Home Blog Page 1411

ભયના ઓથારથી શેવનિંગ સ્કોલરશીપ: એક કશ્મીરી યુવતીની સફર

ભારતના મુકુટ સમાન ગણાતું જમ્મુ-કાશ્મીર, આતંકવાદ અને રાજકીય અરાજકતાના કારણે કાયમથી અશાંત રહ્યું છે અને અહીંના લોકો હંમેશા ભયના ઓથાર તળે જીવતા આવ્યા છે.

આવી પરિસ્થિતિમાં એક કશ્મીરી યુવતી કશ્મીરમાં જ ભણે અને અગવડો વચ્ચે રસ્તો કરતી કરતી છેક બ્રિટીશ સરકાર દ્વારા અપાતી શેવનિંગ સ્કોલરશીપ મેળવવા સુધી પહોંચે એ વાત જ કેટલી પ્રેરણાદાયી છે?

આજે દીવાદાંડી વિભાગમાં વાત કરીએ આવી જ એક યુવતી નામે રક્ષંદા રાશિદની. કશ્મીર યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવ્યા પછી અનેક માપદંડો પર ખરા ઉતરીને શેવનિંગ સ્કોલરશીપ સુધી પહોંચનાર રક્ષંદા હાલમાં લંડનમાં ઉચ્ચ અભ્યાસ કરી રહી છે.

શું છે શેવનિંગ સ્કોલરશીપ? 

શેવનિંગ શિષ્યવૃત્તિ બ્રિટિશ ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ તેમજ કેટલીક સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી અત્યંત પ્રતિષ્ઠિત શિષ્યવૃત્તિ છે, જેના દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને યુકેની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ માટે મદદ કરવામાં આવે છે. 1983થી દર વર્ષે અપાતી આ શિષ્યવૃત્તિ અગાઉ અલ્વારો ઉરીબે (કોલંબિયાના રાષ્ટ્રપતિ), અમિતાભ કાંત (નીતિ આયોગના સી.ઈ.ઓ.), આનંદ રામલોગન (ત્રિનિદાદ અને ટોબૈગોના એટોર્ની જનરલ), એની અનરાઈટ (બુકર પ્રાઈઝ વિજેતા લેખિકા), કાર્લોસ અલ્વારાડો કેસાડા (કોસ્ટા રિકાના રાષ્ટ્રપતિ), ગીગા બોકેરિયા (રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ, જોર્જિયા), પૂજા કપૂર (બુલ્ગેરિયામાં ભારતીય રાજદૂત), રાજેશ તલવાર (ભારતીય લેખક) જેવા લોકોને મળી ચૂકી છે.

શું છે રક્ષંદા રાશિદનું પારિવારિક બેકગ્રાઉન્ડ?

રક્ષંદા રાશિદના માતા-પિતા વધારે ભણેલા નથી, પરંતુ તેઓ હંમેશા બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરતા. માતા દિલશાદ શેખ એક ગૃહિણી છે. પિતા અબ્દુલ રાશિદ શેખ જ્યારે સફરજનની સિઝન હોય ત્યારે ખાનદાની બગીચાઓમાં કામ કરે. એ સિવાયના સમયે શ્રીનગરના નિશાત વિસ્તારમાં આવેલા ઘર પાસે એક નાની દુકાન ચલાવે છે. મોટી બહેન તૌસીફ રાશિદ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્સિસ (NIMHANS)માં સાયકાટ્રિક સોશિયલ વર્કર તરીકે કાર્યરત છે. જ્યારે ભાઈ ઝૈદ-બિન-રાશિદ શ્રીનગરની મેડિકલ કોલેજમાંથી M.B.B.S.ના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરે છે.

ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં રક્ષંદા કહે છે, “વર્ષ 2009-10માં શાળાના સમય દરમિયાન અમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કોલેજના સમયે તો પરિસ્થિતિ વધારે ખરાબ હતી. વર્ષ 2015થી 2019ની વચ્ચે મારો એન્જિનિયરિંગ અભ્યાસ ચાલી રહ્યો હતો એ સમયે રાજકીય રીતે વાતાવરણ ખૂબ જ તંગ હતું. મારો અભ્યાસ પણ ચારના બદલે સાડા ચાર વર્ષે પૂરો થયો હતો. તંગદીલીના લીધી કોલેજો તો બંધ રહેતી જ હતી. શહેરમાં શટ-ડાઉન થતા હતા, કર્ફ્યૂ મૂકી દેવામાં આવતો હતો. ઈન્ટરનેટની સુવિધા પણ મહિનાઓ સુધી બંધ રાખવામાં આવતી હતી. જેનાં કારણે અમે ક્લાસીસ અટેન્ડ ન હતા કરી શકતા કે ન તો બીજા કોઈ માધ્યમ દ્વારા ભણી શકતા. દેશના બીજા રાજ્યોની સરખામણીએ અમારે લોકોએ ભણવા માટે વધારે પ્રયત્નો કરવા પડતા હતા.”

એ કહે છે, “ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સામાન્ય રીતે છોકરીઓ ઓછી હોય. જમ્મુ-કાશ્મીરમાં તો નહિવત કહી શકાય એટલી છોકરીઓ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરે છે. અલબત્ત, મારી કોલેજમાં પ્રોફેસર્સ, સાથી વિદ્યાર્થીઓ તેમજ અન્ય સ્ટાફ ખૂબ જ સપોર્ટિવ હતા. ક્યારેક જેન્ડરને લઈને કોઈ પણ પ્રકારના ભેદભાવનો અનુભવ થયો ન હતો.”

રક્ષંદાએ કોરોના સમયમાં કોમ્યુનિટી સેવા પણ કરી હતી. એ કહે છે, “અમારે ત્યાં તો પહેલેથી જ કલમ 370ના કારણે લોકડાઉન જેવી પરિસ્થિતિ રહેતી. જમ્મુ-કાશ્મીરમાં જે કોવિડના કેસ આવ્યા હતા તેમાં મારા પરિવારના લોકોને પણ ઈન્ફેક્શન લાગ્યું હતું. એ લોકો જ્યાં ક્વોરોનટાઈન થયા હતા તે સેન્ટરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. સ્વચ્છતાનો અભાવ હતો. પૂરતા પ્રમાણમાં દવાઓ પણ ઉપલબ્ધ ન હતી. મેં ઈન્ટરનેટના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચાડી. એની અસર થઈ અને લોકોને સ્વચ્છ રૂમ અને પૂરતાં પ્રમાણમાં દવાઓ ઉપલબ્ધ થઈ. આ સિવાય, અમે લોકો જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં કોવિડથી પ્રભાવિત પરિવારો માટે ભોજન બનાવતા હતા. મેડિકલ પેકેજ તૈયાર કરીને તેનું વિતરણ કરતા હતા.”

ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ શાખા પસંદ કરવા પાછળનું કારણ જણાવતાં એ રક્ષંદા કહે છે, “મને નાનપણથી ગણિત વિષયમાં ખૂબ જ રસ હતો. મારા પરિવારમાં કેટલાંક એન્જિનિયર હતા. તેમનું કામ જોઈને મને પણ એન્જિનિયરિંગમાં રસ જાગ્યો. જમ્મુ-કાશ્મીરમાં અત્યારે ઈલેક્ટ્રિકલ સેક્ટરની જે પરિસ્થિતિ છે અને યોગ્ય મેનેજમેન્ટના અભાવે લોકોએ ખૂબ જ પરેશાન થવું પડે છે તેને જોતાં મને એવું લાગ્યું કે મારે આ જ ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરીને પરિસ્થિતિ સુધારવા માટે કંઈક કરવું જોઈએ.”

શેવનિંગ સ્કોલરશીપ માટેની સફર

જમ્મુ-કાશ્મીરના મારિયા નામની એક વિદ્યાર્થિનીને પહેલાં આ સ્કોલરશીપ મળી હતી. તેણે રક્ષંદાને આ સ્કોલરશીપ વિશે જણાવ્યું. પ્રોજેક્ટ એજ્યુએક્સેસ નામની સંસ્થા દ્વારા યોજાએલા એક પ્રોગ્રામમાં રક્ષંદા અગાઉ સ્કોલરશીપ મેળવી ચૂકેલા કેટલાંક વિદ્યાર્થીઓને પણ મળી. શેવનિંગ સ્કોલરશીપ વિશે પણ જાણવા મળ્યું એટલે આ સ્કોલરશીપ વિશે વધુ અભ્યાસ કર્યો અને મેન્ટરશીપ પ્રોગ્રામ માટે એપ્લાય પણ કર્યું. આકરી મહેનતના અંતે તેને આ સ્કોલરશીપ મળી. દેશમાં કુલ છ સ્ટુડન્ટ્સને આ સ્કોલરશીપ મળી છે એમાં રક્ષંદા એક છે. હાલ એ યુકેમાં એનર્જી સિસ્ટમ એન્ડ ડેટા એનાલિસિસ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહી છે.

રક્ષંદા કહે છે, “મારે એનર્જી સેક્ટરમાં જ કામ કરવું છે. મેં એનર્જીની સાથે-સાથે ડેટા-સાયન્સ અને AIને પણ જોડી દીધું છે. આ પ્રોગ્રામમાં અમને શીખવવામાં આવે છે કે તમે ડેટા સાયન્સનો ઉપયોગ એનર્જી સેક્ટરમાં કઈ રીતે કરી શકો છે. અભ્યાસ બાદ મારી જન્મભૂમિ જમ્મુ-કાશ્મીરના લોકો માટે એનર્જી સેક્ટરમાં કામ કરવાની ઈચ્છા છે, જેનાથી હું ગ્રાઉન્ડ લેવલ પર કેટલાંક બદલાવ લાવી શકું, લોકોની મદદ કરી શકું. આ સિવાય, હું જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ માટે મેન્ટરશીપ પ્રોગ્રામ પણ કરવા માગું છું. કાશ્મીરની યુવતીઓ એન્જિનિયરિંગ અને ટેક્નિકલ સેક્ટરમાં, ડેટા સાયન્સ સેક્ટરમાં વધારે જોવા મળતી નથી. આથી હું તેમને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરવાની ઇચ્છા પણ ધરાવું છું.”

ઉલ્લેખનીય છે કે રક્ષંદાની સ્કોલરશીપ યુકે ગર્વમેન્ટ અને અમદાવાદસ્થિત અદાણી ફાઉન્ડેશન દ્વારા ફંડેડ સ્કોલરશીપ છે. એક ભારતીય, ખાસ કરીને જમ્મુ-કાશ્મીરની યુવતીને વિપરીત સંજોગોમાંથી અહીં સુધી પહોંચવાની તક મળી એ રક્ષંદાની શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે. શિક્ષણ મેળવ્યા પછી પોતાના પ્રદેશ માટે કાંઇક કરવાની એની ઇચ્છા હકીકતમાં તો એના જેવી અનેક કશ્મીરી યુવતીઓની ઇચ્છા છે. રક્ષંદા એ યુવતીઓનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

સપ્તાહના પ્રારંભે સેન્સેક્સ 600 પોઇન્ટ ઊછળ્યોઃ નિફ્ટી 25,100ને પાર

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે ઘરેલુ શેરબજારોમાં તેજી થઈ હતી. સપ્તાહ એક સપ્તાહના ઊંચા સ્તરે પહોંચ્યું હતું. નિફ્ટી 25,100ને પાર પહોંચ્યો હતો. નિફ્ટી બેન્ક 50 અને 100 DMAના ઉપરના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.50 લાખ કરોડનો વધારો થયો હતો.

વૈશ્વિક બજારોમાં અને એશિયન બજારોમાં મિશ્ર પ્રવાહ હતો. BSE સેન્સેક્સ 592 પોઇન્ટ ઊછળીને 81,970ના સ્તરે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 50 164 પોઇન્ટ ઊછળીને 25,128ના મથાળે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક 645 પોઇન્ટની તેજી સાથે 51,817ના સ્તરે બંધ આવ્યો હતો. નિફ્ટી મિડકેપમાં પણ તેજી થઈ હતી, પણ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોવા મળતું હતું. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 258 પોઇન્ટ સુધર્યો હતો. ઇન્ડેક્સ નીચલા સ્તરેથી 450 પોઇન્ટ સુધર્યો હતો.હવે બજારમાં રોકાણકારોની નજર વ્યાજદરોમાં સંભવિત કાપની શક્યતા ચકાસી રહ્યા છે, એ માટે તેઓની ઘરેલુ ફુગાવાના આંકડા પર નજર છે. આ સાથે બજારની નજર આજે અગ્રણી કંપની RIL, HCL ટેક્, એન્જલ વન, આલોક ઇન્ડસ્ટ્રીઝ અને ગોપાલ સ્નેક્સ તેમ જ અન્ય કંપનીઓના સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામો પર છે.

NSEના ડેટા મુજબ 11 ઓક્ટોબરે વિદેશી રોકાણકારો ચોખ્ખા વેચવાલ રહ્યા હતા. તેમણે શુક્રવારે રૂ. 4162.66 કરોડની વેચવાલી કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 3730 કરોડની ચોખ્ખી લેવાલી કરી હતી.

BSE એક્સચેન્જ પર કુલ 4195 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2066 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1977 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 152 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 432 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 223 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

 

વિદાય પહેલા ફરી જામ્યુ ચોમાસું, અમદાવાદમાં ઠેર ઠેર વરસાદ

અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર પૂર્ણ થઈ ચૂક્યો છે. ત્યારે નવરાત્રિ બાદ હવામાન વિભાગે વરસાદ વરસાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. અને આગાહી પ્રમાણે નવરાત્રિ પુરી થતાં ફરી એકવાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ગત 24 કલાકમાં છેલ્લા 131 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે બપોરે અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં પડવાનું શરૂ થઇ ગયું હતું. જોકે અમરેલી, સાવરકુંડલામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ ખાબકતાં ખેતીના પાકને ભારે નુકસાન થવાની ભિતિ છે.

ગુજરાતમાં આ વર્ષે જરૂરથી વધારે વરસાદ વરસ્યો છે.રાજ્યમાં આ વર્ષે 140 ટકાથી વધુ વરસાદ નોંધાય ચૂક્યો છે. ત્યારે આજે ફરી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાય છે. શહેરના એસજી હાઇવે, પ્રહલાદ નગર, આનંદ નગર, વેજલપુર, સરખેજ, ઇસ્કોન સહિતના વિસ્તારો મોટા વરસાદી છાંટા પડવાનું શરૂ થયું હતું. આ ઉપરાંત વરસાદે શહેરના મોટાભાગના વિસ્તારોને ભીંજવી દીધા છે ત્યારે ગોતા, સાયન્સ સિટી, ઇસ્કોન, થલતેજ, બોપલ, ધુમા, જોધપુર, શિવરંજની, શીલજ સહિત એસજી હાઇવેના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદી ઝાપટાં પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જ્યારે બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા હજુ સોમવારે 12 જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાઈ છે. રાજ્યમાં ચોમાસાના અંતમાં ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે, ત્યારે 14 ઑક્ટોબરે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ રહેશે. જેમાં આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

રાજ્યમાં 15 ઓક્ટોબરે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના અમુક સ્થળોએ અને છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 16-17 ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના કોચને મળી ધમકી

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના કોચ બદરુદ્દીન સિદ્દીકીને ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ઈન્સ્ટાગ્રામ દ્વારા અભદ્ર ટિપ્પણી કરીને ધમકી આપવામાં આવી છે. જે બાદ ક્રિકેટ કોચ બદરુદ્દીનની ફરિયાદ પર ડીઆઈજીના આદેશ બાદ પોલીસે મુરાદાબાદના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં બરેલીના રહેવાસી આરોપી દીપક ચૌહાણ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપી લગભગ 10 વર્ષ પહેલા તેનો શિષ્ય હતો. 6 ઑક્ટોબરે દીપકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોચની દુર્વ્યવહાર કરતી એક પોસ્ટ પોસ્ટ કરી હતી, જેમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ઘણા આરોપો લગાવવામાં આવ્યા હતા. શમીના કોચ બદરુદ્દીન મુરાદાબાદની જીગર કોલોનીમાં રહે છે. તેમણે ડીઆઈજી મુનિરાજ જીને આવેદન આપ્યું.

જણાવવામાં આવે છે કે 6 ઓક્ટોબરના રોજ બરેલીના ઇજ્જતનગરના રહેવાસી દીપક ચૌહાણે ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ખોટા આરોપો લગાવતા ધમકીભર્યો વીડિયો અપલોડ કર્યો હતો. કોચ બદરુદ્દીનનું કહેવું છે કે તે ઘણા વર્ષોથી દીપકના સંપર્કમાં નથી. થોડા દિવસો પહેલા મને અચાનક તેમનો ફોન આવ્યો, જે દરમિયાન અમારી ફોન પર સારી વાતચીત થઈ.

વડોદરામાં વિશ્વામિત્રીના કિનારે મગરે મહિલાનો શિકાર કર્યો

વડોદરા: વિશ્વામિત્રી નદી મગરોના રહેવાસ માટે જાણીતી છે. ચોમાસાના સમયમાં નદીમાં ભારે માત્રામાં પાણી આવકથી મગર શહેરમાં આવી જવાના કિસ્સા પ્રકાશમાં આવતા રહેતા હોય છે. ત્યારે વિશ્વામિત્ર બ્રિજ પાસે આજે વહેલી સવારે એક મગર મહિલાનું મૃતદેહ મોઢામાં લઈને નજરે પડતા લોકોના ટોળા જામ્યા હતા. ફાયર બ્રિગેડે મગરોને ભગાડી મૃતદેહ કબજે કર્યો હતો. વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરો મોટી સંખ્યામાં હોય છે અને વહેલી સવારે ઠંડક હોય ત્યારે સનબાથ માટે મગરો કિનારે પણ નજરે પડતા હોય છે. જેથી મગરોને જોવા લોકો ઉમટતા હોય છે.

આજે વહેલી સવારે કાલાઘોડા પાસે એક મહાકાય મગર કિનારે આધેડ વયની મહિલાના મૃતદેહને મોઢામાં લઈને નજરે પડતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભેગા થઈ ગયા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા, ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે બીજા ત્રણથી ચાર મગરો પણ આજુબાજુમાં ફરતા નજરે પડ્યા હતા. મહાકાય મગર મહિલાનો મૃતદેહ લઈને નદીમાં ઉતરી જતા ફાયર બ્રિગેડે નદીમાંથી કોઈપણ વસ્તુ ખેંચી લાવતું એક પ્રકારનું સાધન નાંખતા મગર મૃતદેહ છોડીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ મહિલાના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા મહિલા ક્યાંની હતી અને કેવી રીતે બનાવ બન્યો છે તે જાણવા માટે શહેર જિલ્લાના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. મહિલાના પરીવારની શોધખોળ કરવાની દીશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

આતિશી સરકારે તહેવારોમાં ફટાકડા પર મૂક્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ  દેશના પાટનગરમાં ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હી સરકારે ફટાકડા પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન જારી કર્યું છે. આ નોટિફિકેશન મુજબ શહેરમાં ફટાકડા બનાવવા, સંગ્રહ કરવો અને વેચાણ કરવા અને ફોડવા પર 14 ઓક્ટોબરથી પહેલી જાન્યુઆરી સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. તહેવારોમાં હવાની ગુણવત્તા ખરાબ ના થાય, એને માટે આ આદેશ જારી કરવામાં આવ્યો છે.

નવેમ્બરના પહેલા સપ્તાહમાં દિવાળીના તહેવારોમાં દેશનાં ઉત્તરના રાજ્યોમાં પરાલી સળગાવવાને કારણે દિલ્હી NCRનો AQI ગંભીર થવાની આશંકા છે.આ નોટિસને દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે X પર પોસ્ટ કરી છે. તેમણે એ વાત પર ભાર આપ્યો હતો કે શિયાળામાં દિલ્હીમાં હવા પ્રદૂષણને લીધે ખરાબ થઈ જાય છે અને આતશબાજી આ સમસ્યામાં યોગદાન આપે છે. શિયાળામાં વધતા પ્રદૂષણના સ્તરને જોતાં પહેલી જાન્યુઆરી સુધી ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકાર દિલ્હીવાસીઓને સહયોગની વિનંતી કરી છે.

કેન્દ્ર સરકાર ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના તબક્કા એક હેઠળ હવા પ્રદૂષણવિરોધી ઉપાય કરવાથી પહેલાંની સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવાનો નિર્ણય કરી રહી છે. તબક્કાના એક હેઠળ GRAPમાં જૂનાં ડીઝલ અને પેટ્રોલ વાહનોને તબક્કાવાર રીતે દૂર કરવાના સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ઓથોરિટીના આદેશોનું સખતાઈથી પાલન કરવાનું આહવાન કરવામાં આવ્યું છે. એમાં AQIના 200ના અંકને પાર કર્યા પછી ભોજનાલયો, રેસ્ટોરાં અને હોટેલોમાં કોલસાના અને લાકડીના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 

 

 

CM આતિશીએ PM મોદી સાથે મુલાકાત કરી

દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ, આતિશીએ આજે ​​પ્રથમ વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત લીધી હતી. તેમની મીટિંગનો ફોટો વડાપ્રધાન કાર્યાલયના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો છે. આતિશીએ 21 સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રીની કમાન સંભાળી હતી. શપથ લેવાની સાથે જ તેઓ દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા. બીજી ખાસ વાત એ છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં મુખ્યમંત્રી પદ સંભાળનાર ત્રણ મહિલા મુખ્યમંત્રીઓમાં તે સૌથી યુવા મહિલા મુખ્યમંત્રી છે. આતિશીને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હીના આઠમા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

 

સૌરભ ભારદ્વાજે આતિશીની નવી મંત્રી પરિષદમાં સૌપ્રથમ શપથ લીધા, ત્યારબાદ ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને દિલ્હી કેબિનેટમાં નવા સભ્ય મુકેશ અહલાવતે શપથ લીધા. જોકે, આતિશીનો કાર્યકાળ ટૂંકો રહેશે કારણ કે ફેબ્રુઆરીમાં રાષ્ટ્રીય રાજધાનીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.

તમને જણાવી દઈએ કે કથિત દારૂ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાના 2 દિવસ બાદ 15 સપ્ટેમ્બરે કેજરીવાલ આમ આદમી પાર્ટી (AAP)ના મુખ્યાલય પહોંચ્યા હતા. ત્યારબાદ કેજરીવાલે બે દિવસ બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી કેજરીવાલ ઈમાનદાર હોવાનો ચુકાદો જનતા ન આપે ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં.

સુરેન્દ્રનગરમાં પાણીની તંગી, વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં હોબાળો

સુરેન્દ્રનગર: શહેરમાં પીવાના પાણીને લઈ ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. બીજી બાજુ શહેરમાં સરકારના વિકાસ સપ્તાહના કાર્યક્રમ ચાલી રહ્યા છે. તો સ્થાનિકો દ્વારા આ કાર્યક્રમમાં હોબાળો મચાવ્યો હતો. શહેરના ટાઉનહોલ ખાતે પ્રવાસન મંત્રી મૂળુ બેરાના સંબોધન દરમિયાન લોકોએ ભારે હોબાળો મચાવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાનું પાણી અને પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને 14મી ઓક્ટોબરે શહેરના ટાઉનહોલ ખાતે રાજ્ય સરકારના વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોએ દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો યોગ્ય રીતે નીકાલ ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિકાસ સપ્તાહના કાર્યકમમાં આશાવર્કર બહેનો, ITI અને ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓને બોલાવ્યા હોવાનો પણ આક્ષેપ  લગાવ્યા હતા. આ પ્રવાસન મંત્રી મૂળુ બેરાના સંબોધન દરમિયાન હોબાળો મચતા સ્થાનિક આગેવાન અમૃત મકવાણાને પોલીસે કાર્યકમમાંથી બહાર કાઢ્યા હતા.

આગામી 24 કલાકમાં આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

એકબાજુ ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે ત્યાં બીજી બાજુ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રની મધ્યમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય છે જે ડિપ્રેશનની સ્થિતિમાં છે. આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશરમાં બદલાવવાની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર રિજનના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે ગુજરાત રિજનમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

નોંધનીય છે કે, આગામી બે દિવસ ગુજરાત અને સૌરાષ્ટ્ર રિજનમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આજે શહેરનું તાપમાન 32.2 ડિગ્રી નોંધાયું છે. જે નોર્મલથી નીચું છે. જો કે આવતીકાલથી સિસ્ટમ નબળી પડતા વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. શક્યતા છે કે આગામી બે ત્રણ દિવસમાં ચોમાસું  સત્તવાર વિદાય લઈ શકે છે.

શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેની તબિયત બગડી

શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેની તબિયત લથડી છે. પ્રી-પ્લાન વિગતવાર તપાસ માટે તે આજે એચએન રિલાયન્સ હોસ્પિટલમાં પહોંચ્યો હતો, જ્યાં ડોક્ટરોની સલાહ પર તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તેમના પુત્ર અને પૂર્વ રાજ્ય મંત્રી આદિત્ય ઠાકરેએ તેમના સમર્થકો સાથે નવીનતમ અપડેટ શેર કરી છે.

મળતી માહિતી મુજબ, ઉદ્ધવ ઠાકરેએ શનિવારે દશેરાના અવસર પર મુંબઈના પ્રખ્યાત શિવાજી પાર્કમાં એક સભાને સંબોધિત કરી હતી. થોડા કલાકો પછી તેને થોડી બેચેની થવા લાગી. આજે સવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી અને નર્વસ પણ લાગવા માંડ્યું હતું. આ પછી તેને HN રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ત્યાં ડોક્ટરોની સલાહ પર તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

રિપોર્ટ અનુસાર, ઉદ્ધવ ઠાકરેએ એક વખત હાર્ટ સર્જરી કરાવી છે. આજે પણ તેમને હ્રદય સંબંધિત તકલીફ હતી, ત્યારબાદ ડોક્ટરોએ એન્જિયોગ્રાફી કરી અને તેમની સર્જરી કરી. હાલ તેમની હાલત સારી છે પરંતુ તેમને સારી સંભાળ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે.