ગાંધીનગર: હવામાન વિભાગ દ્રારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 25 અને 26મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. આ બે દિવસ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 20મી સપ્ટેમ્બરનાં રોજ સૌરાષ્ટ્રનાં કેટલાંક જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતનાં કેટલાંક જિલ્લાઓમાં છૂટાં છવાયાં સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
21મી સપ્ટેેમ્બરનાં રોજ હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં કેટલાંક સ્થળે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
22 અને 23મી સપ્ટેમ્બરનાં રોજ અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
24મી સપ્ટેમ્બરનાં રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ફરી ક્યાં કરી યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી?
નવરાત્રી પર રોમિયોગીરી કરનાર માટે એન્ટી રોમિયો સ્ક્વોડની થશે રચના
રાજ્યમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. એક એક પરંપરા અને આસ્થાના તહેવારોની અલગ અલગ રીતે ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં સૌથી મોટો ગણાતો નવરાત્રીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. લોકોએ નવરાત્રીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે સામાન્ય નાગરિકની સાથે અમદાવાદ પોલીસે પણ અત્યારથી જ નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ શહેર પોલીસે મહિલા સુરક્ષા માટે ફૂલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે.

નવરાત્રીમાં મહિલાઓ સાથે છેડતી ન થાય અને ગરબા રમવા જતી વખતે તેમને કોઈ ભય ન રહે તે માટે અમદાવાદ પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં પાર્ટીપ્લોટ અને ગરબા ગ્રાઉન્ડના પાર્કિંગ અને આજુબાજુના ડાર્ક સ્પોટ પર ફરજિયાતપણે લાઈટો લગાવવાથી લઈને દુકાનો અને રેસ્ટોરન્ટ પર CCTV લગાવવાની સૂચના આપી દીધી છે. નવરાત્રી દરમિયાન શી ટીમ (SHE TEAM) ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી અને મહિલાઓની છેડતી કરનાર અસમાજિક તત્વો પર ચાંપતી નજર રાખશે. અમદાવાદ પોલીસ શહેરના તમામ પાર્ટી પ્લોટ, શેરી ગરબા તેમજ અન્ય જગ્યા જ્યાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, તેનું લિસ્ટ બનાવીને તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા અને લાઈટો માટે ફરજ પાડી રહી છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસની મદદથી ગરબા દરમિયાન ખાસ બંદોબસ્તનું આયોજન કરશે. આ દરમિયાન જે પણ રોમિયોગીરી કરતું ઝડપાયું તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રોમિયોગીરી કરનારા માટે પોલીસ એન્ટી રોમિયો સ્ક્વોડની પણ રચના કરશે, જે પોલીસ વાન અને પોલીસ ડ્રેસ સિવાય ટ્રેડિશનલ વેશભૂષામાં કોઈપણ વાહનમાં આવીને ગરબા સ્થળ પર ચાંપતી નજર રાખશે અને રોમિયોગીરી કરનારને દબોચીને યોગ્ય પગલાં લેશે.
બંગલાદેશ 149માં ઓલઆઉટઃ બુમરાહે રચ્યો ઇતિહાસ
ચેન્નઈઃ ભારત અને બંગલાદેશની વચ્ચે ચેન્નઈ (ચેપોક)ના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ મેચનો બીજો દિવસ છે. ભારતે બીજા દિવસની રમતના અંતે બીજી ઇનિંગ્સમાં ત્રણ વિકેટ ગુમાવીને 81 રન બનાવ્યા હતા. ભારતે આ સાથે બંગલાદેશની સામે 306 રનની લીડ મેળવી છે.
આ પહેલાં મેચના પહેલા દિવસે ભારત 376 રને ઓલઆઉટ થયું હતું. જે પછી બંગલાદેશ માત્ર 149 રન જ બનાવી શક્યું હતું. બંગલાદેશનો કોઈ બેટર પિચ પર ટકી શક્યો નહોતો અને સમયાંતરે વિકેટો પડી હતી. ભારત વતી બુમરાહે ચાર વિકેટ, સિરાજ, આકાશ દીપ અને જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી, જ્યારે અશ્વિને એક પણ વિકેટ મળી નહોતી.

𝟒𝟎𝟎 𝐰𝐢𝐜𝐤𝐞𝐭𝐬 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚 💥💥
A milestone to savour! @Jaspritbumrah93 has picked up his 400th wicket for #TeamIndia.
Hasan Mahmud is caught in the slips and Bangladesh are now 112-8.#INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/HwzUaAMOBt
— BCCI (@BCCI) September 20, 2024
ભારત તરફથી અનિલ કુંબલેએ સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 499 ઇનિંગ્સમાં 953 વિકેટ લીધી છે. જ્યારે આર અશ્વિને 369 ઇનિંગ્સમાં 744 વિકેટ લીધી છે. જ્યારે હરભજન સિંહ સૌથી વધુ વિકેટ લેનારા ભારતીયોમાં ત્રીજા સ્થાને છે. તેણે 707 બેટ્સમેનોને ટાર્ગેટ કર્યા છે. ચોથા નંબર પર કપિલ દેવ છે જેણે 448 ઇનિંગ્સમાં 687 વિકેટ લીધી છે. જ્યારે ઝહીર ખાને 373 ઇનિંગ્સમાં 597 વિકેટ લીધી છે.
ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ બન્યા
સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આજે 20 સપ્ટેમ્બરને શુક્રવારે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. ત્યારે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલનું ઢોલ-નગારાંના તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. આ સંમેલનમાં “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”ની જાહેરાત થઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલનું વિજયમુહૂર્ત 12.39 વાગ્યે તિલક કરી તાજપોશી કરવામાં આવી હતી. સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચના પ્રમુખ તરીકે મહારાજા વિજયરાજસિંહ ગોહિલની જાહેરાત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના મહાનુભાવોની હાજરી જોવા મળી હતી. ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિનીબા વાળાએ સ્ટેજ ઉપર સ્થાન ન મળતા હોબાળો કર્યો હતો. પદ્મિનીબાએ કહ્યું, કેમ અમારું સન્માન જાળવવામાં આવતું નથી. સ્ટેજ ઉપર જ્યારે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ફોટો સેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક જ પદ્મિનીબા વાળા દ્વારા હોબાળો કરી આંદોલન વખતે પણ અન્યાય કરવામાં આવ્યો હોવાની વાત કહી અને વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. પુરુષોતમ રૂપાલાના બફાટ બાદ રાજપૂત સંમેલન દરમિયાન પણ પદ્મિનીબા વાળા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ક્ષત્રિયોના સંમેલનમાં પદ્મિનીબા વાળા દ્વારા બીજી વખત વિરોધ કરવામાં આવ્યો છે. તો બીજી બાજું ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે મોટી જવાબદારી આપી છે. મારી સરખામણી કૃષ્ણકુમારસિંહજી સાથે કરવી યોગ્ય નથી. આ મંચ પોલિટિકલ કે વાદવિવાદ માટે નથી. સમસ્ત ગુજરાતના ક્ષત્રિય એક થાય તેના માટે આ મંચ છે. સમાજના દીકરા દીકરીઓને સારું શિક્ષણ. વેપાર અને વ્યવસાયમાં આગળ વધે તેવા પ્રયત્નો કરવાના છે. આગળ જતા બીજા કૃષ્ણકુમારસિંહજી અને બીજા ભગવતસિંહજી પણ પેદા થઈ શકે. સૌને અભિનંદન આપું છું.

ઉલ્લેખનીય છે કે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. આજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે, ભાજપના એકપણ નેતા આ કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના નેતાઓ હાજર રહ્યા નહોતા. કોંગ્રેસના આગેવાન એવા શક્તિસિંહ ગોહિલ તેમજ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ પણ હાજર રહ્યા નહોતા. રાજપૂત સંકલન સમિતિના નેતાઓ રમજુભા જાડેજા, પી.ટી. જાડેજા, કરણસિંહ ચાવડા સહિતના સંકલન સમિતિના સભ્યો કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. માત્ર તૃપ્તિબા રાઓલ, સુખદેવસિંહ વાઘેલા અને અશ્વિનસિંહ સરવૈયા જ હાજર રહ્યા હતા. રાજકોટના કોંગ્રેસના નેતા, કરણીસેનાનાં મહિલા આગેવાન તેમજ રવીન્દ્રસિંહ જાડેજાનાં બહેન નયનાબા જાડેજા, IPS મયંકસિંહ ચાવડા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
અમિતાભ બચ્ચન અને શાહરૂખ બાદ રણવીરની ડોન બનવાની તૈયારી
મુંબઈ: અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાને પોતપોતાના સમયમાં ‘ડોન’ બનીને ઘણી વાહવાહી જીતી હતી. અમિતાભ બચ્ચને એકવાર 70ના દાયકામાં ડોનનું પાત્ર ભજવીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. તો બીજી બાજુ શાહરૂખ ખાને ડોન ફિલ્મ દ્વારા નિર્માતાઓને બે વખત ભારે કમાણી કરાવી હતી. હવે ફરી એક નવો ડોન સ્ક્રીન પર આવવા માટે તૈયાર છે. આ ડોનનું નામ રણવીર સિંહ છે. ડોન ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મ ‘ડોન-3’માં રણવીર સિંહ અને કિયારા અડવાણીને કાસ્ટ કરવામાં આવ્યા છે. રણવીર સિંહે પણ ડોન-3ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફિલ્મના શૂટિંગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીમાં જ શરૂ થશે.

‘ડોન-3’ આ તારીખે રિલીઝ થશે
જણાવવામાં આવી રહ્યું છે કે ફરહાન અખ્તર દ્વારા નિર્મિત આ ફિલ્મની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2025માં શરૂ થશે. તેમજ ફિલ્મ મે-જૂન 2025માં રિલીઝ થઈ શકે છે. રણવીર સિંહે પણ આ પાત્ર માટે તૈયારી શરૂ કરી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે રણવીર સિંહ આ પાત્રમાં કેટલો પાવર બતાવે છે. અગાઉ રણવીર સિંહે ગુંડે નામની ફિલ્મમાં ગુંડાની ભૂમિકા ભજવી હતી અને આ ફિલ્મ ખાસ ચાલી ન હતી.
અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનનો જાદુ
રણવીર સિંહ પહેલા અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન બંનેએ ડોન નામની સુપરહિટ ફિલ્મો આપી છે. શાહરૂખ ખાને આ ફિલ્મના 2 ભાગમાં કામ કર્યું અને ઘણી કમાણી કરી. 1978માં રિલીઝ થયેલી ફિલ્મ ડોનમાં અમિતાભ બચ્ચનને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. લગભગ 70 લાખ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ 7 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરવામાં સફળ રહી હતી. આટલું જ નહીં, આ ફિલ્મ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ત્રીજા સ્થાને હતી.
આ પછી 20 ઓક્ટોબર 2006ના રોજ શાહરૂખ ખાને ડોન તરીકે પ્રવેશ કર્યો અને તે હિટ રહ્યો. 38 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ 106 કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી. આ ફિલ્મ ફરહાન અખ્તરે ડિરેક્ટ કરી હતી. આ પછી, તેનો બીજો ભાગ ‘ડોન-2’ 2011 માં રિલીઝ થયો અને બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવ્યું. આ ફિલ્મ વિશ્વભરમાં 202 કરોડની કમાણી સાથે સુપરહિટ પણ રહી હતી. હવે ડોન-3ની જવાબદારી રણવીર સિંહ પર રહેશે.
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયો
ગાંધીનગર: સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન(એસ.ટી.)ના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરી છે. હાલ ચૂકવાતાં ભથ્થાંના એરિયર્સ પણ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓને વર્તમાન સમયમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થામાં ❹% નો વધારો કરી હવેથી ❹❻% મુજબ મોંઘવારી ભથ્થા સહિત હાલ ચૂકવાતા ભથ્થાના એરિયર્સ પણ ચૂકવવાનો સંવેદનશીલ નિર્ણય સ્વાગત યોગ્ય છે.…
— Harsh Sanghavi (@sanghaviharsh) September 20, 2024
રાજ્યના વાહન વ્યવહાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓને વર્તમાન સમયમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. હવેથી 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થાં સહિત હાલ ચૂકવાતા ભથ્થાંના એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી કુલ 125 કરોડ રૂપિયાથી વધુનો લાભ નિગમના કર્મચારીઓને મળશે.’
અમદાવાદ-મુંબઈ વચ્ચે ટોલ ટેક્સનો વધારો મોકૂફ
અમદાવાદ-મુંબઈ હાઈવે, એવું માનવામાં આવે છે કે આ હાઈવે સૌથી વધું વ્યસ્થ હાઈવે માંથી એક છે. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો આ હાઈવે છે. આ હાઈવે વડોદરા સુરત વલસાડ જેવા જિલ્લાને પણ જોડે છે. ત્યારે વલાસાડ જિલ્લામાં આ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ ખખડધજ રસ્તાના કારણે ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ટ્રાન્સપોર્ટરોના ઉગ્ર વિરોધ બાદ આ વધારાના નિર્ણયને ટોલ ટેક્સ એજન્સી દ્વારા મોકૂફ રખાયો છે.

વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેના ટોલ ટેક્સમાં એજન્સી દ્વારા ભારે વાહનોમાટે ટોલ ટેક્સમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ચોમાસામાં આ હાઇવે ખાડા હાઇવે બની ગયો છે. આ હાઈવે સમારકામ કર્યા વિના ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવતા ટ્રાન્સપર્ટરો વિરોધ કર્યો હતો. વાપીના ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ટોલ ટેક્સ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી. ત્યાર બાદ ટોલ ટેક્સ એજન્સી દ્વારા આ નિર્ણયને મોકૂફ રખાયો છે. નોંધનીય છે કે, ગુજરાતમાં પ્રવેશ દ્વાર એવા વલસાડ જિલ્લાના પ્રથમ બગવાડા ટોલ ટેક્સ પર રોજ લાખો રૂપિયાનો ટોલ ટેક્સ વાહનો પાસેથી વસુલવામાં આવે છે. મુંબઈથી સુરત વચ્ચે આવતા વિરાર, ચારોટી, બગવાડા અને બોરિયાચ ટોલનાકા પર ટોલ ટેક્સમાં વધારો કરવાના નિર્ણયનો વાપી ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા વિરોધ કરાયો હતો. જ્યારે એસોસિયેશનના પ્રમુખ ભરત ઠાકરે જણાવ્યું કે, ‘સરકાર દ્વારા ચાર ટોલનાકા પર કેટેગરી મુજબ 40થી 90 ટકા ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. જેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. બિસ્માર રસ્તાને કારણે વાહનોને ભારે નુકસાન થવાની સાથે અનેક મુશ્કેલી ઊભી થઈ છે. ટેક્સ વસુલવા છતાં સુવિધાના નામે મીંડુ રહ્યું છે. ટોલનાકાની વર્ષ 2022માં 15 વર્ષની મુદત પૂર્ણ થયા બાદ સરકારે માત્ર નિભાવખર્ચ માટે માત્ર 40 ટકા ટેક્સ વસુલ કરવાનો બાંહેધરી આપવા છતાં ઘટાડો કરવાને બદલે વધારો કર્યો તે યોગ્ય નથી.’
…તો આજે કાશ્મીર પાકિસ્તાનનો ભાગ હોતઃ મહેબૂબા મુફ્તી
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ CM અને PDPનાં પ્રમુખ મહેબૂબા મુફ્તીએ હાલમાં કહ્યું હતું કે જો અબદુલ્લા ખાનદાને પાકિસ્તાનનો એજન્ડા ફોલો કર્યો હોત તો આજે કાશ્મીર પાકિસ્તાનનો ભાગ હોત. તેમના આ નિવેદનથી વિવાદ વધે એવી શક્યતા છે.
શ્રીનગરના જૂના શહેરના નવાકદલમાં એક સભામાં PDPનાં પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે PM મોદી અને ભારતે કાશ્મીરના અબદુલ્લા પરિવારનો આભાર માનવો જોઈએ. જો શેખ અબદુલ્લા મુસ્લિમ બહુમતી હોવા છતાં ભારતની સાથે એક્સેશન ના કરતા તો આજે અમે આઝાદ હોત અથવા પછી સરહદને પાર પાકિસ્તાનની સાથે હોત.
તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યારે કાશ્મીરમાં આતંકવાદ ચરમસીમાએ હતો, ત્યારે ઉમર અબદુલ્લાએ કાશ્મીર વિશે ભારતનો પક્ષ વિશ્વભરમાં ફેલાવ્યો હતો. મુફ્તી પરિવારે હુર્રિયતની સાથે વાતચીત શરૂ કરાવી અને યુવાઓને હિંસાથી દૂર રાખ્યા.
જમ્મુ-કાશ્મીરમાં આશરે 10 વર્ષ પછી વિધાનસભા ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરથી 370 હટ્યા પછી અને લદ્દાખના અલગ થયા પછી આ પહેલી વિધાનસભા ચૂંટણી છે. બધા રાજકીય પક્ષો ચૂંટણીમાં એકબીજા પર નિશાન સાધી રહ્યા છે.
મહેબૂબા આ વર્ષે થયેલી લોકસભા ચૂંટણીમાં અનંતનાગથી મેદાનમાં હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. 27 ઓગસ્ટ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાત જિલ્લાની 24 વિધાનસભા બેઠક પર 279 ઉમેદવારે તેમના ઉમેદવારીપત્રો ભર્યા છે.




આ ઈલેક્શનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી ઢંઢેરામાં વન નેશન વન ઇલેક્શનનું વચન આપ્યું હતું. જે બાદ ડિસેમ્બર 2015માં લો કમિશને વન નેશન, વન ઇલેક્શન પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં દેશમાં એક જ ચૂંટણીના આયોજનથી ખર્ચમાં બચત, વારંવાર ચૂંટણી આચાર સંહિતા ન લાગવાના કારણથી ડેવલપમેન્ટ કામ પર પણ અસર નહીં પડવા જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે આ અગાઉ આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે જ થતી હતી. પરંતુ 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓ સમયથી પહેલાં જ ભંગ કરી દેવામાં આવી હતી. જે બાદ 1970માં લોકસભાને ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે વન નેશન, વન ઇલેક્શનની પરંપરા તૂટી ગઈ.
વન નેશન વન ઇલેક્શન વાત નવી નથી. શરૂઆતમાં આપણી ચૂંટણી એક સાથે જ થતી હતી. પછી કેટલાક રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન આવ્યું, પક્ષ પલટા થયા અને સરકાર બદલાઈ. જેના કારણે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે કરવું શક્ય ન બન્યું. બાદમાં અલગ-અલગ ચૂંટણીઓ દેશની પરંપરા બની અને વન નેશન વન ઇલેક્શન ભૂલાય જ ગયું. મુખ્ય વાત એ છે, ચૂંટણી પ્રક્રિયામાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. ચૂંટણી પંચ, સરકારી તંત્ર સહિત કોઈ પણ પાર્ટી કે ઉમેદવારના પણ કરોડોનો ખર્ચ થાય છે. પહેલાં વિધાનસભા પછી લોકસભા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ હવે તો સારો એવો ખર્ચ કરવામાં આવે છે. આ રીતે ખર્ચનું ભારણ વધે છે. આ નિર્ણય સાથે પક્ષ પલટાને રોકતો નિર્ણય પણ કરવો જોઈએ. જેથી ખર્ચ પણ બચે અને એક સાથે ચૂંટણી થાય. વાત રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના મુદ્દાની થાય તો, જ્યારે બંને ચૂંટણી સાથે યોજાય ત્યારે બંને મુદ્દા વિષે ચર્ચા તો થાય જ છે. રાષ્ટ્ર કક્ષાએ જતા ઉમેદવારે પ્રાદેશિક મુદ્દા તો ધ્યાને લેવા જ પડે છે.
લોકસભાની બે ચૂંટણી વચ્ચે મોટા ભાગનાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવે છે. જેના પગલે કેન્દ્ર સરકારે રાજ્યની પ્રજા પર વધુ ઉત્તરદાયી બનવું પડે છે. વિધાનસભાની ચૂંટણીની આગળ કે પાછળ લોકસભાની પાંચ વર્ષે થતી ચૂંટણી આવે છે, માટે જ કેન્દ્ર સરકાર નાગરિકોની ચિંતા કરે છે, નહિ તો પાંચ વર્ષે જ કરે, વચ્ચે ના કરે.. લોકસભાની ચૂંટણીમાં દેશના અને વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના મુદ્દાઓ ધ્યાને લેવાય છે. જો બંને ચૂંટણી એક સાથે લેવાશે તો, એ બંને કક્ષાના મુદ્દાની ભેળસેળ થઈ જાય છે. નાગરિકો અલગ-અલગ મુદ્દે વિચારે અને જુદી-જુદી ચૂંટણીમાં મતદાન કરે તો એમાં ખોટું શું છે? વળી, જે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને વાર હોય છે તેમની સરકાર પણ લોકસભાની ચૂંટણી વેળાએ લોકોના કલ્યાણ માટે વધુ પગલાં લે છે. આમ, રાજ્ય સરકાર પણ લોકસભાની ચૂંટણી હોવા છતાં લોકો પ્રત્યે વધુ જવાબદાર બને છે. લોકશાહીમાં ચૂંટણી એ લોકો પ્રત્યે સરકારને જવાબદાર બનાવવા માટેનું સૌથી અગત્યનું સાધન છે. અને તેથી જ કદાચ બંધારણમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થાય એવી કોઈ જોગવાઈ કરવામાં આવી જ નહોતી.
મારી દ્રષ્ટિએ દેશમાં ભૌતિક સુવિધાનો અભાવ છે. જ્યારે પણ ચૂંટણી થાય છે, એ ત્રણ કે પાંચ તબક્કામાં થાય છે. આપણી પાસે EVM, સૈન્ય બળ સહિત ચૂંટણી અધિકારીની પણ અછત જોવા મળે છે. જ્યારે વિધાનસભા અને લોકસભા બંન્ને ચૂંટણી સાથે હોય ત્યારે તો આ અછત ખુબ જ મોટી બની જશે. બીજું કે રાજ્ય અને રાષ્ટ્રના મુદ્દા અલગ હોય છે. ત્યારે અમુક હાઈલાઈટના માધ્યમથી આપણે દેશ કે રાજ્યના નેતા કેવી રીતે નક્કી કરી શકીએ? મારા મત પ્રમાણે આ નિર્ણય અસ્વીકાર્ય એટલે છે કે કેમ કે ઘણી જગ્યા પર વિસંગતા જોવા મળે છે.
વન નેશન વન ઇલેક્શનનો નિર્ણય આમ તો આવકારદાયક છે. આ નિર્ણયના પોઝિટિવ અને નેગેટિવ બંને પાસા છે. પરંતુ નિર્ણયની પોઝિટિવ સાઈડ અસર વધારે છે. આવા મોટા નિર્ણયનો અમલ કરવામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ભારત વિવિધતાપૂર્ણ દેશ છે, પણ શું દેશ પાસે એક ચૂંટણી માટેના પૂરતા રિસોર્સ છે? ભારત સિવાય કેટલાંક દેશોમાં એક ચૂંટણીનો કોનસેપ્ટ છે. ચૂંટણીના સમયે મોટી સંખ્યામાં સૈન્ય બળ અને EVMની જરૂર હોય છે. સામાન્ય રીતે રાજ્યની ચૂંટણીમાં પણ સૈન્ય બળ સહિત EVMને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં આવતા હોય છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આપણે વન નેશન વન ઇલેક્શન માટે સક્ષમ છીએ? બીજી બાજુ કેટલીક રાજકીય પાર્ટીને પણ નુકસાન થઈ શકે. એક સાથે ચૂંટણી આવવાથી તમામ રાજકીય પાર્ટીને બમણી મહેતન કરવી પડશે. આ બધી વાત વચ્ચે એક વાત સારી થશે કે દેશની જનતા રાજકીય પાર્ટીઓની ક્ષમતા જાણી શકશે.
વન નેશન વન ઇલેક્શન નિર્ણય મારા મત મુજબ આવકારદાયક છે. આ નિર્ણયથી આપણી ઈકોનોમીને વારંવાર થતું નુકસાન અટકી જશે. ચૂંટણી સમયે થતા ખર્ચ અને આચારસંહિતાથી લોકોને છૂટકારો મળી જશે. આચારસંહિતાથી કેટલાક વિકાસ કાર્ય પર બ્રેક લાગી જતી હોય છે. એ વિકાસ કાર્ય અટક્યા વગર થશે. આમ તો સિક્કાની બે બાજુ હોય છે. પરંતુ આ નિર્ણયથી મોટું નુકસાન મને નથી દેખાઈ રહ્યું. હા, એક વાત છે કે વિધાનસભા ચૂંટણી બાદ બરાબર કામ ન કર્યું લોકસભામાં જનતા કોઈ પણ પાર્ટીને માત આપી શકશે નહીં. જ્યારે એક દેશ એક ચૂંટણીનો નિર્ણય થશે ત્યારે થોડી મુશ્કેલી પડશે સ્થળ, સૈન્ય બળ અને EVM બાબતે, પણ એક વખત ખર્ચ થયા બાદ આગામી ચૂંટણી માટે સાધનો ફરી ઉપયોગ પણ લઈ શકાશે.