog Page 1485

સુરતમાંથી મળ્યો 750 કિલો ગાંજો, પેડલરો બદલી મોડસ ઓપરેન્ડી

ગુજરાતમાં નસીલા પાદાર્થ પકડાવાનો સીલસલો યથાવત્ જોવા મળી રહ્યો છે. પહેલા ગુજરાતના દરિયા કિનારેથી નસીલા પદાર્થો ઘુસાડવા માટે પેડલરો અવનાર રસ્તા અપનાવતા હતા. ત્યારે હવે ગુજરાતના પડેલરો મહાનગરોમા પણ નસીલા પદાર્થો ધુસાડવાનો પ્રસાસ કરતા હોય છે. સુરતના ઓલપાડના નાની નરોલી ગામેથી પોલીસે 750 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ ગાંજાની કુલ બજાર કિંમત 74.03 લાખ છે.

સુરતના ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાંથી આ ગાંજો ઝડપાયો હોવાની વાત સામે આવી છે.નાની નરોલી ગામેથી ગાંજો ઝડપીને પોલીસે એક મહિલા સહિત બે આરોપીની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે. જે આરોપીઓએ ગાંજો મોકલ્યો છે તેની ધરપકડ કરવાની બાકી છે. ત્યારે આટલી મોટી માત્રામાં ગાંજો ગુજરાત સુધી કંઈ રીતે પહોંચ્યો તેને લઈ ઉંડાણપૂર્વક તપાસ હાથધરાઈ છે. આ ગાંજો કોને આપવાનો છે તેને લઈ અનેક ખુલાસાઓ થઈ શકે છે. હવે ગુજરાતમાં નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં ટ્રક અને કન્ટેનરમાં આ ગાંજાનો જથ્થો મંગાવાવમાં આવી રહ્યો છે. આ ગાંજાના જથ્થો પહેલા એક જગ્યાએ આવી જાય અને ત્યાંથી અલગ-અલગ લોકોને ગાંજો સપ્લાય થતી હોવાની વાત સામે આવી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો,ગાંજો મોકલનાર ઓડિશાના ત્રણ લોકો પોલીસ પકડથી બહાર છે. સુરતમાં અત્યાર સુધી સૌથી વધુ પ્રમાણમાં ગાંજા વેચતા લોકોને પોલીસે ઝડપી પાડયા છે. આરોપીઓની ધરપકડ કર્યા બાદ સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ પોલીસથી બચવા માટે ઘરના ધાબા પર ગાંજો સંતાડયો હતો, પરંતુ પોલીસની બાતમી મળતા ગાંજા સાથે ઘરમાંથી આરોપીની ધરપકડ કરી છે.

હરિયાણામાં કોંગ્રેસ માટે આફત બનશે કેજરીવાલના જામીન?

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આબકારી નીતિ કૌભાંડ સંબંધે CBI દ્વારા નોંધવામાં આવેલા ભ્રષ્ટાચાર મામલામાં શુક્રવારે દિલ્હીના CM કેજરીવાલને જામીન આપ્યા છે. કેજરીવાલને જામીન આપ્યા પછી આપ પાર્ટીના હરિયાણા એકમ પ્રમુખ સુશીલ ગુપ્તાએ કહ્યું હતું કે પાર્ટીપ્રમુખ રાજ્યમાં ચૂંટણીપ્રચાર કરશે.

સુપ્રીમ કોર્ટે CM કેજરીવાલને જામીન આપવાના ચુકાદાની પ્રશંસા કરતાં આપ અધ્યક્ષ ગુપ્તાએ કહ્યું હતું કે અમે હવે બે ગણી શક્તિ સાથે ચૂંટણી લડીશું. કેજરીવાલ જલદીથી રાજ્યમાં ચૂંટણી અભિયાન શરૂ કરશે. રાજ્યમાં પાંચ ઓક્ટોબરે થનારી વિધાનસભાની ચૂંટણીમાં આપ એકલા હાથે ચૂંટણી લડી રહી છે. ભાજપને સત્તામાંથી બહાર કરવાની લોકો રાહ જોઈ રહ્યા છે, લોકો બદલાવ ઇચ્છે છે. લોકો એક ઇમાનદાર સરકાર ચૂંટવા ઇચ્છે છે, એમ તેમણે કહ્યું હતું. 

રાજ્યમાં હવે આપ પાર્ટી પહેલાંથી ક્યાંય મજબૂતીથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. જોકે રાજ્યોમાં આપ મજબૂતીથી ચૂંટણી લડી છે, ત્યાં કોંગ્રેસને નુકસાન થયું છે, એમ ઇતિહાસ કહે છે. આ વાત કોંગ્રેસને મુશ્કેલીમાં નાખી શકે છે. રાજ્યમાં પાછલી વિધાનસભા ચૂંટણીઓમાં આપનો રેકોર્ડ ખાસ નથી. આ વખતે પણ પાર્ટી મતની ટકાવારીમાં વધારો કરી શકે છે. રાજ્યમાં મોટા ભાગની સીટો પર ભાજપ અને કોંગ્રેસની વચ્ચે થવાની સંભાવના છે. આ સિવાય દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેવા નાના-નાના પક્ષો પણ ચૂંટણી પરિણામો પર અસર પાડી શકે છે. રાજકીય પંડિતોનું માનવું છે કે આપના ચૂંટણીપ્રચારથી ભાજપવિરોધી મતો વહેંચાશે, જેનાથી કોંગ્રેસને નુકસાન અને ભગવા દળને લાભ થવાની સંભાવના છે.

મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે ત્રણ વર્ષ પુરા કર્યા

ગાંધીનગર: ભૂપેન્દ્ર પટેલનો મુખ્યમંત્રી તરીકે ત્રણ વર્ષનો કાર્યકાળ શુક્રવારે પૂર્ણ થયો છે. 13મી સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમાં તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં G20 સમિટ્સ તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 10મા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલના શાસનકાળ દરમિયાન જ ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રી તરીકેના છેલ્લા ત્રણ વર્ષના તેમના શાસનકાળ દરમિયાન 11 જેટલી પોલિસી લૉન્ચ કરવામાં આવી છે.જેમાં ગુજરાત આત્મનિર્ભર પોલિસી અંતર્ગત ઉદ્યોગોને આત્મનિર્ભર બનાવવા માટે ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ જાહેર કરવામાં આવી. આ ઉપરાંત રાજ્યમાં બાયોટેક્નોલોજી સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે IT અને ITeS સેક્ટરના સર્વગ્રાહી વિકાસ માટે IT/ITeS પોલિસી-2022ની જાહેરાત કરી હતી. જે હેઠળ રાજ્ય સરકાર અને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ ક્ષેત્રની આંતરરાષ્ટ્રિય કંપની વચ્ચે સ્ટ્રેટેજિક MoU થયા હતા. રાજ્યના પ્રતિભાવાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ખેલકૂદ નીતિ 2022નું ડિજિટલ અનાવરણ પ્રધાનમંત્રી મોદીએ કર્યું હતું.અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી જાહેર સેવાઓ વધુ અસરકારક રીતે કાર્યક્ષમ બને તે દિશામાં ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી જાહેર કરવામાં આવી હતી. રાજ્યમાં સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી વૃદ્ધિને પ્રોત્સાહન આપવા સેમિકન્ડક્ટર પોલિસી 2022 જાહેર કરવામાં આવી છે. વિન્ડ, સોલાર અને હાઇબ્રીડ ટેકનોલોજી પર આધારિત રિન્યૂએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રિન્યુએબલ એનર્જી પોલીસી 2023 જાહેર કરવામાં આવી હતી. રાજ્યમાં ફિલ્મ શૂટિંગ માટેની ઇકોસિસ્ટમને મજબૂત કરવા સિનેમેટિક પોલિસી 2022 જાહેર કરી હતી. ભૂપેન્દ્ર પટેલે ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમીક ઈન્સ્ટીટ્યુસન્સ (ICAI-2022) ના ઉદઘાટન સમયે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી 2.0 પણ જાહેર  કરી હતી. રાજ્યના તમામ સરકારી વિભાગો, HODs, જિલ્લા કચેરીઓ, સત્તાવાળાઓ, ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓ/બોર્ડ્સ/નિગમો/સોસાયટીઓ દ્વારા વસ્તુ અને સેવાઓના પ્રોક્યોરમેન્ટને આવરી લેતી ગુજરાત ખરીદ નીતિ-2024ની જાહેરાત કરવામાં આવી. ગ્રીન હાઈડ્રોજન દ્વારા ઊર્જા સુરક્ષા, ક્લીન એનર્જી અને નેટ ઝીરો ત્રણેય લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ગ્રીન હાઈડ્રોજન પોલિસી 2024જાહેર કરવામાં આવી છે.ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકેના સમયગાળા દરમિયાનના મહત્વના નિર્ણયો કે ઉપલ્બધિઓ વિશે વાત કરીએ. તો, રાજ્ય પર ત્રાટકેલાં બિપરજોય વાવાઝોડાં દરમિયાન ઝીરો કેઝ્યુઅલ્ટી અભિગમ સાથે તંત્રને ખડેપગે રાખીને મજબૂત કામગીરીનો દાખલો પૂરો પાડ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001:2015 સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પોતાની અધિકૃત વોટ્સએપ ચેનલ કાર્યરત કરવામાં આવી છે. સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ ઈન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજી વાર દેશમાં પ્રથમ રહ્યું.રાજ્ય સરકારે ઇ-શ્રમ પોર્ટલ પર 1 કરોડ 17 લાખથી વધુ અસંગઠિત શ્રમયોગીઓને સ્માર્ટ કાર્ડ આપ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 14 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય કર્યું છે. યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને રોજગારી આપવા ‘કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી’ની સ્થાપના કરી છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ 58.79 લાખ જેટલા ખેડૂત કુટુંબોને 11,058.59 કરોડ રૂપિયાની રાશી સીધી બેંક ખાતામાં જમા કરાવી છે.ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકેના સમયગાળા દરમિયાન જ નારી સશક્તિકરણ માટે ‘નારી ગૌરવ નીતિ-2024’ જાહેર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ (PMJAY-MA) હેઠળ મળતી સહાયને 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે. ઉદ્યોગોને આત્મનિર્ભર બનાવવા માટે ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ જાહેર કરવામાં આવી છે.ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે જ્યાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે. મોઢેરા ગામને સોલાર વિલેજ જાહેર કર્યાના દોઢ વર્ષમાં જ ત્યાંથી 31.5 મિલિયન યુનિટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન, કાર્બન ઉત્સર્જનમાં 28,664 ટનનો ઘટાડો કરવામાં આવ્યો છે. ચોથી આંતરરાષ્ટ્રીય રિન્યુએબલ એનર્જી સમિટનું ગુજરાતમાં પ્રથમવાર આયોજન થવાનું છે.રાજ્યની નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો. ગુજરાતના 20 જિલ્લાના 51 ગામો સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવ્યા. રાજ્યમાં પહેલી વખત ગિફટ સિટી ખાતે “ફિલ્મ ફેર એવોર્ડ”નું આયોજન કરવામાં આવ્યું હતું.યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા કચ્છના ધોરડો ગામને “બેસ્ટ ટુરિઝમ વિલેજ” જાહેર કરવામાં આવ્યું હતું. UNESCOના Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સામેલ છે. જ્યારે ગુજરાતના ગરબાને યુનેસ્કો દ્વારા “અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર” તરીકે જાહેર કરવામાં આવ્યા છે.ગુજરાત માનવબલિ અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા નિર્મૂલન વિધેયક પસાર કરવામાં આવ્યું. કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર ‘ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન’-ગ્રિટની રચના કરવામાં આવી છે. ઓપરેશન ગંગા’ હેઠળ યુક્રેનમાં સર્જાયેલી ભયંકર યુદ્ધની પરિસ્થિતિમાંથી 1386 ગુજરાતી વિદ્યાર્થીઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા હતા. ‘ઓપરેશન કાવેરી’ હેઠળ સુદાનમાં ફસાયેલા 569 બિન- નિવાસી ગુજરાતીઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા હતા.

ભારે વરસાદથી સરકારી 250 કરોડની મિલકત પર પાણી ફરી વળ્યું

ગુજરાતમાં ધીરે ધીરે મેઘ મહેર મેઘ કહેરનું સ્વરૂપ લઈ રહ્યું છે. ત્યારે હવે ખેડૂતો વરસાદને ખમૈયા કરવાની પ્રાર્થના કરવામાં આવી છે. એક અંદાજ પ્રમાણે ભારે વરસાદના કારણે માત્ર સરકારી મિલકતોને જ 250 કરોડ રૂપિયાનુ નુકસાન પહોંચ્યું છે. જોકે, અતિવૃષ્ટિથી થયેલાં નુકશાનનો અંદાજ મેળવવા કેન્દ્રની ટીમ ગુજરાત પહોંચી છે. આ ટીમના સર્વે બાદ રાજ્ય સરકાર સહાય પેકેજ જાહેર કરશે, તેમજ રાજ્ય સરકાર પણ નુકસાનીનો સર્વે કરીને સહાયની માંગણી કરશે.

આ વર્ષે ભારથી અતિભારે વરસાદને કારણે ખેડૂતો સહિત રાજ્યના મહાનગરોમાં પણ જળબંબાકાર જેવી સ્થિતી જોવા મળી હતી. આ ઉપરાંત વડોદરામાં શહેરીજનોની ઘરવખરીથી માંડીને મિલકતોને પણ નુકસાન થયું છે. એક બાજુ વરસાદના કારણે રસ્તાથી માંડીને પુલ, સરકારી મકાનો, વીજળીના થાંભલા, ટેલિફોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વૃક્ષો અને ઘાસના ગોડાઉનોને મોટાપાયે નુકસાન થયું છે. સરકારનો અંદાજ છે કે, ભારે વરસાદને લીધે અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 4173 કિમી રસ્તા વરસાદી પાણીમાં ધોવાયા છે જયારે 1543 નાના-મોટા પુલોને નુકશાન થતાં સમારકામની જરૂરિયાત ઉભી થઇ છે. આ ઉપરાંત 59 પ્રાથમિક-સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પાંચ જીલ્લા આરોગ્ય કેન્દ્રોને પણ નુકશાન થયું છે. 11 ઘાસના ગોડાઉન ઉપરાંત 178 ટેલિફોન ઇન્ફાસ્ટ્રકચર અને 29 સરકારી મકાનો વરસાદને કારણે નુકશાનગ્રસ્ત થયા છે. ભારે પવન સાથેના વરસાદે વીજથાંભલાને પણ નુકશાન કર્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ મળીને 23,972 વીજથાંભલા પડી ગયા હતાં. 940 કીમી લાઇટની લાઇન સહિત 1974 ટ્રાન્સફોર્મરને નુકશાન પહોંચ્યુ હતું. નહેરો ઉપરાંત અન્ય નુકશાનને કારણે સરદાર સરોવર નિગમને પણ રૂા.1210 લાખના નુકશાનનો અંદાજ સેવાઇ રહ્યો છે.

પ્રાથમિક સર્વેમાં 587 સરકારી શાળાઓને નુકશાન થયું હોવાનો અંદાજ છે જયારે 260 પોલ્ટ્રીને પણ નુકશાન પહોચ્યું છે. ભારે વરસાદને કારણે પશુઓનો મૃત્યુઆંક વધીને 5172 થયો છે. 127 કૂવા- તળાવ ઉપરાંત નહેરો નુકશાનગ્રસ્ત થઇ છે. આમ, ભારે વરસાદથી માત્ર સરકારી મિલકતોને જ 250 કરોડ રૂપિયાથી વઘુનું નુકશાન પહોંચાડ્યું છે.

શિમલા પછી મંડીમાં મસ્જિદ પર ઘમસાણ

મંડીઃ શિમલામાં પ્રદર્શન પછી હવે મંડીમાં પણ હિન્દુ સંગઠનો પ્રદર્શન માટે રસ્તા પર ઊતરી આવ્યા છે. જોકે મંડીમાં ગેરકાયદે મસ્જિદને સીલ કરવાનો આદેશ ડેપ્યુટી કમિશનરે આપ્યો છે. આ વિસ્તારમાં મસ્જિદને લઈને ઘણો વિવાદ થઈ રહ્યો છે.

વાસ્તવમાં અનેક હિન્દુ સંગઠનો રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ભીડને કાબૂમાં કરવા માટે પોલીસે બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો. વોટર કેનન દ્વારા પણ પાણીનો મારો કરવામાં આવ્યો હતો, પણ વિવાદ વધતાં જિલ્લા કલેક્ટરે મસ્જિદને સીલ કરવાનો નિર્ણય આપ્યો હતો.

રાજ્યના CM સુખવિન્દર સિંહ સુખુએ ઓલ પાર્ટી મીટિંગ પણ કરી છે. તેમણે એ પત્રકાર પરિષદમાં બધા લોકોને શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા અપીલ કરી હતી. શિમલા વિવાદનો પણ કાનૂની હલ શોધી કાઢવામાં આવશે. રાજ્યમાં ક્યાંય પણ ગેરકાયદે બાંધકામ હશે તો એના પર કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કમિટી બનાવવાની વાત પણ કહી હતી. રાજ્યમાં આ વિવાદથી પર્યટનને પણ પ્રતિકૂળ અસર પડી છે, એમ તેમણે કહ્યું હતું.

મંડીનો વિવાદ શું છે?

મંડીના જેલ રોડ પર બનેલી મસ્જિદની એક દીવાલને PWD અને મસ્જિદના લોકોએ પાડી દીધી હતી. મસ્જિદની દીવાલ અને રૂમોનો ગેરકાયદે હિસ્સો પોલીસની હાજરીમાં તોડી પાડવામાં આવી હતી. આરોપ છે કે મસ્જિદની દીવાલ PWDની જમીન પર બનાવવામાં આવી હતી અને એ વિસ્તારના લોકો એનો વિરોધ કરી રહ્યા હતા. આ મસ્જિદનો કેસ મંડી નગર કમિશનરના કોર્ટમાં ચાલી રહ્યો હતો. જોકે નગર નિગમ કોર્ટના ચુકાદા પહેલાં મસ્જિદની દીવાલને તોડવામાં આવી એ મસ્જિદમાં ગેરકાયદે બાંધકામ થયું હતું એનો પુરાવો છે.

 

 

મુંબઈ: આ સોસાયટી કૃત્રિમ તળાવમાં જ કરે છે બાપ્પાનું વિસર્જન

મુંબઈ: બાપ્પાનો તહેવાર આવે ને દરેક લોકોમાં અનેરો ઉત્સાહ જાગે છે. ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવે છે અને બાદમાં ધામધૂમથી વિસર્જન કરવામાં આવે છે. આ અવિરત પ્રક્રિયા ઠેર ઠેર જોવા મળે છે. અંધેરીમાં ભાગ્ય એપાર્ટમેન્ટમાં ગણેશજીના સ્થાપના કરવામાં આવી હતી અને પછી આનંદ-ઉલ્લાસ સાથે તેમનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

સોસાયટીના મિતેશ શાહે ચિત્રલેખા ડૉટ કૉમને જણાવ્યું હતું કે અમે 2017થી સોસાયટીમાં ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ. અમે બાપ્પાને 5 દિવસ માટે સ્થાપિત કરીએ છીએ અને તે પણ ફક્ત eco- friendly જ હોય છે જેનું વિસર્જન અમારી સોસાયટી ની બાજુમાં બનાવેલા કૃત્રિમ તળાવ માંજ કરીએ છીએ.નોંધનીય છે કે ધારાસભ્ય અમીત સાટમ પણ દર વર્ષે અહીં લોકો સાથે જોડાય છે અને બાપ્પાના આર્શીવાદ લે છે.

યાત્રાધામ અંબાજીના તમામ રસ્તા ‘બોલ મારી અંબે જય જય અંબે’ના નાદથી ગુંજ્યા

ભક્તિ અને શક્તિના પ્રતિક સમા યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુરૂવારે બનાસકાંઠા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનના હસ્તે મહામેળાનો શુભારંભ કરાયો હતો. અંબાજી ખાતે દાંતા રોડ ઉપર માતાજીના રથની શાસ્ત્રોક્ત વિધિ સાથે રથને થોડેક સુધી દોરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. મેળાનો શુભારંભ થતાની સાથે જ ‘બોલ મારી અંબે જય જય અંબે’ના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી. મેળાના પ્રથમ દિવસે આશરે 1.95 લાખ જેટલા માઈભક્તો ઉમટયા હતા અને જગત જનની મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ગુજરાતના સુપ્રસિદ્ધ લોકમેળા એટલે ભાદરવી પૂનમનો અંબાજી ધામમાં ભરાતો મેળો લાખોની સંખ્યામાં માઈભક્ત 51 શક્તિપીડમાના શક્તિ સ્વરૂપાના દર્શક કરી ધન્યતાનો અનુભવ કરતા હોય છે. ભાદરવી પૂનમ નિમિત્તે ભરાતા સાત દિવસીય મહામેળામાં લાખોની જનમેદની ઉમટી પડે છે. ભક્તિ, શક્તિ અને ઉપાસનાના સંગમ સમા આ મેળામાં આ વર્ષે આશરે ૩૦ લાખ જેટલા ભક્તો ઉમટવાના અંદાજ છે. વરસતા વરસાદ અને ડુંગરાળ વિસ્તારમાં મા અંબાના નાદ સાથે પદયાત્રા કરી આગળ ધપવાની પરંપરા આ મેળાની ખાસિયત છે. ત્યારે ગુરૂવાર અને ભાદરવા સુદ નોમના દિવસથી આ મહામેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠયા છે. ત્યારે કલેકટરે સિદ્ધહેમ સેવા કેમ્પ ખાતે મુલાકાત કરી સેવા કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ પદયાત્રીઓને ભોજન પીરસી મેળાની શુભકામનાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. રસ્તામાં માઇભક્તોને કષ્ટ ના પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે મેળાના પ્રથમ દિવસે ગુરૂવારે આશરે 1.95 લાખ જેટલા માઈભક્તો અંબાજીમાં ઉમટયા હતા. મંદિર પરિરસમાં દર્શન માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાતાં ભક્તોએ સરળતાથી મા અંબાનાં દર્શન કર્યાં હતાં. ગુરૂવારે સવારે 9 અને 15 મિનિટે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ કરાયો હતો. અનેક પગપાળા સંઘોએ સવારથી જ માતાજીના શિખરે ધજાઓ ચઢાવવામાં આવી હતી. ભક્તોને મોહનથાળનો પ્રસાદ મળી રહે તે માટે પણ આયોજન કરાયું હતું.

મુંબઈ:ગૌરી ગણેશ વિસર્જનની કેટલીક સુંદર તસવીરો માણો

મુંબઈ: મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ વિસ્તારોમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. જોકે, મુંબઈમાં ગણેશોત્સવનું મહત્વ વધારે જોવા મળે છે. હવે આ અવસર તેના અંતિમ દિવસ તરફ વળી રહ્યો છે. ત્યારે ભક્તો દ્વારા ગણેશ વિસર્જન હાથ ધરવામાં આવી રહ્યું છે. ગત રોજ એટલે કે ગુરુવારે મુંબઈમાં ગૌરી ગણેશનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

(તમામ તસવીર: દીપક ધૂરી)

શું અપક્ષો બગાડશે ભાજપ કોંગ્રેસનો ખેલ?: CMપદને લઈને ખેંચતાણ

નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ભાજપમાં બધું સમુંસૂતરું નથી લાગી રહ્યું. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં CMપદને લઈને ભાજપમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવ ઇન્દ્રજિત સિંહની નજર CMપદની ખુરશી પર છે. ભાજપમાં ટિકિટ વહેંચણીની સાથે પક્ષમાં આંતરિક કલહના અહેવાલ છે.

ગુરુગ્રામથી ભાજપના રાવ ઇન્દ્રજિત સિંહે તેમના આઠ સમર્થકોને ટિકિટ અપાવી છે. તેમણે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમના પાલામાં ગુરુગ્રામ, પટૌડી, સોહના, રેવાડી, કોસલી, બાવલ, અટેલી અને નારનૌલની સીટો આવી છે. તેમણે કહ્યું હતું કે પાર્ટીએ સર્વેને આધારે ઉમેદવારોને ટિકિટ આપી છે.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સાવિત્રી જિંદાલે હિસ્સાર સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કર્યું છે. સાવિત્રી જિંદાલ ભાજપના સાંસદ નવીન જિંદાલનાં માતા છે.  તેમના આ પગલાથી ભાજપના ઉમેદવાર ડો. કમલ ગુપ્તાની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. ગુપ્તા પહેલેથી પાર્ટીની અંદર બળવાનો સામનો કરી રહ્યા છે. ભાજપના ટિકિટ પર હિસ્સાર નગર નિગમના મેયર બનેલા ગૌતમ સરદાના અને ભાજપના ભૂતપૂર્વ જિલ્લા અધ્યક્ષ તરુણ જૈને અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કર્યું છે.બીજી બાજુ, રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં બળવાખોર નેતાઓ રાજકીય પક્ષોની મુશ્કેલી વધારી દીધી છે. સૌથી વધુ મુશ્કેલી કોંગ્રેસ અને ભાજપને કરવો પડી રહ્યો છે. કોંગ્રેસને આશા છે કે ભાજપને સત્તાથી બહાર કરવામાં પક્ષ સફળ થશે, પરંતુ ટિકિટ વહેંચણી પછી કોંગ્રેસના નેતા અને કાર્યકર્તા એ-એક કરીને પાર્ટી છોડી રહ્યા છે.

 

દીપિકા પાદુકોણને મળવા પહોંચ્યા શાહરુખ ખાન

મુંબઈ: શાહરૂખ ખાન ગુરુવારે મોડી રાત્રે મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તે દીપિકા પાદુકોણને મળવા ગયા હતા. દીપિકા પાદુકોણે 8 સપ્ટેમ્બરે એક બાળકીને જન્મ આપ્યો છે. ત્યારથી તે અહીં દાખલ છે. શાહરૂખ ખાન પણ ગુરુવારે મોડી રાત્રે હોસ્પિટલ પહોંચ્યા હતા અને બાળકીના ખબર અંતક પૂછવા માટે દીપિકાને મળ્યા હતા. શાહરૂખ ખાન પહેલા પણ દીપિકા પાદુકોણને મળવા ઘણા સ્ટાર્સ અહીં પહોંચ્યા હતા.

શાહરૂખ ખાન પોતાની રોલ્સ રોયસ કારમાં હોસ્પિટલ પહોંચ્યા હતા. કારને જોતા જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. લોકોએ તેને ઓળખી લીધા અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી.

દીપિકા પાદુકોણ 8 સપ્ટેમ્બરે માતા બની
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડના પાવર કપલ્સમાંના એક છે. બંને તાજેતરમાં માતા-પિતા બન્યા છે. દીપિકાએ 8 સપ્ટેમ્બરે એક બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારથી તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દીપિકા અને રણવીર સિંહના લગ્ન 14 નવેમ્બર 2018ના રોજ થયા હતા. આ પછી થોડા મહિના પહેલા પ્રેગ્નન્સીની જાહેરાત કરવામાં આવી હતી. હવે દીપિકા અને રણવીર સિંહ પણ પેરેન્ટ્સ બની ગયા છે. નોંધનીય છે કે આ પહેલા મુકેશ અંબાણી પણ દીપિકા પાદુકોણે મળવા પહોંચ્યા હતાં.

દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં જોવા મળશે
દીપિકા પાદુકોણ માતા બન્યા બાદ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં જોવા મળવાની છે. દીપિકા પાદુકોણની ફિલ્મ 1 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. નિર્દેશક રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં રણવીર સિંહ પણ જોવા મળશે. ફિલ્મનું નામ ‘સિંઘમ અગેન’ છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ જોરદાર એક્શન કરતી જોવા મળશે. ફિલ્મના પોસ્ટરમાં દીપિકા પાદુકોણની એક્શન પણ બતાવવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે રોહિત શેટ્ટીની આ ફિલ્મ લોકોને કેટલી પસંદ આવે છે. ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.