Home Blog Page 124

વિધાનસભા ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાની શક્યતા

નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીઓ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો થવાની શક્યતા છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવોને કારણે રિફાઇનરી કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે. જેને કારણે ઇંધણના ભાવમાં પ્રતિ લિટર રૂ. 25થી રૂ. 28 સુધીનો વધારો થવાની શક્યતા છે. એવો સંકેત ઘરેલુ બ્રોકરેજ ફર્મ કોટક ઇન્સિસ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે આપ્યો છે. કોટેકે ક્રૂડ ઓઇલના વાયદા બજાર (ફ્યુચર્સ) અને હાજર બજાર (ફિઝિકલ માર્કેટ) વચ્ચે વધતા અંતરને પણ દર્શાવ્યો છે. આ અંતર ઓઇલની સપ્લાયમાં સતત અછત અને નજીકના ભવિષ્યમાં રાહત મળવાની મર્યાદિત શક્યતા બતાવે છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળાને કારણે દેશનું આયાત બિલ નોંધપાત્ર રીતે વધ્યું છે. આ વર્ષે માર્ચ અને એપ્રિલ દરમિયાન ભારત દ્વારા ક્રૂડ ઓઇલની આયાતની માત્રામાં 13થી 15 ટકા ઘટાડો નોંધાયો છે. છતાં ક્રૂડ ઓઇલના આયાત બિલમાં અંદાજે દરરોજ 19થી 21 કરોડ ડોલરનો વધારો થયો છે.

રિપોર્ટ મુજબ કોટકનું કહેવું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે વધારો છતાં દેશમાં અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. કોટકના જણાવ્યા મુજબ  આ પરિસ્થિતિને કારણે રિફાઇનરો પર આર્થિક બોજ વધ્યો છે, જેની અંદાજિત વધારાની અસર દર મહિને લગભગ રૂ. 270 અબજ જેટલો છે. જોકે સરકારે એક્સાઇઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર રૂ. 10નો કાપ મૂક્યો છે અને નિકાસ પર ‘વિન્ડફોલ ટેક્સ’ ફરી લાગુ કર્યો છે, પરંતુ આ પગલાં માત્ર આંશિક રાહત પૂરું પાડે છે. ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો શક્ય

કોટકે કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાના પક્ષમાં દલીલો ખૂબ મજબૂત છે. પરંતુ વધારો ક્યારે થશે, તે સંપૂર્ણપણે રાજકીય પરિસ્થિતિઓ અને વિચારણાઓ પર આધારિત રહેશે. અંતિમ તબક્કાનું મતદાન 29 એપ્રિલે થશે. તેથી ભાવોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ચૂંટણી પૂર્ણ થયા બાદ જ થવાની શક્યતા છે.

૨3 એપ્રિલ ૨૦૨૬

પંચાંગ 23/04/2026

આજે મહાસંગ્રામ : બંગાળમાં 152 અને તમિલનાડુની તમામ બેઠકો પર મતદાન

આજે 23 April ના રોજ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં 152 બેઠકો માટે CAPF ની 2407 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે, જેમાં અંદાજે 2.5 લાખ જવાનો સુરક્ષા આપશે. બીજી તરફ તમિલનાડુની તમામ 234 બેઠકો પર પણ 1.47 લાખ સુરક્ષાકર્મીઓ તૈનાત છે. બંગાળમાં નંદીગ્રામ અને ભવાનીપુર જેવી બેઠકો પર હાઈ-પ્રોફાઈલ જંગ જામ્યો છે. ચૂંટણી પંચે સુરક્ષા માટે બખ્તરબંધ ગાડીઓ ઉતારી છે, જેનો ટીએમસી વિરોધ કરી રહી છે જ્યારે ભાજપ તેને જરૂરી ગણાવી રહ્યું છે.

પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, જે ચૂંટણીના પરિણામો માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે. આ તબક્કામાં દાર્જિલિંગ, કલિમપોંગ, મુર્શિદાબાદ અને માલદા જેવી મહત્વની બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ખાસ કરીને નંદીગ્રામ અને ભવાનીપુર બેઠકો પર સૌની નજર છે, જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપના શુભેન્દુ અધિકારી વચ્ચે કાંટાની ટક્કર છે. અગાઉના વર્ષોમાં થયેલી હિંસાને જોતા ચૂંટણી પંચે આ વખતે કોઈ જોખમ લેવાનું ટાળ્યું છે. બંગાળમાં અંદાજે 3.4 કરોડ મતદારોના ભાવિનો ફેંસલો કરવા માટે 2.5 લાખ જેટલા અર્ધસૈનિક દળોના જવાનો ખડેપગે છે. એટલે કે, દર 100 થી 130 મતદારો પર એક જવાન સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યો છે.

સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો, કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના CRPF, BSF, CISF અને ITBP જેવા દળોની 2407 કંપનીઓ બંગાળમાં ઉતારવામાં આવી છે. રસ્તાઓ પર ફરતી CRPF ની બખ્તરબંધ ગાડીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ગાડીઓ પથ્થરમારો કે પેટ્રોલ બોમ્બ ફેંકવાની સ્થિતિમાં જવાનો માટે રક્ષણાત્મક કવચનું કામ કરે છે. ટીએમસીએ આટલી મોટી સંખ્યામાં દળોની તૈનાતી સામે સવાલ ઉઠાવ્યા છે અને તેને મતદારોને ડરાવવાનો પ્રયાસ ગણાવ્યો છે, જ્યારે ભાજપનું કહેવું છે કે ટીએમસીના ગુંડાઓથી મુક્ત અને નિષ્પક્ષ મતદાન કરાવવા માટે આ વ્યવસ્થા અનિવાર્ય છે.

તમિલનાડુમાં પણ આજે લોકશાહીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જ્યાં 5.73 કરોડ મતદારો 4,618 ઉમેદવારોનું નસીબ ઈવીએમમાં કેદ કરશે. રાજ્યમાં 75,032 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેમાંથી 5,938 મથકોને ‘સંવેદનશીલ’ જાહેર કરવામાં આવ્યા છે. અહીં અંદાજે 1.47 લાખ સુરક્ષાકર્મીઓ ફરજ પર છે, જેમાં પોલીસ, હોમગાર્ડ અને નિવૃત્ત સૈનિકોનો પણ સમાવેશ થાય છે. તમિલનાડુમાં મુખ્ય સ્પર્ધા DMK અને AIADMK વચ્ચે છે, જેમાં એમ.કે. સ્ટાલિન જેવી મોટી હસ્તીઓની પ્રતિષ્ઠા દાવ પર છે. 514 વાહનોમાં વિશેષ દળો સતત ગશ્ત કરી રહ્યા છે જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તુરંત કાર્યવાહી કરી શકાય.

બંગાળમાં ચૂંટણી હિંસાનો ઈતિહાસ અત્યંત ડરામણો રહ્યો છે. 2021 ની ચૂંટણી દરમિયાન અને પરિણામો બાદ થયેલી હિંસામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ જ કારણ છે કે આ વખતે ચૂંટણી પંચે મતદાન પૂર્ણ થયા બાદ પણ સુરક્ષા દળોની 500 કંપનીઓને આગામી 6 મહિના સુધી બંગાળમાં તૈનાત રાખવાનો નિર્ણય કર્યો છે. કોલકાતા, હાવડા અને બેરકપુર જેવા વિસ્તારોમાં સૌથી વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વેબકાસ્ટિંગ દ્વારા દરેક મતદાન મથક પર સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી કોઈ પણ ગેરરીતિની શક્યતા ન રહે.

મિશન બંગાળ માટે અમિત શાહની 4 કલાકની મેરેથોન બેઠક

પશ્ચિમ બંગાળમાં ૨૩ એપ્રિલે યોજાનારા પ્રથમ તબક્કાના મતદાન પહેલા અમિત શાહે કોલકાતામાં મોરચો સંભાળ્યો છે. તેમણે ૪ કલાક લાંબી બેઠક યોજીને ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. પશ્ચિમ બર્ધમાનની રેલીમાં તેમણે ટીએમસી પર આકરા પ્રહારો કરતા યુસીસી લાગુ કરવાનું, ઘૂસણખોરી રોકવાનું અને દર વર્ષે ૧ લાખ નોકરીઓ આપવાનું વચન આપ્યું છે. બંગાળમાં પ્રથમ તબક્કામાં ૧૫૨ બેઠકો પર ૨૩ એપ્રિલે અને બીજા તબક્કામાં ૨૯ એપ્રિલે મતદાન થશે, જેના પરિણામો ૪ મે ના રોજ જાહેર થશે.

ચૂંટણી પ્રચારના ભાગરૂપે મંગળવારે અમિત શાહે પશ્ચિમ બર્ધમાનના કુલટીમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મમતા બેનર્જીની સરકાર પર ભ્રષ્ટાચાર, કથળતી કાયદો અને વ્યવસ્થા તથા ઘૂસણખોરી જેવા મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. શાહે જનતાને વિશ્વાસ અપાવ્યો હતો કે જો બંગાળમાં ભાજપની સરકાર બનશે તો રાજ્યને ઘૂસણખોરોથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે બંગાળમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત રાજ્યમાં ૪ લગ્ન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી હતી.

રોજગારના મુદ્દે યુવાનોને આકર્ષતા અમિત શાહે વચન આપ્યું હતું કે ભાજપ સત્તા પર આવતા જ દર વર્ષે લાયકાતના આધારે ૧ લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે. તેમણે કુલટી વિસ્તારની જૂની ઓળખ યાદ અપાવતા કહ્યું કે આ પ્રદેશ દેશના લોખંડ ઉત્પાદનનું કેન્દ્ર હતો, પરંતુ ટીએમસી સરકારની નીતિઓને કારણે તે બદહાલ થઈ ગયો છે. ભાજપ આ લોખંડ નગરીની જૂની ઓળખ પુનઃસ્થાપિત કરશે, ગેરકાયદેસર ખનન અટકાવશે અને પ્રદૂષણ ફેલાવતા એકમો પર પ્રતિબંધ મૂકીને સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરશે.

નેપાળમાં 26 દિવસમાં જ ગૃહમંત્રી સુદાન ગુરુંગનું રાજીનામું

નેપાળની નવી સરકારમાં ગૃહમંત્રી તરીકે નિયુક્ત થયેલા સુદાન ગુરુંગે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો બાદ રાજીનામું આપ્યું છે. વિવાદાસ્પદ કારોબારી દીપક ભટ્ટની કંપનીઓ સાથે નાણાકીય સાંઠગાંઠ હોવાના અહેવાલો બાદ નેપાળની રાજનીતિમાં ગરમાવો આવ્યો હતો. ગુરુંગે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તપાસ નિષ્પક્ષ રહે તે હેતુથી તેઓ પદ છોડી રહ્યા છે. નોંધનીય છે કે ગૃહમંત્રી બન્યા બાદ તેમણે પૂર્વ પીએમ કેપી ઓલી અને રમેશ લેખકની ધરપકડ કરાવીને સનસનાટી મચાવી હતી.

સુદાન ગુરુંગ પર લાગેલા આરોપો અત્યંત ચોંકાવનારા છે. નેપાળી અખબાર ઈ-કાંતિપુરના અહેવાલ અનુસાર, રાજકારણમાં પ્રવેશતા પહેલા ગુરુંગ ‘હામી નેપાળ’ નામના સામાજિક સંગઠનના વડા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આ સંગઠનને ફેબ્રુઆરી 2025 માં વિવાદાસ્પદ ઉદ્યોગપતિ દીપક ભટ્ટ સાથે સંકળાયેલી કંપનીઓના ખાતામાંથી આશરે 5 કરોડ રૂપિયા મળ્યા હતા. દીપક ભટ્ટ હાલમાં મની લોન્ડરિંગના ગંભીર કેસોમાં તપાસના ઘેરામાં છે. જ્યારે આ માહિતી સાર્વજનિક થઈ, ત્યારે પરિવર્તન અને સ્વચ્છ રાજનીતિના નામે સત્તામાં આવેલી ગુરુંગની પાર્ટી પર ભારે દબાણ આવ્યું હતું.

ગુરુંગે તેમના રાજીનામા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું કે, ‘હિતોનો સંઘર્ષ’ (Conflict of Interest) ટાળવા માટે તેઓ પદ છોડી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો તેઓ ગૃહમંત્રીના પદ પર રહેશે તો તપાસ પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે તપાસના અંતિમ પરિણામ બાદ જ તેઓ પોતાના રાજકીય ભવિષ્ય અંગે કોઈ નિર્ણય લેશે. બે દિવસ સુધી ચાલેલા પક્ષના આંતરિક વિખવાદ અને વધતા જતા જાહેર આક્રોશ બાદ આખરે ગુરુંગે આ આકરો નિર્ણય લેવો પડ્યો હતો.

આસ્થાને નામે છેતરપિંડીઃ વૈષ્ણોદેવીમાં ચઢાવવામાં આવેલી 95 ટકા ચાંદી નકલી!

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં આવેલા માતા વૈષ્ણો દેવી મંદિરમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે અને માતાજીને ચાંદી ચઢાવે છે. પરંતુ હવે બહાર આવ્યું છે કે અનેક શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી થઈ રહી છે. કારણ કે સરકારી ટંકસાળે તાજેતરમાં મંદિરમાં ચઢાવવામાં આવેલી અનેક ટન ચાંદીની તપાસ કરી, ત્યારે  જાણવા મળ્યું હતું કે આ ચાંદીની વસ્તુઓમાં માત્ર 5-6  ટકા જ ચાંદી છે, જ્યારે બાકીમાં કેડમિયમ અને લોખંડ છે. ચાંદીની સરખામણીએ આ ધાતુઓની કિંમત બહુ ઓછી હોય છે. અહેવાલોમાં એ દાવો ટંકસાળના વરિષ્ઠ અધિકારીઓના હવાલાથી કરવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ વૈષ્ણો દેવી માર્ગ આસપાસના જ્વેલર્સ પર શંકા વ્યક્ત થઈ રહી છે કે તેઓ યાત્રાળુઓને ચાંદીને નામે ભેળસેળવાળી વસ્તુઓ વેચી રહ્યા છે.

 ચાંદીને નામે કરોડોની છેતરપિંડી

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે લગભગ 20 ટન ચાંદી સ્ટાન્ડર્ડ મેલ્ટિંગ અને સંગ્રહ માટે સરકારી ટંકસાળમાં મોકલી હતી. બોર્ડને બજાર ભાવ મુજબ આશરે રૂ. 500થી રૂ. 550 કરોડની ચાંદી મળવાની આશા હતી, પરંતુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તેમાં માત્ર રૂ. 30 કરોડ જેટલી જ અસલી ચાંદી હોવાની શક્યતા છે.

હાલમાં એક કિલો ચાંદીનો ભાવ આશરે રૂ. 2.75 લાખ છે, જ્યારે ચાંદી જેવી દેખાતી કેડમિયમ માત્ર રૂ. 400થી રૂ. 500 પ્રતિ કિલોના ભાવે મળે છે. કેડમિયમને સગી આંખે જોતાં ચાંદી જેવી જ લાગે છે. આવી ભેળસેળવાળી વસ્તુઓ આરોગ્ય માટે પણ જોખમી છે, કારણ કે તેને ગરમ કે ઓગાળવામાં આવે ત્યારે કેન્સરકારક ઝેરી વાયુ બહાર પડે છે. તેથી ભારતીય માનક બ્યુરોએ સામાન્ય વપરાશની વસ્તુઓમાં તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

શું કાર્યવાહી થઈ?

સરકારી ટંકસાળે છેલ્લા એક વર્ષમાં આ મુદ્દો અનેક વખત સત્તાવાર રીતે ઉઠાવ્યો છે. ટંકસાળે જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ અને માતા વૈષ્ણોદેવી મંદિર બોર્ડને પત્રો પણ લખ્યા છે, પરંતુ બંને તરફથી હજુ સુધી કોઈ લેખિત કાર્યવાહી થઈ નથી. ઉપ રાજ્યપાલ મનોજ સિંહાને મોકલાયેલા પત્રમાં ટંકસાળે ચાંદીની વસ્તુઓમાં કેડમિયમ ભેળસેળ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

માલેગાંવ બોમ્બ વિસ્ફોટઃ ચાર આરોપીઓને હાઇકોર્ટ દ્વારા છોડી મુકાયા

મુંબઈઃ માલેગાંવમાં વર્ષ 2006માં થયેલા બોમ્બ વિસ્ફોટ કેસમાં હાઇકોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસની સુનાવણી દરમિયાન બોમ્બે હાઇકોર્ટે આરોપી લોકેશ શર્મા, ધનસિંહ, રાજેન્દ્ર ચૌધરી અને મનોહર નરવરિયાને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. મસ્જિદ પાસે થયેલા સિરિયલ વિસ્ફોટોમાં 37 લોકોનાં મોત થયાં હતાં.

NIA કોર્ટે પણ કર્યા હતા બરી

આ પહેલાં વિશેષ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કોર્ટે 2008ના માલેગાંવ વિસ્ફોટ કેસમાં તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ સાત આરોપીઓમાં ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, મેજર (નિવૃત્ત) રમેશ ઉપાધ્યાય, સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર, સુધાકર ધર દ્વિવેદી (જેઓ શંકરાચાર્યને નામે પણ ઓળખાય છે) અને સમીર કુલકર્ણીનો સમાવેશ થતો હતો. કોર્ટે પૂરતા પુરાવાના અભાવને કારણે ગેરકાયદે પ્રવૃત્તિઓ (રોકથામ) અધિનિયમ (UAPA), શસ્ત્ર અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળના તમામ આરોપો હટાવ્યા હતા.

માલેગાંવમાં વિસ્ફોટ ક્યારે થયો હતો

આ વિસ્ફોટ 29 સપ્ટેમ્બર, 2008એ થયો હતો, જ્યારે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં ભિક્કુ ચોક મસ્જિદ પાસે એક મોટરસાઇકલમાં મૂકવામાં આવેલો બોમ્બ ફાટ્યો હતો. આ ઘટના રમજાનના પવિત્ર મહિના દરમિયાન અને હિંદુ તહેવાર નવરાત્રિ પહેલાં બની હતી. સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ ગણાતા આ શહેરમાં થયેલી આ ઘટનામાં અનેક લોકોનાં મોત થયાં હતાં અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ કેસની સુનાવણી દરમિયાન અભિયોજન પક્ષે 323 સાક્ષીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જોકે તેમાંના 34 સાક્ષીઓ પોતાના નિવેદનમાંથી ફરી ગયા હતા, જેને કારણે અભિયોજન પક્ષનો કેસ ઘણો નબળો પડી ગયો.

આ કેસની શરૂઆતની તપાસ મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી દળ (ATS) દ્વારા કરવામાં આવી હતી, જેણે આરોપીઓને ધરપકડ કરી હતી અને ચાર્જશીટ દાખલ કરી હતી. વર્ષ 2011માં તપાસ NIAને સોંપવામાં આવી હતી. ત્યાર બાદ 2016માં NIAએ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં કડક આતંકવાદવિરોધી કાયદા હેઠળ પૂરતા પુરાવા ન હોવાનો ઉલ્લેખ કરી સાધ્વી પ્રજ્ઞા સહિત કેટલાક આરોપીઓ સામેના આરોપો દૂર કરવામાં આવ્યા હતા.

મુંબઈ: ટ્રાફિકમાં ફસાયેલી મહિલાનો પોલીસ અને મંત્રી પર રોષ

મુંબઈના વરલીમાં મહિલા અનામત બિલના વિરોધ પ્રદર્શનને કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિક જામથી પરેશાન એક મહિલા મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજન અને પોલીસ સાથે ઉગ્ર દલીલ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મંગળવારે મુંબઈના વરલી વિસ્તારમાં મહિલા અનામત બિલને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. આ વિરોધ પ્રદર્શનને કારણે શહેરના વરલી વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રાફિક જામને કારણે મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગિરીશ મહાજનને એક મહિલાના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.

મહિલા બિલના સમર્થનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તા પર લાંબો ટ્રાફિક જામ હતો. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગિરીશ મહાજન પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા એવામાં મહિલાએ આવીને મંત્રી પર રોષ વ્યક્ત કર્યો હતો.

રેલીની વચ્ચે પહોંચીને, તેણીએ પોતાનો ગુસ્સો ઠાલવ્યો. ટ્રાફિક જામથી પરેશાન થયેલી મહિલા પોતાની કારમાંથી ઉતરી અને સીધી વિરોધ રેલીની વચ્ચે પહોંચી ગઈ. તેણીએ મંત્રી અને કાર્યકરો સાથે ઉગ્ર બોલાચાલી કરી. રાજકીય રેલીઓ દ્વારા જનતાને થતી અસુવિધા અંગે પ્રશ્ન ઉઠાવતા, તેણીએ કઠોર ભાષાનો ઉપયોગ કર્યો અને ભીડને વિખેરાઈ જવા કહ્યું, વિરોધીઓ પર બૂમ પાડી, “ગેટ આઉટ ફ્રોમ હિયર! તમે ટ્રાફિક અવરોધિત કરી રહ્યા છો.”

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

પોલીસ પર ગુસ્સો

માત્ર એટલું જ નહીં, મહિલા મુસાફરે મુંબઈ પોલીસ પર પણ પોતાનો ગુસ્સો ઠાલવ્યો. જ્યારે અધિકારીઓએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણીએ એક પોલીસ અધિકારી પર પ્રહાર કર્યો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરવાનો આગ્રહ રાખ્યો. આ વાતચીત પછી, અધિકારીઓ મહિલાને રસ્તાની બાજુમાં લઈ ગયા અને તેની સમસ્યા સાંભળવાનો પ્રયાસ કર્યો.

મહિલાના ગુસ્સાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિપક્ષી નેતાઓએ આ વીડિયો શેર કરીને શાસક પક્ષ પર નિશાન સાધ્યું છે. વિપક્ષનું કહેવું છે કે વિરોધના નામે જનતાને હેરાન કરવી ખોટું છે.

 

 ટ્રમ્પે કર્યું સીઝફાયર વધારવાનું એલાન

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેનું સીઝફાયર વધારવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી વાતચીત ચાલુ રહેશે, ત્યાં સુધી સીઝફાયર વધારવામાં આવી રહ્યું છે. જોકે ઈરાને ટ્રમ્પના આ નિર્ણયને સ્વીકાર્યો નથી અને તેને એકતરફી નિર્ણય ગણાવ્યો છે. બીજી તરફ, ટ્રમ્પે કહ્યું હતું કે ઇસ્લામાબાદમાં ચાલી રહેલી વાતચીત અધૂરી હોવા છતાં હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી યથાવત્ રહેશે. એટલે કે સીઝફાયર હોવા છતાં અમેરિકી સેના ઈરાની બંદરોની નાકાબંધી ચાલુ રાખશે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે પાકિસ્તાનની અપીલ બાદ ઈરાન સાથેનું સીઝફાયર વધારવામાં આવી રહ્યું છે. તેમણે લખ્યું હતું કે હાલમાં ઈરાનની સરકાર સંપૂર્ણ રીતે વીખેરાઈ ગઈ છે, તેથી પાકિસ્તાનના ફીલ્ડ માર્શલ આસિમ મુનીર અને વડા પ્રધાન શહબાઝ શરીફની વિનંતી પર ઈરાન પર તાત્કાલિક હુમલો નહીં કરવામાં આવે, જ્યાં સુધી તેઓ સર્વસંમતિથી કોઈ પ્રસ્તાવ રજૂ ન કરે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે સેનાને નાકાબંધી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે.

ઈરાને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ સીઝફાયર વધારવાના એલાનને સ્વીકાર્યો નથી. ઈરાની સંસદના સ્પીકરના સલાહકાર મહદી મોહમ્મદીએ ટ્રમ્પના આ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં ટ્રમ્પના સીઝફાયર એક્સ્ટેન્શન કોઈ મહત્વ રાખતું નથી. તેમણે એ પણ કહ્યું કે જે હારી રહ્યા હોય, તેમને શરતો લાદવાનો અધિકાર નથી.

એક તરફ ઈરાન આ સીઝફાયર સ્વીકારતું નથી, ત્યારે બીજી તરફ પાકિસ્તાન સરકારે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો છે. જાહેર નિવેદનમાં વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું હતું કે અમારી અપીલ સ્વીકારી સીઝફાયર વધારવા અને કૂટનીતિક માર્ગ પર આગળ વધવા માટે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર વ્યક્ત કરું છું. શહબાઝે આગળ કહ્યું હતું કે પાકિસ્તાન પર વિશ્વાસ દર્શાવવામાં આવ્યો છે અને અમે સંપૂર્ણ નિષ્ઠાથી વાતચીત આગળ વધારી મજબૂત શાંતિ કરાર લાવવા પ્રયત્ન કરીશું.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સીઝફાયર જાહેર કર્યા પછી ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે પોતાનો ઇસ્લામાબાદ પ્રવાસ રદ કરી દીધો છે. હવે પ્રશ્ન ઊભો થયો છે કે પાકિસ્તાનમાં થનારી પ્રસ્તાવિત ચર્ચાનું ભવિષ્ય શું રહેશે.