Home Blog Page 1413

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયા દશમીના પાવન પ્રસંગે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. આ તકે આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવાં આકર્ષણો ઉમેરવામાં આવ્યાં હતાં. મુખ્યમંત્રીએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત દરમિયાન આશાવલી સ્ટોલ્સ માંથી સાડી અને અકીકની ટ્રે ડિજિટલ પેમેન્ટ થકી ખરીદી કરી હતી તેમજ ટેબલ ટેનિસની રમત પણ રમ્યા હતા. તેમણે આ પ્રસંગે આ શોપિંગ ફેસ્ટિવલને લગતી ફિલ્મનું લોન્ચિંગ પણ કર્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સહયોગથી આયોજિત આ શોપિંગ ફેસ્ટિવલની તારીખ 12 ઓકટોબર- 2024 થી તા.14 જાન્યુઆરી-2025 સુધી શહેરીજનો મુલાકાત લઈ શકશે. દેશની ધરતી પર જે પ્રકારે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે, એવા જ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2019 માં અમદાવાદ ખાતે કરાવ્યો હતો. હવે એ જ તર્જ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2014-25નું આયોજન કરવામાં આવ્યું છે.

આ ફેસ્ટિવલમાં 4 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ – સિંધુ ભવન રોડ, સીજી રોડ રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ, અને કાંકરિયા રામબાગ રોડ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લૉ ગાર્ડન, ગુર્જરી બજાર, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહલાદ નગર રોડ અને શોપિંગ મોલ્સ (દા.ત. અમદાવાદ વન મોલ પેલેડિયમ મોલ, ઇસ્કોન મેગા સીજી સ્ક્વેર, પેવેલિયન મોલ) સહિત 14 નિયત હોટસ્પોટ્સ ખાતે આયોજિત કરાયું છે.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના શુભારંભ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઇ મકવાણા, સ્થાનિક ધારાસભ્યો, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, અગ્ર સચિવ રાજીવ ટોપનો, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન સહિત મ્યુનિસિપાલિટીના ઉચ્ચ અધિકારીઓ- પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં અમદાવાદીઓ ઉપસ્થિત રહ્યા હતા.

‘બ્રેસ્ટ કેન્સર’ ડરવાની નહીં સમયસર પારખવાની જરૂર

તાજેતરમાં જ ટેલીવિઝનની જાણીતી અભિનેત્રી હિના ખાનને બ્રેસ્ટ કેન્સર થયું હોવાની માહિતી સામે આવી ત્યારે એના ચાહકોને મોટો આંચકો લાગ્યો હતો. માત્ર 36 વર્ષની ઉંમરે હિના સ્ટેજ થ્રીના કેન્સરથી ડાઈગ્નોસ થઈ. જો કે હવે એની તબીયત સારી છે અને એ સકારાત્મક વલણ સાથે આગળ વધી રહી છે. ત્યારે સવાલ એ થાય કે બ્રેસ્ટ કેન્સર સ્ટેજ થ્રી સુધી પહોંચ્યું ત્યાં સુધી એની જાણ કેમ ન થઈ? ગુજરાતમાં પણ બ્રેસ્ટ કેન્સરના કેસો વધી રહ્યા છે. અન્ય કેન્સરના પ્રમાણમાં બ્રેસ્ટ કેન્સરના કેસોમાં મૃત્યુદર પણ વધારે છે. એ વાત સમજવી જરૂરી છે કે દર્દીઓ બ્રેસ્ટ કેન્સરના ઈલાજમાં શું થાપ ખાય છે? બ્રેસ્ટ કેન્સરનાં લક્ષણો પારખવામાં શું ભૂલ થાય છે?

ગુજરાતનો સમાવેશ બ્રેસ્ટ કેન્સર કેસોની સંખ્યામાં ટોપ-10 રાજ્યોમાં થાય છે. બ્રેસ્ટ કેન્સરના દર્દીઓમાં મૃત્યુદર પણ 33%  જેટલો છે. 2013માં ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરનાં 11,506 કેસ સામે આવ્યા હતા. એમાંથી 4,280નાં મૃત્યુ થયાં, જે કુલ દર્દીઓના 33% થી પણ વધુ છે. જો સાદી ભાષામાં કહીએ તો ગુજરાતમાં રોજ 11 લોકો બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થાય છે.

આ લક્ષણોને અવગણશો નહીં

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદ એપોલો કેન્સર સેન્ટરના કન્સલ્ટન્ટ બ્રેસ્ટ એન્ડ ઓન્કોપ્લાસ્ટિક સર્જન ડૉ.શુભા સિંહા કહે છે કે બ્રેસ્ટ કેન્સરના મુખ્ય લક્ષણો જાણવા જરૂરી છે. બ્રેસ્ટમાં ગાંઠ થવી, બ્રેસ્ટનું સ્ટ્રક્ચર બદલાઈ જવું, નિપ્પલ પર ચાંદાં પડે, નિપ્પલમાંથી બ્લિડિંગ થવું, બ્રેસ્ટ પર સોજો આવવો આ બધાં લક્ષણો હોય તો મહિલાઓએ ચેતવું જોઈએ, આ લક્ષણો છે કે નહીં એનું નિરીક્ષણ મહિલાઓએ સમયાંતરે પોતાની રીતે કરતા રહેવું જોઈએ. બ્રેસ્ટ કેન્સર થવા પાછળના કારણોની વાત કરીએ તો કેટલાક કિસ્સાઓમાં મહિલાઓમાં મોનોપોઝ લેટ થવું, ઓબેસિટી હોય, હોર્મોનલ ટ્રીટમેન્ટ વધારે લીધી હોય, આલ્કોહોલનું પ્રમાણ લેતા હોય, વજન વધારે હોય એ કારણો પણ બ્રેસ્ટ કેન્સર માટે જવાબદાર છે.

આ ઉંમર પછી મહિલાઓએ મેમોગ્રાફી કરાવવી જોઈએ

45 વર્ષ પછી મહિલાઓએ સમયાંતરે મેમોગ્રાફી કરાવી જોઈએ. જો મેમોગ્રાફીનો રિપોર્ટ નોર્મલ આવે તો ત્રણ વર્ષ પછી ફરીથી મેમોગ્રાફી ફરી કરાવવી જોઈએ. જયારે કોઈ ગાંઠ ફિલ થાય ત્યારે એ કેન્સર મોટેભાગે ત્રીજા સ્ટેજ સુધી પહોંચી ગયું હોય છે. પરંતુ મેમોગ્રાફી દ્વારા જો ગાંઠ માત્ર 1 કે 1.5 સેન્ટિમીટરની હોય તો પણ પકડી શકાય છે. માટે બ્રેસ્ટ કેન્સરની જાણ વહેલી થાય છે. જેના કારણે કિમો થેરાપીથી પણ બચી શકાય છે, સાથે જ ઓછા ખર્ચમાં સારવાર થઈ જાય છે.

કેન્સર માટે જવાબદાર પરિબળ કયા ?

જો પરિવારમાં કોઈને બ્રેસ્ટ કેન્સર હોય તો એ વ્યક્તિને નાની ઉંમરમાં કેન્સર થઈ શકે છે. આ સિવાય લાઈફ સ્ટાઈલ પણ નાની ઉંમરે કેન્સર થવા પાછળ જવાબદાર છે. યોગ્ય ઉંમરે લગ્ન ન થવા, મોટી ઉંમરે લગ્ન કરવા, યોગ્ય ઉંમરે બાળકને ફીડિંગ ન કરાવવું, વધારે પડતું જંકફૂડ અને સ્ટ્રેસ લેવો પણ નાની ઉંમરે કેન્સર માટે કારણભૂત બની શકે છે. જે મહિલાઓ બાળકને સારી રીતે ફીડિંગ કરાવે છે એ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ નહિવત જોવા મળે છે.

કેટલાક કેસોમાં જિનેટિકકારણો પણ જવાબદાર

નડિયાદના જાણીતા મહિલા તજજ્ઞ નફિસા ગુગરમાન ચિત્રલેખા.કોમને કહે છે, બ્રેસ્ટ કેન્સરના કેસો વધવા પાછળ લોકોની ઓછી અવેરનેસ જવાબદાર છે. લોકો નાનાં લક્ષણોને અવગણીને બીકના કારણે હોસ્પિટલ સુધી નથી પહોંચતા, જેને કારણે 50%થી વધુ કેસો ત્રીજા સ્ટેજમાં ડિટેક્ટ થાય છે. કેટલાક કેસોમાં જિનેટિકકારણો પણ જવાબદાર હોય છે. જો આ અંગે પહેલેથી ચેતી જવામાં આવે તો કેન્સર થતું રોકી શકાય છે. ડો.ગુગરમાન વધુમાં કહે છે, બ્રેસ્ટ કેન્સરની ગાંઠમાં શરૂઆતમાં દુખાવો થતો નથી. એ ગાંઠ મોટી થઈને ચામડી સુધી પહોંચે પછી જ દુખાવો થતો હોય છે. એટલે મહિલાને કોઈ ગાંઠ થઈ છે અને તેમાં દુખાવો ન થતો હોય તો તે કેન્સરની ગાંઠ હોઈ શકે છે. શરૂઆતથી દુખાવો થતો હોય તે ગાંઠ કેન્સરની હોય તેવા ઓછા ચાન્સ છે. કોઈપણ ગાંઠને સામાન્ય ગાંઠ ન સમજવી જોઈએ અચૂક પણે ડૉક્ટરની સલાહ લેવી જ જોઈએ. કોઈ પણ ગાંઠ કે લક્ષણો દેખાય તો પહેલાં ફેમિલી ડૉક્ટરને બતાવવું જોઈએ. આ પછી જરૂર જણાય તો કેન્સર એક્સપર્ટને બતાવવું જોઈએ. ગાંઠને લગતી બાબતમાં જો સામાન્ય ગાંઠ લાગતી હોય તો પણ તેના ઈલાજ પહેલાં બાયોપ્સી કરાવવી અનિવાર્ય છે.

પુરુષોને બ્રેસ્ટ કેન્સર થઈ શકે?

પુરુષોની વાત કરીએ તો મહિલાના પ્રમાણમાં પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ઘણું ઓછું છે. ઉદાહરણ તરીકે 100 મહિલાઓની સામે માત્ર 1 પુરુષમાં બ્રેસ્ટ કેન્સર જોવા મળે છે. પરંતુ પુરુષોને પણ બ્રેસ્ટ કેન્સર સમયે ગાંઠ દેખાતી હોય છે. ત્યાં ચાંદી પડી હોય તેવું લાગતું હોય છે. જો આ લક્ષણો દેખાય તો પુરુષોએ અચૂકપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

આ રીતે જાણી શકાય કયા સ્ટેજ પર છે કેન્સર

બ્રેસ્ટ કેન્સર માત્ર બ્રેસ્ટ સુધી જ ફેલાયેલું હોય તો એને પહેલાં સ્ટેજનું કેન્સર કહેવામાં આવે છે. જો આ કેન્સર બ્રેસ્ટથી લઈ બગલ સુધી પહોંચી જાય તો તો એ બીજા અથવા ત્રીજા સ્ટેજનું કેન્સર હોય છે.  કેન્સર આખા શરીર સુધી પહોંચવાનું શરૂ થઈ ગયું હોય તો એ ચોથા સ્ટેજનું કેન્સર હોય છે. જો કે, સૌથી વધુ રિસર્ચ બ્રેસ્ટ કેન્સરને લઈને થાય છે માટે હવે એવી ટ્રીટમેન્ટ પણ થાય છે કે ચોથા સ્ટેજના કેન્સરનો દર્દી પણ સ્વસ્થ થઈ શકે.

હેતલ રાવ

બાબા સિદ્દીકના મૃત્યુ પર રાહુલ ગાંધીએ સરકારને ફટકાર લગાવી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા પર શોક વ્યક્ત કર્યો હતો. રાહુલ ગાંધીએ આ હત્યાકાંડને લઈને મહારાષ્ટ્ર સરકારની આકરી નિંદા કરી હતી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે નાશ પામી છે. NCPમાં જોડાતા પહેલા સિદ્દીકી લાંબા સમયથી કોંગ્રેસના સભ્ય હતા.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે

મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકીની ગઈકાલે રાત્રે બાંદ્રાના નિર્મલ નગરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીને આજે રાત્રે 8.30 કલાકે મુંબઈના બડા કબરીસ્તાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ‘બાબા સિદ્દીકીના દુઃખદ અવસાનથી હું આઘાત અને દુઃખી છું. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. આ ભયાનક ઘટનાએ મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિને ઉજાગર કરી દીધી છે. સરકારે આ બાબતની જવાબદારી લેવી જોઈએ અને ન્યાય મળવો જોઈએ.

કોંગ્રેસ સાથે લાંબો સંબંધ

બાબા સિદ્દીકીએ વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણની શરૂઆત કરી હતી અને લાંબા સમય સુધી કોંગ્રેસના સભ્ય હતા. તેઓ પ્રથમ વખત BMCમાં કોર્પોરેટર (કાઉન્સિલર) તરીકે ચૂંટાયા હતા. બાબાએ પોતાની રાજકીય કારકિર્દી કોંગ્રેસથી શરૂ કરી અને 1977માં પાર્ટીની વિદ્યાર્થી પાંખ NSUIમાં જોડાયા. આ પછી તેઓ 1980માં બાંદ્રા યુથ કોંગ્રેસના મહાસચિવ, 1982માં બાંદ્રા યુથ કોંગ્રેસના પ્રમુખ અને 1988માં મુંબઈ યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા.

૧૩ ઓક્ટોબર ૨૦૨૪

દરિયાકાંઠેથી ફૂંકાયો પુસ્તક-પ્રેમનો પવન…

પુસ્તકો હવે વંચાતા નથી. વાંચન ઝડપથી ઘટતું જાય છે. પુસ્તક-પ્રેમીઓની સંખ્યા લઘુમતીમાં આવતી જાય છે. આ પ્રકારની ચોમેરથી પડઘાતી બિહામણી ફરિયાદો વચ્ચે ક્યાંક, કોઇક ખૂણેથી, કોઇના પુસ્તક પ્રેમની નવીનતમ વાત સાંભળવા મળે તો? પછી એ એકલદોકલ વાચકની વાત હોય, સંસ્થાની હોય કે પછી સમુહની હોય, એમાં મજા પડે, પડે ને પડે જ.

વાત જૂની લાગશે, પણ એમાં છવાયેલી પુસ્તક-પ્રેમની સુગંધ હજુ એટલી જ તરોતાજા છે એટલે એને બરાબર પારખજો.

ઇંગ્લેન્ડમાં લંડન શહેરથી લગભગ 130 કિલોમીટરે હેમ્પીશાયરમાં સાઉધમ્પટન નામનું પોર્ટ સિટી આવેલું છે. વર્ષ 1977માં અહીં બેવોઇસ વેલીમાં ‘ઓક્ટોબર બુક’ નામની બુકશોપ શરૂ થઇ. પુસ્તકોના વેચાણની સાથે અહીં બીજી અનેક પ્રવૃત્તિઓ પણ શરૂ થઇ. જેમ આજકાલ તમે કાફેમાં જઇને કોફી પીવાની સાથે બુક વાંચી શકો, લેપટોપ પર તમારું કામ કરી શકો, મિત્રો સાથે ગપ્પાં મારી શકો એમ અહીં પણ તમારી જિજ્ઞાસાને અને જ્ઞાનપીપાસાને સંતોષે એવું વાતાવરણ મળે. આ બુકશોપ અનેક સ્કૂલો સાથે પણ જોડાયેલી છે.

વર્ષ 1981માં આ બુકશોપના સંચાલન માટે રશિયન ક્રાંતિ પછી જે કો-ઓપરેટીવનો યુગ શરૂ થયો એ પ્રમાણે રેડીકલ કો-ઓપરેટીવનું મોડેલ અપનાવવામાં આવ્યું. એટલે કે અહીં બધા સાથે મળીને કામ કરે અને નફાની વહેંચણી પણ બધાએ કરેલા કામના આધારે થાય. પુસ્તકોના શોખીન એવા કેટલાક વોલન્ટીઅર્સ પણ એમાં જોડાયા.

પરંતુ એકવીસમી સદીના પહેલા દાયકા પછી દુનિયાભરમાં સોશિયલ મિડીયાનો પવન ફૂંકાયો એમાંથી આ બુકશોપ પણ બાકાત ન રહી શકી. જે જગ્યા પર ઓક્ટોબર બુક ચાલતી હતી એ ભાડાની હતી અને હવે એ ભાડું પોસાય એમ નહોતું એટલે વર્ષ 2018માં નવી જગ્યા ખરીદવા માટે સંચાલકોએ ફંડ માટે ટહેલ નાખી. લોકોને અને ફાઇનાન્સિયલ સંસ્થાઓને ડોનેશન કે પછી નીચા વ્યાજદરે લોન માટે અપીલ કરી. બધાના આશ્ચર્ય વચ્ચે જોતજોતામાં એમની પાસે 4,87,800 યુરો એકત્ર થઇ ગયા!

આ રકમની મદદથી 189, પોર્ટ્સવુડ રોડ એ સરનામે આવેલા એક બેંકના બિલ્ડીંગમાં બુકશોપ ખસેડવાનું નક્કી થયું. આ બિલ્ડીંગમાં બેંકના સેઇફ ડિપોઝીટ વોલ્ટ હતા એમાં વધારાના પુસ્તકોનો સ્ટોક રાખી શકાય એવી અનુકૂળતા મળી.

પણ મૂળ વાત હવે આવે છે. જે ફંડ ભેગું કર્યું હતું એ તો નવી જગ્યા લેવામાં વપરાઇ ગયું. હવે બુકશોપને ખસેડવાનો જે ખર્ચ આવે એ માટે પણ સંચાલકો પાસે નાણા બચ્યાં નહોતા. કઇ રીતે શિફ્ટ કરવી બુકશોપ?

સંચાલકોએ ફરીથી અપીલ કરી, વોલન્ટીઅર્સને આ કામમાં જોડાવાની. તમે નહીં માનો, પણ જે દિવસે સામાન શિફ્ટ કરવાનો હતો એ દિવસે અઢીસો કરતાં વધુ લોકો બુકશોપ પર ભેગા થઇ ગયા! જૂની શોપથી શરૂ કરીને નવી જગ્યા સુધી બધાએ માનવસાંકળ રચી અને હજારો પુસ્તકો જોતજોતામાં નવી જગ્યાએ વ્યવસ્થિત ગોઠવાઇ ગયા! આ કામમાં જોડાનાર એકેએક જણ ફક્ત ને ફક્ત એક જ કારણથી અહીં આવ્યો હતોઃ પુસ્તક માટેનો પ્રેમ!

સમાન હેતુ માટે રચાતી માનવસાંકળ નવી વાત નથી, પણ પુસ્તકો ખસેડવા માટે કોઇએ સ્વૈચ્છિક રીતે આ રીતે માનવસાંકળ રચી હોય એવી આ અભૂતપૂર્વ ઘટના હતી.

બાય ધ વે, સાઉધમ્પટન શહેર એ જ દરિયાકાંઠે વસેલું છે, જ્યાંથી વર્ષ 1912માં ઐતિહાસિક જહાજ ટાઇટેનિકે એની સફર શરૂ કરી હતી. કમનસીબે, ટાઇટેનિક ડૂબી ગયું, પણ કેટલાક પુસ્તકપ્રેમીઓએ એક બુકશોપને આર્થિક સંકટમાં ડૂબતા બચાવી લીધી!

(તસવીર સૌજન્યઃ October Book)

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.) 

પંચાંગ 13/10/2024

બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા

મહારાષ્ટ્રના NCP નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્દીકીને મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં શૂટ કરવામાં આવ્યું હતું. તેને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થયું. જણાવવામાં આવી રહ્યું છે કે બાબા સિદ્દીકી પર બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક ગોળી તેમની છાતીમાં વાગી હતી જ્યારે એક ગોળી તેમના પેટમાં પણ વાગી હતી. લીલાવતી હોસ્પિટલે પણ બાબા સિદ્દીકીના મૃત્યુની પુષ્ટિ કરી છે.

લોકસભા ચૂંટણી પહેલા બાબા સિદ્દીકી કોંગ્રેસ છોડીને NCPના અજીત જૂથમાં જોડાયા હતા. તેઓ ત્રણ વખત કોંગ્રેસમાંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને બાંદ્રા પશ્ચિમથી મંત્રી પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસમાં ભંગાણ બાદ તેઓ ફેબ્રુઆરીમાં NCPમાં જોડાયા હતા. હવે, થોડા મહિનાઓ પછી, તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટના બાદ પોલીસે બે લોકોની અટકાયત કરી છે. એવું માનવામાં આવે છે કે બંને શૂટર હોઈ શકે છે. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

ઓફિસથી નીકળતી વખતે પુત્ર પર હુમલો થયો હતો

કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં બાબા સિદ્દીકીને ગોળી મારી દેવામાં આવી હતી ત્યાંથી તેમના પુત્ર જીશાનની ઓફિસ પણ થોડે દૂર છે. જીશાન બાંદ્રા પૂર્વના ધારાસભ્ય છે. તેઓ તેમના પુત્રની ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે હુમલાખોરોએ તેમના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે બાદ તેની છાતીમાં ગોળી વાગી હતી.

અમદાવાદ : રાવણદહન કાર્યક્રમનું આયોજન કરાયું

વિજયા દશમી નિમિત્તે શ્રી રામ મંડલ સાબરમતી દશહરા સમિતી, પંજાબ સમાજ અમદાવાદ દ્વારા રાવણદહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.રામ, લક્ષ્મણ સહિત રામાયણના પાત્રોની સવારીની આખાય વિસ્તારમાં શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ ભવ્ય આતશબાજી કરવામાં આવી. વિજયા દશમીના વિજય સ્વરૂપે દશમાથા વાળા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. સાબરમતી રેલવે કોલોનીના ફૂટબોલ ગ્રાઉન્ડમાં રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા હજારો લોકો ઉમટી પડ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

દેશભરમાં દશેરાની ધામધૂમથી ઉજવણી

ભારતીયોએ શનિવારે દેશ અને વિશ્વમાં દશેરા અને દુર્ગા પૂજાની ઉજવણી કરી હતી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ તહેવારો પર તેમની ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ આપી હતી, જે અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. દશેરાની ઉજવણીના ભાગરૂપે, લાલ કિલ્લાના માધવદાસ પાર્કમાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાઓનું દહન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદી લાલ કિલ્લા પર આયોજિત શ્રી ધાર્મિક લીલા સમિતિના દશેરા સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા. લીલા સમિતિના અધિકારીઓએ ત્યાં તેમનું સ્વાગત કર્યું. શ્રી ધાર્મિક લીલા સમિતિના અધિકારીઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ત્રિશૂળ અર્પણ કર્યું. તેમજ તેમને લીલા સમિતિના ઈતિહાસ વિશે માહિતગાર કર્યા હતા અને તેમના આગમન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

લાલ કિલ્લાની શ્રી ધાર્મિક રામલીલા સમિતિના દશેરામાં ભાગ લેવા આવેલા પીએમ મોદીને લીલા આયોજકોએ ગદા આપીને તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ પણ કપાળ પર ગદા મૂકીને આ જ ભક્તિ સ્વીકારી હતી.સ્વાગત સમારોહ પછી રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન મંચ પર બેઠા અને ભગવાન રામ અને રાવણની સેનાઓ વચ્ચેના ભીષણ યુદ્ધને નિહાળ્યા. દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા પણ પીએમ સાથે મંચ પર હતા.

પ્રખ્યાત અભિનેતા શાહબાઝ ખાન શ્રી ધાર્મિક રામલીલા સમિતિની રામલીલામાં રાવણનું પાત્ર ભજવી રહ્યા હતા. શાહબાઝ ખાન સની દેઓલ સાથે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકામાં જોવા મળ્યો છે.આ વખતે શ્રી ધાર્મિક રામલીલા સમિતિની રામલીલામાં ભગવાન હનુમાનની ભૂમિકા પ્રખ્યાત અભિનેતા બિંદુ દારા સિંહે ભજવી હતી. તે દેશના પ્રખ્યાત કુસ્તીબાજ દારા સિંહનો નાનો પુત્ર છે જે પાછળથી અભિનેતા બન્યો હતો.

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ બંને કલાકારોના જીવંત અભિનયથી મંત્રમુગ્ધ દેખાતા હતા. રામ-રાવણ યુદ્ધ પછી, પીએમ અને રાષ્ટ્રપતિએ પ્રતીકાત્મક રીતે તીર ચલાવીને રાવણના પૂતળાનું દહન કર્યું.લાલ કિલ્લાની શ્રી ધાર્મિક રામલીલા સમિતિનો દશેરા દરમિયાન દેશના વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓની મુલાકાતનો લાંબો ઈતિહાસ છે. આ વખતે પણ દશેરા જોવા માટે હજારો લોકો દૂર-દૂરથી ત્યાં પહોંચ્યા હતા.

જમ્મુના પરેડ ગ્રાઉન્ડમાં દશેરા દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહને જોવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અનેક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જમ્મુ ક્ષેત્રના ડોડા શહેરમાં રાવણ, મેઘનાથ અને કુંભકરણના પૂતળા બાળવામાં આવ્યા હતા. આ દરમિયાન સામાન્ય લોકોની સાથે સુરક્ષા દળોના જવાનો પણ મોટી સંખ્યામાં ત્યાં હાજર હતા. પૂતળાનું દહન કર્યા બાદ લોકોએ નાચ-ગાન કરીને ઉજવણી કરી હતી.

CM ભૂપેન્દ્ર પટેલે દશેરાના પાવન પર્વ પર શસ્ત્ર પૂજન કર્યું

આજે દેશભરમાં દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીના પાવન પર્વે શસ્ત્ર પૂજન કરીને શસ્ત્ર અને શાસ્ત્ર રક્ષાનું મહાત્મ્ય ઉજાગર કર્યું હતું. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમાન દશેરા વિજ્યા દશમી તહેવારે શસ્ત્રપૂજનની ભારતીય સંસ્કૃતિ માં સદીઓથી પરંપરા રહેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પરંપરા અનુસાર મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં પોતાના સુરક્ષા-સલામતી રક્ષકોના શસ્ત્રોનું પૂજન શાસ્ત્રોક્ત વિધિથી કર્યું હતું તથા સુરક્ષા કર્મીઓને વિજયાદશમી પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી.

મુખ્યમંત્રીએ સુરક્ષા કર્મીઓને પ્રેરણા આપતા ફરજ, કર્તવ્યભાવના સાથે કર્મબંધન જોડાયેલું છે તેની વિસ્તૃત સમજ આપી હતી. તેમણે કહ્યું કે રક્ષા-સુરક્ષાનું દાયિત્વ નિભાવવા સાથો સાથ સંવેદના,કરુણા અને સતક્રમો થકી મોક્ષ પ્રાપ્તિનો વિચાર પણ રાખીને કર્તવ્યરત રહીએ તે જ સાચો કર્મયોગ અને ફરજનિષ્ઠા ભાવના છે. મુખ્યમંત્રી સુરક્ષા વ્યવસ્થા સંભાળતા સુરક્ષા કર્મીઓના વડા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા એ મુખ્યમંત્રી ને શસ્ત્ર પૂજન અવસરે આવકાર્યા હતા.

મુખ્યમંત્રી સુરક્ષા-સલામતી વ્યવસ્થાના નાયબ પોલીસ અધિક્ષકો, પોલીસ ઇન્સ્પેક્ટરો, તેમજ પી.એસ.આઇ. અને કમાન્ડોઝ તેમજ વાહન ચાલકો વગેરે આ શસ્ત્ર પૂજનમાં જોડાયા હતા. મુખ્યમંત્રી નિવાસસ્થાને વિજયાદશમી પર્વે શસ્ત્રપૂજનની આ પ્રણાલી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં શરૂ કરાવેલી છે.