Home Blog Page 1350

IPS ઓફિસર પર 7 મહિલા કર્મીનો યૌન શોષણનો આરોપ

હરિયાણા: જીંદ જિલ્લાના એસ.પી. સુમિત કુમાર પર યૌન શોષણના ગંભીર આરોપો લાગ્યા છે. તેમની સામે સાત મહિલા પોલીસકર્મીઓએ ફરિયાદ કરી છે. આ યૌન શોષણના મામલામાં અનેક વરિષ્ઠ મહિલા પોલીસ અધિકારીઓ પણ સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મહિલા પોલીસકર્મીઓએ મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને એક પત્ર લખીને તેમની સાથે થયેલા વર્તનનું વર્ણન કર્યું છે. મહિલા પોલીસકર્મીએ સી.એમ.ને પત્ર લખીને કાર્યવાહીની માગ કરી છે. આ પત્ર પર ઘણી મહિલા પોલીસકર્મીઓની સહી છે.

સાત મહિલા પોલીસ કર્મીઓએ ઈમેઈલ મારફત મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, એડીજીપી અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પત્ર લખ્યા હતા. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, એસ.એચ.ઓ. મુકેશ રાની, ડી.એસ.પી ગીતિકા. અને આઈ.પી.એસ. અધિકારી સાથે મળી હનીટ્રેપ અને સેક્સ રેકેટ ચલાવી રહ્યા છે. આ એસ.એચ.ઓ. અને ડી.એસ.પી. બંને મહિલાઓ છે.જીંદમાં મહિલા પોલીસ કર્મીઓના યૌન શોષણના મામલામાં મહિલા આયોગ 7મી નવેમ્બરના રોજ બીજી વખત સુનવણી કરવા જઈ રહ્યું છે. 30 ઓક્ટોબરે પંચે આ કેસના તપાસ અધિકારી એસ.પી. આસ્થા મોદીને બોલાવ્યા હતા. જોકે, તેમણે તેમની જગ્યાએ ડી.એસ.પી.ને મોકલી તપાસ રિપોર્ટ રજૂ કર્યો હતો.

IPS સુમિત કુમાર

રેણુ ભાટિયા, અધ્યક્ષ, મહિલા આયોગ, હરિયાણા

મહિલા  આયોગના અધ્યક્ષ રેણુ ભાટિયાએ મહિલા પોલીસ કર્મીઓને રૂબરૂ વાત કરવાનું કહ્યું હતું. આજે 7 મહિલા પોલીસ કર્મચારીઓ આરોપી SHO અને DSPની સામે તેમની અગ્નિપરીક્ષાનું વર્ણન કરશે. નોંધનીય છે કે આ કેસમાં અધ્યક્ષ રેણુ ભાટિયાની માગ પર આરોપી IPS અધિકારી, મહિલા SHO, DSPની બદલી કરવામાં આવી હતી.સરકારે 3 નવેમ્બરે ADGP મમતા સિંહના નેતૃત્વમાં આ કેસમાં SITની રચના કરી હતી. બીજા દિવસે 4 ઑક્ટોબરે, ADGP એ જિલ્લા પર પહોંચ્યા જ્યાં આરોપી IPS અધિકારી તૈનાત હતા. પોલીસ લાઈનમાં તેણે 30 મહિલા પોલીસ કર્મચારીઓના નિવેદનો નોંધ્યા હતા. નિવેદન નોંધ્યા બાદ મમતા સિંહે આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. કમિટીની તપાસ ડીજીપીને સોંપવામાં આવશે.

16 વર્ષથી નાનાં બાળકો માટે સોશિયલ મિડિયાના વપરાશ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં હવે 16 વર્ષથી નાની વયના લોકો સોશિયલ મિડિયાનો ઉપયોગ નહીં કરી શકે. PM એન્થની અલ્બનીઝે કહ્યું હતું કે યુવાઓના માનસિક સ્વાસ્થ્યની રક્ષા માટે ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાની વયનાં બાળકોને સોશિયલ મિડિયાનો વપરાશ નહીં કરવા દેવામાં આવે. એ સાથે સંબંધિત કંપનીઓએ નવા નિયમ લાગુ કરવાના રહેશે અથવા એમણે દંડ ભરવો પડે એવી શક્યતા છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયાની સંસદમાં એ સંબંધિત વિધેયક રજૂ કરવામાં આવશે.

ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મિડિયા પર પ્રતિબંધ મૂકવા કવાયત હાથ ધરવામાં આવી છે. PM એન્થની અલ્બનીઝે કહ્યું હતું કે સરકાર એક નવો કાયદો બનાવી રહી છે, જે હેઠળ 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મિડિયાના ઉપયોગ પર પ્રતિબંધ હશે. એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે આ નિયમ બાળકોનાં માતા-પિતા માટે લાવવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે સોશિયલ મિડિયા આપણાં બાળકોને નુકસાન પહોંચાડી રહ્યું છે અને તેને રોકવાનો સમય આવી ગયો છે. વળી, સોશિયલ મિડિયા બાળકો પર પ્રતિકૂળ અસર પડી રહી છે, જેની અનેક રિસર્ચમાં પુષ્ટિ થઈ ચૂકી છે. આ કાયદો આ વર્ષે સંસદમાં રજૂ કરવામાં આવશે અને ધારાશાસ્ત્રીઓ દ્વારા તેને બહાલી આપ્યાના 12 મહિના પછી અમલમાં આવશે. એન્થની અલ્બેનીઝે એ પણ ભાર મૂક્યો હતો કે જે વપરાશકર્તાઓ તેમનાં માતાપિતાની સંમતિ વિના સોશિયલ મિડિયાનો ઉપયોગ કરવા માગે છે તેમને આમ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે, એમ તેમણે કહ્યું હતું.

આ પહેલાં ફ્રાંસમાં પણ 15 વર્ષથી નાની વયનાં બાળકો માટે સોશિયલ મિડિયાનો ઉપયોગ કરવા માટે માતા-પિતાની મંજૂરી લેવી જરૂરી છે.

વિજાપુરમાં ટોપરાપાકથી ફૂડ પોઇઝનિંગ, 33 લોકોની તબિયત લથડી

મહેસાણા: વિજાપુરની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. વિજાપુરના કોલવડામાં ટોપરાપાક ખાધા બાદ 33 લોકોને ઝાડા-ઉલટીની બિમારી થયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જેમાંથી 16 લોકોને તાત્કાલિક કુકરવાડાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ સિવાય ચાર વર્ષના એક બાળકની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના વિજાપુરના કોલવડા ગામમાં મંગળવારે (5 નવેમ્બર) હાઈસ્કૂલમાં પ્રસંગ રાખવામાં આવ્યો હતો. ઉજવણી બાદ ટોપરાપાક ગામના દેવીપૂજક સમાજમાં વહેંચવામાં આવ્યો હતો. બુધવારે દેવીપૂજક સમાજના લોકોએ આ ટોપરાપાક ખાધા બાદ એકાએક 33 લોકોને ઝાડા-ઉલટી થવા લાગી. ઉલ્લેખનીય છે કે 33 લોકોમાંથી 16 લોકોને કુકરવાડાના કોમ્યુનિટિ હેલ્થ સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. ટોપરાપાકથી ફૂડ પોઇઝનિંગની ઘટનામાં અનેક બાળકો પણ તેની ઝપેટમાં આવ્યાં હતાં. જેમાં એક ચાર વર્ષના બાળકની સ્થિતિ વધારે ખરાબ થતાં તેને વડનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં બાળકને દાખલ કરી સારવાર કરવામાં આવી રહી છે. ફૂડ પોઇઝનિંગની ઘટનાની જાણ થતાં આરોગ્યની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આરોગ્યની ટીમે અનેક ઘરોમાં સર્વેલન્સની કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્યની ટીમ દ્વારા ટોપરાપાકના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

‘સરકાર બનશે તો બધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવીશું’

મુંબઈ: મહારાષ્ટ્રમાં જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય તાપમાન પણ વધી રહ્યું છે. હવે મહારાષ્ટ્રની ચૂંટણીમાં લાઉડસ્પીકરો પણ પ્રવેશી ગયા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મતદાન માટે ફતવા અને લાઉડસ્પીકરના ઉપયોગને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાજ ઠાકરેનું કહેવું છે કે જો તેમની સરકાર બનશે તો તેઓ તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દેશે. આવો જાણીએ રાજ ઠાકરેએ આ મુદ્દે બીજું શું કહ્યું.

હિંદુઓ માત્ર રમખાણો વખતે જ ભેગા થાય છે
વાસ્તવમાં, MNS ચીફ રાજ ઠાકરે મહારાષ્ટ્રના અમરાવતીમાં પોતાની પાર્ટીના ઉમેદવારની તરફેણમાં પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે હિંદુત્વના મુદ્દે મહાવિકાસ અઘાડી એટલે કે MVA પર જોરદાર પ્રહારો કર્યા હતા. રાજ ઠાકરેએ કહ્યું કે હિંદુઓ છૂટાછવાયા છે, તેઓ રમખાણો વખતે જ ભેગા થાય છે. આ પછી રાજ ઠાકરેએ કહ્યું કે મુસ્લિમો મહાવિકાસ અઘાડીને મત આપવા માટે મસ્જિદોમાંથી ફતવા બહાર પાડી રહ્યા છે.

શરદ પવાર જાતિવાદ ફેલાવનાર સંત છે – રાજ ઠાકરે
અમરાવતીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે શરદ પવારને મહારાષ્ટ્રમાં જાતિવાદ ફેલાવનારા સંત કહ્યા અને ઉદ્ધવને સ્વાર્થી કહ્યા. MNS ચીફે કહ્યું કે જ્યારે ઉદ્ધવ સીએમ હતા ત્યારે મેં તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દીધા હતા, ત્યારબાદ અમારા લોકો પર 17 હજાર કેસ નોંધાયા હતા.

હું બધું ઠીક કરીશ – રાજ ઠાકરે
ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ ઠાકરેએ કહ્યું હતું કે જો મને સત્તા આપવામાં આવશે તો કાલે કોઈ મસ્જિદમાં કોઈ વક્તા નહીં હોય. તેમણે કહ્યું કે ઉદ્ધવે બાળા સાહેબ ઠાકરેના નામ પર હિન્દુ હૃદય સમ્રાટને હટાવી દીધો. તેઓએ તે સ્વાર્થથી કર્યું, કારણ કે તેઓને ફરજ પાડવામાં આવી હતી. કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી તેમની સાથે છે. તેઓ બાળાસાહેબને હિન્દુ હ્રદય સમ્રાટ કહે તો સારું નહીં લાગે. રાજ ઠાકરેએ વધુમાં કહ્યું કે મને એકવાર સત્તા આપો હું બધું ઠીક કરી દઈશ.

PM વિદ્યાલક્ષ્મી યોજનામાં હાયર એજ્યુકેશન લોન પર 75% ક્રેડિટ ગેરંટી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં બુધવારે ઘણાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં. આ બેઠકમાં તેજસ્વી બાળકોને અભ્યાસમાં મુશ્કેલી ન પડે, તે માટે સરકારે PM વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ વિશે જાણકારી આપવામાં આવી.

PM વિદ્યાલક્ષ્મી યોજનાનો ઉદ્દેશ્ય છે કે, તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી ન પડે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, PM વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ એજ્યુકેશન લોનમાં મળશે. જરૂરિયાતમંદ બાળકો ભણતર માટે બેંકમાંથી સસ્તા દરે 10 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન લઈ શકશે. આ યોજનાથી હવે પૈસાની કમીના કારણે કોઈ બાળકને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.એજ્યુકેશન લોનમાં ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થા (QHEI)માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ સંબંધિત ટ્યુશન ફી અને અન્ય ખર્ચાઓને આવરી લેવાશ. આ વિશે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, બેંક અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી કોલેટરલ ફ્રી, ગેરેન્ટર ફ્રી લોન લઈ શકાશે.અશ્વિની વૈષ્ણવે PM વિદ્યાલક્ષ્મી યોજના વિશે કહ્યું કે, જે પરિવારની વાર્ષિક કૌટુંબિક આવક 8 લાખ રૂપિયા છે. એવા પરિવારના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આ યોજના હેઠળ 10 લાખ રૂપિયા સુધીની લોન પર 3% વ્યાજ સબસિડી આપવામાં આવશે. 7.5 લાખ રૂપિયા સુધીની લોન પર ભારત સરકાર 75% ક્રેડિટ ગેરંટી આપશે.

પરાળી સળગાવવા પર હવે દંડ બે ગણો ફટકારાશે

નવી દિલ્હીઃ દિલ્હી NCR અને આસપાસના વિસ્તારોમાં એર ક્વોલિટીને મેનેજ કરવા માટે સરકાર કડક વલણ અપનાવી રહી છે. સરકારે પરાળી સળગાવવા પર લગાવવામાં આવેલો દંડ વધારી દીધો છે. હવે પાંચ એકરથી વધુ જમીન પર પરાળી બાળતાં ખેડૂતોને હવે 30,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. કેન્દ્ર સરકારે અગાઉના દંડની સરખામણીએ રકમ બમણી કરી દીધી છે.

કેન્દ્ર સરકારે પરાળી બાળવાના દંડની રકમને બમણી કરી દીધી છે. સરકારના નવા નિર્ણય મુજબ બે એકરથી ઓછી જમીનવાળા ખેડૂતોને 5000 રૂપિયા, બેથી પાંચ એકર જમીનવાળા ખેડૂતોને 10,000 રૂપિયા અને પાંચ એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતને પરાળી સળગાવવા પર 30,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.

સુપ્રીમ કોર્ટે પણ પરાળી સળગાવવાથી પ્રભાવિત રાજ્ય સરકારોને ઓછા દંડ માટે ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને પરાળી સળગાવીને પ્રદૂષણ કરનાર ખેડૂતોની દંડની રકમ બમણી કરી દીધી છે. આ નિયમ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં હવા ગુણવત્તા વ્યવસ્થાપન કાયદો, 2021 હેઠળ સંશોધિત કરવામાં આવ્યો છે. અધિનિયમની કલમ 25ની પેટાકલમ (2) ના ખંડ (h)ને ટાંકીને, કેન્દ્ર સરકાર દ્વારા આ નિયમને સંશોધિત કરતાં ‘રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન સંશોધન નિયમ, 2024 પસાર કરવામાં આવ્યો છે.

દિવાળીથી પહેલાં આ વખતે દિલ્હીની હવા ઝેરીલી થઈ હતી, જ્યારે દિવાળી પછી સ્થિતિ બદથી બદતર થઈ હતી. ગુરુવારે દિલ્હીનો સરેરાશ AQI 362 નોંધાયો હતો. CPCB અનુસાર દિલ્હીમાં સવારે વાયુ ગુણવત્તા બહુ ખરાબ શ્રેણીવાળા સૂચકાંકમાં આવતી હતી.

જૂની પેન્શન યોજનાની ઠરાવ વગરની જાહેરાતથી કર્મચારીઓમાં અસંતોષ

અમદાવાદ: જૂની પેન્શન યોજના મુદ્દે સરકારી કર્મચારીઓ આંદોલન કર્યા બાદ સરકારે પીછેહટ કરવી પડી હતી. આખરે રાજ્ય સરકારે મોટા ઉપાડે ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા જાહેરાત કરી હતી. પરંતુ આ અંગે કોઈપણ લેખિતમાંમાં પરિપત્ર અથવા ઠરાવ પસાર કર્યો નથી. આ વાતને બે મહિના વિત્યા છતાંય હજુ સરકારે કોઇ ઠરાવ કે પરિપત્ર જાહેર કર્યો નથી. પરિણામે શિક્ષકો-સરકારી કર્મચારીઓ રોષે ભરાયાં છે.

વર્ષ 2005 અગાઉના શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. સરકારી કર્મચારી મહામંડળની માંગ છે કે, બધા સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ. આ કારણોસર લાભથી વંચિત સરકારી કર્મચારીઓ સરકારથી નાખુશ છે. તાજેતરમાં જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત બાદ લેખિતમાં રજૂઆત ન થતા, આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે લેખિતમાં રજૂઆત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી હતી.  નોંધનિય છે કે જો કે પાછલી સરકારમા પણ જૂની પેશન સ્કીમનો લાભ આપવાની જાહેરાત કરાયા બાદ નોટિફિકેશન જાહેર નહોતું કરાયું. માત્ર જાહેરાત બાદ નોટિફિકેશન હજુ સુધી જાહેર ન થતા કર્મચારીઓ દુવિધામાં મુકાયા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના આ નિર્ણયથી સૌથી વઘુ લાભ માત્ર શિક્ષકોને મળે તેમ છે. આ તરફ રાજ્ય સરકારે જૂની પેન્શન યોજનાનો અમલ કરવા જાહેરાત કરી તો કરી દીધી છે. પરંતુ હજુ સુધી કોઈ સરકારી ઠરાવ કે પરિપત્ર જાહેર કરાયો નથી. આ કારણોસર સરકારી કર્મચારી મંડળે ફરી એકવાર મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવી પડી છે. સરકારી કર્મચારીઓને સરકારે ક્યાંક કોણીએ ગોળ તો ચોટાડ્યો નથી ને.. તેવો અહેસાસ થઇ રહ્યો છે.

20 વર્ષ પછી ફરી સિનેમાઘરોમાં રિલીઝ થશે સુપરહિટ ફિલ્મ ‘વીર ઝારા’

મુંબઈ: શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટા સ્ટારર ફિલ્મ ‘વીર ઝારા’ 20 વર્ષ બાદ ફરી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. દિગ્દર્શક યશ ચોપરાની ગ્લોબલ બ્લોકબસ્ટર વીર ઝારા 7 નવેમ્બરથી 600 સ્ક્રીન પર આંતરરાષ્ટ્રીય સ્તરે ફરીથી રિલીઝ થવાની તૈયારીમાં છે.

ફિલ્મનું પ્રીમિયર પ્રથમવાર સાઉદી અરેબિયામાં થશે. આ પછી તેના શો ઓમાન અને કતારમાં પણ ચાલશે. શાહરૂખ ખાન, પ્રીતિ ઝિન્ટા અને રાની મુખર્જી અભિનીત વીર ઝારા એ અત્યાર સુધીની સૌથી મોટી હિટ ભારતીય ફિલ્મોમાંની એક છે. તે ભારતમાં, વિદેશમાં તેમજ વિશ્વભરમાં વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ હતી. હવે વીર ઝારા યુએસએ, કેનેડા, યુએઈ, સાઉદી અરેબિયા, ઓમાન, કતાર, બહેરીન, કુવૈત, યુકે, આયર્લેન્ડ, જર્મની, ઓસ્ટ્રિયા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફિજીમાં ફરીથી રિલીઝ થશે. આ સાથે સિંગાપોર, મલેશિયા અને દક્ષિણ આફ્રિકામાં પણ શો ચાલશે.

આ ફિલ્મ 12 નવેમ્બર 2004ના રોજ રિલીઝ થઈ હતી
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન સ્ટારર આ ફિલ્મ 12 નવેમ્બર 2004ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ 12મીએ 20 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ ખાસ અવસર પર આ ફિલ્મ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન યશ ચોપરાએ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ ફિલ્મ 23 કરોડના બજેટમાં બની હતી. આ ફિલ્મ રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ ફિલ્મે ભારતમાં 60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સિવાય ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 97 કરોડ રૂપિયાને પાર કરી ગયું હતું. આ ફિલ્મ તેના જમાનાની સૌથી સુપરહિટ ફિલ્મોમાંની એક છે. શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટા સાથે રાની મુખર્જી અને મનોજ બાજપેયી પણ મહત્વના રોલમાં જોવા મળ્યા હતા.

ગૃહિણીના બજેટ પર વધશે ભાર!, ખાદ્યતેલના ભાવમાં ઉછાળો

દિવાળીનો તહેવાર પૂર્ણ થતાની સાથે જ ફરી એક ગૃહિણીના બજેટ પર માર લાગ્યો છે. રાજકોટમાં આજે ખૂલતા બજારે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. આજે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ભડકો થયો છે. કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહિ મળવાને કારણે પિલાણ ઘટ્યું છે. પિલાણ ઓછું થતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે.

એક તરફ શાકભાજી અને જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ, તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. તેલ વગર ભારતીય રસોઈ અધૂરી છે.  ખાદ્યતેલના ભાવમાં 85 રૂપિયા સુધીનો વધારો થયો છે. તેમજ પામોલિન તેલના ભાવમાં ડબ્બે 85 રૂપિયાનો વધારો છે. તેથી પામતેલનો ભાવ ડબ્બે રૂપિયા 2155 આસપાસ પહોંચ્યો છે. કપાસિયા તેલનો ભાવ ડબ્બે 2230ની આસપાસ પહોંચ્યો છે. કપાસિયા તેલમાં રૂપિયા 50 નો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે  સંગ્રખોરીના કારણે કપાસિયા અને પામ તેલની કિંમતોમાં વધારો થયો છે. સંગ્રહખોરીથી કૃત્રિમ અછત સર્જાઈ છે.

આ અગાઉ સિગંતેલમાં 60 રૂપિયા અને કપાસિયા તેલમાં 70 રૂપિયાનો વધારો 7 સપ્ટેમ્બરના લાદવામાં આવ્યો હતો. જે બાદ 29 જુલાઈના 80 રૂપિયાનો વધારો, 16 જુલાઈના 40 રૂપિયાનો, 4 જુલાઈના 70 રૂપિયાનો, 29 જુનના 30 રૂપિયાનો, 5 મેના 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મગફળીનું સારા પ્રમાણમાં વાવેતર જોવા મળે છે. પરંતુ આ વખતે જરૂરિયાત વધુ વરસાદના પગલે મગફળીના પાકમાં રોગ લાગી ગ્યો હતો. જેના પગલે પાકનો મોટા ભાગનો હિસ્સો ખરાબ થઈ ગયો હતો. જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો. પાક નિષ્ફળ થવાથી આગામી સમયમાં તેલની કિંમતો વધુ ઉછાળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પક્ષ-વિપક્ષના સભ્યો વચ્ચે મારામારી

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં પાંચ દિવસના સત્રનો પ્રારંભ હંગામા સાથે થયો હતો.  વિધાનસભામાં ખતમ થઈ ચૂકેલા આર્ટિકલ 370ને લઈને હંગામો જારી છે આજે વિધાનસભામાં વિધાનસભ્યો વચ્ચે મારામારી પણ થઈ હતી. હજી એક દિવસ પહેલાં જ આર્ટિકલ 370 મુદ્દે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. એ દરમ્યાન ભારે હંગામો થયો હતો. ભાજપે એનો વિરોધ કર્યો હતો.  

જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ગુરુવાર મોટી બબાલ થઈ હતી. કલમ 370ની વાપસીના મુદા પર પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ થયું હતું. એનો વિડિયો સોશિયલ મિડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધારાસભ્યો એકબીજાને ધક્કા મારતા દેખાય છે.

કે બારામુલાથી લોકસભા સાંસદ એન્જિનિયર રાશિદના ભાઇ ખુર્શીદ અહમદ શેખે સદનમાં આર્ટિકલ 370નું બેનર બતાવતાં પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી. વિધાનસભામાં વિપક્ષના નેતા સુનીલ શર્માએ બેનર બતાવવાને મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો. ત્યાર બાદ ગૃહને થોડી વાર માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.

વિધાનસભાની સ્થિતિ એવી થઇ ગઇ છે કે માર્શલને બચાવવા માટે વચ્ચે આવવું પડ્યું. વિધાનસભામાં હંગામો કરી રહેલા વિપક્ષના કેટલાક ધારાસભ્યોને માર્શલોએ બહારનો રસ્તો બતાવ્યો. ત્યાર બાદ ગૃહની કાર્યવાહી થોડી વાર માટે સ્થગિત કરી દીધી છે.

અહમદ શેખ લંગેટ વિધાનસભા સીટ પરથી અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) એ આર્ટિકલ 370 અને 35 A ને ફરીથી બહાલ કરવા માટે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો.