Home Blog Page 1349

પ્રાથમિક શાળાઓ માટે વિદ્યાસહાયકોની ભરતી શરૂ

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની મોટાપાયે ભરતીની જાહેરત કરવામાં આવી હતી. જેમાં કુલ 13, 852 જગ્યાઓ પર વિદ્યાસહાયકની ભરતી કરાશે. જેને લઈને આજથી (સાતમી નવેમ્બર) ઓનલાઈન અરજી કરી શકાશે. જેની છેલ્લી તારીખ 16મી નવેમ્બર છે.

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5માં 5000 જગ્યાઓ માટે વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે. જ્યારે ધોરણ 6થી 8માં ગુજરાતી માધ્યમમાં 7000 જગ્યા પર ભરતી કરાશે. જ્યારે ધોરણ 1થી 8માં ગુજરાતી સિવાયના અન્ય માધ્યમમાં 1852 જગ્યા પર ભરતી કરાશે. આ ભરતી માટે ગુરૂવાર (સાતમી નવેમ્બર)થી ઓનલાઈન અરજી કરી શકાશે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 16મી નવેમ્બર છે. અરજી કરના ઉમેદવારોએ ભરતી અંગેનું ઓનલાઈન અરજી પ્રત્રક vsb.dpegujarat.in ઉપર ભરી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 8માં નવા શિક્ષકોની ભરતી એટલે કે વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવે છે. તેમજ વિદ્યાસહાયકને પ્રથમ 5 વર્ષ ફિક્સ 26,000 રૂપિયા પગાર આપવામાં આવે છે. ત્યારબાદ નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાસહાયક ભરતી માટે અરજી કરવા માટે TET-1 અથવા TET-2 પાસ અકરેલી હોવી જરૂરી છે.

ફેડ રિઝર્વની ફેર સમીક્ષાએ સેન્સેક્સ 836 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ ઘરેલુ શેરબજારોમાં બે દિવસથી ચાલતી તેજીને બ્રેક વાગી હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી એક-એક ટકાથી વધુ તૂટ્યા હતા. નિફ્ટીએ પણ 24,400ના સ્તરની નીચે બંધ આવ્યો હતો. સેન્સેક્સમાં 800થી વધુ પોઇન્ટ ઘટાડો થયો હતો. રોકાણકારોની સંપત્તિમાં 4.27 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રપતિ બીજી વાર ચૂંટાઈ આવ્યા હતા, પણ જ્યારે તેઓ વિપક્ષમાં હતા, ત્યારે તેમણે ફેડ ચેરમેન જેરોમ પોવેલના નિર્ણયોની અનેક વાર ટીકા કરી હતી. હવે તેઓ જ્યારે વ્હાઇટ હાઉસમાં આવી રહ્યા છે, ત્યારે તેઓ ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલને હાંકી કાઢે એવી શક્યતા છે. જેથી ફેડ રિઝર્વે શરૂ કરેલી વ્યાજકાપની સાઇકલને બ્રેક લાગી શકે છે. વળી ટ્રમ્પે ફેડને ચલાવનાર દરેક વ્યક્તિની ટીકા કરી છે. જેથી બદલાયેલા સિનારિયોમાં હવે ફેડ રિઝર્વની પોલિસીની સમીક્ષા થશે. રોકાણકારો જોવા ઇચ્છે છે કે બદલાયેલી પરિસ્થિતિમાં ફેડ શું વલણ અપનાવે છે, કેમ આગામી સમયમાં પોલિસીને લઈને પણ સંકેતો મળશે. બજાર હવે વ્યાજદરમાં એક ચતુર્થાંસ કાપની શક્યતા જોઈ રહ્યો છે. આ સિવાય FIIની વેચવાલી, કંપનીઓનાં નબળાં પરિણામોને પગલે શેરબજાર પર દબાણ જોવા મળશે.

ઘરેલુ બજારોમાં ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 836 પોઇન્ટ તૂટીને 79,542 સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 285 પોઇન્ટ તૂટીને 24,199ના સ્તેર બંધ થયો હતો. મેટલ ન્ડેક્સ ત્રણ ટકા તૂટ્યો હતો, જ્યારે ઓટો, ફાર્મા અને રિયલ્ટી સેક્ટર 1-1 ટકાથી વધુ તૂટ્યા હતા.

BSE એક્સચેન્જ પર કુલ 4053 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1825 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2129 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 99 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 374 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 200 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

રાજ્યમાં રોગચાળાનો કહેર યથાવત્, ગાંધીનગરથી મળ્યો ઝિકા વાયરસનો પોઝિટિવ કેસ

ગુજરાતમાં ઝિકા વાયરસના કેસ સામે આવતાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે. રાજ્યમાં આ વર્ષે મચ્છરજન્ય બિમારી અને તાવની સિઝન લાંબી ચાલી છે. ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગના કેસ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે. ત્યારે હવે ગાંધીનગરમાં શંકાસ્પદ ઝિકા વાયરસનો કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. દર્દીનો રિપોર્ટ પુણેની લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો. જેમાં આજે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ દર્દી સારવાર હેઠળ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરમાં ઝિકા વાયરસનો કેસ નોંધાતા ગાંધીનગર મનપાનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. જે વિસ્તારમાં કેસ નોંધાયો છે ત્યાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ પણ ગાંધીનગરમાં ઝિકા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો હતો. 75 વર્ષિય વૃદ્ધની તબિયત લથડતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે દરમિયાન ડોક્ટરોએ દર્દીનો રિપોર્ટ પુણેની લેબોરેટરીમાં મોકલ્યા છે.

ત્યારે બીજી બાજુ અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 7480 ઓપીડી નોંધાવા પામી છે. તેમજ ડેન્ગ્યુનાં 10, મેલેરિયાનાં 12, ચિકનગુનિયાનાં 4 કેસ નોંધાયા છે. તેમજ વાઈરલ ઈન્ફેક્શનનાં 1600 કેસ નોંધાયા છે. જેમાં 576 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. તેમજ ડેન્ગ્યુનાં 117 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી 10 દર્દીઓનાં રિપોર્ટ પોઝીટીવ હતા. આ ઉપરાંત મેલેરિયાનાં 95 દર્દીઓનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 12 દર્દીનાં રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જ્યારે ચીકનગુનિયાનાં 20 દર્દીનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 4 દર્દીનાં રિપોર્ટ પોઝીટીવ હતા. તેમજ સ્વાઈન ફ્લુનો કોઈ દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો નથી. આ રીતે ગયા અઠવાડિયે જુદા જુદા રોગનાં દર્દીઓ હોસ્પિટલમાં નોંધાવા પામ્યા હતા.

ગાંધીનગરમાં શંકાસ્પદ ઝિકા વાયરસનો કેસ પોઝિટિવ, આરોગ્ય વિભાગ સતર્ક

ગાંધીનગર: શહેરમાં એક વ્યક્તિમાં ઝીકા વાયરસના લક્ષણો દેખાતા તેમનું સેમ્પલ પૂણેની લેબમાં મોકલવામાં આવ્યું હતું. આ સેમ્પલ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ઝિકા વાયરસનો કેસ નોંધાતા ગાંધીનગર મનપાનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. જે વિસ્તારમાં કેસ નોંધાયો છે ત્યાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. એડિસ મચ્છરથી ઝીકા વાયરસ ફેલાતો હોય છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 5 ઝીકા વાયરસના કેસ નોંધાયા છે.આ બાબતે ડોકટરનું કહેવું છે કે,સેક્ટર-5માં રહેતા 75 વર્ષીય વડીલમાં ઝીકા વાયરસના લક્ષણો જણાયા હતા. આથી તેમનું સેમ્પલ પૂણેની લેબમાં મોકલાયું હતું. લેબના રિપોર્ટમાં ઝીકા પોઝિટિવ આવ્યો છે. હાલ દર્દીની સ્થિતિ સારી છે. દર્દીની હાલત સ્થિર હોવાથી તેમને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. જો કે એન્ટી લારવા, ફોગીંગ અને ફીવર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.ઝિકા વાયરસ સંક્રમિત એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે અને વરસાદ દરમિયાન તેનું જોખમ વધી જાય છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની જેમ ઝિકા પણ વાયરલ ચેપ છે. જ્યારે આનો ચેપ લાગે છે, ત્યારે લોકોને તાવ, માથાનો દુઃખાવો, સાંધામાં દુઃખાવો, સ્નાયુઓમાં દુઃખાવો, લાલ આંખો અને ત્વચા પર ફોલ્લીઓ જેવા લક્ષણો દેખાય છે. ઝિકા વાયરસ મચ્છર કરડવાના 2 થી 7 દિવસમાં ચેપનું કારણ બને છે અને ઘણા કિસ્સાઓમાં તેના લક્ષણો દેખાતા નથી. તેથી ચેકઅપ જરૂરી છે. ડોકટરોના મતે ઝિકા એ સગર્ભા સ્ત્રીઓને સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે છે. આથી સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે. લક્ષણો દેખાય કે તરત જ રિપોર્ટ કરાવવો જોઈએ.

પ્રયાગરાજમાં અખાડા પરિષદની બેઠકમાં હંગામો

મહાકુંભ 2025 પહેલા અખાડાઓ વચ્ચેના પરસ્પર મતભેદો સામે આવ્યા છે. અખાડાઓની જમીનની ચકાસણી પહેલા 13 અખાડાઓના સંતો-મુનિઓ ફેર ઓથોરિટીની ઓફિસે બેઠક માટે પહોંચ્યા હતા. આ દરમિયાન નિર્મોહી અખાડાના મહંત રાજેન્દ્ર દાસની એક સાધુ સાથે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો અને તે મારામારીમાં પરિણમ્યો હતો. આ દરમિયાન અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી સ્વામી હરિ ગિરી મહારાજે પણ અન્ય જૂથના સંતને માર માર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ લડાઈ અખાડાઓના ઋષિ-મુનિઓના બે જૂથો વચ્ચે થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સભા દરમિયાન એક જૂથ હર હર મહાદેવના નારા લગાવી રહ્યું હતું. જેના કારણે બીજા જૂથના સંતો ગુસ્સે થઈ ગયા અને મારપીટ કરવા લાગ્યા.

મહાકુંભ 2025ને લઈને અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા પ્રયાગરાજમાં એક બેઠક બોલાવવામાં આવી હતી. બેઠક દરમિયાન અખાડાના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન સંતો અને મુનિઓ વચ્ચે લડાઈ થઈ. અખાડા પરિષદની બેઠકમાં થયેલી લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા પણ અખાડાઓ બે જૂથમાં વહેંચાઈ જવાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં બધુ ઠીક થઇ જશે તેમ જણાવાયું હતું. પરંતુ આવું ન થયું. મહાકુંભને લઈને બોલાવવામાં આવેલી બેઠકમાં અખાડાના બે જૂથો વચ્ચેનો ઝઘડો સામે આવ્યો હતો. અખાડા પરિષદમાં ઘણા સમયથી વિવાદ અને જૂથવાદ ચાલી રહ્યો છે.

સંતો વચ્ચે લડાઈ

મળતી માહિતી મુજબ, અખાડા પરિષદ દ્વારા પ્રયાગરાજમાં 2025 મહાકુંભના સંગઠનને લઈને એક બેઠક બોલાવવામાં આવી હતી. એવું માનવામાં આવતું હતું કે મહાકુંભ પહેલા અખાડા પરિષદના બંને જૂથો એક થઈ જશે. આ શક્યતા પણ ઉભી થઈ હતી. મહા કુંભને લઈને અખાડા પરિષદ દ્વારા ટૂંક સમયમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈને અપેક્ષા નહોતી કે આ બેઠક દરમિયાન બે જૂથોમાં વહેંચાયેલા સંતો અને મુનિઓ એકબીજા સામે લડવા માટે બહાર આવશે.

કાર લાયસન્સ પર 7500kg વાહન ચલાવવા પર સુપ્રીમની મહોર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કોમર્શિયલ ડ્રાઈવરોને લઈને મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. લાઈટ મોટર વ્હિકલ (L.M.V.) ડ્રાઈવિંગ લાઇસન્સ ધારકોને 7500 કિલો (માલ વગર) સુધીના ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવવાની સુપ્રીમે છૂટ આપી દીધી છે. આ ચુકાદાને પગલે હવેથી વીમા કંપનીઓ ક્લેઇમને લાઈસન્સના પ્રકારના આધારે નકારી નહીં શકે અને લોકોને પણ અલગથી લાઇસન્સ કઢાવવાની મંજૂરી મેળવવામાંથી રાહત મળશે.મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં પાંચ ન્યાયાધીશની બંધારણીય બેન્ચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રીમની બેન્ચે ચુકાદામાં નોંધ્યું હતું કે એલ.એમ.વી. અને ટ્રાન્સપોર્ટ વાહનો બન્ને સંપૂર્ણ રીતે અલગ નથી. બંને વચ્ચે અંશતઃ સમાનતા જોવા મળે છે. જેને પગલે 7500 કિલો (માલ વગર) સુધીના ટ્રાન્સપોર્ટ વાહનોને એલ.એમ.વી. લાઇસન્સ ધારકો પણ ચલાવી શકશે. સુપ્રીમે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, જે વાહનોમાં અતી તીવ્રતાવાળા જોખમકારક પદાર્થોને ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યા હોય તેના માટે વિશેષ લાયકાતની જે જરૂરિયાત હોય છે તેને હટાવવામાં નહીં આવે. એટલે કે સુપ્રીમનો ચુકાદો જોખમકારક માલ સામાનની હેરફેર કરતા વાહનોને લાગુ નહીં પડે. તેના માટે અગાઉના નિયમો લાગુ રહેશે. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો, સીટ બેલ્ટનો ઉપયોગ ન કરવો કે હેલમેટ ન પહેરવું વગેરેને કારણે પણ અકસ્માતો થાય છે. આ તમામ કારણોમાં ક્યાંય પણ એ સાબિત નથી થતું કે એલએમવી લાઇસન્સ ધારકો ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવે તો તેને કારણે અકસ્માતો થાય છે.

પાવાગઢ મહાકાળી મંદિર ચોરી બાદ આસ્તિકો માટે બે દિવસ માટે બંધ રહેશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવલે મહાકાલી મંદિર આગામી સમયમાં બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આવતીકાલે એટલે કે, 8 નવેમ્બરને શુક્રવારના રોજ સાંજના 4 થી બીજા દિવસે સવારે 6:00 વાગ્યાં સુધી દર્શનાર્થીઓ માટે પાવાગઢ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાવાગઢ મંદિરમાં થયેલી ચોરી મામલે પોલીસને ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે સોના-ચાંદીના દાગીના સહીત કુલ 78 લાખની ચોરી કરનાર ચોરને મુદ્દામાલ સહિત ઝડપી પડાયો છે. મંદિરમાં માતાજીના આભુષણોની ચોરી થઇ હતી. જેમાં સોના ચાંદીના દાગીના સહિત કુલ 78 લાખની ચોરી કરનાર સુરતના અંતરિયાળ ગામડાનો સટ્ટાખોર શખ્સ પાવાગઢ મંદિરમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. આ શખ્સે રાત્રીના સમયે નિજમંદિરના વેન્ટિલેશનને તોડી ગર્ભ ગ્રુહમાં પ્રવેશીને 6 સોનાના હાર અને મુકૂટ સહિતની ચોરી કરી હતી. સમગ્ર મામલે પોલીસે સુરતના અંતરિયાળ ગામડાના સટ્ટાખોરને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના બાદ મંદિરના શુદ્ધિકરણ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પાવાગઢ ખાતે મંદિરના ગર્ભગૃહમાંથી આભૂષણોની ચોરીની ઘટના બાદ મંદિરના શુદ્ધિકરણ માટે આવતીકાલે સાંજના 4 વાગ્યાથી મહાકાળી મંદિર બંધ રખાશે. બીજા દિવસે 9 નવેમ્બર સવારે 6 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. 7 નવેમ્બર ના રોજ મંદિરના ગર્ભગૃહમા પ્રવેશી ચોરીની ઘટના બાદ મંદિરના શુદ્ધિકરણ માટે મંદિર બંધ રખાશે.

જેટ એરવેઝની સંપત્તિઓ વેચવાનો ‘સુપ્રીમ’ આદેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે નાણાકીય સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલી જેટ એરવેઝની સંપત્તિને વેચવાનો આદેશ આપ્યો છે. કોર્ટે NCLATનો નિર્ણયને ફગાવી દીધો છે. NCLATએ માર્ચ 2024માં જેટ એરવેઝની માલિકી માટે રિઝોલ્યુશન પ્લાન હેઠળ જાલાન-કાલરોક કોન્સોર્શિયમ (JKC)ને આપવાનો ચુકાદો આપ્યો હતો.

જોકે NCLATના આ આદેશને SBIની આગેવાની અને બાકીના લેણદારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુનાવણી બાદ CJI DY ચંદ્રચૂડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે 16 ઓક્ટોબરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. એને CJI DY ચંદ્રચૂડની આગેવાનીમાં ત્રણ જજોની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. ચીફ CJI 10 નવેમ્બરે નિવૃત્ત થવાના છે. જાલાન-કાલરોક દ્વારા આપવામાં આવેલા 150 કરોડ રૂપિયાની બેન્ક ગેરન્ટી આપી હતી, જેને પણ જપ્ત કરવાનો આદેશ કોર્ટે આપ્યો હતો.

જેટ એરવેઝને SBIએ સૌથી વધુ લોન આપી હતી, તેથી બેંકે NCLT મુંબઈ સમક્ષ કંપની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરી હતી. જૂન, 2021માં જાલાન-કાલરોકે NCLTની નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ જેટ એરવેઝની બિડ જીતી હતી. ત્યારથી માલિકી ટ્રાન્સફર અંગે JKC અને લેન્ડર્સ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.

1990ના દાયકાની શરૂઆતમાં ટિકિટિંગ એજન્ટમાંથી ઉદ્યોગસાહસિક બનેલા નરેશ ગોયલે જેટ એરવેઝ ઈન્ડિયા લિમિટેડ શરૂ કરીને લોકોને એર ઈન્ડિયાનો વિકલ્પ આપ્યો હતો. એક સમયે જેટ પાસે કુલ 120 વિમાનો હતાં અને તે અગ્રણી એરલાઇન્સમાંની એક હતી.

જ્યારે ‘ધ જોય ઓફ ફ્લાઈંગ’ ટેગ લાઈન ધરાવતી કંપની તેની પીક પર હતી ત્યારે તે દરરોજ 650 ફ્લાઈટ્સ ઓપરેટ કરતી હતી. જ્યારે કંપની બંધ થઈ ત્યારે તેની પાસે માત્ર 16 વિમાનો જ બચ્યાં હતાં. માર્ચ, 2019 સુધીમાં કંપનીની ખોટ 5535.75 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

શાહરૂખ ખાનને ધમકી, હરણનું કનેક્શન સામે આવ્યું

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળવાના કેસમાં હવે એક રસપ્રદ વળાંક આવ્યો છે. હવે આ કેસમાં પણ હરણનું કનેક્શન સામે આવ્યું છે. ગુરુવારે એવું સામે આવ્યું કે કોઈએ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશન પર ફોન કરીને શાહરૂખને મારી નાખવાની ધમકી આપી હતી. કેસની તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે આ કોલ રાયપુરથી કરવામાં આવ્યો હતો. જે નંબર પરથી કોલ કરવામાં આવ્યો હતો તે ફૈઝાન ખાન નામના વ્યક્તિનો છે.

ફૈઝાને કહ્યું કે તેનો ફોન 2 નવેમ્બરે ચોરાઈ ગયો હતો. પરંતુ હવે ફૈઝાને ચોંકાવનારો દાવો કર્યો છે. તેના દાવાને હરણના શિકાર સાથે કનેક્શન છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે સંબંધિત કાળિયાર શિકારનો મામલો 24 વર્ષ બાદ પણ ચર્ચામાં છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, જેણે સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી, તેણે શિકારના કેસને બોલીવુડના સુપરસ્ટાર સાથેની દુશ્મનીનું કારણ ગણાવ્યું છે.

મળતી માહિતી મુજબ, શાહરૂખ ખાનને ધમકાવવાના આરોપી ફૈઝાન ખાને કહ્યું છે કે તેણે શાહરૂખ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આથી તેને હવે ધમકીઓ આપવાના કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. ફૈઝાને કહ્યું કે તેણે શાહરૂખ વિરુદ્ધ ‘બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવા’ માટે ફરિયાદ નોંધાવી હતી. એક વીડિયોની લિંક શેર કરતા તેણે શાહરૂખ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ફૈઝાનનો આરોપ છે કે ફિલ્મ ‘અંજામ’ (1994)માં શાહરૂખે બતાવ્યું કે તેણે એક હરણને મારી નાખ્યું હતું અને તેણે તેના સ્ટાફને તે હરણનું માંસ રાંધીને ખાવાનું કહ્યું હતું. ફૈઝાનનો આરોપ છે કે ફિલ્મમાં આવા સીન બતાવવાથી બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ થઈ શકે છે. એક વીડિયોમાં ફૈઝાને આરોપ લગાવ્યો છે કે શાહરૂખના કેટલાક આતંકી તત્વો સાથે પણ કનેક્શન છે.

સલમાન બાદ શાહરુખને મારી નાખવાની મળી ધમકી

મુંબઈ: બોલિવૂડના કોરિડોરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અભિનેતાને ધમકીનો ફોન આવ્યો છે. પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. મુંબઈ પોલીસના વરિષ્ઠ સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. હાલ મુંબઈ પોલીસે આ મામલાના તળિયે જવા માટે તપાસ શરૂ કરી છે અને તે અંગે વધુ માહિતી મેળવવામાં વ્યસ્ત છે. કહેવામાં આવી રહ્યું છે કે જે નંબર પરથી ફોન કોલ આવ્યો છે તે ફૈઝાન નામથી રજિસ્ટર્ડ છે.

પોલીસ પર ફોન આવ્યો

શાહરૂખ ખાનને મળેલી આ ધમકી અંગે બાંદ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને ફોન કરી કિંગ ખાનને મારવાની ધમકી આપવામાં આવી હતી.જો કે, કોલ કરનાર વ્યક્તિએ કોઈ રકમ જાહેર કરી નથી. મતલબ કે હજુ સુધી કોઈ પણ પ્રકારના પૈસાની માંગ કરી નથી. હાલમાં પોલીસને શાહરૂખ ખાનની ટીમ તરફથી હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી.

સલમાન ખાન બાદ હવે શાહરૂખ ખાનને ધમકી મળી છે

ઉલ્લેખનીય છે કે સલમાન ખાનને ધમકી મળ્યા બાદ હવે શાહરૂખને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તાજેતરમાં પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યાએ લોકોને ચોંકાવી દીધા હતા. બાબા સિદ્દીકી તેમના પુત્રની ઓફિસમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચતા જ ખબર પડી કે તેઓ મૃત્યુ પામ્યા છે. આ સમગ્ર મામલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈએ લીધી હતી, જેણે સલમાન ખાનને સતત ધમકી આપી હતી. લોરેન્સ બિશ્નોઈ જેલમાં બેસીને આવા ગુના કરી રહ્યા છે.

આ મામલે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે

પોલીસ પણ આ મામલે સતત કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધી આ કેસમાં ઘણી ધરપકડ પણ કરવામાં આવી છે. જો કે શાહરૂખ ખાનને ધમકી આપનાર વ્યક્તિ કોણ છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. અગાઉના કેસમાં અત્યાર સુધીમાં ઘણી ધરપકડ કરવામાં આવી છે. આ મામલો સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગથી શરૂ થયો હતો. આ પછી તેના પિતાને લોરેન્સ બિશ્નોઈના નામે સ્કૂટર પર સવાર બે લોકોએ ધમકી આપી હતી. આ પછી બાબા સિદ્દીકીની હત્યાએ મામલો વધુ પેચીદો બનાવી દીધો. આ ઘટના બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. જો કે મુનાવર ફારૂકી અને એપી ધિલ્લોનને પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી છે.