જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં આવેલા માતા વૈષ્ણો દેવી મંદિરમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે અને માતાજીને ચાંદી ચઢાવે છે. પરંતુ હવે બહાર આવ્યું છે કે અનેક શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી થઈ રહી છે. કારણ કે સરકારી ટંકસાળે તાજેતરમાં મંદિરમાં ચઢાવવામાં આવેલી અનેક ટન ચાંદીની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું હતું કે આ ચાંદીની વસ્તુઓમાં માત્ર 5-6 ટકા જ ચાંદી છે, જ્યારે બાકીમાં કેડમિયમ અને લોખંડ છે. ચાંદીની સરખામણીએ આ ધાતુઓની કિંમત બહુ ઓછી હોય છે. અહેવાલોમાં એ દાવો ટંકસાળના વરિષ્ઠ અધિકારીઓના હવાલાથી કરવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ વૈષ્ણો દેવી માર્ગ આસપાસના જ્વેલર્સ પર શંકા વ્યક્ત થઈ રહી છે કે તેઓ યાત્રાળુઓને ચાંદીને નામે ભેળસેળવાળી વસ્તુઓ વેચી રહ્યા છે.
ચાંદીને નામે કરોડોની છેતરપિંડી
શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે લગભગ 20 ટન ચાંદી સ્ટાન્ડર્ડ મેલ્ટિંગ અને સંગ્રહ માટે સરકારી ટંકસાળમાં મોકલી હતી. બોર્ડને બજાર ભાવ મુજબ આશરે રૂ. 500થી રૂ. 550 કરોડની ચાંદી મળવાની આશા હતી, પરંતુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તેમાં માત્ર રૂ. 30 કરોડ જેટલી જ અસલી ચાંદી હોવાની શક્યતા છે.
હાલમાં એક કિલો ચાંદીનો ભાવ આશરે રૂ. 2.75 લાખ છે, જ્યારે ચાંદી જેવી દેખાતી કેડમિયમ માત્ર રૂ. 400થી રૂ. 500 પ્રતિ કિલોના ભાવે મળે છે. કેડમિયમને સગી આંખે જોતાં ચાંદી જેવી જ લાગે છે. આવી ભેળસેળવાળી વસ્તુઓ આરોગ્ય માટે પણ જોખમી છે, કારણ કે તેને ગરમ કે ઓગાળવામાં આવે ત્યારે કેન્સરકારક ઝેરી વાયુ બહાર પડે છે. તેથી ભારતીય માનક બ્યુરોએ સામાન્ય વપરાશની વસ્તુઓમાં તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
શું કાર્યવાહી થઈ?
સરકારી ટંકસાળે છેલ્લા એક વર્ષમાં આ મુદ્દો અનેક વખત સત્તાવાર રીતે ઉઠાવ્યો છે. ટંકસાળે જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ અને માતા વૈષ્ણોદેવી મંદિર બોર્ડને પત્રો પણ લખ્યા છે, પરંતુ બંને તરફથી હજુ સુધી કોઈ લેખિત કાર્યવાહી થઈ નથી. ઉપ રાજ્યપાલ મનોજ સિંહાને મોકલાયેલા પત્રમાં ટંકસાળે ચાંદીની વસ્તુઓમાં કેડમિયમ ભેળસેળ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

